ગુજરાતી બાળવાર્તા સંપદા/સૌથી વહાલી છુટ્ટી

સૌથી વહાલી છુટ્ટી

રવજીભાઈ કાચા

રુચિબહેન અને તેમનાં નાની બહેન શુચિબહેન. બન્ને બહેનો તેમનાં મમ્મી-પપ્પાને લઈને બહારગામ રહેતાં હતાં. રુચિબહેન કૉલેજમાં ભણાવવાની નોકરી કરે અને શુચિબહેન કૉલેજમાં ભણે. આમ તો આ લોકોને તેમના વતનમાં ઘ૨નું ઘ૨ હતું. પણ બહારગામમાં તેઓ ભાડે રહેતાં હતાં. મકાનમાલિક કુસુમબહેન નીચે રહે અને રુચિ-શુચિ ઉ૫૨ રહે. કુસુમબહેને એક પોપટ પાળ્યો હતો. રુચિબહેનને પાંજરામાં પૂરેલો પોપટ જોઈને દુઃખ લાગ્યું. એક ટબમાં પાંજરું મૂકી કુસુમબહેને તેની ઉપર અરધી ડોલ પાણી નાખ્યું. પોપટ થથરી ઊઠ્યો. કુસુમબહેને પોપટને નવરાવી નાખ્યો. ‘અરે, અરે, આવું ન કરાય. આ તો તેને નાહવાની ઇચ્છા ન હોય તોપણ બિચારાને પરાણે નાહવું પડે. ટબમાં જરાક જેટલું પાંજરું ડૂબે, એટલું જ પાણી પહેલેથી નાખો. પછી તેમાં પાંજરું મૂકો. તેને નાહવું હશે તો પાણીમાં પડશે. નહીંતર પાંજરામાં ઉ૫૨ના ભાગમાં બેઠો રહેશે. તેને પરાણે નવરાવો એ તો જુલમ કર્યો કહેવાય.’ રુચિબહેને પોપટનો પક્ષ ખેંચ્યો. બીજે દિવસે રુચિબહેને પૂછી પૂછીને જાણી લીધું કે કુસુમબહેન પોપટને શું ખવડાવે છે. ‘જમરૂખ અને મરચું.’ બિચારો પોપટ એક ને એક વસ્તુ ખાઈને કંટાળી ગયો હશે. રુચિબહેનનાં મમ્મી-પપ્પા બજારમાંથી રોજ નવો નવો ભાગ લેતાં આવે અને પોપટને ખવરાવે. કદીક ભોંયશિંગ લાવે. રુચિ-શુચિ અને મમ્મી-પપ્પા બધાં ફોલી ફોલીને પોપટને શિંગ આપે. પણ પોપટ તો ફોલેલી શિંગને પણ ફોલી જાણે. તેનું લાલ ફોતરું ઉખાડીને પછી શિંગ ખાય. કદીક સરગવાની શિંગ લાવે. તેનાં બીજ પણ ફોલીને આપે છતાં પોપટ તેને બીજી વખત ફોલી તેનું પાતળું ફોતરું ફેંકીને નવું નક્કોર ચમકતું બીજ કાઢીને જમે અને નાચતો જાય. કદીક ચોળીની શિંગ, કદીક ગુવા૨ની શિંગ, કોઈ દિવસ વળી લીલા વટાણાની શિંગ લાવીને ખવડાવે. કદીક બદામ લઈ આવે. મમ્મી-પપ્પા શાક લઈને ક્યારે આવે તેની રાહ પોપટ પણ જોયા કરે. ભાગ ખવડાવતાં ખવડાવતાં રુચિ-શુચિ ગીત ગાય :

‘જમરૂખ, બોરાં, શિંગ, વટાણા,
મરચાં તીખી પટ્ટી,
સરગવો તો બહુ બહુ વહાલો;
સૌથી વહાલી છુટ્ટી.’

પછી તો પોપટ સાદ પાડી પાડીને રુચિ-શુચિને બોલાવે. રુચિ-શુચિ એને ‘પોપટ ! પોપટ !’ એમ બોલાવે તેથી પોપટ પણ એમને ‘પોપુ-પોપુ’ - એમ બોલાવે. કોઈ દિવસ તો બહુ ખુશ થાય ત્યારે ‘પોપટે-પોપટે-પોપટે-પોપટ’ - એમ લાંબું લાંબું બોલે. દૂધવાળો આવીને બૂમ મારે કે તરત પોપટ મોટેથી રુચિ-શુચિને સાદ પાડે : ‘પોપુ ! એ પોપુ !’ રુચિ-શુચિ ‘એ, હા.’ - એમ જવાબ ન દે ત્યાં સુધી પોપટ સાદ પાડ્યા જ કરે. દૂધ લઈને સીધાં ઉપર ચાલ્યાં જાય તો ચીસાચીસ કરી મૂકે. રુચિ-શુચિને પોપટ પાસે જવું જ પડે. પાંજરાનો દરવાજો થોડો ઊંચો કરીને અંદર હાથ નાખવો પડે અને પોપટને પંપાળવો પડે. પછી જ તેઓ પોતાને ઘે૨ જઈ શકે. તેમનાં મમ્મી-પપ્પા સાથે પણ પોપટ એટલું જ હળી ગયેલો, પણ છોકરીઓ વારંવાર દોડતી આવે તેથી તે બે એને વધારે ગમતી. ઘણી વા૨ તો હેત કરાવવાની તેને એટલી બધી ઉતાવળ આવી જાય કે તે ડોક ગોળ ગોળ હલાવીને ‘પાંજરાની અંદર હાથ નાખો.’ - એમ સમજાવે. છોકરીઓ જરાક આછો આછો ભાર દઈને તેને પંપાળે એટલે તે ધીમે ધીમે પોપુ-પોપુ’ - એમ બોલે. અને રુચિ-શુચિ પોપટનું ગીત ગાય :

‘જમરૂખ, બોરાં, શિંગ, વટાણા,
મરચાં તીખી પટ્ટી,
સરગવો તો બહુ બહુ વહાલો;
સૌથી વહાલી છુટ્ટી.’

પોપટ આમાં કાંઈ સમજે નહીં પણ માથું જમણે ડાબે હલાવતો શાંતિથી સાંભળ્યા કરે. પોપટને તો મજા પડતી પણ તેના કરતાંય વધુ મજા તો રુચિ-શુચિને પડતી કે એક જીવતા પક્ષીને અડીને વહાલ કરી શકાતું હતું અને પક્ષી પણ માળું સામેથી વહાલ કરતું હતું. પછી તો એ ઉપર જવા માટે ચીસો પાડતો. ‘પોપુ ! પોપુ !’ - કહીને રુચિ-શુચિને સાદ પાડ્યા કરે અને પાંજરામાં ઠેકડા મારી ચાંચ ભટકાડ્યા કરે. એટલે કંટાળીને કુસુમબહેન ઘણી વખત પાંજરું રુચિ-શુચિને આપી આવતાં અને કહેતાં, ‘લો, આ તમારા વિના નથી રહેતો.’ રુચિએ યુક્તિ કરી : બારી-બારણાં બંધ કરી દે. પંખો પણ બંધ કરી દે અને રોજ પોપટને બહાર કાઢે. પોપટ આખા ઘરમાં આંટા મારે. ઊડતાં તો આવડતું નહોતું તેથી બે પગે ચાલ્યા કરે. મોટા કારભારીની જેમ ઠસ્સાથી ચાલે હોં ! પછી રુચિ-શુચિ ગીત ગાવા માંડે :

‘જમરૂખ, બોરાં, શિંગ, વટાણા,
મરચાં તીખી પટ્ટી,
સરગવો તો બહુ બહુ વહાલો;
સૌથી વહાલી છુટ્ટી.’

ત્યારે પોપટ રુચિના પગથી શરૂ કરી ચાંચથી તેનાં કપડાં પકડતો પકડતો તેના મોઢા સુધી ધીરે ધીરે ચઢે. રુચિની દાઢીએ એક કાળો તલ. તે પોપટને ન ગમે તેથી તેને ખોતરવા તે રોજ પ્રયત્ન કરતો. શુચિ ગીત ગાય તો પોપટ તેની ઉપર પણ ચઢતો અને તેના કાનનાં લવિંગડાં સાથે રમતો. રુચિ-શુચિના પપ્પા હોઠથી સીટી વગાડે તે તો પોપટને બહુ ગમે. તે ડોકી ડોલાવી ડોલાવીને સાંભળે. અને પપ્પા પણ રુચિ-શુચિ ગાતાં તે જ ગીત સીટીમાં વગાડતાં. કોઈ વા૨ રુચિ-શુચિનાં મમ્મીના ખોળામાં ચઢીને પોપટ બેસતો. પછી આ ગોઠણથી તે ગોઠણ અને તે ગોઠણથી આ ગોઠણ તે ચઢ-ઊતર કરતો. પોપટને રુચિ-શુચિ બહુ વહાલથી બચી પણ ભરતાં. અરે, પોપટ પણ તેમને ગાલે પપ્પી કરતો. થોડી વાર પછી રુચિ-શુચિ તેને ફરીથી પાંજરામાં મૂકી દેતાં. આ તો રોજનો ક્રમ થઈ ગયો. તેમાં એક વાર ખરું થયું, હોં : રસોડામાં રુચિ-શુચિનાં મમ્મીના હાથમાંથી અચાનક થાળી નીચે પડી ગઈ. વાસણ પછડાતાં જે અવાજ થયો તેનાથી ચમકીને પોપટ ઊડી પડ્યો. અને દીવાલ સાથે અથડાઈને પાછો નીચે પડ્યો. શુચિએ તેને તેડી લીધો અને હેત કરીને પાંજરામાં પાછો મૂકી દીધો. પણ આજે પોપટને સમજાઈ ગયું કે હું પણ ઊડી શકું ખરો. રુચિ-શુચિએ ફરીથી ગીત સંભળાવ્યું :

‘જમરૂખ, બોરાં, શિંગ, વટાણા,
મરચાં તીખી પટ્ટી,
સરગવો તો બહુ બહુ વહાલો;
સૌથી વહાલી છુટ્ટી.’

સાંજે બધાં પક્ષીઓ ઊડતાં ઊડતાં કિલકિલાટ કરતાં પોતપોતાના ઘ૨ ભણી જતાં હોય ત્યારે પોપટનું પાંજરું રુચિ અગાશીમાં લાવતી અને કપડાં સૂકવવાની દોરી ઉપર ટાંગી દેતી. પોપટડાં જ્યારે ‘કિલુ કિલુ’ ગાતાં પસાર થતાં ત્યારે આ પોપુલાલની પાંખો ફફડ ફફડ થતી. અને તે આકાશમાં ઊંડે ઊંડે તાક્યા કરતો ત્યારે રુચિ-શુચિ ગીત ગાતાં :

‘જમરૂખ, બોરાં, શિંગ, વટાણા,
મરચાં તીખી પટ્ટી,
સરગવો તો બહુ બહુ વહાલો;
સૌથી વહાલી છુટ્ટી.’

પોપટ ઉદાસ થઈને સાંભળ્યા કરતો. રુચિ રોજ સાંજે એને અગાશીમાં લઈ જઈને આવો ઉદાસ બનાવતી. અને કહેતી, ‘પોપુ ! મને માફ ક૨જે. પણ હું તારી આંખમાં એક સમણું આંજું છું.’ પછી તો ક્રમ થઈ ગયો કે રોજ બપોરે બારી-બારણાં બંધ કરી પાંજરું ખોલવાનું અને રોજ સાંજે અગાશીમાં પાંજરું ટાંગવાનું. પછી તો પોપટ પાંજરાની બહાર નીકળીને આંટા મારતો હોય ત્યારે રોજ જાણીજોઈને વાસણ પછાડવામાં આવતું અને પોપટભાઈ ઊડી પડતા. પહેલાં પહેલાં તો તાક નહોતી આવી એટલે જ્યાં ત્યાં ભટકાતા, પણ પછી તો ધીરે ધીરે ધાર્યું ઊડતાં આવડી ગયું. ઊડીને વળગણી ઉપર બેસતા, કબાટ ઉપ૨ બેસતા, રેડિયો ઉપર બેસતા, પંખાના પાંખિયા ઉ૫૨ બેસતા, રુચિ-શુચિને ખભે પણ હવે ઊડીને જ બેસતા. ક્યારેક તો આખા રૂમના આકાશમાં ગોળ ગોળ ઊડ્યા કરતા. પણ સૌથી પહેલાં ઊડવા માટે વાસણનો ખખડાટ જરૂરી રહેતો. હવે તો તેને પાંજરામાં પૂરવાનું અઘરું પડતું. તે હાથમાં જ ન આવતો. તેથી હવે તો પાંજરામાં પૂરવો હોય ત્યારે રુચિ-શુચિના પપ્પા સીટીમાં ગીત વગાડવા માંડતા એટલે પોપટ તેમને ખભે ઊડીને બેસતો, પછી છાતીએ ઊભો રહીને હોઠ સામે જોઈ ડોલવાનું શરૂ કરતો એટલે તેને પકડીને પાંજરામાં મૂકી દેતા. અથવા તો રુચિ-શુચિ ગીત ગાવા માંડતાં કે :

‘જમરૂખ, બોરાં, શિંગ, વટાણા,
મરચાં તીખી પટ્ટી,
સરગવો તો બહુ બહુ વહાલો;
સૌથી વહાલી છુટ્ટી.’

ગીત સાંભળવા તે તેમને ખભે ઊડીને બેસી જતો એટલે તેઓ તેમને પકડીને પાંજરામાં મૂકી દેતાં. પોપટભાઈને તો બરોબર ઊડતાં આવડી ગયું, પણ શરત એટલી કે વાસણ પછડાવું જોઈએ. શુચિ કહે, ‘આપણે તેને ઉડાડી દેશું ?’ રુચિ કહે, ‘ના હોં, કુસુમબહેન લડે. એમને હાથે જ આ ઊડી જાય એવું આપણે કરવું છે.’ પછી ધીમેથી તેણે પોપટને કહ્યું, ‘તમારા ઊડવાનું શુભ મુહૂર્ત હજુ બેઠું નથી, પોપુભાઈ !’ અને એક દિવસ એ મુહૂર્ત બેઠું. રુચિ-શુચિ તો કૉલેજ ગયેલાં. તેમનાં મમ્મી-પપ્પા બજારમાં ગયેલાં. અને પોપટે પાંજરાની બહાર નીકળવા ‘પોપુ ! પોપુ !’ એમ સાદ પાડી પાડીને, ઠેકડા મારી મારીને કકળાટ કરી મૂક્યો. પાંજરું તો કાંઈ ડોલે ડોલે ડોલે ! અને પોપટ ‘પોપુ ! પોપુ !’ બોલે. કુસુમબહેનને તો એટલી જ ખબર હતી કે પોપટને રુચિ-શુચિ પાંજરાની બહાર કાઢે છે અને પોપટ જમીન ઉ૫૨ આંટા મારે છે. આનાથી વિશેષ રુચિ-શુચિએ એમને જણાવ્યું નહોતું. આનાથી વિશેષ એટલે શું ? હાં, તો તેને ઊડતાં આવડી ગયું છે તે વાતની કુસુમબહેનને ખબર નહોતી; તેથી પોપટને કકળાટ અને તોફાન કરતો જોઈને તેમણે તેને પાંજરાની બહાર કાઢ્યો. બારણામાંથી તે બહાર ન ભાગી જાય તેથી ઉંબરા આડે પગ લાંબો કરીને કુસુમબહેન ચોખા વીણતાં બેઠાં. ત્યાં અચાનક તેમના હાથમાંથી ચોખાની થાળી પડી ગઈ ઢણણણણણ. અને પોપટભાઈ ઊડ્યા. અરે ! આજે તો દોડતાને ઢાળ મળ્યા જેવું થયું; કારણ કે બારીબારણાં ફટાક ખુલ્લાં હતાં. પોપટભાઈ ઊડ્યા. તો એવા ઊડ્યા, એવા ઊડ્યા કે ન આડો આવ્યો ઉંબરો કે ન આડો આવ્યો કુસુમબહેનનો પગ. આકાશમાં આઘે… આઘે… આ…ઘ્ઘે ક્યાં...ય પોપટભાઈ ઓગળી ગયા. કુસુમબહેન તો જોતાં જ રહ્યાં. અને પછી મંડ્યાં રડવા. એટલામાં રુચિ-શુચિ કૉલેજથી આવી ગયાં. ‘શું થયું ? શું થયું ?’ કુસુમબહેન રડતાં રડતાં બોલ્યાં, ‘આપણો પોપટ ઊડી ગયો. મેં એને તે નાનકડું પોપટડું હતો ત્યારથી પાળ્યો હતો. હવે તેને મીંદડી ખાઈ જશે તો ? અરે, તેને કૂતરાએ પકડી લીધો હશે તો ? કાગડાઓએ મારી નાખ્યો હશે તો ?’ રુચિબહેન કહે, ‘કશું નહીં થયું હોય. અને થયું હશે તોપણ તેને વિશાળ આકાશમાં, ખુલ્લી હવામાં તેના જાતભાઈઓની જેમ ઊડવાનો જે આનંદ થયો હશે તેની આગળ એ બધાં કષ્ટોની કોઈ વિસાત નથી. મુક્તિનો આનંદ એણે ભોગવ્યો હશે તે મોટી વાત છે. મારું ચાલે તો હું બધાં પાંજરાંઓનાં પક્ષીઓને બારી-બારણાં બંધ કરી પહેલાં ઊડતાં શિખવાડી દઉં અને પછી ઉડાડી મૂકું. સૌને પોતાની મુક્તિ સૌથી વહાલી હોય છે. પોપટને તેની સૌથી વહાલી છુટ્ટી મળી. તેનો મને આનંદ છે.’ કુસુમબહેન કહે, ‘પણ મને પોપટ વિના નહીં ગમે.’ રડતાં રડતાં શુચિ બોલી, ‘પોપટ તો અમને પપ્પી કરતો’તો, તમને કરતો’તો ? પોપટ વિના તો અમનેય નહીં ગમે, પણ એટલે કાંઈ એને જેલમાં ઓછો પૂરી રખાય ?’ રુચિબહેન પોતાની આંખો લૂછતાં લૂછતાં બોલ્યાં, ‘ચાલો, આજે પૂરણપોળી રાંધીએ. અને પોપટની છુટ્ટીનો આનંદ મનાવીએ.’ મમ્મી-પપ્પા બજારમાંથી આવ્યાં ત્યારે રુચિ-શુચિએ આ સરસ સમાચાર આપ્યા કે પોપટે એની વહાલી છુટ્ટી મેળવી લીધી. મમ્મી-પપ્પા પહેલાં તો ખુશ થયાં પણ પછી થોડાં દુઃખી થઈને બોલ્યાં, ‘હવે આપણે કોને માટે નવું નવું શાક અને નવાં નવાં ફળો લાવશું ? પોપુ નવો નવો ભાગ જોઈને કેવો નાચતો’તો ! હવે આપણે એને નહીં પંપાળી શકીએ. હશે ચાલો, એ છુટ્ટો થઈને આકાશમાં ઊડતો હશે, તેના જાતભાઈઓને મળતો હશે - તે આનંદની વાત છે.’ થોડા દિવસ પછી રુચિબહેને કુસુમબહેનને કહ્યું, ‘અમે હવે બીજે રહેવા જવાનાં છીએ.’ કુસુમબહેન કહે, ‘કેમ ? અહીંયાં શો વાંધો છે ? અરે, ભાડું વધારે લાગતું હોય તો થોડું ઓછું આપજો, બસ ?’ ‘ના, એવું તો કંઈ નથી. પણ અમે હવે બીજે રહેવા જશું. એક મકાન નક્કી કરી રાખ્યું છે. ત્યાં પણ મકાનમાલિક તેમના કુટુંબ સાથે ૨હે છે. તમારા જેવાં જ સૌ મળતાવડાં છે, તેથી અમારી ચિંતા ન કરશો.’ અને રુચિ - શુચિ તેમનાં મમ્મી - પપ્પા સાથે બીજા મકાનમાલિકના ઘરે ભાડૂત તરીકે રહેવા ગયાં. ત્યાં પણ એક પોપટ પાંજરામાં ઝૂલતો હતો. બાલમિત્રો ! તમે કહી શકો છો કે રુચિ-શુચિ કુસુમબહેનનું મકાન ખાલી કરી આ બીજા મકાનમાં રહેવા શા માટે ગયાં હશે ?