ગુજરાતી બાળવાર્તા સંપદા/પશુઓની નગરયાત્રા

પશુઓની નગરયાત્રા

સુશીલા ઝવેરી

એક દિવસ જંગલથી કંટાળી જઈ બધાંય વનચરો વનમાં રહેનારાં પશુ-પક્ષી, સિંહ, વાઘ, સસલાં, શિયાળ, હરણ, સાબર, સાપ, અજગર ને અન્ય પાર વગરનાં પશુ-પક્ષીઓ સ્થાનફેર માટે નગરમાં નીકળી પડ્યાં. બધાં એક ને એક જગ્યાએ રહીને કંટાળી ગયાં હતાં. શહેરને જોઈને એમને થયું કે આ કોઈ નવા પ્રકારનું અરણ્ય યાને જંગલ હશે. જંગલમાં જંગલી પશુની હડફેટે આવી ન જવાય એથી માણસ ડરીને ચાલે એમ તેઓ બિચારાં પણ માનવી નામના પશુથી ડરીને ચાલતાં હતાં. રસ્તામાં એક દુકાનમાં વાઘના બચ્ચાએ ચટાપટાવાળા વાઘના બચ્ચાને જોયું. એણે હઠ કરી કે મારે ભઈ સાથે રમવું છે. વાઘણે દબડાવ્યો. રસ્તામાં જે તે માંગવાનું નહીં ! છતાં વાઘનું બચ્ચું માથી છટકીને દોડી ગયું અને વાઘના આ બચ્ચાને જોતાં જ દુકાનદાર ગભરાઈ ગયો અને એકદમ ઊભો થઈ નાસવા માટે કૂદ્યો. ત્યાં ફૂટપાથ પર પાનવાળો હતો એના થાળા પર જઈ પડ્યો. તેમાંથી કાથો-ચૂનો ઢોળાયો એનાં કપડાં ને મોં ચીતરાઈ ગયાં. એ જોવાની વાઘના બચ્ચાને બહુ મઝા આવી. પણ પછી તો દુકાનવાળા વાઘના બચ્ચાને મળ્યા વિના જ મા પાસે પહોંચી ગયું. સિંહના બચ્ચાને પણ મન તો થઈ ગયું પણ વાઘના બચ્ચાને જોઈ જરા રોકાઈ ગયું, વળી જરા વાર રહીને થયું કે લાવને પહોંચી જાઉં ! અને તરત જ દોડી ગયું. સિંહના બચ્ચાને જોઈ દુકાનદાર એવો ગભરાયો કે કૂદકો મારતોક ને પડ્યો બાજુના રંગરેજના પીપમાં. કપડાં સાથે આખોય રંગાઈ ગયો. એને મહામુસીબતે લોકોએ બહાર કાઢ્યો. સિંહના બચ્ચાને તો શું મઝા પડી ! આ ધમાલ જોઈ ચુપચાપ સિંહણ પાસે એ દોડી ગયું. સસલાભાઈ તો જુદી ટોળીમાં હતા. એમને કંઈ આ વાતની ખબર ન હતી. એણે તો દુકાનમાં દોરી પર લટકતું પોતાનું જાતભાઈ સસલું જોયું. થયું લાવને મળી આવું. શિયાળભાઈ એનું જોડીદાર. એણે ઘણીયે ના પાડી પણ માને તો ને ! આમ કાંઈ શિયાળભાઈ સારા મિત્ર તો નહોતા જ. પણ પારકા પરદેશમાં તો રાખરખાપત એટલે એકબીજાનું રાખી રહેવાની વૃત્તિ બધાંમાં જ હોય. સસલાની દોડ તો કેવી હોય ? એ તો દોડતુંક ને દુકાન પાસે જઈ ઊભું રહ્યું. દુકાનદારની દીકરી તેને જોઈને એવી ખુશ થઈ ગઈ કે સસલું પોતાને જોઈએ છે, એવી હઠ લીધી. સસલું તો પકડાઈ ગયું. બહુ વાર સુધી સસલું ન આવ્યું એટલે શિયાળભાઈને થયું કે ક્યાંક મુશ્કેલી હશે. એણે સસલાને બોલાવવા તરકીબ કરી. દૂર જઈને રડવા લાગ્યું. શહેરમાં રડતું શિયાળ સાંભળવા કાં મળે ? દુકાનદારે ગામડામાં તો શિયાળની લાળી સાંભળેલી. પણ શહેરમાં એને નવાઈ લાગી. અવાજની દિશામાં કુતૂહલથી જોવા જતાં સસલાભાઈ છટકી ગયા ને શિયાળ એની સાથે થઈ ગયું. દુકાનદારની દીકરી રડતી રહી. એક દુકાનમાં રબરના સાપ લટકતા હતા. સાપના બચ્ચાનેય એની સાથે રમવાનું મન થયું. સાપણે ઘણી ના પાડી. પણ માનું કહ્યું માને કોણ ? એ તો છટકીને નાઠું. દુકાનદારના હાથમાં ગરમ ગરમ ચાનો કપ હતો. ખોળામાં છોકરો આઇસક્રીમ ખાતો હતો. સાપ જોઈને દુકાનદાર ગભરાઈ ગયો. ગરમાગરમ ચા છોકરાના પગ પર ઢોળાઈ ને હાથમાંથી આઇસક્રીમની ડિશ ઊછળી. છોકરો દાઝ્યો ને આઇસ્ક્રીમ બાપ-દીકરાના મોં પર ચીતરાઈ ગયો. એ બંને જોકર જેવા લાગતા હતા. વાત એટલેથી થોડી અટકે ! ગભરાટમાં છોકરાને ઊંચકીને ભાગવા જતાં ઠોકર ખાધી. બંને પડ્યા. બાપનો પગ ભાંગ્યો ને દીકરાનું માથું. આ બધી ધમાલ જોઈ લોકો પૂછવા લાગ્યા-શું છે ? શું છે ? પણ દુકાનદાર તો બાઘો બન્યો, કારણ સાપોલિયું તો સરકી ગયું હતું. નગરની પાસે જંગલની વસતી તો કોઈ હિસાબમાં નહોતી. જ્યાં જુઓ ત્યાં માનવીનાં ટોળેટોળાં ટોળેટોળાં. સૌ પહેલાં સિંહની નજર પુરપાટ દોડતી મોટર પર પડી. એ તો એકદમ ડઘાઈ જ ગયો. વિચારવા લાગ્યો કે આ કયા પ્રકારના વનરાજ હશે ? શું દોડે છે ? બસને જોઈ એણે બાજુ પર ખસી રસ્તો આપ્યો. બીજું ટોળું આવ્યું. હરણ-સાબર-સસલાં એકદમ ઝડપી ગતિથી દોડતી ઑટોરિક્ષા જોઈ બોલી ઊઠ્યાં અધધધ : શું દોડે છે ! બધાંય ડરીને દૂર ખસી ગયાં. ઘેટાંબકરાં સમજ્યાં કે આ આપણી જાતનાં બહુ મોટાં પ્રાણી હશે. એક મોટું ઘેટું બોલ્યું – એય આઘા ખસો, ક્યાંય કુટાઈ મરશો. પછી તો ફરતાં ફરતાં બધાં ઝૂપડપટ્ટી વિસ્તારમાં જઈ પહોંચ્યાં. ભૂંડણે કહ્યું, ‘જો, જો, આ તો આપણા જેવા જ છે. આપણી જેમ જ જીવે છે. આપણાં છોકરાંની જેમ એનાં છોકરાંય ટોળાંબંધ છે. એય ઉકરડા ચૂંથે છે. છે ને મઝા ? પછી ફરતા ફરતા સાપ ને અજગર રેલવેસ્ટેશને જઈ પહોંચ્યા. એન્જિન જોડેલી ટ્રેન જોઈ અજગરનાં આંખ ને મોં પહોળાં રહી ગયાં. બોલ્યો-બાપ રે શું આનો ફૂંફાડો છે ! આની આગળ આપણો ફૂંફાડો કોઈ વિસાતમાં નહીં. ધુમાડા તો કેવા કાઢે છે ! લોકલ ટ્રેન જોઈ સાપને થયું કે આ કેવડા મોટા આપણી જાતના જીવ છે. આપણે તો કોઈ દી’ મળ્યા જ નથી. આ તો આપણા કરતાંય મોટા છે. પછી હાઉસન થાઉસન પહોંચ્યું ઍરોડ્રોમ. વિમાનઘરને જોઈ પક્ષીઓ અચંબામાં પડી ગયાં. આવડાં મોટાં પક્ષી કોઈ દી’ જોયાં જ નહોતાં. અહીં ન આવ્યાં હોત તો આપણી તો જિંદગી જ નકામી જાત ને ! હે દોસ્ત ! આજેય જંગલ બહાર ન જ નીકળ્યાં હોત તો કેટલું બધું જોયા વિના રહી જાત ! પછી જોયો દરિયો. દરિયો જોઈ પક્ષીઓને થયું કે અહીં તો ઉપર-નીચે બંને બાજુ આકાશ. જંગલમાં તો ઉપર જ દેખાતું હતું. આકાશમાં ઊંચે જોઈને ઊડ્યા કરીએ ત્યાં નીચે આકાશ છે એની ખબર શી રીતે પડે ? એટલામાં દરિયાની બગલાને ખબર હતી. એ બોલ્યું, ‘અરે મૂર્ખાઓ ! આ તો દરિયો છે, દરિયો. આકાશ નહીં. ને દરિયામાં માછલી હોય.’ પછી માછલીની વાત કહેવા લાગ્યો. હું ઊડતાં ઊડતાં ચાંચમાં માછલી પકડી લઉં. ક્યાંક ઊભા રહેવાનું મળે તો આખું ટોળું તરતું હોય એમાંની છેલ્લીને પકડું ને હડપ કરી જાઉં. ત્યારે હંસે હસીને કહ્યું, ‘આ તો પેલા બગભગત.’ બગલાને બધા બગભગત અમથા નથી કહેતા. એક પગે ઊભો રહી છેલ્લી માછલી પકડે. એટલે લેાકોને બતાવે કે પાતે તપ કરે છે ને છેલ્લી માછલી પકડે એટલે માછલીઓને પણ ખબર ન પડે કે આ શિકારી છે. જે માછલી ખાઈ જાય એ તેા કહેવા આવવાની નથી. અંદર અંદર ચાલતી હંસ-હંસીની ગુસપુસ તરફથી લોકોનું ધ્યાન પોતાના તરફ વાળવા એણે મોટે અવાજે કહ્યું : આ પેલી દરિયામાં તરે છે એ હોડી કહેવાય. બધા પૂછવા લાગ્યા કે તને કોણે કહ્યું કે એ હોડી કહેવાય ? એ ખાતી શું હશે ? ત્યાં કાગડાએ ટાપશી પૂરી : અરે હારે હા. એ હોડી જ છે. એમાં ખલાસીઓ રાંધતા હોય ત્યારે તો અમે ઝાપટ મારી ખાવાનું પડાવી લાવીએ. બગલો પેાતાની વાત ભૂલી ગયો ને બોલ્યો, ‘આ સાલા બદમાશ લૂંટારા જોયા ન હોય તેા ! જાણે બહાદુરી કરી હોય એમ હોશિયારી લગાવે છે.’ ત્યાં કાગડા ને બગલો લડી પડ્યા. જીભ સંભાળીને બોલ. અમે લૂંટારા ને તું કોણ ? લૂંટારો તારો બાપ બગભગત ! તારા માનમાં રહે. જો સાચું કહીશું તેા ઝાળ લાગશે. અમે તારા જેવા દંભી નહિ. લુચ્ચો બદમાશ કહીંનેા. બગલાનું મગજ ગયું–‘એમ ! મને લુચ્ચો બદમાશ કહે છે ? ઊભો રહે. આવી જા !’ અને બગલો પાંખ ફેલાવી ધસ્યો. એમાં કબૂતર વચ્ચે પડ્યું. એ બિચારું અહિંસક. એનું ઝાઝું જોર નહિ. એનું કોણ સાંભળે ? પછી તો બન્નેની વચ્ચે ગીધ આવીને ઊભું. ગીધની શેહશરમ પડે. એનું સારું માન પડ્યું. એને લઈને બંને ઢીલા પડી ગયા. એક પત્રકાર છાપા માટે સમાચાર એકઠા કરવા કૅમેરા લઈને નીકળ્યા હતા. તે દિવસે એના દીકરા દિગંતે સાથે આવવાની હઠ કરી. દિગંતને નિશાળમાં રજા હતી. એટલે પપ્પા સાથે ફરવાનો ને પશુઓની નગરયાત્રા જોવાનો એને લહાવો મળ્યો. એ તો ખુશ ખુશ થઈ ગયો. એણે પોતાની ભાષામાં પપ્પાને પોતાનું કૌતુક કહ્યું : પપ્પા, સાંજ–સવારે દરિયામાં પડછાયા ઊડે. પંખીને ન એનું આશ્ચર્ય કે ન એનું ભાન. નજર સીધી લીટીમાં એટલે નીચેનું કંઈ દેખાય જ નહીં, ખરું ને ? એક જંગલમાંથી બીજા જંગલમાં ફર્યાનો વનચરોમાં–વનમાં ફરનારાઓમાં આનંદ વ્યાપી ગયો હતો. દિગંત પપ્પાને કહેતો હતો. ‘પપ્પા, આ વનચરો થોડો સમય શહેરમાં રહે ને શહેરના માણસેા થોડો સમય જંગલમાં રહે તે કેવી મઝા પડે ?’ પપ્પાએ દિગંતની વાત સાંભળી એને ઊંચકી લીધો ને ગાલે પાંચ-દશ બકીઓ કરી. દિગંતને બકીથી ખૂબ ચીડ હતી. પણ આજે એ પપ્પા પર ખુશ હતો. એથી પપ્પા ન જુએ એમ એણે ગાલ લૂછી નાખ્યા ને પપ્પાના વહાલનો જવાબ એક મોટી બકી કરી આપ્યો. પછી દિગંતના પપ્પા બોલ્યા : ‘હા, માણસો થોડા પશુઓ જેવા થતા જાય છે ને પશુઓ માણસ જેવાં.’ જ્યારે પશુઓની નગરયાત્રાના ફોટા છાપામાં છપાયા ત્યારે નિશાળમાં દિગંત દોસ્તોને કહેતો હતો કે આ ફોટા મારા પપ્પાએ પાડ્યા છે ને હું સાથે હતો. દોસ્તારો એની સામે અહોભાવથી જોવા લાગ્યા ને પૂછ્યું : ‘વાઘ-સિંહ–અજગર જોઈને તને બીક ન લાગી ?’ અને દિગંત વાતમાં મસાલો ભેળવી કહેતો : ‘અરે જરા પણ નહીં. ટ્રેનને–બસને જોઈને તે બધાં જ બી ગયાં હતાં.’