ગુજરાતી બાળવાર્તા સંપદા/ગુરુકિલ્લી

From Ekatra Foundation
Jump to navigation Jump to search
ગુરુકિલ્લી

રમણલાલ ના. શાહ

એક હતો પહેલવાન. કુસ્તી કરવાની કળામાં એ આખા ઈરાન દેશમાં સૌથી પાવરધો ગણાતો હતો. એને રોજનો એક, એ હિસાબે ૩૬૦ કુસ્તીના એક કરતાં ચડે એવા હેરત પમાડનારા દાવ-પેચ આવડતા હતા. રોજ એ નવાંનવાં દાવપેચનો ઉપયોગ કરતો. દેખીતી રીતે જ આવા પહેલવાનને અનેક શિષ્યો હોય. અનેક નવજુવાનો આ ઉસ્તાદના શિષ્ય બની, એની તાબેદારી ઉઠાવતા. એની પાસેથી કુસ્તીના અનેક અવનવા દાવપેચો શીખવા પ્રયત્ન કરતા. આ શિષ્યોમાં એક કદાવર કાયાવાળો કુશળ નવજુવાન પણ હતો. ઉસ્તાદને એ શિષ્ય ઉપર બહુ પ્રેમ હતો. શિષ્યની વિદ્યા શીખવાની અસાધારણ ચપળતા જોઈ, એ એને હોંશેહોંશે મન મૂકી પોતાની બધી વિદ્યા પૂરેપૂરી શિખવાડવા લાગ્યો. એમ કરતાં કરતાં ૩૫૯ કુસ્તીના દાવપેચ એ નવજવાને પોતાના ગુરુને પ્રસન્ન કરીને શીખી લીધા. ઉસ્તાદ પ્રસન્ન થઈને બોલ્યા : ‘બસ બચ્ચા, હવે તું મલ્લકુસ્તીમાં સર્વશ્રેષ્ઠ બની ગયો. હવે તને કાંઈ પણ શિખવાડવાનું બાકી રહ્યું નથી. ખાતરી રાખજે કે, હવે આખા દેશમાં તને હરાવી શકે એવો કોઈ નહિ નીકળે.’ જુવાન પોતાની સિદ્ધિથી ખૂબ ફુલાઈ ગયો. જેની તેની સાથે કુસ્તી કરી બધાંને એ હરાવવો લાગ્યો. આખા દેશમાં એની કીર્તિના ડંકા વાગી રહ્યા. એના ઉસ્તાદ પણ એની આ કીર્તિથી ખુશી થયા. પણ જુવાનના હૈયામાં કાંઈક બીજી જ મેલી ચટપટી જાગી હતી. એ ગયો રાજાના દરબારમાં. રાજાને કહ્યું : ‘મારી ઇચ્છા આપણા રાજ્યના સૌથી નામીચા પહેલવાન, અને મારા ગુરુની સાથે કુસ્તીના દાવ-પેચ ખેલી, સર્વનાં મનોરંજન કરવાની છે.’ રાજાએ એની વાત કબૂલ રાખી. એક દિવસ નક્કી કરવામાં આવ્યો. ઉસ્તાદને એના શિષ્યની ઇચ્છાની જાણ કરવામાં આવી. ઉસ્તાદે દિલગીરી સાથે શિષ્યના પડકારને ઝીલી લેવાના કહેણને મંજૂર રાખ્યું. વખતસર કુસ્તીની શરૂઆત થઈ. ઉસ્તાદ વધતી જતી ઉંમરના લીધે, હાથીના બચ્ચા સરખા કદાવર નવલોહીઆ શિષ્યની સામે બરાબર ટકી શકશે કે કેમ, એ બાબત બધાને ચિંતા થવા લાગી. એ ચિંતા સાચી ઠરી. રાજા તરફથી સંજ્ઞા થતાં જ, જંગલી ઝનૂની પાડાની જેમ, શિષ્ય ગુરુ ઉપર તૂટી પડ્યો. જોતજોતામાં ઉસ્તાદ એની પ્રતિષ્ઠા ગુમાવી આ રાક્ષસી બળવાળા શિષ્ય આગળ લાચાર બની જશે, એ સ્પષ્ટ થઈ ગયું. પણ ઉસ્તાદે બાજી સંભાળી લીધી. એણે શિષ્યને ૩૫૯ દાવ-પેચ શિખવાડ્યા હતા, એ વાત ખરી, પણ એક અગત્યનો દાવ-પેચ જાણી જોઈને એને શિખવાડ્યો ન હતો! અત્યારની કટોકટીની પળ પારખી જઈ, ઉસ્તાદે એ દાવપેચનો ઉપયોગ કર્યો. જોતજોતામાં શિષ્ય ઉસ્તાદના સકંજામાં બરાબર સપડાઈ ગયો. ઉસ્તાદે શિષ્યને એક હાથે ગળા આગળથી, અને બીજા હાથે પગના ઢીંચણ આગળથી પકડી, અધ્ધર પોતાના માથા ઉપર ઊંચક્યો. ભારે જોરથી રાજાના પગ આગળ એને ચત્તો પાટ ફેંકી દઈ, એની છાતી પર ચડી બેઠો! શિષ્યને તિરસ્કારથી એક લાત મારી ઉસ્તાદ અદબ વાળી, દૂર જઈને ઊભો રહ્યો. રાજા અને આખો દરબાર છૂટે મોંએ આનંદથી ગર્જનાઓ કરી ઊઠ્યા. ઉસ્તાદની જીત થયેલી જોઈ, બધાને ખૂબ આનંદ થયો. રાજાએ ઉસ્તાદને મહામૂલો સિરપાવ અને ઝવેરાત આપી, ભરદરબારમાં એનું ભારે સન્માન કર્યું. રાજાએ શિષ્યને કહ્યું : ‘ગુરુ પિતા સમાન ગણાય. જેણે તને બીજે ક્યાંય શીખવા ન મળે એવા અદ્ભુત કુસ્તીના દાવ-પેચ શિખવાડ્યા, એ જ પિતાતુલ્ય ગુરુની સામે તું કુસ્તી કરી, એમની બેઇજ્જતી કરવા નીકળ્યો તો તારી જ નામોશીભરી હાર થઈ. બેઇજ્જતી તારી જ થઈ! તું એને પૂરેપૂરો લાયક છે!’ શરીર પરની ધૂળ ખંખેરતાં શિષ્ય નીચે મોંએ બોલ્યો : ‘ઉસ્તાદે મને બધા જ દાવ-પેચ શિખવાડ્યા હતા, પણ અમુક બાબત ગુપ્ત રાખી, એને લીધે જ આજ એ જીતી ગયા છે.’ ઉસ્તાદ બોલ્યો : ‘નગુણાપણા સામે લડવા માટે આવી સંભાળ રાખવાની શાણા પુરુષોને જરૂર પડે છે. બુજર્ગ ડાહ્યા લોકો કહી ગયા છે કે, ‘તારો જાની દોસ્ત હોય તોપણ એને એટલી તાકાત તું કદી ન આપીશ કે જેથી કદાચ એ નીચ ને નગુણો બની તારી સામે થાય તો તું એનો સામનો ન કરી શકે.’