ગુજરાતી બાળવાર્તા સંપદા/ખિસકોલીનું સપનું

ખિસકોલીનું સપનું

પ્રેમજી પટેલ

ખિસકોલીનું એક કુટુંબ વાડામાં આવેલા મોટા જાંબુડાના ઝાડ ઉ૫૨ ૨હે. એમાં એક નાનકડું બચ્ચું. તે બહુ ખેપાની અને એટલું જ ચાલાક. તેના મનમાં અવનવું જોવાની-જાણવાની ઇચ્છા થયા કરે. તે ઘણીય વા૨ દૂર દૂર સુધી એકલું ૨મવા જતું રહેતું. તેની નજીકમાં એક લીમડો. લીમડા પર એક કબૂતર ૨હે. તેને આ બચ્ચું ખૂબ ગમે. બન્ને એકબીજાની સાથે વાતો કરે. આમ રોજ મળતાં તેથી બેય મિત્રો થઈ ગયાં. બચ્ચું કબૂત૨ની મોટી પાંખો જોયા જ કરે. બચ્ચાને હંમેશાં કબૂત૨ની જેમ ઊડવાની ઇચ્છા થયા કરે. જેમ જેમ એ બચ્ચું મોટું થતું ગયું તેમ તેમ એને અનેક પક્ષીઓ ઊડતાં જોવા મળ્યાં. ઘણા સમયે તેને સમજાયું કે દરેક પક્ષીને ઊડવા માટે પાંખો હોય છે જ. તેને મનમાં થતું કે પોતાનેય આવી સ૨સ પાંખો હોત તો ઊડવાની કેવી મજા આવત! પાંખો નથી માટે ઊડી શકાશે નહીં – એવા ભાન સાથે એનું મોઢું પડી જતું. તેણે પોતાના મિત્ર કબૂતરને પોતાની ઊડવાની ઇચ્છા જણાવી. કબૂતર પણ વિચારમાં પડી ગયું. પાંખો વગર ઊડવાનું શી રીતે શકય બને? બચ્ચું તો રોજ ઊડવાની વાત કહ્યા કરતું. આમ બચ્ચું રોજ ઊડતાં પક્ષીઓ જોઈ ઊડવાનું સપનું જોયા કરતું. તેને દ૨રોજ થયા કરતું કે કોઈ પણ રીતે એક વાર તો ઊડવું ઊડવું ને ઊડવું જ! એવામાં એક વાર ગામની બહાર જન્માષ્ટમીનો મેળો ભરાયો. બચ્ચું તો મેળામાં જતાં બાળકોને જોઈ ખુશ ખુશ થઈ ગયું. તેણે કબૂતર પાસેથી જાણ્યું કે મેળો નજીકમાં જ ભરાયો છે. બચ્ચાએ કબૂતરને મેળામાં જવાની વાત કરી. કબૂતરે હા પાડી. બન્ને મિત્રો આનંદમાં આવી મેળામાં નીકળ્યા. કબૂતરના કહ્યા પ્રમાણે બચ્ચું તો આ ઝાડથી નીકળી ટેકરી ઉ૫૨ થઈ, ભેખડો ચડતું મેળાની નજીક આવી ગયું. મંદિરની પાછળ એક મોટો પીપળો. આ બચ્ચું તો પીપળા ઉપર ચડીને બેસી ગયું. એટલામાં કબૂતર ઊડતું ઊડતું આવી ગયું. બચ્ચાએ મેળો પહેલી વાર જ જોયો. મેળામાં તો અવનવું ઘણું બધું જોવા મળ્યું. જાતભાતની દુકાનો ખૂલી હતી. એમાં સુંદર મજાનાં ૨મકડાં જોવા મળતાં હતાં. કોઈ કોઈ દુકાને નવું નવું ખાવાનુંય મળતું હતું. મેળામાં અનેક છોકરાઓ ઉત્સાહથી ફરતા હતા. દરેકના હાથમાં રંગબેરંગી વિવિધ જાતનાં કોઈ ને કોઈ રમકડાં હતાં. કોઈના હાથમાં દડો, કોઈના હાથમાં પિચકારી તો કોઈના હાથમાં મજાની વાંસળી હતી. કોઈ પાસે ઘૂઘરો હતો. કોઈના હાથમાં ઉપર ઊતરતો-ચડતો વાંદરો હતો. ખિસકોલીનું બચ્ચું આ બધું બહુ શાંતિથી જોઈ રહ્યું. એવામાં એક બાળક દોરીવાળો ફુગ્ગો લઈ પીપળા નીચે આવ્યું. તેના હાથમાં સીંગનું પડીકું હતું. પેલું બચ્ચું નીચે ઊતર્યુ. બચ્ચાને જોઈ પેલા છોકરાને મજા પડી. તેણે સીંગના થોડા દાણા બચ્ચા સામે નાખ્યા. બચ્ચાને ભૂખ તો લાગી હતી. એક દાણો લઈ તે પીપળા ઉપર ચડી કબૂતરને આપી આવ્યું. વળી નીચે જઈ દાણો લઈ ખાવા બેઠું. બચ્ચાની નજર બાળકના હાથમાં રહેલા ફુગ્ગા તરફ ગઈ. ઉ૫૨ જઈ કબૂત૨ને પૂછ્યું : ‘આ શું ?’ કબૂતરે સમજાવ્યું કે તે હવા ભરેલો ફુગ્ગો છે. તેની દોરી બાળકની આંગળીએ વીંટેલી છે, તેથી તે ઊડીને... ઉ૫૨ જતો ના રહે.’ મેળામાં એક ફુગ્ગા વેચનારો દેખાયો. એ અહીં મંદિ૨ ત૨ફ આવ્યો. ફુગ્ગાઓની દોરીઓ તેણે સાઇકલના ગવર્નરે બાંધી હતી. એ ફુગ્ગા જોઈ બચ્ચાને નવો વિચાર સૂઝ્યો. તેણે કબૂત૨ને વાત પૂછી : ‘મારે આમાંથી એક મોટો ફુગ્ગો જોઈએ. તેની દોરી પકડી રાખું તો ફુગ્ગા સાથે ઊડી શકું ?’ કબૂતર ઘડીભર આશ્ચર્યથી જોઈ રહ્યું. બચ્ચાએ કહ્યું: ‘ફુગ્ગાની દોરી પકડી હું ઊડું પણ... નીચે આવવા શું કરું ?’ બચ્ચાની વાત કબૂત૨ સમજી ગયું. તેણે તરત કહ્યું: ‘નીચે આવવું હોય ત્યારે તું ઇશારો ક૨જે, હું ચાંચ વડે દોરી પકડી લઈશ. બે જણના વજનથી ફુગ્ગો નીચે આવશે.’ કબૂતરને તો શી વા૨ ! એણે તો મેળામાં ફરીને મોટામાં મોટો ફુગ્ગો પસંદ કરી લીધો. બચ્ચું તો ફુગ્ગો જોઈ ઉત્સાહમાં આવી ગયું. તેણે કબૂત૨ને સાથે સાથે ઊડવા કહી દીધું. તરત જ બચ્ચું તો ફુગ્ગાની દોરી પકડી તેને ચોંટી ગયું. ફુગ્ગો હવામાં ઊંચે ઊડ્યો. તે હવામાં ત૨વા લાગ્યો. બચ્ચું ઊંચેથી નીચે જોતું હતું. તેને ગામનાં બધાં ઘર નાનાં લાગતાં હતાં. જે જે ઝાડ જોવા મળતાં તે નાનકડાં દેખાતાં. એ બધું જોવામાં બચ્ચાને ખૂબ આનંદ થયો. ખાસ્સીવારે બચ્ચાએ જોડે ઊડતા મિત્રને ઇશારો કર્યો. કબૂતર તરત જ સમજી ગયું. તેણે ચાંચથી દોરી પકડી લીધી. બેના વજનથી ફુગ્ગો નીચે આવવા લાગ્યો. થોડી વારમાં બચ્ચાના પગ એક ઊંચા ઝાડની ડાળીને અડક્યા. ધીમેથી તેની દોરી છોડી ડાળી પકડી લીધી. કબૂતરે પણ ફુગ્ગો છોડી દીધો. બચ્ચાને તો ઊડવાનું સપનું સાચું થયું તેનો ખૂબ આનંદ હતો.