ગુજરાતી પ્રવાસસાહિત્ય સંપદા/સ્કૉટલૅન્ડ, વૈદ્યકીય શાળાઓ, વગેરે.

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ભગવતસિંહજી જાડેજા

સ્કૉટલેન્ડ વૈદ્યકીય શાળાઓ, વગેરે

૨૦મી જુલાઈ.

નાસ્તો કર્યા પછી તુરંત જ અમે વાર્ષિક સંગીત પ્રદર્શનને લગતો પૂર્વપ્રયોગ સાંભળવા જ્યોર્જ સ્ક્વેરમાં આવેલ સ્ત્રીઓની પાઠશાળાએ ગાડીમાં બેસીને ગયા. પ્રથમ તો આઠ વિદ્યાર્થીઓયે આઠ પિયાનાઓ ઉપર એક ગીત બહુ સુંદર રીતે બજાવ્યું પછી સોળ કન્યાઓયે એક બીજું ગીત બજાવ્યું જે આના કરતાં પણ વધારે જુસ્સાવાળું હતું. આ પછી ‘નામન’ના સંગીત-કિર્તનમાંથી વિજય-પ્રસ્તાન છસો ઉપરાંત બાળાઓએ એકીસાથે ગાવાનું કામ ઉત્તમ પ્રકારે બજાવ્યું હતું. શબ્દો અને સંગીત યુદ્ધ વિષયક તેમજ હૃદય-વેધક હતા અને મને અત્યંત આનંદ આપ્યો હતો. આ ગીત-સંવાદના અંતમાં બે સંકોચ-ગીતો ગવાયાં હતાં અને તેનો અર્થ ગ્રહણ કરવાની કે સમજવાની મારામાં ઓછી શક્તિ હતી. અમે પછી એડીનબરોની વિદ્યાપીઠમાં ગયા. સર અલેકઝાંડર ગ્રેટે અમને પ્રેમપૂર્વક આ બધું મકાન તેમજ વૈદ્યકીય શાળાઓ પણ બતાવી. અહીં વૈદ્યક-વિજ્ઞાન શીખવવાનાં બધાંય રસપૂર્ણ સાહિત્યો અમે પ્રત્યક્ષ કર્યા. અહીંનો સંગ્રહ અમે ઑક્સફર્ડમાં જોયેલ સંગ્રહ કરતાં વધારે સારો છે. અમે શરીર-છેદન કરવાનો ખંડ પણ જોયો અને મનુષ્યોનાં શરીરના જુદા જુદા ભાગો ઉપર બધી જાતના વ્યાધિઓનાં કારણો અને ક્રિયાઓને લગતી શોધ-ખોળને લગતું કાર્ય રીતસર કરી રહેલા વિદ્યાર્થીઓનું અમે નિરીક્ષણ કર્યું. બધા શિક્ષકો બહુ જ વિનયી તેમજ ઉપકારશીલ હતા. અમારી સાથે આવી જુદા જુદા ભાગો અમને બતાવવા ખાતર હાથમાં લીધેલ અગત્યનું કાર્ય તેમણે પડતું મૂક્યું અને જુદી જુદી રસપૂર્ણ બાબતો મને ખુલાસાવાર સમજાવી. સહુથી વધારે રસ પડે તેવી વસ્તુ મેં એ જોઈ કે તે પ્રયોગ તળેની વસ્તુઓમાં કૃત્રિમ શ્વસન-ક્રિયા ચલાવવા માટે એક શ્વાસ લેતું યંત્ર હતું. એ એક જીવંત-અથવા મારે કહેવું જોઈએ કે એક મૃત્યુવશ થતાં મનુષ્યની માફક જ શ્વાસ લેતું અને લાંબા તેમજ ટૂંકા શ્વાસોશ્વાસ બહુ અજાયબ જેવી રીતે નિયમિત કરી શકાતા હતા. મેં પછી માનવ-શરીરના જુદા જુદા ભાગોના મીણના નમૂનાઓ જોયા અને આંખના પડદા ઉપર પ્રકાશની અસર બતાવી - કીકીઓથી સજાયેલી - કૃત્રિમ આંખો પણ અમે જોઈ. ખરેખર હું અહીં ગણાવી શકું તે કરતાં ઘણી વધારે, વૈદ્યકીય વિદ્યાર્થીઓના મન ઉપર શિક્ષણને ઠસાવવાની કુશળ વ્યવસ્થાઓ અહીં મારા જોવામાં આવી. મને આ વિષયમાં રસ છે અને હું પોતે પણ એક વૈદ્યકીય-વિદ્યાર્થી થાઉં એવી મારી બહુ ઇચ્છા છે. બપોર પછી અમે લૉર્ડ પ્રોવોસ્ટની સાથે અંધ અનાથ-ગૃહમાં ઇનામોની વહેંચણી જોવા ગયા. આંધળાઓને, તા૨ના મૂળાક્ષરોને મળતા સાંકેતિક શબ્દકોશને જાડા કાગળ ઉપર કાણાંઓના રૂપમાં ઉતારી તે દ્વારા વાંચતાં અને લખતાં શીખવાય છે. આના સ્પર્શથી તેઓ અક્ષરો પારખી શકે છે. એક અંધ-બાળકે બીજાએ લખેલ નિબંધ, બહુ સહેલાઈથી તેમજ છટાથી વાંચી સંભળાવ્યો. અંધ બાળકોએ જુદી જુદી જાતનાં સંગીત વાદ્યો બજાવ્યાં અને સારું ગાયું. તેમને ઘણી ઉપયોગી વસ્તુઓ બનાવવાનું કામ શીખવવામાં આવે છે. મને કહેવામાં આવ્યું કે, જે ધીરજ અને માયાવડે તેમની સંભાળ લેવાય છે તેમજ જે સારો ખોરાક તેમને અહીં અપાય છે, તેને લઈ તેમનાં આરોગ્યમાં એટલો બધો સુધારો થવા પામ્યો છે કે તેથી કરી તેમનાં ચક્ષુઓ પુનઃપ્રાપ્ત થયાં છે. આ એક સૌથી વધારે રસ આપતી સર્વોત્કૃષ્ટ સંસ્થા છે અને મને લાગે છે કે હિંદ જ્યાં અંધાપો યુરોપ કરતાં વધારે સામાન્ય છે—ત્યાં કંઈક આવી સંસ્થાઓ થાય તો બહુ ઠીક ગણાય. આ કાર્ય—થોડા ધન-સંચય વડે-દેશનાં સખાવતી સ્વભાવવાળાં મહાજનોથી પોષાતી પાંજરાપોળો કે તેના જેવી સંસ્થાઓ સાથે અંધ—અનાથ–ગૃહોને જોડવાથી થઈ શકે છે. સરકાર તેમજ દેશી રાજ્યોએ પોતાથી બનતું બધું કરવા બહાર પડવું જોઈએ. અમે પછી થોડીવાર રહી ગ્રેન્જ હાઉસની ગાર્ડનપાર્ટીમાં ગયા. શાળાના વિદ્યાર્થીઓનાં સંવાદ અને સંગીતે આ મેળાવડાને સચેત કર્યો હતો. અમે વૃષ્ટિએ અમને અંદર ધકેલ્યા ત્યાં સુધી લૉન-ટેનિસ પણ રમ્યા હતા. સાંજે અમે રમતો રમ્યા અને છેક મોડી રાત સુધી આનંદપૂર્વક ગમત મેળવી.

૨૧મી જુલાઈ.

સવાર બહુ ઠંડી અને વૃષ્ટિવાળી હતી, પરંતુ અમારી હોલીરૂડ પેલેસની મુલાકાતમાં અંતરાય રૂપ થઈ નહિ. આ બહુ જોવાજોગ સ્થાન હતું. અમને, ચિત્તાકર્ષક લાગેલા અને સ્કોટલેંડના ઇતિહાસ સાથે સંબંધ ધરાવતી ઘણી કરુણ ઘટનાઓની યાદ આપતા જૂના ખંડો બતાવવા ઉપરાંત, ચાલતા સમયના સરકારી ખંડો પણ બતાવવામાં આવ્યા હતા, જેમાં બધાંએ નવાઈ ભર્યા પુરાણાં ચિત્રો અમે જોયાં. દીવાલની જવનિકાઓ ઉપર અદ્ભુુત ભરતકામ હતું અને તે પૈકીની કેટલીએક બહુ જ અલંકારયુક્ત હતી. વરસાદ વિધિરૂપ થવા છતાં બારીઓમાંથી દેખાતું દૃશ્ય બહુ મજેદાર હતું. ચેપલ રોયલના રક્ષક મિ. ડંકન એન્ડરસને પ્રેમપૂર્વક મને આ સ્થાનનો ઇતિહાસ કહ્યો અને તેનાં થોડાં છાયાચિત્રો આપ્યાં. અમે પછી કિલ્લા તરફ ગાડીમાં ગયા અને ત્યાં સ્કૉટલૅન્ડના રાજચિહ્નો તેમજ બીજા રાજ-જવાહીરો જોયાં. કિલ્લા ઉપરથી આખા એડિનબરો અને ‘ફોર્થ ઑફ ફોર્થ’ જ્યાંથી થોડે દૂર ફરતુ નૌકાસમૂહ દેખાતો હતો તેનું સુંદર દૃશ્ય નજરે પડતું હતું. અમને મેરી ક્વીન ઑફ સ્કોચ્ચસના વસવાટનો એક નાનો ઓરડો બતાવવામાં આવેલ. ઓરડાઓમાંનો આ ચોથો હતો અને તેની શયનખંડોની પસંદગી મને પ્રશંસાયોગ્ય લાગી કે કેમ તે મારાથી કહી શકાતું નથી. સ્કોટલેંડના લોકો જેમને આવાં સ્મરણો સ્વાભાવિક રીતે જ બહુ પ્રિય હોય છે તેમને આ સ્થાનો માટે ખાસ ભાવ છે, જે એક સામાન્ય મુસાફરમાં નથી હોઈ શકતો. પરંતુ હું પોતાના દેશની પુરા પ્રાચીન વસ્તુઓ માટે હૃદયપૂર્વકની ચાહનાવાળા પ્રત્યેક મનુષ્યના અંતરમાં કામ કરતી તેમની લાગણીઓ બહુ સારી રીતે સમજી શકું છું. કિલ્લો પોતે પણ બહુ જોવા જેવો છે. જૂના અને નવા એડિનબરો વચ્ચેની ગાડીની સફર પણ આનંદ આપે તેવી હતી. નવું અને જૂનું શહેર “નોર્થ લોક’ નામક ખીણથી વિભક્ત છે, અને તેમને એક પુલ દ્વારા સંયુક્ત કરવામાં આવેલ છે. બન્ને વચ્ચે દેખાઈ આવે એવી વિલક્ષણતા છે. પ્રાચીન મકાનોની સફાઈ તેમજ નવાંઓની શોભા જોઈ હું દંગ થયો. એડિનબરો દેવળોથી ભરપૂર છે અને તેમના અણીદાર શ્રૃંગોને લીધે તેનો પ્રત્યેક ભાગ ચિત્રોપમ દેખાય છે. બપોર પછી અમે લૉર્ડ રોઝબરીને ‘ફ્રિડમ ઑફ ધી સીટી’ નો ખિતાબ આપવા મળેલ ટાઉનહૉલની સભામાં હાજરી આપી. તેમણે તેમજ લૉર્ડ પ્રોવોસ્ટે બહુ જ મજાનાં ભાષણો આપ્યાં. લૉર્ડ રોઝબરી વખતે વખતે મજાક સાથે બોલ્યા હતા. શ્રોતાગણ તેમનાં બધા ભાષણથી દેખીતી રીતે બહુ ખુશી થયેલ અને બેશક તે એક સૌથી બાહોશ અને લોકપ્રિય ઉમરાવ છે. સાંજે લિબરલ ક્લબમાં લૉર્ડ રોઝબરીના માનમાં અપાયેલ ખાણાં પ્રસંગે અમે લૉર્ડ પ્રોવોસ્ટ મિ. હેરીશનના અતિથિઓ હતા. પાછળથી ટૂંકા અને હાસ્યરસયુક્ત ભાષણો થયાં હતાં અને ત્યાર પછી અમે વેવલી માર્કેટ જ્યાં એક લશ્કરી બેન્ડ વાગતું હતું ત્યાં લોકોના વિહારની ચલન વિહારની નિરીક્ષા કરવા ગયા. આ હેતુ સાથે જ અપાયેલ મારાં જોયેલાં સ્થાનોમાં આ સ્થાન સહુથી મોટું હતું અને તે જુદા જુદા પ્રકારના માણસોથી તદ્દન ભરપૂર હતું.

૨૪મી જુલાઈ.

અમે વહેલી ટ્રેનમાં બૅલોચ જવા ગ્લાસગોથી ઊપડ્યા અને લોક લોમંડના સરોવરને મોખરે આવેલ ઇન્વર્સનેઇડ જવા આગબોટમાં બેઠા. આ એક ઘણું જ સુંદર સરોવર છે અને તે આખા ગ્રેટબ્રિટનમાં મોટામાં મોટું ગણાય છે. તેમાં ભવ્યતા અને સૌંદર્યનું કંઈ અવનવું મિશ્રણ છે. જળ આરસા જેવું નિર્મળ છે અને તેને સંખ્યાબંધ મનોહર ટાપુઓ ભાલ પ્રદેશ ઉપરના ચાંદલાના જેવી શોભા આપી રહ્યા છે. સ્થાનની ભવ્યતામાં તેના સૌંદર્યના રક્ષકો તરીકે આનંદજનક નિર્ભયતાથી ચોતરફ ઊભેલ ટેકરીઓ કંઈ ઓર અભિવૃદ્ધિ કરે છે. ઇન્વર્સનેઇડથી સ્કૉટનાં ‘સાગરની સુંદરી’નાં સ્થાન લૉક-કેટ્રાઇન’ તરફ ગાડીમાં ગયા. ત્યાંથી આગબોટ વાટે ટ્રોસાક્સ અને ટ્રોરસાક્સથી ગાડીમાં કેલન્ડર ગયા. આ બધો પ્રવાસ મેં આજ દિવસ સુધીમાં જોયેલ દૃશ્યોમાં સૌથી વધારે સૌંદર્યપૂર્ણ દૃશ્યો વચ્ચેથી કર્યો હતો. આ બધાંનું સર વૉલ્ટર સ્કૉટ જેના ગ્રંથોથી સર્વ સુપરિચિત છે તેણે એટલું તો તાદૃશ્ય આલેખન કર્યુ છે, કે હું પોતે મારી અપક્વ અને અપૂર્ણ ભાષામાં તે આલેખવાનો પ્રયત્ન નહીં કરું. ટ્રોસાક્સ પાસેનો લોકકેટ્રાઇનનો ભાગ તેમજ ઇનવર્સનેઇડ નજીકનું લોક લોમંડનું મથાળું એ ભાગો મને બહુ જ પસંદ પડ્યા હતા. સવારે વાદળાંઓ હતાં પરંતુ બપોર પછીનો વખત સુંદર અને ઉજ્જવળ હતો અને ટ્રોસાક્સ અને કેલન્ડર વચ્ચેનાં સરોવરોનો અત્યંત મનોરમ દેખાવ અમારી દૃષ્ટિએ આવતો હતો. કેલન્ડર અમે ચાલીને બ્રેકલીનના ધોધ જોવા ગયા હતા. તેમનું સૌંદર્ય પણ અવર્ણનીય હતું અને આવાં દૃશ્યો વચ્ચે માત્ર ત્રણ દિવસ જ ગાળવાને બદલે ત્રણ મહિના અથવા બની શકે તો ત્રણ વરસો પણ ગાળવા મારી પૂર્ણ ઇચ્છા છે. અમે લંડન થોડું રહ્યા હોત તો ઠીક થાત. આથી આવાં સ્થાનો માટે અમે વધારે વખત આપી શકત.

૨૫મી જુલાઈ.

પ્રભાત બહુ રમ્ય હતું, અને તેથી અમે ‘લોકટે’ માટે ઊપડતાં પહેલાં એક વહેલી સફર મારવા નીકળ્યા. શહેરની પાછળ ઉંચાણવાળી જગ્યાએ અમે ચડ્યા અને ત્યાંથી આસપાસના પ્રદેશનો સુંદર દેખાવ અમારી નજરે પડ્યો. ટેકરી ઉપર જવાનો રસ્તો ‘પાઈન’ સ્કૉચફર, પહાડીબીચ તેમજ તેમની નીચે ઉગેલ મજાની વનસ્પતિનાં આલ્હાદજનક જૂથો વચ્ચેથી જતો હતો. શિખર ઉપર જતાં અમે એક ઘાસવાળા મેદાન ઉપર ઊભા અને તેની બીજી બાજુનું ઉત્તરણ ફર્ન અને હીધરના રોપાઓ વચ્ચેનું કંઈક વિષમ હોવા છતાં અમને ઊતરતાં જરાએ ઓછી ગમ્મત પડી નહોતી. આ ઉચ્ચ પ્રદેશના વતનીઓમાં આવો સ્વદેશપ્રેમ જોતાં મને વિસ્મય થતું નથી. ખરેખર, આ દુનિયાના સુંદરમાં સુંદર પ્રદેશોમાંનો આ એક છે. અગ્યાર વાગ્યા પછી તુરત જ અમે આગગાડીમાં કિલીન જવા તેમજ ત્યાંથી આગબોટમાં કૅન્મોર જવા ઊપડ્યા. આ પણ બહુ સુંદર છે પણ મારા મનને તે લોકલોમંડ કે લૉક-કૅટ્રાઇનનાં જેવું ચિત્રોપમ ન ભાસ્યું. તેની મર્યાદા ઉપરની અત્યંત મનોહર વાટિકાઓ વચ્ચે થઈને અમે કેન્મોરથી એબરફેલ્ડી ગાડીમાં ગયા. એબરફેલ્ડીથી ટ્રેન પકડી અમે પિટલૉક્રી આવ્યા અને અહીં બધાં તરફથી સુસમાચારવાળી હિંદથી આવેલી બેવડી ટપાલ મારી રાહ જોતી મને માલમ પડી.

[ઇંગ્લૅન્ડ દર્શન, ૧૮૮૩]