ગુજરાતી બાળવાર્તા સંપદા/દ્રાક્ષ ખૂબ મીઠી છે

From Ekatra Foundation
Jump to navigation Jump to search
‘દ્રાક્ષ ખૂબ મીઠી છે’

જગતમિત્ર

એક હતું જંગલ. જંગલમાં ઘણાં બધાં પશુઓ રહેતાં હતાં. આ જંગલમાં શાણાભાઈ શિયાળ ખરેખર શાણા ગણાતા હતા. એક વાર શાણાભાઈ વહેલી સવારે ફરવા નીકળ્યા હતા. ફરતાં ફરતાં શાણાભાઈને તરસ લાગી. જંગલની બાજુમાં જ એક ખેતર હતું. એ ખેતરમાં દ્રાક્ષનો માંડવો હતો. દ્રાક્ષની સોડમ શાણાભાઈના મોઢામાં પાણી લાવી દેતી હતી. પણ એ પાણી શાણાભાઈની તરસ ઠારે એવું ન હતું. શાણાભાઈએ વિચાર્યું : ‘દ્રાક્ષ ખાવા મળે તો તરસ પણ શાન્ત થાય ને મોં પણ મીઠું થાય.’ પછી શાણાભાઈ દ્રાક્ષના માંડવા પાસે આવ્યા. દ્રાક્ષને જોઈને એમને એમના દાદાની વાત યાદ આવી. એમના દાદા એક વાર દ્રાક્ષ ખાવા ગયા હતા, પણ તે દ્રાક્ષ સુધી પહોંચી શક્યા ન હતા. દાદા એટલે જ કહેતા હતા, ‘દ્રાક્ષ ખૂબ ખાટી છે.’ શાણાભાઈ વિચારવા લાગ્યા, ‘દાદા ખૂબ ભણેલા ન હતા. હું તો ખૂબ ભણેલો છું. વળી હું તો છું એકવીસમી સદીનું શિયાળ. મારે કંઈક નવું જ સાહસ કરવું પડશે.’ પછી શિયાળભાઈ દ્રાક્ષ મેળવવાના ઉપાયો વિચારવા લાગ્યા. અચાનક તેમને એક યુક્તિ મળી ગઈ. ખુશ થઈને તે ખેડૂતની ઝૂંપડી પાસે આવ્યા. ઝૂંપડીની બહા૨ દ્રાક્ષ તોડવાનો વાંસ હતો. ખેડૂત ત્યારે ગામમાં ગયો હતો. લાગ સરસ હતો. શાણાભાઈએ તો મોઢામાં લીધો વાંસ. પછી તે ઝટપટ આવ્યા માંડવા પાસે. પછી તેમણે બે પગે વાંસ પકડીને વાંસની આંકડી વડે ચાર-પાંચ લૂમો નીચે પાડી. ધરાઈને તેમણે દ્રાક્ષ ખાધી. પછી શાણાભાઈ ઘેર જવા નીકળ્યા. રસ્તામાં તેમને એક વરુ સામે મળ્યું. વરુએ પૂછ્યું : ‘શાણાભાઈ, તમે દ્રાક્ષ ખાધી ?’ ‘હોવે’ શાણાભાઈએ જીભને હોઠ પર ફેરવતાં કહ્યું, ‘મેં તો ધરાઈને દ્રાક્ષ ખાધી.’ વરુએ ઠાવકાઈથી પૂછ્યું : ‘ખરેખર ખાધી ? દ્રાક્ષ ખાટી નહોતી ? સાચું કહેજો હોં !’ શાણાભાઈએ નાચતાં ને ગાતાં કહ્યું :

‘મેં તો દ્રાક્ષ દીઠી છે,
દ્રાક્ષ ખૂબ મીઠી છે’

વરુએ કહ્યું : ‘કેટલા કૂદકા લગાવ્યા ?’ શિયાળે કહ્યું : ‘યુક્તિથી બંદા ફાવ્યા !’ વરુ બોલ્યું : ‘શી યુક્તિ કરી હતી ?’ શાણાભાઈ બોલ્યા :

‘લીધી એક આંકડી,
દ્રાક્ષ ખાધી ફાંકડી !’

વરુ સમજ્યું નહીં કે આંકડી એટલે શું. પછી શિયાળભાઈ ગાતા ગાતા ઘેર ગયા.