ગુજરાતી પ્રવાસસાહિત્ય સંપદા/મોસ્કો જતાં રેલવે ટ્રેનમાં

From Ekatra Wiki
Jump to navigation Jump to search

૧૨
રવિશંકર રાવળ

મૉસ્કો જતાં રેલવે ટ્રેનમાં


૧૯૫૨ના ડિસેમ્બરની ત્રેવીસમીએ સવારે હોટલ મૉઝાર્ટની ફૂટપાથ આગળ અમારા સામાનનો ઢગલો થયો. એટલામાં બસ આવી. તેમાં કલકત્તા જ્યૂટ યુનિયનના મંત્રી શ્રી જીલાની અને વડોદરાના શ્રી ઈશ્વરભાઈ પટેલ બસને છાપરે ચડી ગયા. તેમની જાતમહેનતનો દાખલો વિયેનાવાસીઓ જોતા ચાલ્યા. સ્ટેશને જઈને મજૂરોની ‘ગૅંગ’ને સામાન સોંપી દીધો. આઘેના યાર્ડમાં એક સ્પેશિયલ ઊભી હતી ત્યાં પહોંચ્યા એટલે મિ. આચાર્યે નામ બોલીને દરેકને કૅબિનનો કબજો સોંપ્યો. ત્યાં મજૂરોએ દરેકના દાગીના પહોંચાડી દીધા.

અમે જોયું કે ટ્રેનમાં બીજા ઘણા શાંતિ-પ્રતિનિધિઓ હતા. સોવિયેટ, ચીન, કોરિયા અને ભારત એમ થઈ એક સ્પેશિયલ પૂરતી સવારીઓ હતી. ડૉ. કીચલુ અને શ્રદ્ધામાતા સિવાય દરેક બબ્બે જણ વચ્ચે એક કૅબિન વહેંચાઈ ગઈ. કૅબિનની સજાવટ ઊંચી મોટરગાડીમાં હોય તેવી હતી. સૂવાનું ઉપર નીચે હતું પણ દરેક કૅબિનમાં કબાટ અને તેમાંથી ખૂલતી નીકળે એવી મોં ધોવાની કૂંડી, પાણીની ચકલી, એક નાનું મેજ, તે પર બુરખાવાળી વીજળીબત્તી અને ગરમી આપનાર યંત્ર હતાં, ઉપરાંત કૅરેજ (ડબા)ની રખેવાળ બાઈને બોલાવવા માટે વીજળીનું બટન હતું. દરેક બારી પહોળી અને મોટી હોવા છતાં તે ઠંડી ન પડી જાય એ માટે મખમલના પડદા નાખેલા હતા. કૅબિનનું બારણું સરકતું પણ ચપ બંધ થાય એવું હતું એટલે ચાલવાના માર્ગમાં કોઈને નડે નહીં.

સફાઈખાનામાં જગ્યાનો કંઈક સંકોચ હતો તેમજ ભારતીય સેકન્ડ ક્લાસનાં સફાઈખાનાંથી ઊતરતાં હતાં.

સ્પેશિયલ સાથે ખાણાનો ડબો નહોતો એટલે બપોર માટે અમને દરેકને અમારા યજમાન તરફથી નાસ્તાની કોથળીઓ મળી. પહેલાંથી અન્નાહારી અને અમિષાહારીના ભેદો સ્પષ્ટ કરી દીધા હતા એટલે અમારી પાસે આવેલી કોથળીઓમાં ફળો, ચૉકલેટો, સેન્ડવિચ કરેલ પનીર, માખણવાળી બ્રેડ વગેરે એટલા સારા પ્રમાણમાં નીકળ્યાં કે એક જ કોથળીથી હું અને રમણભાઈ [રમણલાલ વ. દેસાઈ] ધરાઈ ગયા. પીવા માટે સોડા કે ફ્રૂટ વૉટરની બાટલીઓ આવતી. શુદ્ધ કરેલું જળ અપ્રાપ્ય હતું.

એ પહેલો દિવસ થોડા અણગમાથી વિતાવ્યો. વચ્ચે વચ્ચે અમે હિંદી ભાઈઓનો પરિચય સાધવા એકબીજાની કૅબિનમાં જતા. ડૉ. મુલ્ક તો વિયેનાથી જ જુદા પડી લંડન તરફ ગયા હતા એટલે અમે જાતે હળતામળતા થવાનું કર્યું. વિયેનામાં આવી નિરાંત અને વખત નહોતાં મળ્યાં. ટ્રેનના દરેક રોકાણ વખતે અમારા ડબા પાસે સિપાઈઓ પહેરો રાખતા.

ચાર વાગ્યે ઑસ્ટ્રિયાની હદ પૂરી થઈ ત્યારે એ છૂટ્યા અને હંગેરિયન પોલીસઅફસરોએ આવી, વિવેકથી અમારા પાસપોર્ટ માગી લીધા. થોડી વારે તે પર સિક્કા મારી પાછા આપી ગયા. આ કામને લીધે ગાડી ઠીક રોકાઈ હતી. રાત્રે દસ વાગ્યે બ્યુડાપેસ્ટ પહોંચી જઈશું એવા ખબર મળ્યા. નવ વાગ્યે ખબર મળ્યા કે ત્યાંના પ્રજાજનો અને પ્રધાન પુરુષો શાંતિ-પ્રતિનિધિઓનો સ્ટેશન પર જાહેર સત્કા૨ ક૨વાના છે એટલે બધાએ પૂરા પોશાકમાં સજ્જ રહેવું. હૂંફાળી કૅબિનમાં આખો દિવસ નિરાંતે વિતાવેલો પણ હવે પાછા ઠંડીને મેદાન આપવાનું આવ્યું. પરંતુ બ્યુડાપેસ્ટ સ્ટેશને અમે જે દૃશ્ય જોયું તેથી એક નવીન પ્રકારનો જ રોમાંચ અનુભવ્યો.

મુંબઈના સેન્ટ્રલ સ્ટેશન જેવા વિશાળ સ્ટેશનના પ્લૅટફૉર્મ પર બૅંડના અવાજો વચ્ચે સ્વચ્છ નાગરિકોનો ગીચ જમાવ હતો. ઊતરતાં ઊતરતાં અમને હર્ષના પોકારોથી વધાવ્યા. બાલિકાઓ અને યુવતીઓ ફૂલછડીઓ વહેંચતી ગઈ. પ્લૅટફૉર્મ પર જ મિનિસ્ટરોએ અને શાંતિ પ્રમુખે મુખ્ય મહેમાનો સાથે હાથ મિલાવ્યા અને લાઉડસ્પીકર ઉપર સ્વાગતનું ભાષણ વાંચ્યું. વચ્ચે પ્રેસફોટોગ્રાફરોના કૅમેરા ઝબકી ઊઠતા. ચીન તરફથી વળતો જવાબ ડૉ. કોમોજોએ આપ્યો. ભારત તરફથી ડૉ. કિચલુ બોલ્યા અને સૌને સ્ટેશનના મોટા ઉપાહારગૃહમાં ચા-નાસ્તા માટે આમંત્રણ અપાયાં. થોડે દૂર જનતા બરોબર મર્યાદા સાચવી, હાર બાંધી રોકાઈ હતી. અમે એ સૌને નમન કરતા ઉપાહારગૃહમાં દાખલ થયા તે વખતે અમારા પર ઘણી ગુલછડીઓ પડી. ‘શાંતિ અમર રહો!’ ‘પ્રજાઓ આબાદ રહો!’ ‘યુદ્ધખોરી નાશ પામો!’ વગેરે પોકારો ચાલુ જ હતા.

બ્યુડાપેસ્ટથી ગાડીની દિશા બદલાઈ. એન્જિનનું મોં ફરી ગયું. અમે ઉત્તર તરફ જવા લાગ્યા. બરફનું સામ્રાજ્ય વધતું ચાલ્યું. રાતની વખતે ક્રેનોના પુલવાળાં મોટાં મોટાં સ્ટેશની અને જંક્શનો જાય પણ ભૂગોળ કે નકશો પાસે નહીં એટલે બધું સ્વપ્નતરંગ જેવું લાગે.

બીજે દિવસે સવારે નવ વાગ્યે ‘ચૂપ’ નામના સ્ટેશન આગળ હંગેરિયન હદ પૂરી થઈ. પછી અમે રિશયન સરહદમાં પેઠા. ત્યાં અમારે સ્પેશિયલ બદલવાની હતી. દરમ્યાન સ્ટેશનના રેસ્ટોરાંમાં અમારે માટે ચા-નાસ્તાની મોટી તૈયારીઓ થયેલી જોઈ. અહીંથી રશિયન આબાદીનાં ચિહ્નો દેખાવા માંડ્યાં. ટેબલો ભરચક હતાં. ભીંત અને બારીઓ પર નકશી અને સજાવટ હતાં. ચારેબાજુ તૈલ રંગનાં મોટાં નિસર્ગચિત્રો હતાં. નાસ્તા પર જે માગો તે મળે એવી તૈયારી હતી. ચોવીસ કલાક પછી ગરમ ચા-કૉફી પૂરા ઠાઠથી અમે માણ્યાં, બૅન્ડે વિદાયગીતથી સલામી આપી

રશિયન સ્પેશિયલમાં દરેક કૅબિનમાં ચાર જણની ગોઠવણ હતી એટલે બીજા બે નવા મિત્રોનો સાથ મળ્યો. એક હતા શ્રી યશપાલ, જે લખનૌના પ્રગતિશીલ લેખક, ‘વિપ્લવ’ના સંપાદક અને સારા વાર્તા-લેખક હતા. બીજા હતા શ્રી ચતુર્વેદી, જે કાનપુરના પ્રસિદ્ધ વકીલ હતા. એટલે અમને તેમની સામસામી ચોટ કરતી દલીલબાજીમાં બહુ મજા મળતી.. રશિયન મહેમાનીની પહેલી શરૂઆતમાં તો દરેક જણ માટે સિગારેટોનાં બબ્બે બાકસો અમારા કેરેજ રખેવાળે અમને પહોંચાડ્યાં. હું અને રમણભાઈ તે વાપરવાના જ નહોતા એથી અમારા બીજા બે સાથીઓને ઔર ખુશાલી થઈ.

હવે તો ખાણાની ગાડી પણ સાથે લાગી ગઈ હતી. બપોરે કોને શું શું જોઈએ તેની યાદીઓ થઈ ગઈ અને દરેક રખેવાળે પોતાની કૅબિનમાં ચાનું ગરમ પાણી અને દૂધ ગમે ત્યારે તૈયાર છે એમ જણાવી દીધું. પીવા માટે સ્વચ્છ પાણીની પણ ગોઠવણ થઈ ગઈ. બીજા ત્રણ દિવસ આ રીતે ગાડીમાં વીતાવવા પડશે એ જાણી અમે રમેશચંદ્રને દરખાસ્ત કરી કે મુલાકાતો અને સંપર્કો ગોઠવાય. તે પ્રમાણે તેઓ બીજા ‘ડેલિગેશનો’માં ફરી આવ્યા અને ‘ઇન્ટરપ્રીટરો’ સાથે ચીન, કોરિયા, રશિયા વગેરે મંડળના લેખકો અને સંસ્કાર નેતાઓને મળવાના સમયો નક્કી કરી દીધા. જગ્યાની પૂરી તંગી હતી એટલે જુદા જુદા વિભાગો પાડી નાખ્યા અને જેને જે પ્રકારનો રસ હોય તેવા જૂથમાં નિમણૂકો કરી. રમણભાઈ અને યશપાલ અમારામાં હતા. એટલે લેખકો, કવિઓ, નાટકકારો અને સિનેમાના નાયકો માટે અમારી કૅબિન મુલાકાતનું સ્થાન બની. વેપારધંધા યુનિયનો વગેરેમાં ડૉ. કુમારાપ્પા અને બીજાઓ જોડાયા. પાંચસાત બહેનો હતી તેમાં શ્રદ્ધામાતા પણ હતાં. તેમની વાતચીત મૉસ્કોના ધર્મગુરુ સાથે ઠરાવી.

આમ પ્રવાસના એકધારા બંધિયારપણામાં વિચાર અને સંસ્કારની તાજગી સ્ફુરી. દરમિયાન રશિયાનાં સ્ટેશનો આવતાં ત્યારે બારીમાંથી વિવિધ પ્રાંતોની જનતા અને ગામડાં જોવા મળતાં. ક્વચિત્ રોકાયેલી પેસેન્જર ટ્રેનમાંના ઉતારુઓમાં સ્ત્રીઓ, બાળકો, ખેડૂતો અને વિદ્યાર્થીઓ પણ જોવા મળતાં. બહુ નાનાં બાળકોને ઠંડીમાં ફેરવવાને ગોદડાની કોથળીમાં ઢીંગલાની જેમ ઢબૂરાયેલાં – ઝીણું ગોળ મોં અને ચમકતી આંખો જોતાં બહુ મજા મળતી.

બરફનો અસીમ વિસ્તાર આંખો માટે એક નવો જ અનુભવ હતો. પૃથ્વી જાણે ઠરી ગયેલો ક્ષીરસમુદ્ર બની ગઈ ન હોય! ઉપર ક્યાંક ગામડાંમાંની આકૃતિઓ કે ખેડુનાં છૂટાં ઝૂંપડાં એક રંગની પીંછીથી ચીતરેલાં લાગે! ઘોડાઓ કે માણસો ભાર ખેંચવાને પૈડાવાળું વાહન વાપરવાને બદલે લપસણી ‘સ્લેજ’ લારી ખેંચી જતા દેખાતા.

ધીરે ધીરે રેલવેલાઇનની બે બાજુ પાઇન વૃક્ષોની હારોની હારો રોપેલી દેખાઈ. તેનો ખુલાસો મળ્યો કે સખત વાયરાથી ઊડી આવતો બરફ રેલવેના પાટા ઉપર જામી જાય તે રોકવાને આવાં ગાઢ જંગલોના ગઢ ઉગાડવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે એમ છતાં બરફ પરથી પૈડાં લપસી ન જાય તેની સંભાળ રાખવા ઘણી વાર ગાડીની ગતિ ધીરી થઈ જતી હતી. આગળ જતાં પાઇન વૃક્ષો પર બરફના હળવા આચ્છાદનથી જાણે જાદુગરની નગરીમાં પરીઓ વૃક્ષ બનીને ઊભી હોય એવું મનોહર દૃશ્ય લાગતું હતું. ચાંદની રાતમાં એ હિમમય પ્રદેશનો પ્રવાસ સ્વપ્નાભાસ જેવો જ લાગતો હતો. બહાર કેટલી ઠંડી હશે તેનો અંદાજ કાઢવો મુશ્કેલ હતો. બારીના કાચ અમે ઊંચા કરી શકતા નહીં. અંદરનાં યંત્રોથી ગરમી એટલી રહેતી કે ઘણી વાર ઓઢવાનું બાજુએ મૂકી દેવું પડતું.

ત્રણે દિવસોમાં નાસ્તા કે ખાણા પછી એકાદ પ્રવાસી પ્રતિનિધિની મુલાકાત કરેલી. તેમાં ચીનના એક કવિ અને નાટ્યલેખક આવી ગયા. કોરિયાના લેખક અને પત્રકારો મળ્યા. મૉસ્કોના એક ફિલ્મ-સર્જક અને ડિરેક્ટર મળ્યા. આઝરબિઝનના કિવ મીરઝાં તુર્ષનઝાદે મળ્યા. દરેક જણ પોતાના પ્રાંતની ભાષા જાણનાર દુભાષિયાને સાથે લાવતો. એ પોતે તો પોતાની જ ભાષામાં સવાલ-જવાબો કે વાત કરે... આથી સમય ઘણો લાગી જતો અથવા પ્રશ્ન સ્પષ્ટ કરવા મહેનત કરવી પડતી. પણ ધીરે ધીરે સૌ એ રીતથી ટેવાઈ ગયા અને પછી તો બધા જ પ્રસંગોમાં અમારે એ રીતનો આશ્રય લેવો પડ્યો હતો. ચીન અને કોરિયાના લેખકોએ જણાવ્યું કે તેમની નવસંસ્કૃતિ ૫૨ અમેરિકી અને અંગ્રેજી સાહિત્યની ઘણી અસરો પડેલી પણ હવે તેઓ પોતાની સંસ્કૃતિ અને પ્રજાની ભાવનાઓમાં ઓતપ્રોત બની તેની ઉપર જ પોતાની કૃતિઓનું નવસર્જન કરી રહ્યા છે અને તેથી જ તેમના પ્રદેશમાં લોકપ્રિય બની ગયા છે. લોકો તેમની વાત ઝીલી શકે છે.

સિનેમાના ડિરેક્ટરે સોવિયેટ સિનેમાસૃષ્ટિની ઘણી વાતો કરી. એ ઉદ્યોગ અને કલા ત્યાં વિપુલ અને વ્યાપક છે એટલું જ નહીં પણ રાષ્ટ્રજાગૃતિ અને શિક્ષણનું એક પ્રધાન અંગ બની રહેલ છે. એ માટે અનેક કૉલેજો, લૅબૉરેટરીઓ અને તાલીમ સંસ્થાઓ છે અને તેમાં તેમણે આંતરરાષ્ટ્રીય શ્રેષ્ઠતા પણ મેળવી છે. સિનેમાસ્ટારો બહુ ઉચ્ચ માન અને પ્રતિષ્ઠા મેળવે છે અને તેઓ ધંધાને તથા કલાને ખીલવવા હમેશાં જાગ્રત રહે છે. હરીફાઈ કે સ્પર્ધાને અવકાશ ન હોવા છતાં દરેક જણ પોતાનું ધોરણ ઊંચું લાવવા સતત જાગ્રત રહી મહેનત કરે છે. રશિયામાં પોતે જ પોતાનું ધોરણ વટાવી આંક વધારતા જ રહે એવી સામાજિક નીતિ છે. પૈસા કરતાંય ઉચ્ચ ધોરણ મેળવ્યાનું માન અને કીર્તિ તેમને બહુ ગમે છે.

કવિ મીરઝાં તુર્ષનઝાદે પોતાના વતનની ભાષામાં જ કાવ્યો લખે છે. અસલ ઈરાની કવિઓ ઉમર ખય્યામ, સાદી વગેરેની પરંપરામાં છંદરચના કરે છે. પ્યારની અને પ્રેમની કવિતાઓ આજની ભાવના પ્રમાણે કેવી છે તેનો નમૂનો માગતાં તેમણે એક-બે કવિતા ફારસીમાં સુણાવી ત્યારે અમારા લખનવી મિત્ર ડોલી ઊઠ્યા. તેમણે તે લખાવી પણ લીધી છે. અમે સાંભળનારા પણ તેમની શબ્દપરંપરા અને ખુશમિજાજી વલણથી આકર્ષાયા હતા. કવિ મીરઝાંના બાપ ઊંટો ચારતા. છોકરો દેશની જૂની કવિતાઓ મોઢે લલકારતો. સોવિયેટ તંત્રે યુનિવર્સિટી અને સંસ્કાર આણ્યાં. તેણે અભ્યાસ કર્યો અને સાહિત્યમાં ‘ડૉક્ટરેટ’ (પંડિત પદવી) મેળવી. આજે તે પોતાના દેશમાં યુનિવર્સિટીમાં પ્રોફેસર છે. તેના વેરાન મુલકમાં આજે શહેરો, ઉદ્યોગો અને બાગબગીચાનું નવચેતન છે. નારીઓ પુરુષ સરખા હક્કોમાં મહાલે છે.

અમે જેમ જેમ મૉસ્કો નજીક જતા ગયા તેમ તેમ મોટાં સ્ટેશનો આવતાં ગયાં. માલથી ભરેલાં ભારખાનાં, સ્ટેશનની ચારેબાજુ કારખાનાનાં ભૂંગળાં, વજન ફેરવનારા યંત્ર-સાંઢિયા, વીજળીથી પ્રકાશિત રેલવેયાર્ડો – એ સર્વ નવી સૃષ્ટિનો ખ્યાલ આપતાં હતાં. સૂરજ ત્રણ દિવસથી જોવા જ મળ્યો ન હતો. આ પ્રદેશના જીવનસંઘર્ષમાં બરફ મુખ્ય પ્રશ્ન છે. રેલવેના ડબાનું તળિયું માથાપૂર ઊંચું અને ચડવાના પગથિયાં સીડી જેવાં નહીં પણ અભરાઈની જેમ એક પર એક. આટલી ઊંચાઈ સુધીનું ખુલ્લું પ્લૅટફૉર્મ ક્યાંય પણ નહોતું. કારણ બરફનો જમાવ એ જ! અને ગાડીઓ અનિયમિત થઈ જાય તેમાં પણ બરફનું જ વિઘ્ન કારણભૂત હોય. ઉપર જતા ગયા તેમ તેમ ઘડિયાળ બદલવી પડતી. કાંટા પાછળ લઈ જવા પડતા. દિવસ ટૂંકો થતો ચાલ્યો, લગભગ ત્રણ વાગ્યે આપણી સમીસાંજ જેવું લાગે. બહારની ઠંડીનો ખ્યાલ તો માણસોને સામસામા વાત કરતા જુઓ ત્યારે નાક અને મોંમાંથી વરાળો નીકળતી દેખાય તે પરથી આવી શકે. રશિયાનાં એન્જિનો મોટાં તોખાર લાગે, કામ કરનારાં માણસો બહુ જ મૂગાં. કોઈ પણ સ્ટેશને કકળાટ કે ઘોંઘાટ સાંભળ્યો નહીં. તારીખ છવ્વીસમીની બપોરે ખબર પહોંચ્યા કે સાંજના ત્રણ વાગ્યે સ્પેશિયલ મૉસ્કો પહોંચી જશે.

વિયેનાથી મૉસ્કો શાંતિ સમિતિ વતી ‘ગેલીના ક્રિવોપાલોવા’ નામે બાઈએ અમારી આખી મંડળીની તહેનાત ઉઠાવી લીધી હતી. એ બાઈની સૌ માટેની ચિંતા, લાગણી અને સેવાતત્પરતાથી અમારા સરખા અજાણ્યા બિનભાષી મુસાફરોને એ ફિરસ્તા જેવી આશીર્વાદરૂપ થઈ પડી હતી. અને અમારા નિવાસના છેલ્લા દિવસ સુધી તેની એ વત્સલ મુદ્રા કાયમ રહી તે પણ તેની ધીરજ અને ક્ષમતાનું અનન્ય પ્રતીક જ છે. સૌને તે માતા સમાન લાગતી. ઉત્સાહ અને કાર્યમાં તેની આગળ અમે બચ્ચાં બની જતાં ડૉ. કુમારાપ્પા તો વિનોદમાં કહેતા : ‘મૅડમ! તમે તમારાં ઘેટાં ગણી લીધાં? બરોબર છે?” આ બાઈના પતિ યુદ્ધમાં ગત થયા બાદ તે એક પુત્રને ભણાવી રહ્યાં હતાં અને પોતે શાંતિકાર્યમાં જોડાયાં હતાં. દરેક જણ પોતાની ફરિયાદ કે ગૂંચવણ તેને કહે. તેની પાસેથી માર્ગ જડે અથવા તો તે કામ પતાવી આપે.

છેવટે ઘણી બાજુની રેલવેના પાટા એક માર્ગે જોડાવા લાગ્યા. મોટાં યાર્ડો આવવા લાગ્યાં. મોટાં શહેરનાં પરાંઓ અને કારખાનાંઓ દેખાતાં હતાં. અમારાં હૃદય ધબકતાં હતાં. થોડી વાર પછી જમીન પર ઊતરીશું અને રશિયન પ્રજામાં ફરતા થઈશું!

મુંબઈના ચર્ચગેટ સ્ટેશન જેવડા પણ એન્જિનોની મેશથી કાળાં બની ગયેલા છાપરાવાળા જૂના મૉસ્કો સ્ટેશનમાં અમારી ગાડી અટકી. એન્જિન અટકે છે ત્યાં આડા પ્લૅટફૉર્મ પર લેનિનનું બાવલું હતું. દરેક મુસાફર તેને યાદ કરે છે. એને મનથી નમન કરે છે. અને લેનિનની એ પ્રતિમા એક હાથે મૉસ્કો શહેર તરફ પ્રવાસીને આવકારે છે. પ્લૅટફૉર્મ છોડી અમે એક મોટા વેઇટિંગ રૂમમાં થોડી વાર રોકાયા એટલામાં મોટી રૉલ્સરોઈસ જેવડા માપની આઠદસ મોટરો આવી પહોંચી. તેમાં ચાર ચાર જણાંને ગોઠવી મોટરો હાંકી મૂકી. મૅડમ ક્રિવોપાલોવા છેલ્લાં અમારી સાથે બેઠાં. કોઈને ટપાલની ટિકિટો જોઈતી હતી તો કોઈને ફિલ્મ ‘ડેવલેપ’ કરાવવી હતી. તેણે કહી દીધું : ‘જુઓ, તમારે કોઈએ ચિંતા કરવાની નથી. તમારી કોઈની પાસે અહીંનું નાણું નથી. એ અમે જાણીએ છીએ. તમારે જે જોઈએ તે માગી લેવું. હું બંદોબસ્ત કરી આપીશ.’

લેનિનગ્રાડ હાઈ રોડ પરનાં ઊંચાં મકાનો, ઝડપથી દોડી જતી મોટરો, ટ્રામો અને બસો વચ્ચેથી અમે આલીશાન મહેલ જેવા મકાનના પગથિયા આગળ ઊતરી ગયા. છેલ્લા એક વર્ષમાં એ નવી બંધાયેલી હોટલ ‘સોવિયેટસ્કાયા’ અમારો મુખ્ય નિવાસ બની. એકસો રાજશાહી સજાવટવાળા ઓરડાઓ અને રોશનીના ચમત્કારભરી છતવાળું ભોજનગૃહ અને સુંદર ચોક તથા ફુવારા સરજનારા શિલ્પીને આ કામ માટે ‘સ્ટેલીન પ્રાઇઝ’ મળ્યું હતું. પાછળથી અમને તેની પણ મુલાકાત થઈ હતી. આ હોટલની નવીનતા, શણગાર, સગવડો અને સરભરા અમારી જિંદગીનો અપૂર્વ અનુભવ બની રહ્યાં. ભોંયતળિયાની વિશાળ પરસાળમાં એક બાજુ ટેબલ પર બેઠેલી સેક્રેટરી બાઈએ દરેક જણના પાસપૉર્ટ માગી લીધા અને પછી દરેક બે બે જણ વચ્ચે ઓરડાનો એક એક નંબર અપાઈ ગયો. સેવિકાઓએ આગળ દોડી દોડી ખંડો બતાવ્યા, સગવડો વર્ણવી, ઝુમ્મરો સળગાવ્યાં અને છેવટે જરૂર પડે ત્યારે બોલાવવાની ચાંપ બતાવી. અમે અમારાં ગરમ બખ્તરો એકદમ ફગાવી દીધાં, વસ્ત્રો અને સામગ્રી ઘરવખરીની જેમ ગોઠવી દીધાં. એ હતું અમારું એક માસનું પ્યારું આરામધામ!

[દીઠાં મેં નવા માનવી, ૧૯૫૬]