ગુજરાતી બાળવાર્તા સંપદા/કરામતી પટ્ટો
શ્રદ્ધા ત્રિવેદી
મોટું એક શહેર. તેની એક સોસાયટી. સોસાયટીમાં ઘણા બંગલા. દરેક બંગલાના માલિકે એક એક કૂતરો પાળેલો. દરેકનાં નામ. કોઈનું નામ ટોમી, તો કોઈનું ટ્વિન્કલ, કોઈનું નામ રાજુ તો કોઈનું ફેન્ટા. નાનકડા ધવલના કૂતરાનું નામ હતું ટીલિયો. કપાળે લાલ ટીલું ધરાવતો હતો ને એથી જ સૌએ એનું નામ પાડી દીધેલું ટીલિયો. ટીલિયો ધવલને ખૂબ ગમતો. સવારે બેઉ જણ બંગલાની લોનમાં દડો રમે. ધવલ અને ટીલિયો નાસ્તોય સાથે કરે. ધવલ ભણવા બેસે ને તેની કોઈ ચોપડી કે નોટ દૂર હોય ને ધવલ કહે તો ટીલિયો તરત તે લાવી આપે. ધવલ નિશાળે જાય ત્યારે ટીલિયો તેને સોસાયટીના નાકા સુધી મૂકવાય જાય. સાંજે તેના છૂટવાના સમયે નાકા પર હાજર જ હોય. ધવલની સાઇકલ અને ટીલિયાની દોડ – ક્યારેક એ વચ્ચે હરીફાઈ પણ થાય. પણ ટીલિયો ક્યારેય પાછો ના પડે. સાંજે આવી, નાસ્તો કરી ધવલ રોજ પાસેના એક મંદિરે દર્શન કરવા જાય. ટીલિયો પણ સાથે હોય જ. ક્યારેક ધવલના મિત્રોય હોય. એક વાર ધવલ અને ટીલિયો મંદિરે જતા હતા. ધવલના ખમીશના ખિસ્સામાં પાકીટ હતું. ધવલને તેનો ખ્યાલેય નહોતો. અચાનક કોઈ સાઇકલ પર ત્યાંથી પસાર થયું. તેના ખિસ્સામાંનું પાકીટ લઈ ભાગ્યું. પાકીટ લઈ પેલો માણસ સાઇકલ જોરથી ચલાવવા માંડ્યો. પાકીટ લેતી વખતે તેનો હાથ ધવલની છાતી પર જોરથી વાગી ગયો. આથી ધવલને ખ્યાલ આવ્યો ને તે બૂમ પાડી ઊઠ્યો : ‘ચોર! ચોર!’ ને બસ પછી તો ટીલિયાએ જે દોટ મૂકી ને સાઇકલ પર એવો કૂદકો માર્યો કે પેલો માણસ પડી ગયો. પેલો તો ઊઠીને પાછો દોડવા તો ગયો, પણ ટીલિયાના હાથમાંથી કોઈ એમ ઓછો છટકી શકે? ત્યાં તો ધવલ આવી પહોંચ્યો. ટીલિયાએ પેલાના હાથમાંથી પાકીટ ખેંચ્યું ને ધવલને આપ્યું. ત્યાર બાદ ટીલિયા વગર ધવલ ક્યારેય એકલો બહાર જતો નહીં. ટીલિયો હોશિયાર ખૂબ. ધવલને તો ગમતો જ, પણ સોસાયટીમાંય સૌને ગમતો. એક વાર સોસાયટીમાં રહેતા સોમભાઈ પટેલના બંગલે એને કારણે જ ચોરી થતી અટકેલી. વાત એમ બનેલી કે સોમભાઈ પટેલ સહકુટુંબ ફરવા ગયેલા, તેથી બંગલો સૂનો હતો. આ વાતની ખબર મેળવી બે ચોર ત્યાં આવી પહોંચેલા. ટીલિયાએ એ જોયું. જ્યાં પેલા લોકો બહાર નીકળવા માંડ્યા કે એના પર તૂટી પડ્યો. એમાંના એક જણ પાસે હથોડી હતી. એણે જોરથી તે ટીલિયાને મારી. ટીલિયાએ એવો તો કૂદકો માર્યો કે પેલો માણસ નિશાન ચૂકી ગયો ને પછી તેણે જોરજોરથી ભસવા માંડ્યું. સોમભાઈનો માલ પડતો મૂકી ચોર ભાગ્યા. લોક ભેગું થઈ ગયું ને સોમભાઈના બંગલાનું ખુલ્લું બારણું અને માલનું પોટકું પડેલું જોઈ સૌ ટીલિયાની વાહવાહ કરવા લાગ્યા. ત્યારથી સોસાયટીનાં કૂતરાંઓનો એ આપોઆપ સરદાર બની બેઠો. ઘણી વાર ધવલ અને તેના મિત્રો સોસાયટીનાં કૂતરાંઓ વચ્ચે દોડ-હરીફાઈ પણ ગોઠવે. કાયમ ટીલિયો જ પહેલો આવે. ધવલના એક કાકા પરદેશ રહેતા હતા. પોલીસખાતાના ગુનાશોધક વિભાગમાં હતા. તેઓ કૂતરાની મદદથી ભલભલા ગુનેગારોને શોધી કાઢતા. ક્યારેક એવું બનતું કે કૂતરાંઓ જુદી જુદી રીતે ભસે ને પોલીસને કંઈક સમજાવવા માગે, પણ તે સમજી ના શકાય. આનો ઉપાય પણ છેવટે શોધવામાં આવ્યો. વૈજ્ઞાનિકોએ એક કરામતી પટ્ટો તૈયાર કર્યો. તે કૂતરાના ગળે બાંધવામાં આવતો. તેનો થોડો ભાગ તેના કપાળ પર પણ રહે. એ પટ્ટાના એક છેડે એક વાયર જોડવામાં આવતો. તેના બીજા છેડે એક પાતળી રિંગ હોય. એ રિંગ ખૂબ નાની હોય. એ રિંગ અફસર પોતાના માથા પર મૂકી દે અને તેના પર હેટ પહેરી લે. કોઈને તેનો ખ્યાલ પણ ન આવી શકે. ફાવે ત્યારે તે રિંગ દૂર પણ કરી શકાય. એ પટ્ટા પર એક લાલ બટન હતું. તે બટન દબાવવાથી રિંગ પહેરેલ અફસર કૂતરાના વિચારો સમજી શકતો. કૂતરું ભસીને જે કહેવા માગે તે ઉપરાંત તે શું વિચારે છે તે પણ તેનાથી જાણી શકાતું. આ શોધને કારણે હવે ગુનેગારો પકડવાનું સરળ બન્યું. આવા પટ્ટા ખૂબ મોંઘા હોય, તોપણ ખૂબ ધનિક લોકો ખરીદતા. જેથી પોતાના ઘરમાં ચોરી થાય તો ચોરને તરત પકડી શકાય. કુદરતે કૂતરાને કેટલીક શક્તિ તો આપી જ છે. આ કરામતી પટ્ટાએ તેમાં ઉમેરો કર્યો. ધવલે કૂતરો પાળ્યો છે એ વાતની કાકાને ખબર હતી. એક વાર તે થોડા દિવસની રજા ગાળવા અહીં આવ્યા હતા. ટીલિયાએ તેમને પણ ખુશ કરી દીધેલા. એ પહેલી વાર બંગલાના કમ્પાઉન્ડમાં દાખલ થયા કે ટીલિયાએ ભસવા માંડેલું. પણ ધવલના પપ્પાએ જ્યારે તેના કાનમાં કંઈક કહ્યું કે તે તરત પાછો વળી ગયો ને થોડા દિવસમાં તે કાકાનો પણ મિત્ર બની ગયો. પછી તો કાકાના બહાર જવાના સમયે બારણા પાસે ચંપલ પણ હાજર. આથી કાકાએ પરદેશ જઈને ધવલ માટે પેલા કરામતી પટ્ટાની ભેટ મોકલી. ભેટ જોઈ ધવલને તો શેર લોહી ચઢી ગયું. એ પટ્ટો ખૂબ કીમતી હતો. વળી તે એક ચોક્કસ પ્રકારની ખાસ બેટરીથી જ ચાલતો. આથી બહુ ઓછો એ વાપરવો એમ કાકાએ ભારપૂર્વક જણાવેલું. પણ આવો અદ્ભુત પટ્ટો કેવો છે તે જાણ્યા વગર કોઈ રહે? ધવલે તો તે સાંજે જ તેનો પ્રયોગ કર્યો. રોજના નિયમ પ્રમાણે ધવલ અને ટીલિયો મંદિરે ગયા. ધવલે ટીલિયાના ગળામાં પેલો પટ્ટો બાંધ્યો ને રિંગ માથામાં મૂકી કેપ પહેરી લીધી ને પછી લાલ બટન દબાવ્યું. ટીલિયો પ્રાર્થના કરી રહ્યો હતો : ‘હે ભગવાન! હવેના જન્મ તું મને માણસ બનાવજે. માણસો કેટલાં બધાં કામ કરે છે? મનેય ધવલભાઈની જેમ ખૂબ ભણાવજે. મારે ખૂબ સારાં સારાં કામ કરવાં છે. મને જરૂર માણસ બનાવજે.’ ધવલ તો આ કરામતી પટ્ટાનું આવું અદ્ભુત પરિણામ જોઈ ખુશખુશાલ થઈ ગયો. તેમાંય વળી ટીલિયાની આ પ્રાર્થના સાંભળી તે એટલો તો આનંદમાં આવી ગયો કે ટીલિયાને ઊંચકીને તે તો ત્યાં જ નાચવા લાગ્યો. તે તો સારું હતું કે માણસો ઓછા હતા ને પૂજારી દૂર હતા. પણ ધવલના આનંદનો પાર ન રહ્યો. એ પછી તેણે પટ્ટો કાઢી નાખ્યો ને સાચવી રહી બોક્સમાં મૂકી દીધો ને બેઉ જણ પાછા ઘેર આવ્યા. એક દિવસની વાત છે. ધવલના બંગલા સામે રમણભાઈ અને પ્રવીણભાઈ રહે. બન્નેના બંગલા જોડાજોડ. બેઉ કુટુંબને બને પણ ખૂબ. વાટકીવહેવાર પણ ખરો. સવારના આઠ-નવનો સમય હતો. આજુબાજુઓના બંગલાઓમાંથી રેડિયોના, કપડાં ધોવાના – એમ જાતજાતના અવાજો આવતા હતા. પ્રવીણભાઈનો પ્રકાશ તેના નિત્યક્રમ પ્રમાણે સવારે છથી આઠ વાગ્યા સુધીની હૉકીની પ્રેક્ટિસ કરીને આવી, બંગલાના બગીચામાં બાંધેલા હીંચકા પર બેઠો. હીંચકા પાસે હૉકી મૂકી, હીંચકા પર પડેલું પુસ્તક વાંચવા લાગ્યો. વાત હતી એક તસુ પણ જમીન પાંડવોને ન આપવાનું કહેતા દુર્યોધનની. અચાનક તેની નજર પડી – તો બાજુવાળા રમણભાઈનો કૂતરો રાજુ તેના બંગલાની આગળ ઉગાડેલી લોન ખોતરી રહ્યો હતો. તેને ચઢી ખીજ. બાજુમાં પડેલી હૉકી લીધી ને ફટાક કરતીકને ફેંકી રાજુ પર. રાજુના પગ પર એવી તો સજ્જડ વાગી કે બિચારો રાજુ ચીસ પાડી ભાગવા લાગ્યો. આ દૃશ્ય પોતાના રસોડામાંથી રમણભાઈનાં પત્ની રસીલાબહેને શાક હલાવતાં હલાવતાં જોયું. હાથમાં તવેથો લઈ તે બહાર આવ્યાં. તાડૂક્યાં : ‘કેમ રે પ્રકાશિયા! મારા રાજુને આમ કારણ વગર કેમ મારે છે? તે કંઈ તારા ઘરનું ખાતો નથી હોં.’ આ સાંભળી, પ્રવીણભાઈનાં પત્ની પ્રમીલાબહેન માથું ઓળતાં ઓળતાં ઓસરી પર આવ્યાં. ‘કેમ રે રસીલાબહેન પ્રકાશિયો કહેતા તમારી જીભ કેમ ચાલી? પ્રકાશે કંઈ ખોટું તો નથી જ કર્યું ને!’ એટલામાં રમણભાઈનો રાકેશ હાજર થયો. ‘જુઓ, રાજુ ત્યાં આવ્યો તો તમે આમ માર્યું, તો ટોમીને હવે હું શું કરું? જુઓ, એ ક્યાં છે અત્યારે? બધાંની નજર ટોમી પર પડી. ટોમી રમણભાઈના બગીચામાં ખાડો કરી રહ્યો હતો. ધવલનો ટીલિયો ઝાંપા પાસે ઊભો જોતો હતો. એટલામાં રસીલાબહેનની નજર રાજુના લોહિયાળ પગ પર પડી. ‘અરે રાકેશ! જલદી ફસ્ટ એઈડની બોક્સ લાવ, જો જો, રાજુને કેટલું બધું લોહી નીકળે છે? મૂઆ પ્રકાશિયા, નખ્ખોદ જજો તારું. જોને, મારા રાજુને કેવો લોહીલુહાણ કરી નાખ્યો.’ રાકેશ દોડતો જઈ બોક્સ લઈ આવ્યો ને રાજુને પાટો બાંધ્યો. આ સાંભળી પ્રમીલાબહેન કહે : ‘અરે નખ્ખોદ જાય તમારું. અમારું શું કામ જાય? કૂતરાં સાચવતાં ના આવડતાં હોય તો ના પાળીએ. દેખાદેખી ના કરીએ. એક તો અમારો બગીચો બગાડી જાય તે તો ગણવાનું નહીં ને પાછું લડવાનું!’ પછી એમાં જોડાયા પ્રવીણભાઈ ને રમણભાઈ. ‘અરે બેસો બેસો! કૂતરો પાળતા કોને આવડે છે એ તો આખી સોસાયટીવાળા જાણે છે. નવાઈનું આ એક કુરકુરિયું લાવ્યા તેમાં ઠાંસ કેટલી મારે છે?’ ‘મારા રાજુને કુરકુરિયું કહેનારા તને કોણ નથી ઓળખતું? છાશવારે આ ખૂટ્યું ને તે ખૂટ્યું કરતાં લેવા તો તરત દોડી આવો છો ને પાછા મોટાઈ આખા ગામની હાંકો છો?’ ‘તે માંગીએ છીએ તેવું આપીયે દઈએ જ છીએ ને!’ ને એમ વાત વધી પડી. એક પળમાં સાત પેઢી યાદ કરાઈ ને એટલી બધી હો… હો… થઈ ગઈ કે સોસાયટીના મોટા ભાગના માણસો તમાસો જોવા વગર તેડે હાજર થયા. રાજુની ચીસો તો ક્યારે બંધ થઈ તેનીયે કોઈને ખબર ન પડી. પણ સોસાયટીના બધાં જ કૂતરાંઓ તેની આસપાસ વીંટળાઈને બેઠાં – ટીલિયો પણ. સોસાયટીના નાકે ધીરુભાઈ રહે. તેમનો કૂતરો ફેન્ટા પણ આ ટોળીમાં હતો. ધીરુભાઈને રમણભાઈ સાથે બને ઓછું. લડાઈમાં પ્રવીણભાઈએ રમણભાઈને ધોલ મારી તેનો સૌથી વધુ આનંદ તેમને થયો. કલાકેક ચાલી હશે આ તકરાર. એટલામાં રમણભાઈના ઘરમાં ફોનની રિંગ વાગી એટલે રાકેશ અંદર દોડ્યો ને કોઈ મહત્ત્વના સમાચાર હોવાથી તેણે તેનાં મમ્મી-પપ્પાને પણ અંદર બોલાવ્યાં. લડાઈ બગીચામાંથી ઘરમાં ગઈ. બહાર બંધ થયું. પણ ઘરમાંથી છૂટાંછવાયાં વાક્યો બહાર ઊભેલાંઓ સાંભળી શકતાં હતાં. છેવટે સૌ પોતપોતાના ઘરે ગયાં. નોકરીધંધો તો બધાંયને હતાં ને! બધાની જેમ જ ધીરુભાઈ પણ ઘેર પહોંચ્યા. તેમનાં પત્ની મંદિરે ગયેલાં ને પુત્ર કૉલેજ ગયેલો. પ્રવીણભાઈએ રમણભાઈને માર્યા એવું સાંભળી છાપું ત્યાં જ ખુરશી પાસે નાંખી, બારણે તાળું મારવાની પરવા કર્યા વગર, ખાલી વાસીને તે જોવા ગયેલા. તે ગયા ત્યારે તો ફેન્ટા આંગણામાં જ હતો, પણ આવ્યા ત્યારે – બારણું ખૂલ્યું ફટાબાર. તે ધીમે રહી અંદર ગયા. જોયું તો શૉકેસમાં મૂકેલું ઘડિયાળ ગાયબ! નાનો રેડિયો ગાયબ! ઝભ્ભાનાં સોનાનાં બટન ગાયબ! ફ્રીજ ખુલ્લું ને અંદરની દૂધની તપેલી ખાલી! ધીરુભાઈ ચીસ પાડી ઊઠ્યા: ‘ફેન્ટા!’ બહાર જોયું તો ફેન્ટાય નહીં. ‘ચોર! ચોર!… ફેન્ટા! ક્યાં મરી ગયો તું? – ને તે હંટર લઈ બહાર નીકળ્યા. તેમને એકાએક ખ્યાલ આવ્યો કે ફેન્ટા રાજુની પાસે તો નહીં ગયો હોય ને! મોટે મોટેથી બોલતા, ગુસ્સે ભરાયેલા તે ગયા પ્રવીણભાઈના બંગલા પાસે ને તેમનું અનુમાન સાચું પડ્યું. રાજુની આસપાસ જે ટોળું હતું તેમાં ફેન્ટા હતો. તેમનો સમગ્ર ક્રોધ હંટર દ્વારા હવામાં વીંઝાયો ને ફેન્ટા પર પટકાયો. સટાક... સટાક… ને શરૂ થઈ ફેન્ટાની ચીસો – ને જ્યાં ધીરુભાઈ ફેન્ટાને ત્રીજું હંટર મારવા ગયા ત્યાં તો – બધાંય કૂતરાં તૂટી પડ્યાં ધીરુભાઈ પર. કોઈ પગને બચકાં ભરવા માંડ્યું, કોઈ તેમનાં કપડાં ખેંચવા માંડ્યું. ધીરુભાઈ પડ્યા. કૂતરાંઓના આ ઓચિંતા હુમલાથી ધીરુભાઈ ડઘાઈ જ ગયા. કૂતરાંઓ પાસેથી છૂટવા માટે ધમપછાડા કરવા લાગ્યા. આસપાસના બંગલાવાળાઓને ફરી જોણું થયું. પણ આ કૂતરાંઓની બલામાંથી ધીરુભાઈને છોડાવવા કોઈ આગળ ન આવ્યું. બધાંય માત્ર પોતાનાં કૂતરાંને બોલાવે. થોડી વારે માંડ માંડ ધીરુભાઈએ પોતાની જાતને તેમાંથી છોડાવી ને લંગડાતા ગયા ઘેર – ત્યારે તેમનાં પત્ની આવી ચૂક્યાં હતાં. પાટાવાળો રાજુ, તેની આજુબાજુ ટોમી, ટ્વિન્કલ, ટીપુ, જાફરી આદિ અને ઊંહકારા કરતો ફેન્ટા – આ બધાં થોડી વાર શાંતિથી ત્યાં બેઠાં. થોડી વારે તેમણે અંદરોઅંદર વાત શરૂ કરી. ટીલિયાએ કહ્યું : ‘જુઓ, આ તો કેવો ખેલ! કંઈ ના પૂછતાછ ને ફેન્ટાને માર્યો! રાજુ પર હુમલો… આ જોહુકમી ના ચલાવી લેવાય. આપણે એક થઈ સોસાયટી છોડી દેવી જોઈએ.’ બધાને ટીલિયાની વાત સાચી લાગી. ‘હા…. હા… એ લોકોને પાઠ ભણાવવો જ જોઈએ.’ સૌએ કહ્યું. ટીલિયો ચાલવા માંડ્યો. બધા તેને અનુસર્યા. મુખ્ય રસ્તા પરના એક વૃક્ષ નીચે બધા બેઠા. રાજુ બોલ્યો : ‘રાત્રે કોઈ ચોર અહીં આવવાની હિંમત નથી કરી શકતું તેનું કારણ તો આપણે જ છીએ. ટીલિયાના પરાક્રમથી કોણ અજાણ છે? આપણે કેટલી બધી વાર ચોરને ભગાડેલા! ને તોય છે આ લોકોને કંઈ કદર?’ બધાએ એમાં ટાપસી પુરાવી. એટલામાં ટોમી કહે : ‘પણ ફેન્ટા, મને નવાઈ તો એ લાગી કે તારા માલિકને છોડાવવા કોઈ આવ્યું કેમ નહીં?’ ફેન્ટા કહે : ‘મારા માલિકને જ નહીં, કોઈ પણ હોય ને તોય આમ જ થાત. જવા દે ને એમની વાતો. પણ હવે એક વાત નક્કી. એક વાર આ લોકોને પાઠ તો ભણાવવો જ પડશે. એક કામ કરીએ. આપણે શહેરના આપણા જાતભાઈઓની સાથે રહેવા જતા રહીએ, પણ હવે આ લોકોની રખેવાળી કરવી નથી.’ આ સાંભળી ટીલિયો કહે : ‘ના, ના, આપણાથી છેક એવું ના કરાય. આપણે અહીંથી ખૂબ દૂર જતા રહીએ તે તો ખોટું. તો તો આપણી વફાદારી લાજે. એ આપણને ન શોભે ને ધારો કે આજે રાત્રે જ ચોર આવે તો? એટલે આપણે એમ કરીએ, આપણે આપણા બંગલે નથી જવું. અહીં જ રહીશું.’ બધાને તે બરોબર લાગ્યું ને સૌ ત્યાં જ બેઠા. એમ કરતાં કરતાં સાંજ પડી. બધાંય કૂતરાંઓના માલિક પોતપોતાનાં કૂતરાંને મનાવવા આવ્યા, પણ કોઈ માન્યું નહીં. ધીરુભાઈએ ફેન્ટાની માફી માગી, પણ તોય કોઈ ના પીગળ્યું. ત્યાં તો ધવલ ટીલિયાને લેવા આવ્યો. ‘ટીલુ! ઓ ટીલુ! ચાલ, શું તારે આજે મંદિરે નથી આવવું?’ ટીલિયાએ પોતાના સાથીદારો સામું જોયું ને પછી ના પાડી. ‘અચ્છા, તો તું નથી આવવાનો એમ? તો સાંભળ, તને લીધા સિવાય હુંય જવાનો નથી. આ બેઠો તારી સામે.’ ધવલ તો ટીલિયા સામે પલાંઠી લગાવી બેસી ગયો. છેવટે ધવલની જીદ પાસે ટીલિયો નમ્યો. ટીલિયો ધવલ સાથે મંદિરે ગયો. સાથે તેના સાથીદારો પણ હતા. રસ્તામાં વાતો કરતાં કરતાં ધવલે બહુ દિવસે પેલો પટ્ટો ટીલિયાના ગળે પહેરાવ્યો. પોતેય રિંગ માથા પર મૂકી ને કૅપ પહેરી લીધી. ટીલિયો કેટલો બધો ગુસ્સે થયો હતો! ધવલને ખ્યાલ આવ્યો. ધીમે ધીમે ચાલતું સરઘસ મંદિરે પહોંચ્યું. ધવલ દૂરથી જ પગે લાગતો ઊભો રહ્યો. ટીલિયો પણ આંખો બંધ કરી ઊભો રહ્યો એટલે નજીક ઊભેલો રાજુ બોલ્યો : ‘અલ્યા ટીલિયા, તેં ભગવાનને શું પ્રાર્થના કરી? અમારા માલિકને સબુદ્ધિ આપજે એવી?’ આ સાંભળી બધા જ કૂતરાંઓ હસી પડ્યાં. જ્યારે ટીલિયો જે પ્રાર્થના કરતો હતો તેની ખબર પડતી માત્ર ધવલને. ટીલિયો પ્રાર્થના કરતો હતો : ‘હે ઈશ્વર! માણસ અનેક રીતે સારો છે. મને આવતે જન્મે માણસ થવું જ ગમે. મને જરૂર માણસ બનાવજે. પણ મને લાગે છે કે વફાદારીની બાબતમાં તો અમે જ ચઢીએ. તેથી હે ઈશ્વર! તને વિનંતી કરું છું કે આવતે જન્મે મને માણસ બનાવે ત્યારે માણસના અનેક સારા ગુણો ઉપરાંત કૂતરા તરીકેનો મારો વફાદારીનો ગુણ મને મારા માણસના અવતારમાં વારસારૂપ આપજે.’ ટીલિયાની આ વાત સાંભળી ધવલ તો સડક જ થઈ ગયો. તેને સમજ ના પડી કે હસવું કે રડવું? તેણે તરત ટીલિયાના ગળેથી પટ્ટો કાઢી નાખ્યો ને તેને વળગી પડતાં બોલ્યો : ‘દોસ્ત, હું તને ક્યારેય છોડીશ નહીં.’ ટીલિયો તેના હાથ-પગ ચાટવા લાગ્યો. ધીમે ધીમે સૌ પાછા આવ્યા ને દરેક કૂતરો ટીલિયાના કહેવાથી પોતપોતાના બંગલે ગયા. તે રાત્રે ધવલે કાકાને પત્ર લખ્યો : ‘કાકા, તમારા કરામતી પટ્ટાની ભેટ ખરેખર અમૂલ્ય છે. જો દરેક પશુઓ માટે આવા પટ્ટા બનાવાય તો આપણને કેટકેટલું શીખવાનું મળે? માણસ મહાન જરૂર છે. તો માનવેતર પ્રાણીઓ પાસે પણ કંઈક ને કંઈક એવું જરૂર છે જે માણસે જાણવું-શીખવું જરૂરી છે. આવા કરામતી યાંત્રિક સાધનોથી જો આપણે તેમના મનમગજને પામી શકીએ તો આપણને ઘણું નવું જાણવાનું મળે અને આપણી જાતને વધુ ઉન્નત બનાવી શકીએ. તમારી અદ્ભુત ભેટ માટે ખૂબ ખૂબ આભાર. મારો આનંદ તો સમાતો જ નથી. આવી કોઈ વસ્તુ મળે તો મને જરૂર મોકલજો. તમે આવશો ત્યારે ટીલિયાની ઘણીબધી વાતો તમને કહીશ.