ગુજરાતી પ્રવાસસાહિત્ય સંપદા/ઝેન અને યેનની ભૂમિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

૩૬
ગુણવંત શાહ

ઝેન અને યેનની ભૂમિ

જપાન જતી વખતે નંદિગ્રામથી મકરન્દભાઈ અને કુન્દનિકાબહેને શુભેચ્છા મોકલી તે આવી પંક્તિઓમાં : સૂર્યોદયી દેશ થકી સવેળા મુઠ્ઠી ભરી કિરણનાં કંઈ બીજ લાવો, આ ભૂમિના તમસ-પથ્થર ઘોર ભેદી જ્યોતિ તણાં વિમલ સુંદર વૃક્ષ વાવો. આ ભૂમિના ખેડુ, જને વને પથે હવે જગાડો સહુ ક્ષેમ દૈવતે. જેટલી વાર જપાન ગયો તેટલી વાર ટોકિયો છોડતી વખતે મનમાં નિશ્ચય કરું કે હવે કદી જપાન નહીં આવું. આ દેશ એટલો મોંઘો છે કે આપણે ધોળે દિવસે લૂંટાઈ જઈએ. અહીં ઝેન અને યેન વચ્ચેની કશમકશ ચાલે તેમાં ઝેન પર યેનનું વર્ચસ્વ સ્થપાઈ ચૂક્યું છે. ઝેન ધર્મનું તીર્થસ્થાન ક્યોટો અને યેનનું કારખાનું ટોકિયો. ટોકિયો આગળ ક્યોટો હારી રહ્યું છે. ઍરપોર્ટ પરથી ટોકિયો શહેરના ડાઉનટાઉન પહોંચવાનો ટૅક્સીચાર્જ ફક્ત એંશીથી નેવું અમેરિકી ડૉલર થાય છે. અહીંની આર્ટ ગૅલેરી જોવા જઈએ તો ખબર પડે કે પ્રત્યેક માળ માટે ટિકિટ લેવી પડે. જપાની લોકો પરદેશીઓને નમ્રતાપૂર્વક નમીનમીને સ્મિતપૂર્વક લૂંટી જાણે છે. સ્મિતનો ચાર્જ નથી હોતો. પણ કોણ જાણે કેમ જપાન ફરી નહીં જવાનો નિશ્ચય લાંબા સમય સુધી ટકતો નથી. આ ઊગતા સૂર્યની ભૂમિમાં કશુંક એવું છે જે સાવ પોતીકું લાગે છે. ત્યાં જવાનું થાય ત્યારે મારા મન પર બાશો સવાર થઈ જાય છે. જપાન એટલે બૌદ્ધ ધર્મના નવનીત સમી ઝેન વિચારધારાનું મોસાળ. જપાનની સંસ્કૃતિના પ્રત્યેક અંગ-ઉપાંગને ભગવાન બુદ્ધની શાંતિ અને શુચિતાનો સંસ્પર્શ થયો તે ઝેનપરંપરાને કારણે. કાવ્યો, કથાનકો, નાટકો, નૃત્યો, જીવનરીતિ, આરાધના, રાજ્યકારભાર અને ખેતી પર પણ ઝેન જીવનદૃષ્ટિનો પ્રભાવ પડ્યો. જપાન પર ફિદા થઈ જવા માટે બાશો અને ઝેન કાફી છે. પણ એ વાત પછી કરું. ટોકિયોમાં જ આવેલી ચુઓ યુનિવર્સિટીમાં ‘પીસ એજ્યુકેશન’ પર મારે ચાર કલાકનો સેમિનાર આપવાનો હતો. રેડિયો પર ધીમી ગતિના સમાચાર અપાય તે ઢબે એક એક અંગ્રેજી શબ્દો છૂટો પાડીને પ્રવચન કર્યું. ત્યાંની આ યુનિવર્સિટીના પ્રોફેસરોએ ભાંગ્યાતૂટ્યા અંગ્રેજીમાં પૂછેલા પ્રશ્નોના જવાબ આપ્યા. શિક્ષણનું માધ્યમ બાલવાડીથી તે પીએચ.ડી. સુધી માતૃભાષા જ. અંગ્રેજી એક ભાષા તરીકે ભણવા માટેની સગવડ ખરી. આવી સગવડ ફ્રેન્ચ અને સ્પેનિશ માટે પણ મળે. મેડિકલ સાયન્સ અને ઇલેક્ટ્રોનિક્સ માતૃભાષામાં જ ભણાવાય. મુંબઈમાં કૉન્વેન્ટ કલ્ચરમાં ઊછરતા ખાનદાન નબીરાઓના કૂતરાઓ પણ હવે ગુજરાતી નથી સમજતા. એક જમાનો હતો જ્યારે મુંબઈના ગુજરાતીઓ થોડુંક અશુદ્ધ મરાઠી બોલતા અને મહારાષ્ટ્રીયનો થોડુંક અશુદ્ધ ગુજરાતી બોલતા. હવે ગુજરાતીઓ અશુદ્ધ ગુજરાતી બોલે છે, મહારાષ્ટ્રીયનો અશુદ્ધ મરાઠી બોલે છે અને બંને પોતાને ખબર ન પડે એટલા આત્મવિશ્વાસથી ખોટું અંગ્રેજી બોલે છે. ટૅક્નોલૉજીમાં જપાન અમેરિકાથી થોડુંક જ આગળ છે, એટલું આ ખાનદાન ગુલામોને કોણ સમજાવે? અમેરિકાનું આઈ-કલ્ચર જપાનના વી-કલ્ચર સાથે નાતરું કરીને રહી પડ્યું છે. સરેરાશ જપાની નાગરિક વૈતરાપ્રેમી (વર્કાહોલિક) બનતો જાય એવી હવા છે. નવરાશની બીક લાગે તેવી માનસિક બીમારી અંગે સંશોધનો થયાં છે. કામ છોડીને જલદી ઘરે ચાલી આવનાર પતિને પત્ની ઝટ આવકારતી નથી, એવું પણ સાંભળ્યું. જપાનની કંપનીઓમાં મેનેજમેન્ટની ‘Z’ થિયરી પ્રચલિત છે, જેમાં સંચાલન અને કામદારો વચ્ચેનું અંતર ઘટાડવા પર ભાર મૂકવામાં આવે છે. જપાનનાં નૃત્યો, એનું સંગીત, એની ઝેનમૂલક ઋજુતા, લોકોનો પહેરવેશ અને સમગ્ર જપાની જીવનરીતિ સૂક્ષ્મ અમેરિકન આક્રમણ સામે હા૨વા બેઠી છે. જપાની પોશાકમાં સજ્જ એવી યૌવનાની આંખ એવી, જાણે કોઈ શિલ્પકારે સહેજ કાપો પાડીને પછી ફાટમાં નાની કીકી ગોઠવી દીધી ન હોય! આવી નમણી નજાકત જીન્સનાં પાટલૂનનું ખરબચડાપણું અપનાવી રહી છે. તમે જાવ તો ખાસ આટલું જોતા આવજો. બહુ ઓછાં જપાની સ્ત્રીપુરુષોની ફાંદ મોટી જણાશે. બધાં જાણે મારુતિ (સુઝુકી) મોટરગાડી જેવાં હળવાં અને ગતિશીલ. અહીંની સ્ત્રીઓ ગજગામિની નહીં. એ તો મૃગ જેવી ચપળ અને વળી મૃગનયની. ચપટા ચહેરાઓ કુમાશથી ભરેલા પણ શરીર બહુ સુડોળ ન દેખાય. કૃષિસમાજ ટૂંકા ગાળામાં ઔદ્યોગિક સમાજમાં રૂપાંતરિત થાય અને જે કંઈ ગરબડગોટાળા ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજિક ક્ષેત્રે થાય તે જપાનમાં હાલ થઈ રહ્યા છે. કશુંક સાચવી રાખવા જેવું, જાળવી લેવા જેવું ભૂંગળાં-સંસ્કૃતિને પનારે પડ્યું છે એવું લાગ્યા કરે. કોઈ પણ રાષ્ટ્રનો વિકાસ સાવ જ ‘growing pains’ વગરનો ન જ હોઈ શકે. જપાન પણ બીજા એશિયાઈ દેશોની માફક ઔદ્યોગિક વિકાસની આકરી કિંમત ચૂકવી રહ્યું છે. હવે બાશો પર આવું? પ્રવાસકથાઓ તો ઘણી વાંચવા મળે છે પરંતુ પ્રવાસકાવ્યોનું પ્રમાણ મર્યાદિત જણાય છે. એક રીતે એ સારું છે, નહીં તો કદાચ કાવ્યપદાર્થને નુકસાન પણ થાય. સત્તરમી સદીમાં જપાનના મહાન હાઈકુ-કવિ માત્તુઓ બાશોએ પોતાના પાછલા જીવનમાં પાંચ પ્રવાસકાવ્યો લખ્યાં. એ જમાનામાં કવિતા પર ઝેનપંથની ઊંડી અસર પડી હતી અને બાશો એ અસ૨ ઝીલવામાં અગ્રેસર હતો. એણે હાઈકુને ‘સત્તર’ના આંકડાની કેદમાંથી મુક્ત કર્યું. એનું સૌથી વધુ જાણીતું હાઈકુ આ રહ્યું : Breaking the silence of an ancient pond A frog jumped into water A deep resonance. એક પુરાણા તળાવની શાંતિ, દેડકો પાણીમાં કૂદે ત્યારે લુપ્ત તો થાય; પણ પછી શું? તો કહે, નિગૂઢ છંદોલય! અંગ્રેજીમાં ‘resonance’ એટલે ‘sympathetic vibration.’ આમ વર્ષોથી સૂના એવા તળાવની શાંતિની જગ્યા અશાંતિ નથી લેતી. બાશો અહીં દેડકાની છલાંગને અપ્રતિષ્ઠિત કરવા નથી માગતા. એ છલાંગનું પરિણામ નિગૂઢ છંદોલય. કવિ મૌનમાંથી પ્રગટેલા શબ્દને શબ્દસમાધિની ઊંચાઈએ લઈ જવા તાકે છે. ક્યોટો પાસેના ગામમાં બાશોનો જન્મ થયેલો. ગામના ઠાકોરના દીકરા જોડેની મૈત્રીમાં એણે પોતાની યુવાની વિતાવી અને એની સાથે રહીને હાઈકુ લખવાની શરૂઆત કરી. પછીથી એ ઈંડો (ટોકિયો) ગયો અને હાઈકુ લખવાનું ચાલુ રાખ્યું. પાછલાં વર્ષોમાં એ ઈંડોથી થોડે દૂર એક ઝૂંપડીમાં ક્ષેત્રસંન્યાસ લઈને રહેલો. સદીઓ પહેલાં ચીનનો એક સાધુ સાધન, સગવડ સલામતી કે ગુરુની પરવા કર્યા વગર હજારો માઈલના પ્રવાસે નીકળી પડેલો અને પરમ આનંદની અવસ્થા પામેલો. એ જ રીતે ઑગસ્ટની એક સવારે સુમીડા નદી પર આવેલા પોતાના ભાંગ્યાતૂટ્યા ઘરને છોડીને બાશો પાનખરના પવનમાં ઘોડા પર નીકળી પડ્યો. પ્રવાસો દરમિયાન એણે મંદિરો અને કવિઓ પર જ આધાર રાખેલો. પ્રવાસમાં એનો નોકર ચીરી પણ સાથે જ રહ્યો અને મિત્ર બની ગયો. બાશોની જેમ ચીરીએ પણ નાનાં પ્રવાસકાવ્યો લખેલાં. આ બધાં કાવ્યો ‘ધ નૅરો રોડ ટુ ધ ડિપ નૉર્થ ઍન્ડ અધર ટ્રાવેલ સ્કેચીઝ’ પુસ્તિકામાં સચવાયાં છે. પ્રકૃતિને ખોળે રમવા નીકળી પડેલા એક માનવબાળની નિર્દોષ મસ્તી આ નાનાંનાનાં કાવ્યોમાં માણવા મળે છે. આ કવિતાઓ ઊગતા સૂરજનાં કુમળાં કિરણોમાં દેવદારનાં વૃક્ષ પર બાઝેલાં ઝાકળબિન્દુઓ ચળકચળક થાય તેવી. બાશોની મસ્તી દુનિયાની સઘળી ફિકરની ફાકી કરીને બુદ્ધને શરણે ગયેલા ઝેન ફકીર જેવી. આ અલગારી રખડપટ્ટીની ઉપજ તો જુઓ! અજમાયશ ખાતર આ દુનિયા પર વળગેલી ધૂળને હું ઝાકળબિન્દુઓથી ધોવા માગું છું.

*

મકાઈના સફેદ ફૂલ પર બેઠેલું પતંગિયું પ્રેમની પ્રસાદી માટે પાંખો ફફડાવવા ઉત્સુક છે!

*

ત્રીજી મોટી મુસાફરી કરીને બાશો સન ૧૬૯૪માં ટોકિયો પાછો ફર્યો (આપણા દેશમાં ત્યારે ઔરંગઝેબનું રાજ તપતું હતું). પૂરી અઢી વર્ષની અલગારી રખડપટ્ટી પછી એણે નક્કી કર્યું કે કોઈને મળવું નહીં; કોઈને ત્યાં જવું નહીં. ‘જો કોઈ મને મળવા આવે તો મારે શબ્દો વેડફવા ન પડે. જો હું કોઈને ત્યાં જાઉં તો તેમનો સમય બરબાદ થાય. એટલે હવે મેં ઘરનું બારણું અંદરથી બંધ કરીને સંપૂર્ણપણે એકલા રહેવાનું વિચાર્યું છે. એકાંત એ જ મારું મિત્ર અને મારી ગરીબી એ જ મારી સમૃદ્ધિ!’ એક હાઈકુમાં બાશો કહે છેઃ માત્ર પ્રભાતના વૈભવ માટે જ હું મારાં બારણાં ખોલીશ, દિવસ દરમિયાન તો હું એ બરાબર વાસેલાં જ રાખીશ.

*

એ જ વર્ષની વસંતમાં બાશો પોતાના જીવનની આખરી મુસાફરીએ નીકળી પડ્યો. એ દરમિયાન જે કાવ્યો લખાયાં તેમાં મૃત્યુનો પડછાયો દેખાયા કરે છે : આ પાનખરના ઊંડાણમાં અને એની દૂરદૂર પથરાયેલી આ હવામાં મને કોણ જાણે કેમ એવું થાય કે મારા પાડોશી કોણ?

*

કવિતાની સર્જનપ્રક્રિયા વિશે ઘણું લખાયું છે. બાશોની સમજ કંઈક આવી છે : ‘જો તમે દેવદાર વિશે જાણવા ઇચ્છતા હો તો દેવદાર કને જાઓ અને વાંસ વિશે જાણવા ઇચ્છતા હો તો વાંસ કને જાઓ. આમ કરતી વખતે તમારે તમારી પૂર્વધારણાઓ બાજુએ મૂકી દેવી જોઈએ. એમ ન થાય તો તમે એ બાબત પર તમારી જાતને લાદતા હો છો. તમારી કવિતા આપોઆપ ત્યારે પ્રગટે છે જ્યારે તમે કોઈ બાબત સાથે એકાકાર બની રહો; જ્યારે તમે એમાં ઊંડા ખૂંપી જઈને કશીક ઝલક પામો છો. તમારી કવિતાના શબ્દો ગમે તેટલા સુંદર હોય તેથી શું? જ્યાં સુધી તમારા શબ્દો સહજ નથી અને જ્યાં સુધી, કોઈ ઘટના અને તમારા વચ્ચે જુદાપણું હોય ત્યાં સુધી કવિતા તમારી આત્મલક્ષી નકલમાત્ર છે.’ આ માન્યતાનાં મૂળ ઝેન વિચારધારામાં રહેલાં છે. જપાનના પ્રખ્યાત હાઈકુસર્જક અને ચિત્રકાર બસને બાશોનું મજાનું ચિત્ર દોર્યું છે, જેની નીચે એણે મૂકેલી પંક્તિઓ આ પ્રમાણે છે : કોઈની નિંદા ન કરો અને વળી તમારી પોતાની પ્રશંસા પણ ન કરો. જે ઘડીએ તમે બોલવા માટે તમારુંં મોં ખોલો છો ત્યારે પાનખરનો પવન હાલી ઊઠે છે અને તમારા હોઠો પર ઠંડી ફરી વળે છે.

*

ઈ. સ. ૬૨૫ની સાલમાં બોધિધર્મ કાંજિવરમને કાંઠેથી વહાણમાં બેસી ચીન ગયો. ત્યાં એણે આકરું તપ કર્યું અને બુદ્ધનો સંદેશો પહોંચાડ્યો. ભારતનું ‘ધ્યાન’ ચીનમાં ‘ચાન’ બન્યું અને જપાનમાં ‘ઝેન’ બન્યું. જીવનના અસ્ખલિત પ્રવાહમાં જીવનમય બનીને વહેતાં રહેવું એટલે ઝેન. મન ખરી પડે પછી ચેતનાનું મૌન પ્રગટે એમ બને. એક ઝેન સાધુની અનુભૂતિ નીચેની પંક્તિઓમાં વ્યક્ત થઈ છે : હું જ્યારે પુલ પરથી પસાર થાઉં ત્યારે પાણી નથી વહેતાં પણ પુલ વહે છે.

*

ઝેન સાધુઓનો અંતરવૈભવ ઝેન કથાઓમાં વ્યક્ત થાય છે. આજની આપણી લઘુકથાઓ કદાચ બુદ્ધકથાઓમાંથી જ પ્રેરણા પામી હશે. હિરોશિમામાં ભરાયેલી વિશ્વશાંતિ પરિષદમાં ભારતીય ડેલિગેશનના નેતા તરીકે વીસ મિત્રો સાથે જપાન જવાનું થયું ત્યારે હું રોજ એમને એક ઝેનકથા કહેતો. કાલે કોઈ મને ધર્માંતર કરવાની ફરજ પાડે તો હું ઝેનપંથમાં ભળી જાઉં. ઝેન ગુરુઓ માને છે કે રોજબરોજની નાનીમોટી ક્રિયાઓમાં જીવનનું રહસ્ય છુપાયું છે. ઝેન સાધકોમાં ચા બનાવવાનો રિવાજ છે; જેને ‘ટી સેરેમની’ કહે છે. ચા બનાવવાની સ્થૂળ ક્રિયા સાથે પણ એકરૂપ થઈને તદાકાર થવાનો સંકેત એમાં રહેલો છે. ઝેન એટલે જીવનમય અને ધ્યાનમય બનીને અંતઃસ્ફુરણાને અણસારે સત્યની શોધ અને સહજની સાધના. ઝેન ખેતી હોઈ શકે? જપાનના મત્સુયામા ઉપસાગરને અડીને આવેલી ટેકરીઓ પાસે ફુકુુઆકા રહે છે અને સવા એકરમાં ભાતની ક્યારી તથા સાડાબાર એકરમાં સંતરાની વાડીમાં દવા, યંત્રો, રાસાયણિક ખાતરો વગર થોડાક નીંદામણની મદદથી ખેતી કરે છે. ફુકુઆકા કહે છે : ‘વિજ્ઞાને એટલું જ બતાવી આપ્યું છે કે માણસનું જ્ઞાન કેટલું અલ્પ છે!’ આપણા ખેડૂતો જેને પરાળ કહે છે તેને ફુકુઆકા ઘણું મહત્ત્વ આપે છે. ફસલ લણાઈ જાય પછી પરાળને પાથરી દેવી અને પાણીનો ઉપયોગ કરીને બધું સડવા દેવું એ એની પદ્ધતિનું કેન્દ્રબિન્દુ છે. એમના પુસ્તકનું મથાળું છે : ‘The One-straw Revolution.” (એક તણખલાની ક્રાંતિ.) ખેતીને સિક્કામાં તોલવાનું શક્ય છે? ખેડૂત પાસે મનની શાંતિ હોવી જોઈએ. હાયવોય સાથે ખેતીને શો સંબંધ? એક દિવસ ફુકુઆકા પાસેના ગામમાં આવેલ બૌદ્ધ મઠમાં ગયો. મઠની દીવાલ પરની તકતીઓ પર વળગેલી ધૂળ સાફ કરી ત્યારે ડઝન જેટલાં હાઈકુ વાંચવા મળ્યાં. આવા નાનકડા ગામમાં પણ વીસેક જણાએ કવિતાઓ લખી હતી. ખુલ્લી હવા, નિરાંતથી ભરેલું જીવન અને ભરપૂર સંતોષ હોય તો જ આવું શક્ય બને. આમાંની કેટલીક કવિતાઓ તો સદીઓ પહેલાં લખાયેલી. આ ખેડૂતો કદાચ આર્થિક દૃષ્ટિએ ગરીબ હતા પણ એમની પાસે કવિતા લખવા જેટલો સમય તો હતો જ! ફુકુઆકા કહે છે કે આજે જપાનમાં એક પણ ગામ એવું નથી જ્યાં કવિતા લખવાની ફુરસદ કોઈને હોય. ‘અહીં અને અત્યારે જીવવું એ જ માણસના જીવનનો સાચો પાયો છે. કેટલાક લોકો એવી રીતે જીવે છે જાણે તેઓનો સઘળો આધાર સ્ટાર્ચ, ચરબી, પ્રોટિન હોય અને છોડવાઓનો સઘળો આધાર નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશિયમ હોય.’ આ વિચારો પણ મૂળે ઝેન કુળના જ છે. જપાનની વાત કરતી વખતે મારે બુલેટ ટ્રેનની, ત્યાંના ડિઝનીલૅન્ડની, ગેઈશા ગર્લ્સની, ટોકિયો ટાવરની, મઝદા કાર ફેક્ટરીની, ઇલેક્ટ્રોનિક્સના સ્વર્ગની અને ધરતીકંપોની વાત નથી કરવી. જપાન જવાનું હવે થાય ત્યારે ટોકિયો સિવાયનું જપાન જ મારે જોવું છે. મને તો લાગે છે કે જે તે દેશનો પરિચય કેળવવો હોય તો એની રાજધાનીની મુલાકાત લેવાનું ટાળવું જોઈએ. ટોકિયોને ન્યૂયૉર્કનું ‘સિસ્ટર સિટી’ કહેવામાં આવે છે. આ કંઈ પ્રશંસા ન ગણાય. કોઈ દેશનો લોકાત્મા તેના મુખ્ય શહેરમાં નથી વસતો. આ વાત સમજવામાં હું મોડો પડ્યો છું પણ હજી છેક મોડું નથી થયું. સંતરાને ફૅન્ટા કે ગોલ્ડસ્પૉટ દ્વારા પામવાની જાણે આપણને ટેવ પડી ગઈ છે. ખરું જપાન ટોકિયોમાં નથી.

[આપણે પ્રવાસી પારાવારનાં, ૧૯૯૨]