ગુજરાતી બાળવાર્તા સંપદા/ગગલીની ડગલી

ગગલીની ડગલી

શ્રદ્ધા ત્રિવેદી

એક હતી બબલી. એને સૌ કહે ગગલી. ગગલીને મોટીબહેન. ગગલીને એક મોટો ભાઈ. ગગલી સૌથી નાની. ગગલીને ન ન્હાવું ગમે, ન માથું ઓળવું ગમે, ન સરખું પહેરવું ગમે, ન સરખું ખાવું ગમે, ન સરખું ગાવું ગમે, ન સરખું બોલવું ગમે. એને ગમે માત્ર રમવું. એ ઊઠે મોડી, ન્હાવા-ધોવાની તો વાત જ નહીં. માથે કાંસકી ફેરવી ન ફેરવી કે નીકળી પડે બહાર. બહાર તો ખિસકોલી આવે, બહાર ચકલી આવે, બહાર કબૂતર આવે, બહાર પોપટ આવે, બહાર કુરકુરિયું આવે, બહાર ગાય આવે, બહાર બકરી આવે, બહાર મોર આવે. ગગલી ખિસકોલી પાસે જાય. ખિસકોલી તો સ…ર…ર…૨ સરકી જાય ને ચઢી જાય ઝાડ પર, ત્યાં રહ્યું રહ્યું કહે : ગગલી ઓ ગગલી, જો તારી ડગલી! કેવી તો ગંધાય, તારી સાથે ન રમાય. ગગલી તો ચાલે આગળ. ઊભી રહે ચકલી પાસે. ચકલીયે જાય ફર…ર…ર…ર… ઊડી. કહેતી જાય, ‘ઊંહું… તારી સાથે ન રમાય! મારી પાંખ જો! મારી ચાંચ જો! કેવી ચોખ્ખી છે! ને તું? પછી તો ગગલી જાય કબૂતર પાસે. કબૂતર કહે : ‘તું તો બધાં સાથે ઝઘડે છે. મને તો શાંતિ ગમે. હું તારી સાથે ન રમું.’ કહી તેય ઊડી જાય. ગગલી જાય પોપટ પાસે. પોપટ પણ ઊડી જાય. કહે : ‘ગગલી! પહેલાં મોં ધો. વાળ ઓળ. પછી આવ. આપણે બેય રામધૂન ગાઈશું. બધાં ખુશ થશે.’ ગગલી જાય કુરકુરિયા પાસે. કુરકુરિયુંય દડબડ દોડવા માંડે. કહેતું જાય, ‘ગગલી પહેલાં સરખું બોલતાં શીખ. સરખું સાંભળતાં શીખ પછી હું રમીશ.’ કુરકુરિયું ગયું એટલે ગગલી તો જાય ગાય પાસે. ત્યાં તો ગગલીની મોટીબહેન ગાયને રોટલી નાખવા આવે. ગાયના મોંમાં બહેન રોટલી મૂકે. ગાય ખાઈ જાય. મોટી બહેન ગગલીને કહે : ‘ગગલી! ચાલ ઘેર. મા તારી કેટલી ચિંતા કરે છે? તું દાતણ કર. મોં ધો. દૂધ પી, પછી નાહીધોઈ, સાફ કપડાં પહેર પછી પોળમાં રમવા જા.’ એટલામાં ગાય રોટલી ખાઈ રહી. એટલે ગગલી કહે : ‘તું જા! તું જા! હું તો ગાય જોડે રમીશ.’ એટલે ગાય કહે : ‘ના! હું તારી જોડે નહીં રમું, જે ગંદુંગોબરું હોય તે મને ન ગમે. હું તો આ ચાલી!’ ગગલીને પૂંછડી વડે ધીમેથી મારી ગાય ચાલતી થઈ. ગગલી તો ગાલ પંપાળતી ઊભી રહે. તે તો ગાય સામું આંખો કાઢે. ‘જા! જા હું ગંદીગોબરી છું? તો તુંય ક્યાં ચોખ્ખીચણક છે? પાછી મને શિખામણ આપે છે? જા! હું તો આ બકરી સાથે રમીશ.’ કહી ગગલી તો ગઈ બકરી પાસે. જેવી ગગલી બકરી પાસે પહોંચી કે બકરીએ પોતાનું મોં જ ફેરવી નાખ્યું. ને કહે : ‘અરે ગગલી આઘી ખસ! કેવી વાસ આવે છે? આઘી જા!’ ગગલી કહે : ‘હું નહીં જાઉં.’ એટલે બકરી કહે : ‘તો હું જાઉં. આવી ગંધાતી છોકરી જોડે ઊભું ન રહેવાય.’ એમ કહી બકરી પણ ચાલતી થઈ. ત્યાં તો ગગલીને દેખાયો મોર. તે તો દોડીને પહોંચી મોર પાસે ને કહે : ‘મોરભાઈ! મારી સાથે રમો ને!’ મોર કહે : ‘મારાં પીંછાં જો! તારા વાળ જો! તારા પગ જો! તારી સાથે કેવી રીતે રમાય?’ ને તેય ટેહુક... ટેહુક… કરતો ઊડી ગયો. ગગલી તો બધાં પર જે ખિજાય, જે ખિજાય કે વાત ન પૂછો! એ તો ચાલતી ચાલતી ગામના તળાવે પહોંચી. એક ઝાડ નીચે ઊભી ઊભી રડવા લાગી. ઝાડ પર વાંદરાંઓનું ટોળું. વાંદરાંઓ કૂદકૂદ કરે. તેમાંથી ચાર-પાંચ વાંદરાંઓ આવ્યાં નીચે! ગગલી તો જે બીની! જે બીની! ને આંખો બંધ કરીને દોડવા જ લાગી. તેણે તો જોયું જ નહીં કે તળાવ કઈ તરફ છે ને રસ્તો કઈ બાજું? તો બીકની મારી તળાવ ભણી દોડવા લાગી ને દોડતાં દોડતાં પહોંચી તળાવની પાળી પર. પાળ પર લીલ બાજેલી. તે તો લપસી પડી ને પડી તળાવમાં. જેવી પડી કે ગભરાઈ ગઈ! ને ચીસો પાડવા લાગી. તળાવમાં ઘણી બહેનો કપડાં ધૂએ. કિનારે એક ધોબી પણ બેઠેલો. તેણે કપડાં ધોઈ નાખ્યાં હતાં ને સૂકવવા મૂકેલાં. બધી બહેનો બૂમો પાડવા લાગી. ધોબીએ જોયું કે ગગલી પડી કે તરત જ તેની પાછળ કૂદ્યો ને ગગલીને પકડી લીધી, બહાર ખેંચી લાવ્યો. ગગલી તળાવમાં પડેલી તે આખેઆખી પલળી ગયેલી. એક બહેને એક કોરા કપડા વડે ગગલીને લૂછી નાખી! ધોબીએ સુકાયેલા કપડામાંથી એક સરસ ગુલાબી ફ્રોક ગગલીને પહેરવા આપ્યું. ગગલીની આસપાસ ટોળું થઈ ગયું. એ ફ્રોકમાં ગગલી તો એવી સરસ લાગે! જાણે નાનકડી પરી! ત્યાં તો ફરતી ફરતી પેલી બકરી આવી, ગાય આવી, કુરકુરિયું આવ્યું, ઊડતી ઊડતી ચકલી આવી. કબૂતર આવ્યું, પોપટ આવ્યો, દોડતી દોડતી ખિસકોલી આવી. ઠેકડા ભરતો મોર આવ્યો. બધાં કહે : ‘અરે! આ કોણ? આ તો ચોખ્ખીચણાક સુંદર છોકરી છે! ચાલો, આપણે સૌ એની સાથે રમીએ. પછી બકરી તેને પૂછે, ગાય પૂછે, કુરકુરિયું પૂછે, ખિસકોલી પૂછે, ચકલી પૂછે, કબૂતર પૂછે, પોપટ પૂછે, મોર પૂછે : ‘એય નાની મીઠડી બબલી, તું રમીશને અમારી સાથે? અમને તારી સાથે રમવું ખૂબ ગમશે. આ ગામમાં એક છોકરી છે, એનું નામ ગગલી છે. એ તો સાવ ગંદી છે, ગોબરી છે!’ ત્યાં ચતુર ચકલી કહે : ‘અરે! આ તો એ જ ગગલી લાગે છે.’ આ સાંભળી ગગલી હસવા માંડી. કહે : ‘સાવ સાચી વાત. હું જ પેલી ગંદી ગોબરી ગગલી! હવે તમારી વ્હાલી મીઠડી, બબલી! આવો, આપણે સાથે રમીએ ને મઝા કરીએ.’ બધાંને આનંદ થયો. સૌ ત્યાં ઝાડ નીચે રમવા લાગ્યાં. ઘણી વારે ગગલીની મા તેને શોધતી શોધતી ત્યાં આવી, તે તો ગગલીને જોઈ જ રહ્યાં! ‘ઓ મારી ગગલી! તું કેવી રૂપાળી લાગે છે! ચાલ હવે ઘેર.’ એટલે ગગલી કહે : ‘મા, હું એકલી ઘેર નહીં આવું. આ મારાં બધાં દોસ્તારોય આવશે.’ માની તો આંખો પહોંળી થઈ ગઈ! ‘અરે વાહ! આટલાં બધાં તારાં મિત્રો! સરસ! સરસ! તમે બધાં મારે આંગણે આવો ને ખાઓ, પીઓ ને આનંદ કરો.’ પછી ગગલી ચાલે આગળ માની જોડે, ને પાછળ ચાલે કુરકુરિયું, બકરી, ગાય ને મોર! ચકલી ને પોપટ તો ગાય પર જ બેસી ગયાં! કબૂતર ઊડતું ગયું આગળ! મોરભાઈ ઠેકડા ભરતા ચાલ્યા! ગગલી માની આંગળી ઝાલી ડોલતી ડોલતી ચાલે! ને આખો વરઘોડો પહોંચ્યો ગગલીને ઘેર! બારણામાં જ ગગલીનાં મોટી બહેન અને મોટા ભાઈ ઊભેલાં! ભાઈ તેની મોટી બહેનને કહે, ‘બહેન! બહેન! ગગલીને તો જો કેવી રૂડીરૂપાળી પરી જેવી લાગે છે! તેં પેલી ડગલી ભરી છે ને! તે એને પહેરાવને. એને એ બહુ સરસ લાગશે.’ એટલે મોટી બહેન તો ગઈ અંદર ઘરમાં ને ડગલી લઈને આવી પટ કરતીક ને આવી ને ગગલીને કહે : ‘ગગલી ઓ ગગલી! લે પહેર આ ડગલી! દોડતી બહાર ગગલી કહે : ‘લાવ! લાવ! હું હમણાં જ પહેરી લઉં.’ ને તેણે તો ફરાક પર પહેરી ડગલી ને પાછળ ફરીને જુએ તો ના મળે ચકલી કે ના મળે મોર. બધાં જ ગાયબ! એ તો રડવા બેઠી. એટલે મા કહે : ‘અરે! રડે છે કેમ? જો! જો! એ તો તારી ડગલીમાં આવી ગયાં છે! જો, આ એક ખિસ્સા પર ચકલી ને બીજા ખિસ્સા પર પોપટ! ને પાછળ તો જો વચ્ચે ઘટાદાર ઝાડ! આ ખિસકોલી ઝાડ પર ચડે છે ને પેલું કબૂતર દાણા ચણે છે ને નીચે ગાય, બકરી તેય ચરે છે. પેલું કુરકુરિયું બિચારું થાકી ગયું છે તે થડ પાસે ઊંઘી ગયું છે. ને જો, જો! મોર કેવો કળા કરી નાચે છે! ને ગગલી! વળી ઝાડ પર વાંદરાંય છે! તું બીશ નહીં હો! તેનેય તારી સાથે રમવું છે!’ આવું સાંભળી ગગલીએ કાઢી ડગલી ને ડગલીની પાછળ જોયું તો તેમાં બધાં જ! તે ખુશખુશાલ થઈ ગઈ. હવે એ રોજ ન્હાય છે. માથું ઓળાવે છે! ચોખ્ખીચણાક રહે છે! બધાં સાથે રમે છે! તે કોઈથી બીતી નથી. ને… ડગલી તો ક્યારેય કાઢતી નથી.