ગુજરાતી બાળવાર્તા સંપદા/ચુન્નુનો પસ્તાવો

ચુન્નુનો પસ્તાવો

હેતલ મહેતા

સોમપુરા નામે એક સુંદર મજાનું નાનું રળિયામણું ગામ. ગામના પાદરમાં એક સરસ મજાનું મોટું લીમડાનું ઝાડ. આ ઝાડ પર એક ચકલીનો માળો. માળામાં ચુન્ની ચકલી અને તેનું બચ્ચું ચુન્નુ રહે. આ સિવાય પણ ઝાડ પર કાળુ કાગડો, મનુ મકોડો, ખલી ખિસકોલી અને વનુ વાંદરો રહે. આ સૌ એકબીજાં સાથે હળી-મળીને રહે.જરૂર પડે એકબીજાનાં કામમાં મદદ કરે અને એકબીજાંની ગેરહાજરીમાં એકબીજાંનાં ઘરનું અને બચ્ચાંઓનું ધ્યાન પણ રાખે. ચુન્ની ચકલીનું બચ્ચું ચુન્નુ હજી ખૂબ નાનું હતું. હજી તો તેની પાંખો પણ બરાબર ફૂટી ન હતી. સવાર પડે એટલે ચુન્ની ખોરાકની શોધમાં નીકળી પડે અને પોતાની ચાંચમાં ખોરાક લાવીને ચુન્નુની ચાંચમાં આપે. ચુન્નીની ગેરહાજરીમાં બધા પાડોશી તેના બચ્ચાનું ધ્યાન રાખે. ચુન્નુ હજી નાનું હોવાથી કદી માળાની બહાર ગયું ન હતું. ઝાડ પાદરમાં હોવાથી આખો દિવસ માણસોના અને બીજાં પશુ-પંખીઓના અવાજ સંભળાયા કરે અને ચુન્નુ માળામાં બેઠું-બેઠું આવા અવાજો સાંભળ્યા કરે. સમય વીતતો ગયો અને ચુન્નુ મોટું થવા લાગ્યું.તેની પાંખો ફૂટવા લાગી અને તે ધીમે-ધીમે ઊડવાનો પ્રયાસ કરવા લાગ્યું. ઘણી વાર તે ઊડવા જતાં માળામાંથી નીચે પડી જાય, પણ ચુન્નીની ગેરહાજરીમાં બધા પાડોશી તેનું બરાબર ધ્યાન રાખે. ચુન્નુને પકડીને પાછા માળામાં મૂકી આવે. ધીરે-ધીરે ચુન્નુ સરસ રીતે ઊડતા શીખી ગયું. તે પોતાના માળાની બહાર આખા લીમડાની ડાળીએ-ડાળીએ ફરી આવતું. થોડા જ સમયમાં તે એક ઝાડ પરથી બીજા ઝાડ પર ઊડતા શીખી ગયું. જેમ-જેમ તે ઊડતું, તેમ-તેમ તેને વધુ દૂર ઊડવાની ઇચ્છા થતી. તે દરરોજ જ્યાં જ્યાં જતું તેની સઘળી વાત તે ઘરે આવીને તેની મા ચુન્નીને કરતું. એક દિવસ ચુન્નુ ગામથી દૂર આવેલી એક નદી પાસે પહોંચી ગયું. નદીના કિનારે એક ઘટાદાર પીપળાનું ઝાડ હતું, તે ત્યાં જઈને બેઠું. તેણે જોયું કે; અહીં કોઈ પણ પ્રકારનો અવાજ ન હતો, કંઈ અડચણ થાય એવું ન હતું. માત્ર નીરવ શાંતિ હતી. તેણે જોયું કે; પીપળાના ઝાડ પર બીજા કોઈનોયે વસવાટ ન હતો. તેને થયું કે; અહિયાં રહેવા આવી જઈએ તો કેવી મજા પડે! આખા ઝાડ પર અમારે એકલા રહેવા થાય. તેને આ જગ્યા ખૂબ ગમી ગઈ. સાંજ પડતા તે પાછું પોતાના માળામાં આવી ગયું. તેણે તેની માને સઘળી વાત કહી સંભળાવી. તેણે કહ્યું, “મા, અહીં તો એક ઝાડ પર આપણે કેટલાં બધા જણા રહીએ છીએ અને ત્યાં આપણે એકલા રહેવા થશે. ત્યાં કોઈ આડોશી -પાડોશી પણ નહિ હોય અને અવાજ પણ નહીં હોય.” માએ બચ્ચાને સમજાવતાં કહ્યું, “જો બેટા ! પાડોશી તો પહેલો સગો કહેવાય. જો અચાનક મુશ્કેલી આવી પડે, તો પહેલા પાડોશી જ મદદે આવે. તું આટલું મોટું થઈ ગયું, તેની મને જરાયે ખબર પડી નથી. કેમકે,મારી ગેરહાજરીમાં બધા તારું ધ્યાન રાખતા અને વળી હળી -મળીને રહેવામાં જ મજા આવે. એકલા -એકલા એકાદ દિવસ સારું લાગે, પણ જો રોજ એકલા રહેવાનું થાય તો કંટાળી જવાય બેટા. જો બેટા! અહીં પાદરમાં રહીએ છીએ તે દાણા-પાણી પણ સરળતાથી મળી રહે અને ત્યાં દૂર ખોરાક શોધવામાં પણ તકલીફ પડે.” ચુન્નીએ પોતાના બચ્ચાને માથે હાથ ફેરવી -ફેરવીને પ્રેમથી વાત સમજાવી.પણ,નાના બચ્ચાને માની આ વાત ગળે ઊતરી નહિ.તે તો જીદ કરીને બેઠું હતું કે ,મારે તો ત્યાં જ રહેવા જવું છે. સવાર પડતા જ તેણે તેની માને જણાવી દીધું કે; તે પીપળાના ઝાડ પર રહેવા જાય છે. ચુન્નીએ તેને ઘણું સમજાવ્યું, પણ તે માન્યું નહિ અને ઊડીને જતું રહ્યું. ચુન્ની બચ્ચાના જવાના દુઃખથી રોવા બેઠી. આડોશી -પાડોશી બધા ભેગા થઈ ગયા. બધાંએ ચુન્નીના દુઃખની વાત જાણી. તેઓ બધાં પણ દુઃખી થયાં. તેઓએ ચુન્નીને સાંત્વના આપી ને સૌ પોત -પોતાની રીતે ચુન્નુને સમજાવશે એમ જણાવી ચુન્નીને શાંત પાડી. સૌ પહેલા મનુ મકોડો ચુન્નુ પાસે ગયો. ચુન્નુ પીપળાના ઝાડની ડાળી પર મોં ફૂલાવીને બેઠું હતું. મનુ મકોડાએ પૂછ્યું “બેટા, કેમ અહીં આવીને બેઠું છે ?” ચુન્નુ બોલ્યું,” ચુન્નુ તો બોલશે નહિ, ચુન્નુ તો ચાલશે નહિ, મનુ ચુન્નુ તો રિસાઈને બેઠું છે, મનુ કાકા.” મકોડાએ પ્રેમથી કહ્યું, “જો બેટા! અહીં એકલા ન રહેવાય.ઘરે તારી મા તારી ચિંતા કરે છે. અહીં તું એકલા - એકલા કોની સાથે વાતો કરીશ કે રમીશ? ચાલ, હું તને લેવા આવ્યો છું.” મારે કોઈની જરૂર નથી. હું તો એકલું રમીશ. પણ, હું ઘરે તો નહિ જ આપું.” એમ કહીને ચુન્નુ તો પાછું મોં ફૂલાવીને બેસી ગયું. મનુ મકોડો તેની ચિંતા કરતો પાછો ફર્યો. થોડી વાર પછી કાળુ કાગડો ચુન્નુને મનાવવા નદી -કિનારે આવ્યો. ચુન્નુને ઝાડ પર બેઠેલું જોઈને તે બોલ્યો, “અરે! ચુન્નુ..... કેમ અહીં આટલે દૂર આવીને બેઠું છે? ચુન્નુ બોલ્યું, “ચુન્નુ તો બોલશે નહિ, ચુન્નુ તો ચાલશે નહિ, ચુન્નુ તો રિસાઈને બેઠું છે, કાળુ મામા.” કાળુ કાગડાએ શાંતિથી વાત શરુ કરી. “જો ચુન્નુ, આ તો નદીનો કિનારો છે. રાત પડશે એટલે પવન ફુંકાશે અને નદીના પાણીનો ખળ-ખળ અવાજ થશે. અને વળી આ ગામનું પાદર નથી કે દિવાબત્તી હોય. અહીં અંધારું -અંધારું થઈ જશે અને તને બીક લાગશે. તું તો મારો ડાહ્યો ભાણિયો છેને! મામાનું કહ્યું, શું તું નહિ માને ? “ ચુન્નુ બોલ્યું, “મને કંઈ અંધારાથી બીક નથી લાગતી, કાળુ મામા. તમે ગમે તે કહો, હું ઘરે તો નહી જ આવું.” છેવટે કાળુ કાગડો પણ નિરાશ થઈને પાછો વળ્યો. ખલી ખિસકોલીને થયું કે, લાવ હું પણ પ્રયત્ન કરી જોંઉ. કદાચ મારાથી માની જાય. જેથી તે ચુન્નુને મનાવવા ગઈ. ચુન્નુને ઝાડ પર બેઠેલું જોઇને એણે પૂછ્યું,, “કેમ ચુન્નુ આમ મોં ફૂલાવીને બેઠું છે? શું વાત છે ? મને કહે.” ચુન્નુ બોલ્યું, “ચુન્નુ તો બોલશે નહિ, ચુન્નુ તો ચાલશે નહિ ચુન્નુ તો રિસાઈને બેઠું છે, ખલી માસી,” ખલી ખિસકોલી તો ઝાડ પર ચડી, તેની પાસે જઈને, તેને શાંતિથી સમજાવવા લાગી; “જો.... ચુન્નુ! તું હજી નાનું છે.તને દુનિયાની ખબર નથી બેટા. અહીં નદીનો કિનારો છે . રાત પડશે એટલે જંગલી જાનવરો અહીં પાણી પીવા આવશે. તેઓ મોટી- મોટી ત્રાડ પાડશે. તેથી તને બીક લાગશે. તારી મા સાચું કહે છે. આપણે તો ગામમાં જ રહેવાય. ચાલ બેટા, હું તને જ લેવા માટે આવી છું. મને ખબર છે હો.... માસીની વાત તો તું ચોક્કસથી માનીશ.” પણ, ચુન્નુ તો કોઈ વાત માનવા તૈયાર ના થયું. છેવટે ખલી ખિસકોલી દુખી થતાં પાછી વળી. હવે વનુ વાંદરાનો વારો આવ્યો. સૌને વનુ વાંદરા પર આશા હતી. કેમકે, બધામાં વનુ વાંદરો વડીલ હતો. એટલે કદાચ ચુન્નુ તેની વાતને ટાળી નહિ શકે. તેણે ચુન્નીને સાંત્વના આપી કે; તે ચોક્કસથી ચુન્નુને પાછું લઈને આવશે. વનુ વાંદરો પણ પીપળાના ઝાડ પાસે પહોંચ્યો અને ઝાડ પર બેઠેલા ચુન્નુને જોઈને બોલ્યો, “ચુન્નુ બેટા, હવે આમ રિસાવાય નહિ. ચાલ તો, તારા વગર તો ત્યાં કોઈનેય ગમતું નથી. ચાલ, તારે જે જોઈએ તે તને હું લઈ આપું.” ચુન્નુ તો પાછું મોં ફૂલાવીને બોલ્યું, “ચુન્નુ તો બોલશે નહિ ચુન્નુ તો ચાલશે નહિ, "ચુન્નુ તો રિસાઈને બેઠું છે, વનુ દાદા.” ચુન્નુ ! અહીં તો ઝાડની બખોલમાં એક કાળોતરો સાપ રહે છે. એ તને જોશે તો તારા જેવા કુમળા બચ્ચાને તો એક ઝપટમાં ગળી જશે. હું તારા સારા માટે જ કહું છું. ચાલ બેટા! હું તને મારી પીઠ પર બસાડીને લઈ જાઉં,” વનુ વાંદરો બોલ્યો . "મને કંઈ સાપની બીક નથી લાગતી. તમે મને લઈ જવા માટે ખોટું -ખોટું બોલો છો . હું બધું જાણું છું .પણ, મેં નક્કી કરી જ નાખ્યું છે કે; હું તો અહીં જ રહીશ વનુ દાદા. ઘણું સમજાવવા છતાં જયારે ચુન્નુ માન્યું નહિ એટલે વનુ વાંદરો પણ નિરાશ થઈને પાછો ફર્યો. ચુન્નુને મનાવતાં-મનાવતાં સવારથી બપોર થઈ ગઈ. છેવટે ચુન્નુ માન્યું નહિ એટલે બધાં એનું ધ્યાન રાખવા તેને ખબર ન પડે એમ ઝાડની પાછળ જઈને સંતાઈને તેનું ધ્યાન રાખવા લાગ્યાં.. બપોરથી સાંજ થવા આવી., હવે ચુન્નુને એકલું લાગવા માંડ્યું. કોની સાથે વાતો કરે? કોની સાથે રમે? તેને મનુ મકોડાની વાત યાદ આવી. ધીરે -ધીરે અંધારું ઘેરાવા લાગ્યું. આજુ -બાજુ બધે નીરવ શાંતિ પથરાઈ ગઈ. પછી પવનના સૂ....સૂ....સૂ.... સૂસવાટા વાવા લાગ્યા. શાંત નદીના પાણી પથ્થરો સાથે અથડાતાં મોટા અવાજો થવા લાગ્યા. ચુન્નુને હવે થોડી બીક લાગવા લાગી. તેને કાળુ કાગડાની વાત યાદ આવી. પણ, તે ચૂપચાપ બોલ્યા વગર બેસી રહ્યું. હવે તો એકદમ અંધારું જામી ગયું હતું. આજુ-બાજુ કંઈ દેખાતું ન હતું. નદીના કિનારે જાનવરો પાણી પીવા આવ્યા. પ્રાણીઓની ત્રાડો સંભળાઈ એટલે તો ચુન્નુને બરાબર બીક લાગી. તેને ખલી ખિસકોલીની વાત યાદ આવી. પણ ,હવે થાય શું? કેમકે હવે તો રાત પડી ગઈ હતી તેથી અંધારામાં તો ઘરનો રસ્તો પણ ન મળે. ચુન્નુની આંખમાં ઝળઝળીયાં આવી ગયાં. તેને ભૂખ પણ બહુ લાગી હતી અને માળા વગર ઠંડી પણ લાગતી હતી. થોડી વાર થઈ ત્યાં તો ઝાડ પરથી સરરર.... સરરરર...... અવાજ આવ્યો. ચુન્નુએ અવાજની દિશામાં જોયું તો તે ખૂબ ડરી ગયું અને જોર-જોરથી રડવા લાગ્યું. તે મા- મા પોકારવા લાગ્યું. ધીરે-ધીરે સાપ તેની નજીક આવી રહ્યો હતો. તેને પોતાના નિર્ણય ઉપર પસ્તાવો થવા લાગ્યો. બધાંનાં મનાવવા છતાં તે માન્યો નહિ તેથી તેના પસ્તાવાનો પાર ન રહ્યો. તેને થયું કે હમણાં જ આ સાપ મને ગળી જશે. તુરંત ઝાડના પાછળના ભાગમાંથી વન વાંદરો આવ્યો અને ચુન્નુને પંજામાં પકડીને લઈ ગયો. ત્યારબાદ બધાં પાછા ફર્યાં.. ચુન્નુને માળામાં લઈ જઈને તેની માએ તેને પેટ ભરીને જમાડ્યું અને પછી ચુન્નુએ પોતે કરેલી ભૂલની બધાં સમક્ષ માંફી માંગી.