ગુજરાતી નિબંધ-સંપદા/સ્વામી આનંદ/માછી-નાચ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
માછી-નાચ

સ્વામી આનંદ

મુંબઈની પડોશમાં જે સ્થળોના વાર્ષિક મેળા મેં મારા બચપણમાં જોએલા તેમાં નાળિયેરી પૂનમે વસઈનો, ને કાર્તિકી પૂનમે નિર્મળીનો એ બે મેળામાં હું સૌથી વધુ વેળા ગયો હોઈશ. આ મેળાઓનાં બહુ તાદૃશ્ય સ્મરણો મને છે.

વસઈનાં બે-ત્રણ જૂનાં કુડાળ શેણવી અને પાંચકળશી કુટુંબો જોડે અમારે બહુ નિકટનો નાતો ઘરોબો હતો. મેળાના દિવસ આવે ને આ લોકો અમારા વડીલોને મેળો મહાલવા નોતરે, અને ખાસ કરીને છોકરાંઓને મોકલવા કહેવડાવે. કોઈ મુંબઈ આવ્યાં હોય તો ચાહીને ઘેર મળવા આવે ને આગ્રહ કરી કરીને કહી જાય. કાં મેળાના દિવસ છેક આવી ગયા હોય તો મોટેરાંઓને પાછળથી આવવા કહી અમને છોકરાંઓને પોતાની સાથે લઈ જાય.

અમે છોકરાંઓ તો કૂદી જ રહ્યાં હોઈએ. આવનારું કે ઘરનું કોઈ ને કોઈ એમને લઈ જાય. ઘણી વાર ઘરનું કોઈ આવ્યું હોય તે તો એક-દોઢ દિવસ રહીને પાછું જાય. પણ અમને છોકરાંઓને તો પૂરા ત્રણ દિવસ કે વધુ રાખે; ને અમે રોકાઈએ. અમે ૩-૪ હોઈએ અને જજમાનના ઘરનાં છોકરાંની સંખ્યા મળીને ૭-૮ સહેજે થઈ જઈએ. ભરચક મેળાના દિવસને એકાદ-બે દિવસ બાકી હોય, તે દરમ્યાન અમે રોજ બહાર રખડવાના પ્રોગ્રામ બનાવીએ. સવારની પેજ (ચોખાની કાંજી) પીને અમે બપોર માટે થોડીક દશમી (ચપાતી) ને સુકેળી (સુકવણી કેળાં) બાંધી લઈને બે-ત્રણ ઘરનાં છોકરાં બધાં નીકળી પડીએ. અમારા જજમાનનાં કાકૂ (કાકીમા)નો દીકરો અમારા સૌમાં મોટો. ૧૪-૧૫ વરસનો. તે અમારો આગેવાન.

વસઈ અને તેની આજુબાજુનાં બધાં ગામો કેળાં, નાળિયેરી અને પાનવાડીઓ અને લાલ ટોપીવાળા દૂધગવળીઓથી પ્રખ્યાત છે. અમે વસઈ, માણિકપુર, પાપડી, ભુઈગાંવ, નાયગાંવ, ખોચીવડું ને અગાશી અરનાળા નાલાસોપારા સુધીનાં ગામો ને વાડીઓે આથડીએ. લાલ ટોપીવાળા કિરસ્તાંવ (ખ્રિસ્તીઓ)નાં ઘરોમાં ને તેમનાં દેવળોમાં પણ ઘૂસી જઈએ. રસબાળ (લાલ કેળાં), રાજેળી, મુઠેળી, એલચી, સોનકેળીં, બનકેળીં (ખાસડિયાં) — એવી એવી કેળાંની જાતો અને ભાતો ઓળખતાં શીખીએ. લૂમો ગણીએ, શરતો (મુક્કા દેવા-ખાવાની) બકીએ. શાળી (પાણીનાં લીલાં નાળિયેર)ના છાતીપૂર ઢગલા જોઈજોઈને નાચી ઊઠીએ. ખાઈએ, ફેંકીએ, ધીંગામસ્તી કરીને એકબીજાંને છુટ્ટાં મારીએ. બગાડીએ, વસઈનો કિલ્લો જોવા જઈએ. ત્યાં સંતાકૂકડી રમીએ. બે દિવસ મેળામાં મહાલીએ. ઘડી પગ વાળીને ન બેસીએ, ને સાંજ પડ્યે થાકી લોથ થઈ જઈએ.

વસઈનો મેળો નાળિયેરી પૂનેમ(બળેવ)નો. કિલ્લાની લગોલગ ખાડી કાંઠે ભરાય. ભરચોમાસું વીતીને આ પૂનેમ પછી માછીઓને સારુ દરિયો ઓછોવત્તો ખુલ્લો થયો ગણાય. આથી માછીકોમ બધી આજે દરિયા પૂજવા નીકળે. નવાં-નકોર રંગબેરંગી કપડાંમાં બનીઠની, હાથમાં નાળિયેર અને પૂજાપાના સામાન લીધેલ માછી-માછણોની લાંબી કતારો કિલ્લા પડખેના ખાડીકાંઠે આવે. ત્યાં પાઘડી પહેરણ પહેરેલા કે ફક્ત ઉપરણું ઓઢેલા ભ્રામણ ગોરબાપાઓ ધૂપ-દીપ પુષ્પ અને પૂજાપાના સામાન માંડીને હારબંધ બેઠેલા હોય. દરેક દંપતી ઉભડક પગે ગોરની સામે બેસી ગોરની મદદથી દરિયાપીરને પૂજે, લીલુડાં નાળિયેરથી વધાવે, નવા વરસ દરમ્યાન એની કૃપા હેઠળ બરકત માગે. દરેક સ્ત્રી પોતાના પતિની અને કુટુંબના આખા પુરુષવર્ગની ખેરિયત માટે દરિયા બાપજીની યાચના કરે.

આ બધાં પૂજનારાંઓને હાથે દરિયાખાડીમાં નંખાતાં ઢગલાબંધ નાળિયેરો જે કોઈ ખાડીમાં પડીને હાથ કરે તેનાં ગણાય. આથી આવાં નાળિયેર ‘જીતવા’, ગામના ટોળાબંધ જુવાનો જુવાળે ચડેલી ખાડીના પાણીમાં પડી નજીકમાં જ સેલારા દેતા હોય, ભૂસકા મારતા હોય. વચ્ચે વચ્ચે નાનકડી નાવડી ફેરવતા ભાઈ-કાકાઓને અથવા તો કાંઠે ઊભેલાં ઘરનાં માણસોને ‘જીતેલાં’ નાળિયેર ફેંકતા હોય; ને એવાં નાળિયેરના ઢગ કાંઠે થતા હોય. ક્યારેક વળી આવાં નાળિયેરમાં ગોરબાપાઓના બેચાર આની ભાગ પણ હોય! પણ મોટે ભાગે તો આવી માગણી કરનારા ગોરોને તરવૈયા જુવાનો ‘ચાલો, અમે નહિ લઈએ, પણ તમે જાતે ખાડીમાં પડીને કાઢી લો’ એવું જ પરખાવે! ને પેલા ગોરબાપાઓ ઝંખવાણા પડે તે પર હસે. આવા પ્રસંગોમાં ઘરનાં વડીલો જુવાનિયાઓને વઢે. ને ગોરબાપાની આમન્યા રાખવા કહે. પણ ટીખળી જુવાનો ભાગ્યે જ તેમનું સાંભળે.

નિર્મળીનો કાર્તિકી પૂનેમનો મેળો વસઈના બળેવમેળા કરતાં ઘણો મોટો. આ મેળામાં વસઈ-વિરાર પંથકનાં જ નહિ, પણ વરલી, તુચમા, ઉરણ, ઉલવા, દાંડા, વેસાવા, રેવસ, ધરમતર, પનવેલ, નાગોઠણાથી માંડીને મઢ, દહીસર, ગોરઈ, રાઈ, ઉત્તણ, ભાઈંદર, ઘોડબંદર, જુચંદ્રા ને વૈતરણા પાર પાલઘર, સપ્તપાટી, કેળવા, માહીમ, દહેણુ સુધીના અગરી-કોળી-માછી-માંગેલાનાં ટોળેટોળાં ઊતરી પડે. આ મેળો વીત્યે તે જ જગાએ પાછો આ કાંઠાના કિરસ્તાંવ લોકનો મેળો ભરાય. તેથી દુકાનો વગેરે બે દિવસ વધુ ચાલુ રહે.

પણ વસઈ-નિર્મળીના આ મેળાઓનું સૌથી વડું આકર્ષણ મારા બચપણના કાળે હતું માછીલોકના નાચ. બપોર નમ્યા કેડે પાછલે પહોર માછી મરદબૈરાંનાં હોડીહલેસાંના નાચ ચાલે. એકસરખા રંગીન પોશાકો પહેરેલ સો-સો બસેં બસેં મરદ-બૈરાં, હાથમાં એકસરખા રંગે રંગેલ પટ્ટાવાળાં હલેસાં લઈને હારબંધ એકતાલે નાચે.

એક બાજુ માથે એકસરખી ટોપી, એકસરખા હાફકોટ અને કમ્મર નીચે આગલી બાજુ ત્રિકોણે લટકતા નવાનકોર પહોળા લાલ પટ્ટાના ચોકડિયાળા ચોર, રૂમાલ વીંટેલા મરદો અને સામી બાજુએ કસકસતા કછોટા ભીંડેલ, માથાં ઓળેલ, અંબોે અકેકું ફૂલ ઘાલેલ, ચૂડીબંગડી ચાંલ્લાવાળી, કોપરેલે મઘમઘતી, સીસમની ગંડેરી જેવી ધીંગી માછણો હાથમાં એકસરખાં સાઇઝ ને ડિઝાઇનવાળાં રંગેલ હલેસાં લઈને શિસ્તબદ્ધ ઊભી રહે. સૌના પોશાકનો રંગ નાવહોડીઓ જે રોગાને રંગાય તે જ કથ્થઈ રંગનો હોય; ને આખા વૃંદની ગોઠવણી એવી ખૂબીથી કરેલી હોય કે દૂર સહેજ ઊંચાણેથી જોનારને એક મોટી રંગરોગાન કરેલી નવીનકોર નાવ દરિયે માછલી ધરવા નીકળી રહી હોય તેવો જ આબેહૂબ ભાસ થાય.

પછી વૃંદસંગીત સાથે નાચ શરૂ થાય. જીવતાં માનવીઓનાં તાલબદ્ધ હલનચલન અને હાવભાવ અભિનયથી થનગનતી જીવતી નાવ એકધારી હાલવા લાગે, મધ્યભાગે પોતાના જુદા પચરંગી પોશાકથી તત્કાળ ઓળખાઈ આવતો મસ્ત કદાવર ટંડેલ પડઈ (પોલા) બાંબુની હળવા સઢવાળી ડોલકાઠી ઝાલીને ઊભો હોય. એને એક એક ઇશારે તમામ મરદબૈરાંના હાથમાંનાં હલેસાં એકસરખાં હાલે.

ધીમે ધીમે વૃંદનો ઉમંગ વધતો જાય. પ્રેક્ષકોનાં ટોળાંમાંથી તરેહવાર શાબાશીના બોલ ઊઠે, તેમ તેમ નાચનારાંને, એમના સંગીતને તેમજ અભિનયને રંગ ચડતા જાય. જોનારાં પણ હરખમાં આવી જઈને હોકારા, દેકારા, પડકારા કરતા જાય. જોતજોતામાં નાચનારાં-જોનારાં બધા પોતપોતાની જગાએ ધમધમ થમથમ એકતાલે ગાવા-નાચવામાં મસ્ત બની જાય.

નૃત્ય આગળ વધતું જાય તેમ તેમ બસ્સેં-ચારસેં માનવીની બનેલી એ મોટી ચાલતીડોલતી નાવમાંથી જાતજાતના અવાજો ઉઠવા માંડે. કપાતાં પાણીના ખળખળાટ, સળસળાટ, પવનના સપાટા હેઠળ વીંઝાતા સઢના ફફડાટ — એવું એવું સંભળાય. દરિયાની છોળો ને ભીંતસમા લોઢ પાણી ઉપર ઊઠવાના ભાસ થાય. જોનારને ઘડી વાર તો સમજાય જ નહિ કે એ બધા અવાજો ક્યાંથી ને કેવી રીતે ઊઠે છે. બધી જ નૃત્યકારોની અદાકારી!

નૃત્યનો રંગ જામતો જાય તેમ તેમ અદાકારોનાં ઘેનમસ્તી વધતાં જાય. વચ્ચે વચ્ચે કોઈ રાંધવા-પીરસવાનાં, કોઈ ખાવાનાં, કોઈ ઘડિયાં-માટલાંમાંથી પાણી કાઢી પીવા ઢોળવાનાં, કોઈ દળવા-ખાંડવા નાળિયેર ખમણવાનાં — એવાં એવાં તરેહવાર ઍક્ટિંગો કરતાં જાય. કોઈ ખાય, કોઈ નસકોરાં ઘરડે, કોઈ આળસ મરડે, કોઈ જાળ સંચે, કોઈ માછલી ધરે, કોઈ મહેમાનદારી કરે. કોઈ નૈવેદ માનતા ગોરણી જમાડે. કોઈ રોતા બાળકને છાનું રાખે. આ બધા અવાજઅભિનય નાચનારાં નરાં મોં હાથ ને જીભની મદદથી ને વારાફરતી એવી ખૂબીથી કરે કે એકેએક અદા-અભિનય ને અવાજ નોખો પડીને બધા પ્રેક્ષકવૃંદને દેખાય-સંભળાય.

ખાસો વખત આ બધું ચાલે. — સૌ આનંદકિલ્લોલમાં ઘેઘૂર હોય.

નૃત્ય અને અભિનયની આ રમઝટ પૂરબહારમાં જામી હોય ત્યાં જ એકાએક વાદળ ઘેરાઈ આવવાનો ભાસ થાય. આકાશ કાળુંભોર થઈ જાય. પવનના સુસવાટા ચાલે. દરિયો ભયાનક ઘુઘવાટા દેતો સંભળાય. દરિયામાં તોફાન ઊઠવાની સૌને આગાહી થાય. એકેએક ચહેરા ઉપર ચિંતા અને ગમગીની છવાઈ જાય.

જોતજોતામાં ચારસેં માનવીઓની બનેલી જીવતી હોડીને કેમ જાણે દરિયાની થપાટો વાગવા માંડે. હોડી હાલકલોળ થતી દેખાય. ઊભી કે આડી નમી જાય. તડાતડ પડતા કરા કે ફોરાંની તડતડાટી અને ફાટવા કરતા સઢની ફડફડાટી સંભળાય. સુકાની બેઉ હાથે હોડીને ઘુમરડા દે; ભમ્મરીઓ ખવડાવે, બસેં-ચારસેંનું નાચતું ટોળું આખું એકજીવની જેમ બેવડી વળી જાય. પીવાના પાણીનાં ઘડામાટલાં ને રાંધવાખાવાનાં હાલ્લાં, કલેડાં, કથરોટો ગબડીને ઊંધાં પડવાના ને ભડાભડ ફૂટવાના અવાજો સંભળાય. બધે બોકાસો બોલી જાય. નાનાં મોટાં તમામ મૂઠીમાં જીવ લઈ હોડી બચાવવામાં રોકાઈ જાય.

પણ કોઈ ગભરાય નહિ. ક્યાંય ખૂણેખાંચરેથીય રોકકળ ન સંભળાય.

તોફાન જોર પકડતું જાય. તોફાનને બગલ દેવા અને હોડીને કિનારા ભણી વાળવા સુકાની સો સો વાનાં કરતો ભળાય. હાલકલોળ હોડીના આકારમાં નાચતું આખું વૃંદ બચવા સારુ પ્રયત્નોની કમાલ કરતું દેખાય. દરિયોપીર લાલચોળ આંખે ઘડી ઘડી ઘુરકતો દેખાય. નાચનારાંય હવે થાકીડૂકી પ્રયત્ન છોડી ડૂબવાની તૈયારીના અભિનય કરે!

તમાશગીરોમાં હાયહાયના પોકારો ઊઠે.

એકાએક નાચતી હોડીનો માલમ ટંડેલ ઊંચે ઊઠતો દેખાય. તાલબદ્ધ નાચતો જ ત્રણચાર સાથીઓનો ટેબ્લો કરીને એક કૂદકે સઢની કાઠીને વળગી પડે. સઢને સંકેલવાનાં ઍક્ટિંગ કરે (તેમ કરતાં કરતાં ક્યારેક લટકી જવાનું ઍક્ટિંગ પણ કરે. પણ કોઈ વાતને સડની કાઠીને છોડે નહિ.) અંતે સઢને સંકેલી લે અને હોડીને ઉથલી પડતી બચાવી લે!

અવ્વલથી આખર લગી આ બધી જ વૃંદ-હિલચાલ એટલી બધી તાદૃશ ને આબેહૂબ હોય કે જોનાર ભૂલી જ જાય કે દરિયાને બદલે જમીન પર અને કાઠને બદલે જીવતાં માનવીની બનેલી હોડીના આકારમાં બધું બની ગયું. અકેક હાલચાલ, હાવભાવ ને અદા અભિનય એટલો તો જીવતો જાગતો હોય, કે જોનાર બધું ભાન ભૂલી જાય, ને જાણે જીવસટોસટના દરિયાઈ તોફાનમાં સપડાયેલી હાલકલોળ હોડીને જ પોતે જોતો હોય તેમ બે હાથે હૈયું ઝાલીને જોયા કરે, જોયા જ કરે.

અચાનક હોડી કિનારાની રેતમાં પહોંચ્યાનો ઘરરર અવાજ સંભળાય. સેંકડો હલેસાં એકીસાથે જમીન પર પટકાય. તમાશગીર મરદબૈરાંના ટોળાં દોડીને નાચનારાંને ભેટી પડે. સાયાંમાયાં કરે, બાથમાં લે. અસંખ્ય નાનીમોટી ભેટસોગાદોની આપ-લે થાય. દરિયાઈ તોફાનમાંથી આવડી મોટી નાવને આબાદ બચાવી લઈને સલામત કાંઠે લાવનાર ટંડેલ સુકાનીને પ્રેક્ષક લોકટોળાં ઊંચકી લે. ને ખંધોલે બેસાડી નાચતા-ગાતા આખી મેદનીમાં ફેરવે. ફૂલમાળાઓ, તોરા-ગજરા, નવાનકોર રાતાચોળ ચોકડિયાળા કેડરૂમાલ, જરીભરતની ટોપીઓ, એવી એવી અસંખ્ય ભેટસોગાદોનો તેના પર વર્ષાવ થાય. કેટલાક તમાશગીરો વળી સુકવણી કેળાં, દહીનાં દોણાં, ચાવલધાણી, સંભાર માછલી—એવી એવી વાનીઓ પાટીઓ (સૂંડલાઓ) ભરીને ઘરેથી લાવ્યાં હોય તેની છૂટે હાથે લહાણી કરે!

અમે બાળકો, જેણે સાવ એકતાન થઈ, સૂધબૂધ ખોઈને કલાક-દોઢ-કલાકના આ નાચ નિહાળ્યા હોય, તે તો મેળો માણીને ઘેર પાછાં આવ્યાં પછી દિવસોના દિવસ એના જ ઘેનમાં રહીએ. મુંબઈ કાંદાવાડીનાં અમારાં ટચૂકડા ઘર-આંગણાંમાં ને વાડીઓમાં નાળિયેરીનું તાડછું, ઝાવળી, કેળપાન, થડિયું, દંડુકો, જે હાથે ચડે તે હલેસાંની અદા પકડીને બે, ત્રણ, ચાર થાય તેટલાં છોકરાં-છોકરીઓને ભેળાં કરીને સવારબપોર વેળ-અવેળ આખો વખત કતારબંધ નાચ્યાં જ કરીએ. ઘરનાં વડીલો ટોકે, રોકવા કરે, ખિજાય, ધમકાવે: ‘બધાંય મૂઆં કોળી માછી થઈ ગિયાં, ત્યાં જ રહેવું’તું ને! ત્યાંથી પાછાં ઘેર આવ્યાં જ શું કરવા? જાઓ વસઈ-વેસાવે રહેવા, ને જાળો ગૂંથવા, નીકર બૂમલાં વીણો વરલીની ખાડીએ જઈને. જુઓ તો મૂઆં માંગેલાંના દેદાર! શું જોઈને ભગવાને ઊંચ વરણને ઘેર જનમ દીધા હશે! બળ્યા તમારા અવતાર!’

દુર્ભાગ્યે, ભર્યાભર્યા જીવનવાળી આ પ્રાણવાન કોમો કહેવાતી સભ્ય સંસ્કૃતિના વમળમાં પડી અને એકાદ દાયકા બાદ તેમનામાં ‘સ્વમાન’ની ચળવળ જાગી. પરિણામે આ માછીનાચ બંધ પડ્યા, અને દરિયાખાડીઓનાં કમ્મરબૂડ પાણીમાં જાળમાછલી પાછળ જિંદગી ગાળનારા અને લાજરક્ષા પૂરતો લાલ ચોકડીવાળો રૂમાલ કેડે લટકાવીને પૂંઠે ઉઘાડા રહેવા ટેવાયેલ આ માછીમાંગેલા કોમોના પુરુષવર્ગમાં જાંગિયા-પાજામા શરૂ થયા. આવા ફેરફારોનો આગ્રહ તેમને સારુ સાવ અસ્વાભાવિક અને અર્થ વગરનો હતો જ. જગતના તાત ખેડૂતની હારોહાર ખાડીદરિયાની ખેતી રાતદિવસ કરીને સંસારનો પાલનહારો માછી શહેરી કોમોની રહેણીકરણીને સભ્યતા-પ્રતિષ્ઠાના ખ્યાલો તરફ ભૂખલી નજરે તાકવા શીખ્યો. આ ફેરફારે જીવનના ઉલ્લાસને અને જાતમહેનતના પુરુષાર્થોના ઉમંગને એનામાંથી મારી નાંખ્યા. અને કદાચ એ જ કારણે આજે પચાસ વરસ પછી પણ પોશાકનો એ ફેરફાર આ કોમોમાં હજુ સાર્વત્રિક થવા પામ્યો નથી.

પણ જૂની જીવનકળા ને રાગરંગના ઉમંગનાં જે પૂર આ મેળાઓમાં ઊછળી ઊછળીને ઠલવાતાં મારા બચપણને કાળે મેં જોયેલાં, તે તો સદાને માટે આથમ્યાં તે આથમ્યાં જ. [સંસ્કૃતિઃ ઑગસ્ટ ૧૯૬૦]