ગુજરાતી બાળવાર્તા સંપદા/ચાંદો, સૂરજ ને શુક્રનો તારો

From Ekatra Foundation
Jump to navigation Jump to search
ચાંદો, સૂરજ ને શુક્રનો તારો

નાગરદાસ ઈ. પટેલ

આઠે જણ પહોંચ્યા ઓતરાખંડના દરબારમાં. મહારાજ પાસે સો’ણલિયે રાજકુમારીનું માગું કર્યું. આપે તો ઠીક. નહિ તો કરે લડાઈ. ટાઢે પાણીએ ખસ જાય ને સાપ મરે છતાં લાઠી ન ભાગે એવી ઓતરાખંડના રાજાએ યુક્તિ કરી ને જવાબ આપ્યો : ‘કુંવરી આપવામાં અમને કાંઈ જ હરકત નથી; પણ તે પહેલાં તો અમારે તમારાં બળ, કળ, ને જળની પરીક્ષા કરવી જોઈએ. એમાં તમે પસાર થાવ તો અમારી ક્યાં ના છે!’ ‘ભલે કરવા માંડો પરીક્ષા. શી પરીક્ષા કરવી છે?’ રાજાજીએ વિચાર કરીને કહ્યું : ‘અમારા રસોઈયા ત્રણ રાત ને ત્રણ દિવસ પકવાન પાડે તે તમારે એક જ દહાડામાં ખાઈને ખુટાડવું.’ ‘ઓહો! એમાં શું?’ મનુએ કહ્યું : ‘એ તો અમારામાંનો એક જ જણ કરી શકશે.’ ‘એ તો મારું કામ-રોડાં કરતાં પકવાન ભલું એ કામ તો મને જ સોંપો.’ પેલો ખેડૂત બોલ્યો. ને ત્રણ દહાડા ને ત્રણ રાત મહારાજાના કંદોઈઓએ બત્રીસ ભાતનાં રૂડાંરૂપાળાં પકવાન બનાવ્યાં તે બધાંયે પેલા એકલાએ જ એકી વખતે સફાચટ કરી નાખ્યાં. સોગન ખાવા જેટલીયે એંઠ બાકી ન રાખી! એ જોઈને રાજાજી તો દિંગ થઈ ગયા; પણ એમ એ ક્યાં સમજી જાય એવા હતા? એમણે કહ્યું : ‘આ એક પરીક્ષા પૂરી થઈ. હવે પેલું મોટું કડાયું ભરીને દૂધ એકીસાથે પી જવું.’ ‘એટલું જ ને! એ મારું કામ, ખારા પાણી કરતાં મીઠું દૂધ શું ખોટું?’ એમ કહીને એ તો એકે ઘૂંટડે આખું કડાયું ગટગટાવી ગયો. ટીપુંયે નીચે ન પડ્યું! એ જોઈને રાજાએ ઉમેર્યું : ‘હવે અહીંથી ત્રણ દહાડાની મજલ પર એક વાવ છે. એનું પાણી મારો ઘોડેસવાર જઈને લઈ આવે એ પહેલાં લઈ આવો.’ ‘એ મારું કામ.’ કરતોકને પેલો ઘંટીનાં પડ પગે બાંધનાર ઊપડ્યો. એની સાથે રાજાના સવારે દોસ્તી કરી, ને આખો દિવસ બેઉ સાથે ચાલ્યા ને સાથે વિસામો લેવા થોભ્યા. જમતી વખતે સવારે એના ખાવામાં કડક ઘેનની દવા ભેળવી દીધી; એટલે એ બિચારો ઘસઘસાટ ઊંઘી ગયો. ખાસ્સો એક દહાડો ને એક રાત લાગલગટ ઊંઘ્યા જ કર્યું. પેલો સવાર તો વાવમાંથી પાણી લઈને પાછો વળ્યો. સો’ણલિયો પૂછે : ‘આપણો મિત્ર આવતો સંભળાય છે ખરો?’ પેલો કીડીઓને સલાહ આપનાર કહે : ‘ના રે ભાઈ! એ તો ઊંઘી ગયો લાગે છે.’ ‘માર્યા ઠાર!’ કહીને એણે પેલા બાણની રાહ જોનારને બાણ મારવા કહ્યું. એણે તાકીને બાણ માર્યું, તે પેલાના પગે બાંધેલા ઘંટીના બેઉ પડ કડાક લઈને તૂટી પડ્યા. એ તો ઝબકીને જાગ્યો ને જાગતાંવેંત જ દોડ્યો. હાંફળાફાંફળા આંખ મીંચીને ઉઘાડીએ એટલામાં તો પાણી ભરીને આવી પહોંચ્યો. સવાર તો ક્યાંનો ક્યાંય પાછળ રહી ગયો હતો. આટઆટલી પરીક્ષા પછી પણ રાજાના પેટનો મેલ ગયો ન હતો. તેણે આઠે જણના જમણમાં ઝેર દેવાની સંતલસ કરી. પણ જેને રામ રાખે તેને કોણ મારી શકે? કીડીને સલાહ આપનારના સરવા કાનોએ એ સંતલસ સાંભળી લીધી ને પંખીની પાંખો બદલનારે મીઠાઈના તાટ હેરફેર કરવાનું પોતાને માથે લઈ લીધું. અને તરત જ તેણે પોતાની ફરજ બજાવી ને તાટ ફેરવી નાખ્યા. પેલા આઠે જણે લહેરથી મિષ્ઠાન્ન પર ખૂબ હાથ માર્યા અને રાજાજીના આઠ સરદારો મીઠાઈ ખાતાંવેંત રામશરણ થઈ ગયા! હવે કાંઈ રાજાજીનો છૂટકો થાય! એમણે સો’ણલિયા સાથે રાજકુમારી પરણાવી. છેલ્લી પરીક્ષા કરવા રાજાજીએ ઉમેર્યું : ‘એ બેઉને જવા માટે હું તો કાંઈ વાહન નહિ આપું. એમને ને એમને દીધેલા તથા રાજકુમારીને કરેલા કરિયાવર માટે વાહન એમણે શોધી લેવું.’ પેલો શંકરના દહેરાવાળો કહે : ‘તમે નહિ દો તો કાંઈ કામ અટકી નહિ પડે! આટલું મોટું દહેરું ઉપાડું છું તો તમારો કરિયાવર જુઓ! શું મોટું આપીને ન્યાલ કર્યા છે તે અમારું મન જાણે છે!’ અને એણે પોતાને ખભે ઉપાડ્યું સ્તોને! જોતજોતામાં સૌ આવ્યા દખ્ખણ દેશમાં. પણ આ બધી ગડભાંગમાં ખાસાં પાંચેડેપાંચ વર્ષ વીતી ગયાં હતાં અને મેનાકુમારીને એક મનોહર પુત્ર આવેલો તેયે ચાર વર્ષનો થઈ ગયો હતો. સો’ણલિયો આવ્યો દરબારમાં. પોતાના દોસ્તોને જરજરિઆન ને જાગીરોથી એણે નવાજ્યા. રાજાજીએ એને ગાદી સોંપી. દરબાર ભરાયો હતો : સો’ણલિયાની બે બાજુ બે રાણીઓ તથા પાસે રાજકુમાર બેઠો હતો, ત્યાં એણે પોતાની માને તેડાવીને તેને અને મહારાજને નમન કરીને કહ્યું : ‘લ્યો આ મારું સો’ણું! તે દહાડે માગતાં હતા તે. આ બાજુ સૂરજ ને પેલી બાજુ ચંદ્રમા. જુઓ પેલો શુક્રનો તારો!’ એમ કહીને એણે ચંદ્રમા જેવી સૌમ્ય મેનાકુમારી અને સૂરજ જેવી ઓતરાખંડની રાજકુમારી તથા શુક્ર જેવો રાજકુમાર બતાવ્યાં. બેઉના આનંદનો પાર ન રહ્યો. સૌની આંખમાં આનંદનાં આંસુ આવ્યાં.