ગુજરાતી નિબંધ-સંપદા/વિનોદ ભટ્ટ/પાગલો પાગલખાનામાં જ નથી હોતા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
પાગલો પાગલખાનામાં જ નથી હોતા

વિનોદ ભટ્ટ

એક માણસ કાર લઈને જતો હતો. અચાનક કારના આગળના પૈડામાં પંક્ચર પડ્યું. તેણે વ્હીલ બદલ્યું. તેની ગફલતને કારણે વ્હીલના છ બોલ્ટ બાજુની ગટરમાં પડી ગયા. તે મૂંઝાઈ ગયો. હવે? આજુબાજુ ક્યાંય ગૅરેજ દેખાતું નહોતું. થોડે છેટે બાંકડા પર એક માણસ બેઠો હતો. એની પાસે તે ગયો. ત્યાં જ તેની નજર બાંકડાની પાછળ લકટતા મેન્ટલ હૉસ્પિટલના પાટિયા પર પડી. એટલે તેણે એ માણસને પૂછવાનું માંડી વાળ્યું. તે પાછો ફરતો હતો એટલે પેલા માણસે પૂછ્યું: “હું તમને મદદ કરી શકું?” કારચાલકે પોતાની તકલીફ જણાવી એટલે પેલાએ સુઝાવ આપ્યો: “પાછળના વ્હીલના ત્રણ બોલ્ટ આગળના વ્હીલમાં નાખી દો. અહીંથી બે કિલોમીટરના અંતરે એક ગૅરેજ છે. ત્યાંથી તમને જોઈતા બોલ્ટ મળી રહેશે…” આ સાંભળી કારચાલક આશ્ચર્યમાં પડી ગયો. પાગલખાનાના પાટિયા સામે જોતાં તેણે કહ્યું: “તમે પાગલ જણાઓ છો…” “હું પાગલ જ છું…” પાગલે ચોખવટ કરી: “પણ મૂર્ખ નથી…”

પાગલ માણસો આપણે ધારીએ છીએ એટલા બધા પાગલ ક્યારેય નથી હોતા — તેમના પાગલપણામાંય ડહાપણ હોય છે… વન્સ અપૉન એ ટાઇમ ઇન્દિરા ગાંધી વડાંપ્રધાન હતાં. કોઈ એક સવારે તેમણે આખાય ભારતવર્ષમાં ઇમર્જન્સી—કટોકટી દાખલ કરી દીધી. પ્રજામાં સોંપો પડી ગયો. લોકો રાતોરાત ડાહ્યાં થઈ ગયાં. તે એટલે સુધી કે પાગલો પણ સમજી ગયા કે જાહેરમાં શું ના બોલાય — પાગલો પર ડહાપણનો હુમલો આવી ગયો એમ કહી શકાય. કહે છે કે આ ગાળામાં એક પાગલ ઇન્દિરાજીના મકાન બહાર ઊભો ઊભો બરાડતો હતો: “માત્ર એક જ વ્યક્તિને લીધે આખો દેશ પીડાઈ રહ્યો છે.” વડાપ્રધાનના એક અધિકારીએ તરત જ એ પાગલને પકડીને પોલીસને હવાલે કરી દીધો. તેને પોલીસચોકી લઈ જવામાં આવ્યો. પોલીસ-ઇન્સ્પેક્ટરે પાગલના ગાલ પર એક જોરદાર થપ્પડ જમાવી દેતાં તેને પૂછ્યું: “બદમાશ, તું કહેવા શું માગે છે? એક જ વ્યક્તિને કારણે આખો દેશ પીડાઈ રહ્યો છે એમ બોલવા પાછળ તારા મગજમાં કોનું નામ છે?” પાગલે રડતાં રડતાં જવાબ દીધો: “હિટલર.” જવાબ સાંભળીને પોલીસ-ઇન્સ્પેક્ટર હસી પડ્યો. તેને છોડી મૂક્યો. પોલીસચોકીમાંથી જતાં જતાં એ પાગલે પોલીસ-ઇન્સ્પેક્ટર સામે આંખ મિચકારી પ્રશ્ન કર્યો: “સાચું બોલજો સાહેબ, તમારા મનમાં કોનું નામ હતું?”

આમ તો આખુંય વિશ્વ પાગલોથી ભરેલું છે. તેમને પાગલખાનામાં શોધવાની જરૂર નથી એવું જર્મન કવિ ગટેએ કહ્યું છે. કદાચ એટલે જ પાગલખાનામાંથી છૂટ્યા બાદ ઉર્દૂ વાર્તાકાર સઆદત હસન મન્ટોએ ઉદ્ગાર કાઢ્યા હતા કે નાના પાગલખાનામાંથી હું મોટા પાગલખાનામાં આવી ગયો છું.

હું ધ ન્યૂ હાઈસ્કૂલમાં ભણતો ત્યારે કસરતના પીરિયડ માટે અમારે દિલ્હી દરવાજા બહારના ખુલ્લા મેદાનમાં જવું પડતું. આ મેદાનની પાછળ ગાંડાની હૉસ્પિટલ હતી. વચ્ચે તારની વાડ. કેટલીક વાર એવું બનતું કે મેન્ટલ હૉસ્પિટલની બહાર ફરતા પાગલો સામે અમે બધા વિદ્યાર્થીઓ કૌતુકથી જોતા, ને અમારી રમતગમતની પ્રવૃત્તિઓને પાગલો એટલા જ કુતૂહલથી નિહાળતા. ગમ્મત ખાતર ક્યારેક અમે તેમના પર કાંકરીચાળો કરતા, સામે એ અમને “ગાંડા… ગાંડા…” કહી પથ્થરો મારતા. એ વખતે કશું સમજાતું નહોતું. આજે થાય છે કે ગાંડપણ અને ડહાપણ વચ્ચે માત્ર તારની એક વાડ જેટલું જ અંતર છે.

દુનિયાના ડાહ્યા, શાણા ને પાંચમાં પુછાનાર માણસો પણ ચોવીસે કલાક ડાહ્યા નથી હોતા એ વાતની આપણને ગાંધીજી, ટૉલ્સ્ટૉય, આઇન્સ્ટાઇન, ચાર્લી ચૅપ્લિન, બર્નાર્ડ શૉ અને પિકાસો જેવા ‘જીનિયસ’ મહાનુભાવોનાં જીવનના તમામ પ્રસંગો ચકાસવાથી ખાતરી થઈ જશે.

મહાન ફિલસૂફ નિત્શે, ચિત્રકાર વાન ગો, વાર્તાકાર મોપાસાં, વ્યંગકાર જોનાથન સ્વિફ્ટ ને જર્મન સાહિત્યકાર સ્ટીફન ઝ્‌વાઇગ — આ બધા એક સમયમાં જીનિયસ હતા. પણ પછી તે પાગલ જાહેર થયા ને કેટલાક તો એ અવસ્થામાં જ મૃત્યુ પામ્યા… ડાયોજિનસ, ઍરિસ્ટોટલ, પ્લેટો ને સૉક્રેટિસ પણ પાગલ હતા. પરંતુ તે પોતાના ભ્રમોનું પૃથક્કરણ કરી શક્યા એટલે તે ફિલસૂફ કહેવાયા. (પોતે પાગલ છે એ જાણે તે ફિલસૂફ.) રુડયાર્ડ કિપ્લિંગના મતે કોઈ ને કોઈક બિંદુએ દરેક માણસ પાગલ જ હોય છે.

એવી એક અનુભવવાણી છે કે જીવનમાં આવતા અકસ્માતોમાંથી સફળતાપૂર્વક માર્ગ કાઢવા માટે આપણામાં કેટલીક વાર થોડુંક ગાંડપણ જરૂરી બને છે. કેટલીક વાર આપણને લોકો ગાંડા ના ગણે એ માટેય આપણે અનિવાર્યપણે પાગલ થઈ જવું પડે છે. જે માણસ પ્રસંગોપાત્ત ગાંડો થઈ શકતો નથી તે ડાહ્યો નથી એવું ટૉમસ ફ્યૂલટે બિનકેફ હાલતમાં લખ્યું છે, ને સદંતર ડાહ્યા હોવું એ બેવકૂફી છે એવું એક રશિયન કહેવતમાં કહેવાયું છે. માણસને ડાહ્યો બનાવવા કરતાં પાગલ બનાવવા તરફ અનેક વિદ્વાનોનો ઝોક છે.

બાલ્ટાસાર ગ્રેસિયન સલાહ આપે છે કે ડાહ્યા રહેવા કરતાં જગત સાથે ગાંડા થઈ જવું વધારે સારું છે. આ વાક્ય લખતાં જ ખલિલ જિબ્રાનની એક ટચૂકડી કથા યાદ આવી ગઈ. જેમાં એક નગરના કૂવાનું પાણી પીનાર માણસ પાગલ થઈ જાય છે. નગરના બધા જ લોકો આ કૂવાનું પાણી પી જાય છે. માત્ર એક રાજા જ તેમાંથી બાકાત રહે છે. તમામ નગરજનો ભેગા થઈને “રાજા ગાંડો… રાજા ગાંડો”ના પોકારો પાડે છે ને રાજા દોડીને એ કૂવાનું પાણી પી લે છે, એટલે બધા હર્ષની ચિચિયારી પાડે છે? “જોયું! રાજા કેવો ડાહ્યો થઈ ગયો!…”

ગાંડપણ અને ડહાપણ વચ્ચે જે તફાવત છે તે જોવા અને અનુભવવા જેટલો જ છે. માણસનો હોદ્દો મોટો તેમ તેનામાં પાગલપણાની માત્રા વધારે એવું મનોવિજ્ઞાનીઓ કહે છે. મોટા માણસોને વધુ પાગલ થવું પોષાતું હોય છે. સરમુખત્યારોમાં પાગલપણાના અંશ પ્રમાણમાં વધારે હોય છે એની તો ઇતિહાસે એક શાખ પૂરી છે. આનો તાજો દાખલો આપવો હોય તો અખાતી યુદ્ધના પ્રણેતા એવા સદ્દામ હુસેનનો આપી શકાય. તે સ્કીઝોફ્રેનિક છે એવું નિદાન કરનાર ડૉક્ટરની સદ્દામે હત્યા કરી નાખી હતી. આ કારણે મનોવિજ્ઞાનીઓ સદ્દામથી સલામત અંતરે રહેવાનું પસંદ કરે છે.

નીરો પણ મહમ્મદ તઘલખ, હિટલર અને સદ્દામ જેવો આપખુદ, ક્રૂર અને તરંગી હતો. કહે છે કે જ્યારે રોમ ભડકે બળતું હતું ત્યારે તે ફિડલ વગાડતો હતો. (કેટલાક એમ પણ કહે છે કે નીરો ફિડલ વગાડતો હતો એટલે જ રોમ બળી ગયું.)

કહેવાય છે કે પૂરેપૂરા ડાહ્યા માણસો કરતાં સંપૂર્ણ પાગલ જીવનમાં વધુ સુખી હોય છે, પાગલને દુઃખ શું એની જ જાણ નથી હોતી અને દુઃખની ખબર ના હોય એના જેવો સુખી માણસ વિશ્વમાં બીજો કોણ હોઈ શકે! પાગલ માણસને અન્ય માણસો ચક્રમ લાગતા હોય છે. અને પોતાને તે જગતનો ડાહ્યો માણસ ગણતો હોય છે. બે પાગલોની એક વાત છે. એક પાગલે માત્ર લંગોટી પહેરી હતી ને બીજો સાવ જન્મદિવસ-પોશાકમાં હતો. લંગોટીવાળો પાગલ પેલા દિશાઓનાં વસ્ત્ર પહેરેલ પાગલ પર ખિજાઈ જતાં બોલ્યો: “સાલા નિર્લજ્જ. આ રીતે જાહેરમાં નાગો ફરતાં શરમાતો નથી? — લે, આ મારી લંગોટી અબઘડી પહેરી લે.” અને પોતાની લંગોટી તેણે પેલા નગ્ન પાગલને આપી દીધી.

ખૂબીની વાત એ છે કે ડાહ્યો માણસ આપણી પડોશમાં વર્ષો સુધી રહેતો હોય તો તેની ખબર આપણને ભાગ્યે જ પડે છે. પણ જો કોઈ ગાંડો માણસ આપણા લત્તામાં રહેતો હોય અથવા તો આપણા વિસ્તારમાં રહેતો ડાહ્યો માણસ એકાએક પાગલ થઈ જાય તો એ વિસ્તારનું નાનું બાળ પણ તેને ઓળખતું હોય છે…

અને એ પણ ખરું કે કોઈ માણસને ડાહ્યો ઠરાવવા કરતાં પાગલ ઠરાવવાનું કામ વધુ કઠિન છે. વી. પી. સિંહ ભારતના વડાપ્રધાનપદના છેલ્લા ચરણમાં હતા તે ગાળામાં ઓમપ્રકાશ સક્સેના નામના એ ધારાશાસ્ત્રીએ કોર્ટમાં એવો દાવો માંડેલો કે વડાપ્રધાન શ્રી સિંહ પાગલ થઈ ગયા છે. મહમ્મદ તઘલખને તે લાભ નહોતો મળ્યો એક લાભ વી. પી. સિંહને મળ્યો. મહમ્મદ તઘલખને પાગલ ઠરાવવા એ સમયમાં કોઈએ જાહેરમાં પ્રયાસ નહોતો કર્યો. વી. પી.ના મગજની ગંભીરતાથી તપાસ કરાવવા સક્સેનાએ કોર્ટને વિનંતી કરી હતી. ન્યાયાધીશે વકીલને જણાવ્યું કે વી. પી.ને સત્તાવાર પાગલ ઠેરવવા માટેના પુરાવા રજૂ કરો. વડાપ્રધાન પર ગાંડપણનો હુમલો આવ્યાનો કોઈ દસ્તાવેજી પુરાવો તમારી પાસે હોય તો કોર્ટને બતાવો. દલીલમાં વકીલે જણાવ્યું કે માત્ર હું જ નહીં, વડાપ્રધાનનાં પત્ની સીતાદેવી પણ માને છે કે તેઓ પાગલ છે. ૧૯૫૨ની સાલમાં આ સ્ત્રીએ પોતે જ અલ્હાબાદની કોર્ટમાં કેસ કર્યો હતો કે પોતાનો વર પાગલ થઈ ગયો છે. (આમ તો દરેક સ્ત્રીનો તેના પતિ માટેનો આ સ્થાયી ને પ્રામાણિક મત હોય છે.) પણ પછી પુરાવાના અભાવે વડાપ્રધાન પાગલ થતાં થતાં બચી ગયા.

આ હિસાબે કોઈ પણ માણસ પાગલ હોય એ પૂરતું નથી. તે સર્ટિફાઇડ પાગલ હોવો જોઈએ. આ સગવડ પાગલોને જ હોય છે — તેમને સર્ટિફિકેટ મળે છે, સ્નાતકોને ડિગ્રી મળે છે એ રીતે તેમનેય પાગલ હોવાનું સર્ટિફિકેટ મળે છે. પણ ડાહ્યાને ડાહ્યા હોવાનું સર્ટિફિકેટ નથી મળતું — મળે તો તે વૅલિડ નથી ગણાતું… જોકે વી. પી.ના કિસ્સામાં ધારાશાસ્ત્રી સક્સેના એવું પ્રમાણપત્ર રજૂ કરી શક્યા હોત કે વી. પી. સિંહ કવિ છે. ને પછી ઉમેરો કરી શકત કે સાહેબ, શેક્સપિયર જેવો શેક્સપિયર પણ કહી ગયો છે કે પાગલ, પ્રેમી ને પોએટ — ત્રણે એક જ માળાના મળકા છે. એક જ બ્લડ ગ્રૂપના ગણાય. માત્ર પાગલપણાની ડિગ્રીમાં જ સહેજસાજ ફરક છે. બોલો, આનાથી વધુ મોટા પુરાવાની શી જરૂર છે!…

ડાહ્યા માણસો માટે કોઈ સ્પેશિયલ કાનૂન નથી પણ પાગલો માટે ઇન્ડિયન લ્યૂનસી ઍક્ટ (ભારતીય પાગલપન ધારો) છે. કાયદાથી કોઈને ડાહ્યો ઠેરવી શકાતો નથી પણ ગાંડો ઠેરવી શકાય છે — જોકે આવું પ્રમાણપત્ર પાછા કાયદેસર ડાહ્યા માણસો જ આપતા હોય છે એ પાછી ગમ્મતની વાત છે. સેમ્યુઅલ બેકેટે તેના અતિ લોકપ્રિય નાટક ‘વેઇટિંગ ફૉર ગોદો’માં લખ્યું છે કે, “We are born mad, some remain so.” (આપણે પાગલ જન્મ્યા છીએ. કેટલાક તેવા જ રહે છે.) પણ આમાં મુશ્કેલી એટલી જ છે કે આપણે બધાં સર્ટિફિકેટ વગરનાં પાગલ છીએ. કુમાર, એપ્રિલ ૧૯૯૧