ગુજરાતી બાળવાર્તા સંપદા/મૂછ બડી કે પૂંછ ?
કિરીટ ગોસ્વામી
એક હતો બિલાડો અને એક હતી ખિસકોલી. બન્ને એક જ જંગલમાં રહેતા હતાં. બન્નેની વચ્ચે એક દિવસ તકરાર થઈ ગઈ. બિલાડો કહે, ‘આ જંગલમાં સૌથી મોટી મારી મૂછ છે; એથી મોટું બીજું કંઈ નથી.’ ફટાક દઈને ખિસકોલી બોલી, ‘ના, ના, સૌથી મોટી તો મારી પૂંછ છે; એથી મોટું આ જંગલમાં બીજું કાંઈ નથી !’ બન્ને વટે ભરાયાં. કોઈ નમતું જોખે નહીં. કોઈ હાર માને નહીં. બિલાડો વટ મારીને કહેવા લાગ્યો - ‘અલી, ખિસકોલી ! તારી વાત સાંભળીને હું એમ કાંઈ ઢીલું નહીં મૂકી દઉં ! હું કોણ છું, ખબર છે તને ? હું તો બિલ્લુરાજા છું ! જો, જો, મારાં કપાળ પર તિલક પણ છે...’ આ સાંભળીને ઘડીભર તો ખિસકોલી વિચારમાં પડી ગઈ... પોતાનું પલ્લું નીચું થાય, પોતાની હાર થાય એ તો ખિસકોલીને પણ ગમે જ નહીં ! આથી તેણે તરત જ પોતાનો મોબાઈલ લઈને રીંછભાઈને ફોન કર્યો. પોતાના અને બિલાડાના ઝઘડાની વાત કરીને, તેમની પાસે મંતવ્ય માગવા લાગી - ‘અમારાં બેમાંથી કોણ જીતે ? બિલ્લુડાની મૂછ મોટી કે મારી પૂંછ મોટી ?’ આળસુ રીંછભાઈ બોલ્યા - ‘તમારા ઝઘડામાં પડવા કરતા હું કોઈ મધપૂડો શોધીને એ...ય મીઠું-મીઠું મધ ન ખાઉં !’ રીંછભાઈએ ખિસકોલીની વાત આ રીતે ટાળી દીધી એટલે ખિસકોલીએ સસ્સાભાઈને ફોન લગાવ્યો પણ સસ્સાભાઈએ તો એનો ફોન ઉપાડ્યો જ નહીં. પછી ખિસકોલીએ તોફાની વાંદરાને કૉલ કર્યો. વાંદરાભાઈએ તેની વાત સાંભળીને કહ્યું - ‘હલ્લો ! ખિસકોલીબહેન, તમારે ઊંચા ઝાડ પરથી કોઈ ફળ ખાવા હોય તો લાવી આપું ! પણ આ મૂછ અને પૂંછના ઝઘડામાં મને જરાય રસ નથી...’ એમ કહીને વાંદરાએ પણ હૂપાહૂપ કરતા ફોન કટ કરી નાખ્યો. ...પછી તો ખિસકોલીએ હરણને, જિરાફભાઈને એમ ઘણાને ફોન કરી જોયા, પણ કોઈએ તેની વાતનો સરખો જવાબ ન આપ્યો. કોઈએ બહાના બતાવ્યા તો કોઈએ તો સરખી વાત જ ન કરી ! કોઈએ ફોન કટ કરી નાખ્યો તો કોઈએ તો ફોન ઉપાડ્યો જ નહીં ! ખિસકોલીની આ વાતનો કોઈ સરખો જવાબ આપતાં નહોતાં. કોઈ આ વાતનો નિર્ણય કરી આપતાં નહોતાં. સાંજ પડવા આવી. નિરાશ ખિસકોલી આમતેમ આંટા મારતી તળાવને કિનારે જઈને બેઠી. એવામાં તળાવમાં પાણી પીવા માટે હાથીદાદા આવ્યા. તેમણે જોયું કે ખિસકોલીબહેન તો સાવ નિરાશ બેઠાં છે. તરત જ હાથીદાદાએ ખિસકોલીને પૂછ્યું - ‘ખિસકોલીબેન ! આમ નિરાશ બેઠાં છો ? કોઈ સમસ્યા છે ? કાંઈ વાત કરો. ખિસકોલીએ તો હાથીદાદાને પોતાની અને બિલાડીની વચ્ચે થયેલ ઝઘડાની વાત વિગતે કહી સંભળાવી. ખિસકોલીની વાત સાંભળતાં જ પ્રથમ તો હાથીદાદા ખડખડાટ હસી પડ્યા. પછી તેમણે ખિસકોલીને કહ્યું - ‘ઓહ... તો એમ વાત છે ! તો પછી બોલાવી લાવો એ બિલાડાને પણ અહીંયા ! એટલે હમણાં જ તમારી સમસ્યાનો ઉકેલ કરી આપું !’ ખિસકોલી તો તરત જ રાજી થતી બિલાડાને બોલાવી લાવી. આ તરફ ખિસકોલી બેઠી અને આ તરફ બિલાડો ! બન્નેનાં મનમાં એમ હતું કે, ‘હમણાં જ હાથીદાદા મારા પક્ષમાં નિર્ણય આપશે ! અને હમણાં જ હું જીતી જઈશ !’ બન્ને હાથીદાદાનો નિર્ણય જાણવા ખૂબ ઉત્સુક હતાં, ઉતાવળાં પણ થતાં હતાં. બન્ને હાથીદાદાને વારાફરતી કહેતા હતાં - ‘હાથીદાદા જલદી બોલો ! જલદી સમસ્યાનું સમાધાન કરો !’ બન્નેની વાત સાંભળી અને બન્નેને શાંત પાડતાં હાથીદાદાએ કહ્યું - ‘સાંભળો...! ના તો બિલ્લુની મૂછ મોટી છે કે ના ખિસકોલીની પૂંછ !’ ‘તો ?’ બિલાડો અને ખિસકોલી બન્ને એક સાથે પૂછી ઊઠ્યાં. હાથીદાદાએ મરક-મરક હસતાં હ્યું - ‘જુઓ, એ બંનેથી મોટી તો મારી સૂંઢ છે ! તમે બન્ને નાહક જ ઝઘડો છો ! સૌથી મોટી મારી સૂંઢ છે !’ ‘હમ...’ બિલાડો અને ખિસકોલી બન્ને હાથીદાદાની લાંબીલચ સૂંઢ સામે જોતાં, શરમાઈને નીચું જોઈ ગયાં. ‘વાત તો સાચી છે હો ! મૂછ અને પૂંછ કરતાંય લાંબી તો હાથીદાદાની સૂંઢ છે !’ બન્ને એટલું જ બોલી શક્યાં. બન્નેનો વટ ભાંગી ગયો. મૂછ અને પૂંછનો ઝઘડો પૂર્ણ થઈ ગયો અને બન્ને ચૂપચાપ જંગલમાં પોતપોતાના રસ્તે ચાલી નીકળ્યાં.