ગુજરાતી બાળવાર્તા સંપદા/અભિમાની લીમડો

અભિમાની લીમડો

જીગર જોષી

નાનકડું ગામ. ગામનું નામ લીલાપુર. નામ જેવા જ ગુણ. તમને થાતું હશે કે આ અવાજ ક્યાંથી આવે છે ? આ કોણ બોલે છે ? કોઈ દેખાતું તો નથી. અરે ! જરાક ઉપર જુઓ. એ બાજુ નહીં. આ બાજુ. આ બાજુ. જુઓ જુઓ સૌથી ઉપરની ડાળીએ. કંઈ દેખાયું ? ના દેખાયું ? ઊભા રહો, રહો હું જ નીચે આવું. મારું નામ છે ‘બોલકી’. હા, ખિસકોલી છું અને બહુ બોલબોલ કરું છું એટલે બધાં મને ‘બોલકી’ જ કહે છે. હા, તો હું શું કહેતી હતી ? હા, યાદ આવ્યું. નાનકડું ગામ. ગામનું નામ લીલાપુર. નામ જેવા જ ગુણ. ના, ના. તમે સમજો છો એમ કંઈ અહીં લીલા રંગનું પૂર નહોતું આવ્યું, પણ અહીં બારેમાસ લીલાછમ વૃક્ષો જોવા મળે. હા, અહીં વરસાદ ખૂબ સારો પડે. વળી, ગામને અડીને જ એક નદી. નદીનું નામ ‘બારમાસી.’. બારેમાસ વહેતી રહે. તો, ચાલો આજે તમને આ લીલાપુર ગામની એક વાત કહું. જુઓ સામે... લીમડાનું ઝાડ દેખાયું ? એ નહીં... એ તો ગુલમહોર છે... એ... પેલુ જુઓ... વડની બાજુમાં રહ્યું એ... ચાલો, થોડાં નજીક જઈએ એટલે એ લીમડાને નિરાંતે જોઈ શકાય. હેં ? શું કહો છો ? એ લીમડા નીચે જ બેસીને વાત કહું એમ ? તો ચાલો, ધીમે ધીમે આવો મારી પાછળ. હેં ? ફરી કાંઈ કીધું ? આ વખતે ઉનાળો આકરો છે એમ ? હા, વાત તો સાચી, પણ, તોય આ તો લીલાપુર છે એટલે અહીં ઘણી ટાઢક છે, ઠંડક છે. ગામથી બહાર નીકળશો ત્યારે સાચી ખબર પડશે કે તડકો શું અને લૂ કોને કહેવાય. લ્યો ત્યારે આવી ગયું લીમડાનું ઝાડ. હવે નિરાંતે બેસો. હેં ? ટાઢક ? અરે ! ટાઢકની તો વાત જ ન પૂછો. આ લીમડા નીચે બેસીએ ને જે ટાઢક મળે એ તો એ.સી.વાળા રૂમમાં બેસીએને તોય ન મળે. શું કીધું ? બાકીના ઝાડ નીચે બેસીએ તોય આવી જ ટાઢક મળે એમ ? તો ચાલો કરીએ અખતરો. આપણે એક પછી એક ઝાડ નીચે બેસીએ અને જાતે જ તપાસીએ કે કયા ઝાડ નીચે સહુથી વધુ ટાઢક મળે છે ? આ આવ્યું વડનું ઝાડ. લ્યો બેસો અને કહો લીમડા જેવી ટાઢક છે ? બોલો બોલો ? કેમ પણ ? ટાઢક તો લીમડાની હોં. મારી વાત સાચી એમ ને ? લીમડાનો છાંયો તો કેવો ટાઢો વડલાનો છાંયો એવો ટાઢો નથી જરાય ટાઢો નથી ચાલો, તો હવે ગુલમહોરનો વારો. બોલો બોલો ? કેમ પણ ? ટાઢક તો લીમડાની હોં. મારી વાત સાચીને ? લીમડાનો છાંયો તો કેવો ટાઢો ગુલમહોરનો છાંયો એવો ટાઢો નથી જરાય ટાઢો નથી ચાલો, તો હવે પીપળાનો વારો. બોલો બોલો ? કેમ પણ ? ટાઢક તો લીમડાની હોં. મારી વાત સાચીને ? લીમડાનો છાંયો તો કેવો ટાઢો પીપળાનો છાંયો એવો ટાઢો નથી જરાય ટાઢો નથી આમ કરતા કરતા આપણે વડ, ગુલમહોર, પીપળો, ખાખરો, જામફડી, સીતાફડી, આંબો, સેતુર, ચંપો કેટકેટલાં ઝાડ નીચે બેસી આવ્યા, પણ લીમડા જેવી ક્યાંય ટાઢક મળી નહીં. સાંભળો, એક વખત આ જ વાતને લીધે લીમડાને અભિમાન આવી ગયેલું. લીમડાને ? અભિમાન ? અરે ! હા, સાવ સાચું કહું છું. લીમડાને જેવી ખબર પડી કે ‘મારો છાંયો તો સહુથી ટાઢક આપનારો છે’ તો એણે શું કર્યું ખબર છે ? હા, હા. કહું છું. સાંભળો. જે કોઈ એ લીમડા નીચે આરામ કરવા બેસે એટલે લીમડો તરત જ બોલો, ‘એ...ય ઊભા થાઓ ! અહીં આરામ નહીં કરવાનો. જાઓ બીજા ઝાડ નીચે આરામ કરો.’ ‘હું લીમડાનું ઝાડ છું, લીમડાનું ઝાડ.’ પછી એકવાર શું થયું ખબર છે ? હા, હા. કહું છું. સાંભળો. હું બોલકી-ખિસકોલી એ લીમડા નીચે બેઠી. બેઠી-બેઠી સરસ ઠંડા પવનની મજા લેતી હતી. સાથે સાથે વખાણ પણ કરતી હતી કે ‘લીમડા તારા છાંયાની વાત જ નોખી છે હોં. ગુલમહોર નીચે બેસુ, વડ પાસે રમુ. આંબાની કેરીઓ ખાઉં, ચીકુડીના ચીકુ ખાઉં, ખાખરાના કેસૂડા તોડું. આમ બધાં જ ઝાડ નીચે હું જઈ આવું, પણ તારા જેવી ટાઢક તો ક્યાંય ન મળે.’ આટલી વાત સાંભળી ત્યાં તો લીમડો બોલ્યો, ‘એ’ય બોલકી. ચાલ, જાવા દે. અહીં નહીં રમવાનું. અહીં આરામ નહીં કરવાનો. તને ખબર નથી હું લીમડાનું ઝાડ છું. ચાલ, જાવા દે અહીંથી. બીજા કોઈ ઝાડ નીચે બેસીને આરામ કર.’ પછી મને થયું કે લીમડાને તો પોતાની ટાઢકનું ભારે અભિમાન આવી ગયું છે. આ અભિમાન તો ઉતારવું જ જોઈએ. પછી મેં શું કર્યું ખબર છે ? હું સીધી જ ગઈ ચીકુડીના ઝાડ પાસે. મેં માંડીને બધી જ વાત કરી. તો ચીકુડીએ પણ મને કહ્યું કે હા, અહીંથી જે જે લોકો પસાર થાય છે એ બધાં એમ જ કહે છે કે લીમડો તો ભારે અભિમાની થઈ ગયો છે. કોઈને પોતાના ટાઢા છાંયામાં બેસવા જ દેતો નથી. આ જ વાત મેં કરી આંબાને. તો એણે પણ એમ કહ્યું કે હા, લીમડો હવે બહુ અભિમાની થઈ ગયો છે. આમ કરતાં કરતાં વાત તો બધે જ ફેલાઈ ગઈ. વડ, ગુલમહોર, પીપળો, કેસૂડો, જામફડી, દાડમડી બધાં જ ઝાડ કહેવા લાગ્યા કે લીમડાનું અભિમાન તો ભારે વધતું જાય છે. પછી મેં શું કર્યું એમ ? અરે કહું છું, કહું છું. સાંભળો. મેં છેને... ચીકુડી પાસેથી એક ચીકુ લીધું. જામફડી પાસેથી એક જામફળ લીધું. આંબા પાસેથી લીધી કેરી. થોડાંક સેતૂર ભેગા કર્યા. રાવણા-જાંબુ પણ સાથે લીધાં અને પહોંચી ગઈ લીમડા પાસે. આટલા બધાં ફળો મેં એકસાથે કેવી રીતે ઉપાડ્યા એમ જ પૂછો છો ને ? હા, હા, કહું છું. મારી બહેનપણીઓને મેં ભેગી કરી અને અમે સહુએ આ ફળો ઉપાડ્યાં. કેમ મારી સામે આમ જુઓ છો ? કેમ ખિસકોલીને બહેનપણી ન હોય ? બહેનપણી પણ હોય અને એના નામ પણ કહું. સાંભળો. કૂદતી, ભાગતી, ઠેકતી, ઊંઘતી આ બધાં જ મારી બહેનપણીઓના નામ છે. કેમ મજા પડીને ? તો, અમે બધી બહેનપણીઓ લીમડાના ટાઢા છાંયે ભેગી થઈ અને ફળો ખાવાના શરૂ કર્યા. સહુથી પહેલાં અમે ચીકુ ખાધું અને ખાતા ખાતા ગાયું... કે,


ચીકુડીના ચીકુ તો કેવા મીઠાં – લીમડો કડવો
ચીકુડીના ચીકુ તો કેવા મીઠાં – લીમડો કડવો

લીમડો થયો ગુસ્સે અને બોલ્યો, ‘એ’ય તમને કેટલી વાર કહ્યું કે મારા ટાઢા છાંયડે તમારે આવવાનું જ નહીં તોય કેમ તમે એકેય સમજતી નથી ?’ પણ, અમે તો અમારી જ મસ્તીમાં રહ્યાં. ચીકુ પછી અમે સહુએ દાડમ ખાધું અને ખાતા ખાતા ગાયું કે,

દાડમડીના દાડમ તો કેવા મીઠાં – લીમડો કડવો
દાડમડીના દાડમ તો કેવા મીઠાં – લીમડો કડવો

આ વખતે લીમડો વધુ ગુસ્સે થયો અને જોરથી બોલ્યો, એ’ય તમને કહું છું – ભાગો તો અહીંથી. પણ અમે કંઈ ભાગવા માટે થોડાં આવ્યા હતાં. અમે તો અમારી જ મસ્તીમાં નાચતા-કૂદતા-રમતા રમતા હવે સેતૂર ખાવાના શરૂ કર્યા અને સાથે સાથે ગાવાનું તો હોય જ....

સેતૂડીના સેતૂર તો કેવા મીઠાં – લીમડો કડવો
સેતૂડીના સેતૂર તો કેવા મીઠાં – લીમડો કડવો

આ વખતે લીમડાએ કંઈ કીધું નહીં એ જોતો જ રહ્યો... સાંભળતો જ રહ્યો. અમે ફરી મસ્તીમાં કેરી ખાવાની શરૂ કરી અને સાથે ગાવાનું તો હોય જ...

આંબાની કેરી તો કેવી મીઠી – લીમડો કડવો
આંબાની કેરી તો કેવી મીઠી – લીમડો કડવો

લીમડાને હવે સમજાઈ ગયું કે કુદરતે સહુને કૈંકને કૈંક ખાસ આપ્યું છે. એટલે મારે મારા ટાઢા છાંયડાનું અભિમાન ન કરવું જોઈએ. ઉલ્ટાનું આ ટાઢા છાંયડા નીચે સહુને આરામ કરવા દેવો જોઈએ જેથી સહુને તડકા સામે રક્ષણ મળે. લીમડાએ મારો અને મારી બહેનપણીઓનો આભાર માન્યો અને અમે બધી બહેનપણીઓ એક સાથે ગાવા લાગી.

લીમડાનો છાંયો તો કેવો ટાઢો
આવો ટાઢો છાંયો બીજા કોઈનો નહીં
બીજા કોઈનો નહીં

અને બધાં જ સાથે હસી પડ્યા.