ગુજરાતી બાળવાર્તા સંપદા/વૃક્ષમંદિર

From Ekatra Foundation
Jump to navigation Jump to search
વૃક્ષમંદિર

ગોવિંદ દરજી ‘દેવાંશુ’

સુંદરપુર નામનું ગામ. ગામ નજીક એક તળાવ. એક દિવસ ગામના આગેવાનો તળાવ કિનારે ભેગા થયા. તળાવ કિનારે મજાના ઘટાદાર વૃક્ષો. વૃક્ષો ઉપર પંખીઓના માળા. તેમના કલરવથી વાતાવરણ આનંદિત રહેતું. પેલા આગેવાનો ઉત્સાહમાં હતા. તળાવ પુરીને ત્યાં મંદિર બનાવવાનું હતું. તે માટે આજુબાજુના ઝાડ પણ કાપવાના હતા જેથી વધુ જમીનનો ઉપયોગ થાય. એક આગેવાન કહે, ‘મંદિરનું પ્રવેશદ્વાર આ બાજુ રાખવાનું.’ બીજો કહે, ‘મંદિરના દરવાજા સાગના લાકડાના...’ ને પછી ચર્ચા વધતી ગઈ. ઝાડ પરના પંખીઓએ સાંભળ્યું. નવાઈ લાગી. કાબરબેન કહે, ‘અહીં મંદિર બનાવવા દેવાય જ નહીં.’ ‘હા, મંદિર બનાવે તો આપણે ક્યાં જવાનું ?’ કહીને કોયલબેન ટૌકી રહ્યા. ખિસકોલી કહે, ‘આપણે મંદિર બાંધવા દઈશું નહીં. જે થાય તે જોઈ લઈશું.’ કહીને ખિચ્ ખિચ્ ખિચ્ ખિચ્ કરવા લાગી. ચકારાણા કંઈ ક્યાં ઓછા જાય તેવા હતા ? તેમણે કહ્યું, ‘આપણે ભેગા થઈશું. એક થઈશું પછી તે લોકોને મંદિર બાંધવાનો વિચાર પણ નહીં આવે.’ કહીને ગુસ્સો કરીને શાંત થયા. દિવસો પસાર થયા. ગામ લોકોએ મંદિર બાંધવા પરમા પૂજારીજીનો પણ સાથ-સહયોગ લીધો. આમ તો ગામનું તે પુરાતન મંદિર હતું. ગામ લોકોનો આગ્રહ હતો તે મંદિર મોટું બને તો ગામની વાહ વાહ થાય. પૂજારીજીની ઇચ્છા નવા મંદિર માટે સહેજ પણ નહોતી. સમય થવા લાગ્યો. મંદિરના બાંધકામ માટે કામ શરૂ થવા લાગ્યું. કેટકેટલાય મજૂરો... પ્રથમ તો માટી વડે તળાવ પૂરવા માંડ્યું. તળાવનું પાણી જાણે કે રડવા લાગ્યું. પંખીઓએ જોયું... એક કાગડો બુદ્ધિશાળી. તેણે યુક્તિ કરી. પક્ષીઓને કહ્યું, ‘તળાવ પુરવા આવે તેમના પર તૂટી પડવાનું.’ બધા પક્ષીઓને આ વિચાર ગમ્યો. બીજા દિવસે પેલા મજૂરો આવ્યા. તેમના પર પંખીઓ તૂટી પડ્યા. કોદાળી... પાવડા... તગારા વગેરે મૂકીને નાઠા. ગામ ભેગા થઈ ગયા. ગામમાં વાત ફેલાઈ ગઈ. ગામ આગેવાનો પંખીઓ પર ગુસ્સો થયાં. સરપંચ તે શુકદેવજી. મનાં થયું, ‘આ પંખીડા શું સમજે ?’ બીજા દિવસે તળાવતીરે ગયા. ઝાડ પર નજર કરી. શુકદેવજી પર તૂટી પડ્યા. ત્યાંથી જીવ લઈને નાઠા. ત્રીજા દિવસે બીજા આગેવાનો તળાવતીરે ગયા. તેમની પણ આવી જ દશા કરી. વીલા મોંએ તળાવથી પાછા ફર્યા. રવિવાર હતો. સવારના દસેક વાગે ગામચોરો ભરાયો. પેલા ચતુર કાગડાને ખબર પડી ગઈ. એ તો બીજા કાગડા અને બીજા પંખીઓને લઈને ગામચોરે ઉપડ્યો. ત્યા પંખીઓને લઈને ગામચોરે ઉપડ્યો. ત્યાં પંખીઓએ કલશોર કરી મૂક્યો. ઊડાઊડ કરી મૂકી. ગામના આગેવાનોને મંદિર અંગે ચર્ચા કરવાની તક જ ન મળી, પરંતુ પૂજારી હાજર હતા કહ્યું, ‘આ પંખીઓને પણ સાંભળો.’ ‘હે પૂજારીજી, આ પંખીઓને શું સાંભળવાનું ? તેઓ કંઈ આપણા માલિક ઓછા છે ?’ શુકદેવભાઈ સરપંચે પ્રશ્ન કર્યો. બધા શાંત થયા. પંખીઓ શાંત થયા. ચતુર કાગડાએ કહ્યું, ‘હે ગ્રામજનો... તમારે મંદિરની શી જરૂર છે ? ગામમાં તો મંદિર છે. તળાવ પુરશો તો પાણી ક્યાંથી મળવાનું છે ? ઝાડવા કાપી નાખશો તો છાંયો ક્યાં મળવાનો છે ? આપણને ફળ-ફૂલો ક્યાંથી મળશે ? વૃક્ષો જ સાચા મંદિર છે ?’ સાંભળનાર સૌને નવાઈ લાગી. ગામ આગેવાનોએ નવું મંદિર બાંધવાનો નિર્ણય પડતો મૂક્યો. પંખીઓ ઊડતા ઊડતા તળાવતીરે પહોંચ્યા. વૃક્ષો પર બેઠા. વૃક્ષો ખુશ થયા. તળાવને પણ સમાચાર કહ્યા. તળાવ જાણે કે ખુસ થઈ હસવા લાગ્યું. પરમા પુજારીના આનંદની કોઈ જ સીમા ના રહી.