ગુજરાતી બાળવાર્તા સંપદા/ધરતીનું વાજિંત્ર, સ્વર્ગનું ગાન

ધરતીનું વાજિંત્ર, સ્વર્ગનું ગાન

હરીશ નાયક

એક દિવસ બહાર એક ગાયક આવ્યો. તેના હાથમાં રાવણહથ્થો હતો. એ વાજિંત્ર ઉપર તે મધુરું તાન છેડી સરસ મજાની ગીતકથાઓ કહેતો હતો. બાળકો ટોળે વળ્યાં હતાં. ગાયકની ગાનકથાઓ ખૂટતી જ ન હતી. તેણે સુંદર રાગ આલાપીને વનરાજ ચાવડાની વાત કહી અને સિદ્ધરાજ જયસિંહની વાત કહી, કાદુ મકરાણીની વાત કહી અને રાણી મીનળદેવીની વાત કહી, રા’ખેંગારની વાત કહી અને રા’નવઘણની વાત કહી, જસમા ઓડણની વાત કહી અને શેણી-વિજાણંદની વાત કહી. તેની વાતો ખૂટતી જ ન હતી. જેવી હલકથી તે ગાતો હતો, એવી જ હલકથી રાવણહથ્થો વગાડતો હતો. ગાન અને તાન બંને એવાં એક થઈ જતાં કે સામે દૃશ્યો ખડાં થતાં. વાર્તા ચિત્રપટની જેમ સામે ભજવાતી નજરે પડતી. એકાએક મારી નજર એના રાવણહથ્થા ઉપર પડી. રાવણહથ્થાના ઉપરના ભાગ ઉપર ઘોડાનું મોઢું હતું. એટલે કે ઉપરનો ભાગ ઘોડાના મોઢાના આકારનો હતો. મને કુતૂહલ થયું. મેં પૂછ્યું, ‘કવિરાજ! તમારા આ વાજિંત્રનું મોઢું ઘોડાનું કેમ છે? ઘોડાને અને સંગીતને શું લાગેવળગે?’ ટેંઉં... દેંઉં...! ટેંટુએ... ટેંટુએ...! તેણે રાવણહથ્થાના તાર ઝણઝણાવ્યા. ઘોડાના માથાની આસકા લીધી. આંખ બંધ કરી. તે તેની કોઈ દુનિયામાં ખોવાઈ ગયો. સેંકડો વર્ષો પહેલાંની દુનિયામાં તે ગુમ થઈ ગયો. વાજિંત્રના તાર ઝણઝણતા રહ્યા. ગાયકની બંધ આંખોમાં ચમક વરતાતી ગઈ. ગાયક જાણે સપનામાં ખોવાઈ ગયો હતો, ભૂતકાળમાં અદૃશ્ય થઈ ગયો હતો. સદેહે સ્વર્ગમાં પહોંચી ગયો હતો. તેનું વાજિંત્ર અલૌકિક સંગીત છેડવા લાગ્યું. એક લાંબો દર્દભર્યો રાગ આલાપીને ગાયકે વાત છેડી…

*

સેંકડો વર્ષ પહેલાંની વાત છે. એક ગાયક હતો. નામ તેનું રાવણ. એના ગળામાં સાત રાગણી અને આઠ સૂર બિરાજેલા હતા. આઠ ધૂન અને નવ તાલની સંગીતિકાથી ગળાના તાર ગૂંથાયેલા હતા. દશ કલાક સુધી તે એકધારું ગાઈ શકતો અને અગિયાર દિવસ સુધી તેના સંગીતના જલસા ચાલતા. એનું ગાન સાંભળવા આકાશનાં વાદળો થંભી જતાં, સરિતાનાં નીર રોકાઈ જતાં, પવન ગતિ ભૂલી જતો અને મુસાફરો તો આગળ વધતા જ નહિ. સાચે જ સ્વર્ગીય સંગીતનો એ ગાનારો હતો. પણ હતો એ જાતનો ભરવાડ. પોતાનાં વીસેક ઘેટાં-બકરાં હતાં તે સીમમાં ચારે અને ગુજરાન ચલાવે. બપોરે એનું પશુધણ આરામ કરતું હોય, ત્યારે ગજબની રાગ-રાગણી છેડે. એના સંગીતની તે શું વાત કહું? કહે છે કે કાન દઈને એ ગાન સાંભળવા પર્વતો પોતાનું માથું નજીક લાવતા હતા અને નદી વહેણ બદલતી હતી. આકાશ વધુ નીચે ઝૂકતું હતું અને પૃથ્વી પોતાનું માથું ઊંચકતી હતી. એ રાવણ હતો ગરીબ, પણ હતો ખાનદાનનો દીકરો. પાસ-પડોશમાં એની ખ્યાતિ ભારે. એક દિવસ... ટ્રેઉં... ટ્રેઉં... એક દિવસ એના ગાન-તાનમાં એ ભાન ભૂલ્યો, સમયનું ભાન રહ્યું નહિ. ગાનમાં ને ગાનમાં બપોર વહી ગઈ, સંધ્યા પસાર થઈ ગઈ. રાત્રીનાં અંધારાં ઊતરી આવ્યાં. એકદમ સફાળો જાગી જઈને એ કહે : ‘ચલો ભાંડુરાંઓ, આજે તો ગાન જ ગાન થયું. તમે ચેતવ્યો નહિ અને મને તો ભાન જ શાનું રહે?’ ઝડપથી તે ઘર ભણી જવા લાગ્યો. ત્યારે જ કોઈકના કણસવાનો અવાજ આવ્યો. દયાળુ રાવણનું દયાળુ હૈયું પીગળી ગયું. તે એ દુઃખી સ્વર તરફ ગયો. જઈને જુએ છે તો ઘોડાનું એક બચ્ચું તાજું જ જન્મેલું હશે! રૂપ તો જાણે ચાંદલો જોઈ લો. હા, તે રાતના ચાંદલો ન હતો. આકાશમાંથી જાણે ચાંદલો જ ધરતી પર આવી પડ્યો હતો. રાવણે આજુબાજુ જોયું. ચાંદલાની મા ન હતી. તે આમતેમ ચારો શોધવા ગઈ હશે! રાવણે ચારે બાજુ શોધ કરી. પણ ના, માતા ન મળી. જરૂર બિચારીને કંઈ થઈ ગયું. જરૂર કોઈક જંગલી પશુ… રાવણે હળવે રહીને વછેરાને ઉપાડ્યું. જાણે રેશમનું રૂ... વજન કંઈ જ નહિ. હાથમાં તો જાણે ગલીપચી થાય! ચાંદલાને લઈને એ ગામમાં ગયો. લોકો આવા સુંદર વછેરાને જોવા મળ્યા. પાડોશીઓ કહે : ‘રાવણ! આ ઘોડું નથી, દેવનો દીકરો છે. સાચવીને ઉછેરજે બાપ!’ સાચવીને શું, રાવણ તો દેવની જેમ જ એને નવડાવે, ધોવડાવે, ખવડાવે, પિવડાવે અને સરભરા કરે. પાડોશીઓ પણ એને મદદ કરે. જોતજોતામાં ચાંદલો સોળે કળાએ ખીલી ઊઠ્યો. એવી વિશાળ દેહ ધરી કે ઘોડો હોવા છતાં લોકો કહેવા લાગ્યા, ‘રાવણ! આ તો હથ્થો છે હથ્થો.’ હથ્થો એટલે હાથી. રાવણ તો ચાંદલાને જોઈ જોઈને કાલોઘેલો થઈ જાય. એને જાતજાતનાં ગાન સંભળાવે. પોતાની નવી રાગણી તો સહુ પ્રથમ તેની જ આગળ રજૂ કરે. રાવણનું જીવન આમ ચાંદલામાં અને સંગીતમાં એકાકાર થઈ ગયું. સામે ચાંદલો અને દિલમાં સંગીત, એ જ રાવણનું જીવન. ઈ હીં હીં હીં...! એક વાર મધરાતના ચાંદલો ચીસ પાડી ઊઠ્યો. એની એ ચીસો વધતી જ ગઈ. ચાંદલો વાડામાં જ રહેતો હતો. બીજાં ઘેટાં-બકરાંનો જાણે કે ઉપરી હતો, સંરક્ષક હતો. તેની હણહણાટી વધતી જ ગઈ. રાવણ જાગી ઊઠ્યો. જઈને જોયું તો યુદ્ધ જામ્યું હતું. એક બાજુ ચાંદલો હતો, બીજી બાજુ હતા બે વરુ. વરુ ઘેટાંઓ તરફ આગળ વધતાં હતાં. ચાંદલો તેમને આગળ વધવા દેતો ન હતો. તેમાંથી જામી હતી લડાઈ. વરુઓ તરાપ મારતા હતા, ચાંદલો તેમને એકએક એવી લાત ફટકારતો હતો કે વરુઓ ‘ટેં…’ જ થઈ જાય. રાવણે જોયું તો છક થઈ ગયો. તેનો ચાંદલો હથ્થો ન હતો, સાવજ હતો સાવજ. કોઈ ઘેંટાને ઊની આંચ આવવા દેતો ન હતો. ઊછળીને તેણે ચાંદલા ઉપર બેઠક લીધી અને પછી ફટકારવા માંડ્યા વરુને. રાવણ તથા હથ્થા બંને બેગા થયેલા જોઈ વરુઓ ભાગ્યા. રાવણે ચાંદલાને તેમની પાછળ દોડાવ્યો. જંગલમાં દૂર સુધી વરુઓની પાછળ દોડીને તેમને એવા તો ફટકાર્યા કે બંને શેતાનો લોહી ઓકી ગયા. ચાંદલાના ગળાને ઠપકારીને રાવણ કહે : ‘શાબાશ બાપ! શાબાશ વીર! હવે આ વરુડા તો શું તેના બાપ ઓલ્યા સાવજડાય કદી આ તરફ નહિ ફરકે.’ ત્યાર બાદ તો રાવણ તથા ચાંદલો વધુ એક થઈ ગયા. એક જીવ જ થઈ ગયા. ટેંટુંએ... ટેંટુંએ... એક વાર બાજુના રાજાએ જાહેરાત કરી. એની રૂપરૂપના અંબાર સમી કન્યાને માટે યોગ્ય મુરતિયો મળતો ન હતો. પંડિતો અને પ્રધાનોની સલાહથી રાજાએ એક દોડ યોજી – ઘોડાદોડ. રાજાએ જાહેરાત કરી કે જે એ દોડમાં પહેલું આવશે તેને રાજા રાજકુંવરી પરણાવશે અને મોટું ઇનામ આપશે. સાથીદારો કહેવા લાગ્યા : ‘રાવણ! તું પણ ઊપડી જા દોડમાં. ચાંદલા જેવો ઘોડો દુનિયામાં થયો નથી અને થશે નહિ. ચાંદલો જરૂર જીતી જશે. તારું નસીબ ફરી જશે.’ પણ રાવણ કહે : ‘ભાઈઓ! ધરતી પર રહેવું અને આકાશનાં સમણાં વળી શે જોવાં! હું ભલો, મારો ચાંદલો ભલો અને ગામનું આ પાદર ભલું. અમેય આ સીમના, આ નદીના, આ ઝાડપાનના, આ પવનના, આ આકાશના રાજા જેવા જ છીએ. મન ફાવે ત્યાં ફરીએ છીએ.’ છતાં ગામલોકોએ આગ્રહ કર્યો. કહે : ‘અલ્યા રાવણ! મનોમન જ રાજા થઈને ફરશે કે? કંઈ ગામની દેખભાળનોય ખ્યાલ છે કે નહિ? તું જીતશે તો વળી રાજાની નજર આ ગામ ઉપરેય પડશે. અને થોડા કૂવા-હવાડા થશે, વૈદ વ્યવહાર વધશે, ધર્મશાળાઓ-મંદિરો સ્થપાશે અને પટેલ મુખી કે જમાદાર રહેશે તો ગામેય સચવાશે, ગામની આબરૂય વધશે.’ રાવણ તૈયાર થયો. સાથે ચાંદલાની દોડ જોવા બીજા સાથીદારો પણ ઊપડ્યા. મુકરર સમયે દોડ જામી. શું ઘોડાઓ આવ્યા હતા! કોઈ અરબસ્તાની તો કોઈ ઈરાની, કોઈ પંચકલ્યાણી તો કોઈ કાઠી, કોઈ દક્ષિણી તો કોઈ પશ્ચિમી, કોઈ લંબકર્ણ તો કોઈ લંબમુખ. પણ એ બધામાં ચાંદલો તો હથ્થો જ લાગે. એનો દેખાવ જુદો. એનો રુઆબ જુદો, એની હણહણાટી જુદી. અને... ઉપર બેઠેલો રાવણ તો પાદશાહ જેવો લાગતો હતો પાદશાહ જેવો. ઓલ્યો રાજાય એની આગળ ઝાંખો પડી જતો હતો. ટ્રેઉં... ટ્રેઉં...! ટેંટુંએ... ટેંટુંએ...! ડંકા નિશાન રણક્યાં, ઝાંઝર ઝણક્યાં, ઘોડા હણહણ્યા અને એ દોડ શરૂ થઈ. દબડાક... દબડાક... દબડાક... દબડાક...! જમીન ખોદાઈ જવા લાગી. કાળજાં ધબકવા લાગ્યાં, આકાશ ધ્રૂજવા લાગ્યું. પવન સુસવાટા દેવા લાગ્યો. આખો દિવસ ઘોડા દોડ્યા. ગામ, પાદર, સીમા, જંગલને પૂરાં અગિયાર ચક્કર થયાં. કંઈ કેટલાય ઘોડા તો રસ્તામાં જ આંટી ખાઈ ગયા. કંઈકના ટાંટિયા એકી-બેકી રમી ગયા, તો કંઈકના શ્વાસ અધ્ધર ચડી ગયા. કંઈકના અસવારો ગુલાટ ખાઈ ગયા. તો કંઈકના અસવારો ઘોડા પર જ બેહોશ થઈ ગયા. સાંજ પડી. માત્ર સાત થોડા પાછા ફર્યા. તેમાં રાવણ સહુથી આગળ હતો. જાણે હમણાં જ દોડ શરૂ થઈ હોય એમ ચાંદલો ઊછળી ઊછળીને સહુથી આગળ આવતો હતો. નજીક આવતાં આવતાં તો એ હથ્થો વાદળ જેવડો વિશાળ લાગવા માંડ્યો. પાછળના ઘોડા એટલા પાછળ રહી ગયા કે વાત ન પૂછો. ચાંદલો દોડ જીતી ગયો. રાવણ વિજેતા સાબિત થયો. શાબશ રાવણ! શાબાશ હથ્થા!! શાબાશ રે ચાંદલા શાબશ!!! ટ્રેઉં... ટ્રેઉં...! ટેંટુંએ... ટેંટુંએ...! છાતી કાઢીને રાવણ આગળ વધ્યો. પણ રાજાની નજર તો પેલા ચાંદલા ઉપર હતી. આહ! શું ઘોડો છે. આવો ઘોડો તો રાજાને શોભે. રાજા પાસે આવો ઘોડો હોય તો તે રાજાનોય રાજા લાગે. તેની દાનત ખોરી થઈ. અને જ્યારે તેણે જાણ્યું કે રાવણ એક માત્ર રાવણિયો છે, ઘેટાં-બકરાં ચારનારો છે, ત્યારે તો તેનું મગજ જ ફરી ગયું. તેને થયું કે આવા ઘેટાંચારુને તે વળી રાજકુમારી કોણ આપે? કાગડાના મોઢામાં દહીંથરું અપાય...? રાવણ કહે : ‘રાજા, મારું ઇનામ...?’ રાજા કહે : ‘દશ સોનાના સિક્કા લઈ લે અને ઘોડાને મૂકી ચાલતો થા.’ સાંભળીને તો રાવણ સળગી જ ઊઠ્યો. આવો દગો! આવી બેઈમાની!! આવી લુચ્ચાઈ!!! ઠેઠ રાજાના સિંહાસન સુધી આગળ વધી જઈને તે કહે : ‘રાજા! તું રાજા હોય તો તારા ઘરનો. અને…રાજકુંવરી ભલે બેઠી તારા ઘરમાં. પણ ચાંદલો વેચવા માટે ન હોય! એ તો આ દિલનો ટુકડો છે. તારું સિંહાસન તું આપે તોય ચાંદલો ન આપું. સમજ્યો...?’ રાજાનું આવું અપમાન...!! રાજાએ હુકમ કર્યો : ‘સૈનિકો, એને પાધરો કરો, પૂરો કરો.’ એમ તો રાવણેય સીમાડાઓની હવા ખાધી હતી. કંઈ વાઘ, વરુ અને સાવજો જોડે દાવ ખેલ્યા હતા. એય ગાંજ્યો તો શેનો જાય? ઊછળીને તે કહે : ‘આવી જાઓ!’ રાજાની સામે જ ઘમસાણ યુદ્ધ ચાલ્યું. પણ એ યુદ્ધ શેનું હતું. જુલમ હતો. હત્યા હતી. સેંકડો શસ્ત્રધારી સૈનિકો અને એકલો રાવણ. ઊછળી ઊછળીને તે રાજા પાસે પહોંચી જતો હતો. પણ સૈનિકોએ એવી તો લાઠીઓ ઝીંકી કે બિચારો ત્યાં જ રોટલો થઈ ગયો. ટ્રેઉં... ટ્રેઉં...! ટેંટુંએ... ટેંટુંએ...! બેહોશ અને બેભાન રાવણને તેના સાથીદારો ઉપાડીને ગામ લાવ્યા. ગામમાં તેના પાટાપિંડી અને ઉપચારો શરૂ થયા. બીજી બાજુ રાજાએ ચાંદલાને આંચકી જ લીધો હતો. પંડિતો પાસે તેણે અસવારીનાં મુહૂર્ત જોવડાવ્યાં. એક શુભદિને રાજા મેદાનમાં આવ્યા. ડંકા-નિશાન ગડગડ્યાં. ચોઘડિયાંઓએ રાજાને શુભેચ્છા ઇચ્છી. પંડિતોએ શ્લોકો ઉચ્ચાર્યા. વટથી, ખુમારીથી, ગર્વથી, રોફથી, રાજા ચાંદલા પર સવાર થયા. પણ ચાંદલાને એ શે ગમે! તેની પીઠ ઉપર તો માત્ર રાવણ જ અસવાર થયો હતો. એ પીઠ રાવણની અને રાવણની જ, બીજા કોઈની નહિ. રાજા હોય કે પાદશાહ હોય, તેમા ચાંદલાને શું? તેણે તો માર્યો ઉછાળો. જેવા રાજા બેઠા કે તે વીફર્યો. વાંસ વાંસ જેવડા કૂદકા મારીને તેણે ભાગમદોડ કરી મૂકી. રાજા ક્યાં સુધી ટકી શકે? એક વાર ઊંચે ઊછળેલા ચાંદલા પરથી તેઓ ઊછળ્યા અને ભોંય પર પટકાયા. ઉપરથી ચાંદલાએ એક બે ત્રણ ચાર… એવી તો ખબખબાવીને લાત મારી કે રાજાનો આકાર પડઘમના વાજા જેવો જ થઈ ગયો. બસ, પોતાનું કામ પતાવી ચાંદલાએ દોટ મૂકી. બીજી જ ઘડીએ મોઢામાંથી લોહી નીકળતાં રાજાએ ફરમાન કાઢ્યું : ‘નિમકહરામો! જોઈ શું રહ્યા છો? પકડો એ ઘોડાને પકડીને લાવો મારી પાસે. અને નહિ આવો તો પૂરો કરો એને… એક સામટા સો ઘોડાઓ છૂટ્યા. પણ ક્યાં ચાંદલો અને ક્યાં ટટ્ટુઓ! ક્યાં હથ્થો અને ક્યાં ખચ્ચરો!! ક્યાં તોફાનના પવનની ગતિ અને ક્યાં હાથનો વીંઝણો!!! કોશ ઉપર કોશ અને ગાઉ ઉપર ગાઉ પસાર થવા લાગ્યા, પણ ચાંદલો હાથમાં આવ્યો નહિ. આવે એવી કોઈ આશા દેખાઈ નહિ. ત્યારે સરદારે હુકમ કર્યો : ‘પૂરો કરો એને…!’ એક સામટાં સેંકડો તીરો સનનન કરતાં છૂટ્યાં. છૂટ્યાં અને છૂટતાં જ રહ્યાં. ચાંદલાના અંગેઅંગમાં એકએક તીર ખૂંપી ગયું. લોહીના તો ફુવારા ઊડવા લાગ્યા. આંખે તમ્મર આવવા લાગ્યાં અને દૃષ્ટિ બુઝાઈ જવા લાગી. સૈનિકોને લાગ્યું કે પોતાનું કામ પતી ગયું છે. તેઓ પાછા ફર્યા પણ ચાંદલો ઘવાયેલી હાલતમાં આગળ વધ્યો. ગામ હજી દોઢ કોશ દૂર હતું. પડતો ધ્રૂજતો, લથડિયાં ખાતો ચાંદલો આગળ વધતો જ રહ્યો. વચમાં વચમાં ઊઘડી જતી આંખો રાવણને શોધતી હતી. તેના વધી ગયેલા ધબકારા ‘રાવણ રાવણ’ શબ્દો બોલતા ધબકતા હતા. અને દૂરથી કોઈકે ચાંદલાને આવતો જોયો. પાટાપિંડીમાં લપેટાયેલા જખ્મી રાવણને કાને શબ્દો પડ્યા, ‘ચાંદલો આવ્યો છે ચાંદલો...’ તેનાથી ઊઠી શકાય તેમ ન હતું. તેની દશાય અધમૂઈ જ હતી. છતાં તે ઊઠયો. દોડ્યો. તેનો અંતરાત્મા પોકારતો હતો : ‘ચાંદલા... ચાંદલા...’ તે ઠેઠ સુધી પહોંચી શક્યો નહિ. તેની શક્તિ ખૂટી પડી. રસ્તા વચ્ચે જ તે ફસડાઈ પડ્યો. તેના કરતાં ચાંદલાની દશા વધારે ખરાબ હતી. છતાં તે ધીમે ધીમે હળવે રાવણ સુધી આવ્યો… પટકાયો. રાવણના ખોળામાં ચાંદલાનું માથું હતું. તેની ઉઘાડી આંખો રાવણને પ્રેમથી જોતી હતી. જાણે કે કહેતી ન હોય, ‘તું જ મારો રાજા. તું જ મારો બાપ!’ રાવણે તેના માથા પર હાથ ફેરવ્યો અને પછી કલ્પાંત કરતો રડી પડ્યો. કહેવા લાગ્યો : ‘ચાંદલા! બાપ! જોઈએ તો મારો જીવ લે પણ તું જીવતો રહે. મારા કરમનાં ફળ તું શીદને ભોગવે છે? દોડમાં જવાના કોડ મને થયા હતા. મોતની હોડમાં તું ક્યાં આગળ નીકળે છે?’ ટ્રેઉં... ટ્રેઉં...! ટેંટુંએ...! પણ ચાંદલો ન બચ્યો. રાવણનાં બધાં આંસુ ખતમ થઈ ગયાં. આંસુનાં એ અમી ચાંદલાને જીવતો કરી શક્યાં નહિ. અને… જાણે કે રાવણને ખાતર તે મર્યો હોય એમ રાવણ સાજો થવા લાગ્યો, બેઠો થવા લાગ્યો, ઊભો થવા લાગ્યો. પણ શું કરે રાવણ જીવીને! ચાંદલા વગરની જિંદગીનો અર્થ પણ શો? તેનું હૈયું તો ‘ચાંદલો ચાંદલો’ ધબકતું હતું. તેની આંખો તો ચાંદલો અને ચાંદલાને જ નીરખવા ઝંખતી હતી. હા, જે દિવસથી ચાંદલો મરાયો તે દિવસથી રાવણની ઊંઘ હરામ થઈ ગઈ હતી. તેની આંખો મટકુંય મારતી નહિ, તે ગાંડા અને ઘેલા જેવો થઈ ગયો હતો. વારંવાર બાવરો બનીને બૂમ પાડી ઊઠતો હતો : ‘એ આવે ચાંદલો… જુઓ પેલી દિશાએથી… જુઓ કેવો હસે છે.. અરે! એની દોડ તો જુઓ… મને ભેટવા મારો વ્હાલીડો કેવો તેજીલી ગતિએ આવે છે…!’ લોકોને લાગ્યું કે રાવણ જખ્મોમાંથી તો બચી ગયો, પણ ચાંદલાના વિરહમાંથી બચશે નહિ. ચાંદલો ચાંદલો કરતાં તે જરૂર પોતાના પ્રાણ ત્યજી દેશે. ટ્રેઉં... ટ્રેઉં...! ટેંટુંએ... ટેંટુંએ...! સમજો કે જીવ જવાની અણી ઉપર જ હતો, ત્યારે જ એક કૌતુક થયું. એક રાતના રાવણને જરાક ઝોકું આવ્યું હશે. અને…. તેને સપનું આવ્યું. સપનામાં તેને ચાંદલો દેખાયો. ચાંદલો હસીને કહેતો હતો : ‘રાવણ! આમ મારે ખાતર ઉજાગરા શીદને કરે છે? શાને નાહક આંખના દીવામાંથી જિંદગીનું તેલ બાળી નાખે છે? તારી પાસે તો કંઠ છે અને ગાન છે. શા માટે આપણી મૈત્રી અમર કરતો નથી! જા, સમાધિમાંથી મારાં હાડકાંનું એક વાજિંત્ર બનાવ. અને એમાંથી આપણી પશુ–માનવની અલૌકિક દોસ્તીનાં ગાન શરૂ કર. એ રીતે હું આખો વખત તારી પાસે ને પાસે રહીશ. પહેલાં સાંભળતો હતો તેમ તારાં ગાન પણ સાંભળતો રહીશ!’ સપનું પૂરું થયું. સવાર થાય તે પહેલાં જ રાવણ ઊઠ્યો, ચાંદલાની સમાધિ ખોદી કાઢી. તેમાંથી હાડકાં કાઢ્યાં. કેશવાળી તથા પૂંછડીના તાર કાઢ્યા. સાફસૂફ કરી એમાંથી એક વાજિંત્ર બનાવ્યું. જેનું મોઢું, એટલે કે ઉપરનો ભાગ રાવણે ઘોડાના આકારનો જ બનાવ્યો, જેના વાળ ચાંદલાના જ હતા. રાવણે એ વાજિંત્રમાંથી સંગીત રેલાવવું શરૂ કર્યું. આહ! શું એ સંગીત હતું! એમાંથી દોસ્તીની અજબ ગાથા વહેતી હતી અને બલિદાનની અમર વાત બહાર આવતી હતી. એમાંથી સ્વર્ગની સુરાવલી ફૂટતી હતી અને પ્રેમની અનોખી કથા પ્રગટ થતી હતી. એવું લાગતું હતું, જાણે ધરતીનો કોઈ વાદક સ્વર્ગમાંથી સંગીત ખેંચીને શ્રોતાને સમક્ષ રજૂ કરી રહ્યો છે. ટ્રેઉં... ટ્રેઉં...! ટેંટુંએ... ટેંટુંએ...! એ વાજિંત્રનું નામ પડ્યું રાવણહથ્થો. કોઈ વળી એને રાવણ-ચાંદો કે રાવણ-ઘોડો પણ કહેતું. વાદક કહે : ‘પછી તો રાવણહથ્થાનાં અનેક રૂપ બદલાયાં. પણ હું મારા વાજિંત્ર પર ચાંદલો જ રાખું છું અને… જ્યારે ઘોડાના આ વાળને રણકાવું છું, ત્યારે મને લાગે છે કે હું જ રાવણ છું.’ ટ્રેઉં... ટ્રેઉં...! ટેંટુંએ... ટેંટુંએ...! કવિરાજ ક્યારે ગયા એનુંય ભાન રહ્યું નહિ. સાંભળવા ભેગા થયેલાં છોકરાંઓની આંખો આંસુથી છલકાઈ ગઈ હતી. મારી આંખોય ભીની હતી. અને… ગાયક પણ પોતાની આંખો બાંહીથી નહોતો લૂછતો શું? બાળમિત્રો! ગાયકે વાર્તા સાચી કહી કે ઉપજાવી કાઢેલી એ હું કહી શકતો નથી. પણ તેણે એવી અસરકારક રીતે કહી હતી કે હવે મને ઠેર ઠેર એ જ સંગીતધ્વનિ સંભળાય છે. હું કોઈક ઘોડો જોઉં છું, તો મને એમાં ચાંદલો જ દેખાય છે. અરે! હવે તો આકાશના ચાંદલામાં પણ મને ઘોડો દેખાવા લાગ્યો છે. ગાયકને મળ્યોનો ઘણો લાંબો સમય પસાર થઈ ગયો. પછી તેનો ક્યારેય ભેટો થયો નથી. હા, હજી એની કથાના રણકા કાનના પડદા ઝણઝણાવ્યા કરે છે. જેવી દશા ચાંદલાના વિરહમાં રાવણની થઈ હતી, તેવી જ દશા ગાયકના વિરહમાં મારી થઈ છે. મને ક્યારેક તો થાય છે કે શું એ જાતે જ તો મૂળ રાવણ નહિ હોય – પેલો સેંકડો વર્ષ પહેલાંનો? આજે ઘણી વાર એ ગાયકની શોધમાં હું નીકળી પડું છું. એને શોધું છુંય ખરો, પણ એ મને મળતો નથી. બાળકો! તમે પણ શોધજો. અને… તમારી નજરે કદીક ઘોડાના મોઢાવાળા વાજિંત્રનો એ વાદક મળી જાય તો એને વાર્તા જરૂર કહેવા કહેશો. એવી તો અસરકારક રીતે એ વાર્તા કહેશે કે તમારાં આંસુ ખૂટી પડશે.