ગુજરાતી નિબંધ-સંપદા/રા. વિ. પાઠક/સંસ્કૃતિનું માપ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
સંસ્કૃતિનું માપ

રા. વિ. પાઠક

કોઈ પણ કોમની સંસ્કૃતિનું માપ કાઢવાને કોઈ કહેશે તેમની સ્ત્રીઓની સ્થિતિ જોવી. કોઈ કહેશે તેમનામાં કલાની પ્રગતિ કેવી છે તે જોવી. કોઈ કહેશે તેમનાં બાળકો જોવાં. કોઈ કહેશે તેમની જેલો જોવી વગેરે વગેરે. મેં જુદે જુદે વખતે આવું જુદું જુદું કહ્યું હશે અથવા હવે કહીશ. પણ સ્વૈરવિહારમાં શું કહ્યું એ હું યાદ રાખતો નથી, કારણ કે શાસ્ત્રમાં કહ્યું છે કે વૃત્તિઓના અનુસંધાનથી મોક્ષ મળે છે. તમારે પણ મોક્ષ મેળવવો હોય તો આવું કશું યાદ ન રાખતા. કદાચ અનનુસંધાન જેવો લાંબો શબ્દ સમજતા નહીં હો પણ તમારે સમજવાનું કામ છે કે મોક્ષ મેળવવાનું કામ છે?

બધા કહે છે કે અંગ્રેજોની બુદ્ધિ વ્યવહારુ છે પણ ખરી વ્યવહારુ બુદ્ધિ તો આપણી છે. `કામથી કામ. આપણે બીજી પંચાત શી!’ આપણે કપડાં જોઈએ છે? તો ગામમાંથી સોંઘાં પડે, સારાં દેખાય, લાજ આબરૂ વધે, મેલ ખાય ને બહુ ધોવાં ન પડે, ધોવાં સહેલાં પડે તેવાં કપડાં લઈ લેવાં. એથી આપણને કે દેશને ફાયદો થાય છે કે કેમ તેનું આપણે શું કામ? વિવાહ કરવો છે? તો બસ છોકરાંને પરણાવી લેવાં. તેથી બંનેને બનશે, છોકરાં સુખી થશે, એવો વિચાર કરવાનું શું કામ? પૈસા કમાવા છે? તો બસ જ્યાં પૈસા મળતા હોય ત્યાં જવું. જેથી પોતાના સ્વમાનનું શું થાય છે, દેશનું શું થાય છે, તેનું આપણે શું કામ? ધર્મ કરવો છે? તો પછી મંદિરે જવું, ધર્મઢોંગીને – ગમે તેવાને – પૈસા આપવા અને સ્વર્ગ કે વૈકુંઠમાં ચડી જવું! તે પૈસાનું શું થાય છે, તેથી કેટલાં કેટલાં પાપ થાય છે, દેશના ગરીબોને કાંઈ આપવું કે નહીં તે વિચાર કરવાનું આપણે શું કામ? હિંદુઓ તો એમ માને છે કે જેમ વેપાર કરવો, પ્રામાણિકપણે રહેવું એ બધા પૈસો કમાવાના સાચા રસ્તા હશે પણ ખરો રસ્તો તો એક કે બે દિવસ સટ્ટો કરી એકદમ પૈસાદાર થઈ જવું એ જ છે; તેમ સત્ય બોલવું, સર્વને સરખા ગણવા, લોકો તરફ દયા રાખવી, એ બધું સ્વર્ગ મેળવવાના રસ્તા હશે. આપણે શા માટે કોઈને ખોટો કહીએ? પણ મંદિરમાં પાંચ હજાર એકદમ આપી દેવા, કે એક વાર લાખ્ખો રૂપિયા ખરચીને અઠ્ઠઈ કરી નાખવી, કે મોટો યજ્ઞ કરવો, એ રીતે સ્વર્ગમાં કોઈ પછવાડેની ખાનગી બારી છે ત્યાંથી પેસી જવાય છે. અમદાવાદની પોળોમાં જેમ જાહેર મોટા રસ્તા લાંબા છે અને ખાનગી બારીનો માર્ગ ટૂંકો છે એમ નીતિના માર્ગો બધા લાંબા છે, આવા એકાદા વ્રતનો માર્ગ ટૂંકો છે, અને તેથી સીધું, કોઈ ભીડમાંથી પસાર થયા વિના જ સ્વર્ગમાં પહોંચી જવાય છે. આ મહાત્માજી આખા દેશની વાતો કરે છે, ઢેડને અડવાનું કહે છે, અને પોતાના આત્માના કલ્યાણને માટે કશું નથી કરતા તે એ નીચે રહી જશે, અને એકાદ વિષ્ણુયાગ કરનાર કે અઠ્ઠઈ કરનાર સીધો સ્વર્ગની બારીએથી અંદર જશે. દેશનું અને ઢેડનું આપણે શું કામ? આપણે આપણી મેળે મોક્ષ જ મેળવો ને! કામથી કામ!

મને એક બીજી જ બાબત યાદ આવે છે. મારા ઘરમાં એક બિલાડી છે. તેને જ્યારે રકાબીમાં દૂધ પાઈએ છીએ ત્યારે તે જરા પણ વિચાર નથી કરતી, કે આ રકાબી કેમ થતી હશે અને અહીં શી રીતે આવી હશે, આ દૂધ કોણે દોહ્યું હશે, અને તેને માટે શું શું કરવું પડ્યું હશે, અને તેને લીધે શું શું પરિણામ આવશે? આપણે પણ તેમ જ. આપણે આપણી મેળે યાત્રા કરી આવો ને; તેમાં ટ્રેન કેમ ચાલે છે, ટ્રેનથી દેશને નુકસાન છે કે નહીં, આપણને ટ્રેન ચલાવતાં આવડે છે કે નહીં, ટ્રેનમાં જાજરૂ નથી, તેનું આપણે શું કામ? આપણે આપણી મેળે મોક્ષ મેળવી લઈએ એટલે બસ!

જરા આડું જવાયું. વિદ્વાનોના શબ્દોમાં `વિષયાન્તર’ થયું. પણ વિષયાન્તર એટલે શું એ કદી વિચાર્યું છે? તમારે મુંબઈ કાપડ લેવા જવું હોય, રસ્તામાં આ સંકટનિવારણનું કામ કરતા માણસો જોઈને તમને તેમની સાથે કામ કરવાનું મન થઈ જાય. તમે રસ્તામાં ઊતરી પડો અને બે દિવસ કામ કરીને પછી મુંબઈ જાઓ. એ બે દિવસ ઊતરી પડ્યા એ વિષયાન્તર છે કે તમે મુંબઈ જઈને વેપાર કરશો એ વિષયાન્તર છે? તમે પૈસા ભેગા કરવા માંડ્યા, તેમાંથી પાંચ રૂપિયા સારા નિમિત્તે વાપરો એ વિષયાન્તર છે કે પૈસા ભેગા કરો છો એ વિષયાન્તર છે?

મારે તો સ્વૈરવિહારમાં કશો વિષય નથી, કશું વિષયાન્તર નથી. પણ મૂળ વાત પર આવવું પડશે.

કોઈ પણ સમાજ પારખવાને તેમની સ્ત્રીઓ જુઓ, તેમની કલા જુઓ, તેમની શાળા જુઓ કે તેમની જેલો જુઓ. એ વાક્યો છે તેવું આજ એક નવું જ વાક્ય હું કહેવા ધારું છું. તે એ કે, કોઈ પણ સમાજની તુલના કરવી હોય તો તેમના ભિખારીઓ જોવા. જેવા તેમના ભિખારીઓ તેવી તે કોમ. ઇંગ્લૅન્ડમાં ભિખારી પણ ભીખ માગું છું એમ નહીં કહે, પણ કામ કરી નિર્વાહ કરશે, કારણ કે તે કોમ, તે પ્રજા કામ કરીને પેટ ભરનારી છે, ભીખ માગનારી નથી. હિંદુસ્તાનમાં ભીખ માગવી એ ધંધો છે. તેમાં કશી નામોશી નથી, તો હિંદની આખી પ્રજા પણ ભિખારી છે, તેને સ્વમાન નથી, તે પોતે કામ કરીને કશું પ્રાપ્ત કરવા માગતી નથી, તેને સ્વરાજ્ય પણ ભીખ માગીને મળે તો લેવું છે.

આવી સરખામણી તમને દૂર પડતી હશે કદાચ. તો જુઓ હિંદની જ, ગુજરાતની જ વાત કરું.

હિંદુઓના ભિખારીઓ જુઓ અને મુસલમાનોના ભિખારીઓ જુઓ. હિંદુઓમાં માગનારો રોશે, કકળશે, પેટ કૂટશે, મોઢામાં જોડો લેશે, તમારી ધૂળ ચાટશે, તમારાં ખોટાં વખાણ કરશે, ખોટેખોટું ઈશ્વરનું નામ લેશે, હશે તે કરતાં અત્યંત દુ:ખી ગરીબ દેખાશે, અને હિંદુઓમાં જ માગશે; મુસલમાન ભિખારી જાણે તમારી પાસે લેણું લેવા આવ્યો હોય તેમ માગશે, તમને એકવચને જ ભલો હશે તો સંબોધશે, મુસલમાનોમાં માગશે તેમ જ હિંદુઓમાં પણ માગશે, જરા પણ દીનતા બતાવશે નહીં; ઊલટો અક્કડાઈ, જક્કીપણું, અકોણાપણું બતાવશે, અને જાણે ડરાવીને લેશે. આ બંને કોમોની રીતભાતો પણ એવી જ છે. બંને કોમોમાં શરીરનો છેદ કરી ભીખ માગનારા છે. બંને કોમો અત્યારે આત્મઘાત કરી પોતાનો નિર્વાહ કરે છે. શ્રાવણ, ૧૯૮૩
[સ્વૈરવિહાર-૧]