ગુજરાતી બાળવાર્તા સંપદા/દામોદર મોચી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
દામોદર મોચી

મધુસૂદન પારેખ

એક મંદિરની પાસે ઝાડ હતું. એ ઝાડ નીચે દામોદર મોચી એના બાદશાહી ઠાઠ સાથે રોજ સવારે આઠ વાગ્યાથી નિયમિત રીતે બેસતો. એના ઠાઠમાઠમાં એક કટાઈ ગયેલા પતરાની પેટી, પેટીમાં ચામડાના ટુકડા, રાંપી, હથોડી અને જોડા સીવવા માટે જાડો દોરો અને સોયો. પાસે ચામડું બોળવા મટે પાણી ભરેલું ડબલું પડ્યું હોય. અને જોડા સીવવા માટે પરચૂરણ ચીજવસ્તુ - નાની ખીલીઓ વગેરે પતરાના ડબલામાં પડ્યું હોય. દામોદર મોચી સવારના આઠ વાગે આવીને પહેલાં તો ઝાડને અને પછી એની કટાઈ ગયેલી પેટીને પગે લાગે. ઝાડ એને વિસામો આપે એટલે એને તો હાથ જોડવા જ પડે અને પતરાની પેટીથી તો એનો રોજેરોજનો રોટલો નીકળે. ઝાડ અને પેટીને પગે લાગ્યા પછી દામોદર નિરાંતથી બેસે અને અડધો કપ કડક મીઠી ચા પીએ. ચા પીધા પછી એનામાં તેજી આવે અને એનું જોડા સીવવાનું કામકાજ શરૂ થાય. દામોદર મોચી જ્યાં બેસતો ત્યાં એની બાજુમાં જ મંદિર હતું. પણ એ દર્શન કરવા જતો નહિ. એ કહેતો કે મને તો આ ઝાડમાં અને મારી પેટીમાં જ ભગવાનનાં દર્શન થઈ જાય છે. દામોદરને ત્યાં કોઈ જોડાની પટ્ટી સમી કરાવવા, કોઈ બૂટ પાલિશ કરાવવા, કે જોડામાં નવું તળિયું નખાવવા આવ્યા જ કરે. અને દામોદરનો ભાવ વાજબી. કોઈને છેતરવાની કે વધારે પૈસા પડાવવાની દાનત જ નહિ. એને મનમાં એવું કે મફતનો પૈસો મુસીબત લાવે. એ સંતોષી હતો. એ કહેતો કે મારે બે રોટલા ને મીઠું કે છાશ જોઈએ, ને બે રોટલા મારી ઘરવાળીના. પછી વધારે પૈસાની જરૂર શી ? લાખો રૂપિયા કમાનાર પણ એટલું જ ખાઈ શકે ને ! પેટપૂરતું ભોજન મળે પછી વધારેની જરૂર શી ? એક વાર દામોદર મોચી સાંજે એની દુકાન બંધ કરીને ઘેર જતો હતો. એની દુકાન એટલે ? પતરાની પેટી અને ડબલું. એ પેટી બંધ કરે એટલે દુકાન બંધ થઈ ગઈ. પેટીનેય એ ઝાડ નીચે ખૂણામાં જ મૂકી રાખે. એવી તૂટીફૂટી પેટી કોણ ચોરી જવાનું હતું ? દામોદર મોચી સાંજે ઘેર જવા નીકળ્યો... ભજન ગાતો જાય અને આનંદથી ચાલતો જાય. એને ભજન ગાવામાં જે આનંદ મળતો તેવો આનંદ ભોજનમાંય મળતો નહોતો. રસ્તે ચાલતાં અચાનક એની નજર ધૂળમાં દટાયેલી એક જણસ ઉપર પડી. એણે ધૂળ ખસેડી તો કોઈની હીરાજડિત બંગડી હતી. દામોદરે તે હાથમાં લીધી. એને થયું કે કોઈક બહેનના હાથમાંથી એ સરકી ગઈ હશે. પણ એ બહેનને ક્યાં શોધવાં ! દામોદર બંગડી લઈને ઘેર આવ્યો. એની વહુને બંગડી બતાવી. એ બિચારી સાવ ભોળી. એ ગભરાઈ ગઈ. પૂછવા લાગી : ‘આવી મોંઘી જણસ ક્યાંથી લઈ આવ્યા ?’ દામોદર હસ્યો : ‘ગભરાઈશ નહિ. ચોરી કરીને નથી લાવ્યો. મને ઘેર આવતાં રસ્તામાંથી જડી, ધૂળમાં ઢંકાયેલી હતી. મેં ઉપાડી લીધી ને ઘેર આવ્યો.’ ‘પણ એનું કરીશું શું ? રાખીશું ક્યાં ?’ - દામોદરની વહુ શાંતાએ ચિંતાથી પૂછ્યું. ‘હુંય એની જ ચિંતા કરું છું. બંગડી લાવતાં તો લઈ આવ્યો, પણ ઘરમાં એને સાચવવવી ક્યાં ? કાલે મંદિર જઈશ... તપાસ કરીશ... કોઈ બહેન કદાચ બંગડીની શોધ કરતાં હોય.’ દામોદરે સાચવીને બંગડી એક લોટા નીચે મૂકી. શાંતાને ચિંતા થઈ કે ઉંદરડા કદાચ લોટો ગબડાવી મૂકશે એટલે એણે લોટા નીચેથી બંગડી કાઢીને તપેલી નીચે મૂકી. રાતે દામોદર ઊંઘી શક્યો નહિ. સહેજ ખખડાટ થાય એટલે ઊંઘ ભાગી જાય. મોચી ઊભો થઈ જાય. મોચીની વહુ શાંતાય ઝબકીને જાગી જાય. કદાચ કોઈ ચોર આવ્યા હોય તો ? બંગડી ચોરી જાય તો ? આખી રાત ઘડીમાં મોચી સફાળો ઊભો થઈ જાય, ઘડીમાં એની વહુ શાંતા જાગી જાય. પરોઢિયે બંને સાથે જ જાગી ગયાં. ઊઠીને પહેલી તપાસ બંગડીની કરી. સવારે ઊઠીને ભજન ગાવાનુંય એ બંગડીની ચિંતામાં ભૂલી ગયો. બંગડી સલામત હતી. મોચીનો અને શાંતાનો જીવ હેઠો બેઠો. દામોદર કહે : ‘હું વળી આ હીરામોતીની માયા ક્યાં ઉપાડી લાવ્યો ? બળી એ માયા. એણે તો મારા ભગવાનનેય ભુલાવી દીધા.’ દામોદરે ચિંતામાં ને ચિંતામાં વહેલી સવારનો સમય વિતાવ્યો. હીરા જડેલી બંગડીનું હવે શું કરવું તેની તેને ભારે મૂંઝવણ થવા લાગી. એક વિચાર તો તેને એવોય આવી ગયો કે લાવ બંગડીને નદીમાં જ નાખી આવું, કે પછી નિરાંત. પણ તેનો જીવ ચાલ્યો નહિ. કદાચ એ બંગડીનાં માલિક બહેન મળી જાય તો ! દામોદરની મૂંઝવણ જોઈને એની વહુ શાંતાએ તેને કહ્યું : ‘તમે મંદિરની બાજુમાં પેલી કરિયાણાની દુકાન છે તેના માલિક ગીધુભાઈની સલાહ પૂછોને. ગીધુુભાઈને તો તમે ઓળખો છો.’ દામોદરને એ સલાહ ઠીક લાગી. કોઈ મોટા માણસને પૂછવાથી સારી ને સાચી સલાહ મળે. એ ગીધુભાઈની દુકાને ગયો. એમને પેલી હીરાની બંગડી બતાવીને એ ક્યાંથી કેવી રીતે મળી તેની બધી વાત કરી. અને હવે એ બંગડીનું શું કરવું તેની મૂંઝવણ પણ કહી બતાવી. ગીધુભાઈ હસ્યો : ‘અરે દામોદર, તું તો મૂરખ છે મૂરખ. આવી પચાસ હજારની બંગડી તારા નસીબે તને મળી છે તો તે વેચીને ખાઈ પીને જલસા કર.’ ‘પણ મફત મળેલી બંગડી આપણને સદે ખરી ? આમાં તો ભગવાનના ગુનેગાર થવાય’ દામોદરે પોતાની નીતિ સમજાવી. ગીધુભાઈ કહે : ‘તું તો સાવ અક્કલનો ઓથમીર છે. ભલા માણસ ! તું ક્યાં બંગડી ચોરી કરીને લાવ્યો છે ? તારા નસીબમાં હતી તેથી તને મળી. હવે એ વાતને ચગડોળે ચડાવ્યા વિના બંગડી વેચી નાખ. હું તને દસ હજાર રૂપિયા આપું. મને બંગડી આપી દે.’ મોચીના મનમાં ગડ બેઠી નહિ. એણે કહ્યું : ‘ના, એવી અનીતિ મારે નથી કરવી. આ બંગડી પોલીસને સોંપી દઉં તો કેમ ?’ ગીધુભાઈ કહે : ‘અલ્યા, વગર મફતનો કૂટાઈ મરીશ. પોલીસ તો તને જ ચોર માનશે અને ઝૂડી કાઢશે. જોજે પોલીસ પાસે જતો. એના કરતાં મને તે દસ હજારમાં આપી દે. તું ને હું બે જ જણા આ વાત જાણીએ. લે દસ હજાર રોકડા.’ પણ દામોદરે ના પાડી દીધી : ‘શેઠ, મારે એવો ધંધો નથી કરવો.’ મોચી તો એ દિવસે એની ઝાડ નીચેની દુકાનેય ગયો નહિ. આખો દિવસ તેણે અને તેની વહુએ ચિંતામાં ગાળ્યો. દામોદરને અફસોસ થયો કે નાહક મેં શા માટે ધૂળમાંથી બંગડી ઉપાડી ? ત્યારે આ બધી બબાલ આવીને ! પણ દામોદરને ઘરમાં બેસી રહેવું ગમ્યું નહિ. એટલે બપોર પછી દુકાને ગયો. ત્યાં એનો જૂનો ઘરાક આવ્યો. ચંપલની પટ્ટી તૂટી ગઈ હતી તે સંધાવી. પછી વાતવાતમાં કહ્યું કે દામોદર, એક બહેનની કીમતી બંગડી ખોવાઈ ગઈ છે. શોધી લાવનારને પાંચ હજાર રૂપિયાનું તે બહેન ઇનામ આપશે. જે છાપામાં જાહેરખબર આવી છે. દામોદરની આંખમાં આનંદની ચમક આવી ગઈ. એણે પૂછ્યું : ‘કયા છાપામાં ? મને બતાવો ને !’ પેલો ઘરાક કહે : ‘હું વળી છાપું ક્યાં લેવા જઉં ?’ એમ કહીને પૈસા આપીને ચાલતો થયો. દામોદર એની દુકાન રેઢી મેલીને પાસેની હોટલમાંથી છાપું વાંચી આવ્યો. છાપામાં સરનામું હતું, એટલે તરત એ પેલાં બહેનને બંગલે બંગડી લઈને પહોંચી ગયો. બંગલાના ચોકીદારે તેના દીદાર જોઈને તેને પેસવા જ ના દીધો. પણ એણે કહ્યું : ‘મારે શેઠાણીને એમની બંગડી સોંપવી છે.’ એટલે ચોકીદારની આંખમાં લોભ-લાલચની ચમક આવી. તેણે કહ્યું : ‘તને જે ઇનામ મળે તેનો અડધો ભાગ તું મને આપે તો તને અંદર પેસવા દઉં.’ દામોદર કહે : ‘મારે ક્યાં ઇનામ જોઈએ છે ? હું તો આ બંગડીની બબાલમાંથી છૂટું એટલે બસ.’ એટલામાં શેઠાણીની ગાડી બહાર જવા નીકળી. દામોદર તેમની ગાડી પાસે દોડ્યો અને બંગડી બતાવી. શેઠાણીએ ગાડી એકદમ રોકી. એ પાછાં બંગલામાં ગયાં, મોચીનેય સાથે લીધો. મોચીએ બંગડી કેવી રીતે મળી તેની વાત કરી. શેઠાણી ખુશ થઈ ગયાં. દામોદરને તેમણે દસ હજાર રૂપિયાનું ઇનામ આપવા માંડ્યું. દામોદર મૂંઝાઈ ગયો : ‘મોટીબેન, હું ઇનામની લાલચે નથી આવ્યો. મને તો બંગડીનો મગજમાં ભાર લાગતો હતો. ભગવાને તમારો મેળાપ કરી આપ્યો.’ શેઠાણી આગ્રહ કરવા લાગ્યાં : ‘હું તને રાજીખુશીથી ઇનામ આપું છું. દસ હજાર તને બહુ કામ લાગશે.’ મોચી કહે : ‘ના...ના... મોટીબેન, દસ હજાર રૂપિયા હું સાચવું ક્યાં ? અમને રાત-દહાડો ચોરની બીક રહે. મારે ઇનામ ના જોઈએ.’ એમ કહેતો એ ચાલતો જ થયો. બીજા દિવસથી દામોદર પાછો એની બાદશાહી ઠાઠવાળી દુકાનમાં ભજનો ગાતો જોડા સીવવાના કામમાં આનંદથી પરોવાઈ ગયો.