ગુજરાતી બાળવાર્તા સંપદા/ડોસીમાની રોટલી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ડોસીમાની રોટલી

શ્રદ્ધા ત્રિવેદી

એક હતું શહેર. એ શહેરમાં એક પોળ. એની એક ગલીમાં એક ડાઘિયો કૂતરો, કૂતરી અને ચાર સરસ કુરકુરિયાં રહે. એ ગલીનાં નાનાંનાનાં છોકરાંઓ તો આખો દહાડો કુરકુરિયાંને રમાડે. કૂતરો અને કૂતરી આજુબાજુથી જે કાંઈ મળે તે લાવે. પોતે ખાય અને થોડું થોડું કુરકુરિયાંને આપે. છોકરાંઓ પણ દૂધ-રોટલી લાવે ને પેલાં કુરકુરિયાંને ખવડાવે. એ ગલીમાં એક ડોસીમા રહે. તે બહુ ધાર્મિક. એક ગાય રોજ એમના ઘર પાસે આવે. ગાય આવે ને ભાંભરે એટલે ડોસીમા રોટલીઓ લઈને આવે. બે રોટલી ગાયના મોંમાં મૂકે ને બે પેલાં કૂતરા-કૂતરીને આપે. રોટલી ખાઈને ગાય તો પૂંછડું હલાવતી હલાવતી જાય. રોજ રોજ આમ થતું જોઈને, એક દિવસ પેલી કૂતરીને થયું, આ ગાય જો અહીં ના આવે તો એના ભાગનું ખાવાનું આપણને મળે ને ? એટલે એણે કૂતરાને કહ્યું : ‘ડાઘિયારાજ ઓ ડાઘિયારાજ, ગાયને કાઢવા કરો કોઈ કાજ.’ ડાઘિયાને ગળે વાત ઉતારી કે જો ગાય ન આવે તો તેના ભાગનું ખાવાનું આપણને મળે. ડાઘિયાને તો વાત ખૂબ ગમી. એટલે તે પોળમાં જે બીજાં કૂતરાંઓ હતાં તેમને મળવા ગયો. બધાંને ભેગાં કર્યાં; અને કહ્યું, ‘જુઓ, આપણી પોળમાં એક ગાય આવે છે. એ જો આવતી બંધ થાય તો તેના ભાગનું ખાવાનું આપણને મળે.’ બધાં કૂતરાંઓને વાત સાચી લાગી. બધાંએ ભેગાં થઈને નક્કી કર્યું કે કાલે ગાય આવે એટલે આપણે ભેગાં થઈ એકસાથે ભસીશું. બીજે દિવસે ગાય જ્યાં પોળમાં દાખલ થઈ કે તરત બધાં કૂતરાં એકસાથે ભસવા માંડ્યાં. હેરાન થતી થતી ગાય તો પછી ગઈ. એક, બે ને ત્રણ દિવસ થયા. ગાય આવે એટલે કૂતરાંઓ ભસે ને ગાયને પાછી કાઢે. કૂતરી તો ખૂબ ખુશ ખુશ થઈ ગઈ. ‘વાહ રે વાહ મારા ડાઘિયારાજ કરી કમાલ ને થયું કાજ.’ આ જોઈ પેલાં ડોસીમા તો રોજ અકળાય. કેમ ગાય આવતી નહીં હોય ? તેમણે પોળમાં તપાસ કરી, તો ખબર પડી કે કૂતરાંઓ ભસી ભસીને ગાયને આવવા દેતાં નથી. બપોરે બધાં ભેગાં થયાં. ડોસીમા તો બહુ અકળાયેલાં : ‘મારા ભગવાને કહ્યું છે કે રોજ ગાય અને કૂતરાંને ખાવાનું આપવું આ મૂઆં કૂતરાંઓએ તો મારી ગાયને આવતી બંધ કરી. મને તો આ કૂતરાંઓ પર બહુ ખીજ ચડે છે.’ બીજાં બધાં બૈરાંઓ બેઠેલાં તે પણ કહે, ‘માજી, ગાય નથી આવતી એનું તો અમનેય દુઃખ થાય છે.’ પછી બધાંએ ભેગાં થઈને નક્કી કર્યું કે આપણે આ કૂતરાંઓને જ ખાવાનું ન આપીએ તો કેવું ? છીંકણીનો એક સડકો લગાવ્યો ને ડોસીમા બોલ્યાં, ‘હા બરોબર. એ જ લાગનાં છે આ કૂતરાંઓ. આપણે એમને બરોબરનો પાઠ ભણાવીએ. બસ, કાલથી કોઈએ કંઈ જ ખાવાનું નાંખવું નહીં.’ કૂતરી બાજુમાં બેઠી બેઠી બધું સાંભળતી હતી. સાંજ પડી. કુરકુરિયાં તો રડવા માંડ્યાં. નાનાં નાનાં છોકરાંઓ તો તેમને માટે દૂધ લેવા ઘેર ગયાં. છોકરાંઓની માઓ વારાફરતી આવે ને કુરકુરિયાંને દૂધ-રોટલી ખવડાવે. પણ કૂતરો કે કૂતરીને કંઈ ખાવા ન આપે. એક રાત તો તેમણે ભૂખી કાઢી. બીજો દહાડો થયો. કોઈ કંઈ આપે જ નહીં ને ! પછી તો કૂતરીથી ભૂખ વેઠી ગઈ નહીં. એટલે એણે કૂતરાને કહ્યું : ‘ડાઘિયારાજ ઓ ડાઘિયારાજ, ભૂખથી ભાંગે મારાં હાડ.’ સાંભળી કૂતરો કહે : ‘તમે કહ્યાં તે કર્યાં કાજ, હવે સૂઝે ન કોઈ ઇલાજ.’ એમ બે, ત્રણ ને ચાર દિવસ થયા એટલે કૂતરો-કૂતરી તો હારી ગયાં. બધાં કૂતરાંઓને પણ સમજાઈ ગયું કે ગાય નહીં આવે તો ખાવાનું નહીં મળે. માટે ગાયને તો આવવા જ દેવી પડશે. થોડી વાર થઈ એટલે ગાય આવી. આજે તો એકેય કૂતરું ભસ્યું નહીં. એટલે ગાય તો ડોસીમાના ઘરે જઈને ભાંભરી. ડોસીમા તો ગાયને ભાંભરતી સાંભળીને ખુશ ખુશ થઈ ગયાં. ઝટ ઝટ એ તો રોટલી લઈને ગયાં. ગાયના મોંમાં મૂકી. ગાય પણ રાજી ને ડોસીમાય રાજી. પછી તો ડોસીમાએ ઘરમાં એક તૂટેલી કોઠી હતી, તેની નીચેનો જે ભાગ હતો તેમાંથી સરસ ચાટ બનાવી. બધાંએ થોડું થોડું ખાવાનું ભેગું કર્યું ને તેમાં નાંખ્યું. ગાયમાતા તો પોતાનું ખાઈને ડોલતાં ડોલતાં પાછાં ગયાં. કૂતરાંઓએ સંપીને પેલી ચાટમાંથી ખાધું. ત્યાર પછી કોઈ દિવસ પેલાં કૂતરાંઓએ ગાયને રોકી નહીં. પોળના લોકો થોડું ગાયને આપે ને થોડું કૂતરાંઓને આપે. બધાં આનંદથી ખાય. એટલે કૂતરી બોલી : ‘ડાઘિયારાજ મારા ડાઘિયારાજ, સંપથી થયે સહુનાં કાજ.’