ગુજરાતી બાળવાર્તા સંપદા/રાધાના સાન્તાક્લોઝ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
રાધાના સાન્તાક્લૉઝ

શ્રદ્ધા ત્રિવેદી

‘નવજીવન’ શાળા તરફથી નાતાલ નિમિત્તે આનંદમેળાનું આયોજન કરવામાં આવેલું. પાંચમા ધોરણથી નવમા ધોરણ સુધીના વિદ્યાર્થીઓ આમાં ભાગ લઈ શકે તેવી જાહેરાત થયેલી. શૈલી આઠમા ધોરણમાં ભણે. એને આમાં ભાગ લેવો હતો. ઘેર આવી તેણે જોયું તો એની મમ્મી રજાઈ ઓઢી સૂઈ ગઈ હતી. તેણે મોટેથી કહ્યું : ‘મોમ ! મારી શાળામાં આનંદમેળો રાખ્યો છે. મારે તેમાં ભાગ લેવો છે.’ તેની મમ્મીએ માંડ માંડ કહ્યું : ‘શૈલુબેટા ! મેં દવા લીધી છે. હમણાં બહુ જ ટાઢ ચડી છે તેથી...’ શૈલી બોલી : ‘અરે મોમ ! તું અત્યારે જ માંદી પડી. કંઈ નહીં, હું ભાગ નહીં લઉં.’ ને પછી એ પોતાની રૂમમાં જતી રહી. દવાને કારણે એની મમ્મીને સારું લાગ્યું એટલે એણે શૈલીને પૂછ્યું : ‘બેટા ! તારે કઈ વાનગી બનાવવી છે ?’ શૈલી : ‘મારી બહેનપણીઓને મંચૂરિયન બહુ ભાવે છે. આપણે તે બનાવીશું ? બધાંને ખૂબ મજા આવશે.’ તેની મમ્મીએ હા પાડી ને પડોશમાં આવતા મોહન મહારાજ પાસે મંચૂરિયન બનાવડાવવાનું નક્કી કર્યું. નાતાલના દિવસે શાળાના મેદાનમાં સવારથી મંડપ બંધાવા માંડેલો. ત્રીસેક સ્ટૉલ બાંધવામાં આવેલા. ૨૫ જેટલા સ્ટૉલ તો નક્કી પણ થઈ ગયેલા. પીવાના પાણીની સગવડ શાળા તરફથી કરવામાં આવી હતી. શાળાને સરસ રીતે શણગારવામાં આવેલી. શાળાના મેદાનમાં થોડી ખુરશીઓ પણ મૂકવામાં આવેલી. દરેક સ્ટૉલવાળાએ પોતાની રીતે સજાવટ કરેલી. મધુર સંગીતથી વાતાવરણ આનંદમય બનેલું. શાળાના પટાવાળા રામુભાઈ અને તેમનાં પત્ની સવિતાબહેન સફાઈનું ધ્યાન રાખતાં. તેમની દીકરી રાધા છઠ્ઠા ધોરણમાં ભણે. તેને પણ તેમાં ભાગ લેવાનું મન હતું. તેણે રામુભાઈને પૂછ્યું : ‘બાપુ ! હું સ્ટૉલ રાખું ?’ રામુભાઈ : ‘બેટા, રાખી તો શકાય પણ આપણે શું બનાવીશું ? અહીં તો કોઈ મંચૂરિયન કરવાનું છે ને કોઈ પિત્ઝા, કોઈ ભાજીપાંઉ તો કોઈ વળી દહીંવડાં ! તું શું બનાવીશ ? ને વળી આપણે શાળાનું મેદાન સાફ રહે તેનું સતત ધ્યાન રાખવાનું છે.’ ‘બાપુ ! મને સરસ ખીચું બનાવતાં આવડે છે. એક મોટા તપેલામાં હું જ બનાવીશ. એ પૂરું થઈ જાય એટલે સ્ટૉલ બંધ કરીશ.’ રામુભાઈને થયું : ‘દીકરીને આટલો ઉત્સાહ છે તો ભલે સ્ટૉલ રાખે. સ્ટૉલનું ભાડું હું પગારમાંથી ચૂકવી દઈશ !’ ને તેમણે રાધાને હા પાડી. રાધાના હાથ-પગ તો જાણે પાંખો થઈ ગયા. મા પાસેથી લોટના પૈસા લઈ, લોટ લઈ આવી. શાળાના રસોડામાંથી મોટું તપેલું લઈ આવી. મરચું વાટી કાઢ્યું ને ત્રણ વાગ્યે તેણે પોતાનો સ્ટૉલ તૈયા૨ કરી દીધો. એક ખાટલી પાથરી ને પડિયાની થપ્પી કરી દીધી, તેણે સવિતાબહેનને કહ્યું : ‘બા! ચમચી તો આ પ્લાસ્ટિકની છે તે ચાલશે. પણ તેલનું શું કરીશું ?’ સવિતાબહેન : ‘બેટા ! તેં આટલું બધું જાતે કર્યું છે તો જો તેલ આ રહ્યું.’ રાધા : ‘બા ! તું તેલ ક્યાંથી લાવી ? ’ સવિતાબહેન : લે, ભૂલી ગઈ ! આપણે ચાર દહાડા પહેલાં એક કિલો તેલ લાવેલાં તે ! તું આજે અહીં વા૫૨. કાલની વાત કાલે. ને હવે જા ઓ૨ડી ૫૨. પેલાં પૂનમબહેને તને ડ્રેસ આપ્યો છે તે પહેરી આવ.’ – ને રાધા મેદાનના ખૂણામાં જ બાંધેલી ઓરડીમાં ગઈ. સરસ મજાનો ગુલાબી ડ્રેસ પહેરી પાછી આવી. સવિતાબહેન : ‘મારી રાધા તો નજર લાગે તેવી લાગે છે.’ કહી તેમણે રાધાનાં ઓવારણાં લીધાં. થોડી વારે મુખ્ય મહેમાન આવ્યા. આનંદમેળો શરૂ થયો. મુખ્ય મહેમાને એક પછી એક સ્ટૉલની મુલાકાત લીધી. ક્યાંક કોઈ વાનગી ચાખી, ક્યાંક ન ચાખી. ને છેલ્લે રાધાના સ્ટૉલ પર આવ્યા. રાધાએ હસતાં હસતાં કહ્યું : ‘નમસ્તે વડીલ ! લો, મારું બનાવેલું ખીચું ચાખો. તમને જરૂ૨ ભાવશે.’ કહી તેણે બે પડિયામાં ગરમાગરમ ખીચું મૂક્યું. એક પડિયો મહેમાનને અને બીજો પડિયો મહેમાનની સાથે રહેલા આચાર્યને આપ્યો. ખીચું ચાખી મહેમાન કહે : ‘અરે વાહ ! તેં તો મને મારી માની યાદ અપાવી દીધી. બેટા ! ખીચું બહુ ફાંકડું થયું છે.’ ને ખુશ થઈ રાધાના હાથમાં સો રૂપિયાની નોટ મૂકી દીધી. રાધા : ‘સ૨ ! એક પડિયાના માત્ર વીસ રૂપિયા જ છે. હજી હમણાં તો મેળો શરૂ થયો છે. તે મારી પાસે એટલા બધા છૂટા નથી. વળી તમારાથી જ શુકન થાય છે. મહેમાન તો ભગવાન ગણાય. તો મારાથી તમારા પૈસા જ ન લેવાય.’ મહેમાન : ‘બેટા ! તને હું ખુશાલીમાં આપું છું. મને ખૂબ ભાવ્યું તેથી. રાખ, બેટા, તું મારી ડાહી દીકરી છે ને!’ ને તેઓ જતા રહ્યા. એક કલાકમાં જ રાધાનું બધું ખીચું ખલાસ થઈ ગયું. રાધાના આનંદનો પાર ના રહ્યો. સારી એવી રકમ તેની પાસે જમા થઈ હતી. તે ખૂબ ખુશ હતી. થોડી વારે માઇક ઉપરથી જાહેર થયું કે, ‘આનંદમેળામાં ભાગ લેનાર બધા વિદ્યાર્થીઓને સાંજે સાતથી આઠ દરમિયાન શહેરના મુખ્ય બગીચામાં મૂકવામાં આવેલા સાન્તાક્લૉઝ જોવા લઈ જવાનાં છે. તો સાડા છ વાગ્યે બધાં શાળાના કાર્યાલયમાં હાજર થાય. ત્યાં સાન્તાક્લૉઝ તરફથી બધાંને ભેટ આપવામાં આવશે.’ વિદ્યાર્થીઓને સાન્તાક્લૉઝ બતાવવાનું આયોજન મુખ્ય મહેમાન તરફથી હતું. આચાર્યે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે માટે પોતાના તરફથી ભેટ આપવાનું નક્કી કરેલું. શાળા તરફથી થયેલી જાહેરાત સાંભળી વિદ્યાર્થીઓ તો ખુશખુશાલ થઈ ગયાં. સાડા છ વાગ્યે બધાં બાળકો કાર્યાલયમાં આવી ગયાં. સાત વાગવા આવ્યા. આચાર્યે જોયું તો તેમાં રાધા નહોતી. તેમણે શૈલીને કહ્યું, ‘શૈલી, જા તો, રાધાને બોલાવી લાવ.’ શૈલી રાધાને બોલાવવા તેની ઓરડી પર ગઈ. તેણે રાધાને બૂમ પાડીને કહ્યું, ‘રાધા, ચાલ, તેં જાહેરાત નથી સાંભળી ? બધાંને મુખ્ય બગીચામાંના સાન્તાક્લૉઝ જોવા લઈ જવાનાં છે. ત્યાં દરેકને ભેટ પણ અપાશે. ચાલ, તારી રાહ જોવાય છે.’ રાધા તે વખતે મોટું તપેલું સાફ કરતી હતી, તે ઊભી થઈ. સવિતાબહેને કહ્યું, ‘બેટા ! જા અમે તો તને ક્યારેય લઈ જઈ નહીં શકીએ. આ બધાં સાથે જા.’ પણ રાધા તો ઊભી જ રહી. શૈલી કહે, ‘ઝટ ચાલ, બધાંને મોડું થાય છે.’ રાધાએ કહ્યું, ‘શૈલી, તમે બધા સાન્તાક્લૉઝ જોવા જાવ. મારે જોવા નથી આવવું. મારાં સાન્તાક્લૉઝ તો મારાં બા-બાપુ જ છે.’ ને તે પાછી તપેલું સાફ કરવા બેસી ગઈ.