ગુજરાતી પ્રવાસસાહિત્ય સંપદા/અલગારી રખડપટ્ટી – વિશેષ અનુભવો
૨૧
રસિક ઝવેરી
□
અલગારી રખડપટ્ટી – વિશેષ અનુભવો
◼
ગુજરાતી પ્રવાસસાહિત્ય સંપદા • અલગારી રખડપટ્ટી – વિશેષ અનુભવો - રસિક ઝવેરી • ઑડિયો પઠન: કૌરેશ વચ્છરાજાની
◼
એક મહિનો પગપાળા રખડપટ્ટીમાં કાઢ્યો તે દરમ્યાન તો હું લંડનના મુખ્ય માર્ગોથી ઠીકઠીક પાવરધો થઈ ગયો. ઘણી વાર આનંદ સાથે સવારે કારમાં જવાને બદલે, બપોરે બારેક વાગ્યે ઘરે લંચ પતાવી નિરાંતે નીકળું. ટ્યૂબ – અંડરગ્રાઉન્ડ રેલવે – માં લંડન જાઉં. નોર્ધન લાઇનમાં હાઈ બાર નેટ આખરી સ્ટેશન. ગાડી ત્યાંથી જ ઊપડે, એટલે બેસવાની જગ્યા આરામથી મળી જાય. પણ જો સવારે સાડાનવ પહેલાં કે સાંજે ચારથી છની વચ્ચે મુસાફરી કરો તો ગિરદીનો પાર નહિ. આપણી લોકલ ગાડીઓ જેવી જ ભીડ અને ભીંસાભીંસ અને ટ્રેનમાંયે એક જ ક્લાસ. ત્યાં સામાન્ય રીતે, બેઠેલો પુરુષ ઊભો થઈને પોતાની જગ્યા સ્ત્રીઓ માટે ખાલી કરી આપતો નથી અને હકડેઠઠ ગિરદીમાંયે કોઈ સ્ત્રીદાક્ષિણ્ય દેખાડતું નથી. પશ્ચિમના દેશો વિશેનો આ આપણો એક પ્રચલિત ભ્રમ છે. વહેલી સવારે ઓફિસે જતાં કે સાંજે પાછા વળતાં – ‘રશ અવર’માં – તમે ધક્કામુક્કી કરીને જ ડબામાં પ્રવેશી શકો યા તમારી જાતને બહાર ફેંકી શકો. હા, ત્યાં એક વાત છે – આખી ટ્રેનના બધા ડબા આપોઆપ – ઓટોમેટિકલી બંધ થાય પછી જ ગાડી ચાલી શકે એવી વીજળી કરામત, એટલે અહીંની જેમ ફૂટબોર્ડ પર લટકતાં મુસાફરીની ખતરનાક સહેલ કરવાનું શક્ય નથી. ‘સ્મોકિંગ કંપાર્ટમેન્ટ’માં સિગારેટનાં ઠૂંઠાં, માચીસનાં ખાલી ખોખાં, ચોકલેટનાં રેપર, છાપાં વગેરે ઠેરઠેર વેરાયેલાં પડ્યાં હોય, પણ જેવો લંડનનો પોલીસ, એવી જ લંડનની ટ્યૂબ-ગાડી બેનમૂન છે. ત્યાં જો તમે ઠેરઠેર ટાંગેલાં પાટિયાં પરનાં લખાણો બરાબર વાંચી અને અનુસરો તો કદી ભૂલા ન પડો – ન પડી શકો. એટલી બધી ચોકસાઈની વ્યવસ્થા છે અને વગર ટિકિટે મુસાફરી ન કરી શકો એવી અંકુશવાળી ટિકિટ-તપાસની પદ્ધતિ છે. લંડન નભે છે મુખ્યત્વે ટૂરિસ્ટો પર; અને ટૂરિસ્ટો એટલે અજાણ્યા લોકો. રાહબરો માટે માથાનો દુખાવો. છતાં રેલવેનો સ્ટાફ ખૂબ વિનયી, સહનશીલ અને ચાલાક, ધીરજથી તમારી મુશ્કેલીઓ સાંભળે – સમજે અને એનો તોડ લાવી આપે.
તમે પુરુષ હો, તો લંડનમાં કોઈ બાઈ તમને ‘ડાર્લિંગ’ કહે એથી ફુલાઈ ન જતા, સ્ત્રી હો અને કોઈ તમને ‘ડાર્લિંગ’ કહે તો છેડાઈ ન પડતાં અને તમારી ઇચ્છા કોઈને ‘ડાર્લિંગ’ કહેવાની થાય તો સંકોચ ન રાખતાં બેધડક કહેજો. હું બારનેટના ઘરેથી યા લંડનમાં બસમાં જાઉં ત્યારે બસનાં સ્ત્રી યા પુરુષ કંડક્ટરો ટિકિટ આપી હંમેશાં કહે : ‘ઠાલુ!’ ભાનુને પૂછ્યું. આ ‘ઠાલું’ શું છે?’ તો કહે, “ઠાલું નહિ પણ ઠા....લુ. ‘ઠા’ એટલે “થેંકયૂ’ અને ‘લુ’ એટલે લવ!નું ટૂંકું ટચ એટલે – ઠાલું!’
વાતવાતમાં ‘થેંકયૂ”તો આપણે સૌને આપણા કટ્ટા વેરીનેયે કહેવું જ પડે. મુંબઈ આવ્યા પછી આ ટેવ થોડો વખત ચાલુ રહેલી. બસમાં બેસું ત્યારે કંડક્ટર પાસે ટિકિટ માગતાં ‘પ્લીઝ’ અને એ ટિકિટ આપે ત્યારે ‘થેંકયૂ” કહેતો. એકવાર એક ભલો કંડક્ટર બિચારો મૂંઝાઈને મને કહે, ‘નો, સર! નો...નો!’ એની મતલબ તો ‘ડોન્ટ મેન્શન’ કે એવું જ કંઈ કહેવાની હતી. એ પછી મારી એ ટેવ છૂટી ગઈ છે!
લંડનમાં ‘સેલ્ફ સર્વિસ’ની સંખ્યાબંધ કેન્ટિનો છે. એક ટ્રેમાં છરી, ચમચા, કાંટા, પ્લેટ વગેરે તમારે જાતે લઈ લેવાનું અને પછી જુદાં જુદાં કાઉન્ટરો પરથી ખાવાની મનપસંદ ચીજો. ચા, કૉફી વગેરે માગી લેવાનું. ઘણા મોટા ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સમાં ગ્રાહકોની સગવડ માટે આવી કેન્ટિનો હોય છે. પહેલીવાર હું ‘વુલવર્થ’માં પ્રખ્યાત સ્ટોરની કેન્ટિનમાં ગયો અને ટ્રે ભરીને સીધો ટેબલ પર બેસી ગયો. અડધું ખાધા પછી મેં જોયું તો સૌ ટ્રે ભરીને, પૈસા આપવાના કાઉન્ટર પર પૈસા ચૂકવીને પછી જ ટેબલ પર ખાવા બેસતા હતા. મને ખૂબ ભોંઠપ લાગી. ખાવાનું જેમતેમ પૂરું કરી હું પૈસા ચૂકવવાના કેશ કાઉન્ટર પર ગયો. કેશ પર બેઠેલી બાઈ મને કહે, “કેન આઈ હેલ્પ યૂ સર!’ મેં કહ્યું, ‘યસ પ્લીઝ! મને અહીંની રીતરસમની સમજ નહિ એટલે મેં તો પૈસા ચૂકવ્યા વિના જ ખાઈ લીધું. મને એમ કે ખાધા પછી ટેબલ પર કોઈ બિલ લાવશે. મારી મોટી ભૂલ થઈ. હવે શું થાય?’ પેલી કહે, “કંઈ ફિકર નહિ. હવે ચૂકવો.’ મેં કહ્યું, ‘કેટલા પૈસા થયા એની મને કેમ ખબર પડે! તું મારી સાથે ચાલ. મેં શું શું ખાધું એ તને બતાવું.’ એણે મારી સાથે દરેક કાઉન્ટર પર આવી હિસાબ કરી પૈસા લીધા, ઉપરથી કહે, ‘થેંકયૂ, ડાર્લિંગ!’
નવા નવા સ્ટોરમાં ફરી પૈસાની સગવડ પ્રમાણે હું નાનીનાની ખરીદી કરતો રહેતો. ખાસ તો નાના અજોય માટે રમકડાં ને એવું લેતો. સ્ટર્લિંગની સગવડ ખૂબ મર્યાદિત ભાનુ – આનંદની કમાણી પણ એ વખતે ખૂબ મોટી નહિ. એમનો બટુકડો સંસાર મોજથી નભે એટલી સાધારણ. વરસે દિવસે બસો ચારસો પાઉન્ડ બચે તે જુદા જુદા દેશ જોવામાં ખરચી નાખે. હું પહોંચ્યો એ પહેલાં જ સ્કેન્ડીનેવીઆ ફરી આવેલાં. એક દિવસ અચાનક જ, ભાનુને એ જ્યાં કામ કરતી હતી એ કંપની તરફથી સો પાઉન્ડનું બોનસ મળ્યું. સોએ સો પાઉન્ડનો ચેક મારા હાથમાં મૂકી એ કહે, ‘ભાઈ! આ પૈસા અણધાર્યા આવ્યા છે. જાણે તમારા માટે જ આવ્યા હોય એમ. તમને મનફાવે એમ એ રકમ વાપરજો. સંકોચ ન રાખશો. ઘરઉપયોગી સારી ચીજો અહીં પુષ્કળ મળે છે. ફરતાંફરતાં ખરીદી પતાવતાં રહેજો. પછી જવાના ટાઈમે ઉતાવળમાં મનપસંદ ખરીદી સ્વસ્થતાથી નહિ થાય.
આમ એકાએક સ્ટર્લિંગની છૂટ થઈ એટલે મારું મન કંઈક હળવું થયું. કુટુંબનાં નાનાં મોટાં સૌ માટે શું શું લેવું એની યાદી અમે બનાવવા માંડી. ખરીદી જેવું આનંદદાયક કામ, ખાસ કરીને લંડન જેવા શહેરમાં બીજું એકેય નથી. પછી તો રીતસરની ખરીદી મેં શરૂ કરી દીધી.
મારે ‘બ્રેસિયર્સ’ ખરીદવાં હતાં. ભાનુ કહે, ભાઈ, તમે ‘પીટર રોબિન્સન’ના સ્ટોરમાં જજો. સ્ત્રીઓ માટેની ચીજોની એ ખાસ દુકાન છે. ત્યાં ઉમદા વસ્તુઓ મળશે.’ હું ઊપડ્યો પીટર રોબિન્સનમાં. આખા સ્ટોરમાં હું જ એક બાવળના ઠૂંઠા જેવો પુરુષ. બાકી બધી સ્ત્રીઓ જ હતી. કાઉન્ટર પર આધેડ વયની એક ખુશમિજાજ બાઈ ઊભી હતી. મને પૂછે, ‘કેન આઈ હેલ્પ યૂ ડાર્લિંગ?” મેં કહ્યું, “થેંક યૂ વેરી મચ ઇન્ડીડ! મારે બ્રેસિયર્સ લેવાં છે.’ એ હસીને કહે, “આઈ હોપ યૂ નો ધ કરેક્ટ સાઇઝ!’ મેં એને વિગત સમજાવી. પેલીએ તો, કાઉન્ટર પર ઢગલો કરી દીધો. પછી પૂછ્યું વોટ સ્ટાઇલ વૂડ યૂ લાઈક ઇટ ટુ બી?’ મતલબ કે કેવી ફેશનમાં જોઈએ છે?
એ કહે, ‘વૂડ યૂ લાઈક ટુ હેવ અ ડેમોન્સ્ટ્રેશન?’ પહેર્યા પછી કેવાં લાગશે એ તમારે જોવું છે?
હું તો ખરેખર ગભરાયો. મને થયું. આ બાઈ કરશે શું? પહેરીને બતાવશે? હજી તો મેં કિંમત પણ પૂછી નહોતી! મને મજાક કરવાનું મન થયું... પૂછ્યું, ‘ડુ વી હેવ ધ પ્લેઝર ઑવ અ ડેમોન્સ્ટ્રેશન ઑલ્સો?’
મોં મલકાવીને એ કહે, ‘નો, ડાર્લિંગ! નોટ ધ વે યુ મીન ઈટ!’ પછી ટપોટપ ત્રણચાર પૂતળાં કાઉન્ટર પર ગોઠવી એના પર બ્રેસિયર્સ ભરાવીને એણે મારી સામે જોયું મેં કહ્યું, ‘કેવી ફેશન સારી ગણાય એ તું જ પસંદ કરી આપ. પણ કિંમત શું છે?’ એ કહે, મેં બતાવ્યાં એ સારામાં સારાં છે, કિંમત ચાર પાઉન્ડ.’
મેં કહ્યું, એટલા મોંઘાં ના પરવડે મને. મારી ગૂંજાયશ એક પાઉન્ડ સુધીની છે.’ એણે એ પ્રમાણેનો માલ કાઢ્યો અને ખરીદી તો પતી.
મારે મારી દીકરી કિન્નરી માટે એક કોટ ખરીદવો હતો. ત્યાં હેંગર પર લટકતો એક કોટ મને ગમ્યો. કિંમત વધુ નહોતી. મૂંઝવણ એટલી હતી કે એ કોટ કિન્નરીને બરાબર આવી રહેશે કે નહિ? દુકાનમાં એક ગ્રાહક છોકરી ખરીદી કરી રહી હતી. બરાબર કિન્નરી જેવડી જ લાગે. મેં પેલી બાઈને કહ્યું, ‘પ્લીઝ! તમે પેલી છોકરીને અહીં બોલાવીને આ કોટ પહેરી જોવા કહેશો? મારી દીકરી એવડી જ છે.’
એ કહે, “એ તો મોટા લૉર્ડની દીકરી છે. અમારું સારામાં સારું ઘરાક છે. મારાથી એને એમ ના બોલાવાય. તમે કહી જુઓ.’
મેં એ છોકરી પાસે જઈને કહ્યું, ‘એક્સક્યૂઝ મી, ડાર્લિંગ! વીલ યૂ પ્લીઝ હેલ્પ મી? મારી દીકરી માટે એક કોટ લેવો છે, એને ફીટ ના થાય તો મારી મહેનત એળે જાય. તું કોટ પહેરી બતાવે તો મને ખરી સમજ પડે. એ તારા જેવડી છે.’
એ હસીને કહે, ‘ઓહ શ્યોર! એમાં શું મોટી વાત છે? ચાલો.’ મેં પસંદ કરેલો કોટ તો મોટો નીકળ્યો. પણ પોતાને માટે જ ખરીદી કરતી હોય એમ એણે તો જુદી જુદી ફેશનના કોટ કાઢીને માંડ્યા પહેરવા. બીજીયે બેત્રણ સેલ્સગર્લ આવીને એની તહેનાતમાં હાજર થઈ ગઈ, મને પૂછે, ‘શું કરે છે, તમારી દીકરી?’ મેં કહ્યું, ભણે છે, કૉલેજમાં છે.’
બધા કોટમાંથી એક પસંદ કરી કહે, ‘આ કોટ સરસ છે. પ્યોર આઈરિશ લીનન છે, ઇન્ડિયામાં પહેરવા કામ લાગે એવો લાઇટ છે.’
કિંમતનું લેબલ જોયું તો પચીસ ગીની! મેં કહ્યું, ‘આટલો મોંઘો કોટ મને ના પરવડે.’ એ કહે, ‘મોંઘો ક્યાં છે? ફક્ત પચીસ જ ગીની તો છે!’ એને મેં સમજાવ્યું કે આટલા સ્ટરલિંગ એક કોટ ખરીદવાને મારી પાસે ફાજલ નથી. એ કંઈ જુદું જ સમજી. કહે, ‘કંઈ ફિકર નહિ. મારી પાસે છે. હું તમને આપું. મેં કહ્યું, પણ તને પાછા આપવાની મારી પાસે સગવડ જોઈએ ને?’
એ કહે, ‘ના આપશો પાછા. જસ્ટ ફરગેટ એબાઉટ ઇટ! મારે કંઈ અહીં પૈસા નથી આપવા પડતા. મારું તો અહીં ખાતું ચાલે છે અને બિલ મારા ફાધર ચૂકવશે. મારા તરફથી તમારી દીકરીને પ્રેઝન્ટ સમજજો.’
આ તો પેલા રાજા જેવી વાત થઈ. કોઈ કહે : પ્રજા ભૂખે મરે છે. ખાવા ધાન નથી. રાજા કહે : તો પછી લોકો ખાજાં કેમ ખાતા નથી? છેવટે હું એને માંડ સમજાવી શક્યો કે એવું ના થાય. દુકાનમાં મેં માપ વગેરે લખાવ્યું, અને બીજી કોઈ વાર આવી મને પરવડે એવો કોટ લઈ જઈશ એવો ગોટો વાળ્યો. દુકાનમાંથી મારી સાથે બહાર નીકળતાં એ કહે, ‘ચાલો, આપણે આઇસક્રીમ ખાઈએ.’ અમે સરસ કાફેમાં ગયાં. આઇસક્રીમ મંગાવ્યો. ખાધો. મેં પૈસા આપવા પાકીટ કાઢ્યું. એ કહે ‘ના ચાલે તમારાથી પૈસા ન અપાય. તમે મારા મહેમાન છો.’ મેં કહ્યું, ‘હું તારાથી મોટો. અમારા દેશમાં મોટા સાથે હોય ત્યારે દીકરીઓ બિલ ચૂકવે એવો રિવાજ નથી.’ એ નિખાલસ ભાવે ખડખડાટ હસી પડી, કહે : ધેન લેટ અસ હેવ વન મોર આઇસક્રીમ. આપણે બીજી એક પ્લેટ મંગાવીએ. એકના પૈસા તમે આપો, એકના મને આપવા દો, પ્લીઝ! એટલે સાટું વળી રહે. આપણા બેઉની વાત રહે.’
એની આવી મીઠી વાતનો ઇન્કાર કરવાની મારી હિંમત ન ચાલી અને અમે બીજી પ્લેટ આઇસક્રીમ મંગાવ્યો! એક સાવ અજાણી છોકરી જિંદગીમાં આમ વહાલપ વરસાવીને વહી ગઈ!
મારે માટે વેલ્વેટકોર્ડનો એક કોટ ખરીદવો હતો. શોપિંગ સેન્ટરોમાં રખડતાં એવા કોટ દુકાનોની કાચબારીઓમાં જોતો રહું, પણ સ્ટાઇલ અને કિંમતનો મેળ જામે નહિ, એક જ જાતના અને ફેશનના કોટ જુદા જુદા સ્ટોરમાં, કિંમત પણ હેરફેર. એક સારા સ્ટોરમાં કોટ જોયો. ગમ્યો. પહેરી જોયો. ફીટ આવ્યો. ભાનુ મારી સાથે હતી. મેં એને કહ્યું, ‘કોટ તો લેવો જ છે, પણ પહેલાં થોડો ભાવ-તાલ કરી લઈએ.’ એ તો ગભરાઈને કહે, “ઓહ, ભાઈ! ઈટ ઈઝ સિમ્પલી નોટ ડન હીયર! અહીં ભાવતાલ કદી ન થાય. મેં કહ્યું, ‘તને ઓછપ લાગતી હોય તો તું જરા દૂર ઊભી રહે, મારે ખાતરી કરવી છે.’ મેં કાઉન્ટર પરની બાઈને કહ્યું, “આ કોટ મને પસંદ છે, પણ કોટ ખરીદવાનું મારું બજેટ ચાર પાઉન્ડનું છે અને તમારી કિંમત પાંચ પાઉન્ડની છે. તમને તકલીફ આપી માટે માફી ચાહું છું. મને થોભવાનું કહી એ ગઈ મેનેજર પાસે. પાછી આવી હસીને કહે, “સર, યૂ કેન ટેક ઇટ ફોર યોર બજેટ પ્રાઇઝ! લઈ જાઓ ચાર પાઉન્ડમાં!’
એમ મારો એક પાઉન્ડ બચ્યો અને અહીં ભાવતાલ ન થાય તેનો ભ્રમ ભાંગ્યો. પછી તો ઘણે ઠેકાણે રકઝક કરીને ચીજો લીધી. લંડનમાં ભાવતાલ ન થાય એવું કંઈ જ નથી. પરવડે ત્યાં સુધી ગ્રાહકોનું મન સાચવવાનું વેપારી માનસ બધે જ સરખું. હા, ત્યાં સંખ્યાબંધ દુકાનો એવી છે જ્યાં ભાવતાલ કરવાની કલ્પના સુધ્ધાં આપણે ન કરી શકીએ –
પણ એમ તો અહીં, મારા દેશમાંયે સેંકડો દુકાનો એવી છે, જ્યાં એક જ દામથી ચીજો વેચાય છે.
વિલાયતના લોકો અતડા છે. વિધિસરની ઓળખાણ ના થઈ હોય તો વાત તો ન કરે પણ તમારી સાથે ડોકુંય ન ધુણાવે એવી વાતો પ્રચલિત છે. ત્યાંની પ્રજામાં બેશક આપણને અતડાપણું લાગે, પણ એની ભીતરનું કારણ મને જુદું લાગ્યું છે. ત્યાંનાં લોકો ખૂબ કામઢાં છે, સમયને વેડફી દેવાનું ત્યાં કોઈને પોસાતું નથી. ફાલતુ વાતચીત માટે જાણે એમની પાસે સમય નથી. ખૂબ પ્રેમાળ પ્રજા છે. નવરાશની પળોમાં થાકેલાં તનમનને આરામ આપવામાં, અથવા તો બીજાની એવી આરામ પળોને ન છંછેડવામાં એ લોકો માને છે એવું મને લાગ્યું છે. ત્યાં તમે નવરા હો તો કોઈની ઑફિસમાં માત્ર ગપ્પાં મારવા કે ખબર-અંતર પૂછવા જઈ ન શકો. ભાનુ-આનંદની કામકાજની જગ્યાએ બંને વખતના લંડનવાસ દરમ્યાન આ રીતે હું કોઈ વાર ગયો નથી. એ માટે ત્યાં ફક્ત એક જ વાક્ય છે : એવું થાય જ નહિ! ઈટ ઈઝ સિમ્પલી નોટ ડન!’
તમારે નવરા ન બેસવું હોય ને કામ કરવું હોય તો, તમારું મનપસંદ કામ કદાચ તમને ન મળે, પણ કામ શોધનારને કામ જરૂર મળી રહે, હોટેલમાં વેઇટર તરીકે, વાસણો સાફ કરવા માટે સેલ્સગર્લ કે ટાઇપિસ્ટ તરીકે એમ મહેનતનાં કામ સરળતાથી મળી જાય. મહેનતાણું પણ આવાં કામો માટે અઠવાડિયે આઠ-દસ પાઉન્ડ મળી રહે. આ પ્રકારનાં કામ કરવામાં કોઈ ત્યાં આપણા દેશની જેમ નાનપ માનતું નથી. શ્રમનું ગૌરવ કામ કરનાર અને કરાવનાર બંને સમજે છે.
મને થયું કે કંઈક કામ શોધું. સમય પસાર થાય અને થોડું રોકડ નાણુંય મળે. એક એમ્પ્લોયમેન્ટ એજન્સીમાં ગયો. ત્યાં મેનેજરને સમજાવ્યું કે ઘરે બેઠાં કરી શકું એવું કંઈક કામ શોધું છું. મારા વ્યક્તિત્વને માપીને એ કહે, ‘લિફાફા પર સરનામું સારા અક્ષરે લખી શકશો?’ એ તો મારું મનગમતું કામ હતું. મેં હા કહી એટલે એણે કહ્યું, ‘એક લિફાફા પર સરનામું લખી બતાવો.’ મારા ચોખ્ખા અક્ષર અને સારી સુઘડતા જોઈ એ કહે, ‘તમારું કામ ચોક્કસ છે. અમે એક લિફાફા દીઠ એક પેન્સ આપીશું.’ મેં ગણતરી કરી કે ત્રણચાર કલાકમાં પાંચસો સરનામાં તો આસાનીથી લખી શકાય એટલે દિવસના બે પાઉન્ડનું કામ સરળતાથી થઈ શકે. આનંદને વાત કરી. એ કહે, ‘ભાઈ, તમે અહીં હરવાફરવા અને આરામ કરવા આવ્યા છો, કામ કરવા નહિ. ઉપરાંત કાયદા પ્રમાણે તમે અમારા મહેમાન તરીકે આવ્યા છો એટલે કામ કરી પૈસા પેદા કરી ના શકો. આપણે એવી પંચાતમાં પડવું નથી.’ આમ કામ કરવાની વાત બંધ રહી અને અલગારી રખડપટ્ટી એ જ મારો આશરો રહ્યો.
[અલગારી રખડપટ્ટી, ૧૯૬૯]