ગુજરાતી પ્રવાસસાહિત્ય સંપદા/ઝાંગઝેરબુથી દારચેન – અષ્ટાપદ-દર્શન
૫૨
પ્રજ્ઞા પટેલ
□
ઝોંગઝેરબુથી દારચેન... અષ્ટાપદ દર્શન
◼
ગુજરાતી પ્રવાસસાહિત્ય સંપદા • ઝાંગઝેરબુથી દારચેન - પ્રજ્ઞા પટેલ • ઑડિયો પઠન: પાર્થ મારુ
◼
કૈલાસ પરિક્રમાનો આ અંતિમ દિવસ. ટેવ મુજબ સવારે સહુ વહેલા જ ઊઠી ગયા. ચા અને મેગીનો નાસ્તો કરી ૮.૩૦ આસપાસ નીકળી ગયા. આ યાત્રીનિવાસની જગ્યા બહુ નોખી છે, પહાડના પડખાની બાજુએ વર્ષો પહેલાં ચણાયેલું જર્જરિત મકાન. થોડે દૂર, નીચેના ભાગમાં સાવ નાના પટમાં નદી વહે છે. ચારે તરફ પહાડોની હારમાળા છે. ગેસ્ટ હાઉસની બાજુમાં ને પાછળના ભાગે યાકવાળાના પડાવ, ટેન્ટમાં પણ તે રહે અને ખુલ્લામાં પણ. નીકળતાં પહેલાં મન ભરીને આ વાતાવરણને જોઈ લીધું. ઝોંગઝેરબુથી દારચેન લગભગ ૧૨ કિ.મી.નું અંતર છે. શરૂઆતના અંદાજે ૮ કિ.મી. પદયાત્રા કરવાની છે અને પછીના ચાર કિ.મી. નાના ટેમ્પોમાં જવાનું ગોઠવાયું છે. ટેમ્પો-ટ્રકની વ્યવસ્થા અગાઉથી જ કરેલી હોય તો એ લેવા આવે. સહયાત્રીઓએ જેમણે યાક કર્યા છે તેમણે પણ ચાલવાનું જ પસંદ કર્યું, કોઈક વળી હિંમત કરીને યાક પર બેઠા. રસ્તો પ્રમાણમાં સારો છે, ઊબડખાબડ તો છે જ, પણ ભારે ચડાણ-ઉતરાણવાળો નથી. આજે હવે કોઈ જ ઉતાવળ નથી, કોઈ જ ચિંતા નથી. નાની ટ્રકમાં બેસીને દારચેન તરફ નીકળ્યા. જ્યાંથી ટ્રકમાં બેઠા, જગ્યાએ આસપાસમાં પથ્થર પર કોતરાયેલા શિલાલેખો (વિવિધ આકાર, રંગ-રૂપવાળા પથ્થરશિલાના ટુકડા)ના નાના-મોટા ઢગલા જોવા મળ્યાં. મેં તો ખૂબ રસ-ધ્યાનથી એનું નિરીક્ષણ કર્યું. જો દૂરથી પસાર થઈ જઈએ તો આ અદ્ભુત ખજાનાની ખબર પણ ના પડે. અત્યંત હર્ષ-રોમાંચ અનુભવ્યો. ઓહ, કઈ સદીમાં કોણે અહીં પાવન પગલાં પાડી આ શિલાલેખો સર્જ્યા હશે? જે સમયમાં કાગળ-પેન નહીં શોધાયાં હોય, ત્યારે પથ્થર ને ટાંકણાં જ ઉત્તમ સાધન. કોઈમાં આપણા ૐ જેમ એકાક્ષરી શબ્દ-મંત્ર-આકાર કોતરેલા છે, તો કોઈમાં વળી સાવ નાના, સુંદર મરોડદાર અક્ષરે થોડું વધુ લખાણ-શ્લોક-મંત્રો કોતરેલા છે. હાથમાં એ તકતીઓ લીધી, જોઈ, ભાવથી વંદન કર્યાં, મને હું અક્ષરજ્ઞાન વિનાની લાગી. ભાષા-લિપિનો પ્રશ્ન, શિલાલેખ જેવી તકતીઓ વિશે સ્થાનિક પોર્ટરના જણાવ્યા મુજબ લામાઓના મૃતદેહોની કબર ઉપર તેમને શ્રદ્ધાંજલિ રૂપે આપ્તજનોએ તે મૂકેલી હોય છે. પણ, એ વાતે ખૂબ ભાવવિભોર બની કે, આજથી વર્ષો - દાયકા - કદાચ સદીઓ પહેલાં પણ અહીં સિદ્ધો-યોગીઓ-શ્રદ્ધાળુઓ આવતા હશે, સાધના કરતા હશે અને આ એની જ નિશાનીઓ, તકતીઓ એટલી સુંદર કે, જોઈ રહેવાનું મન થાય. બે-ત્રણ નાની, સાવ પાતળી બે-ત્રણ ઈંચની આવી પતરી જેવી તકતી સાથે પ્રસાદ તરીકે લીધી પણ ખરી, ક્ષમાપ્રાર્થના સાથે જ સ્તો! બૌદ્ધ સાધુઓએ જ આ શિલાલેખ – તકતી કંડાર્યા હશે, એમ માની શકાય. આ સ્થળનો મહિમા કેટલો પ્રાચીન છે! કેવાં કેવાં કષ્ટ વેઠીને એ સાધુ-સિદ્ધો અહીં આવ્યા હશે!! (તકતીઓના આ ઢગલાઓને લપ્છે કહે છે. તેમાં ‘ઓમ મણિ પદ્મે ર્હું’નો મંત્ર કોતરેલો હોય છે. આવા મણિમંત્રને મણિમથંગ કહે છે.) તિબેટમાં દારચેન-તકલાકોટ એ તમામ સ્થળે આ પ્રકારના અવશેષો ઘણી જગ્યાએ જોવા મળે છે, જો એ તરફ નજર જાય તો. મારા માટે તો આ અવશેષોનું દર્શન એ જીવનની એક યાદગાર ઘટના બની રહી. એક લગભગ એકાદ ફૂટની આવી તકતી બધા ભગવાનને પગે લાગી, એમની આજ્ઞા લઈને સાથે લીધી, યાદગીરી રૂપે, પ્રસાદી રૂપે. ટ્રકમાં – નાના ટેમ્પોમાં બેઠા. સખત ઊબડખાબડ રસ્તો, શરીર વલોવી દે એવો. માથે ધોમધખતો આકરો તડકો. દારચેન ગેસ્ટ હાઉસ પહોંચી તરત રૂમ લઈ લીધા. ફ્રેશ થયા. ઘણા દિવસે સ્નાન કરી થાક ઉતાર્યો. બપોર પછી એ જ ટ્રકમાં અષ્ટાપદ જવાનું ગોઠવ્યું. દારચેનથી અષ્ટાપદ : નીચેની તળેટીના ભાગ સુધી ટ્રક-ટેમ્પો દ્વારા પહોંચી શકાય છે. લગભગ ૫થી ૬ કિ.મી.નું સીધું-આકરું ચઢાણ ચડીને અષ્ટાપદ પહોંચાય છે, એ ચાલીને જ જવું પડે. થોડા યાત્રીઓ નીચે જ રોકાઈ ગયા. પણ અમે વિચાર્યું, વારે વારે તો આવી શકવાના નથી, તો અષ્ટાપદની યાત્રા ને અષ્ટાપદથી કૈલાસજીના નજીકથી થતા દર્શનનો લાભ શું કરવા જતો કરવો? ચઢાણ અત્યંત વિકટ. એકેક પગલે હાંફ ચડે એવું, છાતી ધમણની જેમ હાંફે છે, ફુંફાડા મારે છે. વાસ્તવમાં એક (લાગે એક જેવો, પણ એકમાંથી પ્રગટ થતો બીજો, બીજામાંથી ત્રીજો, ચોથો એમ પહાડી ચઢાણ) બોડિયા ડુંગરને ચડીને પાર કરવાનો છે. એકેક પગલે ઊભા રહી, શ્વાસ ભરી ઉપર ચડવાનું ચાલુ રાખ્યું...ને ઉપરના ભાગે પહોંચી ગયા. ઓહ, અહીં તો વિશાળ ખુલ્લી-સપાટ જગ્યા છે. આ સ્થળ એટલી ઊંચાઈએ છે કે અહીંથી ચારે તરફનું દર્શન થઈ શકે છે. કહે છે કે, અહીંથી માનસરોવરનાં પણ દર્શન થાય છે. અમે કૈલાસ પર્વતના ખૂબ સારી રીતે દર્શન કર્યાં. વાતાવરણ એકદમ ચોખ્ખું છે, વાદળો નથી. ખારસી વાર સુધી ઉપરના ભાગે ઊભા રહ્યા. આસપાસ અનેક નાની- મોટી પથ્થરોની ઢગલીઓ. એક ઉપર બીજો પથ્થર ગોઠવીને બનાવેલી ઢગલીઓ. જે ધર્મની જે માન્યતા હોય, મેં પણ ચાર-પાંચ પથ્થર ગોઠવીને મારી ઢગલી બનાવી. અષ્ટાપદને કૈલાસ પર્વતનો સૌથી નીચેનો ભાગ ગણવામાં આવે છે. વાસ્તવમાં આ એક પિરામિડ આકારનો પર્વત છે. શાસ્ત્રોમાં ઉલ્લેખાયા મુજબ પાંડવો સદેહે નિર્વાણ પામ્યા તે આ જગ્યા. જૈન ધર્મની માન્યતા મુજબ પ્રથમ જૈન તીર્થંકર ભગવાન શ્રી આદિશ્વર - ઋષભદેવ મોક્ષ પામ્યા હતા તે જગ્યા. સાવ સામે કૈલાસ છે, તેની ડાબી બાજુ અષ્ટાપદ શિખર છે અને જમણી બાજુ નંદી પર્વત છે. અષ્ટાપદ - આઠ સોપાન. જૈનોનું આ ખૂબ પવિત્ર તીર્થસ્થાન ગણાય છે. અષ્ટાપદનાં ભાવથી દર્શન કર્યાં. જૈન ગ્રંથોમાં અષ્ટાપદને જ કૈલાસ કહેવામાં આવે છે. તીર્થંકર ભગવાન આદિનાથ દેવ-ઋષભદેવે કૈલાસ યાત્રા કરી હતી અને અંતે આઠ પગલાંમાં આ પર્વત સર કરી મોક્ષ પ્રાપ્ત કર્યો હતો એટલે તેને ‘અષ્ટપદ’ કહેવાય છે. આઠ પગલાં-આઠ પદ (અષ્ટ સત્ય પર વિજય મેળવી) તે જ અષ્ટાપદ. અહીં નીચેના ભાગે નાનકડું જર્જરિત એવું મંદિર-સ્થાનક છે, જે લગભગ ૩૦૦૦ વર્ષ જૂનું મનાય છે. એ હિંદુ મંદિર પણ હોઈ શકે, જૈન મંદિર પણ હોઈ શકે. આ જ સ્થળે મિલારેપા ગોમ્પા આવેલો છે. તેનાં પણ દર્શન કર્યાં. અષ્ટાપદથી આગળ જઈ કૈલાસ પર્વતની તળેટીના ખૂબ નજીકથી દર્શન કરી શકાય છે, મન તો થયું, જવું... પણ એ ય રસ્તો લાંબો-વિકટ, સમયની પાબંદી ને બદલાતું વાતાવરણ. કૈલાસજીને ફરી ફરી ભાવથી વંદન કર્યાં. ચઢતાં દમ નીકળી ગયો હતો, એ જ રસ્તો ઊતરવામાં ઘણો સરળ રહ્યો. પણ ધ્યાનથી જમાવીને પગ મૂકવા પડે, ઊતરવું યે સહેલું તો નથી જ હોતું. છતાં હાંફ ન ચડે એટલું બોનસમાં. વચ્ચે વળી મેઘમહારાજ પણ અમારી પર કૃપા કરી ભીના કરી ગયા. અષ્ટાપદ - આ એક ખૂબ પાવન જગ્યા છે, એકદમ શાંત, રમણીય. અહીં કોઈ જ મંદિર નથી, દેરી નથી. કશું જ નથી. ચારે તરફનું મનોહર દૃશ્ય - કૈલાસપતિના થતાં દર્શન, વહી આવતા ઠંડા પવનની આહ્લાદક લહેરો... કૈલાસ પરિક્રમા આ સ્થળે જાણે ખરેખર સંપન્ન થઈ. ફરી એ જ પરિચિત દારચેનના યાત્રીગૃહ-ગેસ્ટ હાઉસમાં આવી પહોંચ્યા છીએ, રાત્રિરોકાણ અહીં જ કરવાનું છે. સાંજે ફરી સ્થાનિક બજારમાં જઈ બાકી રહી ગયેલી ખરીદી કરી. તિબેટી સ્ત્રીઓ પાસે ભાવ કરી વસ્તુ ખરીદવાની પણ એક મજા હોય છે. કોઈ સહયાત્રી બહેનો ઘેરથી ચાંદલા-બંગડી વગેરે આપણી વસ્તુઓ લઈ આવેલી, તે આ તિબેટી સ્ત્રીઓને આપી, તે ખૂબ રાજી થયાં. આજે બધાં એકદમ ફ્રેશ છે. બસ હવે, રિટર્ન જર્ની શરૂ. બધા ઘેર પહોંચવાના દિવસો ગણે છે. દારચેનથી સવારે ચા-નાસ્તો કરી થીગુ ગોમ્પા જવા નીકળ્યા. ત્યાંથી અમારા એ ગ્રુપવાળા ભાઈઓને લઈને તકલાકોટ પહોંચવાનું છે. બસમાં ચીની ભાષાનાં ગીતો વાગી રહ્યાં છે, ભાષા ન સમજાય, ધૂન-લયને માણવાના. વળી વળીને અમે કૈલાસપતિનાં છેલ્લાં દર્શન કરવાની લાલચ રોકી શકતા નથી. ઘણા દિવસે અમે એ અને બી ગ્રુપવાળા બધા જ યાત્રીઓ મળ્યા. પરસ્પર એકબીજાના ખબરઅંતર પૂછ્યા, ભેટ્યા. બધાએ પોતપોતાના અનુભવો એક-બીજાને ટૂંકમાં કહ્યા. મૂળ વાત એક જ, ‘દર્શન સરસ થયાં, યાત્રા સફળ થઈ.’...બસમાં સામાન ગોઠવાયો ને તકલાકોટ તરફ પ્રયાણ કર્યું. માનસરોવરના પણ ભાવથી દર્શન કર્યાં. એ ગેસ્ટ હાઉસને પણ ધરાઈને જોઈ લીધું. આંખો ભીની બની. મન પણ ખરું છે, આગળ જવું છે ને પાછળનાની માયા છૂટતી નથી! કૈલાસ-માનસરોવરની પરિક્રમાનાં સ્મરણો, આસપાસની ગિરિમાળાઓ, અદ્ભુત કુદરતી દૃશ્યાવલિ નજરમાં ભરતાં બસમાં બેઠા છીએ. હવે બધું સારું એવું પિરિચત લાગે છે, મનમાંથી પેલા ભય-ડર-ચિંતા દૂર હટી ગયા છે. વચ્ચે એક સ્થાન આવે છે - ટોયો. અહીં ડોગરા રેજીમેન્ટના જનરલ જોરાવરસિંહની સમાધિ છે, તિબેટમાં તે ‘સિંહબા ચોરટેન’ (સિંહની સમાધિ) તરીકે પ્રચલિત છે. રંગબેરંગી ધજા-પતાકાઓથી આ સ્થળ શણગારેલું છે. જનરલ જોરાવરસિંહ ૧૮મી સદીના કાશ્મીરના મહારાજા ગુલાબસિંહના સેનાપતિ હતા. ૧૮૩૪માં ડોગરા સૈન્યની મદદથી તેમણે લદાખ પર જીત મેળવી હતી. અનેક વિદ્રોહને દબાવીને તેમણે ૧૮૪૦ સુધી ત્યાં સત્તા ટકાવી રાખી હતી. ૧૮૪૧માં ત્યાંથી આગળ તિબેટને સર કરવા તેમણે યુદ્ધ કર્યું અને ૧૫,૦૦૦ ફૂટ ઊંચા માનસરોવર ક્ષેત્રમાં તિબેટ-ચીનની સંયુક્ત સેનાને હરાવીને વિજય પ્રાપ્ત કર્યો હતો. તાંત્રિક ક્રિયાઓમાં વિશ્વાસ રાખતા તિબેટિયનોને લાગ્યું કે, જનરલ જોરાવરસિંહ કોઈક મોટા તાંત્રિક છે. ટોયોમાં ધમાસાણ યુદ્ધ મંડાયું હતું. દંતકથા મુજબ જનરલ જોરાવરસિંહ માટે તાંત્રિક વિદ્યાથી સોનાની ગોળીઓ બનાવી તેમને ઠાર મરાયા હતા. બીજી એક માન્યતા મુજબ ટોયો ખાતે પકડાયેલા જોરાવરસિંહનો પૂજા, અનુષ્ઠાન કરી સોનાની તલવાર વડે વધ કરાયો હતો. એમની વીરતાથી તિબેટની પ્રજા ખૂબ પ્રભાવિત થઈ હતી તેથી તેમની સ્મૃતિમાં ચોરતેન-સમાધિ સ્મારકની રચના કરી હતી. આજે તો એ સ્મારક જીર્ણશીર્ણ - પથ્થરના ઢગલા રૂપે છે. વંદન છે એ શહીદ વીરને, એમની વીરતાને. કૈલાસપતિ, માનસરોવર, રાક્ષસતાલ, ગુરલામાંધાની શિખર શ્રેણી, બરખાનું રળિયામણું મેદાન...બધું ધીરે ધીરે પાછળ છૂટતું જાય છે... અને તકલાકોટ પહોંચી ગયા. અહીં રાત્રિરોકાણ કરવાનું છે. સામાન ઉતારાયો. ફરી એ જ રૂમોમાં અડ્ડો જમાવ્યો. ભોજન લઈને સ્નાન પણ કરી લીધું. સાંજે એ જ પરિચિત તકલાકોટના ચીની-તિબેટી-નેપાળી બજારમાં આંટો મારી ઘણી ખરીદી કરી આવ્યા. હવે બાકી બચેલા યુઆન વાપરવાના છે. મેં પણ ઘરનાં સ્વજનો-મિત્રો માટે ચાદરો, કોફીના વિશિષ્ટ થર્મોસ, કોફી બનાવવાની એક ખાસ વસ્તુ, ઘણી બધી પ્રકારની માળાઓ, પેન્ટ, ગિફ્ટ આર્ટિકલ વગેરે ખરીદ્યું. સામાન ઘણો વધી ગયો, હવે એની ચિંતા. તકલાકોટથી બધાએ પોતાના ઘેર યાત્રા સુખરૂપ સંપન્ન થયાના સમાચાર ટેલિફોનથી આપી દીધા. બધા જ ખૂબ ખુશ છે. બીજે દિવસે સવારે નાની ટ્રક-ટેમ્પોમાં ખોચરનાથ (ખોજા૨નાથ) ગોમ્પાની મુલાકાતે જવા નીકળ્યા. અહીંના રસ્તા તો વિશિષ્ટ જ. ઊબડખાબડ, પથરીલા, કાચા. અમે ટેમ્પોમાં સાંકડમાંકડ બેઠા. સહજ વાતો કરતાં યાકસવારીનું પ્રકરણ શરૂ થયું. મારી બાજુમાં જ બેઠેલા મદ્રાસના મણિ મુનિ સામી અને બિકાનેરના બ્રિજમોહન પારેકને વાતે વળગાડ્યા, પૂછ્યું, યાક સવારી કૈસી રહી? અને એમણે કેવી રીતે બે પગ પહોળા કરી, યાકને ચીપકીને બેઠા હતા તેની વાત કરી. અમે ખૂબ હસ્યાં. પુષ્પાબહેન પટેલ (મહેસાણા) અને બીજા યાત્રીઓને પણ યાકે પટક્યા હતા. એ વાતો યાદ કરી ખૂબ જ હસ્યાં. ખોચરનાથ તકલાકોટથી ૨૦ કિ.મી.ના અંતરે આવેલ ખૂબ પ્રાચીન બૌદ્ધ મઠ છે, જે કરનાલી નદીના કિનારે વસાવાયેલો છે. આ ગોમ્પાની સ્થાપના ઈ.સ. ૯૯૬માં થઈ હોવાનું મનાય છે. ગોમ્પા બહારથી જ ભવ્ય ને સુંદર લાગે છે. ગોમ્પા-મંદિરમાં અંદર ત્રણ વિશાળ કદની, ભવ્ય, પૂર્ણ રૂપની મૂર્તિઓ છે. આમ તો આ મૂર્તિઓ મંજૂશ્રી (જ્ઞાની બુદ્ધ – બુદ્ધ ઑફ વિઝડમ), અવલોકિતેશ્વર (કરુણાવાન બુદ્ધ- બુદ્ધ ઑફ કમ્પેશન) અને વજ્રપાણી (શક્તિમાન બુદ્ધ - બુદ્ધ ઑફ પાવર)ની છે. પણ, આ લોકો ભારતીય યાત્રી-પ્રવાસીઓને આ સ્થળની મંદિર તરીકે ઓળખ કરાવી મૂર્તિઓ રામ, લક્ષ્મણ, સીતાજીની છે તેમ ઓળખાવે છે. જો કે, મૂર્તિઓ જોતાં એમ લાગે પણ ખરું. જે હોય તે, બધા જ ભગવાન આખરે તો એક જ છે ને! મંદિરમાં બીજી પણ મૂર્તિઓ, ફોટા વગેરે છે. બૌદ્ધ મંદિરમાં હોય છે તેવા લાંબા જાતભાતના રંગના ટુકડા જોડીને બનાવેલાં કલાત્મક તોરણો લટકે છે. અનેક દીવા-મીણબત્તીઓ ઝગી રહ્યા છે. અંદરના ભાગમાં ખાસ્સું અંધારું છે. દીવાની જ્યોત ઝળહળી રહી છે, ધૂપ-અગરબત્તી-ઘીની એક જુદી જ સુવાસ પ્રસરેલી છે. અમે ભગવાન બુદ્ધને, આપણા રામ-લક્ષ્મણ-સીતાજીને ભાવથી વંદન કર્યાં, પગે લાગ્યા. દીવા પ્રગટાવ્યા. બૌદ્ધ ગોમ્પામાં રાચરચીલું બહુ હોય, કલાત્મક હોય, રંગવૈવિધ્ય પણ આકર્ષક હોય. બહારના રૂમમાં એક વિશાળ કદની ખૂબ જ કલાત્મક રંગોળી (બૌદ્ધ યંત્ર) સજાવેલી હતી, જે મને અત્યંત ગમી ગઈ હતી, તેની બારીક ડિઝાઈન-રંગકામને કારણે, તેના ફોટા પાડ્યા. તકલાકોટના પુરંગ ગેસ્ટ હાઉસમાં છેલ્લા થોડા કલાકોનો પડાવ છે. જાણ્યે-અજાણ્યે પણ આ બધાં જ સ્થળો સાથે એક આત્મીયતા, મમતાની લાગણી બંધાઈ ગઈ છે. ગેસ્ટ હાઉસના વિશાળ પ્રાંગણમાં યાત્રીઓનો નાનો મેળો જામ્યો છે. ખાનગી ટુર ઓપરેટર્સ દ્વારા પ્રાંગણમાં ભારતીય અને વિદેશી યાત્રીઓ માટે નાના નાના સુવિધાયુક્ત સુંદર ટેન્ટ ઊભા કરવામાં આવ્યા છે. આજનો દિવસ ફરી ગેસ્ટ હાઉસમાં નિયત ટાઈમટેબલ, ચા-નાસ્તાનું, લંચ-ડીનરનું, ઘંટ વાગે એટલે પહોંચી જવાનું, ચીની અધિકારીઓ દ્વારા જરૂરી સરકારી વિધિ આટોપવામાં આવી. આ એક જરૂરી ઔચપારિકતા હોય છે. રહી જતી ખરીદીમાં બધા યાત્રી જોડાયેલા છે. કાલે ફરી લીપુલેખ પાસ પસાર કરવાનો ને ભારતની ભૂમિમાં પ્રવેશ કરવાનો. ઘેર જવા સહુ ઉત્સુક છે. અમારા ગ્રુપના બધા જ યાત્રીઓની આ યાત્રા સરસ રીતે, નિર્વિઘ્ને પૂરી થઈ છે. નહીં તો ઘણી વખત, ઘણી બેચના યાત્રીઓ સાથે પડવાથી ફ્રેક્ચરની, શ્વાસમાં વધુ તકલીફ થતાં પરત ફરવા જેવી વિવિધ ઘટનાઓ બનતી હોય છે. અમે બધાંએ હેમખેમ પરિક્રમા પૂર્ણ કરી છે, દેવાધિદેવ મહાદેવના શુભાશિષથી.
[શિવભૂમિનો સાદ, ૨૦૧૫]