ગુજરાતી બાળવાર્તા સંપદા/દીધું એવું લીધું

From Ekatra Wiki
Jump to navigation Jump to search
દીધું એવું લીધું

રમણલાલ ના. શાહ

જૂના જમાનાની વાત. નાનું એવું એક ગામડું. એમાં એક ભરવાડ રહે. ઢોર ઉછેરે. થોડી ખેતીવાડી કરે. એ રીતે પોતાનું અને કુટુંબનું ગુજરાન કરે. એનું નામ ભલો. નામ મજાનું, પણ કામે જરાય ભલો નહિ. એક દહાડો એણે ૧૦ શેર ઘી માય એવો એક મોટો કાળો માટીનો ઘાડવો લીધો. એમાં એણે નવ શેર કાળી માટી ભરી. એની ઉપર તરતનું બનાવેલું ભગરી ભેંસનું તાજું તાવેલું ઘી એક શેર હતું તે રેડ્યું. શિયાળાના દહાડા હતા. કડકડતી ઠંડી પડતી હતી એટલે સવાર લગીમાં તો પથ્થર જેવું ઘી પેલી માટી ઉપર ઠરી ગયું. નકરું ચોખ્ખું ઘી, એટલે સોડમ પણ બહુ સરસ આવે. તળે માટી અને ઉપર ઠરેલું ઘી, એટલે કોઈને જરા સરખી ખબર જ ન પડે કે ઘાડવામાં ઘીના પડ તળે માટી હશે. વહેલે મળસકે ભલો ઘાડવો માથે મૂકી હટાણું કરવા હાલી નીકળ્યો. એના ગામથી થોડાક ગાઉ દૂર એક મોટું શહેર. એ શહેરમાં દર શુક્રવારે ગુજરી ભરાય. ભલાએ આવી રીતે લુચ્ચાઈ કરી ત્રણ-ચાર વખત જુદેજુદે ઠેકાણે ઊભા રહી માટીવાળા ઘીના ગાડવા વેચી, ઘરાકોને છેતરી નગદ નાણાં કરી લીધેલાં. આજે વળી ફળીમાં ફરીને કોઈને ધાપ મારી ઘી વેચી દઈશું એવા વિચારે એ નીકળ્યો.

(૨)

ભલાના જેવું જ એક બીજું ગામ હતું. એમાં એક રમકડાવાળો રહે. એ ખૂબ ઉમદા કિસમનાં રમકડાં બનાવી જાણતો હતો. એનું નામ હતું ભોળો. નામ ભોળો પણ એનાં કામ ભોળાં ન હતાં. એણે એક લાકડાની બહુ જ સુંદર અને આકર્ષક તલવાર બનાવી હતી. એ તલવારને રૂપેરી રંગ એવો લગાડેલો કે એ શુદ્ધ સાચી તલવાર જેવી જ દેખાતી હતી ! એ હતી એક જાતના ખૂબ વજનદાર લાકડાની, એટલે એ સાચા લોઢાની નહિ પણ લાકડાની છે એની વજન ઉપરથી પણ કોઈને ખબર પડે એમ ન હતું. આ તલવાર માટે એણે એક મ્યાન બનાવેલું - એ ખૂબ ઉમદા કાળા મખમલના આવરણથી મઢેલું હતું. તલવારની મૂઠ સાચા લોખંડની હતી. આ તલવાર લઈ શહેરમાં ભોળો એને ખરી તલવાર તરીકે વેચવા માટે નીકળી પડ્યો હતો. રસ્તામાં ભલા અને ભોળાનો મેળાપ થઈ ગયો. બંનેએ પરસ્પર રામ-રામ કર્યા. ક્યાં જાઓ છો - એ એકમેકને પૂછ્યું. ભલાએ ઘી વેચવા જવાની વાત કરી. ભોળાએ તલવાર વેચવા જવાની વાત કરી. ભોળાને એક વિચાર આવ્યો. એ કહે, ‘ભલાભાઈ, તમારું ઘી જરા બતાવો જોઈએ ?’ ભલાએ માથેથી ઘાડવો ઉતારી ઢાંકણ ખોલી ભોળાને ઘી બતાવ્યું. એની શુદ્ધ સુંદર સોડમથી ભોળો ખુશ થઈ ગયો. આંગળી ઘીમાં નાખી ઘી જીભે મૂકી જોયું. દાણાદાર કસદાર ઘીનો સ્વાદ એની જીભે રહી ગયો. જરા હાથના પહોંચા ઉપર ઘસી, સૂંઘી જોયું. સો ટકા ઊંચું ઘી જણાયું. એ કહે : ‘ભાઈ ભલાભાઈ, તમે પેલા વડના ઝાડ આગળ પંખીની પરબડી છે ત્યાં ઘી વેચવા ઊભા રહેવાના છો ને ? જો મારી તલવાર જલદી વેચાઈ જશે તો હું રકમ લઈ ઘીનો ઘાડવો લેવા આવીશ. તમે મને એ વેચાતો આપજો.’ આ બાજુ ભલાની ઇચ્છા પણ પેલી તલવાર લેવાની થઈ હતી. શેર ઘીના બદલામાં આવી એક સુંદર તલવાર મળે તો શું ખોટું ? એણે ભોળાને તલવાર બતાવવા કહ્યું. ભોળો કહે, ‘આ મ્યાનમાંથી બહાર કાઢી તમને બતાવું છું.’ એમ બોલી અર્ધી ઉપરાંત મ્યાનમાંથી કાઢી એણે ભલાને બતાવી, ને પાછી મ્યાનમાં મૂકી રેશમી દોરીથી સજ્જડ બાંધી દીધી. ભોળો કહે, ‘શી વાત કહું, ભલાભાઈ ! અમારા ગામના એક રાજપૂત ખુમાનસિંહની આ તલવાર છે. અસલ શુદ્ધ શીરોહીના સાચા પોલાદની એ બનાવેલી છે. એ તલવાર વતી ખુમાનસિંહજીએ કેટલાંયે ધીંગાણાં ખેલ્યાં હતાં. ઘરડા થઈ એ મરવા પડ્યા ત્યારે હું એમનો મિત્ર હોવાથી મને એ તલવાર એમણે ભેટ આપી હતી. આ તો વખત માઠો આવ્યો એટલે લાચારીથી મારે તલવાર વેચવા જવું પડે છે.’ ભલો કહે : ‘ઘી તમે લઈ જાઓ, અને મને તલવાર આપો તો હું તે એની બદલીમાં લેવા રાજી છું. મારે એક તલવાર જોઈએ છે.’ ભોળો કહે : ‘ભલે; લો આ તલવાર. લાવો તમારું ઘી.’ ભોળાએ તલવારના મ્યાનની મૂઠને તળીએ સીસું ગાળીને ભર્યું હતું. એટલે લોઢાની સાચી તલવાર જેટલું જ બનાવટી તલવારનું વજન થતું હતું. ભલાને જરાયે વહેમ ન ગયો કે આ તલવારમાં કાંઈ બનાવટ છે. ભલો ઘેર ગયો. એની ઘરવાળીએ પૂછ્યું, ‘આ શું લાવ્યા ?’ ‘એ શીરોહીની શુદ્ધ સાચા પોલાદની તલવાર છે. એક શેર ઘીના બદલામાં આવી પાણીદાર તલવાર લઈ આવ્યો ! વેપાર તો આમ થાય, સમજી ગગીની મા !’ ‘મને તલવાર જોવા દો જોઈએ ?’ ભલાની સ્ત્રીએ તલવાર હાથમાં લઈ રેશમી દોરી છોડી મ્યાનમાંથી બહાર કાઢી, લોખંડ કરતાં લાકડું હલકું એ તરત વરતાઈ ગયું. રૂપેરી રંગથી બનાવેલી લાકડાની તલવાર સ્ત્રી વરતી ગઈ. એ હસી પડી ને બોલી ‘શાબાશ ! દીધું એવું લીધું. માટી વેચીને શીરોહીની તલવાર લેવા નીકળીએ તે આવી લાકડાની જ મળે ને ? હશે; મારા ગગાને રમવા કામ લાગશે. આજ પછી આવા લુચ્ચાઈના ધંધા કરવાના બદલે પ્રામાણિકપણે વેપાર કરશો તો એ નાણું ઘરમાં ટકશે ને આપણે બધાં સુખી થઈશું.’