ગુજરાતી બાળવાર્તા સંપદા/કજરી
નયના મહેતા
એક નાનકડું રૂપકડું ગામ. નંદગામ એનું નામ. એ ગામના છેવાડે એક ઝૂંપડી એમાં એક ડોશીમા રહેતાં હતાં. એમનું નામ શકરીમા. એમનાં પરિવારમાં અત્યારે તો ડોશીમા પોતે અને એમની કાબરચીતરી બકરી કજરી, બે જ જણા હતાં. એક દીકરો મોહન હતો, પણ એનાં સપનાં બહુ મોટા હતાં. એ સપનાં પૂરા કરવામાં એને નંદગામ નાનું પડ્યું. એ માજી જોડે ઝગડીને શહેરમાં જતો રહ્યો. પછી પાછો આવ્યો જ નહીં. જોકે કજરી, બકરી થઈનેય શરીમાનું બહુ ધ્યાન રાખે. શકરીમાય કજરીનું એટલું જ ધ્યાન રાખે. શકરીમા સવારે ઊઠી ને કજરીની જગ્યા ચોખ્ખી કરે, એને પીવા ચોખ્ખું પાણી રાખે ને ખાવા લીલું ઘાસ આપે. બપોરે થોડો આરામ કરી વળી સાંજે કજરીને ચરવા લઈ જાય. બંને એકબીજાનાં સુખદુઃખનાં સાથી. દિવસો આનંદથી પસાર થતા હતા. શકરીમા ખાસ્સા ઘરડાં થયાં હતાં. એમની તબિયત નરમ-ગરમ રહેવા માંડી. એકવાર એ ખૂબ માંદા પડ્યાં. ઘડપણને લીધે માંદગી લાંબી ચાલી. શકરીમાંથી હવે તો ના હલાય કે ના ચલાય, ના ઊઠાય કે ના કંઈ ખવાય. શકરીમાને બહુ અશક્તિ આવી ગઈ. બોલે તોય સાવ ધીમો અવાજ નીકળે ! કજરી શકરીમાની આવી હાલત જોઈ દુઃખીદુઃખી થઈ ગઈ. એણે પણ ખાવાનું છોડી દીધું. કજરી શકરીમાના પગ પાસે આખો દિવસ બેઠી રહે. શકરીમાને પોતાની વહાલી કજરી આમ ખાયપીયે નહીં ને ઉધાસ બેસી રહે એ કેમ ગમે ? એ કજરીને વઢવા લાગ્યાં. ‘હું તો ઘરડી થઈ ગઈ છું ને ઉપરથી માંદી છું, એટલે મારાથી ખવાતું નથી પણ તું તો મઝાની સાજીસમી છે. તું કેમ કંઈ ખાતી-પીતી નથી ? તારે તો ખૂબ ખાવું જોઈએ. હું ઉભી થઈ શકતી નથી એટલે તું એકલી જ છુટ્ટી બધે હરફર. તારી મેળે ચરવા જા પણ હા, રાત પહેલાં પાછા આવી જવાનું અને બીજા પશુઓથી ચેતતા રહેવાનું, સમજી ? તું કંઈ ખાય-પીએ નહીં તો તુંય ઢીલી થઈ જાય. પછી મારી સંભાળ કોણ રાખે ?’ કજરી બધું સમજી ગઈ. એ હવે દૂરદૂર ચરવા જાય. ખૂબ લીલું લીલું ઘાસ ખાય અને રાત પહેલાં પાછીય આવી જાય. આવીને શકરીમાની ઝૂંપડીમાંથી એક તપેલી શોધી મોં વડે પકડે કે પગથી ઠેલે, ગમે તેમ કરીને તપેલી શકરીમાની નજીક મૂકે. પછી એના ઉપર પોતાનાં આંચળ ધરી ઊભી રહે. શકરીમા એને દોહી લે અને દૂધ પીને પાછા ઉંઘી જાય, પણ તોય શકરીમા સાજા થવાનું તો નામ જ ના લે. કજરીને લાગ્યું, ‘એકલાં દૂધથી શકરીમાની ભૂખ પૂરી નહીં થતી હોય. મારે એમના માટે કંઈ ખાવાનું લાવવું જોઈએ.’ એ તો દોડી ગામને પાદર. રસ્તે ખેતા પટેલ મળ્યા. ખેતાજી કહે, ‘આમ ઉતાવળા ઉતાવળા ક્યાં ચાલ્યા કજરીબેન ?’ ‘મને હમણાં બોલવાની ફુરસદ નથી ખેતાજી. મારા શકરીમા ભૂખ્યાં છે. એમનાં માટે કંઈ ખાવાનું લેવા જઉં છું.’ કજરીને જવાબ આપતાં આપતાં યાદ આવ્યું. ‘ખેતાબાપાની વાડીએ કેવા સરસ ચીભડાં ઉગ્યાં છે ! શકરીમાને બહુ ભાવે છેય ખરાં...’ એણે તરત ખેતાજીને ઊભા રાખ્યાં ને પૂછ્યું, ‘ખેતાજી, વાંધો ના હોય તો તમારી વાડીએથી એકાદું ચીભડું તોડું ?’ ‘હા રે હા, કેમ નહીં માંદા માણસને ખવડાવવામાં કંઈ ના પડાય ? તું તારે વાડીમાંથી તોડી લેજે.’ કજરી તો પાછી દોડવા માંડી. ઘડીકમાં વાડીએ પહોંચી ગઈ. વાડીમાં તો પાર વિનાના રસાળા ચીભડાં ઊગેલાં ! પણ અંદર જવું કઈ રીતે ? ઝાંપો તો બંધ હતો ને ચારેબાજુ ફરતી કાંટાળા તારની વાડ હતી ! હવે ? કજરી વિચારતી’તી, ત્યાં એક શિયાળ ત્યાંથી નીકળ્યું, કજરીએ એને બૂમ પાડી, ‘શિયાળભાઈ... શિયાળભાઈ, જરા વાડામાંથી એક ચીભડું લાવી દો ને ? મારા શકરીમા ભૂખ્યાં છે.’ ‘ના ભાઈ ના, ચીભડું મને ભાવતું નથી ને વાડમાં જવું ફાવતું નથી.’ એટલું બોલીને શિયાળ તો હેંડવા માંડ્યું ! એટલામાં એક સસલું આવ્યું. કજરી બોલી, ‘સસલાભાઈ ઓ સસલાભાઈ, તમે તો નાનકડાં છે... વાડમાં જઈને એક ચીભડું લાવી દો ને. મારાં શકરીમા ભૂખ્યાં છે.’ ‘ના ભાઈ ના, મને ચીભડું ભાવે નહીં ને તોડી લાવવું ફાવે નહીં.’ એ પણ જતું રહ્યું ! ત્યાં કાળીયો કૂતરો ત્યાંથી નીકળ્યો કજરી રાજી થઈ ગઈ. એણે કૂતરાને કહ્યું, ‘કાળુજી, તમને તો મારા શકરીમા રોજ રોટલો ખવડાવતાં’તાં. આજે એ ભૂખ્યાં છે એમના માટે એક ચીભડું તોડી દો ને.’ ‘ના ભાઈ ના, અમને તો સહુ લાકડી મારે. મારે ચીભડું ખાવું નથી ને વાડમાં મારે જાવું નથી.’ એ પણ ગયું. હવે કજરી સમજી ગઈ કે, ‘પારકી આશ સદા નિરાશ... મારે જાતે જ કંઈ કરવું પડશે.’ એણે વાડી ફરતે આંટો મારીને વાડની ચકાસણી કરવા માંડી. એક જગ્યાએ વાડનો તાર ઢીલો થઈ લબડી ગયો હતો. કજરી બે પગે એ તાર દબાવી જગ્યા પહોળી થતાં અંદર ડોકું લંબાવ્યું. વળી પાછલા પગ તાર પર દબાવી આખું શરીર અંદર લઈ ગઈ. સારા નસીબે ચીભડું એના મોંમાં પકડાયું. એણે ચીભડાનું ડીટીયું મોંથી સજ્જડ પકડી લીધું અને સાચવીને બહાર નીકળી ગઈ. પછી એ તો જાય ભાગી. સીધી ઘેર પહોંચી શકરીમાની પાસે આવીને ઊભી. એમની પાસે ચીભડું નાખ્યું. આજે કજરીને આવતાં થોડું મોડું થયું એટલે શકરીમા ચિંતા કરતા હતાં... પણ ચીભડું જોઈ બધું સમજી ગયાં. એમણે જેમતેમ બેઠાં થઈ કજરીને પડખામાં લઈ લીધો. એમની આંખમાં આંસુ ઉભરાયા. એ બોલ્યા, ‘બેટી કજરી, હું હવે બહુ ઘરડી થઈ ગઈ છું. તું મારી માંદગીની આટલી બધી ચિંતા ના કર. બેટા, આવતા જન્મે મારે દીકરો નથી જોઈતો. તું જ મારી દીકરી થઈને આવજે હોં ને ?’