ગુજરાતી પ્રવાસસાહિત્ય સંપદા/નગ્નતાના સાન્નિધ્યમાં!

From Ekatra Wiki
Jump to navigation Jump to search

૩૧
ભગવતીકુમાર શર્મા

નગ્નતાના સાંનિધ્યમાં!





ગુજરાતી પ્રવાસસાહિત્ય સંપદા • નગ્નતાના સાન્નિધ્યમાં! - ભગવતીકુમાર શર્મા • ઑડિયો પઠન: શ્રેયા સંઘવી શાહ



મારી ચોમેર બધું, બધ્ધું જ નાગું ઉઘાડું હતું : દરિયો, રેતીનો અફાટ પટ, ઉપર ઝળુંબતું ભૂરું આકાશ, ચારેય દિશાઓ, વૃક્ષો, ગગનમાં ચકરાવા મારતાં પંખીઓ અને મનુષ્યો! માત્ર અમે બે, હું અને મારા યજમાન મિત્ર એ નમતી શાન્ત સાંજે ન્યૂ જર્સીના સૅન્ડી હુકના સમુદ્રતટના એક ભાગરૂપ ન્યૂડ બીચ પર ઘૂઘવતા ઍટલાન્ટિકના સાંનિધ્યે ઢાંક્યાઢબૂર્યા હતા અને તેથી જ સમગ્ર પરિવેશથી સાવેસાવ અલગ પડી જઈ અટૂલાપણા અને સભરતાની સમાંતર અનુભૂતિઓમાં ડૂબ્યે જતા હતા. જિન્દગીમાં પ્રથમ જ વાર હું આટલાં બધાં મનુષ્યોના સમુદાયને નખશિખ નિર્વસ્ત્ર સ્થિતિમાં નરી આંખે નિહાળી રહ્યો હતો! એ લોકોના જીવનની એ કદાચ રોજિંદી, કહો કે સાપ્તાહિક ચર્યા અથવા ઘટના હશે, પરંતુ મારે માટે, એક ભારતીય, ગુજરાતી જણ માટે તો તે એક અભૂતપૂર્વ જોણું જ હતું અને તેથી હું એક સાથે અનેક લાગણીઓ, વિચારોથી ઘેરાઈ રહ્યો હતો. એમ કહો કે એક સમુદ્ર મારી દૃષ્ટિ સામે ઘૂઘવતો હતો અને વિચારાન્દોલનોનો બીજો દરિયો મારી ભીતર ઊમટી પડ્યો હતો. એમાં કેટલીયે લાગણીઓ પરસ્પર વિરોધી હતી. અપાર કૌતુક હતું. ત્રેસઠ વર્ષની વયે નગ્ન માનવશરીર વિશે એટલું કુતૂહલ ન પણ હોય, પરંતુ જે રીતની નિર્વસનતા અહીં નિર્બંધપણે વિસ્તરી હતી તે કૌતુકપ્રેરક લાગે તેવી હતી. તો એ કૌતુક સંતોષાઈ રહ્યું હતું તેનો ભાવ પણ મનમાં પથરાયો હતો. આટલાં બધાં મનુષ્યો, પુરુષો અને સ્ત્રીઓ સમૂહમાં, જાહેરમાં કશી છોછ વિના, નિર્વ્યાજ સાહજિકતાથી અથવા નિષ્ફિકર નિર્લજ્જતાથી નિર્વસ્ત્ર થઈને હરી-ફરી-રમી – ખેલી શકે છે તેનું આશ્ચર્ય મનને કિનારે સમુદ્રતરંગોની જેમ પછાડા મારતું હતું. મનમાં કશીક સૂક્ષ્મ લાગણી કેથાર્સિસની, તાણમુક્તિની પણ રસળતી હશે. મારી સંપ્રજ્ઞાત, અર્ધસંપ્રજ્ઞાત, અજાગ્રત એષણાઓનું આવું સ્પષ્ટ, કહો કે ઉઘાડું પ્રતિબિમ્બ નિહાળીને કશીક અવ્યાખ્યેય મોકળાશનો હું અનુભવ કરતો હોઉં તે પણ શક્ય હતું. યાદ આવે છે : ઘણાં વર્ષો સુધી મને વારંવાર એક સ્વપ્ન આવતું હતું : જાણે કોઈક જાહેર સમારંભમાં મારા શરીર પરનાં બધાં વસ્ત્રો ઊતરી જાય છે અને હું અકથ્ય મૂંઝવણમાં મુકાઈ જાઉં છું, અથવા બાથરૂમમાં સ્નાન કર્યા પછી અન્યમનસ્કપણે હું શરીર પર ટુવાલ વીંટાળ્યા વિના જ બહાર નીકળું છું અને પરિસ્થિતિનું ભાન થતાં ધરતી માર્ગ આપે તો તેમાં સમાઈ જવાની ઇચ્છાથી ઘેરાઈ જાઉં છું. આ મુદ્દાને કેન્દ્રમાં રાખીને મેં ‘ટેન્શન’ શીર્ષકની એક વાર્તા લખી હતી. તે પછી મને કોઈ દિવસ મારે વિશેનું આવું સ્વપ્નું આવ્યું નથી! શક્ય છે, કે વાર્તા લખવાથી મને કેથોર્સિસનો અનુભવ થયો હોય. પરંતુ ન્યૂડ બીચ પરની તે સાંજે મારા મનમાં એ જ એકમાત્ર અનુભૂતિ ન હતી. મારી હેતુલક્ષી સમાજાભિમુખતા મને પ્રશ્ન કરતી હતી. આ હંગામી વસ્ત્રમુક્તિથી આ મનુષ્યો કયો હેતુ સિદ્ધ કરી શકતાં હશે? સમાજસ્વીકૃત આમન્યાઓના આવા અલ્પકાલીન પરિત્યાગથી આખરે શું સિદ્ધ થતું હશે? વ્યક્તિસ્વાતંત્ર્યની વિભાવનાને આ ચરમ બિન્દુ સુધી લઈ જવાનું શું સાચે જ અનિવાર્ય હશે? તાણમુક્તિ, મનની નિરામયતા, એ બધું સિદ્ધ કરવા માટેના કશાક બીજા, ઊર્ધ્વતર ઉપાયો શું ઉપલબ્ધ નહિ હોય? માનસિક અજંપાની કઈ પરાકાષ્ઠા આ માનવીઓને આ સ્થિતિ સ્વીકારવા વિવશ કરી ગઈ હશે? એવી કોઈ અડાબીડ હતાશાથી તેઓ ઘેરાયાં હશે કે કાંચળી ઉતારતા સાપની જેમ વર્તવાનું તેઓને અનિવાર્ય લાગ્યું? સપૂચા સુખવાદને માણી લેવાની વૃત્તિનું આ શિખર હશે? કે પછી મનની કશીક નિરામય, આધ્યાત્મિક સ્થિતિ સુધી તેઓ અલપઝલપ પહોંચ્યાં હશે? નગ્નતામાત્રનો તિરસ્કાર કરવા જેવી બાલિશ મનોદશામાંથી તો હું ખાસ્સો મુક્ત છું, પરંતુ આ સામુદાયિક નિર્વસનતા પાછળની માનસિકતાને સમજવાનું મારું મોકળું, ઉઘાડુંફટાક મનોવલણ તો હતું જ. મારા આ બધા મનોમન પ્રશ્નોના ઉત્તરો આપવા તે ઘડીએ ત્યાં કોઈ કે કશું ઉપલબ્ધ ન હતું. પેલાં નગ્ન માનવીઓની નિકટ જઈ, તેઓની સાથે વાતચીત કરી તેઓના મનોભાવોનો કિંચિત્ તાગ મેળવવાની મારામાં હામ પણ ન હતી, એટલું જ નહિ, એ માનવીઓ તંતોતંત એવાં તો આત્મમસ્ત હતાં કે તેઓની પાસે જઈ તેઓને ડિસ્ટર્બ કરવામાં અવિવેક થાય તેવું પણ મને લાગતું હતું. એટલે તેઓથી ડિગ્નિફાઇડ ડિસ્ટન્સ જાળવી સાક્ષીભાવે સર્વ નિરીક્ષણ કરવાનું મેં નક્કી કર્યું. એ વિવસ્ત્ર લોકો અને અમે સવસ્ત્ર : બંને મુખોમુખ થાય તો તુમુલ કૉન્ટ્રાસ્ટ રચાય જે કદાચ અણઘટતી સ્થિતિનું સર્જન કરે તેથી પણ તેને ટાળવામાં જ ગૌરવ હતું. હું અને મારા યજમાન ધીમે ધીમે રેતીના પટ ઉપર આગળ વધ્યા. ગોરાં, નિર્વસ્ત્ર સ્ત્રી-પુરુષો નાનાં નાનાં જૂથોમાં અહીંતહીં વીખરાયેલાં હતાં. તેઓમાંનાં કેટલાંક સમુદ્રજળ સાથે ગમ્મતગુલાલની છોળ ઉડાડતાં હતાં, કેટલાંક રેતીમાં સૂતાં, બેઠાં કે ઊભાં હતાં. એક નિર્વસ્ત્ર મનુષ્ય-જૂથ વૉલીબૉલને મળતી આવતી રમત રમવામાં મગ્ન હતું. તેઓનાં શરીરો દડાની ગતિ અને દિશાની સાથોસાથ ઊછળતાં હતાં અને તેને કારણે સાવ નોખા જ પ્રકારની લયબદ્ધ આકૃતિઓ હિલોળાતી હતી, જે સમુદ્ર અને આકાશની પાર્શ્વભૂને કારણે વિશિષ્ટ લાગતી હતી. ક્યાંકથી ટ્રાન્ઝિસ્ટર કે ટેઇપરેકોર્ડર પરથી પાશ્ચાત્ય સંગીતના સૂરો લહેરાતા હતા. એક સ્થળે રેતી પર ટુવાલ, શેતરંજી કે એવું કશુંક પાથરીને એક ગોરી સ્ત્રી નિતાંત આકાશ ભણી મોઢું રાખીને પૂરી મોકળાશથી સૂતી હતી અને તેની પાસે એક કાળો પુરુષ બેઠો હતો. બંનેનો વસ્ત્રવટો પરિપૂર્ણ હતો. એક સ્થળે એક નિર્વસ્ત્ર ગોરી યુવતી જાણે કોઈકની પ્રતીક્ષા કરતી હોય તે રીતે ઉઘાડા ઘૂંટણ પર માથું ટેકવીને બેઠી હતી. એક દૃશ્ય જરાક વધારે રોમાંચક હતું. સ્ત્રી-પુરુષનું એક યુગ્મ ચુંબનમાં પરોવાયું હતું. આમ પણ અમેરિકામાં આવાં દૃશ્યોની ન તો કશી નવાઈ છે, ન છોછ. યાદ આવે છે યુનિવર્સલ સ્ટુડિયોની અમારી મુલાકાતનો એ નમતો પહોર. સમગ્ર હૉલિવુડનો લાંબો આંટો મરાવતી નાનકડી રેલગાડી કે ટ્રામકારમાં સ્થાન મેળવવા માટે સેંકડો નર-નારી બાળકો શાંતિથી, શિસ્તબદ્ધ રીતે કતારમાં ઊભાં હતાં અને કતારની સાથે આગળ વધતાં હતાં. ઉનાળો હતો અને વળી અમેરિકાના ભાગમાં ગ્રીષ્મ ઋતુ વધારે આકરી તપે છે તેથી ઘણાં બધાં લોકોએ શક્ય એટલાં ઓછાં અને આછાં વસ્ત્રો પહેર્યા હતાં. બરાબર મારી આગળ સ્ત્રી-પુરુષનું એક જોડું હતું. તેઓ વચ્ચે અગાધ અસમાનતા વર્તાતી હતી. પુરુષ લગભગ મારી ઉંમરનો. અવ્યવસ્થિત દાઢી-મૂછમાં સફેદ વાળની બહુમતી. એની સાથેની સ્ત્રી, કહો કે કન્યા, માંડ અઢાર-વીસની. બે વર્ષ વધારે ઓછાં. એ માળાં હતાં તો લાંબીલચ્ચક કતારનો જ એક ભાગ, અને કતારને ઠેલે ઠેલે તેઓ આગળ વધતાં હતાં, પણ વર્તતાં હતાં એવી રીતે કે જાણે કતારથી શું, આખી દુનિયાથી કપાઈને ઊભાં હતાં! તેઓ વચ્ચે ભાગ્યે જ કશોક શબ્દવિનિમય થતો હતો, પરંતુ તેઓનાં શરીર નિરંતર કંઈક ને કંઈક બોલ્યે જતાં હતાં. હાથ, પગ, હોઠ, ગાલ સર્વનું વાચાળપણું તડોતડ ફૂટ્યે જતું હતું. આપણે તો રહ્યા ગુજ્જુ જણ, વળી લેખક મૂવા, એટલે મન-હૃદય-આંખ-કાનનાં બધાં બારી-બારણાં ઉઘાડાં રાખીને જ જીવવાની આદત અથવા વૃત્તિ વર્ષોથી કેળવાયેલી. વળી આવાં દૃશ્યો હૉલિવુડની ફિલ્મો સિવાય ભાગ્યે જ ક્યાંક જોવા મળેલાં. વાસ્તવજીવનમાં તો મુદ્દલ નહિ, એટલે આંખોમાં કુતૂહલનો સુરમો અંજાય તેમાં શું આશ્ચર્ય! પણ અમારા જેવાં થોડાંક ભારતીયજનોના આવા સ્પષ્ટ કુતૂહલને બાદ કરતાં ત્યાં જે બીજાં સેંકડો માણસો હતાં તેઓ પેલાં વૃદ્ધ પુરુષ અને જુવાનજોધ કન્યાની શારીરિક પ્રણયચેષ્ટાઓની નોંધ સરખીયે લેવા પૂરતાં સભાન ન હતાં, કેમ કે તેઓને માટે તેમાં કશું આશ્ચર્યપ્રેરક કે અસાધારણ નહોતું. આવાં દૃશ્યો તેઓની જીવનશૈલીના એક સહજ ભાગરૂપ હતાં. આપણી આંખો તો શેરીમાંની શ્વાનક્રીડા જોઈનેય વિસ્ફારિત થઈ જાય! અમેરિકામાં સાર્વજનિક પૂરેપૂરાં નહિ તો અંશતઃ શ્વાનવત્ વર્તતાં સ્ત્રીપુરુષોયે કશું કૌતુક નિપજાવી શકતાં નથી! અતિ પરિચયાદ્ અવજ્ઞા! અથવા અમેરિકી પ્રજા આવાં દૃશ્યોથી પ્રવર્તતી કૌતુકની લાગણીને પ્રગટ ન કરવાની કળા વિકસાવી ચૂકી હશે! નોંધ તો સૅન્ડી હુકના બીચ પરની એ ઘેરાતી સાંજની અમારી હયાતી કે હાજરીની પણ કોઈ કરતાં કોઈએ ન લીધી! ત્યાં તે સમયે જે કૂડીબંધ વિવસ્ત્ર માનવીઓ હતાં તેમાંના કોઈને અમારી તરફ મટકું મારીને જોવા જેટલીયે કદાચ નવરાશ ન હતી! તેઓની આગવી દુનિયામાં અમે નર્યા આગંતુક હતા, વણજોઈતા અતિથિ હતા, કહો કે ટ્રેસપાસર્સ હતા. પૂરેપૂરાં કપડાં પહેરીને ત્યાં જવામાં અમને કશો કાનૂની બાધ તો નડતો ન હતો, પરંતુ અમે એ નાગાંપૂગાં મનુષ્યોના અલાયદા, આગવા મનોવિશ્વમાં, ના, શરીરવિશ્વમાં અતિક્રમણ તો કર્યું જ હતું. અમારાં વસ્ત્રોને પોતાની ઉઘાડી ત્વચા સાથે સરખાવીને ભોંઠાં કદાચ તેઓ પડી કે દેખાઈ શક્યાં હોત. તેઓ અમારા પર ક્રુદ્ધ પણ થઈ શક્યાં હોત. અમને અપમાનિત કરીને તેઓ ત્યાંથી હાંકી યે કાઢી શક્યાં હોત. પરંતુ આશ્ચર્યચકિત થવાનું અને ભોંઠા પડવાનું અમારા ભાગ્યમાં લખાયેલું હતું! સંખ્યાદૃષ્ટિએ તેઓની પ્રચંડ, કહો કે નગ્ન બહુમતી હતી, જ્યારે સવસ્ત્ર એવા તો રોકડા અમે બે જ જણ હતા! અમારી વસ્ત્રસભર દુનિયામાં તેઓ પ્રવેશ્યાં ન હતાં. એ દુનિયાને તેઓ દૂર પાર્ક કરેલી પોતાની મોટરકારોમાં મૂકતાં આવ્યાં હતાં. ગાડીઓમાં છોડેલી એ દુનિયા અત્યારે તો તેઓનાથી ખાસ્સી વેગળી હતી. કલાક-બે કલાક પછી ફરીથી તેઓ અમારા જેવી કપડે મઢી દુનિયામાં પુનઃ પ્રવેશી જશે અને ત્યારે તેઓને જોનારાઓને ખ્યાલ પણ નહિ આવે કે આ જ લોકો થોડાક સમય પહેલાં એક સીમિત છતાં વિશાળ વિસ્તારમાં માએ જણ્યાં હોય તેવી સ્થિતિમાં હતાં! એ સ્થિતિ મનુષ્યમાત્ર માટે ન તો અજાણી છે, ન અસામાન્ય. પ્રત્યેક મનુષ્ય ક્યારેક ને ક્યારેક તો એ સ્થિતિમાં પ્રવેશે જ છે, સ્નાનગૃહમાં અને શયનખંડમાં અને પછી પાછો ફરી જાય છે. આ લોકોએ પોતાની વિવસ્ત્રતાની સીમા થોડીક વિસ્તારી હતી. બાથરૂમ અને બેડરૂમથી સી-બીચ સુધી. આ ક્ષણે અમે તેઓના નિર્વસ્ત્ર વિશ્વમાં પ્રવેશી અટૂલાપણાનો ભાવ અનુભવતા હતા. અમે તેઓની સાથે ભળી ઓગળી જઈ શકીએ તેમ ન હતા. અમને અમારાં વસ્ત્રો અમારી ત્વચા જેટલાં જ વહાલાં અને અનિવાર્ય લાગતાં હતાં. તેઓએ અમને ઇજન આપ્યું હોત તોયે અમે તેનો ઇનકાર કર્યો હોત. અમારાં જીન્સ અને હૉર્મોન્સમાં નગ્નતાના આવા સાર્વજનિક સ્વરૂપ અથવા પ્રદર્શનને સ્થાન ન હતું. નગ્નતા અમારે માટે પ્રાકૃતિક છતાં નિતાંત અંગત સ્થિતિ હતી. તેઓમાં ન ભળી શકવા બદલ તેઓની ક્ષમા માગવાની અમારી તૈયારી હતી, પણ નળ-દમયંતીની જેમ અર્ધવસ્ત્રાવૃત થવાનું યે અમારું જરા જેટલું વલણ ન હતું. મારે નિખાલસપણે લાગલું કબૂલ કરવું જોઈએ કે અમારી આસપાસ કૂડીબંધ નગ્ન માનવ-શરીરો સાહજિક પ્રવૃત્તિઓમાં સક્રિય હોવા છતાં ક્યાંય અમને કશીયે અશ્લીલતા કે બીભત્સતાનો કે તજ્જન્ય જુગુપ્સાનો અનુભવ થતો ન હતો. અમને એમ લાગતું હતું કે જાણે આ બધાં ‘grown up children’ ઉંમરલાયક બાળકો છે અને પોતાની નૈસગિક ક્રીડાઓમાં રમમાણ છે. નગ્નતા હતી, પણ જાતીયતા ન હતી, અથવા કહો કે નહિવત્ હતી. નગ્નતા માત્ર જો અશ્લીલતા જ હોય તો નાગાં ઉઘાડાં શિશુઓ આપણને બીભત્સ લાગવાં જોઈએ, પરંતુ ઊલટું એવાં બાળકો ક્યારેક તો વધારે વહાલાં લાગે છે. નગ્નતા શરીરને તો અવિનાભાવે વળગેલી છે, પણ મનુષ્ય તરીકે આપણે તેને ધારીએ ત્યારે અને તે રીતે આવૃત કરી શકીએ છીએ. મનની આવૃત-અનાવૃત નગ્નતાનાં દર્શન ક્યારેક તો આપણને છળાવી મૂકે તેવાં હોય છે. આ એક વિદ્રોહ હતો તે નિઃશંક છે. તેનાથી માનેલી સ્વતંત્રતાનો તેઓને અનુભવ થતો હશે તેમ માની શકાય. શયનકક્ષમાં પણ નરવા, મોકળા ન બની શકતા માણસોથી આ સામા છેડાનું દૃષ્ટાંત હતું. તે અનિવાર્ય ન હતું. પરંતુ અપાર વિરોધાભાસોના સહઅસ્તિત્વથી ભરેલી આ દુનિયામાં આવું પણ સંભવી શકે એમ માનીને તેને નિભાવી-સ્વીકારી લેવું ઘટે. બીજી તરફ દુનિયાનાં કરોડો માણસો હજી પણ અંગ ઢાંકવા પૂરતાં વસ્ત્રો મેળવી શકતાં નથી. તેઓની ફરજિયાત નગ્નતા કે અર્ધનગ્નતાનો આ સમૃદ્ધ ‘સુખી’ માનવસમૂહની સ્વૈચ્છિક, સ્વ-સર્જિત વિવસ્ત્ર સ્થિતિ સાથે કોઈ મેળ મળતો ન હતો. એક પા નરી લાચારી, બીજી પા ફૅન્ટસી જેવી સ્થિતિમાં પ્રવેશતી પ્રણાલિકાભંજનવૃત્તિ. સાંજના પડછાયાઓ લંબાતા જતા હતા. અમારું કુતૂહલ, કહો કે અમારી કૌતુકરાગિતા શમવાને આરે હતાં. હવે આનાથી વધુ કે જુદું અહીં કાંઈ જોવા-અનુભવવા મળવાનું ન હતું તેની અમને પ્રતીતિ થવા લાગી હતી. આથી અમે એ ન્યૂડ બીચ પરના અમારા પડાવને સંકેલવા માંડ્યો. ઝાઝું સંકેલવા જેવું હતું જ નહિ. શેતરંજીની જેમ પાથરેલો ટુવાલ ખંખેરીને તેની ગડી વાળી દઈ યજમાને તેને પોતાની હેન્ડબૅગમાં મૂકી દીધો. અમે રેતીમાં ઊભા થઈ ગયા. દૃષ્ટિ અમારી હજી સમુદ્ર અને આકાશના મિલનની ક્ષિતિજરેખા ઉપર તથા ત્યાં તરવરતી નગ્ન મનુષ્યાકૃતિઓ ઉપર નોંધાયેલી હતી. પછી અમે એ દૃષ્ટિને સર્વગ્રાહિતાનું પરિમાણ આપ્યું. અંધારાં હળુહળુ ઊતરી રહ્યાં હતાં. સમુદ્ર અને ગગનની પાર્શ્વભૂમાં તરવરતી નગ્ન માનવાકૃતિઓની ઝિલમિલાહટ ઝાંખી પડતી જતી હતી. ‘ચાલીશું?’ યજમાને મને પૂછ્યું. મેં હકારમાં ઉત્તર આપ્યો. અમે એબાઉટ ટર્ન કર્યુ. મંદ પગલે અમે રેતનો પટ વટાવતા કાંઠા તરફ આગળ વધ્યા. બધું ધીમે ધીમે પાછળ છૂટતું જતું હતું. સમુદ્ર, ક્ષિતિજ, રેતી, પંખીઓ, કલરવ અને નગ્ન મનુષ્યાકારો. અડધોક કલાક પહેલાં અમે અહીં આવ્યા ત્યારે અમારી, મારી આંખોમાં કુતૂહલનું કાજળ અંજાયેલું હતું હવે તે સંતોષાઈ ગયું હતું. મનમાં કશો ઉશ્કેરાટ કે ઉત્તેજના ન હતાં. એક પ્રકરણ ઊઘડ્યું હતું અને કશી પરાકાષ્ઠા વિના સમાપ્ત થઈ ગયું હતું.

[અમેરિકા, આવજે..., ૧૯૯૭]