ગુજરાતી બાળવાર્તા સંપદા/પાણીનો તોળનારો
નવનીત સેવક
એક રાજાજી. રાજાજી બિચારા ભલાભોળા, રાજકાજ બધું અમલદારો ચલાવે. રાજાજી લહેર કરે. રાજમાં અંધેર ચાલે. રાજા ભોળો હોય ત્યાં રાજમાં અંધેર જ હોય. અમલદારો લહેર કરે. જેને જેમ ફાવે એમ લાંચ લે. કોના બાપની દિવાળી છે? રાજાજીને તો બિચારાને કંઈ ખબર ના પાડે. એક દિવસ રાજાજી શિકાર કરવા નીકળ્યા. એક-બે હરણ-સસલાં માર્યાં એવામાં બપોર થયા. રાજાજી આરામ કરવા એક ઝાડ નીચે સૂઈ ગયા. સૂતા કે આંખ મળી ગઈ. ખરરર... ખર..…નસકોરાં બોલવા લાગ્યાં. રાજાજી ભરઊંઘમાં પડ્યા. બે-ત્રણ કલાક આરામથી ઊંઘ્યા. ઠેઠ સાંજ પડવા આવી ત્યારે જાગ્યા. આંખ ઊઘડી કે એકદમ બેઠા થઈ ગયા. જુએ છે તો ઘોડો ગુમ થઈ ગયેલો. રાજાજી ઊંઘ્યા કે ઘોડાને ચરવાની મજા પડી ગઈ. ઘાસ ચરતો-ચરતો ક્યાંનો ક્યાં જતો રહ્યો. રાજાજી ઘોડાને શોધવા નીકળ્યા. કેટલુંય ચાલ્યા, પણ ઘોડાનો કંઈ પત્તો મળ્યો નહિ. એમ ચાલતાં-ચાલતાં એક ગામ આવ્યું. ગામને પાદર એક કૂવો. કૂવા ઉપર ગામની સ્ત્રીઓ પાણી ભરવા આવે. રાજાજીને તરસ લાગેલી. મનમાં થયું કે લાવ કૂવા ઉપર જઈને થોડું પાણી પીઉં. આમ કરીને રાજાજી કૂવે પહોંચ્યા. પણ ત્યાં તો ભારે નવાઈની વાત દીઠી. જુએ છે તો કૂવાના થાળા ઉપર એક માણસ બેઠો છે. હાથમાં ત્રાજવું રાખ્યું છે. જે કોઈ સ્ત્રી પાણી ભરીને આવે છે એનું વાસણ ત્રાજવામાં મુકાવે છે. વજન કરીને પૈસા લે છે. રાજાજીને નવાઈ લાગી. પેલા માણસ પાસે જઈને રાજાજી કહે : ‘અલ્યા ભાઈ! આ શાનો વેપાર લઈને બેઠો છે?’ પેલો માણસ કહે : ‘વેપાર કેવો ને વાત કેવી? હું તો રાજનો અમલદાર છું. રાજાજીના ખાસ હુકમથી અહીં બેઠો છું.’ એને ખબર નહિ કે પોતે રાજાજી સાથે વાત કરે છે. એ તો ડીંગ હાંકવા લાગ્યો. રાજાજીને નવાઈ લાગી. પોતે આવો કોઈ હુકમ કર્યો નથી કે નથી કોઈ માણસ નીમ્યો. આ તો નવાઈની વાત! રાજાજી કહે : ‘રાજાજીનો શો હુકમ છે?’ પેલો માણસ કહે : ‘આ કૂવેથી જે કોઈ માણસ પાણી ભરી જાય એની પાસેથી પાણીના વજન પ્રમાણે કર લેવાનો રાજાજીનો હુકમ છે. રોજ હું અહીં ત્રાજવાં લઈને બેસું છું, પાણી જોખું છું ને કર ઉઘરાવું છું.’ રાજાજી ગુસ્સે થયા. આવી રીતે સાવ જૂઠું બોલીને કોઈ માણસ કર ઉઘરાવે એ કેમ ચાલે? રાજાજીએ તલવાર કાઢી. પેલાના વાળ પકડીને કહે : ‘હું જ આ રાજનો રાજા છું. સાચેસાચી વાત કહી દે, નહીં તો તારું ડોકું ઉડાવી દઈશ.’ પેલો માણસ હાથ જોડીને કહે : ‘સાચું કહેવામાં વાંધો નથી, પણ સાચી વાત આપને ગમશે નહિ. મારી વાત કારેલા જેવી કડવી છે. આપ મીઠું ખાનાર છો. આપને મારી વાત નહિ ગમે.’ રાજાજી કહે : ‘ગમે તેમ હોય મને કહી દે કે આ શું ધતિંગ છે?’ પેલો કહે : ‘આપને સાંભળવું છે તો કહું છું. અહીં આપના રાજમાં મોટું પોલ છે. ચારે બાજુ અંધેર છે. જેને જે ફાવે એમ રૈયતને લૂંટે છે. આવું જોઈને મને થયું કે વાણિયાનો દીકરો થઈને જો હું આવા અંધેરનો લાભ ના લઉં તો ભોટ ગણાઉં. આવા વિચારથી અહીં પાણી જોખવા બેઠો છું.’ રાજાજી કહે : ‘અમારા રાજમાં અંધેર, એમ?’ વાણિયો કહે : ‘આ મારું ત્રાજવું એનું સાક્ષી છે, મહારાજ. જો અંધેર ના હોત તો અત્યાર સુધી મારું ત્રાજવું ચાલ્યું કેવી રીતે હોત?’ રાજાજી ગુસ્સે થઈને કહે : ‘તારી અને તારા ત્રાજવાની અમે પૂરી કસોટી કરીએ છીએ. ચાલ અમારી સાથે. જો તું કહે છે એમ અમારા રાજમાં અંધેર હોય તો તારે સાબિત કરી આપવું પડશે.’ વાણિયો કહે : ‘ભલે મહારાજ,’ રાજાજી વાણિયાને લઈને પહોંચ્યા એમના રાજમહેલમાં. વાણિયાને કહ્યું : ‘તારું ત્રાજવું લઈને પહોંચી જા રસોડામાં. ત્યાં પડેલી રાખ જોખવાનું કામ અમે તને સોંપીએ છીએ. તું ને તારું ત્રાજવું કેવી કરામત કરો છો એ અમારે જોવું છે.’ વાણિયો કહે : ‘ભલે મહારાજ! આપ કહો છો તો મારે અંધેર સાબિત કરી બતાવવું જ પડશે.’ ત્રાજવાં લઈને વાણિયો પહોંચ્યો રસોડામાં. જઈને સીધો ચૂલામાંની રાખ જોખવા લાગ્યો. રાજકુટુંબના માણસો માટે ઘણા રસોઇયાઓ હતા. અંધેર એવું હતું કે એક માણસ દીઠ એક રસોઇયો પગાર ખાતો હતો. વાણિયાએ રસોડાની રાખ જોખવાનું શરૂ કર્યું એટલે રસોઇયાઓને નવાઈ લાગી. બધા વાણિયાની આસપાસ ટોળે વળી ગયા. એક નોકર કહે : ‘અલ્યા, આ શું કરે છે? રાખ તે વળી જોખાતી હશે?’ વાણિયો કહે : ‘વાતમાં ઊંડો ભેદ છે. ભાઈ, કોઈને કહેવાય એવું નથી.’ વાણિયાએ જેમ જેમ ના પાડવા માંડી એમ વાતનો ભેદ જાણવા માટે રસોઇયાઓએ વધારે આગ્રહ કરવા માંડ્યો. છેવટે વાણિયો કહે : ‘રાજાજીને ખબર પડી ગઈ છે કે રસોડામાં ઘણું અંધેર ચાલે છે. રસોઇયાઓ બધા લાકડાં માટે પૈસા પૂરા લે છે ને વાપરે છે ઓછાં. આવી વાત રાજાજીએ જાણી છે એટલે મને અહીં રાખ જોખવા મોકલ્યો છે.’ રસોઇયાઓ બધા એકબીજાનાં મોં સામે જોવા લાગ્યા. એક રસોઇયો કહે : ‘રાખ જોખીને શું કરવાનું છે?’ વાણિયો કહે : ‘જે ચૂલાની રાખ વજનમાં ઓછી હોય એની નોંધ રાજાજીને આપવાની છે. એ ચૂલા ઉપર રસોઈ કરનારને સજા કરવાનું રાજાજી કહેતા હતા!’ રસોઇયાઓ ગભરાયા! બધા ગઠિયા હતા. લાકડાંના પૈસા ખાઈ જતા હતા. એક રસોઇયો વાણિયાને હાથ જોડીને કહે : ‘ભાઈશાબ, મારી લાજ તમારા હાથમાં છે. હું આ ચૂલા ઉપર રસોઈ કરું છું. એની રાખ ઓછી ઊતરે તો તમે કાગળ ઉપર પૂરી કરી નાખજો. હું તમને રોજ અમુક રકમ આપીશ.’ વાણિયો કહે : ‘ભલે. તારો હિસાબ સરભર કરી દઈશું.’ બીજા રસોઇયાઓ પણ આવી જ રીતે રોજ અમુક રકમ આપવા તૈયાર થયા. એમનો હિસાબ સરભર કરવાનું પણ વાણિયાએ વચન આપ્યું. એક મહિનો પૂરો થયો. રાજાજીએ વાણિયાને બોલાવીને પૂછ્યું : ‘કાં ભાઈ, રાખનો તોલ કેવો ચાલે છે?’ વાણિયો કહે : ‘મહારાજ, તોલનો વેપાર નફામાં ચાલે છે. ગયે મહિને સાતસો રૂપિયા નફો થયો.’ રાજાજીને નવાઈ લાગી. કહે : ‘એ કેવી રીતે?’ વાણિયાએ રાખના તોલની બધી વાત કરી. વાત સાંભળીને રાજાજીએ કાનની બૂટ પકડી લીધી કે રાજમાં ચારે બાજુ અંધેર છે. રાજાજી કહે : ‘તેં મારી આંખો ખોલી નાખી. હવે તું જ મારો પ્રધાન. આવતી કાલથી તને પ્રધાન બનાવ્યાની જાહેરાત કરું છું. તું અંધેર દૂર કરવાના કામે લાગી જજે.’ વાણિયો કહે : ‘ભલે રાજાજી! એક મહિનામાં આપનું રાજ રામરાજ જેવું બનાવી દઉં.’ બીજા દિવસે રાજાજીએ વાણિયાને પ્રધાન બનાવ્યો. વાણિયાએ સડેલા અમલદારોને સજા કરી. એમની જગાએ નવા અમલદારો નીમી દીધા. રાજ બરાબર ચાલવા લાગ્યું.