ગુજરાતી નિબંધ-સંપદા/સુરેશ જોશી/નામશેષ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
નામશેષ

સુરેશ જોશી

વૈશાખની સાંજ ઢળે છે. જાણે જગત બે ભાગમાં વહેંચાઈ જાય છે. મારું પણ એક અડધિયું આ આથમતા સૂર્ય સાથે બીજા જગતમાં ચાલી જાય છે. આથી વેદના થાય છે. પણ વર્ષાની સાંજે હોય છે એવી ભારે ભારે નહીં. અર્ધો ભાર ઉતારી નાખ્યાથી થોડી હળવાશ અનુભવાય છે. કોઈ વાર સવારે બે અડધિયાં પૂરેપૂરાં સંધાતાં નથી. વચ્ચે થોડો પોકળ અવકાશ રહી જાય છે. ત્યાં શૂન્યના બુદ્બુદ ઊઠે છે એથી ઈશ્વર ઉદ્ગાર કાઢી રહ્યો હોય એવી ભ્રાન્તિ થાય છે.

સમુદ્ર પાસેથી લગામ છોડાવીને પવનના અશ્વો દોડી નીકળ્યા છે. એની ખરીમાંથી તણખા ઝરે છે. એના વેગના આવર્ત ચારેબાજુ ઘુમરાય છે. આ આવર્તોની વચ્ચે બુદ્ધની સ્થિર પદ્માસન મૂર્તિ જોઉં છું. એમની ચારે બાજુ શાન્તિ રણકી રહી છે. એમાં એવી ગહનતા છે જે આપણને એમનાથી દૂર રાખે છે. એ ગહનતા જ આપણી દૃષ્ટિ સમક્ષ નક્ષત્રને રૂપે રજૂ થાય છે.

દૃષ્ટિથી દૂર, કોઈ ઊંચા ખડકના પોલાણની વચ્ચે ખીલેલા ફૂલનું હાસ્ય કોને માટે હોય છે? કોઈક વાર સાવ નિકટ બેઠેલી વ્યક્તિના મુખ પરના હાસ્યમાં એવી દૂરતા જોઈને હું છળી મરું છું. પણ ક્ષતિ વગર આપણે સુખદુઃખ વચ્ચે હંમેશાં વિવેક કરી શકીએ ખરા?

ઘણી વાર એવો બાલિશ તરંગ સ્ફુરે છે કે આપણને આપણા પ્રિયજનથી છૂટા પાડનાર દૂરતાને સંકેલીને પાતળા ધાતુના તાર જેવી બનાવીને આંગળીએ વીંટીની જેમ પહેરી લીધી હોય તો? દૂરતાનો આપણને ભય એટલા માટે જ લાગે છે કે દૃષ્ટિસીમાની બહાર વિસ્તરેલા પ્રસારમાં એ આપણને કણ કણ કરીને વિખેરી નાખે છે.

ઘણી વાર આપણે કહીએ છીએ કે અકારણ વિષાદ થાય છે. પણ મને લાગે છે કે જ્યારે કશાની બહાર આપણે રહીએ છીએ ત્યારે જ આપણને વિષાદ થાય છે. આપણા જમાનામાં આપણી આજુબાજુના પરિવેેશમાં ‘આઉટસાઇડર’ની જેમ જીવીએ છીએ. મારી પાસે જે વૃક્ષ છે તે મારે મન એક પદાર્થ જ છે. એના થડમાં જીવનરસ થઈને આપણે વહી શકતા નથી, એની કૂંપળોમાં આપણે ઊઘડી શકતા નથી, એની શાખાઓમાં આપણે પ્રસરી શકતા નથી. કોઈ વાર સાંજે એકાકી ઘરમાં બેઠો હોઉં છું ત્યારે ઘરનો અસબાબ જાણે મારાથી મોઢું ફેરવીને બેઠો હોય એવું લાગે છે. કબાટનો કાચ નજરને વિરુદ્ધ દિશામાં વાળી લે છે, બારણાં અવળાં ખૂલે છે. ચોપડીઓ હોઠ બંધ કરીને મૂગી બેસી રહે છે. કૅલેન્ડરનાં પાનાં ફરફરતાં નથી ત્યારે મારી આજુબાજુના જગતની બહાર રહી ગયાનું ભાન થાય છે. હૃદયનો ધબકારો જાણે કોઈ બારણું ઠોકીને અંદર આવવા મથતું હોય તેનો અવાજ ન હોય એવું લાગે છે. તાર પર બેઠેલું પંખી પાંખો ફફડાવીને ઊડે ત્યારે મારામાંથી પણ કશુંક પાંખ ફફડાવીને ઊડી જાય છે.

ધ્યાનથી કે યોગથી થતી અભેદાનુભૂતિ આવી જ હશે. ભિન્નતા જ ભેદાઈ જાય અને આપણે દ્રવી જઈને દ્રવ્યમાત્રમાં એકરૂપ થઈ જઈએ ત્યારે નામશેષ થયાનો જે અનુભવ થાય છે તે પણ શું એક આધ્યાત્મિક અનુભવ નથી?

મારા ઉપર આગળ પહેલાંના કેટલાય માર્ગ ભૂંસાઈ ગયા હશે! કોઈ વાર એ બધા જૂના માર્ગો સજીવન થઈને આળસ મરડીને ફરીથી દોડવા લાગે તો? તો તો મારા ઘરને પણ ચાલી નીકળવાનું મન થાય. ઘર તો એક કૃત્રિમ સ્થગિતતા છે. આકાશની ને મારી વચ્ચે કોઈએ, રખે ને હું ભયભીત થઈ જઉં એવી બીકથી મારી વચ્ચે, ધરી દીધેલી હથેળી છે.