ગુજરાતી નિબંધ-સંપદા/માવજી મહેશ્વરી/આંબો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
આંબો

માવજી મહેશ્વરી

બહાર કેરી વેચવા નીકળેલો બૂમો પાડે છે.

મને ખબર છે કે નિરાશ જ થવાનું છે. છતાં હું મને રોકી શકતો નથી. હું પાકવા આવેલી એક કેરી ઉપાડી સૂંઘું છું. વેચનાર યુવાનના ગાલે મીઠાં ખંજન પડે છે. એ કહે છે – ‘સાહેબ, હુંગવાના જમાના ગયા. અવે તો બસ રંગ જોઈને લઈ લેવી. ખાટી ના નીકળે એની ગારંટી મારી.’

મને એ યુવાનની વેપારી કુશળતા ગમી જાય છે. એણે સાચું જ કહી દીધું. એ જમાનો વહી ગયો. એ સુગંધી જમાનો! પણ આ મન છે કે માનતું જ નથી. ફરી કરીને જઈ ચડે છે ત્યાં જ.

મારા બાળપણની યાદોનો પ્રદેશ. માંડવી મુન્દ્રાનો એ કંઠીપટ્ટ! આંબાનો પ્રદેશ. એ વખતે તો કોશથીય ખેતી થઈ શકતી. ધરતીના ધાવણ સુકાયાં ન હતાં. કચ્છમાં બિદડા ગામ આંબા માટે પ્રખ્યાત. બિડદાના આંબાનું વજન વડે. અમે દુકાળનાં માર્યા બિદડા આવેલા. હું કચ્છના સુક્કા વિસ્તારની દેશી-બાવળ, ખેર-ખીજડાથી ભરેલી ભોંયથી ટેવાયેલો. બિડા ગામની લીલીકુંજાર વાડીઓના રસ્તા હોળીની આસપાસ આંબાના મૉરથી સુગંધના દરિયા બની જતા. સુક્કાભઠ્ઠ પ્રદેશથી ટેવાયેલી મારી આંખોમાં એ બધું માંડ માંડ સમાતું. ગામના ‘વથાણ’માં આવેલી નિશાળની બારીમાંથી ચોકમાં ઊભેલી બકાલાની હાથલારીઓ પર ઢગલા થયેલી કેરીઓ જોઈને છેલ્લી દાઢ ડૂબું ડૂબું થઈ જતી. નાનકડી બાળ કેરી કેવી હોય એ તો હરેશે બતાવ્યું. હરેશ મારો નવોસવો ભાઈબંધ. એની વાડી હતી. હરેશે આપેલી કેરી રિસેસ પડવા સુધીમાં તો ચડ્ડીના ખિસ્સામાં વધીને વડ થઈ ગઈ. નિશાળની પાછલી ભીંત પાસે ઊભા રહીને કેરીને જોયા કરેલી. ટેરવાંએ કાચી કેરીનો સ્પર્શ પહેલી વાર અનુભવ્યો. હરેશ નાનકડું ચપ્પુ લાવેલો. એણે ચીરિયા કરીને મીઠું ભભરાવ્યું. મેં કેરી કાપીને જોયું તો, જાણે આખુંય બ્રહ્માંડ અંદર સમાયેલું હતું. અંદર આકાર લેતા ઓટલાના સફેદ ફાગને હું જોઈ જ રહ્યો. શી ખબર પણ મને ખાવાની ઇચ્છા ન થઈ. હરેશે ધરાર ખવડાવી. કાનમાંથી ધુમાડા નીકળી ગયા. અમારી ક્રિયાને રસપૂર્વક જોઈ રહેલી બે કન્યાઓની જીભને શું થયું હશે તે આજે સમજાય છે. હરેશની આંખો ચકોર! હાં ખેંણીં આય? (લે ખાવી છે?) કશાય સંકોચ વગર અમારી સહપાઠી કન્યાઓએ કેરી લઈ જરા દૂર જઈ મોજથી ખાધી. કેરીની આપ-લેનું કોઈ મહત્ત્વ ન હતું. મહત્ત્વની વાત એ હતી કે, સિસકારા લેતી, આંખો પટપટાવતી કન્યાઓની કીકીમાં એક સ્વરૂપવાન યુવતી ચૂપચાપ જોઈ રહી હતી. એની ન તો પેલી કન્યાઓને ખબર હતી કે ન અમને!

પાકેલા આંબાને કેરી કહેવાય એની જાણ છેક હાઈસ્કૂલમાં થઈ. મને તો એમ કે કાચી એટલે કેરી અને પાકો એટલો આંબો. ચીમનભાઈ સાહેબની ખટ્ટમીઠી ભાષા હજીય યાદ છે. ‘અલ્યા ડફોળ! એને આંબો ન કે’વાય. આંબો એટલે તો ઝાડ. એના ફળને કેરી કહેવાય. હમજ્યો?’ હમજ્યા હવે! ફેરવી દીધું પીછડું બાર વરસના ખટ્ટમીઠા ચિત્ર પર. થોડી વાર તો ચીમનભાઈ સાહેબ સામે બાઘા થઈને જોયે રાખેલું. છતાં હશે, સાહેબ કહે એ સાચું. બસ, ત્યારથી શબ્દ, અર્થ અનુભૂતિની આગળ આવીને ઊભા રહે છે. છતાં જીભમાં કાણાં પાડી દેતો પેલો લીલો રંગ અને હોઠના છેડેથી ખમીસ પર રેલાતો કેસરિયો રંગ હજીય માંહ્યલી કોર એવા ને એવા જ રહ્યા છે. પણ એ રંગ હવે શોધવા કઈ બજારમાં?

ઉનાળો આવે. મેરાઉ, શીરવા, રાયણ, કોડાય, બિદડા ખાખરની વાડીઓમાંથી ઊતરતો ફાલ માંડવીમાં ઠલવાય. માંડવીની સાંકડી એક બજારને ‘આંબા બજાર’ એવું નામ મળી જાય. વૈશાખ મહિનામાં આખી બજાર ફોરતી હોય. ખરીદવાની ઇચ્છા ન હોય તોય સુગંધ લેણું કરવા લલચાવે. ઘઉંની પીળી પરાળ પર વેપારી કેરીનો ‘પાલો’ કરે. દરરોજ સાંજ-સવારે ઉથલાવે. સુગંધના ધોધ વછૂટે. ચાની પેટીના ખોખામાં પુરાઈને એ સુગંધ ગામડે ગામડે પહોંચે. ગામડાની કાવડિયાધારી પ્રજા પહેલી ખરીદાર બને. એ પહેલાં તો ગામના છોકરાને એનો લાભ મળે. ઘરમાં આંબો આવે તે પહેલાં ફળિયાના છોકરાને વહેંચાય. તેમાંય ભીમ અગિયારસના દિવસે છોકરાને જલસા થઈ પડે. ભીમે આમ્રરસ માણ્યો હશે કે કેમ પણ એના નામની એકાદશીએ છોકરાઓ ખટમધુરો સ્વાદ ભરપૂર માણે. જેઠ મહિનો ચાલતો હોય, વૅકેશન પૂરું થયું હોય. નિશાળો તાજી તાજી ખૂલી હોય. નવાં નામ મંડાતાં હોય ત્યારે છોકરાને નિશાળે બેસાડવાની ખુશીમાં નિશાળિયાને આંબા વહેંચાય. નિશાળમાં મળેલો આંબો જીવને તળેઉપર કરવા માંડે. કોઈક તો આંબાનું ઉપરનું કાળું ટપકું નખ વડે હટાવી સહેજ દબાવીને થોડો રસ જીભ પર રેલાવા દે. કચ્છના એ ચુસણિયા આંબા હવે ઝાઝાં રહ્યાં નથી. જે બચ્યાં છે કે કેશર, આફૂસ અને બીજી જાતો સામે બિચારા થઈ જોઈ રહ્યાં છે. કારણ કે, દેશી આંબાના ગોટલા પર થતા રેસા લોકોને માફક આવતા નથી, લોકોને આજે બધું લિસ્સું જોઈએ છે… ભલે ને તે રંગ-સુગંધ વગરનું હોય!

બાળપણનું એક વરસ આંબાનો ગઢ ગણાતા બિડદા ગામમાં વીત્યું. ઉનાળાનું લાંબું વેકેશન વધુ લાંબું એટલે થઈ ગયું કે એ વરસ નવનિર્માણવાળું વરસ હતું. (આ તો પછીથી ભાન થયું ત્યારે તો એટલા માટે મજા આવી ગયેલી કે પરીક્ષા લેવાઈ ન હતી.) બાપુજી ખેડવા જાય. મારે સાથે જવાનું. રામ મા’રાજની વાડીઓમાં હારબંધ ઊભેલા આંબાના ઝાડમાં શાખ પડેલી કેરી એટલે જાણે સો વોલ્ટનો કેસરિયો બલ્બ! રામ મા’રાજ હેતાળ માણસ. મને નવરો ધૂપ આંટા મારતો જોઈ એમણે બાપાને કહેલું, ‘આ છોરો આંબા ઉતારવામાં કામ આવે તેમ છે.’ બાપુજી તો ઉદાર ખેડુ બોલ્યા, ‘લઈ જાવ ને તમારો જ છે.’ બંદાની છાતી ગજગજ ફૂલે. રામ મા’રાજ સવારે આવી ગયા હોય. એમની બે-ત્રણ વાડીઓ. એક એક ઝાડ પર ચડવાનું. મા’રાજ બતાવે તે આંબો તોડવાનો. હું કોઈ ખજાનો શોધવા નીકળ્યો હોઉં તેમ ઝીણી આંખે ડાળેડાળ તપાસું. આંબો તોડ્યા પછી એનો રસ ટપકવા લાગે. એક દિવસ ગાલ પર રસનાં ટીપાં પડેલાં જોઈ મા’રાજની આંખોમાં ચિંતા પેઠી. આમ એ ચુસ્ત બ્રાહ્મણ. મને અડવાનું ટાળે. પણ મારા ગાલે પડેલા રસ ઉપર ભીની માટી લગાવતી વખતે એ મારા બાપા બની જાય, મશ્કરીય કરેઃ

છોરા ધ્યાન રખ. હી ધાગ ન વેંધા ત કોય બાયડી પ ન ડીંધો.

(છોરા ધ્યાન રાખ, આ ડાઘ નહીં જાય તો કોઈ બાયડીય નહીં દે.)

આંબાનો રસ ચામડી પર સફેદ ડાઘ પાડી દે એ ત્યારે જાણેલું. રામ મા’રાજ મારી મહેનતથી હરખાય. પણ વાડીના ઝાંપે ઊભેલા લચી પડેલા એક આંબા પર ચડવા ન દે એનું મને ભારે આશ્ચર્ય. એ આંબા પર કેરીઓ ઝગારા મારે. મોં તોડી લે તેવો લાલ રંગ. પણ મા’રાજ કહે, ‘એ ઝાડની કેરી ન ખવાય.’ મેં જીદ કરી તો એમણે ઢેખાળો મારી એક પાકો આંબો પાડ્યો. મને આપતા કહે, ‘લે ખા, થા રાજી.’ મેં આંગળીઓથી દબાવી ઢીલું કરી આંબાની આંખ હટાવી મોઢામાં રસ જવા દીધો. મા’રાજની આંખો મારા ચહેરા પર. જાણે આખા ગામની વાડીઓના આંબાની ખટાશ એ ફળમાં ભેગી થઈ ગઈ હોય એટલું એ ખાટું હતું. મારી હાલત જોઈ મા’રાજ હસ્યા કરે. મને સમજાઈ ગયું, મા’રાજ એ ઝાડ શા માટે છોડી દેતા હતા. એ ઝાડ ખાટું હતું. મા’રાજ કહે, ‘મીઠાં ભેગાંથોડા ખાટાં નાખી દઈએ તો હાલ્યા જાય. પણ લોકોના પૈસા મફતના તો નથી ને!’ રામ મા’રાજનો ન્યાય આજે યાદ આવે છે. આજે નબળું સબળું પધરાવી દેતાં વેપારીઓના કારસ્તાન જાણવા મળે છે ત્યારે ઊજળા દિલવાળા રામ મા’રાજ યાદ આવે છે. કોઈ નિશાળો એ પેઢીને ઈમાનદારી શીખવતી હતી?’

નિશાળે જતી વખતે મહિને-માસે એકાદવાર દસેક પૈસા વાપરવા મળતા. પૈસા હોય ત્યારે વટથી બજાર વચ્ચેથી જાવાનું. ગામનો બકાલી મેઘરાજ સવારે પાલો ખોલવામાં વ્યસ્ત હોય. દસ પૈસાનો પિત્તળિયો સિક્કો આંબો અપાવી દેતો. નિશાળ પાસે આવેલી તળાવડીની પાળ પર ઘટાટોપ કેરડાંમાં સંતાઈને આંબો ચૂસવાની મજામાં પ્રાર્થનામાં મોડા પડવાની બીક ભુલાઈ જતી. હાથ મોં ધોઈએ તોય ‘સબૂત’ રહી જાય. ભીમજીસાહેબનો ઘેરો અવાજ થર થર ધ્રુજાવે. છતાં હોઠ પર ચોંટેલા પેલા ખટમધુરા રસની સુગંધ આવ્યા કરે.

હજી પણ એ સુગંધ દરમાં ભરાયેલ અડિયેલ સાપની જેમ મનમાં ભરાઈ પડી છે. કેટલુંય સમજાવ્યું તોય બહાર નીકળવાનું નામ લેતી નથી. શાકમાર્કેટમાં આંખોને મોહી લેતા રંગવાળી કેરીઓના ઢગલા દેખાય છે. પણ હાથમાં લેતાં કશોય આનંદ થતો નથી. ઘરમાં આવેલી કેસર કેરીની પેટી છેક પૂરી થાય ત્યાં સુધી અણસારેય આવવા દેતી નથી કે હું અહીં છું. નહીંતર આંબો છાનો રહે ખરો?

અફસોસનો ઢગલો મોટો થતો જાય છે. સુગંધ હતી, રંગ હતો, ઇચ્છાઓ હતી ત્યારે ખરીદવા કશુંય ન હતું. હવે ખિસ્સાં ભરેલાં છે ત્યારે બધું રંગહીન, ગંધહીન થતું ચાલ્યું છે. સમયનો તકાજો છે. શું કરવું?

ક્યારેક બિદડા જવાનું થાય છે. આંબાના મોટાં મોટાં ઝાડ જૂનાં થઈ ગયાં છે. એને વાવનારા, ઉછેરનારા ચાલ્યા ગયા. નવી પેઢીઓને નવી જાતો મળી. હવે બિદડાનું કોઈ નામ નથી લેતું. બિદડાની વાડીઓમાં બાકી બચેલા દેશી આંબાનાં વૃક્ષો નવી જાતોને ચૂપચાપ જોયા કરે છે. હવે કેરીની શાખ જોવાતી નથી. એનો પાલો થાતો નથી. એને દબાવી દબાવી કોઈ ઘોળતું નથી. નિશાળની પાળી પર બેઠેલું કોઈ બાળક કેરી ચૂસતું નથી. તે મૅન્ગો બ્રાન્ડનું કોલ્ડ્રિંક્સ ગટગટાવી જાય છે. એમાં ન કપડાં બગડે છે કે ન હાથ. બસ નથી તો એક પેલી સુગંધ!’

એ સુગંધ લઈ ગયો પવન. બાળપણમાં વાયેલો વાયરો સુગંધ ઉડાડી ગયો કોઈ અજાણ્યા દેશમાં. જ્યાં કોઈ રીતે પહોંચી શકાય તેમ નથી. હવે જોયા કરવા, નિત નવા રંગ જોયા કરવા.

બહાર કેરીવાળો બૂમો પાડે છે. ભીતર અકળાયેલો છોરો ચીસ પાડી શકતો નથી.