ગુજરાતી પ્રવાસસાહિત્ય સંપદા/પારીસ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ડોસાભાઈ કરાકા

પારીસ

[એ શેહેરની ખુબસુરતી – ઊંચી જગા ઊપરથી દેખાવ – રાતની વેળાનો દેખાવ – દીવાળી – દુકાંનો – પોંહોચખાંના – હોટેલ ડુ લુવર – રેસટોરાં – કાફી પીવાનાં ઘરો – બુલવારટનાં ખુબસુરત મોહોલ્લા – રસતાઓ મધેનો મેલો –રીઊ ડી રીવોલી સોભઈતા ચોક – પલાસ દી લા કાનકારડ – પાલે રાએલ – પલાસ ડુ શાટેલ – પલાસ વેનડોમ – કાલમ ડી લા બાસટીલ – ફુંઆરા – જાહેર બાગો – ચાંજ ઇલીસીસ બાગ – તે મધે થાતી રમતો – ટુઇલરી મેહેલને લગતો બાગ – લુકશાંઓ મેહલને લગતો બાગ – બુઈ ડી બુલોન – ઇતીઆદી.]

એક મોટા મેહેલમાં જવાને વાસતે પેહેલાં તેનો બાગ પસાર કરવો પડે છે, તેમ ૭૬૨ માઇલનો ફરાનસનો બાગ પસાર કરીઆ પછી આપણે જે મેહેલમાં જઈ પોંહોંચીએ છે, તે મેહેલ તેનાં બાગને ખરેખર લાએક છે. પારીસ આવી પોંહોચીઆ પછી આપણે શું જોઈએ છે? જે તાંહાં આગળ નહી ગયો હશે, તેણે દુનીઆંના કોઈ બી ભાગ ઉપર તેવું શેહેર જોયું નહી હશે. આ દુનીઆમાં આપણે વશીએ છે, અને બેહસતનું કોઈ બયાંન કરે તે આપણા ધીઆંનમાં ઉતરે નહી, અને આપણે એટલું જ ધારીએ કે, અલબતાં તે ઘણું સારૂં અને ઘણુ મોટું હશે, પણ આપણે તેનો ખીઆલ કરી શકસું નહી, તેજ મીસાલે પારીસ એવું તો ખુબસુરત અને રળીઆમનું શહેર છે, કે તેને જોવાની આગમચ આપણે તે વીશે કસો વીચાર બાંધી શકતા નથી. આખી દુનીઆંમાં પારીસ સઉથી ખુબસુરત શેહેર છે, એવું જે કેહેવામાં આવે છે, તેમાં કસો સંધે નથી, શું તેના મેહેલોની બાંધણી તથા જાહોજલાલી, શું તાંહાંનાં બાગોની ખુબસુરતી, શું તેના બેહુ બાજુએ રોપેલાં ઝાડ સાથેનાં ધોરી રસતાઓનો દેખાવ, શું તેની ઇમારતોની ખુબસુરતી અને સોભા, શું તેની આરામ લેવાની અને લોકોને બેસવાની કુશાદે જગા. શું તેની કીમતી અને આરાસતગે કીધેલી દુકાંનો, શું તેઓનો બાહેરનો દેખાવ, શું તાંહાંના તમાશાના તથા મોજના ઘરો તથા તેમની અંદરની ગોઠવણ, શું તેના નામીચા શખસોના સંગેમરમરનાં પુતળાંઓ, શું તેના બુલંદ દરવાજાઓ અને તેમની ઉપરની કારીગરીઓ, શું તેની બેહદ ફરવાની જગાઓ અને તે ઉપર રાત અને દીવસ ઉડતા ખુબસુરત અને ખુશનુમાં ફુંઆરાઓ, શું તાંહાંના રસતે રસતે ખુશી ભરેલા ચેહેરા સાથે લોકોના ટોળાંઓ, તથા તરેહવાર તલેસમાતી દેખાવો – એ સઘળું જોઈને કોણની નજર અને કોણનું દીલ અચરત નહી થાએ, અથવા હરખ નહીં પાંમે? જો કોઈ શખસ એક સાધારણ ગાંમમાં રહેતો હોએ અને તેણે આ પુરૂથવી ઉપરના વચલે વાંઘેના શહેરોજ જોયાં હોએ, અને આપણે એમ કબુલ રાખીએ કે તે શખ્સ બેહેસતને વાસતે વીચાર કરવા બેસે, કે તે કેવું હશે, તો તેના ખીઆલની બાંધણી પણ, જે દેખાવ અતરે જોવાંનો છે, તેની બરાબર આવી શકસે નહી. એ બાબદ વધારે લખવાનું બંધ કરીએ છે; કાંએજે આપણા મગજ ઉપર જે અસર થાએ છે, તેનુ બયાંન કલમથી થતું નથી અને પારીસ શેહેરનો જે હેવાલ કલમથી આપવા જોગ છે, તે આપવાનું શરૂ કરીએ છ.

હરેક શેહેરમાં જતાં જ મુસાફરને પહેલાં તે શેહેરનો આખો દેખાવ જોવાની ઘણી ખાહેશ થાએ છે, તે પુરી પાડવાને આ શેહેર વીશે પુરતા ઉપાએ છે, ‘નોટરડામ’ તથા ‘પાનથીઅંન’નાં ઉંચા દેવળો તથા ‘ટાઅર આફસેંટ જાકસડી લાબ્રોસર’ તથા બીજી ઉંચી જગાઓ તથા ઉંચા થાંબો ઉપરથી શેહેરેનો આખો દેખાવ આપણી નજરે પડે છે. ઉપલો ‘ટાઅર’ ૧૮૭ ફુટ ઉંચો છે અને તેની ઉપર પોંહાચતાં ૨૯૪ પગથીયાં ચહડવાં પડે છે, તેથી ચહડનાર થાકે છે, પણ ઉપર ગયા પછી તેની મેહેનતનો બદલો પુરતી રીતે મળે છે. આહા! શું સુંદર દેખાવ!! મોટાં દેવળો ઘરોની વચમાં સરદારની માફક ઊભેલાં છે. એક બાજુએ સીન નદી વેહેતી ચાલી જાએ છે અને તેની ઉપરનાં પુલો આદમી તથા ગાડી ઘોડાનાં આવજાવથી રળીઆમણા દેખાએ છે. રોનકદાર અને ખુબસુરત અને ઘણા માળનાં ઘરો અને સોભઈતી દુકાંનવાળા મોહોલ્લા, રસતા, ચોકો, જગોએ જગોએ ઊભા કરેલા નામીચા શખસોનાં પુતળાં, ખુબસુરત કુંઆરા, જગે જગે અને ચકલે ચકલે, અને ચોકે ચોકે બાગો, અને રસતાની કોરેના ઝાડો આપણી નજર આગળ એક તલેસમાતી દેખાવ લાવી ઉભો કરે છે. જે શખસે આગલ પારીસની ખુબસુરતી વીશે સાંભલીઉ હોએ, તેને ઉપર જણાવીઆ પરમાણેનો દેખાવ જોયાથી કાંઈએક ધીરજ આવે, પણ જે તેણે અંતરેથી એક નજરે જોયું, તે નીચે ઉતરી છૂટું છુટું જોવાને તથા દરેક ચીજની આગળ જઈ તેની ખરી ખુશાલી ભોગવવાને અધીરો થાએ છે. એ શેહેરનો દેખાવ દીવસમાં ખુબસુરત લાગે છે તેમ રાતને સમએ પણ હોએ છે. દીવસમા ઉજરદુ અને રાતનાં અંધારુ, એમ એ શેહરમાં નથી. આખું શેહેર પુર રોશનીથી રાતની વેળાએ નરૂ હીરાજડીત બની રહે છે. મુંબઈમાં તો પાંચ દાહાડાજ દીવાળી છે, પણ પારીસમાં તો સદાકાળ દીવાળી ચાલુ રેહે છે; વરસના ૩૬૫ દાહાડામાં કોઈ દાહાડો દીવાળી વગરનો હોતો જ નથી. આપણી પાંચ દાહાડાની દીવાળી પારીસની હંમેશની દીવાળી આગળ કસા હીસાબમાં નથી. મુંબઈમાં તો આપણે હાંડી, અને ઝુંમરમાં દીવા સળગાવી તથા તરેવાર આરસીઓ બાંધી દીવાળી કરીએ છઈએ; પણ પારીસની દીવાળી અજબ તરેહની છે. રસતાની બંધે બાજુએ સરખે તફાવતને રોનકદાર થાંબલાઓની ઉપર ‘ગીઆસ લાઇટ’ના ફાંનસો સળગાવેલાં હોએ છે. ગીઆસની એક રોશની સાધારણ દીવાની તરણ રોશનીની બરાબર હોએ છે. એથી કરીને આખી રાત રસતા ઉપર જેવું જોઈએ, તેવું અજવાળું પડે છે. દુકાંનદારો પોતાની દુકાંનની અંદર ઘણી જ સોભઇતી રોશની કરે છે, અને તેઓની બાહેરની બારી સઘળી મોટા કાંચોની હોએ છે, તેણે કરીને તે દુકાંનમાં મેલેલો તહેવાર અને ખુબસુરત માલ ઘણો જ દીપી નીકળે છે. એ દુકાંનોની ઘણીખરી ઘરાકી રાતના થાએ છે, તેથી તેમનો દેખાવ સરસ કરવાને તેમના માલેકો ચુકતા નથી. જેમ દુકાંન ખુબસુરતી ભરેલી અને દેખાવમાં સરસ હોએ છે, તેમ તેની અંદર ઘરાકો વધારે ખેંચાએ, એવા વીચારથી દરેક જણ પોતાની દુકાંનને સુધારવાની કોશેસ કરે છે, તેથી કરીને દીનપર દીન એ બાબદમાં પારીસનો દેખાવ સુધરતો જાએ છે. ઇંગલંડનાં અને ફરાનસનાં લોકોની સંસારી ચાલ ચલણમાં ઘણો ફરક છે તે હવે પછીની બાબદ વાંચીઆથી ધીઆનમાં આવશે. હવડાં કેહેવાની એટલી જરૂર છે, કે ફરેનચ લોકો ઘણાખરા પોતાનાં ઘરમાં જમતા નથી. રેસટોરાં નામની જગાઓમાં જઈને ખાએ છે. એ ઘરો હંમેશાં ઘણા જ ખુબસુરત હોએ છે, અને રાતની વેળાએ તેમા રોશની કરીઆ પછી તેમનો દેખાવ ઘણો જ તલેસમાતી લાગે છે. આખા ઘરમાં લંકા હોએ તેવું દેખાએ છે. એક ખાણાનો જે કાંઈ ભાવ કીધી હોએ, તે આપીને તાંહાં મરદ તથા ઓરતો અને આખાં કુટુંબો ખાઈ આવે છે. તેથી ઘરમાં રાંધવાની જરૂર રેહેતી નથી. એ રેસટોરાંના મોટાં દીવાનખાંનાનો શણગાર પાદશાહનાં મેહેલનાં સણગાર જેવો હોએ છે. તેની આરસીઓ, તેના ઝુંમરો અને તેમાંની તરેહવાર ગીઆસ લાઇટ, તેની દેવાલ ઉપરના ચીતારો તથા તરેહવાર રંગના સુનેરી થાંબળાં, એ સઘલું જોવાથી, આપણી નજર ઉપર એવી તો અસર થાએ છે કે, તેનું બયાન થઈ શકતું નથી. દરેક આદમી જુદું ખાવા ચાહેતો તેને વાસતે નાંહની ટેબલોનાં કટકા હોએ છે. એક ટોલી, અથવા એક કુટુંબ હોએ તો, તેઓને વાસતે તે મીસાલે ટેબલ હોએ છે; જેમ જેનો શોખ અને જેમ જેની મરજી ને મીસાયે સગળી તરેહની કરેલી હોએછે. જારે સઘલાઓ ખાવા બેઠા હોએ, તારે તાંહાં જે દેખાવા થાએચ તે દબદબા ભરેલો લાગે છે. કોઈ જાણતો નહી હોએ કે આ પોહોચખાંનું છે, તે એવું સમજે કે તાંહાં કોઈ પાદશાહની દરબાર જમવા બેઠી હશે. આખાં શેહેરમાં સઘળાં મલીને ૧૭૦૦ રેસટોરાં છે, તે સાથે વળી તાંહાં કેટલાંએક મોટાં પોહચખાંનાં પણ છે.

હોટેલ ડુ લુવર નામનું સઉથી મોટું પોહોચખાંનું છે, તે કોઈ પણ પાદશાહી મેહેલની બરોબરી કરી શકે તેવું છે. તે એટલું તો મોટું છે, કે તેની ઇમારત બે ચોરસ એકર જમીન રોકે છે. રસતા ઉપરથી આ પોહોચખાંનાંમાં જવાને વાસતે એના બારણા આગળ આવીઆ, કે આપણે એક ઘણો જ ખુશનુમાં ચોક જોઈએ છઈએ, કે જેમાં એક નાંહનો બાગ બનાવેલો છે અને તાંહાંથી ઉપર જવાનો ઘણો સોભીતો દાદર બાંધેલો છે. એ દાદરનાં પગથીઆં ઉપર ફુલનાં કુંડા મેલીઆમાં આવીઆ છે, તેથી આપણે જાણે એક બાગમાં ચહડી જતા હોઈએ તેવું લાગે છે. આ ઇમારતની અંદર તરણચોક કરેલા છે, અને તેમાંનાં એકની ઉપર ઘણું સોભીતું કાચનું છાપરૂં બાંધેલું છે. પહેલા ચોકને રસતેથી ઉપર ગયા પછી ૯૮ ફુટ લાંબી અને ૨૬ ફુટ પોહોળી અને ઘણા જ સોભીતા થાંબલા સાથેની ગીઆલરી ઉપર આપણે પોંહોચીએ છઈએ. એ ગીઆલીરીની સીલીંગ જે ઘણી જ ખુબસુરત રંગેલી છે, તેની ઉપર વરસનાં બાર માસ બતલાવનારા ચીતાર પાડેલાં છે. આ ગીઆલરીની અંદરથી જમવાનાં મોટાં દીવાનખાનાંમાં જવાઈ શકાએ છે, અને તાંહાં જતાંને વાર જ આપણે ઘણી અચરતીમાં પડીએ છઈએ. એ દીવાનખાનું ૧૩૧ ફૂટ લાંબું અને ૪૨ ફુટ પોહોળું છે. તેની સીલીંગ ઉપર વરસની ચાર મોસમ બતલાવનાંરાં ચીતારો છે, તથા મોટા ઝુમરો લટકેલા છે, અને દીવાલ ઉપરનાં સોભીતા ચીતાર તથા બારીઓ ઉપર કીમતી ઝાલર તથા ખુબસુરત પરદા છે. એવું જણાવીઆમાં આવી ઉંછે, કે આ ઓરડાનાં જેવા ખુબસુરત ઓરડા થોડા જ મેહેલોમાં હશે. આ પોહોચખાંનાંનાં ચાકરોને તથા ઉતારૂઓને સવલ પડવાને વાસતે ઘણા સારા ઉપાયો કરેલા છે. જો કોઈ શખસ પોતાનાં ઓરડામાંથી ચાકરને બોલાવે તો તેની ખીદમતમાં તરત જવાને તેને બની આવવાને વાસતે સારી ગોઠવણ કરેલી છે. દરેક માળ ઉપર એક ઓરડામાં નાંહનાં ઘંટોની હાર જડેલી છે અને તે ઘંટોની ઉપર દરએક ઓરડાંના અંકો પાડેલા છે, અને તે ઘંટોની આંકડી દેવાલની અંદરથી તેમનાં આંક વાળા ઓરડામાં લઈ જવામાં આવી છે. હવે કોઈ શખસને કોઈ ચાકરનું કામ પડે, તારે તે પેલી આંકડી ફેરવે છે, તેથી પેલા ઓરડામાં તરત ઘંટ વાગે છે. હવે આ ઓરડામાં એક આદમી જાથુક રહે છે, તે તરત એકબીજા ઓરડામાં સઘળા ચાકરો ઉભા રેહે છે તે એમાંનાં એકને કેહે છે, કે જાઓ ફલાણા ઓરડામાં, તેવો તે ચાકર તાંહાં દોડે છે અને એથી કરીને ઘંટ વજાડીઆ પછી પાંચ અથવા સાત પલમાં બોલાવનાંરની હજુરમાં પેલો ચાકર જઈને ઉભો રેહે છે. વળી આવી મોટી ઇમારતમાં ઘણા એક ઘડીઆળો જોઈએ અને તે સઘળામાં બરાબર એક જ વખત દેખાડવાની અગતછે, તેથી એવી ગોઠવણ કીધી છે, કે જે સઉથી મોટું અને બરાબર ચાલનારું ઘડીઆળ છે, તેમાં જેમ વખત ચાલે, તેમ બીજાં ઘડીઆળોમાં પણ હંમેશા ‘ઇલેકટરીસીટી’ અથવા વીજળીની મારફતે તે વખત દેખાડીઆમાં આવે છે. એ પોહોચખાંનાંમાં જુદા જુદા ઓરડામાં તથા ખાતાંમાં કાંઈ હુકમ કરવો હોએ, તથા ખબર આપવી હોએ તો વીજળીનાં સાંચાની મદદથી તેમ કરીઆમાં આવે છે, તેથી કરીને ઘણોએક વખત બચે છે. મુસાફરોનો માલ અથવા સામાંન એક માળેથી બીજા માળ ઉપર સાંચાની મારફતે લઇ જવામાં આવે છે. બરચીખાંનું જમીનની અંદર ભોંએરાંમાં છે, તાંહાંથી પકાવેલા ખાંનાંની રકાબીઓ જમીનની અંદરથી કાહાડેલા લોહોડાંની સડકનાં રસતા ઉપરથી ખુલ્લા ચોકની પાસેનાં ઓરડામાં લાવે છે, અને તાંહાંથી સાંચાની મારફતે જમવાનાં દીવાનખાંનાંમાં તે રકાબીઓ લઈ જવામાં આવેછે. જે રીતે આ રકાબીઓ ઉપર આવે છે, તે જ રીતે તેમને પાછી બબરચીખાંનાંમાં લઈ જવામાં આવે છે. જે વખતે આપણને જોઈએ તે વખતે નળીઓની મારફતે આપણા ઓરડામાં ઠંડું તથા ગરંમ પાંણી આવી શકે છે. બાફનાં સાંચાની ગરમીથી ખાંનુ પકાવીઆમાં આવે છે, અને તેજ મીસાલે કપડાં ધોવામાં તથા સુકવવામાં પણ બાફનો સાંચો કાંમે લગાડીઆમાં આવે છે.

આ પોહોચખાંનાંમાં સઘળા મળીને ૮૮૦ ઢોલીઆ છે, તેથી એટલા આદમીઓનો તાંહાં સમાવ થઈ શકે છે, તોપણ જો બે તરણ દીવસ આગમજથી ખબર નહીં આપીઆમાં આવી હોએ તો. તાંહાં ઉતારો મળવો મુશ્કેલ પડે છે, કાંએજે તે હંમેશાં ભરાએલું જ રહે છે.

પારીસનાં રસતામાં ફરનારને ઉપર બયાંન કરેલાં રેસટોરાંના જેવાં બીજાં ઘણાં મકાનો દેખાશે તે ‘કાફે’ અથવા કાફી પીવાનાં ઘરો છે, તે પણ કોઈ રીતે રેસટોરાં કરતાં ઉતરતાં નથી. એ રેસટોરાં તથા કાફીનાં ઘરો ઘણાખરાં ‘બુલવારટ’ નાંમનાં મોહોલ્લાઓમાં છે. એ મોહોલ્લાઓની વચમાંથી ગાડી જવાનો રસતો છે, અને આસપાસથી પગે ચાલવાનો ફરસબંધી રસતો છે. અને એ રસતાઓની બંધે બાજુએ ઝાડો છે, તેથી કરીને આખા રસતાની અંદર ઝાડોની ચાર હાર હોએ છે, ઘરોનાં બારણાંની બાહેર ખુરસી કાહાડીને હોરેદોર લોકો બેસે છે, તેથી મોહોલ્લાઓનો દેખાવ તમાશા જેવો થાએ છે. બુલવારટનાં મોહોલ્લાઓમાં ફક્ત ફરવાથી કેટલીએક ખુશી અને મજાહ લાગે છે. એવા મોહોલ્લાઓમાંનો સઉથી મોટો મોહોલ્લો ‘બુલવારટે ઇટાલીઆં’ નામનો છે, ને આસરે તરણ માઇલ સુધી ઘણો જ રોનકદાર અને સીધો બાંધેલો છે, અને તેની અંદર ઓછામાં ઓછાં શો રેસટોરાં અને તેટલાં જ કાફી પીવાનાં ઘરો હશે, અને હીંઆં જે દુકાંનો છે, તે પણ ઘણી જ સોભીતી અને ખુબસુરત કરેલી હોએ છે, તેથી આ મોહોલ્લાનો દેખાવ રાતની વેળાએ કેવો લાગતો હશે, તેનું બયાંન કરીઆના કરતાં વાંચનારાંઓનાં ખીઆલ ઉપર જ સોંફીએ છઈએ. આવી ખુબસુરત જગાઓની અંદર વળી મરદ ઓરતો અને બચાંઓનાં ટોળાં રાતને સમે કરતાં ડગળે ડગળે મલે છે, તેથી પારીસમાં દરરોજ એક મોટો મેલો હોએ હેવું લાગે છે. જે ધણીને ખબર નહી હોએ કે પારીસ હમેશાં આવું ખુશનુમા છે, અને તે ધણી જાહરે પેહલે આવું જોએ, તારે વીચાર કરેકે આએ કાંઈ તેહે વારના દીવસ હશે, પણ એ તેહેવારતો એક દીવસનો નથી, હમેશાંનો છે. રાતને સમએ સઉથી સરસ દેખાવ ‘રીઉડી રીવોલી’ તથા ‘પાલેરાયલ’ નાંમનાં મોહોલાઓનો છે. રીઉડી રીવોલીનાં રસતાની એક બાજુ એ શાહાંનસાહાને રહેવાનો ટુઇલરી નાંમનો બાગ આવેલો છે – અને બીજી બાજુએ હડી માઇલ સુધી હારે દોર ઇમારતો આવેલી છે. નીચેના ભાગમાં એક જ આકારની દુકાંનો છે, અને ઉપરના માળો ઉપર રેહેવાની જગા તથા પુસતકખાંનાં તથા ધંધાદારીઓની હાફીસોછે. આખા પારીસમાં એ રસતાનો દેખાવ સઉથી સુંદર છે. એ રસતો એવો તો સીધો છે, કે રાતને સમએ તેની એક બાજુએ ઉભા રહીને બંધ બાજુનાં થાંબા ઉપરની રોશની જોઈએ, તો છેક દુર તે બંધે રોશની મલી ગએલી લાગે છે. આ દેખાવ એવો તો સારો છે, કે એક ઠેકાંણે ઉભા રહીને તે જોવાને પારકા શખસોને ભલામણ કરવામાં આવે છે. એ રસતો અને તેની બંધે બાજુનાં ઘરો બાંધવાને સારૂ આસરે ૮૦૦ જુનાં ઘરો તોડી પાડીઆં હતાં, અને નવી ઇમારત તથા નવો રસતો બાંધતાં પાંચ કરોડ રૂપીઆનો ખરચ થયો હતો. ‘પલાસ ડી લા કાનકારડ’ નાંમનો ચોક આખા પારીસ શsહેરમાં વખાણવા લાએક છે. શું સહવારને વખતે કે શું સાંહાંજને વખતે, કે શું રાતનાં ચાંદનીની વખતે, આ જગા તાંહીં જનારાંનાં દીલને ઘણી ખુશી આપે છે. તેને જે નાંમ આપીઉં છે તેનો જ અરથ ‘દીલપસંદ જગો’ એમ થાએ છે. એ ચોક આઠ ખુણાનો છે અને ‘ચાંજ ઇલીસીસ’નાં નામીચા બાગ અને પાદશાહને રેહેવાનાં ટુઇલરી મહેલની વચમાં છે. તેની આઠે બાજુએ ઘણા મોટા અને નાંમીચા પુતળાંઓ છે. એ આઠ પુતળાઓ ફરાનસનાં આઠ નામીચાં શહેરો – લીલ – સતરાટબરગ – બોરડો – નાનટસ – મારસેલ – બેરેસટ – રૂએન અને લીઆંની નીશાંન દાખલ ઉભાં કીધું છે. એ ચોકની વચમાં અસલના જમાનાંની એક નાંમીચી નીશાંન છે. મીસરમાં થીબસ શહેરનાં નાંમીચા દેહેરાંના દરવાજાની સાંમણે રાતા ગરાંનીટનાં પથરનાં બે નાંમીચા મીનારા હતા, તે મીસરનાં પાદશાહે ફરેનચની સરકારને ભેટ આપીઆ હતા, તેહેમાંનો એક હીંઆં લાવી ઉભો કીધો છે. આલેકઝાનડરીઆનો કીલ્લો તથા વાંહાંણ ખાતું મજબુત કરવામાં મીસરનાં સત્તાવાળાઓને ફરેનચ સરકારે મદદ કરી હતી. તેનાં બદલામાં તેઓને અસલના વખતની આ નાંમીચી નીશાંન ભેટ આપીઆમાં આવી હતી. એ મીનારો આખો એક જ કટકાનો છે ને તેની ઉંચાઈ ૭૨ ફુટ, ૩ ઇંચ છે, અને પોહોળાઈ ૭ ફુટ ૬ ઇંચ છે; મથાળેથી પોહોળાઈ ૫ ફુટ, ૪ ઇંચ છે અને તેનું આખું વજન (૫૦૦૦૦૦) પાંચ લાખ રતલ છે, અને તેની અસલ જગા ઉપરથી લાવી પારીસમાં મેલવાનો ખરચ આઠ લાખ રૂપીઆ થાયો હતો. એ થાંબ મેલવાને વાસતે જે તાક બનાંવેલું છે તે સફેદ ગરાનીટ પથરનું છે અને તેનું વજન (૨૪૦૦૦૦) બે લાખ ચેઆલીસ હજાર રતલ છે, જે સાંચાની મારફતેથી બસમાંથી એ મીનારો તેની અસલ જગાએથી આખો છૂટો પાડીઓ હતો, તે સાંચનાં જુદા જુદા ભાગો એતાકની એક બાજુએ સુનેરી રંગમાં કોતરીઆમાં આવીઆ છે, અને બીજી બાજુએ પારીસમાં ઊભો કરતી વેળાએ જે સાંચો કામે લગાડીઆમાં આવીઓ હતો તેના ભાગ કોતરેલા છે. બીજી બે બાજુએ એ મીનારો ફરાનસમાં શી રીતે આવીઓ તે વીશે ફરેનચ ભાશામાં બયાંન કરેલું છે. મીસરની સીસાસતરીસ રાણી જે આજથી ૩૫૦૦ વરસની વાત ઉપર થઈ ગઈ હતી તેણે એ મીનારો થીબસમાં ઉભો કીધો હતો, તેની યાદગારીમાં એ મીનારા ઉપર ‘હીરોગલીફીકસ’ નાં દસકતથી કોઈ કોતરેલું છે, અને તેની બંધે બાજુએ ઘણાં ખુબસુરત બે ફુંઆરા બાંધેલા છે. એ ફુંઆરા મધેથી ઉડતું પાંણી તેની નીચે બાંધેલા વાસણમાં પડે છે, તે વાસણનો ‘ડાયામીટર’ એટલે વીઆસ ૫૦ ફુટ છે. એ વાસણની ઉપર વળી પાંણી ઝીલાઈ રેવાને એક બીજું વાસણ છે, તેની આસપાસ ઘણા જ સોભીતાં અને તરેહવાર મતલબનાં પુતળાંઓ પાડેલાં છે. ડાલફીનસ તથા હાંસોના મોહોડાંમાંથી ફુઆરા નીકલે છે, તે ઉપલાં પુતળાં ઉપર થઈને તરેહવાર આકારમાં પડે છે, તે જોવાને હંમેશાં લોકોની ઠઠ મલે છે. એ ચોકની આસપાસ સોભીતા કટેરા કરેલાં છે. અને રોશનીને સારુ તેને ફરતાં જે થાંબલા મેલીઆ છે, તે ઘણા જ ઊંચી કારીગરીના અને કીમતી છે. એ ઉપરાંત, પારીસમાં બીજા ઘણા જ ચોકો છે અને તાંહાં તરેહવાર ફુંઆરા ઉડે છે. એક જગાના ફુંઆરામાં ચાર સીંહનાં મોટાં પુતળાં છે, અને તેઓનાં મોહોમાંથી પાંણી ઉરાડીઆમાં આવે છે, તેનો દેખાવ ઘણો સારે લાગે છે. પાલે રાયલ નાંમનો ચોક, જે રીઉડી રીવોલીની હારમાં છે તે ઘણો જ ખુબસુરત છે. ચાર બાજુએ એક રોનકનાં અને એકજ ઢપનાં ૩૯ ઘરોછે. એ ચોકની વચોવચમાં ફરાનસનાં પાદશાહ તેરમાં લુઈનું ઘોડસવાર પુતળું છે અને તાંહાં ચાર ફુંઆરા છે. પલાસ ડુ શાટેલ ઘણો જ ખુશનુમાં ચોક છે. તેની તરણ બાજુની લંબાઈ ૨૨૦ ફુટની છે અને તેની વચોવચમાં ૧૮૦૮ના સાલમાં એક ઘણો જ સારો ફુંઆરો બાંધેલો છે. એ ફુંઆરાની નીચે ૨૦ ફુટ વીઆસનું ગોળ વાસણ છે અને તે વાસણની વચમાં એક તાકની ઉપર ખજુરીનાં ઝાડનાં આકાર જેવી ૫૮ ફુંટનો થાંબો બાંધેલો છે. તાકની ચાર બાજુએ ચાર પુતળાં છે; દરએક પુતળું ઇનસાફ, કઉઅત, દાનાઈ અને સાહુચેતીનુ સ્વરૂપ બતાવે છે. એ દરએક પુતળાનાં હાથ એ એકના હાથમાં આપીઆ છે, તેથી તેઓ ગોળ આકારમાં ઉભાં હોએ તેવું લાગે છે. તે પુતળાંની વચમાંની જગાઓમાં નેપોલીઅંનની ફતેહ ભરેલી લડાઈના નાંમો કોતરવામાં આવીઆં છે. ખુણાઓની અંદરથી માંછલીનાં માથાં કાહાડેલાં છે, અને તેમાંથી પાંણીના કુંઆરા ઉડે છે. થાંબાની બે બાજુએ સુનેરી ધોરનાં ગરૂડ પખશીનાં પુતળાં છે, તેઓને ‘લારેલ’ નાં પાતરાંથી વીટાડી લીધાંછે. વળી તેમની ઉપર એક બીજુ પુતળું છે, તેની મતલબ પવનની ઉપર આપણી દુનીઆંનો ગોળો અટકી રહીઓ છે, તે બતલાવવાની છે અને તેની ઉપર ફતેહનુ એક બીજું પુતળું છે. એ ઉપરાંત પારીસમાં દરએક બાગ તથા બગીચામાં નાંમીચી કારીગરીથી સણગારેલા પુતળાંઓ સાથે ઘણા ફુંઆરા છે, તે સઘળાનું વીગતવાર બયાન કરવાની ઝાજી અગત નથી.’

પાલાસ વેનડોમ પણ ઘણો સારો ચોકછે. તેની આસપાસના ઘરો ઘણાં જ સારી બાંધણીના છે. હીઆં વચો વચમાં ફુંઆરો નથી, તેમ એક ઘણો જ સારો થાંબો ઉભો કીધોલે છે. આગળ એ ચોકની વચોવચમાં ૧૪માં લુઇનું તરાબાનું મોટું અને ઘોડા પર એક પુતળું હતું, તે ૧૭૯૨ નાં વરસમાં ભાંજી નાખીઆમાં આવીઉં હતું અને તેની જગાએ હમણા એક થાંભો જોવામાં આવે છે. ૧૮૦૫ના સાલમાં જરમનીની લડાઇમાં ફરેનચ લસકરે જે ફતે મેળવી હતી તેની યાદગારી કાએમ રાખવાને વાસતે નેપોલીએન શાહાંનશાહે આ થંભો બાંધીઓ હતો. રોમ મધે ‘ટરોજન’ ની લડાઇની યાદગારીમાં જેવો થાંબો બાંધીઆમાં આવીઓ છે, તેની નકલ કરી આ થાંબો બાંધોલે છે. એ થાંબાનો તાક તથા ઉપરનો ભાગ સઘળો પથરનો છે, પણ તેની બાહેરની બાજુ સઘળી તરાંબાના પતરાંથી જડી લીધેલી છે. રૂશીઆ તથા આસટરીઆ સાથેની લડાઈમાં હાથ કીધેલી ૧૨૦૦ તોપને ગાળીને એ તાંબુ કાહાડીઉં હતું. નેપોલીઅને જે લસકરો ઉપર ફતેહ મેળવી હતી, તે લસકરોનાં પોશાક તથા હથીઆરનાં ચીતાર તાકની ઉપર પાડેલાં છે, કે તેથી ફરેનચની ફતેહની નીશાંન કાએમ રહે. તાકની ચાર બાજુએ ૫૦૦ રતલ વજનનાં ચાર ગરૂડ પખશીનાં પુતળાં છે. ફરેનચનું લસકર બુલોન શેહેરથી નીકલીઉં તારથી તે ‘આસટરલીટજ”ની લડાઈ થઈ તાંહાં સુધી જે કાંઈ જાણવા જોગ લડાઈઓ થઈ હતી, તેના નાંમ આએ થાંબ ઉપર કોતરવામાં આવીઆં છે. તેને મથાળે નેપોલીઅનનું લશકરી પોશાકમાં પુતળું છે, અને તેની અંદર બાંધેલા એક ગોળદાદરથી તેને છેક મથાળે આપણથી જવાઈ શકાએ છે. એ થાંબની કુલ ઉંચાઈ ૧૩૫ ફુટ છે, તેથી તેની ઉપરથી પારીસ શેહેરનો દેખાવ સારો દેખાએ છે. એ થાંબ ઉપર સઘળા મળીને છ લાખ રૂપીઆનો ખરચ થયો હતો

પારીસના દખણ ભાગમાં એક બીજો થાંબ છે, તે ફરાનસની તવારીખની એક જાણીતી નોંધ છે, ફરાનસમાં એક બે વાર નહીં, પણ ઘણીવાર રઇઅતની તરફથી પાદશાહની સાંમે બળવો થયો છે, તે વીશે તવારીખના અભીઆશીઓ અણજાંણા નથી. ૧૭૮૯નાં સાલમાં પારીસમાં જે બળવો થયો હતો તે વખતે આ થાંભની જગાએ “બાસટીલ” નામનું મોટું બંદીખાનું હતું. ઉપલી સાલમાં એ બંદીખાનાંની ઉપર બળવાખોરોએ હુમલો કીધો હતો અને તેમાનાં બંધવાઓને છોડીઆ હતા. પાછળથી એ બંદીખાંનું ભાંજી નાંખી તે જ્ગોએ એક ફુંઆરો બાંધવાને ધારીઉં હતું અને જો તેમ કરીઆમાં આવતે તો, તે કુંઆરો ઘણો જ સારો અને સોભઇતો લાગતે, કારણ તાંહાં એક ઘણું જ મોટું હાથીનું પુતળું બાંધી તેની શુંડમાંથી પાંણીના ફુંઆરા ઉરાડીઆમાં આવનાર હતા. તે હાથીનાં પગનો ઘેરાવો ૧૮ ફુટનો રાખીઆમાં આવનાર હતો, અને તેનાં એક પગની અંદરથી ગોળ દાદર બાંધીને તે હાથીને મથાળે જઈ શકાએ તેવી ગોઠવણ કરીઆમાં આવનાર હતી. ઉપલા બળવા પછી પાદશાહી રાજ પાછું ચાલુ થયુ, તારે એ જગાએ પારીસ શેહેરની નીશાંન દાખલ એક ઘણું જ સોભીતું અને મોટું પુતળું ઉભું કરીઆમાં આવનાર હતું, પણ ૧૮૩૦માં જે બળવો થયો, તારે આ વીચાર પાછો ફરી ગયો. એ બળવા પછી આ થાંભ ઉભો કરવાનો ઠરાવ થયો, અને તે વરસનાં તરણ દહાડા જે ખુનરેજી ચાલી હતી, તેમાં જેઓ મારીઆ ગયા, તેહમાંનાં ૫૦૪ સવદેશાભીમાનીઓનાં નાંમ એની ઉપર કોતરવામાં આવીઆં છે. એ થાંબને મથાળે સપાટી કીધામાં આવીછે તે કાંસાના એક આખા કટકાનીછે અને તેની આસપાસ લોકોને ઉભા રેહેવાને વાસતે કટેરા કરી લીધેલા છે. એ અગાસીની બાજુએ સીંહના મોહોડાં પાડેલાં છે અને બચાંઓના હાથમાં હાર આપી ઉભા રાખેલાં પુતળાં છે. અગાસીને મથાળે પુરૂથવીનો ગોળો મેલેલો છે, અને તેની ઉપર એક પગથી ઉભાં રહેલાં એક આદમીનું મોટુ પુતળું ઉભું રાખેલું છે, તેની પાંખો ઉડતી હોએ તેમ પાડી છે, અને તેના ડાબા હાથમાં તોડી નાખેલી સાંકળ, અને જમણા હાથમાં મસાલ આપેલી છે, તે આકારની મતલબ આદમીનુ છુટાપણું બતાવવાની છે. એ પુતળાં ઉપર અને જે ગોળ દડા ઉપર તે છે, તે ઉપર સોનેરી ધોળ ચહડાવેલો છે. એ થાંબ ૧૫૪ ફુટ ઉંચો છે અને તેની પોહોળાઈનો ઘેરાવો ૩૬ ફુટ છે, અને તેને મથાળે જવા સારૂ અંદરથી એક ગોળ દાદર મેલીઆમાં આવીઓ છે. આ જગેથી પણ શેહેરનો ઘણો સારો દેખાવ દેખાએ છે.

પારીસ શેહેરમાં ફરનારને, પગે ચાલી સઘળે ઠેકાંણે જવાને કોઈ પણ રીતે કંટાળા ભરેલું લાગવાનું નથી, કાંએંજે શું મોટા રસ્તાઓ, કે શું ચોકો લોકોની નજરને ગમત આપનારા છે. જાહેર રસતાઓ અને ચોકો જારે આવા સુંદર છે, તારે મોજી ફરેનચોને વાસતે ફરવાનાં બાગો કેવા હશે? અલબતાં વાંચનાર તરત વીચાર કરશે, કે તે પણ પારીસનાં નાંમને લાએકનાં હશે. ગાડીમાં તથા ઘોડા ઉપર તથા પગે ફરવાને વાસતે સઉથી મોટી અને ખુશનુમા જગા ચાંજ ઇલીસીસનો બાગ ગણાએ છે. એ બાગ પલાસ ડી લા કાનકારડ નાંમનાં ચોકની પડોસમાં આવેલો છે, અને પાદશાહના ટુઇલરી મેહેલ ઉપરથી આખો દેખાએ છે. એ બાગની પેહેલી સરૂઆત ૧૬૧૬ના વરસમાં થઈ હતી. તે વખતનાં પાદશાહની મા મરાયા ડી મેડીસીએ તાંહાં એક બાગ બનાવી પોતાની ગાડી ફેરવવાને વાસતે રસતો બંધાવીઓ હતો. પાછળથી એ મીલકત બીજાના હાથમાં ગઈ હતી, અને ૧૭૬૪નાં વરસમાં તે બાગને વધારીને તેહેમાં ફરવાને ઘણાંએક રસતા કરીઆમાં આવીઆ હતા, તથા તેની આસપાસ કાફે તથા રેસટોરાં બાંધીઆમાં આવીઆં હતાં. ૧૭૭૦થી ૧૭૮૦ના વરસમાં ચાંજ ઇલીસીસ મધે ઘણી ખરી પારીસ શેહેરની તવંગર લેડીઓ ફરવા જતી હતી. તવંગર વીધવાઓ જેઓ તાંહાંની ચાલ મુજબ જાહેરમાં ફરી શકતી નહી હતી, તેઓને વાસતે એ બાગનો એક ભાગ જુદો કરેલો હતો. ૧૮૧૮નાં સાલમાં એ બાગ ઘણો મોટો કીધામાં આવીઓ હતો અને હાલમાં તે ઘણો ખુશનુમાં લાગે છે. દર રવીવારે તથા તેહેવારને દીવસે આ બાગનો દેખાવ ઘણો જ રચના ભરેલો થાએ છે. દરબારની બાંનુઓ તથા બીજી ઉમરાવ જાદીઓ મખમલનાં અને બીજા તરેહવાર રંગના સોભીતા પોશાક સાથે પોતાના ઉંચી કારીગરીની અને તેજી ઘોડાઓની ગાડીઓમાં ફરવા નીકલે છે, તે એક જાતરા જેવું દીશે છે. શું તવંગર કે શું ગરીબ, સરવે કોઈ ઉપલે દીવસે હીંઆં ફરવા જાએ છે. દુકાંનદારો પોતાની નાંહની દુકાંનો ઝાડોનાં છાંયાં નીચે લાવી માંડે છે. બચાંઓને વાસતે તરેહવાર ગમતનાં રમકડાંઓ લઈ એણીગમ પેલીગમ વેચનાંરાઓ ફરે છે. એક જગાએ કોઈ મદારીનો નાંચ કરે છે તાંહાં કેટલુંએક ટોળું એકઠું થાએ છે; બીજી જગાએ કોઈ નાટક કરે છે, તે જોવાને વળી કેટલાએક લોકો જમાવ થાએ છે; વળી કોઈ કસરતનો તમાશો કરે છે તાંહાં પણ લોકોની ભીડ થાએછે; એક ઠેકાંણે કેટલાએકો ગાએણ તથા નાંચનો તમાશો કરે છે તાંહાંબી લોકોની મોહટી ઠઠ મલે છે. વળી આ બોહોલા બાગમાં પાંણીના ઘણાંએક ફુંઆરા કીધેલા છે, અને તેમની આ સપાસ ખુશનુમા ફુલોનાં નાંહાનાં બાગો બનાવેલા છે, કે જેની આસપાસ ગોઠવેલી લોઢાંની ખુરસીઓ તથા લાકડાનાં બાંકો ઉપર હજારો લોકો બેસે છે, અને સઘળા ફરવા આવનારાંઓને વાસતે જગે જગે અને ઠેકાંણે ઠેકાંણે, કાફી, વાઈન તથા ખુશ ખોરાકની નાંહાંની દુકાંનો છે. બાગની આસપાસ તથા તેમાં કીધેલા રસતાની બાજુએ લોહોડાંના થાંબા ઉપર ફાંનસની અંદર ‘ગીઆસ લાઈટ’ની રોશની કરીઆમાં આવે છે તથા દુકાંને દુકાંન અને જગે જગે રોશની દેખાએ છે તેથી તાંહાં જેમ સાંહાજને વખતે રળીઆમણો દેખાવ થાએ છે તેમ રાતને વખતે પણ આ બાગ ઘણો જ ખુબસુરત દેખાએ છે. ટુઇલરીનો બાગ જે પાદશાહના મેહેલને લગતો છે તે પણ ઘણો નાંમીચો ગણાએ છે, અને તાંહાં ફરવાને લોકોને છુટ છે. એ બાગની અંદર ઘણાંએક સોભઇતા ફુંઆરા છે અને તેમની આસપાસ ફુલો રોપેલાં છે. વસંત રૂતુની મોસમમાં આ બાગનો દેખાવ ઘણો જ રળીઆમણો લાગે છે. એક ગમથી ઝાડોની ઉપર આરેનજ, ચેસનટ તથા બીજાં ફળો લટકેલાં, અને બીજી ગમથી જમીન ઉપરનાં નાંહાનાં રોપાઓ રંગ બેરંગ ફુલોથી પુર, અને તેમની આસપાસ હજારો આદમીઓ, ઓરતો તથા બચાં, કોઈ વાત કરતાં, કોઈ ફરતાં, કોઈ રમતાં, એ સઘળાનો દેખાવ ઘણો જ જોવા લાએક થાએ છે. એ બાગની અંદર સંગે મરમરનાં તથા બીજા ૫થરનાં ઘણાંએક ઊંચી કારીગરીનાં અને સારી મતલબનાં પચાસથી વધારે પુતળાંઓ ગોઠવેલાં છે, તેથી તેનાં દેખાવમાં ઘણો જ સારો વધારો થયો છે. સહવારથી તે સાંહાંજનાં અંધારૂ થવા આવે તાંહાંસુધી એ બાગમાં ફરવા દેવાની છુટ છે. જે વખતે પરઘમ વજાડીઆમાં આવે છે, તે વખતે સઘળાઓએ તાંહાંથી નીકલી જવું જોઈએ. પાલે રાએલનાં મેહલની સાંમણે, અને એ નાંમનાં ચોકની વચમાં પણ એક ઘણો જ ખુશનુમાં બાગ લોકોની ગમતને વાસત ઉંઘાડો મેલીઆમાં આવીઓ છે. તેની વચોવચમાં એક ઘણો સોભઇતો ફુંઆરો છે. શહેરનાં વચલા ભાગમાં રહેનાંરા ઘણાંખરા લોકો એ બાગમાં ફરવા જાએ છે. સેન નદીનાં દખણનાં કીનારા ઉપર રહેનાંરાઓ ઘણાંખરા લુકશાંબો નાંમનાં મેહેલની આસપાસનાં બાગમાં ફરવા જાએ છે. એ બાગ પણ ઘણો જ ખુબસુરત ગણીઆમાં આવે છે. નીચેની જમીન ઉપર જાંણે ફુલોનું ઘાસ છે, અને ઝાડોની ઉપરનાં ભાગ લટકતાં ફળોથી પુર હોએ છે. એ બાગમાં પણ ફુંઆરા તથા તળાવો છે, તથા જગે જગે ઘણાં સારાં પુતળાં છે. બાગની અંદર દાખલ થવાને નવ તરફથી દરવાજા છે, અને આખા બાગની આસપાસ શોભઈતા કટેરા જડી લીધેલા છે. રસતાનાં દરવાજા આગળ સીંહનાં બે ઘણાં જ મોટાં પુતળાં મેળીઆમાં આવીઆં છે. કાફે તથા રેસ્ટોરાંને વાસતે ઠેકાંણે ઠેકાંણે મથક કીધેલાં છે. ઝાડો કેમ રોપવાં તથા કલંમ કેમ તઈઆર કરવી, તથા બાગનાં શોખીઓને તથા માલીઓને પોતાનું કાંમ વધારે સારી રીતે બજાવવાને બની આવે તેવી ખબરનો ફેલાવો કરવાને સારૂ ઉપલા બાગનો વડો ઉપરી વરસમાં કેટલીએક વાર જાહેરમાં મુફત ભાશાંણો કરે છે. પારીસથી બે માઇલ છોડીને બુલ ડી બુલોન નાંમની જગો આવે છે. જેમ લંડનનો તવંગર ભાગ પોતાની ગાડીમાં ‘હાઇડ પારક’માં ફરવા જાએ છે, તેમ પારીસનાં પેહલે વાંઘેનાં લોકો બુઇ ડી બુલોનમાં જાએ છે. એ બગીચામાં ફરવાનો રસતો પાંચ માઇલ સુધી છે, અને તેની વચમાં બે સરોવર છે અને તે સરોવરની અંદર ટાપુ બનાવીઆમાં આવીઆં છે, તે ટાપુ ઉપર જવાને સારૂ પુલ બાંધેલા છે. એ સરોવરની અંદર નાહની બોટો પણ ફેરવીઆમાં આવે છે. મોટા સરોવરની અંદર ‘પરીનસ ઇમપીરીઅલ’ (શાહનશાહનાં છોકરા)ને ફેરવવાને વાસતે એક નાંહની આગબોટ છે, તથા તે સરોવરની વચ્ચેવચમાં એક ‘સુવીસ કાટેજ’ બાંધેલું છે. એ જગોએ સાંહાંજની વેળાએ મોટી અને ઉંચી ગાડીઓ તથા આવતાં જતાં લોકોની ભારે ઠઠ; ખુશી અને હરખનાં ચેહરા સાથે દોડતાં તથા રમતાં બાળકો, તથા સરોવરોમાં ફરતી નાંહની બોટો જોવાથી આપણી આંખને ઘણીએક ખુશી ઊપજે છે. એ બગીચા મધે ઘણાંએક નવાઇનાં ઝાડો રોપીઆમાં આવીઆં છે. ઓકનાં આસરે સોલ ઝાડ છે, એક બુચનું ઝાડ છે તથા ગરંમ મુલકનાં કેટલાંએક ઝાડો કે જે ફરાનસનાં ઉગાડવાને તથા સંભાળી રાખવાને ઘણી મેહેનત પડે છે તે પણ હીંઆં રોપેલાં છે, પણ એ બગીચા, મધે એક સઉથી સરસ દેખાવ આદમીઓએ પોતાની હીકમતથી કીધો છે. પાહાડની ઉપરથી પાંણીનો ઘોત પડતો હોએ તેવું દેખાડવાને વાસતે, ઉંચેથી જમીન ચહડતી ઉતરતી કાપીને, અથવા જેમ બેને તેમ કુદરતી દેખાવને મલતુ આવવાની ગોઠવણ કરીને, પાંણીનાં ધોત પેલા સરોવરની અંદર ઉતારવામાં આવીઆ છે. એ પરમાંણે જેમ બને તેમ કુદરતના આકાર લાવવાને, તથા બગીચાનો દેખાવ સુધારવાને અને આદમીનાં મન અને તનને ગમત આપવાને જેટલી બની આવે તેટલી કળા અતરે કરીઆમાં આવી છે. કુદરતની બખશેસ અને આદમીની મેહેનત હીંઆં મલી છે, તેનું બયાંન સહમજ પડે અથવા ખીઆલમાં ઉતરે, તે મીસાલે કરવાને ફક્ત આદમીની કલંમ બસ નથી; તે બરોબર પીછાંણવાને ઇસવરે આપણને બખશેલી આંખ પણ કાંમે લગાડવી જોઈએ. ઉપર જણાંવીઆ ઉપરાંત બીજા ઘણાંએક નાંહનાં તથા ઉતરતા બાગો છે તે વીશે બયાંન કરી વધારે જગા રોકવાની અગત દીસતી નથી.


[ગરેટ બરીટન ખાતેની મુસાફરી, ૧૮૬૧]