ગુજરાતી નિબંધ-સંપદા/વિનેશ અંતાણી/2. આ સન્નાટાને ભેદવો પડશે

From Ekatra Wiki
Jump to navigation Jump to search
2. આ સન્નાટાને ભેદવો પડશે

વિનેશ અંતાણી

આસપાસ શું જુએ છે? તેને જ સંબોધીને લખું છું. એ રીતે મારી અંદર તારી સાથે મૌન સંવાદ કરવા મથું છું. મેં તને કહેવા ધાર્યું છે – આ સન્નાટાને ભેદવો પડશે. આજે સાંજથી કારણ વિના ઠંડીનો અનુભવ થાય છે. તબિયતને લીધે નહીં. અંદરનો બરફ જાણે પીગળવા લાગ્યો છે. હું યાદ કરતો રહ્યો છું આપણા બે વચ્ચેના સમયને અને તેની સમાંતરે વીતેલા બીજા સમયોને. એ સમય ખરેખર વીત્યો છે કે તે બધું હજી પણ ત્યાં જ છે, જ્યાંથી આપણે પહેલી વાર શરૂઆત કરી હતી? ક્યારેક તો ભ્રમણાની જેમ એવું વિચારવું પણ ગમે છે કે હજી કશાય વિશેનો આરંભ થયો જ નથી. આરંભ પહેલાંનાં ઝીણાં ઝીણાં કંપનો ઊઠી રહ્યાં છે.

પણ મને ખબર છે, એવું વિચારતા રહેવું એ તો મારી રમતનો એક ભાગ છે. હું જાણે કશાકથી ભાગવા મથી રહ્યો છું. આજે સવારે ટ્રેનમાં આવતો હતો ત્યારે વાસદ પાસે મહીસાગરના ભૂખરા કાંઠે કોઈએ સળગાવેલા તાપણામાંથી ઊઠતો ધુમાડો મને દેખાયો હતો. પછી મેં બારીનો કાચ બંધ કર્યો હતો અને શિયાળાનો તડકો સઘળે મંદ પડી ગયો હતો. મેલા કાચમાંથી દેખાતું મારા ચહેરાનું પ્રતિબિંબ સાવ સ્થિર હતું. મેં મારી આંખોને નજીકથી જોઈ હતી. કદાચ એ ક્ષણે હું ઘનિષ્ઠ વિષાદની ખૂબ નજીક હતો અને ત્યારે જ મને વિચાર આવ્યો હતો કે આ સન્નાટાને ભેદવો પડશે. બહાર લીલાં ખેતરોના પાક પર પીળાં ફૂલો આવી ગયાં છે એવું મને દેખાયું તે ક્ષણે જ દસબાર બગલા ઊડ્યા હતા અને આકાશમાં પાછળ રહી ગયા હતા. મેં ઉતાવળે બારી તો ઉઘાડી, પણ બગલા ઊડી ગયા હતા ને આકાશ તો પાછળ રહી ગયું હતું – તારી દિશા તરફ અને મારી અંદરનો સૂનકાર સફાળો જાગ્યો હોય તે રીતે બહાર ઢોળાઈ આવ્યો હતો.

તું કહી શકશે કે મને કનડે છે તે સન્નાટો બહારનો છે કે પછી મારી ભીતરનો? મારી છાતી સૂંઘતી વખતે તને કદી એ સન્નાટાની ગંધ આવી છે ખરી? છતાં તું તે અંગે મૌન રહી શકી? ખબર નથી પડતી, માથામાં ધુમાડો ભરાઈ ગયો છે અને હું તેની પાર જોવા સતત મથું છું. મેં મારી જાતને પવન ફૂંકાતા રણની એકલતા વચ્ચે પહેલી વાર ક્યારે અનુભવી હશે? અથવા તો બરફની એકલતા વચ્ચે પહેલી વાર ક્યારે અનુભવી હશે? અથવા તો બરફથી છવાયેલા પહાડની ખીણોની નિ:સ્તબ્ધતાની વચ્ચે? મેં મને ક્યારે જોયો હશે મધદરિયાની વચ્ચે, જ્યાં મોજાં પડી ગયાં હોય છે અને ચારે તરફ કોઈ જ હોતું નથી? કદાચ દાદાજીના મૃત્યુના સમાચાર આવ્યા હતા તે ક્ષણે? કદાચ એ વખતે પણ થયું હોય, જ્યારે બહેન બપોરની બસમાં સાસરે ચાલી જતી અને હું આંગણામાં પડેલા ડામચિયા પર સૂતો સૂતો બપોરના આકાશમાં ચક્કર મારતી સમળીઓને જોતો રહેતો અને એક આંસુ આંખમાં ચળકવા લાગતું. પિતાજીને લકવાનો હુમલો થયો ત્યારે ઓસરીમાં પડેલા એમના બેભાન શરીરની પાસે આખી રાતનો ઉજાગરો કર્યો હતો તે ઉજાગરાનો સન્નાટો હશે આ? બધા જ મિત્રો બીજા ગામની કૉલેજમાં દાખલ થયા અને હું એક વર્ષ મારા ગામમાં એકલો ભટકતો રહ્યો તે દિવસોનો સન્નાટો હજી પણ ડોકિયું કરી જતો હશે?

હું એ સાંજોને હજી ભૂલ્યો નથી, જ્યારે આપણી આજુબાજુની ઝાડીઓમાં હવા ખખડતી અને દૂરની સડક પરથી મજૂર સ્ત્રીઓ ગાતી ગાતી પસાર થઈ જતી. તે વખતે આપણે વારંવાર ચૂપ થઈ જતા અને આપણા ભવિષ્ય માટેની કલ્પનાની વચ્ચે એક અદૃશ્ય સન્નાટો આવી જતો. સાંજનું એક સફેદ પતંગિયું કશો જ અવાજ કર્યા વિના એક જંગલી છોડના જાંબલી ફૂલની આસપાસ નિરર્થક ઊડાઊડ કરતું રહેલું અને તે સાંજનું પહેલું તમરું બોલી ઊઠતું. ઢગલા પરથી વહેતી હવામાં ઝીણું ઝીણું ઊડ્યા કરતી રેતીમાં પડેલાં આપણાં પગલાંની છાપ પહોળી થઈ જતી અને એવું લાગતું, જાણે બીજું કોઈ ત્યાંથી ચાલ્યું છે, આપણે નહીં. ઠંડી રાતે આપણે પોતપોતાનાં ઘર તરફ પાછાં વળતાં ત્યારે રસ્તા પર આવેલા અજાણ્યા લોકોનાં ઘરોની બંધ બારીઓને આપણે જોતા રહેતા – જાણે અંદર આપણે જ જીવવા માગતાં હતાં તે જિવાઈ રહ્યું હતું અને આપણે બહાર રહી ગયા હતા. છૂટા પડવાની વેદનાને લીધે કશું બોલતા નહીં, માત્ર ખાલી સડક વચ્ચે વચ્ચે સાઇકલની ઘંટડી વગાડી લેતા હતા.

સ્મૃતિનો સન્નાટો હશે? કદાચ વિસ્મૃતિનો સન્નાટો પણ હોય. વાર્તા લખવાનો આરંભ કરતાં પહેલાંનો સન્નાટો અને વાર્તા પૂરી લખાઈ જાય પછીની ક્ષણોનો સન્નાટો. વચ્ચેથી અટકી ગયેલા કે કદી પણ શરૂ ન થયેલા સંબંધોની ગેરસમજ અને તેના વિશે કોઈએ કરેલી ભયાનક ગેરસમજ અને તેના વિશે કશો જ ખુલાસો ન કરી શકવાની જે અસહાયતા અનુભવતાં રહ્યાં હોઈએ તે પણ પાછળથી સન્નાટાનું રૂપ ધારણ કરી લેતી હશે. મેં તો વાગતા ઢોલમાંથી પણ એક સન્નાટાની અસર મારી આંગળીઓમાં અનુભવી છે. આ લખું છું ત્યારે રાતના સન્નાટામાં એકાએક એક કૂતરું શેરીમાં રડી ઊઠતું સંભળાયું અને પછી અચાનક કોઈએ ચપ્પુથી એના અવાજને કાપી નાખ્યો હોય તેવો સોંપો ચારે તરફ ફેલાઈ જતો હું સાંભળી રહ્યો છું. રાતનો ચોકીદાર રસ્તા પર દંડો પછાડે છે અને ત્યારે બે અવાજોની વચ્ચેની ખાલી જગ્યાની વચ્ચેનો સન્નાટો પણ મને અકળાવી જાય છે.

ગારુડી કરંડિયો ઉઘાડે, સુપ્ત સાપ ઊંચો થાય, ફૂત્કારે અને પછી ગારુડી કરંડિયો બંધ કરી નાખે ત્યાર પછી મને હંમેશા એવું લાગે છે, જાણે તે કરંડિયામાં સાપ નહીં, પણ સન્નાટો ગૂંચળું વાળીને પડ્યો છે અને બહાર નીકળીને પોતાની કાંચળી ઉતારવા માગે છે. તેં એક વાર આપણા ઘરની બહાર ભીંત પાસે આવેલા દરમાં કશુંક ચળકતું જોયું હતું અને તેં હિંમત કરીને તેને ખેંચવા માંડ્યું ત્યારે સાપે ઉતારેલી તાજી, લિસ્સી જરા જરા ભીની કાંચળી આખી ને આખી બહાર ખેંચાઈ આવી હતી. સાપના મોઢા પાસેની કાંચળીમાં બે નિર્જીવ આંખો જેવું પણ દેખાયું હતું. જો હું સન્નાટાનું ચિત્ર દોરું તો કાંચળીની એ બે આંખોને અવશ્ય દોરું.

ઊંચા વૃક્ષની છેક ઉપરની ડાળી પર કે હવેલીના ખૂણામાં મોટા મોટા મધપૂડા લટકતા તેં જોયા છે? એ મધપૂડામાં સન્નાટાની શક્યતા મને દેખાઈ છે. મધ તારવી લીધા પછી મધપૂડાનું ખાલી ખોખું અને તેમાં દેખાતાં નાનાં નાનાં ખાલી છિદ્રોમાં ફૂંક મારવાનું મન મને એટલા માટે થાય છે કે કદાચ તેમાંથી જે સૂર સંભળાય તે સન્નાટાનો વિલંબિત સ્વર પણ બને. અમારા ગામમાં કાચા તળાવના કાંઠે ઘણી વાર ટિટોડી બોલ્યા જ કરે, બોલ્યા જ કરે અને પછી શાંત થઈ જાય. ચૂપ થઈ ગયેલી ટિટોડીના બપોરના લયમાં ધ્રૂજતા ગળામાં સન્નાટાના જ લબકારા ઊઠતા હશે, નહીં?

મુંબઈમાં નેપિયન-સી પર દરિયાની સામે આવેલા બારમા માળના ફ્લેટની બારીના છજા પર રાતે આવીને બેસતું દરિયાનું એક પક્ષી વારંવાર પાંખો ઝપકાવતું કે જરાજરા ક્રિક ક્રિક બોલી ઊઠતું ત્યારે આખી મુંબઈ નગરી પર સન્નાટો છવાઈ જતો મેં અનુભવ્યો છે. બારમા માળની ખુલ્લી બારીઓ પાસેથી કબૂતરો ઊડતાં એ એમનું પીછું મારા કમરામાં ઊડીને આવી જતું. તે પીંછુ કાન પાસે મૂકીને હું સાંભળતો ત્યારે તેમાંથી સંભળાતો સન્નાટાનો થડકતો અવાજ હું કદી પણ ભૂલી શકવાનો નથી.

મારાં બંધ પુસ્તકોનાં પાનાંની વચ્ચે દબાયેલા અક્ષરો રાતના સમયે તમરાં જેવું ત્રમત્રમે છે. અરીસાના કાચમાં મધરાતનો અંધકાર જામવા લાગે છે. ઠંડો મંદ ચંદ્ર આકાશની ઉપર આવવા મથે છે. કોણ જાણે કેમ, મને ફરીથી એ દિવસો યાદ આવે છે, જ્યારે આપણે હજી મળવાનું બાકી હતું અને તેવી શક્યતા વિશે આપણને કશી ખબર પણ નહોતી. અનેક અજાણ્યા લોકોની જેમ આપણે પણ એકબીજાથી અપરિચિત હતાં અને કોઈ એક ક્ષણે તે અપરિચિતતા ફાટી હતી અને પછી તો આખી જિંદગી ખૂલી ગઈ હતી, રાતે ફાટતા વાંસની જેમ.

એ વાંસ ફાટવાની ક્ષણે જ કેટલા બધા સન્નાટા બહાર ઊઠ્યા હતા તે તને યાદ છે? મધુરતાનો પણ એક સન્નાટો હોય છે અને વિષાદની ખટકનો પણ એક સન્નાટો હોય છે અને તેના માટે કદાચ કોઈ જ કારણ હોતું નથી. જેના માટે કોઈ જ કારણ ન હોય તે સન્નાટા વિશે તમારા સિવાય બીજા કોઈને કહી શકાય?