ગુજરાતી બાળવાર્તા સંપદા/કાચની કથા
નગીન મોદી
સૈકાઓ પહેલાંની વાત છે. ફોનિસિયન વેપારીઓ વહાણમાં કેટલોક માલસામાન ભરી વેપાર માટે નીકળ્યા હતા. તેઓ સીરિયાથી ઇજિપ્ત જતા હતા. બેલસ નદીના મુખ આગળ આવ્યા ત્યારે રાત પડવાની તૈયારીમાં હતી. બધાને કકડીને ભૂખ લાગી હતી. એક વેપારીએ એમના નોકરોને કહ્યું. ‘વહાણ અહીં થોભાવો અને કિનારા પર જઈ જલદી રસોઈ તૈયા૨ કરો. આજની રાત અહીં જ વિસામો કરીશું.’ થાકેલા-પાકેલા નોકરો તો રાજી થઈ ગયા. નદીના મુખ આગળ ઝટપટ વહાણ લંગાર્યાં. એક નોકરે બીજા નોકરને કહ્યું : ‘જા, તું ક્યાંકથી ચૂલો બનાવવા પથ્થર શોધી લાવ. એટલામાં હું રાંધવા માટેની વસ્તુઓ તૈયાર કરું છું. તું ચૂલો માંડીને પેટાવી દે.’ કિનારા પર બધે રેતી જ રેતી હતી. ક્યાંય શોધ્યો પથ્થર જડ્યો નહિ. તેથી તે નોકર નિરાશ થઈને પાછો ફર્યો. એણે કહ્યું : ‘ક્યાંય પથ્થરનો ટુકડો જડતો નથી. હવે ચૂલો શાનાથી માંડીશું ?’ આ વાત શેઠે સાંભળી. એમણે કહ્યું : ‘પથ્થર ક્યાંય ન મળ્યો ?’ ‘હા, શેઠ... નદીના પટમાં બધે રેતી જ રેતી ! ‘તો જાઓ, વહાણમાંથી સોડાના ચોરસા ઉપાડી લાવો. તેના વડે ચૂલો ગોઠવી દો.’ ચતુર શેઠે માર્ગ કાઢ્યો. નોકરોની મૂંઝવણ ટળી ગઈ. વહાણમાં સૉલ્ટપીટર (પોટાશ) નામના રસાયણના મોટા મોટા ચોરસા ભરેલા હતા. પથ્થરની જગાએ ચોરસા ગોઠવી ચૂલો બનાવ્યો. લાકડાં સળગાવી રસોઈ તૈયાર કરવા મંડ્યા. રસોઈ તૈયા૨ થઈ ગઈ એટલે બધા જમવા બેઠા. રેતી પીગળતી હતી અને રેલાઈને ઠંડી જગાએ ઠરી જતી હતી. અચાનક નોકરના ધ્યાનમાં આવી ગયું. તે બૂમ પાડી ઊઠ્યો. ‘રેતી પીગળે છે !’ ‘શું કહ્યું ?’ બીજાએ અચરજથી પૂછ્યું. ‘રેતી પીગળીને વહે છે !’ ‘ગાંડો થયો કે શું ? રેતી તે વળી પીગળતી હશે ?’ ‘જુઓ..... અહીં આવીને !’ જમવાનું અધૂરું મૂકી બધા ટોળે વળી ગયા. પેલાની વાત તદ્દન સાચી હતી. ઠંડી જગાએ ઠરેલો પદાર્થ હાથમાં લીધો. તે તદ્દન પારદર્શક હતો. એ ટુકડાની આરપાર જોવાની મજા પડી ગઈ. એ પદાર્થ બીજું કાંઈ નહિ, પણ કાચ હતો. ફોનેસિયન વેપારમાં એક્કા હતા. તેમના મનમાં તુક્કો સૂઝ્યો. આવો પદાર્થ બનાવી, તેમાંથી જાતજાતના આકારનાં વાસણ બનાવ્યાં હોય તો ? તેમણે રેતીમાંથી બનેલા પદાર્થનો ઝીણવટથી અભ્યાસ કર્યો. રેતી સામાન્ય તાપમાને પીગળે નહિ. બેલસ નદીના પટમાં જ્યારે નોકરોએ ચૂલો પેટાવ્યો ત્યારે પાણીને ઊકળવા માટે જોઈતા તાપમાન કરતાં દસ ગણું તાપમાન પેદા થયું હતું, તેમ છતાં એટલી ગરમીથી રેતી પીગળે નહિ. પરંતુ રેતી સાથે પોટાશ ભળતાં રેતી અને સોડા બન્ને ઓછા તાપમાને પીગળે છે અને તેમાંથી કાચ બને છે. ફોનેસિયન વેપારીઓ આ પ્રમાણે રેતીમાંથી કાચ બનાવવા મંડ્યા. હજારો વર્ષ પહેલાં આ લોકો આ કળાને ઇજિપ્ત લઈ ગયા. ઇજિપ્તમાંથી આ કળા દુનિયાના ખૂણે ખૂણે પ્રસરી. ઈ. સ. પૂર્વે ૪૦૦૦ના વર્ષમાં ઇજિપ્તના લોકો કાચના પ્રવાહીને ફૂંકીને જુદા જુદા આકારનાં વાસણો બનાવતા હતા. આમ આજથી પાંચેક હજાર વર્ષ પહેલાં પ્રથમ વાર કાચ અકસ્માતપણે શોધાયો હતો. કાચ આમ તો ઘણું સારું સંયોજન છે. રેતી અને સોડા કે પોટાશના સંમિશ્રણ વડે કાચ જેવી અદ્ભુત ચીજ બને છે. અમેરિકામાં પહેલવહેલો કાચ ઈ.સ. ૧૬૦૮માં બનાવાયો હતો. આજે ત્યાં દર વર્ષે ૧૬ અબજ પાઉન્ડ જેટલો કાચ બને છે. પણ કાચ બનાવવાની પદ્ધતિ ફોનેસિયન વેપારીઓએ શોધેલી તે જ છે. સૈકાઓ પહેલાં બનેલો કાચ ચોખ્ખો ન હતો. એ ઝાંખો હતો. પરંતુ ધીમે ધીમે એની બનાવટમાં પ્રગતિ થઈ. આજે લાલ, લીલો, પીળો, વાદળી એમ વિવિધ રંગના કાચ બને છે. તે માટે નિકલ, કોબાલ્ટ, આયર્ન જેવાં તત્ત્વો કે તેના ક્ષારો ઉમેરવામાં આવે છે. કાચે આજના જગતને રંગીન, સુંદર અને આકર્ષક બનાવ્યું છે. કાચ વગરની દુનિયા કેટલી કદરૂપી હોત !