ગુજરાતી બાળવાર્તા સંપદા/પોપટભાઈ પહાડને પણ છીંક ખવડાવે છે !

From Ekatra Wiki
Jump to navigation Jump to search
પોપટભાઈ પહાડને પણ છીંક ખવડાવે છે !

લાભશંકર ઠાકર

પોપટભાઈ છીંકવાળા એક ડાળ પરથી બીજી ડાળ પર બેસે છે. ડાબી બાજુ જુએ છે. જમણી બાજુ જુએ છે. દૂર દૂર જુએ છે. ક્યાંય કોઈ માણસભાઈ દેખાતા નથી. પોપટભાઈ છીંકવાળા તો ઊડીને થોડે દૂર સુધી જોઈ આવ્યા. કોઈ માણસભાઈ દેખાય તો છીંકની પડીકી માગું. પણ કોઈ માણસભાઈ નજરે જ ન ચઢ્યા. પોપટભાઈ તો પાછા પોતાના ઝાડ પર આવીને બેઠા. અરે હમણાં સાંજ પડશે. પછી રાત પડશે. કાલે વનનો રાજા સિંહ આવશે. છીંક માગશે. શું થશે ? સિંહ બધ્ધાંને ખાઈ જશે. પોપટભાઈ એક ડાળી પર ચૂપચાપ બેઠા છે. ઝાડ પર એક વાંદરો કૂદીને આવ્યો. ઝાડની ડાળીઓ હલી ઊઠી. પોપટભાઈ તો બેસી જ રહ્યા. ન પાંખો ફફડાવી ન ગળામાંથી અવાજ કાઢ્યો. “કેમ એલા આમ બેઠો છું પોપટ ? પેટમાં દુઃખે છે ?” “ના વાંદરાભાઈ, છે ને” “તમને કાંઈ ખબર જ નથી વાંદરાભાઈ ?” “શેની ખબર ?” પોપટભાઈએ બધી વાત કરી, પછી ઢીલા અવાજે બોલ્યા : “બોલો વાંદરાભાઈ, હવે વનના રાજાને છીંક ખાવી છે. હું ક્યાંથી લાવું ?” “અરે આટલી અમથી વાત છે એમાં આમ ઢીલો થઈને શું બેઠો છે ? જો હું છીંક ખઉં છું.” વાંદરાએ ઝાડ પરથી એક ડાળખી તોડી એની સળી પોપટને બતાવી. “જોજે પોપટ, બરાબર.” વાંદરાએ સળી પોતાના નાકમાં નાખીને ફેરવી. પછી છીંકો ખાધી. હાક્‌ છીં-હાક્‌ છીં-હાક્‌ છીં. “આમ સળી નાકમાં ફેરવવાની, સમજ્યો.” “સમજ્યો વાંદરભાઈ, આભાર તમારો.” વાંદરો તો પછી હૂક હૂક કરતો કૂદીને ત્યાંથી ચાલ્યો ગયો. પોપટે એક સળી તોડી ત્યાં નીચે કોઈનો અવાજ આવ્યો. “પોપટભાઈ છીંકવાળા છે ?” પોપટે જોયું તો શિયાળ. “હા બોલો શું કામ છે ?” “છેને પોપટભાઈ એક છીંક આપોને, મારે ખાવી છે.” પોપટ તો સળી લઈને તરત નીચે ઊતર્યો. “ચલો આંખ બંધ કરી દો.” “કેમ ?” “એ તો છીંક ખાવી હોય તો આંખ બંધ કરવી પડે.” શિયાળે આંખ બંધ કરી દીધી. પોપટે શિયાળના નાકમાં સળી ફેરવી. હાક્‌ છીં-હાક્‌ છીં-હાક્‌ છીં. શિયાળને છીંક આવી. “આંખો ખોલી નાખો, શિયાળભાઈ.” શિયાળે આંખો ખોલી નાખી. એને તો મઝા આવી ગઈ. એ તો છીંક ખાતું ખાતું જતું રહ્યું. પોપટને હવે ચિંતા રહી નહિ. હવે ભલે સિંહ આવે. એને ખાવી હશે એટલી છીંક ખવડાવીશ. રાત પડી એટલે પોપટ તો પોતાના કોટર (બખોલ)માં ઘસઘસાટ ઊંઘી ગયો. બીજે દિવસે સિંહ આવ્યો. સિંહની પાછળ વનનાં બીજાં પ્રાણીઓ આવ્યાં હતાં. બધાંને ખબર હતી કે આજે સિંહ ગુસ્સે ભરાશે. બધાં દૂર ઊભાં ઊભાં જોતાં હતાં. “અરે ક્યાં ગયા પોપટભાઈ છીંકવાળા ?” “હાજર છું વનરાજ.” “બોલો ક્યાં છે છીંક ?” “છીંક તૈયાર છે. મહારાજ આંખો બંધ કરો.” “કેમ વળી આંખો બંધ કરવાની ?” “છે ને, એ તો છીંક ખાવી હોય તો બંધ કરવી પડે.” સિંહે આંખો બંધ કરી દીધી. દૂર ઊભેલાં પ્રાણીઓને પોપટે કહ્યું : “નજીક આવો, પણ આંખો બંધ કરી દો. હું કહું પછી આંખો ખોલવાની.” બધાંએ નજીક આવીને આંખો બંધ કરી દીધી. નજીક આવી, આંખ મીચી દો રાખો ના કોઈ બીક વનના રાજા ધડાક દઈને ખાશે મોટી છીંક. પોપટે સિંહના નાકમાં સળી ફેરવી. “ખોલી નાખો આંખ,” બધાંએ આંખો ખોલી નાખી. સિંહે છીંક ખાધી : હાક્‌ છીં, હાક્‌ છીં, હાક્‌ છીં. સિંહે એવી મોટી છીંક ખાધી કે સામેના પહાડે પડઘા પડ્યા : હાક્‌ છીં, હાક્‌ છીં, હાક્‌ છીં. “એલા, આ સામે કોણ છીંક ખાય છે ?” સિંહે પૂછ્યું. “પહાડ” પોપટભાઈ છીંકવાળાએ તરત જવાબ આપ્યો. “તે પહાડ બી છીંક ખાય ?” સિંહે પૂછ્યું. બીજાં બધાં પણ જવાબ સાંભળવા શાંતિથી ઊભાં હતાં. “છે ને, એ તો હું ખવડાવુંં તો પહાડ પણ છીંક ખાય.” “તમે તો જબરા છો પોપટભાઈ છીંકવાળા” હાથી બોલ્યો. “જબરા એટલે કેવા ! પહાડને બી છીંક ખવડાવે છે.” સિંહ અને બધાં પ્રાણીઓ પોપટભાઈ છીંકવાળા તરફ જોઈ જ રહ્યાં !