ગુજરાતી બાળવાર્તા સંપદા/પરીબાળની ઝંખના
વિનોદિની નીલકંઠ
મેઘધનુષના સાત રંગથી રંગાયેલું તે એક રઢિયાળું ગામડું હતું. પરવાળાનાં ખડકો ઉપર થઈને રૂમઝૂમ રૂમઝૂમ કરતું એક ઝરણું તે ગામડાના પડખે ઘસાઈને વહી જતું હતું. તે પ્રદેશમાં સતત ઉષાનાં અજવાળાં રહેતાં અને પરોઢની તાજગીભર્યું વાતાવરણ સદા ફેલાયેલું રહેતું. સમસ્ત વનફૂલોથી સુગન્ધિત બનેલો વાયરો ત્યાં હરહંમેશ વીંઝાતો. રંગબેરંગી ફળથી લચી પડતાં સુંદર ઘટાદાર ઝાડના ઝૂંડમાંથી પંખીઓનો મધુરો કલરવ સદા સંભળાયા કરતો. કોઈ સંભાળ ભર્યા ચિતારાએ કાળજીપૂર્વક રંગ પૂર્યા હોય એવા આછી ઘેરી છાયાવાળાં અગણિત સુવાસભર્યા ફૂલોની ત્યાં રેલમછેલ હતી ! આ ગામડામાં માત્ર પરીબાળકો જ વસતાં હતાં. તેમને મનગમતો સરસ ખોરાક ત્યાં મળતો. માર-પીટ શું તે તો તેઓ જાણતાં પણ નહિ - રમતગમત માટે વિશાળ હરિયાળાં મેદાનો હતાં, રમત માટે અસંખ્ય પ્રકારનાં રમકડાં તથા અન્ય સાધનો હતાં. ગામડાની નજીક મીઠાઈની ટેકરીઓ અને દૂધ તથા શરબતની નદીઓ વહી જતી. વાર્તાની ચોપડીઓ અને રમકડાં નીચી ડાળીઓવાળાં ઝાડ ઉપર ઊગતાં. બાળવાચકો આટલું વાંચીને કહેશે, કે આવું તે કદી હોઈ શકે ? આતો માત્ર વાર્તા હશે. ખરું કહ્યું : વળી એટલું પણ યાદ રાખવું પડશે કે ગામડું આપણી પૃથ્વી ઉપર નહિ, પણ પરી પ્રદેશમાં આવેલું છે. આ પરી પ્રદેશના ગામડાની ભાગોળે નારંગી, જાંબુડી, આસમાની અને સફેદ રૂ જેવાં વાદળાંનાં પોચા અને સુંવાળા ડુંગરાઓ ઉપર કેટલાંક પરી-બાળકો સંતાકૂકડી રમતાં હતાં. બીજાં કેટલાંક ઝબૂકતા તારાના દડા બનાવી તે વડે રમી રહ્યાં હતા. દડાની રમત રમતાં એક પરી-બાળકના હાથમાંથી તારક-દડો છટકી ગયો અને પૃથ્વી ઉપર ગબડી પડ્યો. પોતાનો દડો હાથ કરવા તેની પાછળ તે પરી-બાળકે પણ પૃથ્વી ઉપર ભૂસકો માર્યો. કદી પૃથ્વી નહિ દીઠેલી, એટલે તે બાળકને તો બધું નવું નવું જણાયું, ખોવાયેલો દડો પણ શોધતો જાય, અને નવી દુનિયા પણ નિહાળતો જાય. ખેતરો વટાવી તે એક ગામડાની નજીક આવ્યો. બપોરનો વખત હતો. વડનું એક વિશાળ ઝાડ પહોળો છાંયડો પાથરતું ઊભું હતું. વડના લાલચોળ, ટેટા, લીલાં પાંદડાં અને ચોગરદમ ઝૂકીને ભોંયમાં પેઠેલી વડવાઈઓની શોભા તે પરીબાળકને ખૂબ ગમી ગઈ. તે ઝાડના છાયા નીચે તેણે એક અત્યંત નવાઈ ભર્યું કાંઈક જોયું, તે જોવામાં તે એવો તે ગુલતાન બની ગયો કે પોતાના દડાની શોધ કરવાનું પણ તેને ન સૂઝ્યું, પરીપ્રદેશના બાળકે એવું તે શું જોયું ? વડના ઝાડ નીચે પાણીની એક પરબ હતી. મોટાં કાળાં માટલાં અને માજીને ચકચકાટ કરેલાં તેના બુઝારાં; લોટા તથા પવાલાં હારબંધ ગોઠવેલાં હતાં. ત્યાં એક સ્ત્રી બેઠેલી હતી. બે વડવાઈની વચમાં ઝોળી બાંધેલી હતી, અને ઝોળીને એક દોરી બાંધેલી હતી, સ્ત્રી વારંવાર તે દોરી ખેંચતી હતી, એટલે ઝોળી હવામાં ઝૂલતી હતી. પરી-બાળકે પરીઓ જોઈ હતી. પણ આ માનવ-સ્ત્રી કદી જોએલી નહિ. આખું એ દૃશ્ય પરી-બાળક માટે અત્યંત અવનવું હોઈ અનિમેષ નેત્રે તે આ નયનરંજન ચિત્ર નીરખી રહ્યો. થોડીવાર પછી પેલી સ્ત્રી ઊભી થઈ અને ઝોળીમાંથી તેણે બાળકને બહાર કાઢ્યું. માનવ-બાળક પણ આ પરી-બાળકે પહેલી જ વાર દીઠું ! નાનકડા હાથ પગ ઉછાળતું હૃષ્ટપુષ્ટ અંગોવાળું, કાળા વાંકડિયા વાળના ગૂંચળાં, ફૂલ ગુલાબી ગાલ અને લાલચોળ હોઠવાળું તે છોકરું પહેલી જ નજરે પેલા પરી-બાળકને ગમી ગયું. તે નવીન પ્રકારના રમકડાથી રમવાની પરી બાળકને ઇચ્છા થઈ આવી. ત્યાં વળી તેણે કાંઈ નવું જ જોયું - કદી સ્વપ્ને પણ નહિ કલ્પેલું એવું આ શું બની રહ્યું હતું ? પેલી સ્ત્રીએ બાળકને ઊંચકીને છાતી સરસું ચાંપીને, અપાર પ્રેમથી તેને માથે હાથ ફેરવી અને વહાલપૂર્વક તેના ગુલાબી ગાલ ઉપર તેણે ચુંબન કર્યું ! નવા ફૂટેલા, ઝીણા અને ધોળા દૂધ જેવા બે દાંત દેખાડી બાળકે મીઠું સ્મિત કર્યું. આ મૂક અભિનય પરી-બાળકે આશ્ચર્ય ભરી આંખે જોયો અને તે જોઈ કોઈ અગમ્ય કારણથી તેના હૃદય ઉપર વિષાદ અને અસંતોષનું આવરણ ફરી વળ્યું. ગુમાવેલો દડો શોધવાનું પણ ભૂલી જઈ તે પરીપ્રદેશ ભણી પાછો ફર્યો. મેઘધનુષની સીડી ઉપર થઈને તે પોતાના ગામડામાં પહોંચી ગયો. ગમગીનીમાં ડૂબી ગએલા એના ચિત્તનો ખળભળાટ શાંત થયો ન હતો. તેના દિલનું દર્દ જાણવા અને ટાળવા સર્વ પરી-બાળકોએ પ્રયત્ન કર્યો, પણ વૃથા ! નજીકનાં ગામડાંઓમાંથી હસતી, ગાતી અને નાચતી પરીઓ આવી. તેમણે પણ આ પરી-બાળની ગમગીની હઠાવવા ખૂબ પ્રયાસ કર્યો. પોતાના મનને પહેલાં જેવું પ્રફુલ્લિત બનાવવા બાળકે પોતે પણ બહુ પ્રયત્ન કર્યો, પણ તેને સફળતા ન મળી. છેવટ પરીઓની રાણીને કાને આ પરી-બાળની ગમગીનીની વાત પહોંચી. ચંપાના ફૂલના રથમાં બેસીને પરીઓની રાણી બાળકોના ગામડાંમાં આવી પહોંચી. અદ્ભુત સુંદર રંગભરી પાંખોવાળાં પતંગિયાં, તે રાણીના રથને જોડાયેલા હતાં. નમણી ને નાજુક પરીઓનું એક ઝૂમખું રાણીના રથના આગળ રાસ રમતું ઘૂમતું હતું. રાણી રથમાંથી ઊતરી પરી-બાળકની પાસે આવી. બાળકના દિલમાં વ્યાપેલા અસંતોષનું કારણ જાણવા તેણે બધી હકીકત વિગતવાર પૂછી. ગૂંચવાયેલા અને મૂંઝાયેલા બાળકે પોતે પૃથ્વી ઉપર જોએલા દૃશ્યની હકીકત કહી સંભળાવી અને તે જોયા પછી પોતાના દિલમાં વેદના થયા કરતી હતી તે પણ તેણે જણાવ્યું. પરીની રાણી સમજી શકી કે બાળકના હૃદયમાં માતૃપ્રેમની ઝંખના જાગી હતી અને તેથી તે વિહ્વળ તથા ગમગીન બની ગયો હતો. પરી-પ્રદેશમાં પણ એક મોટી ઊણપ ત્યાં હતી. બાળકો માટે બધું હતું ત્યાં માતાઓ ન હતી. પરીઓની રાણીએ પેલા પરી-બાળને આશ્વાસન આપ્યું. તેની ગમગીનીનું કારણ પણ સમજાવ્યું અને માનવ-બાળક તરીકે પૃથ્વી ઉપર અવતરવાની તેને પરવાનગી આપી. પરી-પ્રદેશમાં ઊતરી આવીને કોઈ વહાલસોઈ માતાની હુંફાળી ગોદમાં તે પરી-બાળ લપાઈ ગયો.