ગુજરાતી બાળવાર્તા સંપદા/વૈદકાકાની પડીકી
ઘનશ્યામ દેસાઈ
કિરાતને એક દિવસ શરદી થઈ. બાજુમાં વૈદકાકા રહેતા હતા. કિરાત વૈદકાકા પાસે ગયો. રાત પડી ગઈ હતી એટલે વૈદકાકા ઊંઘમાં હતા. કિરાતે કહ્યું : ‘વૈદકાકા, મને શરદી થઈ છે. દવા આપો ને !’ વૈદકાકાએ મોટું બગાસું ખાધું. પછી ધીમે ધીમે ઊભા થયા. આંખો ચોળી. આળસ મરડી, ત્રણચાર દવાઓ ભેગી કરી એક પડીકી બનાવી. આ બધું ઊંઘમાં ને ઊંઘમાં. કિરાત પડીકી લઈ ઘેર ગયો. પડીકી ફાકી પાણી પીધું. એને ઘસઘસાટ ઊંઘ આવી ગઈ. સવા૨માં ઊઠ્યો ત્યારે એને ખૂબ તરસ લાગી હતી. કિરાતને થયું કે પોતે ખૂબ બળવાન બની ગયો છે. રસોડામાં જઈ માટલું ઊંચકી મોંએ માંડ્યું. કિરાત બધું પાણી ગટગટાવી ગયો. એનાં પપ્પા-મમ્મી ખૂબ નવાઈ પામ્યાં. આજે રવિવાર હતો. દસેક જેટલા મહેમાનો જમવા આવવાના હતા. બે થાળ ભરીને લાડુ બનાવ્યા હતા. ચાર થાળ ભરીને પૂરીઓ બનાવી હતી. ખૂબ શાક અને દાળ અને ભાત બનાવ્યાં હતાં. મહેમાન આવ્યા. સૌ બહાર બેઠા. કિરાત છાનોમાનો રસોડામાં પેઠો. ઝટપટ બધું સફાચટ કરી, ઘડો ભરી પાણી પી પેટ ૫૨ હાથ ફેરવતો બહાર નીકળ્યો. કિરાતની મમ્મી રસોડામાં ગઈ તો ખાલી વાસણો જોઈ નવાઈ પામી. કિરાતને બોલાવ્યો. એ કહે : ‘મને બહુ ભૂખ લાગી હતી એટલે હું બધું ખાઈ ગયો.’ મહેમાનો તો દિંગ થઈને જોઈ રહ્યા. દસ વાગે કિરાત સ્કૂલમાં ગયો. આજે રમતગમતનો દિવસ હતો. દોરડા-ખેંચની રમત શરૂ થઈ. કિરાતે કહ્યું : ‘બધા છોકરા એક બાજુ ને એક બાજુ હું એકલો, જોઈએ કોણ જીતે છે ?’ બધા છોકરા એક બાજુ આવી દોરડું ખેંચવા માંડ્યા. પણ કિરાત એક જ હાથે દોરડું પકડી બધાને ખેંચી ગયો. આખી સ્કૂલના છોકરાઓએ તાળીઓનો ગડગડાટ કર્યો. હસતો હસતો કિરાત ઘે૨ પાછો આવતો હતો. રસ્તામાં થોડાક ગુંડાઓ મારામારી કરતા હતા. કિરાતને ખૂબ ગુસ્સો ચઢ્યો. ફૂટપાથ ૫૨ એક મોટું ઝાડ હતું. એણે ગુસ્સામાં ઝાડ ખેંચ્યું ને ઝાડ એના હાથમાં ખેંચાઈ ગયું. ઝાડ ખભે નાખીને કિરાત ગુંડાઓની પાછળ દોડ્યો. ભીમની જેમ દોડી આવતા કિરાતને જોઈને ગુંડાઓ, જીવ લઈને ભાગી ગયા. ઝાડનો ઘા કરીને કિરાત ઘેર ગયો. રાતના મોટું તપેલું ભરીને ખીચડી ખાઈ સૂઈ ગયો. સવારે ઊઠ્યા પછી રસોડામાં પાણી પીવા ગયો. પણ માટલું ઊંચકાયું નહીં. પાણી પણ અરધો પ્યાલો માંડ પીવાયું. રોટલી પણ અડધી જ માંડ ખવાઈ. કિરાત દોડીને વૈદકાકા પાસે ગયો. એણે કહ્યું : ‘વૈદકાકા, પડીકી આપો ને !’ વૈદકાકાએ શરદીની પડીકી આપી. કિરાત કહે : ‘એ નહિ, પે...લ્લી પડીકી આપો ને !’ હજીયે વૈદકાકા ઊંઘમાં આવે છે ત્યારે કિરાત એમની પાસે જઈ કહે છે, ‘વૈદકાકા પેલી પડીકી આપો ને !’