ગુજરાતી નિબંધ-સંપદા/શરીફા વીજળીવાળા/મારી બા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
મારી બા

શરીફા વીજળીવાળા

આ ધરતીના પડ પર ભાગ્યે જ કોઈ માનાં જણ્યાં એવાં હશે જેમને પોતાની મા વિશે કાંઈ કહેવાનું ન હોય. બધાંને મારી જેમ પોતાની મા નોખી ભાત્યની જ લાગતી હશે ને?

મારી બાના કપાળે સાવ નાનેથી જ ભીંતમાં માથાં અફાળી મારગ કાઢતાં મોટા થવાનું લખાયેલું હતું. એમના બાપુને ઘરે દોમદોમ સાયબી, પણ હજુ તો આને બદામ કહેવાય ને આને કાજુ કહેવાય એવું બા સમજતાં થાય એ પહેલાં એમના બાપુ રંગૂન મેલીને આવતા રહ્યા. ને ધંધાની રાજમાયશોમાં પેલી જાદુઈ દુનિયા એવી ઝપાટાભેર અદૃશ્ય થઈ ગઈ કે નાનાને ખોબા જેવડા ગામડે ટીકડા-ગોળાની હાટડી માંડવાનો વારો આવ્યો. નાનાને દમ. હાટડી ચાલે નહીં… હજી તો ૧૦-૧૨ના થયાં ત્યાં ચૂલો સળગાવવાની અને માલીપા કંઈક ઓરવાની સામટી જવાબદારી બાના ખભે આવી પડી. ઘર સાથે જ ખેતરની મજૂરી બહુ વહેલી વળગી. સવારના ચાર વાગ્યે દિવસ ઊગી જાય પછી આથમે ક્યારે એનું કાંય નક્કી નહીં. લાણી ટાણે ઊધડું રાખે ત્યારે આખી આખી રાત વાઢવાનું ચાલે… આવી કાળી મજૂરી કરી ઘર ચલાવતી બા ચૌદમા વર્ષે એના જ ગામમાં પરણી ત્યારે બાપુની ઉંમર હતી પચીસ વર્ષ. ગામના પોલીસપટેલના દીકરા સિવાયની એમની કોઈ ઓળખ નો’તી. દાદાની ધાકે આસપાસનાં ગામડાં ધ્રૂજે તો ઘરનાનું તો પૂછવું જ શું? દાદાની ધાક અને લોકો પર ગુજારાતા જુલમોને ફાટી આંખે જોતા બાપુ કદાચ એટલે જ વ્યવહારબુદ્ધિથી છેટા રહી ગયેલા… પલોટાયા વગરના રહી ગયેલા… બાને તો ‘ઘરના દાઝ્યા વનમાં ગયા તો વનમાંય આગ લાગી’ જેવો ઘાટ હતો. દાદાના તોરનો તાપ જો ગામ ન ઝીલી શકતું હોય તો બાનું તો શું ગજું? ઘરમાં ઊંટનાં ઊંટ વયાં જાય… અનાજના ઢગ ખડકેલા હોય પણ પોતાનાં ભૂખ્યાં ભાંડરુને એક ટંકનો રોટલો દેવાનો બાને હક્ક નો’તો. ચોધાર આંખ્યે ભાયુંને વળાવી દેવા પડતાં. દાદાની બદલીઓ થતી ગઈ ને પછી તો નોકરીયે ગઈ… પણ એમનો તાપ તસુભારેય ઓછો નો’તો થ્યો… અથડાતાકુટાતા, ગામેગામનાં પાણી પીતા છેક ૧૯૬૦માં બા-બાપુ જિંથરી ગામે ઠરીઠામ થયાં. બાપુ આસપાસના ૨૦-૨૫ ગાઉનાં ગામડાંઓમાં મોસમે મોસમની ચીજો વેચતા… બરફથી માંડીને બોરની ફેરી કરતા બાપુ એકાંતરે ધંધા બદલતા પણ એમની તકદીર બદલવાનું નામ નો’તી લેતી. છાપાની એજન્સી મળતાં રખડવાનો પટ સાંકડો થયો પણ આવકમાં ઝાઝો ફેર ન પડ્યો. ચાદર હતી એવડી ને એવડી જ રહી’તી પણ પગ લાંબા થતા ગયેલા… ૪૦૦ રૂપિયાની આવક ને અમે પાંચ ભાઈબહેન ઉમેરાયાં હતાં.

ઘર જિંથરી ગાેમ… ને બાપુ આસપાસનાં બજુડ-સણોસરા, ધોળા, સોનગઢ વગેરે ગામો સુધી સાઇકલ પર ફેરી કરે… અમારું ઘર જિંથરીના દવાખાનાની હદની બારું. બાવળ-બોયડી ને ઇંગોરિયાનાં ઝુંડ સિવાય અમારે કોઈ પાડોશી નો’તાં. લાઇટ તો છેક ૧૯૮૩માં લીધી. આને કાજળકાળી રાત કહેવાય એવી જ્યારે ખબર નો’તી પડતી ત્યારે બા અમને ઢબૂરીને વાટ જોતી બેસી રહે… બાપુ આવે, ન પણ આવે… કાંય ઠેકાણું નહીં. એક વાર તો ધંધાની ભીંસે મૂંઝાયેલા-અકળાયેલા બાપુ હારીથાકીને વગર ટિકિટે ગાડીમાં ચડી બેઠા છેક અજમેર સુધી… તે ચાર દા’ડે પાછા આવ્યા’તા. કઈ ધીરજે બા બેસી રહી હશે એ ચાર દા’ડા એ તો એ જ જાણે. અમારી કોઈની સમજ એના રડવામાં સૂર પુરાવવાથી વધારે નો’તી એ સમયે.

એ કાઠા કાળમાં ડોક ઊંચી રાખીને ટકી રહેવા ઝાવાં નાખવાં પડતાં. ટંક ચૂક્યા નો’તા. પણ ચૂકી જવાની ધાસ્તી તો કેટલીય વાર અનુભવી’તી. જે ઉંમરે છોકરાં નિશાળેથી આવી માને ચૂપચાપ બેઠેલી જોઈ સમજી જાય કે ‘નક્કી આજે કશુંક હશે’ ત્યારે અમે સમજી જતાં કે મા ચૂપચાપ બેઠી છે તે ‘નક્કી આજે કંઈ જ નહીં હોય.’ ને કંઈ બોલ્યા વગર થેલાનો ઘા કરી રમવા દોડી જતાં. લોકો કહે છે ડહાપણની દાઢ સોળ-સત્તર વર્ષે ઊગે… પણ અમને ભાઈબહેનોને સાત-આઠ વરસની ઉંમરે જ ફૂટી ગયેલી. બાળપણને બહુ વહેલું હળવેકથી ‘આવજો’ કહી દીધેલું. કાઠા કાળમાં વખત સાથ છોડે એ પહેલાં માણસો સાથ છોડી દેતા હોય છે, એનો અમને નાનેથી અનુભવ. ગામની એકમાત્ર કરિયાણાની દુકાન હોરો ચલાવે. ઘરમાં જોતી ચીજવસ્તુ એને ત્યાંથી જ લાવવી પડે. થોડાઘણા પૈસા દઈએ ને ઝાઝું બાકી ચાલે. એમાં એકાદ મહિનો કાંય નહીં દેવાયું હોય… બા ચીજું લેવા ગઈ. શેર ને અર્ધો શેરનાં પડીકાં બંધાવ્યાં. જેવી પૈસાની વાત આવી કે ડોકમાં સીધી કાતળીવાળી મારી બાએ આજીજી શરૂ કરી… આજેય આંખ બંધ કરું તો એ દૃશ્ય એવું ને એવું દેખાય છે. હોરાના બોલ કાનમાં એવા ને એવા પડઘાય છેઃ ‘ભલે પડ્યાં પડીકાં, પૈસા આવે ત્યારે લઈ જાજો.’ બા આમ તો ટંકણખાર જેવી… ઝાઝી વાર ભાઈ-બાપા ન કરી શકે… એ દિવસથી એણે જાણે કે ગાંઠ વાળી લીધી મનમાં. એક ખંભો ધર્યા વગર આ સંઘ દ્વારકા નહીં પહોંચે એવી એને ખાતરી થઈ ગઈ. ને એણે ઘરને બે પૈડે ચલાવવા કમર કસી. ભળકડે ઊઠી, ચા-ભાખરી કરી છાણનો સૂંડો લઈ નીકળી પડે. કો’ક કો’ક દિ’ એકાદી બેન પણ ભેળી જાતી. કડકડતી ટાઢ્ય કોને હેવાય એ તો હવે શાલ ઓઢીએ છીએ ત્યારે ખબર પડે છે… એ સમયે તો જળી ગયેલા ફરાકમાંય નો’તી લાગતી. અમારી જંગી જમાત ઊઠે એ પહેલાં હાથ એકનું જાળું ખડકીને ફળિયામાં ઠાલવી દ્યૈ… પાણિયારેથી હેલ્ય લેતીક દસ-બાર હેલ્ય પાણી ભરી આવે. પછી અમને ધમારતી જાય, લૂગડાં ધોકાવતી જાય ને નવ – સવાનવ થાય ત્યાં અમારી ટિંગર માટે રોટલા-શાક તૈયાર હોય. બધાંને નિશાળે વળાવી, લુશલુશ ખાઈ, ઢાંકોઢૂંબો કરી સીવવાની થેલી લઈ હડી કાઢે પડખેના સોનગઢ ગામે… અમે સાડાપાંચ-છએ પાછાં આવીએ ત્યારે થાળી જેવડી ભાખરિયું કાં બાજરાના બઢા ને બટેટાનું રસાવાળું ફળફળતું શાક હાજર જ હોય. આખ્ખા પાડોહની બાયું તડાકા મારતી હોય પણ બાએ એવા મોહમાં અમને ટાઢું ખવડાવ્યું હોય એવું યાદ નથી. રાતે ફાનસના અંજવાળે અમે વાંચીએ-લખીએ ને એ કંઈક ટાંકા-ટેભા કરતી હોય. મને સાવ નાનેથી જ નિશાચરની જેમ બે-અઢી સુધી વાંચવાની લત… ફળિયામાં ઘોર અંધારું હોય… એટલે બે-ત્રણ વાર બાને પછવાડે લઈ જવા ઉઠાડું. નીંદરમાં ઠેબાં ખાતી એ ભેળી આવે જ. વાતે વાતે વડકું કેમ નો’તું ભર્યું એની આજેય નવાઈ લાગે છે.

ઉનાળો આવે એટલે છાણને બદલે બળતણ ભેળાં કરવાની મોસમ શરૂ થાય. વહેલી સવારે કુહાડી ને સીંદરાં લઈ પાંચ-સાત બાયું નીકળી પડે દોઢ-બે ગાઉ આઘેની કાંટ્યમાં. ટિનની બયણીમાં પાણી ભરી, એને ઉલાળતી હું કાયમ ભેળી જ હોઉં. હું કામગરી એવી હતી કે એક સળીના બે કટકા નો કરું. ઘરમાં ડાંડો વળે જ નહીં. ચોપડીમાં માથું ખોસી વાંચ્યે રાખું પણ એક કામ નો કરું એટલે બેઉ બેનો મને બા ભેળી જ વળાવે. દેખવુંયે નહીં ને દાઝવુંયે નહીં… ભૂતના ભાઈની જેમ હું કાંટ્યમાં આથડતી, અડાયાં વીણ્યે રાખું. બા પાસે ઠાલવવા જાઉં ત્યારે બા અચૂક ટપારે, ‘વાલામૂઈ, કો’કથી બીતી જા જરાક… જમાનો બઉ ખરાબ સે… ને તું ભૂતની જેમ ભટકતી ફરે સે.’ જોકે મને બાની એ ધમકી આજેય નથી સ્પર્શતી. બા ભારો બાંધે એટલી વારમાં હું એક ગાંહડી અડાયાં ભેળાં કરી લઉં… ઘરે આવી પગ ફેલાવી વાંચ્યે રાખું પણ બા તો લુશલુશ ખાઈ. ઠામડાં ઊટકી, થેલી લઈ વેતા મેલે સોનગઢ ભણી… પૂરાં ચાર વરસ એણે એવા ધોડા કર્યા ત્યારે સીવતાં શીખી.

બેઠી દડીનું શરીર પણ બા વા હાર્યે વાતું કરતી જાય. અમારી જંગી જમાતનું રોજિંદું કામ, છાણાં-બળતણ, ઘરનાં ને ગામનાં લૂગડાં સીવતી જાય, ઉનાળે ગોદડાં કરવાનાં, શેવ-પાપડ વણવાનાં, ચોમાસે ભીંત્યુંને થાપ દઈને ત્રાટાં ભીડવાના, દિવાળીએ ગારિયાં ખૂંદી ગાર્યું કરવાની, ધોળ કરવાનો… આજે ઘરમાં સગવડો વધી છે. કામ કરનારા હાથ પણ વધ્યા છે ને તોય ક્યારેક કામ બાબતે ટપાટપી થાય ત્યારે વિચાર આવે કે બા આ બધું એકલે હાથે કઈ રીતે કરતી હશે? એની પાસે કાંઈ જાદુની છડી તો હતી નહીં… એય થાકતી તો હશે જ ને? પણ તોય એણ્યે અમને છાણબળતણ ને વાસણ સિવાયના કામમાં ભાગ્યે જ ઘસડ્યાં છે… ‘અમને તો અમારા બાપાએ નિશાળ નો દેખાડી… પણ તમે ભણો તો કાંક્ય દિ’ ફરે.’ એવું કહેતી બા ક્યારેક આવું પણ કહેતી જાય… ‘તમારા બાપુથી દિ’ વળે ઈ વાતમાં માલ નંઈ. તમે બધાં ભણીને કાંક્ય ઉકાળો તો સુખનો રોટલો ખાવા પામીએ. સારું છે કે તમે બધાં મારા પર ગયાં, તમારા બાપા જેવાં નો થ્યાં…’ આવું કહેતી બાને આજે પણ પોતાના ડહાપણ વિશે એટલો જ ઊંચો અભિપ્રાય છે. આ કારણે પણ કદાચ ઘરનો વ્યવહાર એણે હાથમાં રાખ્યો હોય! કારણ કે બાપુને છેતરવા એટલે કોઈના પણ ડાબા હાથનો ખેલ… પણ બાને બાટલીમાં ઉતારવી બઉ અઘરી. મારા બાપુના વ્યક્તિત્વથી મારી બા એકદમ જ સામા છેડાની. બેયની ઊંચાઈ ને ઉંમરમાં જેટલો ફેર એટલો જ સ્વભાવ ને સમજણમાં ફેર. બા જેટલાં હિંમતવાળાં ને વ્યવહારકુશળ એટલા જ બાપુ રઘવાયા, ભોળા ને ભુલકણા… પણ બાપુ જેટલા ઠંડા દિમાગના, બા એટલી જ તપેલી… ઘડીકની વારમાં ધગેલ ત્રાંબા જેવી થઈ જાય. મોજમાં હોય ત્યારે ગીતો-ભજનોની રમઝટ બોલાવે પણ મગજ છટકે ત્યારે કોઈનીય નહીં… પોતાનો કક્કો ખરો કરાવ્યે પાર કરે. ભાર છે કોઈના કે સામો અવાજ ઉઠાવે?

પોતે નિશાળનો ઉંબરો નો’તો ભાળ્યો એટલે બા-બાપુ બેયને અમને ભણાવવાનો ભારે રસ. જોકે બાને અમારા ટકા સાથે નહીં, નંબર સાથે લેવાદેવા. અમે પરિણામ લઈને આવીએ ત્યારે ઝાંપે ઊભી હોય… પે’લો નંબર આવ્યો એટલું જાણી હરખભેર કામે વળગી જાય… સાતમા ધોરણમાં હું પાંચ ટકા વધુ લાવી પણ નંબર ત્રીજો આવ્યો… ને બાએ એક ટંક ખાધું નો’તું… આજેય કોઈ અણગમતી વાત, પ્રસંગ, પ્રશ્ન સામેની એની પ્રતિક્રિયા એક ટંક ન ખાવાની જ રહી છે. એમ બાને ઘઉં-બાજરાનું દયણું કરતી હોય ત્યારે આંગળીઓ વડે કક્કો શિખવાડીએ… એમાં એ વાંચતાં શીખી ગઈ પણ લખતાં ન આવડ્યું. ને પછી તો વાંચવાની એવી લત પડી કે મુનશી, મેઘાણી, પન્નાલાલ, ગુણવંતરાય આચાર્યનું લગભગ બધું વાંચી કાઢ્યું. વાંચે, અમારી પાસે વંચાવે પણ લખતાં ધરાર ન જ શીખી. એ જમાનામાં પોસ્ટ-ઑફિસમાં વાસણ-પાણી-વાળવાના એને મહિને ચૌદ રૂપિયા મળતા’તા. ઘરમાં તો એક સાંધે ત્યાં તેર તૂટે એવું હતું, પણ બચતના ગાંડા શોખની મારી એ ચૌદ રૂપિયા રોકડા પોસ્ટ-ઑફિસમાં જમા કરાવે… દર મહિને ધ્રૂજતે હાથે અંગૂઠો પાડીને આવે ત્યારે ખુશખુશાલ હોય. આજે પણ જો અમે ‘સહી કરતાં તો આવડવું જ જોઈએ’ એવું કહીએ તો ‘હંધાયને હંધું નો આવડે.’ — બધા માણહ હરખા હોય ને તો દુનિયામાં કોઈ એકબીજાને હાલવા નો દ્યે…’ એવું કહીને છટકી જાય.

’૭૨-’૭૩ના કાળમાં બાપુ પૈસેટકે સાવ ઘસાઈ ગયા. છાપાંની એજન્સીઓ ટપોટપ રદ થવા માંડી. ચારેગમથી ભીંસાયેલા બાપુને હવે ઝીંક નહીં ઝિલાય એવી ધાસ્તી પેઠી ને એમણે હામ ખોઈ ઘર છોડવાનો નિર્ણય લઈ લીધો. આખો દિવસ ઘરમાં ચૂલો ન ચેત્યો. બધા રોવે, પાડોશી સમજાવે… પણ બાપુએ જાણે કાનના ભોગળ જ બીડી દીધેલા… રોઈને થાકેલી બા, બાપુ, સામે એક નજર નાખી કામે વળગી. એ નજર જાણે કેતી’તી ‘તમે ખભો ખંખેરીને હાલતા થાશો પણ હું આ જંજાળ મેલીને ક્યાં જવાની?’ એ નજરનો તાપ સહેવાતો ન હોય એમ બાપુએ નજર નીચી ઢાળી લીધી. પછી તો નાનાભાઈએ બાપુની જિદ્દ મેલાવી ને બાપુ પાછા રાજાપાઠમાં પણ આવી ગયા… પણ એ વર્ષો બઉ કાઠાં ગયાં. ને તોય બાપુની જેમ ‘ધીરજનાં ફળ મીઠાં’, ‘ઉપરવાળો કરે એ સારા સાટુ જ કરે…’ એવું બોલતાં મેં બાને કપરા કાળમાંય નથી સાંભળી પણ એને ધીરજ ખોતીય કદી નથી જોઈ.

પણ આ વર્ષોએ અમને પૈસાની કિંમત બરાબર સમજાવી આપી. બા બધાંને ‘પૈસા ઉછીના લેવાય પણ વ્યાજે કદી ન લેવાય’ એવું ગાંઠે બંધાવતી, પણ ’૭૨-’૭૩ના કાઠા કાળે ઉછીના આપનારાનોય દુકાળ પડ્યો ને અમારે વ્યાજના કૂંડાળામાં પગ દેવો પડ્યો. અમે કોઈ ખેલ, કોઈ તમાશો જોયા વગરના રહી ન જઈએ એનું સમય જાણે પાકું ધ્યાન રાખતો’તો. ગામ આખુંય વેરશી વાઘરી પાસેથી પૈસા વ્યાજે લે… પાંચ હાથ પૂરો, હાથમાં રૂપાનો તોડો જડેલી લાકડીવાળો વેરશી મૂછે વળ દેતો પૈસા દેવા આવે ત્યારે મધથીય મીઠો લાગે. પણ પાછા લેવાટાણે જમનો ભાઈ જ જોઈ લ્યો. વેરશીની વ્યાજની શરત સાવ સરળ. પાંચસો રૂપિયા લો તો છ મહિના એય ને કરો જલસા… છ મહિને મુદ્દલ + ૩૦૦ રૂપિયા દેવાના. જોકે એવું ભાગ્યે જ બને… છ મહિને ૩૦૦ રૂપિયા જ દેખાય માંડ. ને મૂળગા એમ ને એમ ઊભા જ રહે. જોકે વર્ષો સુધી મુદ્દલ ન આપો તોય વેરશીડાને એમાં જરાય વાંધો નહીં. એને છ મહિને ૩૦૦ રૂપિયા મળવા જોઈએ. એ ન મળે તો પછીથી વ્યાજ ૮૦૦ રૂપિયા પર ગણાવાનું શરૂ થઈ જાય… ગામમાં જેના ફળિયામાં વેરશીનાં પગલાં પડે ત્યાં ઘડી બે ઘડીમાં જ ગોકીરો બોલે. અમે તો ગામથી આઘાં, એકલાં રેતાં’તાં ને તોય જેવો વેરશી ફળિયામાં પગ મેલે કે બધાંને સરપ સૂંઘી જાય… મને બરાબર યાદ છે કે આ ખેલ પાકાં ત્રણ વર્ષ ચાલેલો. બાએ શું કર્યું? શું વેચ્યું? એ તો નથી ખબર પણ આજેય વ્યાજખોરોની વાતું વાંચું ત્યારે મૂછે વળ દેતો વેરશીડો મારી આંખ્ય સામે ખડો થઈ જાય છે, એને ધીરે બોલવા કરગરતી બા દેખાય છે… આ બધામાં બાપુને પડતા ભાળ્યા નથી. કંઈકનાં લૂગડાં સીવીને, દાડીએ જઈને બા બે છેડા ભેળા કરવા મથતી રે’તી. બાપુ સ્વભાવથી જ લહેરી… ઓલિયા જીવ હતા. નિજમસ્તીમાં મગ્ન રહેનારા… એ ભલા, એમની સાઇકલ ભલી. છાપાં અને ગીતો ભલાં… ‘હાથીને મણ ને કીડીને કણ આપનારો બેઠો છે ત્યાં સુધી શાની ચિંતા’ એ એમનું ધ્રુવવાક્ય… બા પણ બાપુ જેવી મોઢાની મોળી થાય તો ગાડું ચાલે કઈ રીતે? કદાચ દુનિયા સામે બાખડી બાંધવાનો. એકલા હાથે દુનિયાને ઘોળીને પી જવાનો ગુણ અમને બેનોેને બા પાસેથી જ મળ્યો છે. બાની ખુમારી ને ખુદ્દારીએ અમને લડતાં શિખવાડ્યું છે, એકલા હાથે ઝૂઝતાં શિખવાડ્યું છે.

પાસે બેસાડીને લાડ કરવાનો, કે વાર્તા સંભળાવી સુવડાવવાનો વખત તો એ કાળમાં દીવો લઈને ગોતો તોય જડે એમ નો’તો. થાકીને ટેં થઈ જતી બા માંડ ખાટલો ભાળતી હોય એમાં વાર્તા ક્યાં કહે? પણ અભરાઈ ઊટકતાં, ગારિયાં ખૂંદતાં, ગાર્યું કે દયણાં કરતાં, ભીંત્યુંને ત્રાટાં બાંધતાં બાએ વાર્તાયું કીધી છે અને અલકમલકનાં ગીતોય સંભળાવ્યાં છે. કોઈ ગામડું એવું તો હોય જ નહીં જ્યાં ભૂત-પ્રેતની વસ્તી ન હોય! રૂંવાડાં ઊભાં થઈ જાય એવી શૈલીથી, કંઈક ભૂતને ભાળ્યાં હોય એવી ઢબે બા વાતું માંડતી…

બા અમારે માથે ચૂલો ભાગ્યે જ નાખતી પણ પાંચ-સાત મે’માન આવે તો રસોડામાં ડોકાય પણ નહીં… ‘મારી છોકરીઓ એવી તૈયાર કે એમને પૂછવાનીય જરૂર ન પડે’ એ વાતનું ગૌરવ લેવા બા’રી બેઠી રહે. અમે જખ મારીને શીખી ગયાં બધું… જોકે એના કારણે જ આજે ૨૫ માણસનું રાંધવાનું હોય તોય નથી માપની જરૂર પડતી કે નથી ગભરામણ થતી. કાયમ ઊંચા માથે લડી શકાય, બોલી શકાય એ માટે સાચું બોલવું ને સાચું કરવું પડે એવું એણે વગર કહ્યે શિખવાડ્યું છે. આટલાં વર્ષોમાં ક્યારેય કોઈ ભાઈબહેનને કોઈ જાતનો પ્રશ્ન પૂછ્યો નથી. કોઈના નિર્ણયની આડે આવી નથી. કોઈ નિયમો કે નિયંત્રણો વગર જ બાએ અમને મોટાં થવા દીધાં છે. વિશ્વાસ અને જવાબદારીનો પાઠ અમે એના આવા વલણથી જ શીખ્યાં હઈશું ને?

ગામડામાં મોટા થવાને કારણે ધર્મ બધાંના ઘરના ઉંબરાની અંદર જ રહેતો… ગણેશચોથે અમારા ઘરે તપેલું લાડવાથી છલકાઈ જાય ને ઈદના દિવસે એ બધાં ઘરોની ગણતરી પ્રમાણે જ ખીર બને. ગુરુકુલમાં ભણવાને કારણે મેં શુદ્ધ શાકાહારી બનવાનું નક્કી કર્યું ત્યારે બા કંઈ ન બોલી… પણ મારા ચાંદલા સામે એનો વિરોધ લાંબો ચાલેલો. ‘અલ્લા કપાળે ડામ દેશે’વાળી ધમકી હવે જોકે એ ભૂલી ગઈ છે. હું કેટલી આડી છું એ હવે એણે સ્વીકારી લીધું છે. એટલે મારા બદલાની માનતા પણ એ જ માને છે. મારી મણકાની તકલીફ જન્મજાત છે એવું કેટલી વાર સમજાવું તોય મારી પીઠ માટે એ પોતાની પીઠ વળી જાય એટલી બાધા-આખડી રાખીને બેઠી હશે.

આજે બા મારી પાક્કી દોસ્તાર છે… હું ઘરે જાઉં ત્યારે એની વાતું ખૂટતી નથી… અહીં જાણે હું ખાતી જ ન હોઉં એમ એ વૅકેશનમાં મારી થાળીનું ધ્યાન રાખે… અને પાછી આવું ત્યારે ભેળા ડબ્બા બંધાવે… વાતોના કલાકો ટૂંકા પડે છે આજે, પણ નાનપણમાં અમારે બેઉને બારમો ચંદરમા હતો. હું નાનેથી જ કામની ચોર ને થોથાંઓની સોખીન. ઘરમાં તો ક્યાંય ખાલી ખૂણો હતો નહીં એટલે વાડ્યના છાંયે કે લીમડા હેઠળ ગમે ત્યાં ખાટલો ઢાળી ચોપડી લઈ વાંચ્યે રાખું. બાનું ધ્યાન જાય એટલે કાળઝાળ. ઘરમાં બડાબૂટ કામ પડ્યું હોય, બા પહોંચતી ન હોય. વૅકેશન હોય ને તોય આપણા રામ એયને ચોપડી વાંચતા હોય. પછી ઘીની નાળ્યું જેવી બાની ગાળ્યુંનો વરસાદ વરસે…. જોકે મને ભાગ્યે જ અસર થતી. મોટા ભાગે તો ચોપડીમાં જ ધ્યાન હોય. ને ધારો કે રડ્યુંખડ્યું કાને પડી જાય તો એક કાનેથી સાંભળી બીજા કાને કાઢી નાખતી… વળી નાનપણમાં બા નાનાભાઈનો પક્ષ જરા વધુ પડતો લેતી એટલે હું અકળાતી. ભાઈને કામ કેમ નથી ચીંધતી એવો પડકાર ફેંકતી. ‘ભાઈ થાળી ઉપાડે છે? વાસણ ઊટકે છે? તો હું શા માટે?’વાળી દલીલથી બા મગજ ગુમાવતી. બધી વાતે સામો જવાબ વાળું જ… એટલે મારે ને બાને જામી ન હોય એવો દિવસ ગોત્યો ન જડે. મોવાળા વાંભ એક લાંબા ને પાછા પૂળા જેવા જાડા… તે ઓળતાં આવડે નહીં. બા હાર્યે ગમે એવી જામી હોય તોય માથું ઓળાવવા તો બેસવું જ પડે… એના ઉપર ઉપકાર કરતી હોઉં એમ હું માથું ઓળાવવા બેસતી. ૧૨મું પાસ કરી વડોદરા ભણવા જાતી’તી ત્યારે બા માથું ઓળતી જાય ને રોતી જાય. ‘હવે તારું માથું કોણ ઓળી દેશે?’ ને મારો રોકડો જવાબ હાજર હોય… ‘કાપી નાખીશ.’ આજેય વાતો કરતાં કરતાં બા અચૂક કબૂલે છેઃ ‘પાંચ ભાંડરડાંમાંથી કોઈને ટાપલીય નથી અડાડી… પણ તેં મારા હાથનો માર બહુ ખાધો છે. પણ તું હતી જ જિભાળી. મારું એકેય વેણ નો રાખતી…’ આજેય જોકે મારા થોથાપ્રેમ સામેનો બાનો વિરોધ ઓછો નથી થયો. મારા ચોપડાના કબાટ સામે જોઈને નિસાસો નાખેઃ ‘તનેય બેન, ખરું ભૂત ભરાણું સે આ થોથાનું. વાર્તાયું તો ઠીક પણ આ બીજા બધાંયને તું શું કરીશ?’ એ મારી સાથે થોડાક દા’ડા રહેવા આવી ત્યારે ‘ભગવદ્ગોમંડળ’નું પાર્સલ આવેલું. આદતવશ એણે ‘કેટલા રૂપિયા થયા?’ પૂછ્યું ને મેં બિલ ધર્યું. બિલ જોતાંવેંત ભડકો થઈ ઊઠી. ‘વાલની વીંટી જેટલું સોનું તો છે નંઈ તારી પાંહે ને આવાં થોથાંમાં પૈસા કાં બાળતી હઈશ?’ વૅકેશનમાં ભૂલમાંય ચોપડીને હાથ અડાડું એટલે એ અચૂક પૂછેઃ

‘ભણવાની છે?’

‘ના.’

‘ભણાવવાની?’

‘ના.’

‘તો પછી આંખ્યું કાં ફોડતી હઈશ? કાંક્ય વાતું કર્ય, વાર્તાયું કે… આ થોથું લઈને કાં બેહી ગઈ…’ મને લાગે છે એના આ વિરોધની સામા થવાની ચાનકમાં જ નાનપણથી મારો પુસ્તકપ્રેમ વધતો ગયો હશે.

’૭૪-’૭૫નાં વર્ષોમાં રૅશનકાર્ડ પર પટ્ટાવાળું ૨૫ મીટર કાપડ મળતું. મેલખાઉ રંગના એકસરખા કાપડમાંથી અમારાં ભાઈબહેનનાં કપડાં સિવાતાં એટલે આજે જ્યારે હું ભાઈની દીકરી માટે પરી જેવાં રૂપાળાં ફરાક લઈ જાઉં છું ત્યારે મેં ભાગ્યે જ બાને રાજી થતી જોઈ છે. ફરાક પર હાથ ફેરવીને ‘તમને તો હું કેવાં સીવી દેતી નંઈ?’ એવું અચૂક બોલે… કિંમત પૂછ્યા વગર સાડલો ન પેરી શકે. સાચી કિંમત ભૂલમાંય કહી દો તો સાડલો સાચવીને મૂકી દે… ‘ભાર્યે લૂગડું ઘરમાં થોડું પેરાય!’ એ એની દલીલ. અમે લાખ સમજાવીએ કે પૈસાની કંઈ કિંમત નથી. પૈસો આવે ને જાય… અત્યારે છે ત્યારે જલસા કર ને… પણ બાનો જીવ ધરાર ન ચાલે. એ અમને ત્રણ-થરાં થીગડાં મારી દેતી એ ન ભૂલી શકે… અમેય મનમાં તો ઘણુંય સમજીએ કે જેણે પાઈ-પાઈની કિંમત જાણી હોય, નાખી દેવા જેટલી રકમ માટે કડવા ઘૂંટડા ગળ્યા હોય એને પૈસાની કંઈ કિંમત નથી, એ કઈ રીતે સમજાવી શકાય?

દુનિયા સામે એને ઝાઝા સવાલો નથી… પણ મારી સામે છે… ભણી લીધા પછી કેમ વાંચવાનું? લખવા નો બેહાય તો કોણ પાણો મેલવા આવે છે લખવા માટે? નો લખે તો તારું કાંય જાય? ઘરથી આટલી આઘે નોકરી કેમ? બદલી કેમ નથી કરાવતી? તને પોતાને તો વાર્તાયું લખતાં આવડતી નથી તો બીજાની પંચાત શું કામ કરતી હઈશ? — આ બધા મારી બાના કાયમી પ્રશ્નો છે. ને નાનપણમાં બધી વાતે સામા જવાબ દેનારી પાસે એકેય પ્રશ્નનો એને ગળે ઊતરે એવો જવાબ નથી.