ગુજરાતી બાળવાર્તા સંપદા/મેટ્રો ટ્રેનમાં મંકી
મીનાક્ષી વખારિયા
રામપુરનાં રળિયામણાં જંગલમાં વિદુ નામે એક વાંદરો રહેતો હતો, જે હતો તો બહુ તોફાની ને અટકચાળો તોય ઘણો કામગરો. જંગલમાં વિદુ, અનેક નાનામોટાં પ્રાણીઓ સાથે હળીમળીને રહેતો. જંગલમાં જ મંગલ કરતો અને બધાંને કરાવતો. જંગલમાં ફળફૂલોનાં રંગબ્રરંગી ઝાડો અને પાણીની નાનીમોટી તલાવડીઓ હોય જ એટલે મોજ જ મોજ..,! મન ફાવે ત્યાં રહેવાનું. ગમે તે ઝાડની ડાળી પર લટકીને હીંચકવાનું. આ ઝાડ પરથી પેલાં ઝાડ પર કૂદકા મારવાના અને તેનાં પર ઉગેલાં ભાતભાતનાં ફળો ખાવાનાં. કોઈ રોકટોક નહીં, કોઈ વઢવાવાળું નહીં. બિંદાસ્ત રહેવાનું ને ગાતાં રહેવાનું :
“કરવી મજાની મોજેમોજ,
જંગલમાં તો મંગલ રોજ.
ખાવો પીઓ,
નાચો ગાઓ.
ન રોક, ન ટોક,
કેવું મજાનું જંગલરાજ ! કેવું મજાનું જંગલરાજ !”
આમ મોજમસ્તીમાં દિવસો વિતતા હતાં ત્યાં જ વિદુના જીવનમાં એક નવી વાત બની. તેનું નસીબ તેને મુંબઈ મહાનગરીમાં લઈ આવ્યું. બન્યું એવું કે રોજની ટેવ પ્રમાણે તે રસ્તાની બાજુએ આવેલાં ઘટાદાર વડની એક વડવાઈથી બીજી વડવાઈ પર કૂદી રહેલો ત્યારે ભૂલભૂલમાં ત્યાં સાઈડ પર પાર્ક કરેલી ટ્રકમાં જઈ પડ્યો. જેવો તે ટ્રકમાં પડ્યો કે ટ્રક થઈ ગઈ ચાલું...! ટ્રક તો પૂરપાટ દોડવા લાગી. અરે, આ તે કેવી અણધારી આફત...! આફત જ ને? વિદુ તો એવો ડરી ગયો કે આંખો બંધ કરીને એક ખૂણામાં લપાઈને સૂનમૂન બેસી ગયો. થોડીવારે હિંમત આવી. આંખો ખોલી ને આમતેમ જોવા લાગ્યો. વિદુભાઈનું નસીબ ચડિયાતું કે આખી ટ્રક કેળાંથી ભરેલી નીકળી. કેળાં જોઈને તેનાંથી રહેવાયું નહીં. તે તો બે હાથે કેળાં ઝાપટવા લાગ્યો. એક તો મફતની મુસાફરી ને એમાં કેળાની પાર્ટી..! કોને ન ગમે? વિદુને પણ મજા પડી ગઈ. કેળાં ખાધાં પછી પેટ પર હાથ ફેરવતાં ફેરવતાં મો...ટો ઓડકાર ખાધો. ઓહિ....યા, ઓહિ...યા...! પેટપૂજા પતી એટલે વિદુભાઈને આળસ ચડી ગઈ. આમેય સાંજ પડી ગયેલી. ઠંડોઠંડો પવન શરૂ થઈ ગયો. ભાઈસાહેબ તો એય...ને ઊંઘવા લાગ્યા. આખી રાતની મુસાફરી પછી સવારે વિદુની આંખો ખૂલી. જોયું તો પોતે સિમેંટના જંગલ, મુંબઈમાં આવી પહોંચેલા. નવી જગ્યા, નવું શહેર, આકાશને અડતાં મકાનો જોઈને વિદુની આંખો ખુલી ને ખુલી રહી ગઈ. તે મનમાં જ બબડ્યો, ‘માળું આ તો ગજબનું ગામ છે...! પણ છાપરાં ન હોય તો કૂદકા મારવાની શું મજા આવે? મારું જંગલ ક્યાં?’ વિદુભાઈની ટ્રક એક પેટ્રોલ પંપ પર ડિઝલ ભરાવવા ઊભી રહી. વિદુ પણ ટ્રકમાં બેસીબેસીને કંટાળેલો. જલદીથી કુદકો મારી તે નીચે આવી ગયો. આમતેમ ડાફોળીયાં મારતો ચાલવા લાગ્યો. ખૂબ તરસ લાગેલી પણ કરવું શું, પાણી ક્યાં? ત્યાં તો કોઈએ પાણી પીને બિસલેરીની બાટલી ફેંકી. તે ઉપાડી, ખોલીને વધેલું પાણી પી લીધું અને બાટલી ફેંકીને આગળ વધી ગયો. ચારે તરફ માણસો જ માણસો, મકાનો ને દુકાનો. જંગલમાં હોય તેવું એક પણ પ્રાણી કે કોઈ પક્ષી જોવા ન મળ્યું. હા, કૂતરાં, બિલાડાં, ચકલા, ઉંદર, કબૂતર, કાગડા તો ઘણાં દેખાયા પણ એમાં શું? બીજા કોઈ જાણીતાં પ્રાણી કેમ નથી દેખાતાં? ‘આ વળી કઈ નવતર દુનિયામાં હું આવી ચડ્યો? તેવું વિચારતો તે આગળ વધ્યો. આવતાંજતાં લોકો થોડાં ડર, થોડાં અચરજથી તેને જોવા લાગ્યાં. વિદુને ક્યાં કોઈની પરવા હતી? તે તો, સામે નવાં જ બનેલાં મેટ્રો સ્ટેશને આવી પહોંચ્યો. સારું થયું સવાર-સવારની ભીડમાં કોઈએ તેને જોયો નહીં. સ્ટેશન પર મેટ્રો ટ્રેન આવી. ઓટોમેટિક દરવાજો ખૂલતાં જ તે ઝડપભેર અંદર ઘૂસી ગયો ને ઓટોમેટિક દરવાજો થઈ ગયો બંધ...!
‘નવી મેટ્રો ટ્રેન આવી,
વિદુને મન બહુ ભાવી.
ફરવાને મુંબઈ નગરી,
કરશે મેટ્રોની સવારી.’
મેટ્રો ટ્રેનનાં મુસાફરોને નવાઈ લાગી, ‘અરે, મેટ્રો ટ્રેનમાં મંકી?’ પણ વિદુભાઈને, પોતે શું પરાક્રમ કરી બેઠાં છે તે ખબર જ નહોતી. ગભરાટમાં તે ડબ્બાના પાઈપ પર ચડી ગયો. પાઈપ સ્ટીલનો હતો, લીસો હતો. વળી એસી ટ્રેનની ઠંડકને લીધે ખૂબ જ ઠંડોગાર...! ઠંડુઠંડુ લાગતાં જ થરથરતો, લસરીને નીચે આવી ગયો. હવે તેનું ધ્યાન ઉપર લટકતા હેંડલો પર ગયું. કૂદકો મારીને તેણે બંને હાથથી એક એક હેંડલ પકડી લીધું અને ઝૂલા ઝૂલવા માંડ્યો. લોકોને તો મફતમાં વાંદરાનો ખેલ જોવા મળી ગયો. કેટલાંક શોખીનો તો તેનો વિડિયો ઉતારી, સોશિયલ મિડિયા પર શેર કરવા લાગ્યાં. આ બધી વાતથી અજાણ વિદુ, ઝૂલી ઝૂલીને કંટાળ્યો એટલે બારી પાસેની ખાલી સીટ પર બેસી ગયો. બારી બહારનાં ઝપાટાબંધ પસાર દ્રશ્યો થતાં જોઈને તે ગેલમાં આવી ગયો. આવું તો તેને પહેલીવાર જ જોવા મળ્યું હતું ને? તે ખુશ થતો કિકિયારી પાડવા માંડ્યો. બહાર જોવાનું પત્યું એટલે ટ્રેનની અંદર નજર દોડાવી. કેટલાંક લોકોએ મોઢું અને નાક ઢંકાઈ રહે એ રીતે કપડું બાંધેલું તો કેટલાંકનું કપડું દાઢી કે કાન ઉપર લટકતું હતું. માણસોને આવા વેશમાં જોઈને વિદુભાઈને ગમ્મત થઈ પડી. તેણે તો બાજુમાં બેઠેલ માણસનો માસ્ક જ ખેંચી કાઢ્યો. પેલો માણસ તો ડરીને, “ઓ મારી મા...’ બોલતો ત્યાંથી ઊભો થઈ ગયો. અવળચંડા વિદુને તો વધારે મસ્તી ચડી. એ કોઈના ચશ્મા ખેંચવા લાગ્યો તો કોઈનો દુપટ્ટો. કોઈની છત્રી તો કોઈની મૂછો, તો કોઈનો મોબાઈલ...! વિદુને લીધે અફડાતફડી ને ધમાલ જ ધમાલ...! વિદુ જેની પણ નજીક જવાની કોશિશ કરે તે એને, હડ..., હડ કરીને દૂર ભગાવતું. કોઈકે તો સિક્યોરિટીને બોલાવવા ઈમરજન્સી બટન પણ દબાવી દીધું. સિક્યોરિટી આવે તે પહેલાં તો આગલું સ્ટેશન આવી ગયું. દરવાજો ખૂલ્યો કે વિદુભાઈ કુદકો મારીને ફરાર..! મેટ્રો સ્ટેશનથી બહાર આવીને વિદુ વિચારી જ રહેલો કે, ‘હવે ક્યાં જવું?’ ત્યાં તો સફરજનની ટોપલી લઈને જતાં ફેરિયાને જોયો. સવારથી કંઈ જ ખાધું નહોતું. એટલે તરત પાસેનાં ઝાડ પર ચડીને નીચેથી પસાર થતાં પેલા ફેરિયાની ટોપલીમાંથી બે સફરજન ઉપાડી લીધાં. સફરજન તો ગપાગપ ખવાઈ ગયા. હવે? ચાલતો ચાલતો તે જૂહુ-ચોપાટી આવી પહોંચ્યો. આવા વિશાળ, ઉછળતા દરિયાને પહેલીવાર જ જોઈ રહ્યો હતો ને જોતો જ રહ્યો. જંગલમાં આવો દરિયો ક્યાં મળે? ધસમસતાં, દોડતાં, ફીણવાળાં પાણીમાં કૂદીકૂદીને છબછબિયાં કરવાની મજા લીધી. બહાર આવીને રેતીમાં આળોટયો. આળોટતાં આળોટતાં તેનું ધ્યાન એક કાકા પર ગયું. કાકા તેલમાલિશ-ચંપી કરાવી રહેલા. આ તો વાંદરાભાઈ, બધાની નકલ કરવામાં પાવરધા...! પહોંચી ગયા કાકા પાસે! માલિશવાળાનો હાથ ખસેડી પોતે જ કાકાને માલિશ કરવા લાગ્યો. કાકા તો બિચારા શિયાવિયા થઈ ગયા. ત્યાંથી ઊભા થઈને ભાગી છૂટવાનીય કાકામાં હિંમત નહોતી. બિચારા આંખ બંધ કરીને હનુમાનદાદાને યાદ કરવા લાગ્યા. માલિશવાળાને બે-ઘડી ગમ્મત થઈ પડી પણ પછી બે હાથ જોડી કરગર્યો, “અરે, હનુમાનજીના વંશજ, શા માટે મારો કામધંધો છીનવી રહ્યા છો? દયા કરો, કપિ મહારાજ...! વિદુ તો કાકાને છોડે જ નહીં ને! આખરે કાકાને ટ્યુબલાઈટ થઈ, બંધ આંખે જ પોતાનાં ખિસ્સામાંથી સેકેલા સિંગદાણા કાઢીને વિદુના હાથમાં થમાવ્યા. ત્યારે માંડ છૂટકો થયો. સિંગ ખાઈને નવરો પડ્યો કે વિદુની નજર, દરિયા કિનારે કસરત કરી રહેલાં છોકરાઓ ઉપર પડી, બધાની જેમ એ પણ લાઈનમાં ઊભો રહીને કસરત કરવા લાગ્યો. હાસ્યયોગ કરતી વખતે એ લોકો મોટેથી હા..., હા, કરી હસવા લાગ્યાં. એ જોઈ વિદુભાઈ પણ હસવા ગયાં. પણ હસવા જતાં એમનો તો એવો ફજેતો થઈ ગયો કે...! વિદુભાઈ હસવા જાય પણ આપણી જેમ થોડાં હસી શકે? દરેક પ્રયાસે બેસૂરું દાંતિયું જ થઈ જતું. એ જોઈ કસરત કરતાં છોકરાઓ તો હસીહસીને લોથપોથ થઈ ગયાં. માણસની જેમ પોતાનાથી હસી ન શકાયું એટલે વિદુ નિરાશ થઈ ગયો તોય હિંમત હારે તો એ વિદુભાઈ શાના? જુહુબીચ પર એક સામાજિક સંસ્થાના કાર્યકરોનું ટોળું, જ્યાંત્યાં ફેલાયેલો કચરો, એકઠો કરી રહેલું. વિદુ થોડીવાર તો સહુને તાકી રહ્યો. પછી ક્યાંકથી મોટી થેલી શોધી લાવ્યો ને ઠેરઠેરથી કચરો એકઠો કરી થેલીમાં ભરતો ગયો. જ્યારે કાર્યકર્તાઓની નજર વિદુ પર પડી ત્યારે સૌએ તાળીઓ પાડી તેનું સ્વાગત કર્યું. ખુશ થઈને બધાં તેની સાથે સેલ્ફિ લેવા પડાપડી કરવા લાગ્યાં. કેટલાંકે ખાવાનું આપ્યું તો કોઈકે નારિયેળ પાણી પીવડાવ્યું. થોડી મસલત કરીને સહુએ નક્કી કર્યું કે હવે આ વાંદરાભાઈને પણ સંસ્થાનું માનદ સભ્યપદ આપી દઈ સફાઈ ટીમમાં સામેલ કરી દેવા. એક હોંશિલા સભ્યએ તો વાંદરાભાઈને ગોદ લેવાની ઈચ્છા પણ બતાવી. છેલ્લે સહુએ વિદુભાઈ સાથે ફોટો પડાવ્યો. બીજા દિવસે છાપામાં ફોટો છપાઈને આવ્યો ને ટીવીવાળા, છાપાવાળાઓએ વિદુનો ઇન્ટરવ્યુ લેવા, ફોટો મેળવવા માટે લાંબી લાઈન લગાવી દીધી. જોયું? જંગલના રહેવાસી ચબરાક વાંદરાભાઈ મુંબઈમાં આવીને કેવા સેલિબ્રિટી બની ગયા. છેને? કેવી મજાની વાત! કેવી મજા ભાઈ કેવી મજા. માયાનગરીમાં પડી મજા. નહીં જાવું હવે જંગલ મારે, માની દ્વારિકા અઠે રહેવું મારે. કેવી મજા ભાઈ કેવી મજા.