ગુજરાતી બાળવાર્તા સંપદા/કલ્લૂની કમાલ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
કલ્લુની કમાલ

અરુણિકા દરૂ

એક હતો નાનકડો ઉંદર, તેનું નામ કલ્લુ હતું. કલ્લુ દેખાવે કાળોકાળો, ઝીણીઝીણી આંખો. નાનીનાની મૂછ અને લાંબીલચક પૂછ. ચાલ ઝડપી વેગવાળી અને હતો ખૂબ બુદ્ધિશાળી. ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાંથી બુદ્ધિચાતુર્યથી પોતાની જાતને ઉગારી લેવામાં હોંશિયાર. ઠંડીના દિવસો હતા. એક વાર એ ખૂબ ભૂખ્યો થયો હતો. ખોરાકની શોધમાં ફરતો હતો. ફરતાં-ફરતાં તેને મળ્યું એક ટામેટું. મો....ટું રસદાર લાલમલાલ ટામેટું. કલ્લુ તો ટામેટું મળવાથી થયો એકદમ ખુશ. એણે તો ઉતાવળે ખાવાનું શરૂ કર્યું તો ટામેટું થયું ફૂસ. એ ફાટેલા ટામેટાનો લાલલાલ રસ તેના આગલા પગ પર અને બંને પડખાં પર પડ્યો ઊડીને. કલ્લુએ વિચાર્યું : અરેરે ! મારું આ શરીર ગંદું થયું છે એટલે માખીઓ મને હેરાન કરશે. ગંદો થયો છું આજે સ્નાન કરવા કાજે જવું પડશે નદીતીરે ધોવું શરીર નદીનીરે. અરેરે ! આટલી ઠંડીમાં શીતળ જળથી સ્નાન ! એ કરશે મને પરેશાન એમ કહી કલ્લુ તો બેઠો રોવા. એટલામાં બંકી બિલ્લીએ તેને જોયો. તે રડતાં કલ્લુની સામે આવી અને બોલી : “મ્યાઉં મ્યાઉં. હું તને આજે ખાઉં.” અચાનક બિલ્લીને સામે જોઈ કલ્લુ ગભરાઈ ગયો, પણ એની બુદ્ધિએ એને સુઝાડ્યો સરસ ઉપાય. બિલ્લી બોલી : “અલ્યા કલ્લુ ! બરાબર સપડાયો છે. આજે તારો ખેલ ખતમ.” “મારો ખેલ તો ખતમ થવા જ આવ્યો છે, પણ તમારો ખેલ સાથે ખતમ ન થાય તે જોજો બંકીબાઈ !” રડમસ અવાજે કલ્લુ બોલ્યો પછી ઉમેર્યું : “આઘાં રહેજો બંકીબાઈ. મને સૂઝતું નથી કાંઈ. અડશો ના મને અકળાઈ, એમાં તમારી રહી ભલાઈ.” “મારી ભલાઈનું બહાનું કાઢવું રહેવા દે અને...” ત્યાં વચ્ચે જ કલ્લુ બોલી ઊઠ્યો : “હું સાચું કહું છું. બહાનું નથી આ. તમે જુઓ છો ને... લાગ્યા છે મારા ભોગ. મને વિચિત્ર થયો છે રોગ, નીકળે છે લોહી શરીરે, મારું મોત થશે ધીરે ધીરે.” બંકી બિલ્લીએ ધ્યાનથી કલ્લુ સામે જોયું. કલ્લુના શરીર પર ટામેટાંનો લાલ રસો, જાણે શરીરમાંથી નીકળતું લોહી ! એટલે એ બોલી : “તને કયો રોગ થયો છે ? આ બધું લોહી...” એટલે જવાબમાં કલ્લુએ કહ્યું : “રહ્યો નથી હવે હું નરવો, દેખાવ મારો થયો છે વરવો, ઉપાય નથી આ રોગતણો, અફસોસ હવે કેવળ કરવો.” એમ કહી તે પાછો રોવા લાગ્યો. “અલ્યા કલ્લુ ! રડવાથી શું વળે ? રોગનો ઇલાજ કરવો જોઈએ ને !” કલ્લુએ કહ્યું : “હું સદુ સસલા પાસે ઇલાજ કરાવવા ગયો હતો પણ તેમણે કહ્યું કે આ રોગનો કોઈ ઇલાજ નથી. સાથેસાથે એમ પણ ચેતવણી આપી કે આ રોગ ચેપી છે, તમે જેને અડશો તે સહુને આ રોગ લાગુ પડશે માટે મહેરબાની કરી બધાથી દૂર જ રહેજે. એટલે મારા બધા જાતભાઈ ઉંદરો મને એકલો છોડીને ચાલ્યા ગયા છે દૂરદૂર. તેથી હું અહીં રડતો બેઠો છું” એમ કહી કલ્લુ તો પાછો રડવા લાગ્યો. બંકી બિલ્લી વાત સાંભળી ત્યાંથી ચુપચાપ ચાલી ગઈ. એ વાતને થોડા દિવસ પછી એક વાર કલ્લુ ઉંદર લોટ ખાઈને ભાગતો જતો હતો. શરીરે લોટ ચોંટ્યો હતો. એટલામાં સામે મળી બંકી બિલ્લી. તે બોલી : “અલ્યા કલ્લુ ! કેમ છે તને હવે ?” બંકીને જોઈ કલ્લુ ગભરાયો અને બોલ્યો : “મને... મને...” અચાનક બોલતાં-બોલતાં તેને ટામેટાવાળી વાત યાદ આવી ગઈ. એટલે સ્વસ્થ થઈ તેણે કહ્યું : “સદુ સસલાએ મને શરીરે પાઉડર લગાડવા આપ્યો છે તે લગાડીને ફરું છું તો થોડું સારું લાગે છે. બાકી આ રોગનો કોઈ ઇલાજ જ નથી એમ સદુ સસલાનું માનવું છે. હું જે થોડા દિવસ જીવીશ તે આ પાઉડર લગાડીને.” એમ કહી કલ્લુ ધીમધીમે ત્યાંથી ચાલ્યો ગયો. એની દયા ખાતી બંકી બિલ્લી પણ તેને અડ્યા વગર ત્યાંથી ચાલી ગઈ. એના ગયા પછી કલ્લુએ ખુશ થઈને ગાયું : “હું છું નાનકડો કલ્લુ બનાવી મેં બિલ્લીને ઉલ્લુ.” આમ કલ્લુએ ચતુરાઈથી પોતાનો જીવ બે વાર બચાવ્યો.