ગુજરાતી પ્રવાસસાહિત્ય સંપદા/૧ યાદ વાશેમ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

૩૮
વર્ષા અડાલજા

૧. યાદ વાશેમ

તોય કિબુત્ઝ જોવાનું બની ન શક્યું. એ ક્ષમ્ય ગણાય. પણ અહીં આવીને બે જગ્યાએ જવું જ પડે – જેરૂસલેમ અને હોલોકોસ્ટ મ્યૂઝિયમ. યાદ વાશેમ. સોનાલીએ પહેલે જ દિવસે મને કહી દીધેલું, તમે બધે હરીફરી લો, પણ યાદ વાશેમ જવાનાં હો તો છેક છેલ્લે જ જજો. મેં જોયું નથી. મારાથી જોઈ શકાવાનું નથી ને હું તમને લઈ પણ નહીં જાઉં. એ ઠીક કહેતી હતી. પ્રવાસના પહેલા જ દિવસે ત્યાં જઈએ તો બાકીના દિવસો પર વિષાદનો ગોરંભો તો રહે જ. હોલોકોસ્ટ. યાદ વાશેમ. હિટલરે કરેલા નિઘૃર્ણ હત્યાકાંડમાં મૃત્યુ પામેલા યહૂદીઓનું સ્મારકસ્થળ. વિશ્વની આ એકમાત્ર પ્રજા એવી હતી કે જેને સદીઓથી પોતાની ધરતી છોડી દુનિયાભરમાં નિરાધાર બની ભટકવું પડ્યું, હરદેશમાં જુલમની એડી નીચે કચડાવું પડ્યું. છેક પાંચમી-છઠ્ઠી શતાબ્દીથી ખ્રિસ્તી બર્બરોએ કસાઈથીયે ભૂંડી રીતે એમને રહેંસ્યા. યુરોપના ખ્રિસ્તીઓએ એમને એવા રંજાડ્યા હતા કે ઇતિહાસમાં એનો જોટો ભાગ્યે જડે. રશિયામાં યહૂદીઓ પર ભયંકર જુલમ અને હત્યાકાંડ શરૂ થયા જેને પ્રોગ્રોમ કહેવાય છે. વીસમી સદીના આરંભ સુધી લોહીલુહાણ પ્રોગ્રોમ ચાલ્યા, જેને માટે શબ્દ છે એન્ટી સેમેટીઝમ. ૧૯૩૩ની ૩૦ જાન્યુઆરીએ જર્મનીમાં હિટલર સત્તા પર આવ્યો અને એણે ‘ન્યુરેમ્બર્ગ લોઝ’ નામથી રીતસરની સરકારી નીતિ જ બનાવી જેમાં યહૂદીઓને તેમના ‘દૂષિત લોહી’ માટે, મનુષ્યો તરીકે જીવવાનો કોઈ અધિકાર નહોતો. બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળતાં તેણે ‘ફાઇનલ સોલ્યુશન’ અંતિમ ઉકેલની નીતિ જાહેર કરી. જેમાં સર્વ યહૂદીઓને ખત્મ કરી નાખવાના હતા. અને આ મહાન અને પવિત્ર કાર્ય માટે જ વિધાતાએ તેને મોકલ્યો છે એમ હિટલર અને નાઝી સૈનિકો માનતા. દૃઢતાથી પરશુરામે પૃથ્વીને નક્ષત્રી કરવાના શપથ લીધા હતા તેમ યહૂદીઓનો સામૂહિક સંહાર, ભયંકર ક્રૂર રીતે એણે કરવા માંડ્યો અને આખી દુનિયા, જગતકાજી બનતી મહાસત્તાઓ પણ શાંતિથી, એક આખી પ્રજાની કત્લેઆમ જોતી રહી. આ નરમેઘ યજ્ઞમાં જીવતા ઈંધણ જેવા ૬૦ લાખ યહૂદીઓ હોમાયા. દુનિયાની ત્રીજા ભાગની યહૂદી પ્રજા નામશેષ થઈ ગઈ. આમ તો ઑક્સફર્ડ ડિક્ષનરી પ્રમાણે હોલોકોસ્ટનો અર્થ છે સામૂહિક સર્વનાશ. પણ સાથે જ બીજો અર્થ આપ્યો છે, યહૂદીઓનો થયેલો સામૂહિક સંહાર. એટલે કે બીજા વિશ્વયુદ્ધ પછી હોલોકોસ્ટ શબ્દનો સમૂળો અર્થ જ બદલાઈને યહૂદીઓની કત્લેઆમનો પર્યાય બની ગયો. અને અત્યારે અમે યાદ વાશેમ – હોલોકોસ્ટ સ્મારકસ્થળ પર જઈએ છીએ. ટૂર કંપનીની પ્રવાસી બસમાં જવાની ઇચ્છા નહોતી. ઘણાં સ્થળ ફેરવીને થોડા સમય માટે ત્યાં લઈ જાય – ટોળામાં જોઈ તરત નીકળી જવાનું. યાદ વાશેમ કોઈ સુંદર ઇમારત કે બગીચો નથી કે લટાર મારી નીકળી જવાય. મેં અને ઈલાએ પ્રાઇવેટ ટૅક્સી કરી અને સવારે વહેલા નીકળી ગયાં. શહેરથી દૂર, ઊંચી ટેકરી પર શાંત વાતાવરણમાં મરુભૂમિમાં રચ્યો છે જાણે એક હરિયાળો દ્વીપ. નીચે ખીણમાં અને આસપાસ કાળજીથી વૃક્ષો ઉછેર્યાં છે અને રસ્તા પર છે બેય બાજુ પાઈન વૃક્ષની હારમાળા. જે લોકો યાતનાની ધગધગતી ભઠ્ઠીમાં જીવતા ભૂંજાયા એમની રાખ અને સ્મૃતિને અહીં શીતળતામાં પોઢાડી છે. માનવ ઇતિહાસની સૌથી ઘૃણાસ્પદ અને અત્યંત શરમજનક ઘટનાને દફનાવી દેવાને બદલે તેનું સ્મારક રચ્યું છે, જેથી દુનિયાને પદાર્થપાઠ મળે કે આવું ફરીથી કદી ન બને. અંધારી ગુફામાંથી આદિમાનવ નીકળીને છેક આકાશમાં ઝગમગતા ચંદ્ર અને ગ્રહો પર પહોંચ્યો. તેની પ્રગતિ અને સિદ્ધિના સોપાનોનાં અસંખ્ય મ્યુઝિયમ દુનિયાભરમાં હશે – છે, પણ માણસ કેટલાં પગથિયાં નીચે ઊતરતો ગયો તેનું સ્મારક તો કદાચ આ એક જ હશે. વિશાળ પાર્કિંગ એરિયામાં અમારી ટૅક્સી ઊભી રહી ત્યારે ત્યાં ઘણાં વાહનો હતાં. દરેક ક્ષેત્રમાં અત્યંત આધુનિક ટેક્નોલૉજી ધરાવતા દેશના અત્યંત મહત્ત્વનાં સ્થળનું મકાન આંખોને આંજી દે એવી ભવ્ય ઇમારત નથી. ચોતરફ વૃક્ષો અને બગીચાની વચ્ચે, ઊંચાઈ ઉપર એક વિશાળ મકાન છે, બેઠા ઘાટનું અને કબરના આકારનું. ઘાટઘૂટ વગરના, ગેલીલીના સમુદ્રમાંથી આણેલા પથ્થરોથી ચણેલું. મોટા દરવાજા. જડબેસલાક અંધકારમાંથી બનાવ્યા હોય એવા ઘેરા કાળા લાકડાના. અત્યારે દરવાજા બંધ છે. આ પ્રાર્થનાનો સમય છે. ત્યાં નિયમિત પ્રાર્થના થાય છે, જેને જોડાવું હોય તે જોડાઈ શકે છે, પણ ખલેલ ન પડે તેથી પ્રાર્થના શરૂ થઈ ગયા પછી દરવાજા વસાઈ જાય છે. એક બીજા ઓરડામાં જઈએ છીએ. ઘેરી ચુપકીદી. અહીં છે માત્ર લાંબા કાળા પથ્થરો. જે જે દેશમાં યહૂદીઓની કતલ થઈ તેમનો મૃત્યુ આંક લખાયેલો છે. માર્ટીન ગીલ્બર્ટે સંશોધન કર્યું કે ૧લી સપ્ટેબર, ૧૯૩૯થી ૮મી મે, ૧૯૪૫ સુધી વિશ્વના ૩૧ દેશોમાં કુલ ૫૬,૯૮,૭૨૯ યહૂદઓને રહેંસી નાખ્યા. પથ્થરો પર આ આંકડા છે પોલૅન્ડ ૩ લાખ, રશિયા ૧૦ લાખ, હોલૅન્ડ ૧,૦૬,૦૦૦, જર્મની ૧ લાખ ૬૦ હજાર... આંકડાઓનાં નાનાં ટપકાંમાં વેદનાનો મહાસાગર ઘૂઘવે છે. અસંખ્ય લોકો મૃત્યુ પામ્યા. કોઈ જ પત્તો મેળવી નથી શકાયો. કાળી ફાઈલોમાં નામઠામની યાદી થતી રહી છે. હજી સુધી વીસેક લાખ લોકોનાં જ નામ શોધી શકાયા છે. કોઈ કુટુંબનો આખો વંશવેલો જ ખત્મ થઈ ગયો હોય ત્યાં વળી નામ શું ને ઠામ શું? આ માનવસંહાર દરમિયાન, જે લોકો વીંધાયા, ભૂખ ને રોગથી મર્યા, ઝેરી ગૅસથી ગૂંગળાઈને મર્યા, ખોવાયા એ સૌની શોધ સતત ચાલતી રહે છે. ત્યાં ફોર્મ મુકાયેલાં હતાં. તમને કોઈ આવી વ્યક્તિની જાણ હોય તો તમારી પાસે જે વિગત હોય તે ફોર્મમાં ભરીને આપવાનું. ફોર્મમાં વ્યક્તિનું નામ, સરનામું, દેશ, વ્યવસાય, માતાપિતાનું નામ, કાયમી સરનામું, યુદ્ધ સમયે ક્યાં હતાં, મૃત્યુનું અંદાજિત સ્થળ-સમય-કારણ, એ બધી વિગતોનાં ખાનાં છે. તેમાં દરેક જગ્યાએ વ્યક્તિ-personને બદલે victiom લખ્યું છે. ફોર્મને મથાળે લખ્યું છે યાદ વાશેમ, મારટ્યાર્સ એન્ડ હીરોઝ રીમેમ્બરન્સ ઓથોરિટી. એની નીચે આ સંસ્થાનો ઉદ્દેશ્ય લખ્યો છે – એ તમામ શહીદો માટે સમગ્ર માહિતી એકઠી કરવી, જેમની હત્યા થઈ છે. જેમણે નાઝી દુશ્મનોનો હિંમતપૂર્વક સામનો કર્યો એવી વ્યક્તિઓ, સંસ્થાઓ, મંડળો એ તમામને નામશેષ કરાયાં હતાં. કારણ કે તે યહૂદીઓ હતા. સ્મૃતિ માટે મેં એક ફોર્મ લઈ લીધું. હોલોકોસ્ટ મ્યૂઝિયમમાં હવે અમે જઈએ છીએ. અંદર પ્રવેશતાં જ લાગે કે હીટલરના સમયની કોઈ લાંબી અંધારી ગલીમાં તમે દાખલ થયા છો. કોઈ વિશાળ પ્રકાશિત મોટા ખંડમાં હોલોકોસ્ટની સામગ્રી મૂકી નથી. તમે ચાલતા જાઓ અને બન્ને તરફ આ માનવસંહારની અસંખ્ય છબીઓ, પત્રો, અખબારનાં પાનાં, ચોપાનિયાં, પુસ્તકો, સરકારી હુકમો વર્ષ-તારીખવાર જુદી જુદી રીતે ગોઠવાયેલાં જોવા મળે છે. બ્લૅક એન્ડ વ્હાઇટમાં આ સઘળી સામગ્રી. પ્રકાશ આયોજન પણ અંધકારને વધુ ઘેરો બનાવે છે. અહીં ઘણા લોકો છે, પણ શ્વાસોચ્છવાસ સંભળાય એવી ઘેરી ચુપકીદી. માત્ર પદરવ, ક્યાંક દબાયેલું ધ્રુસકું, ઊંડો નિશ્વાસ, તો કોઈકની આંખમાંથી વહી જતાં આંસુ. એક કાળી લાંબી દીવાલ પર દીવાલ જેટલી જ મોટી એક જ તસવીર. વોરસો ઘેટ્ટોમાં યહૂદીઓનું ટોળું હાથ ઊંચા કરીને તાબે થઈ ગયાની મુદ્રામાં ઊભું છે અને એ ટોળાની આગળ પાંચ-છ વર્ષનાં બેત્રણ બાળકો ઊંચા હાથ કરી ઊભાં છે અને એમની સામે બંદૂકની નાળ તાકીને ક્રૂર હાસ્ય કરતાં ઊભા છે જર્મન સૈનિકો. કોઈ તસવીરમાં લારીમાં ખડકલો કરી શબો લઈ જવાય છે. એક તસવીરમાં અનાથાશ્રમમાંથી ઢગલાબંધ બાળકોને ટ્રકમાં ભરીને ડેથકૅમ્પમાં સામૂહિક હત્યા માટે લઈ જવાય છે. ઓઝવીત્ઝની નજરબંદી છાવણીનું મોટું રેલવે પ્લૅટફૉર્મ છે, ત્યાં થોડા જર્મન ઑફિસર ઊભા છે અને સામે છે અસંખ્ય પુરુષો, સ્ત્રીઓ, બાળકોનો સમૂહ. આ છે મોતના ખેલની તસવીર. અચાનક ટોળામાંથી થોડાને પકડી આ પ્લેટફૉર્મ પર વીંધી નાખે છે અને બચેલાને, હવે કોનો વારો છે એના ભય નીચે ફફડતા થોડી વાર ઊભા રાખે છે. પછી ઝપટ મારીને બીજા થીડા... એક ચિત્રમાં હાડપિંજર જેવા, શેરીમાં મદદ માગતા હાથ લાંબો કરીને બે સાવ નાનાં બાળકોની બાજુમાં મજબૂત વજનદાર બૂટ પહેરેલા માત્ર બે પગ જ દેખાય છે. એક ભીંત પર નાનાં બાળકોએ દોરેલાં ચિત્રો અને કવિતા છે. ચિત્રોમાં સરસ ઘર, સૂરજ, રમતાં બાળકો, વૃક્ષો અને પતંગિયાંઓ છે. ચોતરફ જીવતાં હાડિપંજર અને લાશના ઢગલા વચ્ચે રહેતી ૧૨ વર્ષની ઈવાએ ઈશ્વરને પ્રાર્થના લખી છે, ઓ ઈશ્વર! અમને મારતો નહીં, મારે વધુ સુંદર દુનિયા જોવી છે, મારે જીવવું છે ઓ પ્રભુ! અમે બે બહેનો ચુપચાપ ચાલતાં રહીએ છીએ, ક્યાંક પગ અટકી જાય છે, તો ક્યાંક નજર માંડી નથી શકાતી. એ લાંબી ટનલ જેવી ગલી લંબાતી રહી છે, બન્ને તરફ વેદનાનો દસ્તાવેજ ઉખેળાતો આવે છે. એને બીજે છેડે બહાર નીકળીએ છીએ અને આંખ તરત અજવાળું ઝીલી શકતી નથી. અહીં અમારી જેટલી મિનિટો જાય છે. ટૅક્સી ડ્રાઇવર તેનો ડૉલરમાં હિસાબ માંડતો રહેવાનો છે, પણ પ્રાર્થના કર્યા વિના કેમ જવાય? પેલા કાળા તોતિંગ દરવાજા હવે ખૂલી ગયા છે. ૬૦ લાખમાંથી પંદર લાખ જેટલાં નાનાં બાળકો નાઝીઓનાં ખપ્પરમાં હોમાયાં હતાં. એમની સ્મૃતિ અહીં સચવાઈ છે. અંદર આછો પ્રકાશ ગાઢ અંધકારને વધુ ગાઢ બનાવે છે. ઉપર આકાશ જેવો વિશાળ ગુમ્બજ. એમાં જગ્યા છે કાચ. નીચે પ્રજ્વળે છે માત્ર છ મીણબત્તી, જેનાં હજારો પ્રતિબિંબો આખા ગુમ્બજમાં ટમટમી ઊઠે છે. નજરબંદી યાતનાધામ છાવણીઓમાં ઇલેક્ટ્રિક ફરનાન્સમાં ભૂંજાયેલા લોકોની રાખ અહીં છે. એ યજ્ઞવેદી પર છે અખંડ જ્યોત. આ જ્યોત આવનારી સદીઓ માટે પથદર્શક બની રહે એવી પ્રાર્થના મનોમન કરી અમે નીકળ્યાં. બહાર જે રસ્તો છે એનું નામ છે - બિનયહૂદી ધર્મપુરુષોનો પથ. આ કરુણાંતિકા જેમ હત્યાકાંડની છે તેમ માનવતાની પણ છે. શરમની છે અને શહાદતની પણ છે. યહૂદીઓનાં રક્ષણ માટે જે બિનયહૂદીઓએ જીવ ખોયા તેમનામાંથી જે નામ મળ્યાં તેની સ્મૃતિ લીલીછમ્મ રાખવા, એક એક નામનું વૃક્ષ વાવ્યું છે. જેમણે જાન ન્યોચ્છાવર કર્યાં તેમનાં કુટુંબીજનો, મિત્રોને બોલાવી તેમના હાથે વૃક્ષારોપણ કરાવ્યું છે. દરેક વૃક્ષની નીચે એ નામનું બોર્ડ છે. બાજુમાંથી થોડાં પગથિયાં નીચે ઊતરતાં નાનું ચોગાન છે, ત્યાં પણ આવાં સ્મૃતિવૃક્ષ વાવ્યાં છે. ઉપરવાળો સારાનરસાનાં બે છાબડાં કેવાં સમતોલ રાખે છે! તાપ આકરો થઈ ગયો છે તોય કેટલાય લોકો અહીં ફરી રહ્યા છે. એક ચિત્રકાર યુવતી મ્યૂઝિયમનો સ્કેચ બનાવી રહી હતી. આ સ્મારકસ્થળની સામે છે બગીચો. એની વચ્ચોવચ્ચ શ્વેત પથ્થરની પૂર્ણ કદની મધર મેરીની મૂર્તિ જોઈ થંભી જવાયું. મેરીની મૂર્તિ કે તસવીરમાં હંમેશાં એમના ચહેરા પર કેવા વાત્સલ્યભાવ જોયા છે! જેરૂસલેમમાં વધસ્તંભે ચડતા ઈશુના પગ પાસે બેઠેલાં મેરીના ચિત્રમાં એમની આંખોની અકથ્ય વેદના સોંસરવી વીંધી જાય છે. પણ અહીં તો મેરી છાતી પર માથું ઢાળી દઈ સ્તબ્ધ ઊભાં છે. એક નહીં, લાખો પુત્રો વધસ્તંભે ચડે એ માની છાતી ફાટી જતી વ્યથાની શી વાત કરવી? ઈલાએ કહ્યું, આવો ક્રૂર માનવસંહાર કઈ મા જોઈ શકે! એટલે વ્યથિત માએ માથું ઢાળી દીધું છે.

[નભ ઝૂક્યું, ૨૦૦૦]