ગુજરાતી બાળવાર્તા સંપદા/ચાલો, કોણ જીતશે ?
મૃદુલા માત્રાવાડિયા
સાબરમતી નદીના કાંઠે સાગર, સરિતા, ધવલ સસલો અને કનુ કાચબો વાતો કરતાં ઊભાં હતાં. સાગર અને સરિતા ભાઈ-બહેન હતાં. તે બંને એક જ શાળાના એક જ વર્ગમાં ભણતાં હતાં. સાગર થોડો તોફાની હતો જ્યારે સરિતા શાંત અને અભ્યાસમાં હોશિયાર હતી. ધવલ સસલો અને કનુ કાચબો આ બંને ભાઈ-બહેનનાં મિત્ર હતાં . તેમણે ચારેયે આજે શરત લગાવી હતી કે, કોણ સૌથી પહેલાં પુલ સુધી પહોંચી જાય. ધવલ સસલો દોડીને આવે અને સાગર અને સરિતા તેમની સાઇકલ પર આવે, જ્યારે કનુ કાચબો નદીનાં પાણીમાં તરીને પુલ સુધી પહોંચે. રવિવારે સવારે ૯ વાગ્યાનો સમય નક્કી થયો. રવિવારે સવારે ૯ પહેલાં કનુ અને ધવલ આવી ગયા. તે સાગર અને સરિતાની રાહ જોતાં ઊભાં રહ્યાં. થોડી વારે તે બંને પણ સાઇકલ પર આવી પહોંચ્યાં. સાગર સાઇકલ ચલાવતો હતો અને સરિતા પાછલી સીટ પર બેઠી હતી. થોડી વારમાં જ સ્પર્ધા શરૂ થઈ ગઈ. ધવલ રસ્તા પર દોડવા લાગ્યો, જ્યારે સાગર-સરિતાની સાઇકલ તેની સાથોસાથ જ લગભગ દોડવા લાગી અને કનુ કાચબો નદીના પાણીમાં તરવા લાગ્યો. તે ઘણી વાર પાણીની સપાટીની અંદર રહીને જ તરતો હતો અને થોડી વારમાં ખૂબ દૂર દેખાતો હતો. બધાં પોતાની શક્તિ મુજબ ખૂબ જ ઝડપતી પુલના છેડે પહોંચવા ઇચ્છતાં હતાં, કેમ કે જે પહેલાં પહોંચે તેને કોઈ ઇનામ મળવાનું ન હતું. ઇનામ તો વળી કોણ આપે ? બધાં પોતાની ગતિ પ્રમાણે દોડતાં હતાં. સહુને એમ હતું કે અમે જ પહેલા નંબરે આવીશું. પણ અર્ધે પહોંચ્યાં ત્યાં જ સાગરને થોડો થાક લાગ્યો. જોયું તો કનુ કાચબો ક્યાંય દેખાતો ન હતો. બધાં રસ્તામાં ઊભાં રહ્યાં. ત્યાં જ પૂરી-પકોડીવાળો ત્યાંથી પસાર થયો. સાગરને તે ખાવાનું મન થઈ ગયું. તેણે પાણીપૂરીવાળાને બોલાવ્યો અને બંને ભાઈ-બહેને એક એક પ્લેટ નાસ્તો કર્યો. તેટલી વારમાં ધવલ સસલો તો ખૂબ આગળ નીકળી ગયો હતો. સરિતા સાગર પર ગુસ્સે થઈ, ‘સાગર, આપણે આજે હારવાનાં.’ સરિતાએ ગુસ્સામાં ને ગુસ્સામાં સાગર પાસેથી સાઇકલ છીનવી લીધી અને તે ચલાવવા લાગે તે પહેલાં સાગર દોડીને પાછલી સીટ પર બેસી ગયો. સરિતાએ ખૂબ ગતિથી સાઇકલ ચલાવવા માંડી. રસ્તામાં ધવલ સસલો મળ્યો. તેને પાછળ રાખીને આ બંને આગળ નીકળી ગયાં. તેમનું ધ્યાન નદીના પાણી તરફ જ હતું. તેમને કનુ કાચબો ક્યાંય દેખાતો ન હતો. અચાનક જ કનુ કાચબો પાણીમાં કિનારે દેખાયો ! તેને લાગ્યું કે તે છેક પહોંચી ગયો છે, પણ સાગરે તેને સમજાવ્યો કે, હજી થોડે દૂર સુધી જવાનું છે અને કનુ કાચબો પાણીની અંદર ચાલ્યો ગયો ! સાગર-સરિતા તેને જોતાં જ રહી ગયાં ! ત્યાં જ સાગરે સરિતાને કહ્યું, ‘લાવ, સાઇકલ મને આપી દે. તું થાકી ગઈ હોઈશ.’ પણ સરિતાએ સાઇકલ આપવાને બદલે સાગરને જલદી બેસાડીને સાઇકલ મારી મૂકી. તે જ્યારે નદીના છેડે પહોંચ્યાં ત્યારે કાચબો દેખાયો, તે પણ છેડે પહોંચવાની તૈયારીમાં જ હતો. કનુ કાચબો બધાંથી આગળ પહોંચવા પાણીની અંદર તરીને ત્યાં જલદી પહોંચવા માંગતો હતો. થોડી વારમાં ધવલ સસલો પણ ત્યાં આવી ગયો. તેણે સ્પર્ધાનું પરિણામ જાણ્યું કે, સાગર અને સરિતા સૌથી પહેલાં હતાં. કનુ કાચબો બીજા નંબરે અને ધવલ સસલો સૌથી છેલ્લે પહોંચ્યો હતો ! કાચબા કનુએ કહ્યું, ‘સાગરભાઈએ જો સાઇકલ ચલાવી હોત, તો તે કયારેય આગળ ન પહોંચત. આ તો સરિતાબહેને સાઇકલ ચલાવી એટલે તે બંને પહેલાં પહોંચી ગયાં. હું જલદી ન પહોંચી શક્યો, કારણ કે અત્યારે શિયાળામાં પાણી કેટલું ઠંડું હોય છે, તેની તમને શી ખબર પડે ! હું તો ધ્રૂજી ગયો છું. ચાલો, તમે મને ગરમ ગરમ ચા કે દૂધ પિવડાવો !’ ‘તું જીત્યો હોય તો તને જરૂર કંઈક પિવડાવત ! આ તો તું હારી ગયો છે, એટલે તને કંઈ ન મળે !’ ધવલ સસલાએ કનુની મજાક કરી, સાગર-સરિતા ધવલની વાતથી હસ્યાં, પણ સરિતાએ બધાંને નાસ્તો કરાવ્યો. કેમ કે તે સ્પર્ધા જીતી ગઈ હતી ને !