ગુજરાતી પ્રવાસસાહિત્ય સંપદા/ઉત્તર-પૂર્વની રાણી – શિલોંગ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

૪૬
ડંકેશ ઓઝા

ઉત્તર-પૂર્વની રાણી – શિલૉંંગ

સવારે ૧૦.૦૦ વાગે શિલૉંગમાં પોલીસબજારના બદલે તે પૂર્વે અમને ઉતાર્યા અને ઊતરવાની દોડધામમાં અમારા મિત્રોનો એક નાસ્તાનો થેલો સીટ નીચે રહી ગયો. શિલૉંગ ઉત્તર-પૂર્વની રાણી ગણાય છે ને ગૌહાટી એ રાજા. વાતાવરણ અત્યંત ખુશનુમા હતું. ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો હતો. અહીં ટૅક્સીનું ચલણ વધારે છે. રિક્ષાના ભાવમાં ટૅક્સી મળી રહે છે. મુંબઈ સિટીના વિસ્તારમાં પણ અમને ટૅક્સીના ઓછા ભાડાનો અનુભવ થયો હતો. ગ્રૂપમાં હોઈએ, વધારે સંખ્યામાં હોઈએ, તો ટૅક્સીમાં મુસાફરી કરવી એકંદરે રિક્ષાથી પણ સસ્તી પડે અને વળી લકઝરી ભોગવવા મળે તે નફામાં. બે ટૅક્સી કરીને જી.પી.ઓ પાસેની યુથ હૉસ્ટેલમાં પહોંચ્યા. યુથ હૉસ્ટેલ વિશાળ મકાનમાં આવેલી છે. સારી વ્યવસ્થા છે કૅન્ટિન પણ ચાલુ છે. પરંતુ અમારા માટે તેમાં જગ્યા ન હતી. યુથ હૉસ્ટેલમાં જ બ્રેડબટર, સફરજન-ચા અને નાસ્તો પતાવી બાકીના સભ્યોને સામાન સાથે બેસાડી અમે હોટલની તલાશમાં નીકળ્યા. પોલીસબજાર શિલૉંગનો કેન્દ્રીય વિસ્તાર છે. સંખ્યાબંધ હોટલો છે, પરંતુ પોષાય તેવી હોટલમાં ક્યાંય જગ્યા ખાલી ન હતી. M.T.C. એટલે મેઘાલયના મુખ્ય બસ સ્ટેશનની ઉપરની હોટલમાં ઘણા બધાના કહેવાથી આવ્યા. ઉત્તરપૂર્વનાં રાજ્યોના આવકવેરા વિભાગના ત્રીજા વર્ગના કર્મચારીઓનું સંમેલન ત્રણેક દિવસથી ચાલુ હતું અને હોટલોમાં ખાલી જગ્યા ન હોવાનું આ પણ એક કારણ હતું. અંતે હોટલમાં ધર્મશાળા જેવી વ્યવસ્થા સ્વીકાર્યા સિવાય છૂટક ન હતો. એકાદ ડોરમેટરી અને બીજી એકાદ રૂમ જેવી સગવડ હોટલવાળાએ અમને કરી આપી. બીજે દિવસે ચેકઆઉટ કરીને સાંજ સુધી સામાન મુક્વાની સગવડ સુધ્ધાં તેણે વિનામૂલ્યે આપી. સામે જ જમવાની વ્યવસ્થા સુલભ હતી. તેથી આ હોટલ અમને અન્ય અનેક રીતે અનુકૂળ આવી. MTCની સામેથી જ બે ટૅક્સીઓ કરીને લોકલ સાઇટસીઇંગનું નક્કી કર્યું. આપણે ત્યાં ગમે તે વારે ગમે તે સ્થળ બંધ હોઈ શકે છે. નક્કી કરેલા સાતમાંના બે સ્થળો વૉર્ડઝલેક ચર્ચ અને ક્રીનોલાઇન સ્વીમિંગ પુલ મંગળવા૨ હોવાથી બંધ હતા. વળી શિલૉંંગ પીક ઉપરથી શિલૉંગદર્શન પણ વાદળ અને ધુમ્મસને કારણે અમે ન કરી શક્યા. રજા હોવાની પ્રવાસીને ખબર ન હોય, પરંતુ સ્થાનિક ટૅક્સી ડ્રાઇવરને અને તે પણ જેનો આ વ્યવસાય જ છે તેને ન હોય તે કેવી રીતે માની શકાય. આ બાબતે અમારે ટૅક્સીવાળા સાથે થોડી ચણભણ થઈ અને આવી ચણભણમાં અમે રસ્તે તેની ચાના પૈસા ન ચૂકવ્યા. સામાન્યપણે આપણી સાથે ફરતા ડ્રાઇવરનાં ચા-પાણી ભોજનનો ખર્ચ આપણે ખુશીથી ઉપાડતા હોઈએ છીએ અને ઉમેરાયેલા એક સભ્ય જેવું સૌજન્ય તેના પ્રત્યે દાખવતા હોઈએ છીએ, પરંતુ ધરાર ધંધાદારી વલણ દાખવીને સૂક્ષ્મ રીતે પ્રવાસીને છેતરનાર પ્રત્યે આપણને દુર્ભાવ પેદા થયા વિના રહેતો નથી. અમે એલિફન્ટા ફૉલ જોયો જેમાં ખૂબ મજા આવી. કુદરતી રીતે વહેતા જળપ્રવાહને પથ્થરો પર વહેતો હોય તેવો ઢાળ આપવામાં આવ્યો છે. પહેલા ઉપરથી અને પછી નીચે સીડીઓ ઊતરીને તે જોવાની તથા વહેતા જળરાશિનો નાદ સાંભળવાની ખૂબ મજા આવે એવું છે. એલિફન્ટા ફૉલ્સ કેમ કહેતા હશે એવો પ્રશ્ન રહી રહીને થયા કરતો હતો. હાથી જેવો વિશાળ ધોધ એમ હશે એમ મનમાં તર્ક બેસાડતા હતા, પરંતુ ત્યાં એક લખાણ જોવામાં આવ્યું. જેમાં જણાવ્યું હતું કે અંગ્રેજોએ આ જગ્યા શોધી કાઢી ત્યારે અહીં એક પથ્થર સુંદર હાથી આકારનો હતો. ૧૮૯૬ના ધરતીકંપમાં તે અદૃશ્ય થઈ ગયાની નોંધ ત્યાં મુકાયેલી છે. અહીંનું સ્ટેટ મ્યુઝિયમ પણ ઘણું સારું છે. ખાસ કરીને જંગલની પેદાશો એટલે કે વાંસ અને લાકડું તેનાથી મઢેલી દીવાલોવાળું ઇન્ટીરિયર અને દાદરો પ્રવાસીનું ખાસ ધ્યાન ખેંચે છે. લેડી હૈદરીપાર્ક અને તેમાંનું નાનકડું ઝૂ ઝરમર વરસાદમાં જોયું. રસ્તે ઍરફોર્સ હેડ ક્વાટ્ર્સનો ગોલ્ફ કોર્સ ચાલુ વાહને અમને બતાવી અને તેમાં પ્રવેશવાનું શક્ય ન હોવાનું જણાવી અમારા અસંતોષમાં ડ્રાઇવરે વધારો કર્યો. આમ છતાં શિલૉંગ શહેર વિશેની અમારી છાપ ઘણી સારી રહી. વળી બીજા દિવસના ચેરાપુંજીના પ્રવાસે તેને વધુ દૃઢ કરી. આગલા દિવસે હોટલની શોધખોળ અને તેની પ્રાપ્તિ દરમિયાન MTC સામેની ટુરિઝમ ઑફિસેથી બીજા આખા દિવસનું ચેરાપુંજી પ્રવાસનું બુકિંગ મેળવી લીધું હતું. વ્યક્તિદીઠ રૂ. ૨૦૦ લઈને ટુરિઝમની નાની ગાડી ચેરાપુંજીનો સુંદર પ્રવાસ કરાવે છે. ચેરાપુંજી શિલૉંગથી ૫૪ કિ.મી. દૂર છે. આખો રસ્તો એવો તો સુંદર છે કે તમે ઉત્તરપૂર્વની રાણીના પ્રેમમાં ન પડો તો એ તમારું કમનસીબ. શહેરની બહાર નીકળીને ચેરાપુંજીના રસ્તે પહેલું પૉઇન્ટ ખુબ્લાઈ આગળનું છે. જ્યાં ચા-પાણી કરીને થોડાં પગથિયાં ઊતરીને તમે વનશ્રીના પર્વતો, ખીણો અને વાદળોની આવનજાવન અને તેનાથી સર્જાતાં દૃશ્યોનું અવલોકન માણી શકો. એક તબક્કે વાદળોથી છવાયેલી વેલીમાં કશું જ દૃષ્ટિગોચર થતું ન હતું. જાણે તમે દરિયાની વચ્ચે ઊભા હોય તેવું અનુભવો અને બીજી જ ક્ષણે કોઈ મુમુક્ષુને તત્કાળ બ્રહ્મજ્ઞાન લાધે તેમ બધું જ દૃષ્ટિ સમક્ષ સ્પષ્ટ થતું જોઈ શકો. અહીંથી આગળ વધીને રસ્તે નોહોકલીકાઈ ફૉલ્સ બસ ઊભી રાખીને જુદા જુદા વ્યૂથી બતાવવામાં આવ્યા તેથી આગળ વધીને રામકૃષ્ણ મિશનમાં લઈ જવાયા. અહીં નાનકડું મ્યુઝિયમ-પ્રાર્થનાખંડ-બુકસ્ટોલ-ખાદીનું વણાટકામ વગેરે સાથેનું કૅમ્પસ ઘણું સુંદર છે. સંસ્થા ઘણી સ્કૂલોનું સંચાલન કરે છે અને અહીં ઉચ્ચતર માધ્યમિક કક્ષા સુધીનાં ૯૦૦ બાળકો ભણે છે. અહીં મૂર્તિઓના સ્થાને ફોટાઓ પર વસ્ત્ર ઓઢાડીને નીચે ફૂલો મૂકવાની પ્રથા પણ ઘણી સારી લાગી. વિવેકાનંદ ભારતના યુવકોના લાંબા સમયથી પ્રેરણાસ્રોત રહ્યા છે. તેમનું એકમાત્ર સૂત્ર કોઈ પણ યુવાનને સિદ્ધિના શિખરે પહોંચવાની પ્રેરણા આપનારું હોય તો તે છે : ઊઠો, જાગો અને ધ્યેયપ્રાપ્તિ સુધી મંડ્યા રહો. Arise, Awake and Stop not till the goal is reached. ઉત્તિષ્ઠત, જાગ્રત, પ્રાપ્ય વરાન્નિબોધત.[1] [2] [3]

અહીંથી વળી ચેરાપુંજી પહોંચતાં બીજા ફૉલ્સ જોયા. લંચ પૂર્વે માવસમાઈ ગુફાઓ સુધી પહોંચી ગયા. આ એક ૧૫૦ મીટર લાંબી પથ્થરની ગુફા છે જેમાંનું અંધારું, કુદરતી પથ્થરોની રચના, ક્યાંક ટપકતું પાણી, વચ્ચે નાનકડો પાટિયાનો પુલ વગેરે અદ્ભુત અને રોમાંચક અનુભવ પૂરો પાડે છે. અંધારાથી ડરતા લોકો માટે આ અનુભવ ડરમાં વધારો કરનારો છે. તો વળી અંધારાના સૌંદર્યને માણી શકનાર માટે તે સંતર્પક છે. રસ્તો સૂઝી શકે તે માટે કેટલેક ઠેકાણે લાઇટની વ્યવસ્થા કરવામાં આવી છે. ઘણે બધે ઠેકાણે બેસીને માંડ આગળ વધી શકાય તેવાં ચડાણ-ઉતરાણ છે, હેમખેમ પાર ઊતર્યાનો રોમાંચક અનુભવ અને તે સાથે આ અચાનક કેમ પૂરું થઈ ગયું તેનો એક સૂક્ષ્મ ખેદ મનને વ્યાપી વળે છે. કેટલીક સ્મૃતિઓ જીવનભર ભૂલી ન શકાય તેવી હોય છે. જે અહીંથી પસાર થયો છે તેને માટે આ ગુફાની સ્મૃતિ બીજાને કહીને અને પોતે વાગોળીને પુનઃપ્રાપ્તિ માટેનો આનંદનો ઝરો છે એમ કહીએ તો ખોટું નથી. મોટાભાગના પ્રવાસીઓ દાખલ થાય ત્યારથી બીજે છેડે ક્યારે બહાર નીકળીએ તેની ચિંતામાં પડી જવાના. ગર્ભાશયના અંધારાની બાળકને કોઈ સ્મૃતિ હોતી નથી, પરંતુ જો હોય તો તે આવી પણ હોઈ શકે એવી કલ્પના કરવી ગમે તેવી છે. જે ઘડી બે ઘડી સાથીદારોની પ્રતીક્ષામાં આજુબાજુ નજર કરતો રહે છે તેને પોતાના મનોજગતની કેડીએ કંઈક અવનવા આકારો, દૃશ્યો અને શિલ્પો દેખાયા કરવાના. ખરેખર તો એવું કશું જ અહીં આકારબદ્ધ નથી. માત્ર પથ્થરના પહાડ વચ્ચેથી એક ઊબડખાબડ આગળ બાર નીકળી શકાય તેવો રસ્તો માત્ર છે, પરંતુ આજના નાગરિકોને તે અદ્ભુત રોમાંચક અને સાહસિક આનંદ પૂરો પાડનારો છે. અમને ઘણાને તો એવું લાગ્યું કે શિલૉંગથી માત્ર આ ગુફાઓ જોવા લાવવામાં આવે અને આનંદનું પુનરાવર્તન કરવા એકાધિક વાર આપણે જો તેમાંથી પસાર થઈ શકીએ તો પણ પૈસા વસૂલ છે. બહાર નીકળીને આસપાસની બે-ચાર નાનકડી હોટલમાંથી એકમાં બપોરનો લંચ લેવાનો હતો. અમે જમણા હાથે પહેલી રેસ્ટોરાંમાં ઘૂસ્યા ને ઉતાવળે પૃચ્છા કરવા લાગ્યા તો અહીંની બાઈએ સંભળાવ્યું કે યે મચ્છી માર્કેટ નહીં હૈ. એનો સંકેત શાંતિથી બેસવાનો અને નિરાંતે ભોજન લેવાનો હતો. અમારી ચિંતા વેજ-નોનવેજની, રાઇસ ઉપરાંત રોટી, સબ્જીનું કયું શાક છે, ગરમ છે કે નહીં અને બસ ઊપડી જવાના સમય પહેલા ભોજન લઈ લેવાની હતી. અંતે અમે શાંતિથી ગોઠવાયા તો અહીં દાળ-ભાત ઉપરાંત પરવળનું સુંદર શાક, ફ્રાઇડ પોટેટો ચિપ્સ અને અથાણું એવાં તો સુંદર મળ્યાં અને ખોરાકની ગુણવત્તા એવી ઊંચી લાગી જે અમને પ્રવાસમાં અન્યત્ર મળી ન હતી.[4]

આપણે ખોટી ઉતાવળ કરતા હોઈએ છીએ, પરંતુ ખરેખર બીજા કરતાં વહેલા જ પરવારતા હોઈએ છીએ. શિક્ષક જેમ વર્ગમાંના નબળામાં નબળા વિદ્યાર્થીને ધ્યાનમાં રાખીને ભણાવતા હોય છે તેમ આ બસવાળા પણ સર્વ સામાન્ય માણસની સરેરાશ ઝડપને ધ્યાનમાં રાખતો હશે તેમ પણ સૂઝી આવ્યું. ગુફાની બહાર જમણી તરફ નજીકમાં જ જમીનમાંથી પાણીનો પ્રવાહ ફોર્સપૂર્વક બહાર આવતો હોવાની એક જગ્યા છે એવું અમને તે જોઈ આવેલા કલકત્તાના પ્રવાસીએ જણાવ્યું, પરંતુ હવે બસ ચાલુ રાખીને બાકીના મુસાફરોની પ્રતીક્ષા થઈ રહી હતી ત્યારે અમને નજીકના સ્થળે જવું મુનાસિબ ન લાગ્યું. તે વસવસા સાથે બસમાં બેસી રહ્યા. રસ્તે એકાદ ફોલ વાદળોની આડશે એવો તો છુપાઈ ગયો હતો કે અમને દર્શન તૈયાર જ ન હતો. પાછાં વળતાં પણ આ ધોધે પોતાની મનઃસ્થિતિ જાળવી રાખી ને પ્રવાસમાં કેટલાંક મંદિરો બંધ હોય અને આપણે લાંબો સમય એ ખૂલે ત્યાં સુધી રોકાઈ શકીએ તેમ ન હોઈએ તેવું જ કુદરતે પણ અમારી સાથે કર્યું. ઠેકઠેકાણેથી અમને બાંગલાદેશની સરહદ બતાવવામાં આવી. ચેરાપુંજીના રસ્તે આ બે જ બાબતો મુખ્ય છે : એક તો જળધોધ અને બીજી બાંગલાદેશની સરહદ, વિવિધ પૉઇન્ટ ૫૨ એકથી વધુ બસના પ્રવાસીઓ એકઠા થતા હોય છે. અહીં અમે આધુનિક શ્રવણનાં દર્શન કર્યાં. પચ્ચીસ-ત્રીસ વર્ષનો યુવાન ઘરડી માને તેની શારીરિક મર્યાદાને કારણે પીઠ પર ઊંચકીને કુદરતનું રસપાન કરાવી રહ્યો હતો. શક્ય હોય ત્યાં તેને વ્હીલચૅરમાં પણ લઈ જતો હતો. તો વળી અન્યત્ર પીઠ પર લઈને ફરતો હતો. વૃદ્ધ માણસોની અંતિમ ઇચ્છાઓમાંની એક તીર્થાટનની હોય છે અને આપણા ધાર્મિક દેશમાં તે સમજી શકાય છે, પરંતુ મોજશોખ માટે ફરવાનાં સ્થળોએ આવા દૃશ્યો ચિંતિત કરી મૂકે છે. અમે એને પૂછ્યું પણ ન હતું કે એ એનો પુત્ર હતો કે પેઈડ સર્વન્ટ, પરંતુ શારીરિક મર્યાદાઓનો અસ્વીકાર કરીને ફરવાનો આવો દુરાગ્રહ બીજા માટે દુઃખદાયક પણ પુરવાર થઈ શકે એની ચિંતા વૃદ્ધજનોએ કરવી જોઈએ. આજે શ્રવણો રહ્યા નથી એવી ચિંતા આપણે કરીએ છીએ, પરંતુ એવો આનંદ કેમ લેતા નથી કે શારીરિક મર્યાદાઓ છતાં યાત્રાના દુરાગ્રહી એવાં મા-બાપ પણ આજકાલ ઓછાં થતાં જાય છે. બાંગલાદેશનો બાસ્કેટ જેવો તળેટીનો વિસ્તાર અને તેમાં કોઈક કોઈક ઠેકાણે નાની-મોટી વસાહતો વિવિધ સ્થળોએથી ઊંચા પૉઇન્ટ પરથી અમને બતાવવામાં આવી. અહીંથી ‘સેલા’ ૩૦ કિ.મી દૂર છે અને સીલહટનો આ બધો વિસ્તાર ગણાય છે. પર્વત સાથે જોડાયેલાં જંગલો પછી નીચે બાંગલાદેશની સરહદ શરૂ થાય છે. ખરેખરી સરહદ કે તેની રખેવાળી કરતા સૈનિકો તમને ક્યાંય દેખાતા નથી એનો અર્થ એટલો જ થયો કે ઊંચાઈથી બતાવવામાં આવતી આ સરહદ પ્રમાણમાં દૂર હોવાનો સંભવ છે. રસ્તે અમને થાંગખારાંગ પાર્કમાં લઈ જવામાં આવ્યા જ્યાંથી પણ આ સરહદનો જુદો વ્યૂ મળી શકે છે. તેમાં નાનકડું ‘ગ્રીનહાઉસ’ પણ બતાવાયું આના કરતાં વધુ સારું ગ્રીન હાઉસ ગાંધીનગરમાં ઇન્દ્રોડા ખાતેના હરણોદ્યાનમાં છે. એમાં તમને કૃત્રિમ વરસાદની અનુભૂતિ પણ કરાવવામાં આવે છે. આમ છતાં અહીંના વિશિષ્ટ પ્લાન્ટ્સ જોવા મળ્યા જેમાંના એકનું પાન મખમલ જેવું હતું. તે ગ્રીન અને કૉફી કલરની લાઇનવાળું હથેળી જેવડું હતું. જ્યારે બીજું બે-ચાર હથેળીઓ ભેગી કરવી પડે તેવું વિશાળ લંબગોળાકારનું અને વચ્ચે સફેદ લીટીઓવાળું હતું. પછીથી અમને જાણવા મળ્યું કે ત્યાં એક પ્લાન્ટ એવો હતો કે જીવજંતુને જોતાં જ તેની પાંદડીઓ દ્વારા તેને કેદ કરી લઈ તેનું ભક્ષણ કરતો હોય. વારાફરતી લઈ જવાતા ગ્રૂપમાં પ્રત્યેક ગ્રૂપ વખતે બધી વાતો ફરીથી કરવાની રહે તેવું કંઈ થયું નહીં હોય અને તેથી અમને આ વાતની વિગત પછીથી મુસાફરો દ્વારા જાણવા મળી. કુદરતી વૈવિધ્ય કોઈને પણ અચંબામાં મૂકી શકે તેવું હોય જ છે જેનો અલગ અલગ તબક્કે સૌને અનુભવ થતો રહેતો હોય છે. લંચ પછીનો મહત્ત્વનો પૉઇન્ટ ECO-પાર્કનો હતો. કોઈ પ્રાઈવેટ એજન્સીએ અદ્ભુત જગ્યાની પસંદગી કરી છે અને તેમાં પાથ-વેઝ અને નાનકડા પુલ, રેલિંગ અને છત્રો તથા પથ્થરની બેઠકો જેવી વ્યવસ્થાઓ ઊભી કરીને બાકીનું બધું યથાવત્ રાખવામાં આવ્યું છે. બે-ચાર ફૉલનું પાણી પસાર થાય છે પછી ધાર પરથી તે ધોધરૂપે વહે છે. એક મિસિંગ ફોલ છે જે ગુપ્તગંગાની જેમ ક્યાથી આવે છે તે દેખાતું નથી અને પહેલો પ્રવાહ જ્યાં જોવા મળે છે ત્યાં કૂવા જેવો ગોળાકાર કરવામાં આવ્યો છે. વળી તે ઝરણું પથ્થરો નીચેથી વહીને કોતરની ધારે ફૉલનું રૂપ ધારણ કરે છે. નાનકડા આડબંધ બનાવીને પાણીને રોકીને પછી ફરી તે બંધ પરથી વહે તેવી વ્યવસ્યાઓ ઊભી કરાઈ છે. અહીં અમને વડોદરાનું એક ગ્રૂપ મળી ગયું, જેમાં વડોદરાના રિટાયર્ડ એ.સી.પી. શ્રી મહેતા પણ હતા અને તેઓ સિક્કીમ, ભુતાન વગેરે થઈને તવાંગ સુધી જવાના હતા. ગમે ત્યાં જાઓ તમને પ્રવાસમાં ગુજરાતીઓ અને બંગાળીઓ ન મળે તો જ નવાઈ. ઉત્તરપૂર્વનો પ્રવાસ પણ આ અનુભવમાંથી બાકાત ન હતો. ગૌહાટીમાં જલારામ મંદિરનાં રંજનબહેને કહ્યું કે હવે ચેરાપુંજી કરતાં મોસારામમાં વધુ વરસાદ પડે છે અને ચેરાપુંજી કરતાં પણ વધુ આનંદ આપનારું તે સ્થળ છે. બાળપણમાં ભૂગોળમાં ચેરાપુંજી વિશે ભણેલા તે નજરોનજર જોવાનો લહાવો મળશે તેવું કદી કલ્પેલું નહીં અને હવે ખુદ તે જોઈ રહ્યા હતા તેનો ભારતીને અનહદ આનંદ હતો. સાડા ચારને ટકોરે સમયસર ટુરિસ્ટ બસે અમને શિલૉંગ પોલીસ બજારમાં MTC આગળ તેની કચેરીએ લાવી દીધા. હવે પાંચ વાગ્યાની એકમાત્ર એસ.ટી બસ અમને ગૌહાટી ઉતારે તેમ હતી જે ગૌહાટીથી આગળ જતી તુરાની હતી. આ ન મળે તો પછી સુમોમાં જવું પડે. અગાઉ એડવાન્સ બુકિંગના અમારા પ્રયાસો નિષ્ફળ ગયા હતા અને બસ ઉપડવાના કલાક પહેલા જ બુકિંગ મળશે તેમ જણાવાયું હતું. અમે ટુરિસ્ટ બસમાંથી ઊતરીને દોડતા બુકિંગ વિન્ડોએ પહોંચી ગયા. સદ્નસીબે બુકિંગ મળી પણ ગયું. અમે આનંદનો હાશકારો અનુભવ્યો. ઉપરથી સામાન ઉતારીને ચા પીને વધુ લેગરૂમવાળી પુશબેક સીટો પર ગોઠવાઈ ગયા, પરંતુ બે કલાકના અંતે ચા- પાણી-નાસ્તાના વિરામ સ્થળે જ બસમાં પંચર થતાં બસે વધુ એક કલાક લીધો.

[સાતમા આસમાને, ૨૦૧૦] નોંધ

  1. ૧ આને અહીં ‘ટોપલી કારવી’ (Pleacaulus ritchiei) કહે છે.
  2. ૨ બાલ્સમ—ગુલમહેંદી, COMMON BALSAM, Impatiens balsamina
  3. ૩ સોનકી–સોનાસરી, GRAHAM’S GROUNDSEL, Senecio grahami
  4. ૪ કાસ–સતારાની નજીક આવેલું આ પઠાર ચોમાસાના ઉત્તરાર્ધમાં ફૂલોથી ભરાઈ જાય છે. મહારાષ્ટ્રના અતિરમણીય સ્થળ તરીકેની પ્રતિષ્ઠા, છેલ્લા એક દાયકાથી તેને મળી છે.