ગુજરાતી પ્રવાસસાહિત્ય સંપદા/આંબોલીનાં રેખાચિત્રો-૨

૪૮
પ્રદીપ સંઘવી

આંબોલીનાં રેખાચિત્રો (૨)






ગુજરાતી પ્રવાસસાહિત્ય સંપદા • આંબોલીનાં રેખાચિત્રો (૨) - પ્રદીપ સંઘવી • ઑડિયો પઠન: શ્રેયા સંઘવી શાહ


આંબોલી પહેલી વાર હું ગયો હતો ઑગસ્ટ ૧૯૯૧માં. ત્યાર પછી ડિસેમ્બર ૧૯૯૮માં ફરી મુલાકાત લીધેલી; પણ તે કેવળ ઊડતી મુલાકાત હતી. ફરી સપ્ટેમ્બર ૨૦૧૬માં ત્યાં ગયો. દરમ્યાન હિરણ્યકેશીમાં ઘણાં પાણી વહી ગયાં હતાં. આ અઢી દાયકામાં બે રૂપાંતર કોઈ પણ સ્થળ વિશે અચૂક જોવા મળે. એક, સ્થળવિકાસ, રસ્તા, વીજળી, આવાસ, સાધન-સગવડ વગેરે. આ બધું મોટે ભાગે કુદરતને ખાસ્સી જફા પહોંચાડીને હાંસલ થયું હોય, તો ક્યારેક ઓછી જફા પહોંચાડીને. બીજું, માહિતીનો ધોધ. ઘણાં-ખરાં જાણીતાં-અજાણ્યાં સ્થળો વિશે પુષ્કળ માહિતી હવે ઘેરબેઠાં સહેલાઈથી મળી જાય છે. આંબોલીનાં જે થોડાં સ્થળોની વાત અહીં કરું છું તે બેશક, યુગોથી હતાં જ; પણ કાળના ગહ્વરમાં છુપાયેલાં હતાં, હવે પ્રકટ થયાં છે. ચાલો, જોઈએ. કાવળેશેત વેંગુર્લા-સાવંતવાડીથી બેલગામ જતો રસ્તો પ્રાચીનકાળથી છે; પણ આંબોલીથી આસપાસનાં સ્થળો-ગામો જવાના પાકા રસ્તા હવે થયા છે. તેમાં કાવળેશેત એ એક નવું નામ હતું. આ એક પઠાર (ઉચ્ચપ્રદેશ) છે. પઠારને છેડે ઊંડી ખીણ છે. ત્રણ-ચાર ઝરણાં મેદાનમાં સ૨કતાં-ઊછળતાં આવીને ખીણમાં ઝંપલાવે છે. ક્યારેક સામો, જોશીલો પવન હોય તો પાણી નીચે પડવાને બદલે ઉપર ઊછળે. એટલે પ્રપાતના બદલે પ્રત્યારોહણ. સાદી ભાષામાં ‘ધોધ’ને બદલે ‘ઉછાળ’ કે ‘ઊંધો ધોધ’ કહી શકાય. પાણી અને પવનના સમીકરણ પ્રમાણે ઉછાળ હળવા કે પ્રચંડ હોય અને તેની છટા પણ ભાતભાતની હોય; પણ આવાં દૃશ્યો વિરલ જ હોય; એટલે તેની મોહિની કોઈને પણ મુગ્ધ કરે. આવા ઉછાળ મેં હરિશ્ચંદ્રગઢ, મલશેજ ઘાટ, અંજનેરી પહાડ (ત્ર્યંબકેશ્વર પાસે), વગેરે સ્થળે જોયેલાં પણ કાવળેશેતના ઉછાળનો વીડિયો ઇંટરનેટ પર જોઈને હું ચકિત થઈ ગયેલો. એટલે જ, પ્રત્યક્ષ જોવા નીકળ્યાં ત્યારે મન ઉત્સુક હતું. કાવળેશેત પહોંચ્યાં ત્યારે વાતાવરણ વાદળિયું હતું; પણ વરસાદ નહોતો. ઝરણાં હતાં; પણ જોશ નહોતું. મેદાનની ધારે પહોંચ્યાં; પણ ખીણ ક્યાં? સામે વાદળાં અને ધુમ્મસ. ખીણ, ગામ, પહાડ, જંગલ—બધું જ તેમાં અંતર્ધાન થઈ ગયેલું. અધૂરામાં પૂરું, તે ઝરણાંને ઉછાળવા, ફંગોળવા, ચગાવવા પવન પણ ન મળે. ઝરણાં ચૂપચાપ ખીણમાં ઊતરી પડ્યાં, પણ ક્યાં, કેટલે, કઈ રીતે તે કંઈ જ કળાય નહિ. આટલું બધું નહોતું, તો હતું શું? એ જ તો મજાની વાત છે, જે મંઝિલમાં નહોતું તે મારગમાં હતું. કાવળેશેત જવાનો રસ્તો મુખ્ય રસ્તાની ઉત્તરે છે. ધોરી માર્ગ છોડ્યો કે તરત બેઉ બાજુએ મેદાનો શરૂ થઈ ગયાં. વસતિ પાંખી, ખેતી નહિવત્, ડુંગરા છે. એટલે નજ૨ને ભરી દે મેદાનો જ. અને કેવાં રંગીન મેદાનો! ચોમાસામાં લીલા રંગની નવાઈ નથી. રાન કે વેરાન, પહાડ કે મેદાન—બધું જ હરિયાળું થઈ જાય. નાગા ડુંગરા ને રૂક્ષ મેદાનો પણ લીલાં વસ્ત્રો પહેરી લે. પણ અહીં તો રંગોનો ‘ઉછાળ’ હતો. નજર પહોંચે ત્યાં સુધી ધરતી વનફૂલોથી ઢંકાયેલી હતી, એક ગોળાકાર છોડ,૧ અડધા-એક મીટરનો. તેના પર નહિ નહિ તો સો ગુચ્છા ફૂલોના, ફૂલોનો રંગ ભૂરો. અને આવા હજારો છોડવા દિગ્દિગંતને ભરી દેતા. એમની વચ્ચે ક્યાંક બાલ્સમ૨ના ફાલસા લસરકા તો ક્યાંક સોનકી૩ની પીળી રંગતળાવડી. ઉપરાંત કંઈ કેટલાયે અજાણ્યાં ફૂલો. લીલી પશ્ચાદ્ભૂ ઉપર આ રાની રંગઉછાળ એટલો અદ્ભુત હતો, કે બસ જોયા જ કરીએ. જતી વખતે તો જળ-ઉછાળની લાલસામાં અમે આ રૂપસાગરની વચ્ચેથી એમનેમ નીકળી ગયેલાં (મનમાં કહેલું : ખમો; આવીએ છીએ હમણાં). વળતાં થોભ્યાં અને ધરાની ધૂળેટીના હુલાસમાં થોડા હિલોળા લીધા. જે મિત્રોએ કાસનું ફૂલ-પઠાર૪ જોયું હતું, તેમાંના કેટલાકે કહ્યું કે આવી અદ્ભુત બહાર તો ત્યાંય જોઈ નહોતી. આપણી આ ધરતી પર અજાણ્યાં અચરજોની નવાઈ નથી. નાગરતાસ પ્રસન્ન! મને હતું કે જેમની વાત અગાઉ કરી છે, તેમની હવે નહિ કરુંં, પણ પચ્ચીસ વર્ષમાં શું નથી બદલાતું! જે નાગરતાસ ધોધની શોધમાં હું વિજનમાં એકલો ભટક્યો હતો તે તો હવે આ રહ્યો રસ્તાને અડીને, નાનકડી, છુપાયેલી, અપૂજ દેરી હતી ત્યાં સરસ, મોટું મંદિર થઈ ગયું છે. કોઈ સત્પુરુષની પ્રતિમા છે. મંદિર પાછળ ધોધ છે. જેને જોવા ઝાડીમાં ઘૂસીને, વાંકા વળીને, અલપઝલપ જોયેલો, તે તો આ રહ્યો—પ્રકટ, જોશીલો, દેખાવડો! બે જગાએ સરસ પાક્કા મંડપ બાંધ્યા છે. ઉપલા મંડપમાંથી નદીને આવતી જુઓ, કૂદતી જુઓ. આ વર્ષે પાછોતરો વરસાદ પણ સારો થયો છે. એટલે ધોધ મસ્ત છે. રોમહર્ષક! નીચલા મંડપથી ધોધને ઊતરતો જુઓ. નીચે સાંકડી, બિહામણી કરાડ છે. પણ નદી બહાદુર છે. કમર કસી, દેહ સંકોરી, ઝપ દઈને ઝંપલાવે છે. પાણીમાં માછલીની જેમ તરતી જાય છે. બસ, થોડેક સુધી જ દેખાય છે. પછી જંગલ-ઝાડીમાં અદૃશ્ય થઈ જાય છે. આવજે મીઠડી! નાગરતાસ પ્રસન્ન! હિરણ્યકેશી કેટલીક વ્યક્તિઓ એવી હોય કે રૂપ-ગુણથી આકર્ષે તે પહેલાં નામથી આકર્ષે. હિરણ્યકેશીનું તેવું જ છે. એને તો હું પહેલાં મળેલો; પણ ફરી ફરીને મળવું ગમે. નદી અહીં ગામ પાસે ત્રીસેક મીટર પહોળી છે. આગળ તો કૈંક ખેતરોને સિંચતી ચાલે. ગામ-નગરોની તરસ છિપાવે. એનું આ લોકમાતા રૂપ તો ખરું જ – પૂજ્ય અને દિવ્ય. પણ ઉદ્ગમ પાસે જોવાની મજા જુદી જ છે. જંગલની એકાંત ગુફામાં એનો જન્મ છે. અહીં એનું બાળકી-રૂપ છે. હસતી, કિલકિલાટ કરતી, ભાંખોડિયાં ભરતી તે ચાલે છે. માંડ બસો મીટર ચાલે છે ત્યાં પહેલો કૂદકો મારે છે. પછી કિશોરીની જેમ ઠેકડા મારતી, નાચતી-ગાતી આગળ વધે છે. જે જુએ તે હરખાય – ઝાડ, વેલા, પંખીઓ. ને માણસ. પહેલી મુલાકાત યાદગાર હતી. ત્યારે અમે ચાલતાં ગયેલાં. રસ્તો જ ન હતો. હતી વનવાટ. ડુંગરા ચડતાં, વાદળ-વૃક્ષોની તડકી-છાંયડીમાં ભટકતાં, જોતાં, નીરખતાં, ગાતાં. સાથે દીકરીઓ હતી. –આવી જ. એક બાળકી, એક કિશોરી અને એમની મા. ત્યારે ઉદ્ગમ સાવ નિર્જન હતો. મંદિર નાનકડું. પણ ત્યારે ત્યાં જળોનું સામ્રાજ્ય હતું. કેટલીકને અમે પણ તૃપ્ત કરેલી. હવે ઠેઠ સુધી રસ્તો થઈ ગયો છે. લાંબો, પાકો, સરસ કાવળેશેતની જેમ અહીં પણ રાનફૂલો બેશુમાર હતાં. પણ કારવી જોઈને તો અમે દિગ્મૂઢ થઈ ગયાં. રસ્તાની બેઉ બાજુએ, માઈલો સુધી, કારવી જ કારવી! આઠ વર્ષે કારવીને ફૂલો આવ્યાં છે. હજારો છોડ, લાખો ફૂલ! કળીઓ ગુલાબી કે સફેદ; ફૂલો નીલ-જાંબલી. રૂપનું તો કહેવું જ શું! (નહિ જ કહું.) મારા ગામના જંગલમાં આ વર્ષે ખૂબ રખડી-ભટકીને અકરાંતિયાની જેમ કારવી માણી છે. પણ આ તો બૉનસ. અને કેવું તગડું! દિવાળી! જે મિત્રો આ વર્ષે કારવી ચૂકી ગયાં હતાં. તેમને તો બગાસું ખાતાં પતાસું મોંમાં આવી ગયું. વાહ રે કુદરત! રસ્તો પૂરો થાય છે ત્યાંથી ગુફા સુધી—બસ્સો મીટર–લાદી બિછાવી છે. મંદિર મોટું થઈ ગયું છે. અવરજવર છે, એક જળોનું રાજ્ય રહ્યું નથી. એકલદોકલ, રાંક જેવી, લાગની તાકમાં બેઠી છે. ફરસ છોડીને, માટીમાં કે છીછરાં પાણીમાં જાવ તો એમનું કામ થાય. પણ એવો ઉપકાર કરવાની અમારી મરજી ન હતી. બસ, થોડાંક મિત્રો, જે ગાફેલ હતાં. તેમને અનાયાસે, તે પુણ્ય મળ્યું. કુંભવડે બપોરે અઢી વાગે ચૌકુલ જવા નીકળવાનું હતું. ત્યારે જ મુશળધાર વરસાદ તૂટી પડ્યો. નીકળતાં કલાક મોડું થયું. ચૌકુલ આંબોલીથી દસ કિ.મી.. રસ્તો અતિસુંદર. જમણે પડખે ઘટપ્રભા વહે, પણ બંને બાજુ ગીચ ઝાડી. એટલે નદી સંતાકૂકડી રમતી જાય છે અને ક્યાંક ક્યાંક જ દેખાય છે. પણ જ્યાં જ્યાં દેખાઈ ત્યાં એ સુંદરી ચુંબકની જેમ ખેંચે છે. અને ન દેખાય ત્યાં તરસાવે. હું આંખ, ડોક, ચિત્ત તાણીને બહાર જોયા કરું. જેવી ઝલક બતાવે કે ઊંચો થઈ જાઉં. પણ ઝાડવાં દોંગાં ડિંગો બતાવે. એકાદ સ્થળે પુલ જોઈને અટકવાનું મન થયું. પણ મોડું થઈ ગયું છે; વળતાં વાત, એમ વિચારી આગળ વધ્યાં. આમ અનવરત આગળ ધપનારાઓ પચ્છમબુદ્ધિ સિદ્ધ થતા હોય છે. અમે પણ થવાનાં હતાં. ચૌકુલ આવ્યું. અહીં ‘કોંકણ ભૂમિ પ્રતિષ્ઠાન’ નામની સંસ્થા દ્વારા ગ્રામ-પર્યટનને પ્રોત્સાહન મળે તેવી પ્રવૃત્તિઓ શરૂ થઈ છે. ગ્રામવાસીઓ પોતાનાં ઘરમાં પ્રવાસીઓ માટે સગવડ ઊભી કરે છે. ગામડાનાં સમાજ, પરિસર અને ગતિવિધિઓનો પ્રવાસીઓને પરિચય થાય તેવી પ્રવૃત્તિઓ યોજાય છે. અમે શ્રી સુરેશ ગાવડેની પૃચ્છા કરી. હવે જુઓ મજા! ગામમાં ઘણાંખરાંની અટક ગાવડે અને સુરેશ પણ અનેક. આખરે મેં જે ફોનનંબર નોંધી રાખ્યો હતો તે જોડ્યો અને તેમણે કહ્યું ત્યાં જઈ મળ્યાં. ઝાઝો અવકાશ તો ન હતો એટલે આછી-પાતળી માહિતી મેળવી; અને આભાર માન્યો. આગળની સફર માટે એક યુવાન માર્ગદર્શક તરીકે સાથે ચાલ્યો. નામ કિરણ ગાવડે દસ વરસનો એક છોકરો પણ સાથે થયો. પહેલાં તે અમને ઘટપ્રભાના મૂળ પાસે લઈ ગયા. એક નાનકડા મેદાનમાં ચોરસ કુંડ છે. અહીં ભૂગર્ભમાંથી ઘટપ્રભા પ્રગટે છે. બાજુમાં નાનકડું મંદિર છે. વાચક મિત્ર! ઘટપ્રભા અને હિરણ્યકેશી બંને મા-જણી બહેનો છે. બંનેના ઊગમ વચ્ચે, સીધી લીટીમાં, માંડ ચાર કિ.મી.નું અંતર હશે. પણ એમનો મેળાપ થાય છે સોએક કિ.મી. પછી, કર્ણાટકમાં. અહીંથી અમે ઊપડ્યાં કુંભવડે તરફ. રસ્તો જેવો નિર્જન, તેવો જ રળિયામણો. લીલા પહાડો, ગીચ ઝાડી, રાનફૂલોની ભરમાર. લટકામાં ઠેર ઠેર કારવીનાં ઝુંડ. એકંદરે ચઢાણનો રસ્તો. વિકટ, પણ તેથી શું? ઘણુંખરું સુંદરતા વિકટની નિકટ હોય છે. અને સાચે જ, જ્યાં જઈને બસ થોભાવી, ત્યાં સુંદરતાની અવધિ હતી. ચોતરફ પહાડો, હરિયાળી ખીણ, ખીણમાં તન્વંગી નદી, ઉપર વાદળાં, કોકરવરણો તડકો, વનફૂલોની રંગોળી અને માટીની ખુશબૂ. પણ અવધિની પારથી અમને બોલાવતા હતા કુંભવડેના ધોધ. જમણી બાજુએ ગોળાકારમાં પર્વતમાળ હતી. તે ડાબી તરફ વળે પછી થોડે દૂર બે મોટા ધોધ દેખાતા હતા. જવા માટે પગરસ્તો હતો, પણ સાંજના પાંચ વાગ્યા હતા. અમારો ડ્રાઇવર સચિંત હતો. કહે, ‘અંધારું થઈ જશે, તો આ ઢાળ ચડવો મુશ્કેલ થઈ જશે.’ એની વાત સાચી હતી. મેં કહ્યું, ‘દોઢ કલાકમાં અમે પાછા ફરશું, ધોધ સુધી પહોંચ્યાં તો યે ઠીક; નહિ તો યે ઠીક.’ અમે પાંચ-સાત જણાં નીકળી પડ્યાં. આ રસ્તાની સુંદરતાનું શું કહું? ડાબી બાજુએ ખીણ હતી. જમણી બાજુની ગિરિમાળાના ખોળામાં જ રસ્તો ચાલતો હતો. રસ્તો ઘાસ અને ફૂલભર્યો. ક્યાંક ક્યાંક પાણીભર્યો. નજીકના ઢાળ પર ફૂલો ઝૂમતાં હતાં. કારવી બોલાવતી હતી. પણ અમે ઉતાવળમાં હતાં. ઊડતું ચુંબન કરીને ચાલ્યાં. રસ્તામાં છ-સાત નાના ને એટલા જ મોટા ધોધ જોયા. ઊભા રહેવાનો સમય ન હતો. વળી થોભવું તે જળોને નિમંત્રણ આપવા જેવું હતું. આખરે છેવાડે પહોંચ્યા. છેલ્લા બે ધોધ ગુફા પરથી પડે છે. ઉપાન્ત્ય છેલ્લેથી બીજો) ધોધ પાતળો, પહોળો, રૂપેરી છે અને ગુફાના મુખ આગળ પાલવની જેમ લહેરાય છે. ધોધની પાછળથી, તેની આરપાર, દૃશ્ય જોવાની મજા ઑર જ છે. પાણીનો પડદો જેમ લહેરાય એમ દૃશ્ય પણ જીવન્ત અને ચંચળ બની જાય છે. છેલ્લો ધોધ જબરો છે. આશરે ૬૦ મીટર (૨૦૦ ફીટ) ઉપરથી પડતો ધોધ એક સરકતા સ્તંભ જેવો લાગે છે. એમાં ભીંજાવા, નહાવા, એનો માર ખાવાની ઇચ્છા ખિસ્સામાં મૂકી, કેવળ હાથ મિલાવી, આવ્યાં હતાં તેવાં જ અમે પાછાં ફર્યાં. પાછા પહોંચ્યાં ત્યારે બસ ઊપડી ગઈ હતી. કરણ કહે, ‘આ કેડી પકડીએ, તો બે મિનિટમાં ઉપર.’ ઘાસભરી કેડી દેખાતીય સરસ હતી. પણ લીલો ચુડેલનો વાંસો!૧ એમાં ગયાં તો ભૂખી જળો વળગી જ સમજો. અમે પાકે રસ્તે જ ચાલ્યાં ફટાફટ અને પા કલાકમાં બસ ઊભી હતી ત્યાં પહોંચ્યાં.[1]

બસ ઊપડી. ચૌકુલ પહોંચતાં અંધારું થઈ ગયું. ઘટપ્રભા દેખાતી ન હતી; પણ એનો ઘુઘવાટ શું કહેતો હતો તે સમજવું અઘરું નહોતું. મેં એની દિશામાં જોઈને ધીમેથી કહ્યું, ‘ઇન્શાલ્લાહ! ફરી મળીશું.’

દક્ષિણ મહારાષ્ટ્રનું ગિરિમથક. તાલુકો-સાવંતવાડી, જિલ્લો-સિંધુદુર્ગ. નિકટતમ રેલ તથા હવાઈ મથક બેલગામ ૬૪ કિ.મી. સાવંતવાડી ૩૦ કિ.મી. પણજી ૮૦ કિ.મી. કોલ્હાપુર ૧૧૦ કિ.મી. મુંબઈ ૫૫૪ કિ.મી.

નિવાસઃ – મહારાષ્ટ્ર પ્રવાસ નિગમ – વનવિભાગ-સંપર્ક : રેંજ ફોરેસ્ટ ઑફિસર, સાવંતવાડી – હોટલ જે. આર. ડી. ઇન્ટરનૅશનલઃ સંપર્કઃ ૧૩૭, સેક્સરિયા ચેમ્બર્સ, એન.એમ. રોડ, ફોર્ટ, મુંબઈ

[પ્રવાસ-પ્રદીપ, ૨૦૨૦]

નોંધ

  1. ૧ લીલો ચુડેલનો વાંસો મૂળ કહેવતઃ ધોળો ચુડેલનો વાંસો. અર્થ કોઈ વડીલને પૂછી લેજો.