ગુજરાતી બાળવાર્તા સંપદા/અક્કડ ફક્કડ
હુંદરાજ બલવાણી
એક ઘરમાં મરઘાલાલ અને તોતારામ રહેતા હતા. ઘરના નાનામોટા બધા સભ્યો એમને ખૂબખૂબ વહાલ કરતા. મરઘાલાલ ને તોતારામ ઘર માટે ઘણા ઉપયોગી પણ હતા. મરઘાલાલ વહેલી સવારે ઊઠતા અને જોરથી કૂકડેકૂક સાંભળી બધા સભ્યો જાગી જતા અને કામમાં લાગી જતા. ઘરના માલિક દયારામ તૈયાર થઈને દુકાને રવાના થતા. તોતારામ પણ એ સમયે મધુર અવાજે ‘રામ સીતારામ’ ગાતા. આ રીતે મરઘાલાલ અને તોતારામ બેઉ પોતપોતાની ફરજ બજાવતા. લાંબા સમયથી સાથે રહેવાના કારણે મરઘાલાલ અને તોતારામ પાકા મિત્રો થઈ ગયા હતા. રાતના સમયે જ્યારે ઘરના બધા લોકો ઊંઘી જતા ત્યારે મરઘાલાલ તોતારામની મિટિંગ શરૂ થતી. મરઘાલાલ ધીમેધીમે તોતારામના પીંજરાની નજક આવતા અને તોતારામ સાથે વાતોએ વળગતા. હંમેશની જેમ મરઘાલાલ, તોતારામના પીંજરા નજીક આવ્યા અને કહેવા લાગ્યા, “ભાઈ તોતારામ, હું તો રોજ સવારે જોર-જોરથી બોલવામાં થાકી જાઉં છું. જો આમ જ રહ્યું તો હું માંદો પડી જઈશ.” તોતારામ બોલ્યા, “એમ કર્યા વગર આપણો છૂટકો નથી, ભાઈ! હું પણ તારી જેમ દરરોજ ડ્યૂટી કરું જ છું ને? બધાને રાજી કરવા માટે જાતજાતની મિમિક્રી કરવી પડે છે. આપણા બાપદાદા પણ તેમ કરતા ને આપણેય કરીએ છીએ. આપણાં બાળકો પણ એમ જ કરશે.” પણ મરઘાલાલને તોતારામની વાત ન ગમી. તે બોલ્યા, “આપણા બાપદાદાઓએ જે કાંઈ કર્યું તે આપણે પણ કરવું જ એવું કોણે કહ્યું? જૂનાપુરાણા નિયમો તોડી પણ શકાય.” તોતારામ બોલ્યા, “મિત્ર, કુદરતના કાનૂન અને વડીલોએ બનાવેલા નિયમો મુજબ આપણે ચાલવું જોઈએ. હું તો એમાં જ આપણી ભલાઈ માનું છું.” પણ મરઘાલાલને તોતારામની સલાહ ન ગમી. તેઓ બોલ્યા “આપણા બાપદાદાઓએ બનાવેલા નિયમો મને પસંદ નથી. હવે એકવીસમી સદી આવવાની છે. જમાનો બદલાઈ ગયો છે. નવા જમાનામાં હું જૂના નિયમો તોડવા માગું છું. આ તે કંઈ જીવન છે? રોજ સવારે ઊઠો અને કૂકડેકૂક બોલી બધાને જગાડો! મારા બદલ આ ઘરનો કોઈ સભ્ય કેમ કૂકડેકૂક બોલીને સૌને જગાડતો નથી? કૂકડેકૂક કરવાનો ઇજારો ફક્ત મેં તો નથી લીધો!” મરઘાલાલને શો જવાબ આપવો એ તોતારામને સમજાયું નહિ થોડી વાર તો એ વિચારતા રહ્યા કે આજે મરઘાલાલને અચાનક આ થયું છે શું! તોતારામને શાંત જોઈ મરઘાલાલ બોલ્યા, “તોતારામ! મારી વાતનો તું જવાબ કેમ નથી આપતો?” તોતારામ ધીરજથી બોલ્યા, “જો મિત્ર, મને લાગે છે કે તું ખોટું વિચારે છે. બધાં પ્રાણીઓને ઈશ્વરે અલગ-અલગ કામ સોંપી દીધાં છે. તારે તારું કામ કરવાનું છે, મારે મારું કામ. ન હું મારું કામ તને આપી શકું એમ છું, ન તું મને તારું કામ આપી શકે એમ છે. આદિકાળથી જે થતું આવ્યું છે તે થતું રહેશે. જમાનો વીસમી સદીનો હોય કે એકવીસમી સદીનો. મારી તને સલાહ છે કે, આપણા પૂર્વજોએ શરૂ કરેલાં કામો ટાળવાનો વિચાર ન કર.” પણ મરઘાલાલ પર તોતારામની સલાહની કોઈ અસર ન થઈ. તે ગુસ્સે થઈ બોલ્યા, “તારે તારી ફરજો બજાવવી હોય તો શોખથી બજાવ. મારા માટે હવે એ શક્ય નથી.” તોતારામ બોલ્યા, “પણ તેં શું નક્કી કર્યું છે, એ તો મને કહે.” પછી મરઘાલાલે પોતાની યોજના બતાવી. કહેવા લાગ્યા, “હું આવતી કાલથી સવારે વહેલો નહિ ઊઠું અને કૂકડેકૂક પણ નહિ બોલું. હવેથી રોજ આરામથી મોડો ઊઠીશ. તને પણ મારી સલાહ છે કે મિમિક્રી કરવાનું બંધ કરી દે. બીજાની નકલ કરવાથી આપણી પોતાની બુદ્ધિ બુઠ્ઠી થઈ જાય છે. માટે આવતીકાલથી તું પણ ‘સીતારામ’ અને ‘રાધેશ્યામ’ છોડી દે. બોલ, છે કબૂલ?” પણ તોતારામ કહે, “ના બાબા ના, સીતારામ અને રાધેશ્યામ તો મારા રોમ-રોમમાં વસે છે. પ્રભુના ગુણગાન ગાવાનું તો મને ખૂબ ગમે છે. લોકો આના કારણે મને વહાલ કરે છે. એમને ત્યાં રાખે છે અને મને ભગવાનનું નામ લેવા મળે છે.” તોતારામની વાત સાંભળી મરઘાલાલના મગજનો પારો સાતમા આસમાને ચડી ગયો… “તું મારી વાત નથી માનતો તો તારી સાથે કિટ્ટા. આવતી કાલથી મારે જે કરવું હશે તે કરીશ. હવે હું જાઉં છું. રામ રામ.” આમ કહી મરઘાલાલ જવા લાગ્યા. તોતારામે વિચાર્યું, “વર્ષોના સારા સંબંધો આવી નાનીઅમથી વાતમાં તૂટી જાય તે સારું ન કહેવાય.” એટલે એમણે મરઘાલાલને જતા અટકાવ્યા ને કહ્યું, “મિત્ર! બતાવ, મારે શું કરવાનું છે?” “કરવાનું વળી બીજું શું? આવતીકાલથી આપણી પોતપોતાની ડ્યૂટી બંધ. ન હું કૂકડેકૂક બોલીશ, ન તું સીતારામ કહીશ.” તોતારામની ઇચ્છા ન હતી તોપણ એણે તેમ કરવાની ખાતરી આપી. હવે, બીજે દિવસે શું બન્યું? સવાર થઈ તો મરઘાલાલ કૂકડેકૂક ન બોલ્યા અને આરામથી ઊંઘતા રહ્યા. મરઘાલાલની કૂક ન સંભળાઈ એટલે ઘરના સભ્યો પણ સૂતા રહ્યા. સૂરજ ઉપર આવી ગયો તોપણ કોઈની આંખ ન ઊઘડી. બધાને કૂકડેકૂક સાંભળવાની ટેવ પડી ગઈ હતી ને! છેવટે જ્યારે બધાની આંખ ખૂલી તો આશ્ચર્યમાં પડી ગયા કે આજે મરઘાલાલની કૂક કેમ ન સંભળાઈ? ઘરના માલિક દયારામનો દુકાને જવાનો સમય પણ ક્યારનો થઈ ગયો હતો. ઉતાવળે-ઉતાવળે તૈયાર થઈ તે દુકાને પહોંચ્યા, પણ એમને મરઘાલાલ પર બહુ ગુસ્સો ચડ્યો. હવે તોતારામને પણ ઘરની બાલિકાએ રોજની જેમ આવીને કહ્યું, “મિઠ્ઠુ, કહે સીતારામ!” તો તોતારામે પણ કંઈ જવાબ ન આપ્યો. એમણે મિત્રને ખાતરી આપી હતી એટલે ચૂપ રહ્યા. બાલિકા બે-ચાર વાર એ જ શબ્દો ફરી બોલી, પણ તોતારામ મહાશયનો કોઈ જવાબ નહિ. અન્ય સભ્યોએ પણ પ્રયત્ન કર્યા પણ બધું ફોગટ! રાતના સમયે ઘરના બધા સભ્યો જ્યારે જમવા બેઠા તો બધાએ મરઘાલાલ અને તોતારામના થયેલા ફેરફાર અંગે આશ્ચર્ય વ્યક્ત કર્યું. આટલાં વર્ષોમાં આવું તો ક્યારેય બન્યું નહોતું! બીજા દિવસે સવારે પણ ન મરઘાલાલ બોલ્યા, ન તોતારામ. ઘણા દિવસ સુધી આમ ચાલ્યું. આખરે થાકીને દયારામ એક દિવસ બજારમાંથી એક એલાર્મ ઘડિયાળ લઈ આવ્યા. તોતારામે કહ્યું, “તને ખબર પડી? આજે તો શેઠ એક ઘડિયાળ લાવ્યા છે. મેં સાંભળ્યું છે કે તેમાં એક ઘંટડી હોય છે. જે સમયે ઊઠવાનું હોય, તે પ્રમાણે કાંટો ગોઠવી રાખવાનો હોય છે. સવારે એ ટાઈમે ઘંટડી વાગે અને બધાની આંખ ઊઘડી જાય.” મરઘાલાલે કહ્યું, “હેં? આવું કંઈ બને? તને કોણે કહ્યું?” “આજે શેઠસાહેબ શેઠાણી અને બાળકોને એ બતાવી રહ્યા હતા ત્યારે મેં સાંભળ્યું.” મરઘાલાલ રાજીરાજી થતાં બોલી ઊઠ્યા, “એમ વાત છે? તો હવે આપણે છૂટ્યા. હવે તો મારે કદીયે સવારે જોરથી બોલવાની જરૂર નહિ પડે. વળી, મારે જ્યારે વહેલું ઊઠવું હશે ત્યારે હું પણ એનો લાભ લઈશ. એલાર્મ સાંભળીને ઊઠવાની મજા પડશે.” તોતારામે કહ્યું, “જો તું હંમેશ માટે કૂકડેકૂક બોલવાનું બંધ કરી દેશે તો મારે પણ હંમેશ માટે સીતારામ કહેવાનું છોડી દેવાનું. ખરું ને?” “હાસ્તો!” મરઘાલાલ બોલ્યા, “નક્કી એટલે નક્કી વળી!” આમ, વાતો કરી બંને નિરાંતે ઊંઘી ગયા. વહેલી સવારે ઘંટડી વાગી તો દયારામ જાગી ગયા. ઘણા દિવસો પછી એ સમયસર ઊઠી શક્યા હતા. સમયસર તૈયાર થઈ એ પોતાની દુકાને ગયા. સાંજે ઘરના સભ્યો ભેગા થયા. અંદર-અંદર વાત કરી. પછી દયારામના મોટા દીકરાએ મરઘાલાલ અને તોતારામને ભેગા કરી હુકમ વાંચી સંભળાવ્યો : “તમે બંને તમારી ફરજ બજાવતા નથી એટલે તમને બંનેને છૂટા કરવામાં આવે છે.” આ હુકમ સાંભળી બંનેના હોશકોશ ઊડી ગયા. હુકમ સંભળાવીને માલિકનો દીકરો તો જતો રહ્યો. તોતારામને થયું કે મરઘાલાલની વાદે ચડીને મેં મારી નોકરી ગુમાવી. એટલે મરઘાલાલને કહ્યું, “ચાલ, શેઠની માફી માગી લઈએ. શેઠ દયાળુ છે.” પણ મરઘાલાલે માફી માગવાની ના પાડી. તોતારામ શેઠ પાસે ગયા ને શેઠની માફી માગી. શેઠે માફી આપી. મરઘાલાલ તો પછી જગાડવાની નોકરી મેળવવા ઘેરઘેર ભટક્યા. એમને ક્યાંય નોકરી ન મળી. સૌએ કહ્યું, “હવે એકવીસમી સદી આવી ગઈ છે. અમે જાગવા માટે તો કમ્પ્યૂટર ઘડિયાળ વાપરીએ છીએ. જગાડવા માટે તને નોકરીએ રાખવાનું તો હવે જૂનવાણી ગણાય.”
મરઘાલાલ બહુ પસ્તાયા. પણ હવે શું થાય?