ગુજરાતી બાળવાર્તા સંપદા/ઝાડ અને માણસ : પાકા ભાઈબંધ

ઝાડ અને માણસ : પાકાં ભાઈબંધ

ઈશ્વર પરમાર

જોયાં છે ને ઝાડ તમે ? ઝાડ તો ઊભાં ત્યાં ઊભાં. હાલે નહિ કે ચાલે નહિ. બહુ બહુ પહેલાંના જમાનામાં તો ઝાડ જમીન પર ચાલતાં ! ઝાડ ડુંગર ૫૨ દોડતાં ! અરે, ઝાડ તો ઊડતાં ! ઊડીને જાય આકાશમાં. આકાશમાં હરેફરે વાદળાંની સાથે. ઝાડને વાદળાં બહુ વહાલાં. તરસ લાગતી તો ઝાડ ઝટપટ વાદળાંમાં ભરાઈ જતાં. એમ કરતાં તરસ મટતી ને થઈ જતાં તાજાંમાજાં ! વાદળાંને ઝાડની સુગંધ ખૂબ ગમે. ઝાડ ને વાદળાં પાકાં ભાઈબંધ ! વાદળાં તો આકાશમાં જ રહે અને ઝાડ તો ભૈ, આકાશમાંય આંટા મારે ને જમીન પરેય હરે-ફરે. ઝાડ એક ઠેકાણે ટકી ન રહેતાં. વાદળાં સાથે રમી-ભમીને ઝાડ આવતાં પાછાં જમીન ૫૨. ઝાડને જમીન ૫૨ પણ ગમતું. જમીન પ૨ના માણસો ઝાડને ગમતા. માણસો ઝાડને પાણી પાય. માણસો ઝાડને ખાવા ખાતર આપે. માણસો ઝાડને આરામ કરવા ક્યારા બનાવે. માણસો ઝાડની પૂજા કરે. ઝાડ માણસને સુંદર ફૂલો આપે. ઝાડ માણસને મીઠાં ફળ આપે. ઝાડ માણસને ચોખ્ખી હવા આપે. ઝાડ ને માણસ : પાકાં ભાઈબંધ ! ઝાડને માણસ બહુ ગમે. ઝાડને વાદળાં બહુ ગમે. ઝાડ જમીન પર રહેતાં અને મોજ પડે ત્યારે સરી જતાં આકાશમાં સ...ર...ર...ર... આકાશમાં વાદળાં સાથે ગેલ કરવા. આકાશમાં વાદળાં ગમે ત્યાં હોય, ઝાડની સુગંધ આવે એટલે એમની પાસે સરકી આવતાં. ઝાડ ને વાદળાં સાથે રમતાં, સાથે ભમતાં. પછી તો ઝાડ સરતાં પાછાં જમીન ૫૨ સ... ૨... ૨... ૨... ! ધીમે ધીમે ઝાડને જમીન પર વધારે ગમવા લાગ્યું. ઝાડને ગીત ગાતા માણસો ગમે. ઝાડને મહેનત કરતા માણસો ગમે. ઝાડને નમે તે માણસ ગમે. ઝાડ હવે આકાશે ઓછું જતાં. એને માણસ બહુ ગમતા ને એટલે. હા, વાદળાંને ઝાડ સાંભરે ખરાં. ઝાડ આકાશે ન આવે તોય વાદળાં કિટ્ટા ન કરે ઝાડની સાથે. મન થાય ત્યારે આકાશમાં થોડા હેઠે ઊતરે અને ઝાડ પર વરસાવે પાણી. વાદળાં ઝાડને નવડાવીને વહાલ કરે. વાદળાંને નવડાવવાની મજા – ઝાડને નાહવાની મજા. ઝાડ કંઈ છાનાંમાનાં ઊભાં ઊભાં નહાય ? ઝાડ તો જમીન પર આમ દોડે ને તેમ દોડે. વાદળાંય આકાશમાંથી બરાબર ઝાડ ૫૨ જ પાણી વરસાવવા સારું આમ દોડે ને તેમ દોડે. ઝાડ ખીણે. વાદળાં ખીણ ૫૨. ઝાડ ચોકે. વાદળાં ચોક ૫૨. ઝાડ પાદરે. વાદળાં પાદ૨ ૫૨. ઝાડ સીમે. વાદળાં સીમ પર. ઝાડ તળાવની પાળે. વાદળાં પાળ ૫૨. જ્યાં ઝાડ જાય ત્યાં વાદળાં ઉપર આવે ને પાણી વરસાવે. જ્યાં ઝાડ ત્યાં ઝરમર. પછી તો હડી કાઢતાં ઝાડ થાકે. હડી કાઢતાં વાદળાં થાકે. આ ઝાડ-વાદળાંની દોડધામ જોવાની માણસને મજા તો પડે પણ થોડીક જ વાર. માણસને થતું આ બધાં ઝાડ એક ઠેકાણે ઊભાં રહે ને વાદળાં એમનાં ૫૨ વ૨સે તો કેવું સારું ! ઊભાં ઝાડ પ૨ વાદળાં વરસે તો પાણી નદીમાં જાય, પાણી તળાવમાં જાય. બસ, તો ભૂખ ભાંગે ને તરસ મટે. ઝાડ-વાદળાંની હડિયાપટીમાં પાણી જ્યાં ત્યાં પડતું ને સચવાતુંય નહીં. એટલે માણસને થયું, ‘ચાલો, ઝાડને સમજાવીએ તો ખરા!’ માણસો આવ્યા ઝાડની પાસે. હાથ જોડીને કહે, ‘વાદળાં તમને નવડાવવા આવે ત્યારે તમે નાસ-ભાગ શા માટે કરો છો ?’ ઝાડ કહે : ‘મજા કરીએ છીએ. વાદળાં થાકે ને અમેય થાકીએ. થાકવાની મજા !’ માણસ કહે : ‘તમે બેય થાકો છો ને અમેય થાકીએ છીએ. વાદળાંનાં મોંઘાંમૂલાં પાણીનો અમને શો લાભ ?’ ઝાડ કહે : ‘તમારે કહેવું છે શું ?’ માણસ કહે : ‘એટલું જ કે તમે એક ઠેકાણે ઊભો. વાદળાંને એકધારાં વ૨સવા દો. તમે ઊભો તો પાણી નદીમાં જાય, પાણી તળાવમાં જાય, ભૂખ ભાંગે ને ત૨સ મટે.’ ઝાડ કહે : ‘તો શું અમારે ઊભા જ રેવાનું ?’ માણસ કહે : ‘હા ભાઈ, તમે અમારા ભલા માટે ઊભા રહો. તમે ઊભશો ત્યાં વાદળાં આવશે. પાણી વ૨સાવશે. એમને મજા, તમને મજા, અમને મજા.’ ઝાડ કહે : ‘અમે ઊભીએ તો તમે અમારું ધ્યાન રાખશો ?’ માણસ કહે : ‘જરૂ૨. અમે તમને પાણી પાશું. અમે તમને ખાતર આપીશું. તમારા માટે ક્યારા કરીશું. વાડ બાંધીશું. પૂજા કરીશું. આ અમારું વચન.’ ઝાડ કહે : ‘ભલે તમારું ભલું થાવ. પાળજો વચન. અમે ઊભા રહીશું. હવે રાજી ને !’ ઝાડ તો ઊભાં. માણસ રાજી થયા. વાદળાં આવ્યાં. એકધારાં ઝાડ પર વરસ્યાં ઝરમ૨... ઝ૨મર... ઝરમર... ઝરમર. પાણી વહેતાં નદીમાં ને તળાવમાં. સૌની ભૂખ ભાંગવા માડી. તરસ મટવા માંડી. માણસે તો ખેતર બનાવીને ખેતી કરવા માંડી. - પણ માણસ ક્યાં એકસરખા હોય છે ? કો’ક ડાહ્યા તો કો’ક મૂરખ. થોડા એવા મૂરખ માણસો ભેગા થયા. લાકડાના લોભે ઝાડ કાપવા માંડ્યા. ઝાડ તો કંપી ઊઠ્યાં. ઝાડોએ અંદરોઅંદ૨ વાત કરી, અહીં રહેવા જેવું નથી. બસ, ઝાડ બધાં ચાલવા માંડ્યાં. ઝાડ બધાં દોડવા માંડ્યાં. ઝાડ તો ક્યાંય સંતાઈ ગયાં. ક્યાં સંતાયાં કોણ જાણે ? પછી, વાદળાંને પાછાં ઝાડ સાંભર્યાં એટલે આકાશેથી થોડાં હેઠાં ઊતર્યાં. ઝાડ દેખાયાં નહીં. વ૨સ્યા વગર ચાલ્યાં ગયાં. ક્યાં ગયાં કોણ જાણે ! વરસાદ વગર માણસ લાચાર. એ તો ઝાડને સાદ કરવા લાગ્યા.. ‘તમે રિસાયા તો વાદળાં રિસાયાં. વાદળાં રિસાયાં તો પાણી રિસાયું. હવે તો અમે જીવશું કેમ ?’ જમીન ૫૨ના બધા માણસોનો આ સાદ સાંભળીને ઝાડોને દયા આવી. એમણે એક ઝાડને માણસ પાસે મોકલ્યું. ઝાડ દોડતું જમીન ૫૨ આવ્યું. માણસો એને પગે લાગ્યા. ઝાડ કહે : ‘તમે પહેલાં પગે લાગો છો ને પછી અમારા પગ કાપો છો; તમારો ભરોસો કેમ કરવો ?’ માણસો ચૂપચાપ. ત્યાં તો પેલા મૂરખ માણસો આગળ આવ્યા. ઝાડની માફી માગી. કહે, ‘હવે તમને ઝૂડવાની મૂરખાઈ નહીં કરીએ. અમારા વાંકે બધાનો જીવ જોખમમાં છે માફ કરો.’ એમની વાત સાંભળી એ ઝાડ બીજાં બધાં ઝાડ પાસે સરકી ગયું. વાત કરી. ઝાડની જાત દયાળુ. માની ગયાં. પાછાં આવ્યાં. જમીન ૫૨ ઠેક-ઠેકાણે નોખાં-ભેગાં ઊભાં રહી ગયાં. વાદળાં ઝાડને જોઈ ગયાં. હેઠાં ઊતર્યાં. માંડ્યાં એ તો ઝાડને નવડાવવા ઝરમર..... ઝરમર..... ઝરમર..... ઝરમર..... નદીમાં પાણી, તળાવમાં પાણી, ખેતરમાં પાણી. બધે પાણી, બધે આનંદ. આમ ને આમ વ૨સો વીતવા માંડ્યાં. વરસોવરસ વાદળાં ઝાડની સુગંધ વરતીને આવે. વરસે. બસ, વાદળ રાજી. ઝાડ રાજી. માણસ રાજી. વ૨સોથી ઊભેલા એક ઝાડને એક દિ’ જરા ફરવાનું મન થયું. પગ ઉપાડ્યા પણ ઊપડ્યા નહીં ! ઊભા ઊભા પગનાં તો થઈ ગયેલાં મૂળિયાં ને ચસોચસ ચોંટી ગયેલાં એ તો જમીનમાં. એણે બીજા ઝાડને આ તકલીફની વાત કરી. એનેય પગ નહીં ને મૂળિયાં ! ઝાડે એક-બીજાને કહ્યું ને જોયું તો પગ ગયા ને ભાઈ, મૂળિયાં થયાં ! હવે તો ઝાડથી હલાય કે ચલાય નહીં. ઊભાં જ ઊભાં. તડકામાં ઊભે. ટાઢમાં ઊભે. વ૨સાદમાં ઊભે. માણસના ભલા સારુ ઊભે. પહેલાંના જમાનામાં તો ઝાડ ચાલતાં-દોડતાં ને ઊડતાં ! હવે તો ઊભા ઊભા આપે સુગંધ ને લાવે વાદળાં ને અપાવે વરસાદ. ઝાડ ને માણસ : પાકા ભાઈબંધ !