ગુજરાતી નિબંધ-સંપદા/સ્વામી આનંદ/મૉનજી રૂદર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
મૉનજી રૂદર

સ્વામી આનંદ

ગુજરાતની માથાભારે કોમો બે. પાટીદાર ને અનાવલા. પહેલો પટેલ, ગામેતી, ઘૂંટેલો મુત્સદ્દી; બીજો ભદ્ર. બેવ જમીનમાલિક. ધારાળાં-દૂબળાંને રોળવી ખાઈ પોતાની ઍંટ ઇજતમાં ખુંવાર થનારા. બળે, પણ વળ ન મૂકે.

પાટીદારનું લોહી ખેડૂતનું. ચરોતરનો પાટીદાર ખેતી-પશુપાલનમાં એક્કો. જમીન જોડે અનહદ અનુરાગ. શેઢાના મહુડાની કે મહુડાની ડાળીની માલિકી માટેય ધારિયાં ઉછાળે, માથું વાઢે, દેવતા મૂકે. ખંધો ને કાતિલ.

અનાવલા સુરત જિલ્લામાં. તાપીથી વાપી સુધી. વધુ ચોક્કસપણે કહેવું હોય તો તાપી ઉત્તરકાંઠાના વરિયાવથી દમણગંગા દક્ષિણકાંઠા નજીકના વલવાડા સુધી. તેવા જ શિરજોર ને શેખીખોર. એમનોય ધંધો ખેતીવાડી. પણ નરા ધણિયામા. ખેતીવાડી ને ખજૂરાંઘાસિયાંમાં દૂબળાં ધોડિયાંને રોળવે. જાતે ઘોડીડમણી, ફેરોફટકો કે સાંજ પડ્યે દૂબળાંને ભાતાં ભરી આપવા ઉપરાંત ખેતીમાં ભાગ્યે કદી બાવડું વીંઝે.

ચરોતરના પાટીદાર લેવા-પાતશા. બીજા બધા કણબી. તેમાંય એમનાં છ ગામ શિરમૉડ. કુળવાનોનો ગઢ. તેટલાં ગામમાં જ દીકરી દેવાય. આવા કુળની એક ગુરુકુળ ભણેલગણેલ સંસ્કારી કન્યા છ ગામ બહારના જુવાન જોડે ધરાર પરણી. મોસાળિયાંવે, બલકે સગી માયે પણ, પચીસ વરસ દીકરીનું મોં ન જોયું!

અનાવલા ચાહે તેવા તોય ભ્રામણનું લોહી. નાહવું-ધોવું, ટીલાંટપકાં, પોથીપુરાણના સંસ્કાર. બુદ્ધિ જાડી, છતાં વિદ્વાનમાં ખપવા મથે. ગામ છોડે તે નોકરીઓ કરે. બી. બી. ટાલટી રેલવેમાં એક કાળે તારમાસ્તરની નોકરીઓ એમની મૉનોપૉલી હતી.

કુળની એંટ એવી જ. સુરત બાજુના તેટલા દેસઈ; પારડી-વલસાડ બાજુનાને ભાઠેલા કહે. પાર(નદી)ની પેલીમેર દીકરી ન દે. વાંકડાની દોલત પર જીવવામાં નાનમ નહિ. બલકે વધુમાં વધુ વાંકડો ઓકાવવામાં ખાનદાની સમજે! વેવાઈ-વાંકડાની વાટાઘાટો, ઘારી-દૂધપાકનાં જમણ, કે પોંક-ઊંધિયાંની મિજલસોમાંથી કદી પરવાર નહિ. નનામી અરજીઓ કરવાના વ્યસની. બાખાબોેલા ને આખા.

ચડાઉ ધનેડું. જીભ બારેવાટ; સાંકળ મિજાગરું કશું ન મળે. પિતરાઈ-પાડોશીની ખેધે પડ્યો મેલે નહિ.

ઉમરસાડી પારનું ગામ. અનાવલાનો ગઢ. પારડીથી આથમણે ચાર માઈલ દરિયાકાંઠો. પાર(નદી)ની પેલી પારનું, એટલે દેસઈને દફતરે નહિ, પણ દરજ્જે દુય્યમ છતાં ‘વાછરડાંના ટોળામાં હરેડી ગાય શિરજોર’ તેમ અહીંના પરગણા આખામાં માથાભારે તરીકે નામચીન.

ઊંચા ટેકરા, નીચી ખાડી અકૂણું ગામ તે ઉમ્મરસાડી!

[૨]

આવા ગામમાં કૌરવકુળમાં ભક્ત વિદુરજી સમા મૉનજી રૂદરજી નાયક ઊંચા શીલચરિત્રવાળા અનાવિલ ભ્રામણ. સનાતની રહેણી. નાનામોટા હરકોઈ જોડે બોલવેચાલવે વાતવહેવારમાં રોમેરોમ ગૃહસ્થાઈના ગુણ. સજ્જનતા સામાને ભીંજવી મૂકે. કુટુંબવત્સલ તેવા જ કથાકીર્તનના અનુરાગી. પિતરાઈ નાતીલા ચોરેચૌટે કે પાડોશીને ઓટલે બેઠા ન્યાતજાત, વેવાઈ વાંકડા કે વરાનાં જમણની ચોવટ કરતા હોય, ત્યારે મૉનજી નાયક ભારત ભાગવતની કથા ગાગરિયા ભટના જોમઉમંગથી કરતા હોય. ઊંચું સંગીત, બુલંદ અવાજ, શ્રોતાઓને ડોલાવે.

ઘેર ખેતી, પણ જમીન જૂજ. જોડધંધો દૂધ-ઘીનો. ઘેર ભેંશો રાખે ને ઉદવાડે દૂધ ભરે. ઉપરાંત ગામડાં ફરી ઘી ભેળું કરે, તે વેચે. ખાડી ઓળંગીને દરિયાકાંઠની વાટે ઉદવાડું ત્રણ માઈલ. પારસી લોકની કાશી. વસ્તી ધર્મપરાયણ ને આચારચુસ્ત. મૉનજી નાયકનો નેક વહેવાર અને ઈમાનદારી પણ એવાં અણીશુદ્ધ કે વસ્તી આખી આફરીન. નાનાંમોટાં બાળકબૂઢાં સૌને ગળા લગીનો વિશ્વાસ. ઘરાકીને ઓટ નહિ. મહેનતનો રોળો. ગરીબીનો ગૃહસ્થાશ્રમ.

ઘરની બાઈ ગામની દીકરી. તાતી ગજવેલ ને તળપદું ખમીર. ભલા ભૂપને હડપચી ઝાલીને ધુણાવે. કોઈથી ગાજી ન જાય. ભાવતી ભોંની વેલ. જણ્યાં તેટલાં જોગવ્યાં. કાળી મહેનત ને કારમી વિપદવાળા અરધી સદી લાંબા ગૃહસ્થાશ્રમમાં પડ્યું વાસણ કદી ખખડવા ન દીધું. પતિ પોયરાંનું પાવરહાઉસ થઈને જીવી; ને પંચાશી ઉંમરે ૧૧ ફરજંદ ને ૧૧૦ પોતરાં-દોતરાંની લીલી નાઘેર મેલીને મૂઈ! વસ્તાર બધો જી કહેતો; ને બાપને જીજા.

[૩]

મૉનજી નાયક મૂળે શિવમાર્ગી; ને સનાતની રહેણીના એટલે દીકરીઓ अष्टवर्षाને કાયદે પરણાવેલી. એવી એક અંબા પાંચમે વરસે પરણાવેલી ને સાત ઉંમરે દુખાણી. વરસ વહ્યાં ને મોટી થઈ. વત્સલ પિતાથી દીકરીનું દુ:ખ દેખ્યું જાય નહિ.

એ જ અરસામાં ઋષિ દયાનંદના અનુરાગી બન્યા. કથાભાગવત કાયમ રહ્યાં; પણ શિક્ષણ, સમાજસુધાર, સ્ત્રી-સન્માન, વગેરેનો ઝોક સક્રિય બન્યો. ઘરમાં જરાતરા વાત કીધી ન કીધી, ને ચીખલીનો એક યોગ્ય નાતીલો જોઈને દીકરીને પરણાવી દીધી!

ગામ વકાસી રયું. અનાવલા ન્યાત બધી તળેઉપર. જોતજોતામાં નાતીલાઓ તમામનો રોષ હૂહૂકાર કરીને ભભૂકી ઊઠ્યો!

ન્યાત મળી. તેડાગર ગયો. આરોપીને નાતપંચ સમક્ષ ઊભો કરવામાં આવ્યો. પ્રમુખે ચાર્જશીટ સંભળાવ્યું. આરોપી મૌન!

તે કાળે ગામડાં હજુ ઓગણીસમી સદીની બહાર નીકળ્યાં નહોતાં. ત્યારની ઉજળિયાત કોમો એટલે પીંઢારા-લૂંટારા, બહારવટિયાની ધાકે ઘરમાં ઘર ને તેમાં ઘર કરી એકબીજાની કોટે બાઝીને ભોંયરે કોઢારે વસનારા, અને પોતાની પંચકોશી દસકોશીની પેલીમેરની દુનિયાને ‘પરદેશ’ ગણી આંખે અંધારી ચડાવીને જીવનારા ઘરઘુસિયા લોકોનાં સંગઠન. ન્યાતજાતોનાં પંચ એનો જ નમૂનો.

બપોર આખી મૉનજી નાયકને માથે માછલાં ધોવાયાં. બહુ ભીંસે ત્યારે આરોપીનો જવાબ એક જ વાક્ય:

‘મેં કર્યું તે સમજીવિચારીને કર્યું. પરમેશ્વરને માથે રાખીને કર્યું. ધર્મ ગણીને કર્યું. મન એનો પસ્તાવો નથી.’

સભામાં સોપો પડી ગયો. પંચ ખસિયાણું.

પછી ચાલી રનિંગ કૉમેન્ટરી:

‘હાય, હાય! હડહડતો કળજુગ આવ્યો કે બીજું કાંય? આમ જુઓ તો પોથીપારાયણ, ભારતભાગવત, મોટો ધર્માત્મા, પણ એણે જ ઊઠીને નિયાતનું નાક કાપ્યું! અનાવિલની નિયાતને કોળીદૂબળાંની હરોળમાં મૂકી જો!’

ન્યાત પટેલે (પ્રમુખ) પંચ જોડે ઘડી વાર ગુસપુસ કરી પંચનો ફેંસલો સંભળાવ્યો:

‘મૉનજી નાયક નિયાત બહાર. એની જોડે જે કોઈ કશો વહેવાર કરે, બોલેચાલે, તેનો ૨૦૦ રૂ. દંડ!’

વળતી સવારથી જ અમલ ચાલુ થયો. સગુંવહાલું, નાતીલું, સૌ ન્યાતના ફરમાન આગળ અલ્લાની ગાય.

ન્યાતની ખફગી નાગફણિયા થોરની જેમ તાબડતોબ વાગી. ઘરની પોરી પાડોશી નાતીલાને ઘેર કશુંક કહેવાપૂછવા ગઈ:

‘વજી! તારે ઘેર જતી રે’. આંય નૉ આવતી. તારી જીને કૅ’જે, ઇચ્છીનાં ઘરનાં ના કૅ’તાં છે!’

જીને ચાટી ગઈ. મન કરે, પાધરી જ પેલા નિયાત-પટેલિયાને ઘેર જાઉં, અને એની સાત પેઢી લગીની વહી વાંચી આવું.

પણ જીજાનું મોં જોયું ને ગમ ખાઈ ગઈ.

જરા વાર થઈ, ને નાતીલાવનું ટોળું આવ્યું:

‘પોરીને બહાર આણો.’

‘સાસરે ગઈ.’

‘નાતરે ગઈ!’

‘તિયાંથી લાવી મંગાવો. બાલ લેવડાવો.’

ટોળું મૉનજી પર હુમલો કરવાને ઇરાદે આવેલું. પણ ભીખીબાઈ વાઘણની જેમ કૂદીને બહાર આવી. ધણીની આડે ઊભી રહી. ભાઠેલાવને પડકાર્યા:

‘કોણ મારી પોરીને લાવવાનું કૅ’તું છે? તું કિયાંનો બાદશા હાકેમ ગવંડર આવેલો જોઉં, મારી પોરીની પંચાત કરવાવાળો? મારી પોરીની મુખત્યાર હું ને તીનો બાપ. તું કોણ થતો છે?’

ટોળું વધુ કશું કર્યે વીખરાઈ ગયું.

‘આ નાતીલાવ પૂઠે પઈડા છે, ને તમે કાં કાંય ની બોલતા?’

‘એમ ઊકળ્યે કેમ પાલવશે, વજીની જી? આ તો હજુ પહેલી પૂણી છે. હજુ તો આ જ આંખે આભના તારા ભાળવા પડવાના છે. ગામભાગોળે જ પગ થાકશે, તો પૂરો પંથ કૅ’ણી મૅ’તે કપાવાનો?’

કહીને ગાવા લાગ્યા:

મહા કશ્ટ પામ્યા વિના કૃષ્ણ કોને મળ્યા ચારે જુગના જુવો સાધુ શોધી; વહાલ વૈષ્ણવ વિશે વિરલાને હોય બહુ પીડનારા જ ભક્તિવિરોધી.

હરિજન હેતે મળશે, ઓલ્યા દુરિજન દુખડાં દેશે જી!

ન્યાતના આગેવાનો સૌથી આગમચ વલસાડના શાસ્ત્રી પંડિત કને પહોંચ્યા.

‘મૉનજીએ રાંડેલી પોરીને ફરી પરણાવીને ધર્મશાસ્તર વિરુદ્ધનું કામ કીધું. તે બદલ તેની ઉપર કૉરટ-અદાલત કરી શકાય કે નહિ?’

પણ પંડિત શાશ્તર એમની વિરુદ્ધ ગયાં:

‘રજોદર્શન અગાઉ પરણાવેલી કન્યા શાસ્ત્ર મુજબ “અક્ષતયોની” કહેવાય. મતલબ કે કુંવારી. આમાં તમારું કેથે ની ચાલે.’

આમ કોરટ-કાયદાનો દારૂગોળો ભીનો નીકળ્યો!

ન્યાતનો કોરડો વીંઝાવા લાગ્યો. મૉનજીના ઘર ભણી કોઈ નાતીલું નજર ન કરે. બારણા આગળથી નીકળે તો આડું જોઈને ચાલે. કોઈ અદકપાંસળિયો વળી હોઠ ભીંસીને સિસોટી વગાડતો ચાલી જાય!

બાઈનાં પિયેરિયાં પર પણ દબાણ. ન્યાતનું ફરમાન કેમ ઉવેખી શકાય? છોકરાંઓને પણ જવાઆવવાની મના. ગામમાં જ પરણાવેલી બેનથી સગો ભાઈ રસ્તે જતોઆવતો સામો મળે તેની જોડે પણ ન જ બોલાય!

બેઉ ઘરે જાણે સૂતક પડ્યાં.

ન્યાતની કિલ્લેબંધી થતાં વાર ન લાગી. પછી ગામલોક પર દબાણ આણવા માંડ્યું. ગામનું કોઈ કશા કામેકાજે મૉનજીના ઘર ભણી જતું ભળાય, તો અનાવલા અટકાવે:

‘કે’ણીમેર જતો છે? એ લોકને નિયાતે ગામ બહાર કીધેલાં છે, જાણતો ની મલે?’

પિતરાઈ નાતીલો એકેએક વૉલંટિયર!

સુતારલુહાર, તેલીમોચી, દુકાનદાર, માછીમાંગેલાં, દૂબળાંધોડિયાં, — તમામ ઉપર દબાણ. વસ્તીની શી મજાલ કે ગામના ધણિયામા સમા આ ઉજળિયાતોની લાંઠગીરી સામે કોઈ માથું ઊંચું કરે?

બહારગામવાળું કોઈ મળવા-મૂકવા આવે, તેને અગાઉથી જ તાકીદ મળી જાય:

‘મૉનજીએ એની રાંડેલી પોરીનું નાતરું કીધું. નિયાતે કાપી મૂકેલો. એના ઘર જોડે નાતજાતનો ગામપરગામ તમામનો વહેવાર બંધ છે!’

[૪]

સત્ય પ્રત્યેની નિષ્ઠા અને પરાયણતા માણસમાં અનેરું હૈયાબળ પ્રેરે છે. ગામપાધરમાં જ તળાવની એક કોરાણે મૉનજી નાયકની ચપકું જમીન. માંડ એકદોઢ એકર. મૉનજીએ તે પર કડબકરાંઠીનું ઝૂંપડું પાડ્યું. ગામમાંના ઘરને ઢાંકોઢૂંબો કરી તાળું માર્યું. ભીખીબાઈ તથા છોકરાંને લઈ ઝૂંપડે જઈ વસ્યાં. જમીન પર બાજુએ આંબાની કલમો રોપી. તળાવમાંથી દેગડે પાણી આણી સીંચે. હું ને મારું કામ. ન કોઈ જોડે બોલવાનું ન ચાલવાનું.

સવારને પહોર કલમો સીંચે. બપોરે ગામડાં ફરે, હાટવાડાં કરે, ઘી ઉઘરાવે. સાંજે ઝૂંંપડીએ આવી ખાઈ, વહેલાવહેલા ત્રણ કલાક ઊંઘી જાય. અગિયાર વાગ્યે ઊઠીને ભેંશો દોહવે ને તાંબડો ભરી ઉદવાડે જવા ખાડીકાંઠો ગાંઠે. ભરતીની ગણતરીએ ખાડી વહેલેમોડે ઓળંગવી પડે. પછી દરિયાકાંઠે ચોમાસેય છત્રી વગર પલળતાં ત્રણ માઈલ ચાલી પાંચને ટકોરે પારસીઓને તાં દૂધ ભરે.

જુલમની પરંપરા ચાલી. મૉનજી કુટુંબ જોડે ખાવું-પીવું, જવું-આવવું, નોતરું-નિમંત્રણ, ગામ આખાનો તમામ વહેવાર, — બોલચાલ પણ, બંધ! બાઈનાં પિયેરિયાં દીકરી-જમાઈ જોડે કશો વહેવાર ન રાખી શકે. છોકરાં મોસાળ ન જઈ શકે. દુકાનદારને દોઢિયાનું મીઠુંમરચું વેચવાનીયે મનાઈ! કોળી, દૂબળાં, માછીમાંગેલાની નાની વસ્તીમાં ઉજળિયાત અનાવલા લાંઠ. વાઘને કોણ કહે, ‘તારું મોઢું ગંધાય છે?’

દૂબળાંવે મૉનજીની જમીન પર કામે જવાનું નહિ. માછીઓએ મૉનજીને દૂધ ભરવા, અગર તો ભીખલીને કે તીની પોરીઓને પાપડી વેચવા સારુ ઉધવાડે જવા ખાડીની નાવમાં બેસાડવાં નહિ. દાયણે ભીખલીનું પોયરું જણાવવા ઓ જવાનું નહિ!

માથે દુ:ખનાં ઝાડ ઊગ્યાં.

જીની વાત એમને જ મોઢે કહેવા દઉં:

‘મારું લગન નાગિયાના જીજા જોડે સાટામાં થિયેલું. તી વેળાયે ગામમાં ઘર અને તળાવકાંઠે વાવલા જેટલી વેંત જમીન ઉપરાંત એમની ગાંઠે કશું નહિ. વળાવતી વેળાયે મારા બાપે મને વદાગીરીના રૂ. ૭ આપેલા. તેટલાથી ઘીનો વેપાર કીધો. ૧૪ થિયા. પછી ચાઈલું. ગામડે ફરી ઘી એકઠું કરે ને ઉધવાડે વેચે.

‘નિયાત વાળાવે કાપી મૂક્યાં તિયાર કેડે જમીન પર ઝૂંપડું લાખી રિયાં. નાતીલા દૂબળાં-ધોડિયાં મજૂર કોયને અમારે તાં કામ પર આવવા ની દે. વાવલું તેવડું ખેતર. તિમાં હું જાતે પોતે હળ હાંકું. કિયારા કરું, નીંદું ગોડું, ખેતીનાં બધાં કામ કરું. પાપડી થાય તે ઉતારીને ઉધવાડે વેચવા ઓ જાઉં. બિહાઉં ની. બીવા સીખેલી જ ની મલે. વજી તાપી બેવ પોરી મોટી. એમને સઉ સીખવી દીધું. એ ઓ ઉધવાડે જાય-આવે.’

બહિશ્કારના ઇસ્ક્રૂ ટાઇટ થતા ગયા.

અનાવલા આગેવાનોએ માછીઓને બોલાવ્યા:

‘ખાડી પરની નાવ તમે ચલાવો કે?’

‘હોવ્વે.’

‘તે નાવમાં મૉનજીને ને તીનાં બૈરીપોયરાંને કાંય બેહાડો? એને નિયાતે ગામ બહાર કીધો છે. ની જાણો?’

‘અમે ની બેહાડતા.’

‘તિયારે એવો એ રોજ ઉધવાડે દેગડો માથે લઈને દૂધ ભરવા કેણી મૅ’તે જતો છે?’

‘રાત વેરાયે જાય તે.’

‘તે રાતના નાવ ખાડી પર કાંય રાખો?’

‘પન નાવ આખી રોજ સાંજે ઊંચકીને ઘર અગાડી કેણી મૅ’તે લઈ જવાય?’

‘તો હાંમ્ભે કાંઠે કાંય ની રાખો?’

‘પન તો અમે પોતે કેણી મૅ’તે આ પાર આવીયેં?’

ભાઠેલા વિચારમાં પડ્યા.

‘વારુ, હું તમુંને કે’વ. ભલે નાવ ની, તો હલ્લેસાં રોજ સાંઝે ઘેર લઈ જાવ. નાવમાં ની રાખો. બસ. આ કહી દીધું તમુંને. ફરી કે’વા વખત ની આવવો જોયેં. પડી કે હમઝ?’

તે દિવસથી મૉનજી દૂધનો હાંડો લઈને અધરાતમધરાત ખાડીકાંઠે પહોંચે ને જુવે તો નાવ બાંધેલી, પણ હલ્લેસું એકુ ન હોય! ભરતી પુરજોસ હોય. ખાડી ઓળંગવી કઈ રીતે?

ખાડીકાંઠે ગામનું મસાણ. ક્યારેક તાજા બાળેલ મડદાની રાખ હજુ ધખતી હોય. ક્યારેક બળી રહેવા આવેલ મડદાની ચેહ સળગતી મેલીને ડાઘુઓ ચાલી ગયા હોય. મૉનજી નાયક તાપ ન લાગે એટલે દૂર ચેહના ઉજાસે દેખાતા અંધારામાં તાંબડો લઈ બેસી રહે, ને ઓટની રાહ જુવે. ક્યારેક ઘણો વખત લાગવાનો હોય ત્યારે દેગડો માથા આગળ ભારે વજનથી ઢાંકી ઊંઘી જાય! વખત જતે ટેવ પડી. નિરાંતે ઊંઘે ને બરાબર વખતે જાગે, પણ ભરતીઓટના સમય રોજ બદલાય તેથી મૉનજીને વહેલેમોડે ખાડી ઓળંગવી પડે; કાં સૂવું પડે. આમ કલાકો વીતે.

એક રાત્રે મૉનજીએ હિંમત કરીને હલેસાં વગરની નાવડી છોડી. દોરડું હતું તેનાથી ખેંચીને ખાસી ઉપરવાડે લઈ ગયા. માંય દૂધનો તાંબડો મૂક્યો; અને ઘોડી પલાણે તેમ પહોળા પગે હાથપગ બેઉ હલેસાંની પઠેમ હલાવીને જેમતેમ થતી નાવને હેઠવાડે સામે પાર લઈ ગયા! પછી નાવને કાંઠે બાંધી તાંબડો લઈ ઉદવાડે દૂધ ભરી પાછા આવી રયા. વળતાં ઓટ થવા આવેલી; તેથી નાવ સાથે આ પાર આવતાં આપદા ન પડી.

ધીમે ધીમે વગર હલેસે નાવડી આ પાર ઓ પાર કરવાનો કસબ હાથ કરી લીધો. ને ભરતીઓટની ઢીલ તેમજ ઘાઈથી કાયમ ઊગરી ગયા.

પછી તો પોતે વેળઅવેળ લગાર મોડુંવહેલું થાય તોયે નિરાંતે મસાણની કોરાણે બેસે. ઊંઘ પણ કાઢે; કાં સંસારની નશ્વરતાનું ચિતવન કરે; વૈરાગ્યનો કક્કો ઘૂંટે. ક્યારેક ગામની કોઈ સુવાવડી બાઈ કે સોભાગવંતી ગુજરી ગઈ હોય. તેની પાછળ તેનાં સગાંવહાલાં ખાટલો, નાનકડું પારણું, ગોદડી, પામરી, આરસી, તેલ કંકાવટી, એવુંએવું મસાણમાં મૂકી ગયા હોય. મૉનજી વળતી વેળા આવી ચીજોને નિરાંતે ઘેર લઈ આવે! મોટી દીકરી વજી પ્રોટેસ્ટ કરે:

‘આવું આવું તે અપશુકનિયાળ શું લઈ આવતા હશો, જીજા! આવું મસાણિયું તે ઘરમાં લવાય? આ બધું અશુભ કહેવાય.’

‘આપણું તો અશુભ થવાનું હતું તે બધું થઈ ગિયું, બેટા! રાંડીને વળી રવિવાર શા, ને મંગળવાર શા? એને તો સાતેય સરખા. નિયાતવાળાવે કાપી મેલ્યા, ઘર બહાર, ગામ બહાર થિયા, મસાણે સૂતા! — પછી હવે વળી અદકું અશુભ તે શું બાકી રિયું, તે થવાનું હૂતું? ચીજો વેડફાઈને ખાડીમાં જાય, તે કરતાં તેનો વાપર-ઉપયોગ થાય તેમાં શું ખોટું? વાપરો તમતમારે દીકરા, બેધડક થઈને. આપણું કાંયે અવળું થવાનું નથી.’

ક્યારેક વળી અંતરનો ઊંડો વિશાદ અસહ્ય થાય અને હૈયાની ભેખડો તૂટી પડે ત્યારે પોક મૂકીને રડે પણ ખરા. ઘર આખું અથાગ શોકમાં ડૂબી જાય.

[૫]

નાતીલાવે જોયું કે મૉનજી નમતો નથી; ને બૈરી પણ છોકરાં, ઢોર, છાપરું, કલમો બધું સાચવીને વાઘણની જેમ પોતાની બોડમાં રહે છે. ઘરનો ધંધો કરે છે. જાયઆવે છે. નાતનાતીલાં પિયેર-પિતરાઈ, કોઈની એને ખેવના નથી.

એમણે નવી શરૂઆત કરી. રાતવરત દૂબળા મોકલી મૉનજીનાં ઢોર છોડી મુકાવે. ‘ખેતરાઉ પાકમાં પેઠાં’ કહી સરકારી પાંજરે પહોંચાડવા પુરાવવા કરે. અધરાતે મૉનજી ઉદવાડે જાય એટલે પાછળ તળાવે આવી મૉનજીના છાપરા પર ઢળિયાં ફેંકે. જાણે એકલીએક બાઈમાણસ ધાક ખાઈ જશે.

છોકરાં ઊંઘતાં હોય. ઢળિયાં ધડાધડ છાપરી પર પડે, ને જાગી ઊઠે; નહિ ફાનસ, નહિ કૂતરું. ભીખીબાઈ ખૂણેથી ધારિયું ને ગોફણ ઉપાડે, ખેતરનાં ઢળિયાં ભાગી ગોફણે ચડાવે ને સામા ગોળા લગાવે! સાથે સાથે મોઢેથી પણ હોકારાદેકારા કરતી જાય ને છૂટેદોર ગાળો સંભળાવતી પેલાવને ફટકારતી જાય:

‘આવો, ફાટ્ટીમૂવાવ! આવો મોંબળ્યાવ! આવો તમારું સામટું સરાધ કરું’

થોડા દા’ડા ફરીફરીને આ કારસો નાતીલાવે અજમાવ્યો. પણ બાઈએ મચક ન આપી!

પેલાઓએ નવો દાવ અજમાવ્યો. છાપરું સળગાવી મેલવાની ધમકી આપી.

બાઈને હવે ધાસ્તી લાગી. વળતે દા’ડે બપોર નમ્યે પોયરાંવને લઈ ગામમાં ગઈ. ઘર ઉઘાડી વાળીબુહારી સાફસૂફ કર્યું. સાંજે બધાંને વહેલાંવહેલાં જમાડી ખવડાવી, ખૂણે પાણીની માટલી-પવાલું મૂકી સુવાડ્યાં. મોટાં બેની પથારી બારી નજીક કરી. બેવને એક લાકડી અને એક ધારિયું આપ્યાં.

‘જુઓ. રાતમાં કોઈ વખતે કોય બારીના સળિયા નજીક આવીને ડોકાય કે અંદર જોવા કરે, તો આ ડંગોરું સળિયા વચ્ચેથી સીધું જ જોસથી એની આંખમાં ઘોંચવું. ને જો સળિયામાંથી હાથ અંદર ઘાલે તો આ ધારિયા વડે હાથ કાપી કાઢવો. કોઈ વાતે ડરવું નહિ. બહાર બારણાને તાળું મારીને જાઉં છું. કોઈ અંદર આવી શકે તેમ નથી.’

પછી બારણું ઢાંકી ખાસું મોટું તાળું લગાવ્યું, ને છાપરે ગઈ!

થોડો વખત આ જ રોજનો ક્રમ રહ્યો. મૉનજી સવારે કલમો સીંચે. બપોરે ગામડાં ફરે, પાછલી રાતે ઉધવાડું કરે; બાઈ હળ હાંકે, કલમખેતરની રખેવાળી કરે, ઢોર ચારે, બાંધેછોડે, છાણગોઠા કરે, પોયરાં રાખે, ઉદવાડે જઈ પાપડી વેચી આવે. મોટાં છોકરાંવને ઘરનાં ને બહારનાં કામોમાં પળોટે. ખાડીની નાવ વગર હલેસે હાથેપગે ચલાવીને ખાડી ઓળંગતાંય મોટી છોકરીઓને શીખવી દીધું!

પિતરાઈ, નાતીલા, પટેલિયા તમામને મૉનજી નાયક અને તેની જાજરમાન ઘરવાળી — ગામની જ દીકરી—આંખનું કણું થઈ પડ્યાં. નાતીલા રોજ ઘૂરકે:

‘નિયાતની હાંમ્ભો પડીને જવાનો કિયાં હૂતો એવો એ? મગજમાં રાઈ ઘાલીને ફરે છ, તે કરી મેલસું પાધરોદોર! નિયાતને સું સમઝો? નિયાત તો ગંગાનાં પૂર. તિના હાંમ્ભે પડીને તરી નીકલવું ખાવાના ખેલ ની મલે જો!’

હવેની વીતી જીને મોઢે સાંભળો:

‘હું કે ડોસા છાપરે ન હોઈએ તિયારે ભાઠેલા જમીન પર આવે. પાપડી ચૂંટે, ખેતરમાં જ બાફે, ખાય, ને નુકસાન કરી ચાઈલા જાય! એક વાર હું વલસાડ કામે ગેયલી. આવીને જોઉં તો પોયરાં ઢગ વળીને બેઠાં રડે:

‘ઢોર બધાં હાંકી ગિયા, પાંજરે ઘાલ્યાં ઑહે.’

મીં કૅ’યું, ‘સોધી લાવું.’

‘ના. તુંને મારી લાખહે.’

પણ હું ધારિયું લઈને નીકળી, ને સોધી કાઢ્યાં. વાલ ચરાવીને ખેતરની વાડ પાછળ ખાડામાં બેહાડી મૂકેલાં. વાડ કાપીને હાંકી લાવી. તેરેતેર ઘેર આણી બાંધી દીધા!’

ભાત-ક્યારડાં પાકી તિયાર થિયાં. કોણ કાપે? મારા દૂબળાને તો કે’દાડનો એ લોકે નહાડી મૂકેલો. પન ઉધવાડાનું લોક બહુ ચાહના રાખે. એ લોકે બે દૂબળા મોકઈલા. ભાત ઢગ કીધું. ભારા બાંધ્યા.

ભાઠલાવે રાતોરાત ચોરાવ્યા!

હું દોડી નાતપટેલને તાં.

‘તારા જ દૂબળા લાઈવા છે.’

‘અમે તો કસું જ ની જાણીએ.’

મીં કૅ’યું: ‘તમે બધી નિયાત અમારી પૂઠે પડેલા છો. તમે પાઘડીવાળા, ને હું કાંચળીવાળી, પણ ઈયાદ રાખજો. હું એખલી તમું સઉવેને પૂરી પડા.’

હું એની વાડીમાં પેઠી, સોધી કાઢયાં! ને એને નજરોનજર બતલાઈવાં. પૂળિયાં પૉંદીને કૂવામાં લાખી દીધેલાં!

ગામમાં કોઈ સેરે આવવા ની દે. પોયરાં જોડે બોલે નહિ; સોડે ઊભવા ઓ ની દે. કૅ’શે: ‘તમુંને કાપી મૂક્યાં છે.’

ગામમાં નાતીલાના મરણ પાછળ વરો થિયો. મારાં પોયરાં નીમાણાં ફરે. હું પારડી ગઈ. સીધુંસામાન લઈ આવી, ને લાડવા કરી પોયરાંને ખવડાવ્યા!

‘પણ બહિષ્કાર ચાલુ રહ્યો ને વધુ આકરો થયો. ભાઠેલાવ નિતનવા પેંતરા ઊભા કરે, ને દુ:ખ દે. મારા બાપનાં પાનતંબાકુ બંધ કીધાં. વાડ ભરાવીને કૂવે જવાનો મારો રસ્તો બંધ કરવા હુકમ કાઢ્યો. હું પાણી ભરવા જાઉં. તી જ વેળાયે તાંથી નીકળી, ને કાનોકાન હાંભળ્યું, મને જતી જોઈને જ બોલેલો.

મેં તાં જ ચોકમાં દેગડું ઉતાઈરું, ને પૂછ્યું:

‘અલા નિયાતના ડિંગલા! તારી બૈરી કિયા દુ:ખે મરી ગૅયલી? તીનો જવાબ દે. અમારી ખેધે પડ્યો છે, પણ હું મરી જવા તો મારી પાછળ તો પરમેહર ઊભો છે, પણ તારી પાછળ જમ ઊભો જો!’

ધરાર જઈને કૂવે દેગડું મૂકી આવી. “જોઉં કેની માયેં સેર સૂંઠ ખાધી કે મને અટકાવે?”

‘કસામાં ની ફાઈવા તિયારે એક વાર મારવા આવ્યા. ડોસાને ભગંદરનો વિયાધિ. હું રોટલા ઘડું.’

‘નિયાતવાળા મારવા આવે છે, કાંય કરીસું?’

‘આપણે કીધું તે પરમેહરને પૂછીને કીધું. હવે આ પાર કે તે પાર. ઓટલે જઈને બેહો. ભલે આવે.’

આવ્યા. ડોસાએ જવાબો સારા આઈપા. હું ઓ ગઈ. મીં કૅ’યું “મારી પોરીની ચૉવટ કરવાવાળા તમે કોણ થતા છો?” ’

પછી આવેલા એકુએકની કુણેહ કાઢી દેખાડી. પેલાવ અકેક કરીને ઊઠી ગિયા!

અંબી ભારે પગવાળી થઈ. નિયાતવાળા કે’, “પિયેર આવવા ની દેવી! ટેસનેથી આવતાં આંતરવી!” ’

વહન ભગવાનની મા નાતીલાવને કૅ’:

‘એ પોરી તો આવહે જ. ને તિને મોટો પાયા જેવો પોયરો ઓ આવહે. ને તમારી છાતી પર ભીખલી એને નવાડહે. મૂવાવ ખાલી અમથા કાંય કરવા ફજેત થતા છો?’

ડોસાને મીં કૅ’યું, “ગાલ્લીમાં એક ડંગોરો મૂકો, ને પોરીને ટેસનેથી લઈ આવો.”

અંબી આવી. સાથે ચીખલીથી ચાર ભાઠેલા લાવેલી! મારા પિયેરનાં ડોબાં જોડે મારાં ડોબાં ચરે. ભાઠલાવે દૂબળાને દમ લઈ કાઢી મુકાઈવાં. નિયાતપટેલે કહેવડાવ્યું:

‘ઘરમાં પૂરી ડોબાં જોડે તમનેય બધાંને લગાડી મૂકહું.’ મીં હાંમ્ભું સંભળાઈવું: ‘મને ને મારાં પોયરાંને લગાડી મૂકહે, તો તારા બેવ પોયરા ફાટી પડહે.’

‘કોણ જાણે કેવે કાળચોઘડિયે મારે મોઢેથી આ બોલ ફૂટ્યો ઑહે, કે બે જ મહિનામાં સાચોસાચ એના બેવ પોયરા માંદા થિયા ને મરી ગિયા! કાળમાં કહેવાઈ ગૅયલું. આખી ઉંમર મને આનો પસ્તાવો રિયો છે.

[૬]

વિખ્યાત અમેરિકન સાક્ષર હેમિંગ્વેએ ‘માછીભાભો ને મૅરામણ’નામે એક ટચૂકડી ગજબ સૌંદર્યભરી કથા લખી છે. જેમાં એક બૂઢા માછી અને મહામસ્તાન તમિંગળ મચ્છ વચ્ચે જીવસટોસટની જદોઝદનું વર્ણન છે. કથામાં માછીભાભો અને પેલો તમિંગળ દૈત એકબીજાની પૂઠે પડે છે; અને રાત આખી ચાલેલી એ સાઠમારીમાં બેઉ વચ્ચે એવી તો મડાગાંઠ પડી જાય છે કે બેઉ મળીને કેમ જાણે એક અવિભાજ્ય જોડકું જ બની જાય છે! એવરેસ્ટ ચડી આવેલા પર્વતારોહી વિલફ્રિડ નૉઇસે ‘They Survived’ નામના સુંદર પુસ્તકમાં કટોકટીને ટાંકણે જીવને મૂઠીમાં પકડી રાખીને ઝઝૂમનારાંમાં નીપજતા આ માનસનું બહુ આબાદ પૃથક્કરણ કર્યું છે.

મૉનજી નાયક અને ગામની અનાવલા ન્યાત વચ્ચે, બલકે વિશેષે ભીખીબાઈ અને નાતીલાઓ વચ્ચે, આવી મડાગાંઠ પડી ગઈ! અને બેઉ કેમ જાણે એક છોડ્યું ન છૂટે ને તોડ્યું ન તૂટે એવું અવિભાજ્ય જોડકું બની ગયાં! ગજગ્રાહનો અંત ભળાય નહિ.

મૉનજીનાં છોકરાં ગામની નિશાળે ભણે. માસ્તર ગામનો, ગામ વચ્ચે લોકોને બારણે થઈને જતાં નાતીલા મૅણાંટૉણાં તરેહવારના બોલ સંભળાવે તે અકારું લાગે, તેથી છોકરાં આડરસ્તે ખેતરમાં થઈને જાય. નાતીલાવે જવાની વાટે વાડ ભરાવી છોકરાંનો રસ્તો બંધ કર્યો.

ભીખીબાઈએ ધારિયું ઉઠાવ્યું. ને ગઈ, વાડ કાપતી જાય ને નાતીલાવને સંભળાવતી જાય:

‘આવો પાઘડીબળ્યાવ. આવો મોકાણિયાવ, આવો મને અટકાવવા જેની માયે સૂંઠ ખાધી હોય તે. જોઉં કોણ અટાકવે છે મારાં પોયરાંવને નિહાળે જતાં.’

નાતનું લોક ઘરમાં પેસી ગિયું!

સાંજે નાતપટેલે નિસાળના માસ્તરને બોલાવી મંગાવ્યો.

‘મૉનજીનાં પોયરાં નિહાળે આવતાં છે કે?’

‘હોવે.’

‘મૉનજીને નિયાતે બહાર કીધેલો છે. એનાં પોયરાંની નિહાળ બંધ કરો.’

‘મારાથી કેમ થાય? સરકારી નિસાળ છે. મને તેવો અખત્યાર ની મલે.’

‘ઉપરી અમલદારને લખાણ કરો. લખો, “ગામ આખાની વિરોધ જઈને છોકરાંને ન ભણાવી સકે. મૉનજીનાં પોયરાંવને બંધ કરવાની મંજૂરી આપો.” ’

‘એવું લખાણ ઓ મારાથી ની થાય. મને ઠપકો મલે.’ નાતીલા વિમાસણમાં પડ્યા.

‘વારુ. હું કૅ’વ તેમ કરો. મૉનજીનાં પોયરાં આવે તીને જુદે બેહાડો. બધાં જોડે નહિ. અમારાં પોયરાંવની સોડે તીનાં ની બેસી સકે. પડી કે હમઝ?’

‘વરી, તીનાં પોયરાંવને ક્લાસમાં એક ખૂણે દીવાલ ભણી મોં કરાવીને બેહાડવાં. એવાં એ અમારાં પોયરાંવ ભણી જોઈ ન સકે તે રીતે.

‘ને ભણાવવાં તો નંઈ જ. પડી કે હમઝ? બસ, નિહાળ છૂટતાં લગી બેહાડી જ મૂકવાં. ભણે એની મૅ’તે માંહોમાંય પાટી પર, ભણવું હોય તે.’

માસ્તર ચૂપ.

માસ્તર ગામનો. પેલાઓની સામે થવાની હિંમત ન મળે. ભણાવવું બંધ કર્યું. ન ભણાવે, ન સવાલ પૂછે. મહેતી બહારગામની, તે તેટલી ક્યારેક ભણાવે.

છોકરાં નિશાળે જાય, પણ ઘેર આવીને રોજ રડે, ‘માસ્તર અમુંને ખૂણે બેહાડતા છે. ક્લાસમાં બીજાં જોડે બેહવા ની દે. અમારી જોડે કોય બોલતું ની મલે. માસ્તર ભણાવે ઓ ની. કૅ’શે, કોરે બેહો, ને માંહોમાંય ભણો.’ પૂછવા જાયેં તિયારે ઓ જવાબ ની દે.’

આ નિશાળવાળા કિસ્સાએ ભીખીબાઈને તથા મૉનજી નાયકને વ્યાકુળ કરી મૂક્યાં. મૉનજીની વત્સલતા એવી તો ઉત્કટ કે ત્રણ દિવસ ભાગ્યે બેમાંથી એકે કૉળિયો અન્ન ખાધું, ઘરમાં બાળકો નીમાણાં ફરે. રમવાભણવા ક્યાંયે જવાવાટ ન મળે!

માણસ ઉપર આગ, વીજળી જળરેલ કે ધરતીકંપના અકસ્માતોની આસમાની ગુજરે. રાજા બાદશાહોની સુલતાની હેઠળ હાથીના પગ તળે છૂંદાવું પડે, એમાં તો એક આંચકે મરી પરવારવાનું. પણ જૂનાં ન્યાતબંધારણોના જાલિમ દોર હેઠળ માણસને પ્રાણથી અદકાં બાળકબૈરાં સહિત જે કારમાં અપમાન, નામોશી હેઠળ રાતદિવસ રિબાવું પડતું, તેની વેદના તો જેને વીતી હોય તે જ જાણે.

વખત જતે ડિપોટી નિશાળ તપાસવા આવ્યો. તેની આગળ જીએ ફરિયાદ કરી. ડિપોટીએ માસ્તરને ધમકાવ્યો:

‘તમે સરકારી પગાર ખાઓ છો. ઢેડાં દૂબળાં ગમે તે આવે. તમારે ભણાવવાં પડશે.’

નાતીલાઓના હાથ હેઠા પડ્યા.

હવે નાતીલા પૂરા ભઠ્યા. એમના રોશે માઝા મૂકી. ગામના નાવીને બોલાવ્યો:

‘મૉનજીની હજામત ની કરવાની. નિયાતની હાંમ્ભો પડેલો. નિયાતે કાપી મૂકેલો છે. ખબરદાર! એણીગમ ગિયો તો.’

મૉનજીની દાઢી વધી. તે કાળે હાથે હજામતનો ચાલ હજુન પડ્યો નહોતો. મૂછ પણ જેનો બાપ મરી જાય તે જ બોડાવે. તે સિવાય મોટી નામોશી લેખાતી.

નાતીલાવના આ છેલ્લા પગલે મૉનજીને ઊંડો ઉદ્વેગ ઉપજાવ્યો. વિશાદથી અંતર છવાઈ ગયું. મૉનજી કરતાંય બાઈનું વધુ. ઘરનાં છોકરાં પણ સૂતકના ઓળા ઊતર્યા હોય, ઘરમાં કોઈ માંદું મરણપથારીએ હોય, કંઈક બહુ જ અશુભ થયું કે થવાનું હોય, તેમ મૂંગાં નિમાણાં ફરે.

મૉનજીને ઉદવાડા, પારડી તેમજ ગામડામાં સગવડ હતી જ પણ પોતાના ગામનો નાવી ન કરે, ને બીજે ગામ જઈને ક્ષૌર કરાવવું પડે, એ કલ્પના જ એવી અસહ્ય હતી કે થોડા દિવસ ડૂમો હૈયામાં ને હૈયામાં ગોપવ્યે રાખ્યા પછી એક દિવસ બંધ તૂટ્યા અને બાઈ પોયરાંની હાજરીમાં પાડોશીના ઘર લગી સંભળાય તેમ પોકે પોકે રડ્યા!

હદ આવી ગઈ હતી.

[૭]

ગુરુદેવ ટાગોરે કે એવા જ કોઈ મનીષીએ ક્યાંક એવી મતલબનું લખ્યું છે કે માનવીની માનવતાની ગરિમા ઉપર જ્યારે ઉપરાઉપરી વસમા આઘાત થાય, એના જીવનનું હીર-ખમીર તમામ હૈયાબળ જ્યારે ખવાઈચવાઈ જવા કરે, એનો અંતરાત્મા ડઘાઈ કચરાઈ દુણાઈ ભૂંજાઈ જતો હોય, કુળકિનારા, આભધરતી બધું એકાકાર થઈ ગયેલું ભળાય, ત્યારે આત્મતત્ત્વનાં ગંભીર ઊંડાણોમાં સૂતેલો માનવાત્મા ઉધડકીને ઊઠે છે; અને પોતાનું તમામ બળ ‘એકજોર’ કરીને એના દેહ આત્માને ગ્રસી જવા કરતી ઘોર વિપદ સામે મંડાય છે. એનું તમામ તેજ, ઓજ અને ગૌરવ એકટીપે આવીને મરણિયો મોરચો લડી કાઢવા ધસે છે. અને અંતે શત્રુદળને જેર કરી, તમામ વિપદની સાડાસાતીને પગતળે છૂંદી, મહામહિમામય એવો માનવ છ ફૂટ ઊંચો ઊભો રહે છે! આવા મહામાનવ તરીકે જનમવાની ઝંખના દેવો પણ સદાય સેવતા હોય છે એવું શાસ્ત્રપુરાણોયે ગાયું.

વહેલી સવારે ઊઠીને ભીખીબાઈએ ઝટ ઝટ ઘરકામ, વાસીદાંવલોણાં, છાણગોઠાથી પરવારી લીધું, છોકરાંઓને પેજ પિવડાવી ન્યાહરી કરાવી નિશાળે ભેજી દઈ જાણે કશુંક પ્રયોજન ઉદ્ભવ્યું હોય એમ તૈયાર થઈ ગયાં. સવારનો પહોર, છાપરાં આંગણાં ઓટલાઓ પર ગામમાં બધે શિયાળાના સૂરજનું કુમળું તડકું આવી ચૂક્યું હતું. ઊઠી દાતણપાણી કરવા ઓટલે બેઠેલા ઘરડેરાંઓ ને રસ્તે જતુંઆવતું લોક ‘છો’ ભલા, છૈયેં ભલા’ કરતું હતું.

ભીખીબાઈએ બારણા બહાર આવીને આડોશીપાડોશી સૌ સાંભળે તેમ મોટેથી કહ્યું:

‘આણીગમ બહાર આવો તો ઓટલા પર, વજીના જીજા! આ નાવી આવેલો છે. હજામત કરાવી લેવ.’

પાડોશીઓએ કાન માંડ્યા. ઓટલે બેઠા દાતણ કરવાવાળાઓએ આંખો વકાસી જોવા માંડ્યું ‘મૉનજીની હજામત કરવા નાવી આઈવો સું? દેખાતો કાં ની મલે? બારણે તો ભીખી એખલી ઊભેલી છે, કેથે ઊભો રાઈખો ઑહે.’

મૉનજી નાયક બહાર આવ્યા

‘કાંય કૅ’તી છે?’

‘બેહો. હજામત કરાવવી છે ને?’

‘નાવી કિયાં છે? તેં કૅ’યું, નાવી આવેલો જે?’

‘હું પોત્તે કેવી ઊભેલી છૅ’વ જે. હું જાત્તે તમારી દાઢી બોડા.’

‘કેવી વાત કરતી છે?’

‘ખાસ્સી. લાખ રૂપિયાની. સુનામહોર જેવી!’

‘કાંય લાજસરમ?’

‘લાજસરમ નાતીલાવને. ભાઠલા ફાટ્ટીમુવાવને. મને કાંયની સરમ? કોઈ પરાયાની તો નથી બોડતી ને? નિયાતજાત ગામપરાગમનાં પાંચહેં મનેખ વચ્ચે ઢોલતાસાં વગડાવીને મારા બાપે હાથ પકડાવ્યો છે. મારા પોત્તીકા માટીની દાઢી બોડવામાં મને કાંયની સરમ? કોય વાતે ઘરમાં ની જવા દઉં. આંય ઓટલે બેહાડીને જ તમારી દાઢી બોડા. આ બધું તિયાર રાખેલું જે. બેહો.’

હાથ પકડીને જોરથી બેસાડ્યા, ને સાબુપાણી લઈ દાઢી ભીંજવવા માંડી, ચોળતી જાય અને મોઢેથી વાગ્બાણો વરસાવતી જાય. એના હૈયામાં આજે ધગધગતો સીસારસ રેડાયો હતો!

‘મૂઆ લખ્ખોદિયા નાતીલાવ ખેધે પડેલા છે. બધા ગામ પર સિરજોરી ચલાવી રિયા છે. નાવી, દૂબળા, માંગેલા, ગામ બધાને આંતરી મેલેલું. મોંકાણિયાવે દુ:ખનાં ઝાડ ઉગાઈડાં. જાણે આવહે ભીખલી ને તિનો મરદ બેવ નાક ઘહતાં. વાટ જોયાં કરજો, મોંબળ્યાવ. ભીખલી રૅ’હે ઊંચે માથે ગામ વચ્ચે તમું સઉવેનાં નાક પર ટીચીને.’

(જતાં-આવતાં ગામલોકને) ‘જાવ, જઈને કૅ’વ પેલા નાતપટેલિયા લખ્ખોદિયાને. ફાટ્ટીમૂવો, જીવતાંનો જાનૈયો ને મૂવાંનો ખાંધિયો, હમ્મેસનો, તિને જઈને કૉ’ કે ભીખલી એનાં માટી-પોયરાંવને લઈને તારી છાતી પર રૅ’હે રૅ’હે ને રૅ’હે. મૂઓ નિયાત આખીને કઠોડે ચડાવતો છે. ‘પોરીના બાલ લેવડાવો” એમ તેં જને નિયાતને કૅ’યલું? કે બીજા કોયેં? મારી પોરીની હું મુખત્યાર. ફાવે તિયાં દઉં. તીમાં તું કોણ થતો છે વચમાં આવનારો, ને હુકમ દેનારો?’

‘કાંયે નો ચાઈલું તિયારે કૅ’, “તિના ઘરનો નાવી બંધ કરાવું.” ગામના નાવીને દમ દઈને બંધ કરાઈવો. કાંય મને તો બંધ કરાવવાની છાતી ની મલે ને? તીને કૅ’યેં આવ હવે, મારા માટીની દાઢી બોડતી મને બંધ કરવા! ભાઠલા ફાટ્ટીમૂઆ બધા તિની હા માં હા ભણીને અમારી પૂઠે પઈડા છે!’

વળી કહે: ‘મારી માટીની કાંય? — આજે આંય ઓટલે બેહીને ભાઠલાવની નિયાત બધીની ઇજત બોડતી છેંવ! આવો, અટકાવો મને, જિની છાતી હોય તે!’

પડોશનું લોક સૌ ડઘાઈ ગયું. ઓટલે બેઠેલા મરદ મુછાળા ઘરમાં ભરાઈ ગયા! રસ્તે જતુંઆવતું લોક અટકીને લગાર તાકી રહે, ને પછી ચાલ્યું જાય. ગામ બધામાં કળાહોળ:

‘ભીખીબાઈ મૉનજીને ઓટલે બેહાડીને તિની દાઢી બોડતી છે! કાળકા ભવાનીનો અવતાર છે જો! તિણે ગામના ભાઠલાવ બધાનું નાક ચાર આંગળ ભરીને કાપી લીધું!’

દાઢી બોડી, કાચમાં મોઢું દેખાડીને જ ઘરમાં ગઈ!

પછી તો ઘણી વાર બોડેલી. થોડા મહિના પછી ગામનો નાવી પોતે જ હિંમત કરી આવવા લાગ્યો અને ભાઠલાવે શરમના માર્યા એને અટકાવ્યો—ધમકાવ્યો નહિ!

[૮]

આ જ અરસામાં મૉનજી નાયકને ભગંદરના ઇલાજ માટે મુંબઈ જવું પડ્યું.

ઘરઆંગણે ખેતી પોયરાં ને ઉદવાડાનો ધંધો સાચવવા ભીખીબાઈ અને મોટી દીકરી વજી (વિજયા) સિવાય મરદ માણસ કોય ન મળે! સગુંનાતીલુંં સૌ છેટું રહે. મૉનજી મૂંઝાયા. જીને જ એની આપવીતી સંભળાવવા દઉં:

‘ડોસાને ભગંદર થિયું. મૂળે તો પચીસ વરસનું જૂનું. પણ અત્તારે ઊભળ્યું. લોક સંભળાવે, “પાપ ઊઠ્યું!” ’

‘વલહાડ લેઈ ગિયા. તિયાંનો દાક્તર કૅ’, “મમ્બઈ લેઈ જવા જોવે.” અમારા ઉધવાડાના દાક્તર ગણપતરાવે તેમ જ કૅ’યું.

‘કોણ લઈને જાય? ગામે કાપી મૂકેલા. સગુંવા’લું કોય પડછાંયે ઊભું ની રૅ’. તેમાં પાછી હું ભારેડિલે. જમાઈને પુછાવ્યું. હું પોતે જમાઈ જોડે ની બોલું. અંબેલાલ જમાઈયે હા કહી. ડોસા જવા તિયાર થયા. મને કૅ’, “ઉધવાડે મેલી આવું. તિયાનું લોક દિયાળુ છે. સૌ મદદ કરહે. મારે મમ્બઈ રૅ’વું પડે તેટલો વખત તું તિયાં જઈને રે.” ’

‘મી કૅયું, “ના, આંય કલમો છે. છાપરું, ગામનું ઘર, બધું કોણ સાચવે? ઉધવાડે ની જાઉં. તમતમારે જાવ મમ્બઈ, અંબેલાલ જમાઈ જોડે. મીં રૂ. ૬૦ની પાપડી વેચી છે. આ રિયા રૂપિયા. તેટલા લઈને જાવ. મારી, પોયરાંની ફિકર નૉ કરો. હું ત્રણ રસ્તા પર છાપરું બાંધીને રે’વા ને દસ જણાંને પોસા.” ’

‘ગયા. હું પોયરાંને લઈને છાપરે રઈ. ગામનું ઘર બંધ. ઘરમાં અંબીની જણસ ને રૂપિયા હતા. તે ટોપલામાં મૂકી છાપરે લઈ આવી. જમીનના માંડવા આગળ ઘૂંટણપૂર ખાડો કરી દાબડો દાટ્યો, ને ઉપર મંટોડું વાળી, વાલ વાવી દીધા. તાપીને જગા બતાવી મૂકી.

‘છાપરે રિયા. પોયરાં રોજ “જીજા!” “જીજા!” કરી ઢગ વળી રડે. હું હિંમત આપું. “કાલ સવારે આવહે.” તિમાં વરી ખંડુને ગોવરું ઊઠ્યું. તેર દા’ડે ભાનમાં આઈવો.’

‘અધૂરામાં પૂરું હું ભારે પગે. અરધી રાતે ઉઠાય નંઈ. વજી ઉધવાડે દૂધ ભરે, ને હું મૉડે જઈ પાપડી વેચું. વજીતાપી ઓ જાય. ખાડી પર માંગેલા નાવમાં ની બેહાડે. અમે નાવ હાથેપગે ને દૂધઘીના ડબાનાં ઢાંકણાં હલેસાંની જગાએ વાપરીને ચલાવીયેં અને ખાડી આ પાર ઓ પાર કરીયેં. માછીમાંગેલા આવતા ભળાય તો વાડની આડશે સંતાઈ રહીયેં.’

‘મારા છેડાછૂટકાની વેળ આવી લાગી. ગામની દાયણને ભાઠેલા મારું કરવા આવવા ની દે! દુ:ખના દરિયા ઊઠ્યા. કાંઠકિનારો કેથે કળાય નંઈ.

‘પણ તી જ વેળાએ પરમેહરે ઉધવાડાવાળાવમાં દયા મૂકી. તિયાંથી દૂબળી આવી, ને બધું કરી ચાલી ગઈ!

‘નાતીલાવે નાગિયા પર હુમલો કરાવ્યો. ફોજદારી થઈ. તેમાંય ન ફાવ્યા. ફજેત થિયા.’

‘ડોસા અંબેલાલ જમાઈ જોડે મમ્બઈ ઇલાજ કરાવવા ગિયા. તિયાં કોયની ઓળખ ની મલે. સુતારને ઘેર રિયા. કોય ઓલખીતાનો ઓલખીતો. ઇસ્પિતાલમાં વાઢકાપ ઇલાજ બધું થિયું, ને મહિને સાજા થઈને પાછા આવી રિયા. અઠવાડિયામાં ગામડાં, હાટવાડાં ને ઉધવાડાનો ધંધો પાછો હાથમાં લીધો!’

આમ ભીખીબાઈ ગામ આખાના ધણિયામા થઈ બેઠેલા અનાવિલોને માથે સવ્વાશેર થઈને ઊભી રહી અને ગામની બત્રીશીયે ચઢી ગઈ. લાંઠ નાતીલાઓના એણે બોચીયેંથી ઝાલીને દાંત પાડ્યા!

[૯]

છતાં બાઈની ઉગ્રતા પાછળ પતિ-પોયરાં પ્રત્યેની કુદરતી માયા ઉપરાંત રાગદ્વેષ કશું નહોતું. દાઢીવાળો કિસ્સો વર્ણવીને મને કહેલું:

‘આમ તો મારું કાંય ગજું? માંય તો હૈયું ધા લાખતું હૉય. જીભને જોરે જ કામ લઉં. બૈરાંનું બળ તેટલું. તૉય તાલુકો ધ્રૂજેલો. ડોસાને વિયાધિ (ભગંદર). તે કારણે મારે હથિયાર બાંધવું પડેલું! નાતીલા લાંઠ, ભાઠેલું નામે આખું અકૂણું. પણ માથું ફેરવીને વાત કરે તીની હાંમ્ભે ઊભા ની રૅ.’

છતાં સરવાળે મૉનજી નાયકની જેમ જ ભીખીબાઈ પણ બહિશ્કારને પરમેશ્વરના ઘરની મહેર ગણતાં કહે:

‘પાંચ વરહે લોક બોલતું થિયું. હું તો કહું, “કાંયને સારુ બોલો?” બીજાં પાંચ વરહ એમ ને એમ જ કાઢતે તો મારાં પોયરાં સેર સોનું ખાતે.’

અને સાચે જ નાતીલાઓના પેંતરા અને કારવાઈઓ સામે રોજેરોજ ઝઘડવા-બાખડવાનું છતાં બાઈનો ઉદ્યમ મૉનજીના કરતાં કોઈ વાતે ઊતરે એમ નહોતો. ખેતીનાં કામો, ઢોરઢાંખર બાંધવાંછોડવાંચારવાં, છાણગોઠા કરવા, ઊગ્યાથી આથમ્યા લગણ ને આગલી રાત પાછલી રાત કામ પહોંચે. ભારેડિલે હોય તૉય પાછલી રાતે ઊઠીને ત્રણ ટોકરી દળે, બહોળા કુટુંબના રોટલા ઘડે, અને તે ઉપર ઉદવાડે પાપડી વેચવા પણ જાય. ઘડિયાળના કાંટા ન સમજે, પણ ટાઇમ બરાબર સમજે.

આવીઆવી ગુણવત્તાથી ભીખીબાઈ ગામનું ગૌરવ બની. તેમાં પાછી ગામની દીકરી. એટલે બહારથી બહિશ્કારના કોરડા પેરે પેરે વીંઝાતા હોય, અને તે વીંઝનારા અનાવલાઓ આગળ ગામલોક બધું દબાયેલું હોય, છતાં માંય અંદરખાનેથી ભીખીફુઈ માટે નાતપરનાત, બૂઢાં, બાળક વસ્તી તમામને ગજબનો ચાહ અને પોરસ.

એક જ દાખલો બસ થશે. બહિશ્કારના પુરજુવાળના દિવસોમાં એક વાર ભીખીબાઈ માંદી પડી. મૉનજીના ઘરકુટુંબ અંગે ગામમાં અનાવલાઓના બહિશ્કારની અઢારે વરણ વસ્તી ઉપર એવી તો હાક વાગે કે એના ઘર સામું જોવાનું પણ કોઈની મજાલ નહિ, પણ ભીખીબાઈ ગંભીર છે, ભાગ્યે બચે, એ સમાચાર ફેલાતાં જ બધો બહિશ્કાર હવાઈ ગયો! આખા ગામનાં અઢારે વરણની સ્ત્રીઓ ભીખીફુઈની ખબર પૂછવા, આખરી દર્શન કરી લેવા મૉનજીને આંગણે ઊમટી! ઘરમાં, આંગણામાં ક્યાંયે ઊભવા જગા રહી નહિ! અનાવલાઓ ગામમાં તેવા જ ઘરમાં શિરજોર. પણ આજે એમનું ખુદ નાતીલાઓનું પણ એકોએક ઘર દોડ્યું. બૈરાંબાળક કોઈએ ઘરના મરદમાંટીને પૂછ્યાવાટ જોઈ નહિ!

વરસો લગણ બહિશ્કારનો ગળેટૂંપો પુરજોસ રહેલો. પૂરાં પાંચ વરસ તો અસ્તરાની ધાર જેવો. પછી આસ્તે આસ્તે નરમ પડતું ગયું. સૌથી વધુ તો મૉનજીની ખાનદાની, સહનશીલતા, મૂંગા ઉદ્યમ અને નેક વર્તાવે જ બહિશ્કારની ધાર બૂઠી કરી નાખી.

ભીખીબાઈના બાપે ન્યાતવાળાઓને સંભળાવ્યું:

‘પોરીના ઘર જોડે મારે બોલ્યા વગર ની ચાલે. હું બોલીસ, ને તમારો દંડ ઓ ની ભરું.’

ધીમે ધીમે સગાંસાંઈ નાતીલાં સૌ હિંમત કર્યે ગયાં, છેલ્લો ફટકો અનાવલાના ગૉર પરિયાવાળા જમિયતરામ તલાટીએ ઘરના વાસ્તુ ટાણે આ બહિશ્કૃત કુટુંબને સાકમટે નોતરીને લગાવ્યો; અને અનાવલા ન્યાતના ફરમાનને છડેચોક નકાર સંભળાવીને વરસોજૂના બહિશ્કારને દફનાવ્યો!

આમ ભેદઆંતરા બધા ભૂંસાયા, અને અંતે મૉનજી નાયકની નેકનામી જ તેટલી સિલક રહી.

[૧૦]

મૉનજી સ્વભાવે શાંત, કૂડકપટ વગરના, સતત ઉદ્યમી, દયાળુ અને નેકદિલ પુરુષ હતા. એકમાત્ર જૂઠ—અસત્ય સામે જ ઊકળતા. પાટલા નિશાળે બે ચોપડી ભણેલા; પણ સમજણ અગાધ. ઘરની ખેતીવાડીમાં જીવેપ્રાણે પરોવાયેલા રહેતા. કથાકીર્તન, ગરબાનો શોખ તેવો જ. અપત્યપ્રેમ લગભગ નબળાઈ જ લેખાય એટલો. દીકરાદીકરી કોઈને આંખથી ઓઝલ થવા ન દે. છોકરાંને દૂધઘી કે મોસમે કેરી-શેરડી મળવામાં અંતરાય પડે તો બેચેન થઈ જાય, ને રડે.

શત્રુવટ કરનારની જમીન વેચાણ લેવા પ્રસંગ આવે તો તેનીય નુકસાનીની શક્યતાઓ પહેલી વિચારે અને તેની જોગવાઈ સાથે પેલાના ધારવા કરતાંય અધિક કિંમત ચૂકવે! દૃઢતા એટલી કે સૂઝ્યું સમજાયું, મનમાં ઘડ બેઠી, તેવો જ અમલ.

ક્ષમાવૃત્તિ પણ તેવી જ. બહિશ્કારની કારમી ભીંસ વેળાએ પણ જાલિમ નાતીલાઓ સામે રક્ષણ શોધવા ઇન્કાર કરેલો. ઉદવાડાના જુલાહા વણકરો, નાત-પરનાતના સુધારકો, કે પ્રગતિશીલ માનસવાળા સરકારી અમલદારો, ઘણાઓએ મૉનજીને એકથી વધુ પ્રસંગે સૂચવેલું:

‘ફરિયાદ કરો. ઘડીમાં પાંશરા કરી દઈએ, બધાને.’

‘ના. ન્યાતનો ખોફ દૂધનો ઊભરો કહેવાય. ઘડીમાં બેસી જવાનો.’

ખેતરની વાડ કાપી નાંખનાર પાડોશી પર કેસ કરવાની એમ જ ના પાડેલી.

સૌથી મોટો સધ્યારો આ બહિશ્કૃત કુટુંબને ઉદવાડાનો રહ્યો. ત્યાંના ધર્મપરાયણ, નેકદિલ પારસીઓમાં ને વસ્તી બધીમાં, શરૂમાં કહ્યું તેમ, મૉનજીના ચરિત્ર તેમજ નેક વહેવારને કારણે બડી ચાહના. એના પર તથા એના આખા કુટુંબ પર ઊતરેલી આફતની ખબર પડતી ગઈ તેમ તેમ એ ચાહના ઊંડી સહાનુભૂતિમાં ફેરવાતી ગઈ. પારસી, વેપારી, દૂબળા, મજૂર, શેતરંજીઓ વણનારા જુલાહા વણકર, સૌ કોઈએ મૉનજીનાં વીતકોના કાળ દરમ્યાન એના આખા કુટુંબને છેવટ લગી પેરે પેરે મદદ કરેલી.

સૌથી ધરખમ હૂંફ અહીંના ભરડા કુટુંબની. લુહાણા વેપારી અમૃતલાલની પણ એકેએક મુસીબતમાં હરહમેશ મદદ. દાક્તર ચિત્રેનું કુટુંબ તો મૉનજીનું એવું પ્રશંસક કે એમના દીકરા ગણપતરાવ વહેલી વયેથી જ મૉનજીના પરમમિત્ર, બલકે ભક્ત-પૂજારી જેવા બની ગયા હતા. એ સ્નેહ આખર દિન લગણ તેવો જ કાયમ રહ્યો.

ન્યાતના વર્તુળ બહારનું, ગામ, બહારગામ બધેનું લોક પણ મૉનજી પ્રત્યે આદરમાન અને એમનાં કુટુંબનાં વીતકો પર ઊંડી સહાનુભૂતિ ધરાવતું. ગામલોક મૉનજીનાં ‘પોયરાં’ માટે શેરડી, કેરીગાળે કેરી, એવું એવું રાતને અંધારે આવીને મૉનજીને આંગણે નાખી જાય! ખુદ નાતીલાઓમાંથી પણ રડ્યોખડ્યો કોઈ નીકળતો, જે મૉનજી જોડેની હેતપ્રીતમાયાનો માર્યો અવરનવર પાનસોપારી, છોકરાંઓ માટે દૂધની લોટી, એવું એવું કંઈ ને કંઈ, વહેલોઅસૂરો આવીને ઘર પાછળની વાડમાં મૂકી જતો.

[૧૧]

બહિશ્કાર તેની કારમી વ્યથાવેદનાઓ છતાં મૉનજીદંપતીને સાચે જ આડકતરા આશીર્વાદ સમો નીવડ્યો. મૉનજી સદાય પોતાના ખેતીવ્યવસાયમાં મસ્ત રહ્યા. બહિશ્કારને એમણે ઈશ્વરના ઘરની દેણ ગણી; જેને પરતાપે પોતાને નીચું ઘાલીને અખંડ પુરુશારથ કરવા મળ્યો. ઉમ્મરસાડીમાં આંબાની કલમો ઉધેરવાનો ઉદ્યમ એમણે જ પહેલવહેલો શરૂ કર્યો. પોતે ધમડાછાવાળા ગુલાબભાઈ ડાહ્યાભાઈ પાસેથી આ ઇલમ શીખેલા.

આ ગુલાબભાઈ પારડી પરગણા આખામાં આંબાકલમ ઉછેરના પાયોનિયર. મૉનજીની નિષ્ઠા ને પરાયણતા ઉપર એવા આફરીન કે ચાહે ત્યારે વગર ખબર કર્યે આવે અને કીમતી ડગલોપાઘડી કોરે મેલી બાંયો ચડાવીને મૉનજીના આંબાવાડિયામાં કલમોની માવજત કરતા જોવા મળે!

મૉનજીએ મૂળે ખાઈને ફેંકેલા બે કેરીના ગોટલાથી શરૂઆત કરીને જે કલમો ઉધેરી, ત્યાં આજે ૧,૩૦૦ કલમો ઊભી છે! ગામ આખાની કલમી આંબાની વાર્ષિક આવક આજે ચારપાંચ લાખ જેટલી હશે!

ઉદ્યમ ભાગ્યનો તેડાગર.

બરકત થયે ગઈ તેમ તેમ જમીન વધારતા ગયા. પણ તેમ કરવામાં કોઈની ભીડમુશ્કેલીનો લાભ કદી ન લીધો. કિંમત પણ ઘણી વાર વાજબીથી અદકી ચૂકવે. કોઈને નિચોવી લેવાની કે કશું અણહકનું તાણી લેવાની વૃત્તિને મનમાં કદી ઊગવા ન દે.

ખેતી ઉપર બેહદ પ્યાર. દીકરા, સગુંવહાલું કોઈ મુંબઈ મળવા જવાનું નામ દે તો કપાળે આંટીઓ પડે. કહેશે:

‘જ્યાં હલબલ ને કછોટિયું ધણ લઈને ધરતીનો જાયો રળે ત્યાં બરકત એના ઘરની બાંદી થઈને તહેનાત ભરે. કાળજીવાળો ખેડૂત હળ હાંકે, પાળા બાંધે, ક્યારડા ગોડે; દિવસ બધો કૅડ્યે કાથી બાંધીને રળે; જે ભારો બાધવા, તૂટ્યું સાંધવા, બળદનાં રાશજોતર કરવા, હજાર કામમાં ખપ લાગે. ઍન ઘડીએ સોધવા ન જવું પડે.

‘કરેલું કામ જોવું: “આહાહા! આટલું બધું વાઢી નાખ્યું!” કેટલું બાકી રિયું તે ન જોવું.’ વળી કહેશે:

‘ધણી, ધોરી ને દીકરા, ત્રણે સરખા હકના ભાગીદાર. દીકરા કછોટિયું ધણ કૅ’વાય. કચ્છા બીડીને દિવસરાત રળે. કણ નાખે ને મણ કાઢે. એક નાખે ને હજાર લે. કંઠીકણસલાના દાણા ગણી જુઓ. શાહુકાર નાખે તેના સવાયા કરે, દોઢાબમણા કરે, પણ એકના હજાર કરીને દેનારી ધરતી જેવો શાહુકાર બીજો જોયો? આવી માની ચાકરી કરવી છોડીને અભાગિયો હોય તે જ મુંબઈ જાય. કાં વરણાગિયો જાય. એવો મુંબઈની હવા ખાઈ આવેલો એક હોય તોય ખાંડી વસ્તારમાં ખાટલા વચ્ચે ખીલા પઠેમ ખૂંચે!’

આંબાને કલ્પવૃક્ષ અને અકેક કલમને ‘માસિક ૮૦ રૂ. રળી દેનારો ગ્રૅજ્યુએટ દીકરો’ કહેતા. છોકરાં બહુ વહાલાં. ઘોડિયે સૂતેલાંની દોરી તાણે, હાલરડાં ગાય, રોતાંને થબેડે; તાંબડું, તપેલું જે હોય તે ઠોકી વગાડીને તત્કાળ છાનાં રાખે.

[૧૨]

શરૂમાં ત્યારની પ્રથા મુજબ દીકરાદીકરીનાં બાળલગ્નો કરેલાં. પણ આર્યસમાજના સંપર્ક પછી સમાજસુધાર અને સ્ત્રી-શિક્ષણના આગ્રહી બન્યા. પછીની દીકરીઓ બધીને સિનિયર ટ્રેન્ડ શિક્ષિકાઓ સુધીનું શિક્ષણ આપી મહેતીઓ કરીને જ મોટી ઉંમરે પરણાવી. એટલે સુધી કે એક કાળે આખા પંથકમાં જ્યાં જાઓ ત્યાં મૉનજી કુટુંબની બહેનદીકરીઓ જ શિક્ષિકાઓ તરીકે જોવા મળતી!

દીકરાઓ માટે પણ વાડાબંધી તોડીને મળી ત્યાંથી કન્યાઓ લીધી. લક્ષ્મીબહેનનાં લગનમાં નાતીલા આવે નહિ, એટલે કોળીકણબી સૌને નોતર્યાં. પ્રેમીબહેનના લગન અવસરે નાતજાતના આંતરા વગર અનાવલા, ઉજળિયાત, પારસી, દખણી, ધોડિયા, દૂબળા, વારણિયા (ઢોલી) તમામ ઇશ્ટમિત્રોને એક પંગતે બેસાડીને જમાડેલા!

દીકરી દેવામાં કહેવાતા કુળવાનોને પોતે થઈને જ ટાળે. કહેશે, ‘કટાયેલા વાસણમાં મારે છોકરીને નથી નાખવી.’

વત્સલતા એવી ગાઢ કે ઘરમાં સાત દીકરીનો ઘાઘરિયો વસ્તાર, તોય એ ટાંડામાંની એક જમના મૂઈ તેનોય વરસદિવસ સોગ પાળ્યો! લોક ટીકા કરે, ‘આવડી સેના ઘરમાં બેઠી છે તોય એક મૂઈ તેનો સોગ? તેમાં વળી એક પોરીનું પુનર્લગ્ન કીધું. આટલી આ બધીને કોણ પરણશે?’

તો કહેશે:

‘દીકરીનો બાપ હું. તમને કાંયનો ભાર લાગે? રાંડીને લેનારો નીકળ્યો, તો કુંવારીને લેનારો નહિ નીકળે? ઘાસિયાં ઘોડાં ને પેટિયાં ચાકરનો ભાર વળી કેવો? ને પરણવા તો જે કાચું ખાતો ઑહે (રાંધનારી નહિ હોય) તે આપમેળે આવહે ને લઈ જહે. કોઈ ને કોઈ માયનો જણ્યો તિને સારુ રોજ મા’ધેવને લોટો પાણી રેડતો જ ઑહે.’

ભૂતપ્રેત વહેમના કટ્ટર વિરોધી. છોકરાંથી ‘બીક લાગે છે’ એમ એમની પાસે કહેવાય જ નહિ. કહેશે, ‘શેનાથી બિહાય છે? દેખડાવ.’ એટલી એક જ બાબતમાં ઉગ્ર બની જતા. ફટકારવાની હદ લગી જતા.

અનાવલાઓની શેખી અને નનામું લખવાની ટેવ, એ બે ટેવોને કોમની મોટી ઍબ અને ચરિત્રદોશ તરીકે ઓળખાવતા. લગનમરણના વરા વાંકડાના રિવાજો પર બહુ કશ્ટાતા. એ જ અનાવલાઓની પાયમાલીનો ઇતિહાસ છે એમ કહેતા. તમામ ભ્રામણ કોમની પડતી ઉપર તેવા જ અકળાતા.

છ છાંડ્યા ચાર રાંડ્યા ત્રણનું ન જાણ્યું નામ

ટીલું તાણ્યું, ટપણું ખોસ્યું, ભ્રામણ મારું નામ!

આવા ભ્રામણને કોણ માને?

[૧૩]

કથાકીર્તનગરબા ગાવાનો શૉખ એવો જ જબ્બર. વડોદરા બાજુના ગાગરભટ કથા કરવા પારડી આવતા, તેની પાસેથી સાગ્રસંગીત કથા કરતાં વહેલી વયે જ શીખેલા. ઘોઘાર કંઠ અને આકર્ષક શૈલી. હજાર માણસ સહેજે સાંભળવા એકઠું થઈ જાય. ગાય તે તળાવ પાર સંભળાય. કથા પણ એવા જોમઉમંગથી અને તન્મયતાથી કરે કે શ્રોતાવૃંદને ડોલાવે. જાતે રડે ને મેદની આખીને રડાવે.

હોળી ટાણે ગામનાં બૈરાં મોસમના ગરબા ગાતાં હોય તેમાં ભળી જાય. ઢેડુંદૂબળું કશું ન જુએ. ને એવી હલકથી ગવડાવે કે લોક નાચી ઊઠે.

પોથીપુરાણમાંથી પુરશારથની વાતો તેટલી પકડે. કથાકીર્તનમાં આખા પરગણામાં મૉનજીની જોડ નહોતી. એક વાર સોનવાડાના કોઈ તાલેવંતે વરો કર્યો. ગામ આખાને ધુમાડબંધે નોતર્યું. પરગામનાંય તેટલાં. માણસ વીસ હજાર જેટલું. ગામમાં ઊભવાની જગા ન રહી. તેમાં પડ્યો વરસાદ! રાત પડી. ક્યાં રાખવાં? કોઈને સૂઝ્યું:

‘મૉનજીની કથા કરાવો.’

વરસતા વરસાદ હેઠળ ટોળું રાત બધી ખુશી ખુશી બેસી રહ્યું ને ડોલ્યું!

ગામડાંની તળપદી ભાશા પર અસાધારણ કાબૂ. કશું કહેતા, સમજાવતા, ઠસાવતા હોય ત્યારે ઇડિયમ, ઉખાણાં ને કહેવતોની ઝડીઓ વરસે. બનાવે પણ ખરા. જેમ કે,

‘પુત્રનો મિત્ર તે પ્રાણવલ્લભ.’

‘રાંડીને રવિવાર શા, ને મંગળવાર શા?’

‘પરિણામનો ધણી પરમેહર.’ (નિશ્કામભાવે કર્મ કરો).

તેવી જ પ્રચલિત કહેવતો:

‘ચોરની માનું ઘડામાં મોઢું.’

‘હાથીના દાંત ને મરદનો બોલ, નીકળ્યા તે નીકળ્યા.’

‘બૈરાંની (કર)કસર ને વહાણની સફર.’

‘જસની હાણે જીવવું નકામું.’

નાટકસિનેમા કદી ન જોતા. ફોટા પડાવવાનો બહુ અણગમો. ખાદી પહેરતા, ને ગાંધીજીને બહુ માનતા. એક વાર ગાંધીજી નવસારી કે એવે ક્યાંક પડોશમાં આવેલા, ત્યારે કુટુંબ આખાને લઈને ગાંધીજીનાં દર્શન કરવા ગયેલા.

[૧૪]

૧૯૩૭માં ૭૩ ઉંમરે કમળાના વ્યાધિમાં બે માસની માંદગી વેઠીને ગુજર્યાં. મરણદિન અગાઉ ઘરબહાર પોતાના જિગરજાન આંબાવાડિયામાં પહેલપ્રથમ વાવેલા આંબા તળે ખાટલો નંખાવેલો. આંબાને સંબોધીને કહેતા:

‘ઉંમર આખી કલ્પવૃક્ષ ગણીને તમને ઉધેર્યાં છે. મારા વંશવેલાને પાલવજો.’

ઉદવાડાવાળા ગણપતરાવ દાક્તર આવે. તેમને પૂછે:

‘નક્કી કહો. હવે કેટલા દિવસ રિયા?’

‘આઠદસ.’

બરાબર એ જ પ્રમાણે સિધાવ્યા. મરવા આગમચ નાગરજી વગેરે ઘરનાં મોટેરાં ફરજંદને બોલાવ્યાં. કહે:

‘આપણો વસ્તાર ખાંડીયે ગણાય એવડો. બધાં પહોંચે તાં લગણ રાખી નો મેલતાં. તરત ફેંસલ કરજો.’

‘મરણને દિવસે ગામમાં જ બીજા બે નાતીલાનાં મરણ થયાં. ત્રણેની સ્મશાનયાત્રાઓ નીકળી. પણ મૉનજી નાયકને આંગણે નાતપરનાત-ગામ બધું ઊમટ્યું. વસનજી ભગવાનજી ન્યાત પટેલ. જિંદગી આખી મૉનજીના શત્રુદળનો અગ્રણી. પણ આજે સૌ પહેલો પહોંચ્યો! કહે,

‘સિંહ ગયો. નર ગયો. ગામમાં એકલો એ જ એક ખરો ભડવીર હતો. ધંન એની ટેકને ને એના બિરુદને, ધંન એની જણનારીને!’

જાતે પોતે નનામી બાંધી, અને ખાંધ પણ આપી!

મસાણે મનખો માય નહિ.

[૧૫]

આ મહાપુરુષનાં દર્શન-સમાગમનું ભાગ્ય તો મને ન લાધ્યું, પણ ૧૯૪૫માં મારા પરમસ્નેહી સ્વ. છોટુભાઈ દેસાઈએ એમની દીકરી આ જૂના બહિશ્કૃત કુટુંબમાં ભારે ખુશીપૂર્વક ચાહીચલવીને દીધી, ત્યારે હું આ કુટુંબના સમાગમમાં આવ્યો; અને ત્યારે જ પોતાની આખાઈ માટે નામચીન એવી અનાવલા કોમોમાં આવડું સૌજન્ય અને સંસ્કારિતા હોઈ શકે, એ મને જોવા મળ્યું.

મૉનજી નાયક તો ત્યારે દેવ થઈ ગયેલા. પણ જી હયાત. અને હું પારડી ઉદવાડા નજીક વાપી ગામે રહેતો. તેથી એકથી વધુ વેળા તેમનાં દર્શન કરવા ભાગ્યશાળી થયેલો. મોટું હાડ, ભારે શરીર, ઊઠતાં મુશ્કેલી પડતી. એમની ઉધેરેલી આંબાવાડીમાં દીકરાઓએ મકાનો કરેલાં ત્યાં રહેતાં.

આ અરસામાં એમના જ્યેષ્ઠ પુત્ર શ્રી નાગરજી દેસાઈએ જીનાં છેલ્લાં દર્શન-સમાગમ અર્થે કુટુંબમેળો ગોઠવ્યો, અને બહુ પ્રેમપૂર્વક મને પણ સૌ સાથે અઠવાડિયું રહેવા નોતર્યો. હું ખુશી ખુશી ગયો. અને ચારપાંચ દિવસ રોકાયો.

પૃથ્વીના પેટાળમાં હીરા પાકે ને દરિયાની છીપે સાચાં મોતી પાકે, તેમ દુ:ખ-ઉદ્વેગ અને વિપદોની ઝડી હેઠળ જ સાચી માણસાઈ અને સજ્જનતાની કુમાશ કઈ રીતે પાકે છે, એનું સચોટ દર્શન આ કુટુંબમેળા દરમ્યાન મને થયું. એ પુણ્યપર્વની સ્મૃતિ રૂપે, તે વખતે કરેલી નોંધોને આધારે એ મહાનુભાવ દંપતીની વિભૂતિને ભક્તિભાવે આ અલ્પ અર્ઘ્ય અર્પીને કૃતાર્થ થાઉં છું.

૧૯૬૫
[ધરતીનું લૂણ]