ગુજરાતી નિબંધ-સંપદા/સુરેશ જોશી/નિત્યનૂતન દિવસ—

From Ekatra Wiki
Jump to navigation Jump to search
નિત્યનૂતન દિવસ—

સુરેશ જોશી

કોઈક વાર કશોક વિલક્ષણ પ્રકારનો અનુભવ થાય છે: દિવસની શરૂઆત આજે સોમવાર છે એમ માનીને કરું, સોમવારની જેમ જ બધું કરું ત્યાં બપોરે એ એકાએક રવિવાર તરીકે છતો થાય. પછી દિવસના આ બે ભાગલાને જોડવાનું મુશ્કેલ બને. દરેક દિવસનું જુદું વ્યક્તિત્વ હોય છે. એ વ્યક્તિત્વ ઘડવામાં છેક બાળપણની સ્મૃતિથી તે પણ હમણાં જ પસાર થઈ ગયેલી ક્ષણે ફાળો આપ્યો હોય છે. કોઈ અજાણ્યા શહેરમાં થોડા દિવસ રહેવાનું મન થાય છે તો બધા વારની સેળભેળ થઈ જાય છે. પછી ઘરે આવીને બધું સમુંસૂતરું કરવું પડે છે.

દિવસ આમ ભલે અમુક કલાકનો ગણાતો હોય, બધા દિવસની ગતિનો લય એકસરખો હોતો નથી. દરેક દિવસની એક આગવી મુદ્રા હોય છે. કોઈકની સાથે અમુક સુગન્ધ સંકળાયેલી છે તો કોઈકની સાથે અમુક રંગ. કોઈ દિવસ જલદી વીતી જાય તેની રાહ જોઉં છું. તો કોઈ દિવસ એના વીતવાનું ભાન જ કરાવતા નથી. ચૈત્ર-વૈશાખના લાંબા દિવસો ગમે છે. દિવસનો છેડો છેક રાત્રિની સીમામાં પહોંચી જતો હોય છે. વૈશાખની સાંજ ઢળે છે ત્યારે કશોક અકારણ વિષાદ મનમાં છવાઈ જાય છે. ઘડીભર બધું સ્તબ્ધ થઈ જાય છે. એ જાણે જીવન અને મરણ વચ્ચેની ભૂમિ હોય છે. રાત ઢળે છે ને ધીમે ધીમે શીતળ લહરી બાજુમાંના મોગરાની સુગન્ધ લઈને ઓરડામાં વહી આવે છે ને વાતાવરણ બદલાય છે. સાંજ વેળાએ લીમડાની છાયામાં વિષાદનું ધણ બેઠું હોય છે. પછી રાતે આકાશના ગ્રહનક્ષત્રો વચચે આંખ વિહરતી થઈ જાય ત્યારે કરાર વળે છે. લોકો સ્મૃતિ વિશે જે માને છે તે મને ખોટું લાગે છે. એ ભૂતકાળની કોઈ ઘટનાની અકબંધ છબિ નથી હોતી. એ અર્થમાં આપણી ચેતનાના પટ પર અંકિત થઈને સર્યે જતું જગત કશું અકબંધ રહેવા દેતું નથી. વાસ્તવમાં સ્મૃતિ પણ આપણી વર્તમાનની અનુભૂતિમાં એકરૂપ થઈને જ આપણી પાસે આવી શકે છે. હું બારીમાંથી નજર કરીને લીમડાને જોઉં છું એ વર્તમાનની ઘટના છે. પણ આ તો એના ઉપલા સ્તરની વાત થઈ. એની નીચેના સ્તરોમાં બીજા સમયે જોયેલા લીમડાની, એની સાથે સંકળાયેલા પ્રસંગોની, એ આજની અનુભૂતિ જોડે ભળીને જે નવું રૂપ ધારણ કરે છે તેની — આવી અનેક અનુભૂતિઓનાં પડ પછી રહ્યાં હોય છે. મારી દૃષ્ટિએ કવિનું કાર્ય અનુભૂતિના પડ પછી પડ ઉકેલી આપવાનું જ છે.

ભૂતકાળને પુનર્જીવિત કરવાનો પ્રયત્ન નકામો છે; પણ ભૂતકાળનું જે નષ્ટ થઈ નથી શક્યું તેને આપણે વર્તમાનમાં સંભારી લઈએ છીએ. આજે મેદાનમાં છવાયેલો તડકો એ કેવળ આજનો નથી. આ લીમડાની મંજરીની સુગન્ધ બાળપણની આહ્લાદક વિહ્વળતાને ફરીથી મારામાં સજીવન કરે છે. આમ જે ચેતનામાં આત્મસાત્ થઈને રહ્યું છે તે આંખમાં દૃષ્ટિ થઈને, શ્વાસ ભેગો શ્વાસ થઈને આપણામાં જાવતું થઈ જાય છે. આપણી વય ગમે તેટલી હોય, આ આત્મસાત્ કરવાની પ્રવૃત્તિ થંભી જાય ત્યારે બધું ભારરૂપ લાગવા માંડે, એ મરણના આગમનની નિશાની! આથી સ્મૃતિ આપણી ચેતનાનાં પરિમાણને વિસ્તારે છે એ સાચું પણ ત્યારે આ સ્મૃતિ વર્તમાનની વાસ્તવિકતા સાથે સ્મરણ થઈ ગઈ હોય છે અને એથી એમાં પરોક્ષતા રહી નથી હોતી. જે પરોક્ષ બને છે તે સમયના પટની બહાર સરી જાય છે. તેની સાથે આપણે જીવન્ત સમ્પર્ક જાળવી શકતા નથી. આ જીવન્ત સમ્પર્ક ઘણી વાર આપણે આપણી સાવ નિકટના વ્રતમાન સાથે પણ જાળવી શકતા નથી. આપણી ચેતનાની અખણ્ડતાની ચિન્તા કવિતા કરે છે તેટલી ધર્મ કરતો નથી. ધર્મને અપરોક્ષતા કરતાં વફાદારાની વધારે પડી હોય છે.

જીર્ણતાનો ખ્યાલ પણ આત્મસાત્ નહિ કરી શકાયેલા સમયને કારણે જ આવે છે. જે આદિ-અન્ત વિનાના સમયના સ્રોતમાં છે તેને તો સીમાનો ખ્યાલ પજવતો નથી. એ કશું લેખું માંડીને જીવન જીવતો નથી. ‘હવે આટલું જ રહ્યું’ એવું સરવૈયું કાઢ્યા કરનાર કેમ બચાવવું એની વેતરણમાં પડવાને કારણે ઘણું મૂલ્યવાન ખોતો જાય છે. ફૂલમાંથી સુગન્ધ ફોરે તેમ આપણામાંથી સમય મહોરી ઊઠવો જોઈએ. આથી જ તો સાચા કવિની કવિતામાંથી આ મહોરી ઊઠેલા સમયની ખુશબો આવે છે. કાલિદાસની પંક્તિ મારા ચિત્તમાં હજી હમણાં જ, મારી નજર સામે વિકસેલી, ચમ્પાની કળીની જેમ ખીલી ઊઠે છે. આથી સમયની રજને ખંખેરી નાખવા પણ આપણે ઉત્તમ કવિઓ પાસે વારેવારે જવું જોઈએ.

અન્તર્મુખતા અને બહિર્મુખતાનો ઝઘડો પણ મને નકામો લાગે છે. આપણે આપણી જાતને એવાં અડધિયાંમાં વહેંચી નાખી શકતા નથી. ઇન્દ્રિયોનો સ્વભાવ જગતમાં વિહાર કરવાનો છે. આ બહિર્મુખ ઇન્દ્રિયોને અન્તરમાં વાળવાની સલાહ આપણા ધર્મ આપ્યા કરે છે. પણ એ જ ધર્મમાં ઇન્દ્રિયોને ગાય સાથે સરખાવી છે. જો ગાય બહાર ચરીને નહિ આવે તો એ શું પોષણ આપી શકે? જેની ઇન્દ્રિયોએ જગતમાં વિહાર કર્યો જ નથી તેની ચેતના કેટલી છીછરી બની જાય! આપણે આખો વખત બધી ઇન્દ્રિયોને ભાગી છૂટવા મથતા અશ્વોની જેમ અંકુશમાં રાખવાને જ મથ્યા કરતા હોઈએ તો એ અંકુશ નીચે જ આપણે જીવવાનું રહે!

મારી ચેતના કે મારો આત્મા એ કોઈ ગ્રન્થિ નથી. હું જ્યારે પ્રકૃતિ સાથે તાદાત્મ્ય અનુભવું છું ત્યારે મારા સંકુચિત અહમ્‌થી છૂટીને, સ્વાર્થહીન બનીને, બહાર વ્યાપી જતો હોઉં છું. આ મારી રોજ-બ-રોજની કેન્દ્રિત ધ્યાનની અવસ્થા, આ જગત પ્રત્યેની મારી સદોદ્યત જાગૃતિ, વિહાર માટે તત્પર ઇન્દ્રિયોની ધનુષ્યમાંથી છૂટેલા બાણના જેવી ત્વરિતતા, મારામાંથી બહાર અવિરત વિસ્મયથી જોયા કરવાનું કુતૂહલ — આ જ મને સંકીર્ણ થતાં અટકાવે છે. જે અંદર છે તે આ બહિર્ગમનથી જ પોષાતું આવે છે. માટે જ તો હોલો બોલે છે તે પણ હું એકાગ્ર ચિત્તે સાંભળું છું. રસ્તા પરથી જતા અપરિચિત માનવીને હું ધ્યાનપૂર્વક જોઉં છું. જગત સાથે અનુસ્યૂત થઈને નહીં જીવી શકું તો જગન્નાથ કોણ છે તેની મને ખબર જ શી રીતે પડે?

આપણું જીવન તે ટેલિફોન બૂથ નથી. અમુક એક જોડે વ્યવહાર સ્થાપવા માટે બારણાં વાસીને બીજો બધો વ્યવહાર તોડી નાખવાની આપણે માથે કશી અનિવાર્યતા નથી. ઘણા ઈશ્વરને પણ પોતા પૂરતો જુદો આંતરી લે છે. આ તો એના ઐશ્વર્યની વિરુદ્ધનું જ આચરણ થયું. બારાખડી કોઈ પુસ્તકના અર્ધા પાના પર સમાઈ જાય છે, પણ કવિતાની એક પંક્તિને માટે કેટલીક વાર આપણું આખું હૃદય નાનું પડતું હોય છે. આપણાથી અણજાણપણે વિકસી રહેલા આપણા હૃદયને જોઈને આપણે પોતે જ કોઈ વાર આશ્ચર્યચકિત નથી થઈ જતા? કેટલાં આશ્ચર્યો પામ્યાં એ જ આપણી સમૃદ્ધિનો સાચો હિસાબ છે. સ્મશાનમાં ખીલેલાં ફૂલને મરણની ખબર નથી હોતી. સાંજે એ ખરી પડશે એ વાતનું જ એ રટણ કર્યા કરતું હોત તો એમાંથી સુગન્ધને બદલે બધે ભય જ ફેલાતો ગયો હોત! ચન્દ્રની વિકસતી અને ક્ષીણ થતી કળા મને વૈરાગ્યના પાઠ શીખવતી નથી. અમાસનો ઉપયોગ હું જગતને અન્ધકારના ફાયદા સમજાવવા માટે કરતો નથી. જગત જોડે મારો મેળ બેસી જાય છે એવુંય નથી. મેળ બેસાડવા માટે જ તો આપણે વિકસવું પડે છે, થોડો ભોગ આપવો પડે છે. આ મેળ જ આપણને ઘડે છે.

ઘણાં પોતાનું હૃદય પોતાની પાછળ પડ્યું હોય તેમ એનાથી બચવા નાસભાગ કરીને જીવે છે. હૃદયને સામેથી આવકારવા જવાને બદલે એ લોકો પોતાનામાંથી જ નાસી છૂટે છે અને પછી પાછો ફરવાનો માર્ગ જડતો નથી. એટલે એ અશક્તિમાંથી એઓ એકાદ ફિલસૂફી ઉપજાવી લે છે. આથી જ તો કેટલીક વાર કોઈને વધારે પડતી ગમ્ભીરતાથી બોલતો સાંભળું છું ત્યારે એને આશ્વાસન આપીને પાસે બેસાડી સ્વસ્થ કરવાનું મને મન થઈ આવે છે. એ જે શબ્દો બોલે છે તેનો અર્થ મેળવવા પૂરતોય એ પોતા પૂરતોય એ પોતાનામાં વસ્યો નથી હોતો. પોતાનામાં બધું પોકળ કરી નાખીને એ તો માત્ર ભાગી જ છૂટ્યો હોય છે. બધું ચક્રાકારે ફરે છે. ધોળે દિવસે ભરબપોરે ધૂળના ઊડવાથી એક અપારદર્શક વાતાવરણ રચાઈ જાય છે. એની પાછળ નેપથ્યમાં શું ચાલી રહ્યું હશે તે જોવાનું બાળપણમાં કેટલું બધું કુતૂહલ થતું હતું! સ્ક્રૂના અવળા આંટાની જેમ એ વંટોળ ફરે છે. એમાંથી જ હમણાં કશું બહાર આવશે એવું લાગે છે. જોતાં જોતાં મારી આંખો પણ ધૂળથી અંજાઈ જાય છે. આટલી એક ક્ષણ બીજા સમયના એક વિશાળ પટને મારી આગળ સાકાર કરી દે છે. એ સમયમાં રાયણજાંબુડાનો સ્વાદ છે. મોગરામધુમાલતીની સુગન્ધ છે. ગુલમ્હોરનો રંગ છે અને દાદાના મૌનનું વજન છે.