ગુજરાતી પ્રવાસસાહિત્ય સંપદા/૨. હવે ગંગોત્રી

From Ekatra Wiki
Jump to navigation Jump to search

૨ હવે ગંગોત્રી


વહેલી સવારે, આછા અંધારામાં પ્રવાસ શરૂ કરવાનો એક નવો અનુભવ હતો. પર્વતીય પ્રદેશોમાં સવાર જરાક મોડી પડતી હોય એટલે ભળભાંખળું થવાનેય થોડીક વાર હતી. બસની ફ્લડલાઇટમાં જે મર્યાદિત ભાગ પ્રકાશિત થતો હતો. એ તો માત્ર રસ્તો દેખાડનાર જ હતો. ધીમે-ધીમે અંધારાનો પડદો પાતળો થવા લાગ્યો અને હજુ શામળા પર્વતોને આકાર આપતું આકાશ ખૂલવા લાગ્યું. પ્રિયકાન્ત મણિયારે ‘અંધકારના ઊંચા નીચા પ્હાડ’ લખ્યું છે એનું પ્રતીકાત્મક દૃશ્ય રૂપ ઊપસતું હતું – ન ખડકો, ન વૃક્ષો, ન વનરાજિ. આકાશના આછાભૂરા કૅન્વાસ પર ચીતર્યાં હોય, ને બસની ગતિને કારણે સરકતા હોય એવા પહાડો. ક્રમશઃ બધું દૃશ્યમાન થવા લાગ્યું. આખું પરિદૃશ્ય ખૂલવા લાગ્યું ને આકાશે પણ આછો પ્રભાતી રંગ ધારણ કર્યો. જરાક આલંકારિક રીતે કહીએ તો સૃષ્ટિની આ રંગભૂમિ પર, નેપથ્યેથી આવીઆવીને કુદરતનાં વિવિધ પાત્રો પ્રગટ થવા માંડ્યાં હતાં. અપરિચિતને ધીરેધીરે પરિચિત કરતી સમયની આ મુદ્રા – ના, મુદ્રાઓ – પોતે જ એક રમ્ય અનુભવ બની ગઈ. પર્વતના ચક્રાકાર વળાંકો લેતી બસ ઉપર ચડી રહી હતી – ૯૦-૯૫ કિલોમીટર કાપતાં ત્રણ કલાક ઉપરાંતનો સમય થવાનો હતો. રસ્તે ક્યાંક-ક્યાંક છૂટાંછવાયાં મકાનો, દુકાનો, ગામ કહેવાય એવી નાની વસ્તીઓ સિવાય કોઈ ખાસ માનવસંચાર ન હતો. સવારે ચાર વાગે ઊઠવાનું થયેલું એટલે મોટા ભાગનાં સાથી પ્રવાસીઓ તો બાકી રહેલી ઊંઘ ખેંચતાં આમતેમ ઝૂકી ગયેલાં હતાં. પણ હું કોઈ દૃશ્ય ચૂકવા માગતો ન હતો. આમેય, પ્રવાસ દરમિયાન મને ભાગ્યે જ ઊંઘ આવતી હોય છે. અને આવા સ્થળે તો આંખ લગભગ અ-નિમેષ હોય, બહાવરી બનીને બારીબહાર રઝળતી હોય, ઇષ્ટ સ્વાદ લીધા કરતી હોય... ગંગોત્રી આવી ગયું હતું પણ પાર્કિંગ આગળ ઘણી બસોનો ને અન્ય વાહનોનો જમેલો હતો. ઉત્તરકાશીથી આટલા વહેલા નીકળવાનું એક કારણ એ હતું કે પાર્કિંગ બહુ દૂર ન કરવું પડે. પણ અમારાથીય વહેલાં આવી ચૂકેલાંનાં વાહનોની હરોળ એટલી લાંબી થઈ ગઈ હતી કે દોઢેક કિલોમીટર તો ચાલવું જ પડ્યું – ગંગોત્રીના ગંગામંદિર સુધી પહોંચવા માટે. પણ હાશ! અહીં ઘોડા પર કે ડોળીમાં બેસવાનું ન હતું. ગંગોત્રીમાં અને બદરીનાથમાં બસ છેક મુકામ સુધી જાય, યમુનોત્રી અને કેદારનાથમાં જ વાહનો તળેટીમાં અટકે અને પ્રવાસીઓને સ્વાધીન પદયાત્રા કે પરાધીન ઘોડા-ડોળીયાત્રા કરવાની થાય અહીંની ગંગાને નીરખતાં જ એક રોમાંચ થયો. ગંગાનો આ આરંભપ્રદેશ. એનું મૂળ તો બહુ દૂર, ઉપર. ગૌમુખ સુધી બધાં જતાં હોય છે પણ અમે ગયેલાં ત્યારે એ રસ્તો કોઈ કારણે બંધ હતો. અને ચાલુ હોત તોયે, એ પથ્થરો ઠેકતાં-ઠેકતાં ત્યાં જવાની મારા પગની - લગભગ અમારા સૌના પગની કોઈ ક્ષમતા ન હતી. મેં વિચાર્યું કે ગૌમુખ પણ ગંગાનું મૂળ ઉદ્ગમસ્થાન હશે એવું થોડું છે! બને કે એ તો હજુય ઉપર, ને અંતિરયાળ હશે... તો ભગીરથે ક્યાં, કયે સ્થળે સાધના કરી હશે, ને ક્યાં ઝીલી હશે શંકરે એમની જટામાં ગંગાને? ગંગા-અવતરણની એ પુરાણકથા અહીં, આ ગંગોત્રીના ગંગાપ્રવાહની ઉપરવાસ ફેલાયેલાં ઊંચાં શિખરોમાં જ શું મૂર્તિમંત થતી નથી? આપણને એવી કલ્પના કરવી કેમ ન ગમે કે આ શિખરોની બંને બાજુ ઊતરતાં, ફેલાતાં વૃક્ષોના ગીચ ઢાળો એ જ તો શિવની પ્રચુર, ગૂંચવાયેલી જટાઓ... એમાં જ થયેલું હોય ગંગાનું અવતરણ. અહીં તો જે પ્રાગટ્ય છે એ જ અવતરણ. આ ભાગીરથી ગંગા. જે નજર સામે છે એ જ તો એ પ્રાચીન કથાનું ભવ્ય ને રમણીય મૂર્તિમંત રૂપ. કથા અહીં સ્પષ્ટપણે ઊકલતી જાય છે કેમ કે ગંગાનું જ નહીં, નદીમાત્રનું ઝીલણ ધરતી નહીં પણ પર્વતો જ કરતા હોય છે ને? સૌથી પહેલાં વર્ષાવતરણ, એ વર્ષાજલને અંતરિયાળ ઉતારીને, ખડકોમાં જળરૂપે ને હિમ-બરફ-રૂપે સંગોપીને (જાણે જટા-જાળમાં ઝીલી રાખીને), પછી અનેક સરવાણીઓ રૂપે, ઝરણાં રૂપે, ધીરેધીરે એનો આવિષ્કાર કરે છે આ પર્વતો. એમ સંચિત થતી નદીઓ એ જ ગંગા, યમુના, અલકનંદા, ને વળી નર્મદા, કાવેરી વગેરે. પછી એ વહેતી જાય, પુષ્ટ થતી જાય ને ભગીરથના સંકલ્પને ચરિતાર્થ કરતી જાય. પર્વતો અને નદીના આ વિશાળ પરિદૃશ્યમાં હું એ મૂળ પુરાણકથાને આકાર લેતી જોઈ શકું છું – પુરાણકથાનો પણ સ્વાદ લેતાં લેતાં. હવે મારી આંખ સામેનો આ જળપ્રવાહ મારી તર્કસરણીને અટકાવે છે. પથ્થરો, કંકરો સાથે મસ્તી કરતી નિર્મળ ગંગા હસુંહસું થઈ રહી છે સવારના આ કુમળા તડકામાં. પ્રવાહ વચ્ચે જઈને ઊભો છું. હું કંઈક ભાવવિભોર છું – પહેલાં એક અંજલિ, લઉં છું, મધુર પયપાન કરું છું ગંગાજળનું. યાદ આવી જાય છે બાણની ‘કાદંબરી’માંનું અચ્છોદ સરોવર. કવિ ગદ્યકારે સરોવર-જળનો પંચેન્દ્રિય અનુભવ એમની સઘન સામાસિક બાનીમાં આલેખ્યો છે. ગંગા સાથે જોડાયેલું શૈત્ય ને પાવનત્વ – હા પાવનત્વ પણ – હું અનુભવું છું. અહીં આ વાતાવરણની વચ્ચે ગંગાસમ્મુખ હોવું એ મારું પોતાનું, અનુભવાતું પાવનત્વ છે. એટલે નદીમાં ડૂબકી લગાવું એ પહેલાં એક ખોબો ભરીને જળ માથે ચડાવું છું. હા, આ મારી પોતાની આસ્તિકતા છે. અતર્કને શરણે ગયા વિનાની આસ્તિકતા – અસ્તિ ગંગા, અસ્તિ હિમાલય. પુણ્ય-અર્જન એ શ્રદ્ધાવાનોનો આનંદ જરૂર હશે, પણ આ નીતર્યા, આહ્લાદક ગંગાતીરના આનંદ-અર્જન સાથે મારું મન જોડાય છે – એ રીતે, ભાગીરથી સાથે એ તદ્રૂપ થાય છે. સામે દેખાતા પર્વતોમાંથી ઊંડો શ્વાસ ભરીને ભાગીરથી ગંગામાં ડૂબકી લગાવું છું. આસપાસ અન્ય યાત્રાળુઓ અને મારાં સાથીઓ ડૂબકી લગાવતાં બોલી રહ્યાં છે – ‘હર ગંગે...’ એ શ્રદ્ધાભર્યા, તૃપ્તિભર્યા આનંદઘોષને મારો મૌન ટેકો છે. માથું પાણીની બહાર નીકળતાં જળ નીતરી રહ્યું છે – આંખો, નાસિકા, ચિબુક, છાતી પરથી ટપકી રહ્યું છે. મારે માથે તો ભાગ્યે જ થોડા વાળ છે છતાં જાણે ઘેરી લાંબી જટામાંથી આ પાણી વહી રહ્યું હોય એમ અનુભવું છું – મારામાંથી જ ગંગાવતરણ! હે હર, તેં ઝીલેલી ગંગા એ હવે મેં પણ ઝીલી છે માથે. હું અનેકમાંનો એક ભાગીરથ – ભગીરથનો વંશજ, મનુષ્ય... કિનારે, નદીમાં પગ બોળેલા રાખીને એક ઊંચા-સરખા પથ્થર પર બેઠો સૂર્યદેવ ને વાયુદેવ મારા શરીરને શીતોષ્ણ કરી રહ્યા છે. કેવો તો વૈભવ ભોગવી રહ્યો છું! હું મરક-મરક હસી રહ્યો છું. પત્ની પૂછે છે – કેમ હસો છો? શું થયું? કંઈ યાદ આવ્યું?’ જવાબમાં વળી પાછો હસું છું, સ્મિત કરું છું એ લમણે આંગળી મૂકીને પછી હવામાં સહેજ ઝાટકે છે ને ટોળમાં હસે છે. (આ ઠંડીમાં કંઈ વાયુ ચડી ગયો હશે મગજમાં?). હું સમગ્ર વાતાવરણને મારામાં શોષી રહ્યો છું, શરીર લૂછું એ પહેલાં તો શરીર પરથી પાણી, ભેજ ગાયબ છે. ફરી એક ડૂબકી ફરી આ સ્થળ, આ ક્ષણ, કદાચ નહીં આવે – નહીં જ આવે... સમયનો ઘંટ વાગે છે. ગંગામાતાનાં દર્શન કરીને તરત નીકળવાનું છે. ચા-નાસ્તો કરવાનાં છે. પછી પાછા બસમાં. બસ? ગંગોત્રીની જાત્રા પૂરી? શ્રદ્ધાળુઓને લાગ્યું એવું મનેય લાગ્યું કે બસ? આટલો જ સમય? અહીં આ રમણીય સ્થાને રાતવાસો શા માટે નહીં? અરે, ગંગોત્રી તો ગામ પણ છે – ક્યાંક વાંચ્યું કે ‘ટાઉન’. અહીં ઘણી ધર્મશાળાઓ છે ને હોટેલો પણ છે – ગંગાકાંઠે, ગંગાસન્મુખે તો ઓ મોટી બહેન, કરાવી દો ને આજનો દિવસ અહીં મુકામ? પણ રુલ ઇઝ રુલ. ઘણી સગવડોવાળો હોવા છતાં મને આજે આ આયોજિત પ્રવાસ – આ કન્ડક્ટેડ ટુર પ્રોગ્રામ – અળખામણો લાગ્યો. મનમાં એક આવેશ જાગ્યો : ‘ગંગોત્રી અને ભાગીરથી, ફરી આવીશ અને અહીં જ ધામા નાખીશ. હવે બધાં જ ધામેધામ નહીં, હવે તો બસ મસૂરીમાં, ગંગોત્રીમાં, બદરી વિસાલમાં બે-બે, ચાર-ચાર દિવસનો પડાવ નાખીને જોવું છે, ધરાઈને જોવું છે, માણવું છે આ દિવ્ય સૌંદર્ય. હા, ભવ્ય જ નહીં, દિવ્ય સૌંદર્ય – કેમ કે અહીં હું હાથ લંબાવું છું ને મારો હાથ જોજનો દૂર પહોંચે છે. સમયને વીંધીને ઐતિ-પુરાણકાળમાં, ભગીરથકાળમાં પહોંચી જાય છે મારું મન. જેને સ્થળ-સમયની આ ઉજ્જ્વળ વિશાળતાનો અનુભવ કરવો હોય એ અહીં રોકાઈ જાય, જમાવી પાડે તો જ અર્થ – જેમ પેલા સાધુબાવાઓ ચીપિયો ખોસીને, ધૂણી ધખાવીને, પલાંઠી વાળીને અડિંગા લગાવે છે એમ. અડિંગા લગાવ્યા વિનાનો પ્રવાસ એ પ્રવાસ નથી, નરી મુસાફરી છે, દોડધામ છે એક ધામથી બીજે ધામ ને ત્રીજે ધામ. બસ ચાલી ભર્યાભર્યા વાતાવરણમાં પણ હું ખિન્ન હતો. પાછા ઉત્તરકાશી તરફ...

અહીં અટકીને એક વાત કરવી છે. આ પ્રવાસ તો અમે કરેલો ૨૦૧૧માં. એ પછી તો આ ઉત્તરાખંડના રસ્તા સુધર્યા છે, કંઈક વધુ પહોળા ને વિઘ્નહર બન્યા છે. રસ્તાઓની અને નિવાસોની સગવડો પણ વધી છે. એવે વખતે હમણાં એક ટૂંકો, ૮-૧૦ મિનિટનો વીડિયો જોયો, એની વાત કરવી છે : ચાર-પાંચ રસિક સાહસિક મિત્રોએ ચોમાસાના દિવસોમાં ઉત્તરકાશીથી ગંગોત્રીનો કાર-પ્રવાસ કરેલો એનું રેકોર્ડિંગ આ વીડિયોમાં થયેલું છે. (એ લોકો ઉત્તરકાશીના જ હોઈ શકે) કેવાં અદ્ભુત માર્ગ-દૃશ્યો! નીતરીને સહેજ કોરો થયેલો દિવસ છે, રસ્તામાં ક્યાંક નદી છે, એનાં પાણી ઘુમરાઈ ઘુમરાઈને ઊછળી રહ્યાં છે, પણે એક ધોધ દેખાય છે, રસિકજનો નીચે ઊતરીને એ ધોધને માણે છે, દર્શકોને પણ ભાગીદાર બનાવે છે. ધોધ નદીમાં પછડાય છે એનો ધુમ્મસિયો ઉછાળ ઑર સુંદર ભાસે છે, આગળ જતાં, અરધીક મિનિટ તો, વાદળોએ કબજે કરેલા પર્વતી પ્રદેશની ધૂંધળી માયાવી સૃષ્ટિનું દર્શન પણ થયું, ધન્ય! આ મિત્રોમાં એક કથક (નૅરેટર) છે. કહે છે – આખે રસ્તે જુઓ, કોઈ પ્રવાસી નથી, હોટેલ-રેસ્ટોરાં ખાલી-ખાલી છે. અહીંના કોઈ-કોઈ નિવાસી રસ્તે ચાલતા નજરે પડે છે ઘડીક, એ જ. અરે એ લોકો તો ગંગોત્રીથી આગળ નેલેન્ડ (Ne-land) વૅલી તરફ, એક આર્મી ચેકપોસ્ટ સુધી પણ ગયા છે, એ પછી તિબેટની સરહદ શરૂ થાય... નેલેન્ડ ઉત્તરાખંડનું ચીની લડાખ ગણાય છે. ૧૯૬૨ના ચીન-યુદ્ધ પછી બંધ કરી કીધેલો આ — નેલેન્ડ સુધી જતો માર્ગ ૨૦૧૫ પછી સૌ માટે ખુલ્લો કરેલો છે. એ માર્ગ પણ સાહસ-રોમાંચભર્યો. સુંદર-અદ્ભુત છે... પ્રવાસ કરેલો એ વખતે અસંતોષ જાગેલો એ તો બહુ થોડો સમય ગંગોત્રીમાં રોકાવાનું થયેલું એનો હતો પણ આજનો – આ વીડિયો જોયા પછીનો – અસંતોષ એ આ અફાટ સૌંદર્યરાશિનો એક નાનો અંશ જ ઝીલી શકાયાનો મોટો અસંતોષ લાગ્યો. આજના આ નવ-યાત્રીઓ જે સાહસભર્યાં રોમાંચનો વિરલ અનુભવ કરે છે એ, વર્ષો પહેલાં થતી, અગવડભરી પદયાત્રાઓ કરતાં ઊતરે એમ નથી.

ગંગોત્રીથી હવે પુનઃ ઉત્તરકાશી તરફ, રાત્રિનિવાસ અર્થે.


[હિમાલય અને હિમાલય, ૨૦૧૯]