ગુજરાતી બાળવાર્તા સંપદા/મેઘાના ભાઈબંધ ઝાડવાં

મેઘાનાં ભાઈબંધ ઝાડવાં

વંદના શાંતુ ઇન્દુ

‘દાદાજી...’ ‘ઓ, દા...દા...જી...’ નાનું છમલું જો૨-જોરથી આકાશ સામે જોઈને રાડો પાડતું હતું. રાડ પાડતાં પાડતાં બે પગે ઠેકડા મારતું હતું. એને એમ કે એટલું આકાશથી વધારે નજીક જવાય. ઘડીમાં બેઉ હાથ મોં આસપાસ ગોળાકાર મૂકીને બૂમ પાડે તો ઘડીમાં બેઉ હાથે ચડ્ડી ચડાવે. ચડ્ડી ચડાવીને પાછું રાડો પાડવા મંડે. નામ તો એનું સમર્થ, એના દાદાજીનું પાડેલું નામ. પરંતુ બધા એને લાડમાં છમલું કહેતાં. છમલાની દાદી એને કહેતી કે તારા દાદાજી ભગવાન પાસે ગયા છે. સમર્થ પૂછતો કે, ભગવાન ક્યાં રહે ? ત્યારે દાદી ઉ૫૨ આકાશ બતાવતી. સમર્થ તરત બીજો પ્રશ્ન કરતો કે, દાદાજી પાછા ક્યારે આવશે ? દાદી તેને સમજાવતી કે ભગવાન પાસે જાય તે પાછા ન આવે. એટલે સમર્થને થતું કે, ભગવાન પાસે જાય તે પાછા ન આવી શકે, પરંતુ સાંભળે તો ખરા ને ? ભગવાન કંઈ સાંભળવાની થોડી ના પાડતા હોય ! ભગવાન પોતે પણ બધાયની પ્રાર્થના સાંભળે જ છે ને ! એથી જ લોકો સવા૨-સાંજ મંદિરમાં જતા હોય ને ? આમ, ભગવાન સાંભળે તો તેની પાસે રહેનાર પણ સાંભળે જ એમ વિચારીને સમર્થ રાડારાડ કરતો હતો. અને કૂદી-કૂદીને તેના દાદાજીને બોલાવતો હતો. આજે તે તેનાં મમ્મી-પપ્પા સાથે ભાણવડ પાસે આવેલા બરડાના ડુંગ૨માં આવેલ સોન કંસારીનાં દેરાં જોવા આવ્યો હતો. ડુંગર ઉ૫૨ ચડ્યા પછી તો તેને આકાશ સાવ નજીકમાં લાગ્યું. તેથી તેને તેના દાદાજી યાદ આવી ગયા, ને તે તેમને બોલાવવા લાગ્યો. એ પહેલાં તે તળેટીમાં આવેલ સૂર્યમંદિરે પણ ફરી આવ્યો હતો ને ભાણવડ પાસે આવેલ ઘૂમલીમાં વી૨ માંગડાવાળાના ભૂતવડે પણ જઈ આવ્યો હતો. સમર્થ કદી કોઈથી ડરતો નહીં, હોં ! બ૨ડા ડુંગ૨ ઉ૫૨ ચડીને સમર્થે ફરીથી બૂમ પાડી, ‘દા...દા...જી....’ પણ તે જોતો જ રહી ગયો. આકાશમાં તો ઘટાટોપ વાદળો જામ્યાં હતાં. તે તો ખુશ થઈ ગયો. તે તો વાદળાંને બૂમ પાડવા લાગ્યો : ‘વાદળાં ઓ વાદળાં, તમે મોટા કાગડા,’ ને તાળી પાડીને ખડખડાટ હસવા લાગ્યો. ‘વાદળાં...કાગડા..’ ‘વાદળાં રે... કાગડા રે...’ ત્યાં તો એક નાની વાદળી સમર્થની આસપાસ ફરવા લાગી. સમર્થ તેને પકડવા માટે હાથ વીંઝવા લાગ્યો. એટલે વાદળી ખડખડાટ હસી પડી અને બોલી : ‘કાં અમને કાગડા કહે છે તે... અમને પકડી તો નથી શકતો ! ...લે ...લે...લે.. પકડી બતાવે તો સાચો કહું.’ સમર્થે ફરી હાથ વીંઝ્યા. તેના હાથ વાદળીઓમાંથી નીકળી ગયા. પણ વાદળી હાથમાં ન આવી. સમર્થ ભોંઠો પડી ગયો પણ એ કંઈ ગાંજ્યો જાય તેવો નથી જ. તેણે તો ગીત બદલી નાંખ્યું : ‘વાદળાં ઓ વાદળાં તમે ના કાગડાં તમે તો પવનને જોખવાનાં છાબડાં.’ વાદળી તો ફરી હસી પડી અને બોલી : સમર્થ, તને તો સરસ મજાનાં ગીત બનાવતાં આવડે છે ને કંઈ ! ભૈ તું તો ભારે હોશિયા૨ છે ભૈ ! પણ એ તો કહે કે મને ઓળખે છે તું ? છમલું તો ગર્વથી બોલ્યું : ‘તને તો શું, તારી આખી જમાતને ઓળખું છું. તું છે રીંછડી વાદળ, કાળાં ડિબાંગ હોય તે વjd<e વાદળ અને રૂના પોલ જેવાં હોય તે ઢગ વાદળ કહેવાય, બોલ હવે તારે કંઈ કહેવું છે ?’ વાદળી કહે, ‘અરે ! તું તો અમારા વિશે ઘણું બધું જાણે છે. બાકી આજકાલનાં બાળકો આવું કંઈ જ જાણતાં નથી હોતાં. કેમ કે, તેઓ પોતાની ભાષાને બદલે પારકી ભાષામાં ભણે છે. તેઓનાં મમ્મી-પપ્પા તેઓની સાથે એ પારકી ભાષામાં વાત કરે છે. તેથી બાળકો સાથે વધારાની તો કંઈ વાત કરતાં જ નથી. અને પોતાની ભાષાના બધા જ શબ્દો કંઈ પારકી ભાષામાં થોડા હોય ?’ સમર્થ પણ મોં ઉ૫૨ હાથ દઈને બોલી ઊઠ્યો : ‘હાઈ... લા... તું પણ અમારા વિશે બૌ બધું જાણે છે ને કંઈ ! એ કેવી રીતે હેં ?’ વાદળી કહે : ‘હું દેશ-વિદેશ ફરું છું. બધું જ ખુલ્લી આંખે જોઉં છું. તેથી બધું જાણું છું.’ સમર્થે પણ તેની વાત કબૂલી કે એ વાત સાચી કે ફરવાથી જાણકારી વધે. વાદળી તો સમર્થના ખભે બેસી પડી ને બોલી : ‘બોલ તું મારો ભાઈબંધ બનીશ ?’ છમલું કહે : ‘જરાયે નહીં હોં, દાદી કહે છે કે વાદળાં વરસાદ લાવે ને તમે તો લુખ્ખાં આવો છો. લુખ્ખાંના ભાઈબંધ મારે નથી બનવું. લે વળી, કોઈ ન બને હોં !’ વાદળી તો ખડખડાટ હસી પડી. તે હસી તેથી ઝીણી ઝીણી ઝણ સમર્થને ઊડી. સમર્થને તો મજા પડી ગઈ. તેને થયું કે, આ...હા...હા... આટલી ઝણમાં આટલી મજા પડે છે તો ધોધમા૨ વરસે તો કેવી મજા પડે ? સમર્થ વિચારમાં પડી ગયો. વાદળી હસવું રોકીને બોલી : ‘અરે ! તું તો અમારાથી નારાજ છે.’ સમર્થ કહે : ‘તે હોઉં જ ને ? અમારા બાપાઓએ અને દાદાઓએ વરસાદને કેટલાં લાડ લડાવ્યાં છે ! મેઘો, મેઘરાજ, મેહુલો, વર્ષારાણી... કેટલાં બધાં નામ ! ને પહેલા વરસાદમાં તો લોકો ઘ૨ બહાર ખાસ પલળવા માટે નીકળે. ભજિયાં ખાય, લાપસી રાંધે, વરસાદનાં ગીતો ગાય ને તોયે તમે તો મન પડે ત્યારે રિસાઈ જાવ ? શું વ૨સાદ પણ મારા દાદાજીની જેમ ભગવાન પાસે ચાલ્યો જાય છે?’ વાદળી હસતાં હસતાં બોલી : ‘અલ્યા છમલા, વરસાદ ભગવાન પાસે ન જાય, સમજ્યો ? એ તો અમારી ઓથે સંતાઈને આવે ને ઓચિંતો વ૨સી પડે. પણ હવે તેને વરસવું નથી ગમતું, કેમ કે, નીચે ધરતી પર તેના દોસ્તારોને ન જુએ તેથી વ૨સે નહિ.’ સમર્થને તો આશ્ચર્ય થયું. તે પૂછી બેઠો : ‘એના તે દોસ્તારો કોણ ? કેમ અમે નૈ ?’ વાદળી કહે : ‘તમે ખરા, પરંતુ વૃક્ષો તો એના ખાસ મિત્ર છે. ખૂબ બધાં વૃક્ષો જ્યાં હોય તેને જંગલ કહેવાય. જંગલ મેઘાને બહુ જ ગમે. ત્યાં તે મન મૂકીને વ૨સે. પણ હવે જંગલો ક્યાં છે ? બોલ સમર્થ તેં જંગલ જોયું છે ?’ સમર્થ માથું ઊંચું કરીને બોલ્યો : ‘ઘણાંયે જોયાં. દુનિયા આખીનાં. ડિસ્કવરી ચૅનલ ઉપર.’ સમર્થની સ્ટાઈલ જોઈને વાદળી પાછી હસવા લાગી અને બોલી : ‘તો વરસાદ પણ ચૅનલ ઉપર જોયો જ છે ને ! પછી શું ?’ સમર્થ કહે : ‘એ ન ચાલે હોં. કેમ કે દાદી કહે છે કે, વરસાદ જ આપણું જીવન છે. જીવન વિના કેમ ચાલે ?’ વાદળી કહે : ‘તો છમલાજી, તમે સાંભળો. તમારા બાપદાદાઓએ વરસાદને તો બહુ લાડ લડાવ્યાં. પરંતુ તેના ભાઈબંધ ઝાડની પૂજા કરતાં જાય ને કાપતાં જાય ! જંગલને આડેધડ કાપી નાખ્યાં ! તેથી મેઘો રિસાઈ જાય છે. બોલ કહેવું છે તારે કંઈ ?’ સમર્થ કહે : ‘તો હવે શું થાય ?’ વાદળી કહે : ‘કંઈ નૈ. તેના માટે આકરું તપ કરવું પડે. બોલ છે તૈયારી ?’ સમર્થ તો એક પગ ઊંચો કરતોક ને બોલ્યો : ‘કેમ નૈ ? મેં મારી દાદી પાસેથી ધ્રુવની, પ્રહ્લાદની વાતો સાંભળી છે. હું પણ તેની જેમ જ એક પગે ઊભીને તપ કરીશ.’ સમર્થે તો હાથ જોડીને આંખો બંધ પણ કરી દીધી. વાદળી કહે : ‘આવા તપની કોઈ જરૂર નથી. એક પગે ઊભીને નહીં પણ બેઉ પગે દોડીને તપ કરવાનું છે, બોલ કરીશ ?’ સમર્થ કહે : ‘દોડવાનું શું કામ ? દોડવાથી વરસાદ આવે ?’ વાદળીથી હવે ન રહેવાયું : ‘અરે ગાંડા, દોડવાથી વરસાદ ન આવે પણ ગામેગામ દોડીને લોકોને વધારે વૃક્ષો વાવવા માટે સમજાવવાના છે. થશે તારાથી ?’ હવે સમર્થને પોતાની મૂર્ખાઈ સમજાણી. તે પણ હસી પડ્યો અને બોલ્યો : ‘અરે આખી ધ્રુવ સેના બનાવીશ. ગામેગામ ફરશું ને બધાને સમજાવશું. તું જોતી રહી જઈશ.’ ત્યાં તો વાદળી અલોપ થઈ ગઈ. વાદળોમાંથી અવાજ આવ્યો : ‘સમર્થ છમલાજી, હું મેઘો... મેઘજી બોલું છું. તું કામે લાગી જા. થોડા વરસમાં જ હું પહેલાંની જેમ વ૨સવા લાગીશ. મને પણ વાદળોમાં ભરાઈ રહેવું ગમતું નથી. આપણાં સહિયારાં મિત્ર વૃક્ષોને તું ઉછેરી બતાવ. જો પછી કેવો આવું છું !’ અવાજ બંધ થઈ ગયો.

સમર્થ ખુશ થઈ ગયો. તેણે તો તેના ભાઈબંધોને ધ્રુવ સેનાવાળી વાત કરી. બધા જ ખુશ થઈ ગયા અને કિકિયારી પાડવા લાગ્યા. સમર્થ ગીત ગાવા લાગ્યો :

‘મેઘાનાં ભાઈબંધ ઝાડવાં
આભેથી મેઘાને પાડવા
ચાલો ચાલોને વાવીએ ઝાડવાં.’