ગુજરાતી બાળવાર્તા સંપદા/હાથીનું નાક
નાગરદાસ ઈ. પટેલ
બહુ જૂના જમાનાની વાત છે. એ વાત મને મારા દાદાએ કરેલી. મારા દાદાને તેમના દાદાએ કરેલી. એવી જૂની વાત છે. એ વાત જે વખતે બની તે વખતે આ ધરતી ઉપર બધાં જાનવર સંપીને રહેતાં. એકેએક જાનવર : વાઘ, સિંહ, હાથી, વરુ, સાપ, શિયાળ બધાંયે કૂણું કૂણું ઘાસ ખાતાં : સંપીને રહેતાં અને આનંદ કરતાં. આજે આપણે જોઈએ છીએ તેવી તે વખતે હાથીને સૂંઢ ન હતી, પણ એને ઠેકાણે પોપટની ચાંચ જેવું મઝાનું નમણું નાક હતું અને સાપને ચાર સુંદર પગ હતા. ચારે પગે એ બહુ જ ઝડપથી ચાલી શકતો. એક દહાડો વાતમાં ને વાતમાં હાથીએ ગોળો ગબડાવ્યો કે દુનિયામાં મીઠામાં મીઠો ખોરાક શું હોઈ શકે. હાથીભાઈના એ સવાલથી ચારે બાજુ ખૂબ ચર્ચા થવા માંડી. દરેક જણ જુદો જુદો જવાબ આપવા લાગ્યું. એમાં સાપ બોલી ઊઠ્યો : ‘મારા મત મુજબ હાથીનું લોહી ભારે મીઠું હોય છે.’ સાપની વાત ઉપર અનેક વાંધા રજૂ થયા. એ બધાનો મુદ્દો એમ હતો કે દુનિયા પર જાતજાતનાં અને ભાતભાતનાં પ્રાણીઓ વસે છે અને એ દરેકના લોહીનો સ્વાદ જુદો જુદો હોય છે. મામલો રસાકસી પર ચડ્યો અને સાપે પોતાનો મિજાજ ગુમાવી દીધો. એણે પોતાની વાત ખરી છે એમ સાબિત કરી આપવાનું બીડું ઉઠાવ્યું પણ એ પુરવાર શી રીતે કરવું તે વાતનો વાંધો પડ્યો. એ વાતનો નિકાલ કરવાનું દેવચકલીએ માથે લીધું અને બોલી : ‘આજ સુધી કોઈએ એ રીતે જનાવરોનું લોહી ચાખ્યું નથી અને ચાખ્યા વિના ખરાખોટાની પરીક્ષા થઈ શકે એમ નથી.’ દેવચકલીની એ વાત સાંભળી હાથીએ લોહીની પરીક્ષા કરવામાં કેવી કેવી મુશ્કેલી નડે છે તે વાત રજૂ કરી અને ઉમેર્યું : ‘બધાં પ્રાણી એવી રીતે પોતાનું લોહી ચાખવા દે એ બનવાજોગ નથી.’ દેવચકલીએ જરા વાર વિચાર કરીને એ વાતનો તોડ કાઢ્યો. એણે સૂચના કરી : ‘આપણે એ કામ મચ્છરને સોંપીએ. આપણા તરફથી એ દરેક પ્રાણી પાસે જાય અને એના શરીરમાંથી જરા જેટલું લોહી લે. આ રીતે બધાં પ્રાણીઓનું લોહી ચાખીને સૌથી વધારે મીઠું લોહી કોનું છે તે બાબતનો એ પોતાનો અભિપ્રાય આપે. એક વરસ ને એક દિવસની એને મુદ્દત આપીએ. ત્યાં સુધીમાં એણે પોતાનું કામ પતાવવું.’ ‘દેવચકલીની વાત બરાબર છે. મારા ચારે પગના સોગન ખાઈને કહું છું કે મારા કહેવા પ્રમાણે જ મચ્છર પોતાનો અભિપ્રાય આપશે.’ સાપે કહ્યું. ‘મારા સુંદર નાકના સોગન લઈને કહું છું : મચ્છરનો અભિપ્રાય સાપની વિરુદ્ધ આવશે.’ હાથી બોલ્યો. હાથીનું લોહી મીઠું છે એવું સાપે કહ્યું તેથી હાથીને ઘણું ખોટું લાગ્યું હતું. ‘હરકત નહિ.’ સાપ બોલ્યો. ‘વરસ આખરે જો તમે હારી જાવ તો તમારે તમારું નાક ગુમાવવું અને હું હારી જાઉં તો મારે મારા પગ ગુમાવવા. જનાવરોની મહાસભાને આ વાતનો નિકાલ સોંપીશું.’ ‘કબૂલ છે ! કબૂલ છે !’ હાથીએ મોટેથી કહ્યું, ‘મારા નાક સાટે એ વાત કબૂલ છે.’ દેવચકલીએ મચ્છરને સઘળી વાત કરી અને એને પ્રાણીઓનું લોહી ચાખવાનું અને કોનું લોહી વધારે મીઠું છે તે એક વરસમાં નક્કી કરીને કહેવાનું કામ સોંપ્યું. મચ્છરે એ કામ કરવાનું કબૂલ કર્યું. વખતને જતાં વાર લાગતી નથી. વરસ થઈ ગયું, ઉપર એક દહાડો પણ થયો. જનાવરોની મહાસભા મળી. સિંહે પ્રમુખસ્થાન લીધું. એની બાજુમાં શિયાળ બેઠું. ચારે બાજુ બધા દરબારીઓ, વાઘ, વરૂ, રીંછ, સાપ, લોંકડી, હાથી, ઘોડો, રાડો સસલો વગેરે બેઠાં. આ સવાલે ભારે ચર્ચા ઉપાડી હતી એટલે ગરુડ, હંસ, કપોત, ખંજન, ચાતક, સમડી, બાજ, કાકાકૌવા વગેરે પક્ષીઓને રસ પડતો હોવાથી સભામાં આવ્યાં હતાં. દેવચકલીને સાપ જોડે સારો બનાવ ન હતો. સાપ હારી જાય તો મઝા પડે એવું એના મનમાં હતું. એ મચ્છરને તેડવા ગઈ. જાતજાતનાં પ્રાણીઓનું લોહી ચાખીને મચ્છર એટલો બધો મસ્ત થઈ ગયો હતો કે એની યાદશક્તિ પણ ઓછી થઈ ગઈ હતી. પોતાને સોંપેલું કામ કરવા છતાં એને યાદ રહ્યું ન હતું. વરસ થઈ ગયું તે એ પણ ભૂલી ગયો હતો. દેવચકલીએ એને બધું સંભારી આપ્યું ત્યારે એને યાદ આવ્યું. દેવચકલીએ એને પૂછ્યું : ‘બધાં જનાવરોમાં તને કોનું લોહી વધારે, મીઠું લાગ્યું ?’ મચ્છરે જવાબ દીધો : ‘હાથીનું.’ ખરું પૂછો તો શો જવાબ આપવો તેની મચ્છરને સમજ પડી નહિ. કોનું લોહી વધારે મીઠું છે તે જ એ ભૂલી ગયો હતો એટલે એણે જેમ આવ્યું તેમ બોલી નાખ્યું. દેવચકલીએ હાથીનું નામ જોઈતું ન હતું. એ ધીરે રહીને મચ્છરની પાસે આવી અને બોલી : ‘તેં શું કહ્યું ભાઈ ? આ પવન એટલો બધો ફૂંકાય છે કે તું બોલ્યો તે મારાથી સંભળાયું નહિ. જરા પાસે આવીને બોલે તો મને બરાબર સંભળાય.’ એ સાંભળી મચ્છર દેવચકલીની પાસે આવ્યો અને મોઢું ઉઘાડી બોલવા ગયો : ‘હાથીનું’ પણ એ બોલે તે પહેલાં દેવચકલીએ વીજળીની ઝડપે મચ્છરની જીભ ખેંચી કાઢી. મચ્છર મૂંગો થઈ ગયો. જીભ વિના શી રીતે બોલાય ? દેવચકલી સામે ફરિયાદ કરવા એ પ્રાણીઓની મહાસભામાં ગયો ને સિંહ પાસે જઈને બોલવા માંડ્યું પણ બોલે શી રીતે ? એના મોઢામાંથી અવાજ નીકળ્યો : ‘ગુન્ ગુન્ ગુન્ ગુન્.’ પ્રાણીઓની મહાસભા મચ્છરે આપેલા જવાબથી વિચારમાં પડી ગઈ. એના કહેવાનો અર્થ શો ? એ કઈ ભાષા બોલતો હતો ? ‘મચ્છર કહે છે તે હું સમજું છું.’ દેવચકલી બોલી. ‘એ કહે છે મેં દેશ-દેશનાં પ્રાણીઓનું લોહી ચાખ્યું છે અને તેમાં સૌથી વધારે મીઠું લોહી સાપનું છે.’ ‘ખોટી વાત ! ખોટી વાત !’ સાપે બૂમ મારી. ‘મચ્છર કહે છે તે હું સમજું છું. એનો અર્થ એવો છે કે સૌથી મીઠું લોહી હાથીનું છે. જેને એ વાત કબૂલ ન હોય તે મારી સામે આવી જાય. હાથીભાઈ હારી ગયા છે માટે એમનું નાક ગુમાવે.’ એમ કહીને સાપ હાથીના નાકે વળગ્યો. ‘સબૂર ! સબૂર !’ દેવચકલીએ રાડ પાડી. ‘થોભો !’ સિંહ બોલ્યો : ‘આ રીતે કૂદી ન પડાય. છેવટનો નિર્ણય મારે કરવાનો છે.’ પણ સાપે તો હાથીનું નાક પોતાનાં બે જડબાં વચ્ચે એટલા જોરથી પકડી રાખ્યું હતું કે એને છોડાવવાને અનેક પ્રાણીઓ કૂદી પડ્યાં અને ખેંચવા લાગ્યાં. એક બાજુ હાથી ઊભો હતો. અડગ અને અણનમ. દરદની એને દરકાર ન હતી. હાથીનું નાક જડબામાં જકડીને સાપ લટકી રહ્યો હતો. એને અનેક પ્રાણી ખેંચતાં હતાં પણ સાપ છોડ્યો છૂટતો ન હતો. આ રસાકસી પહેલાં પોપટની ચાંચ જેવું નમણું હાથીનું નાક હતું તે ખેંચાઈને ત્રણ હાથ જેવડું લાંબું થઈ ગયું. સાપ ખેંચાઈને ખૂબ પાતળો થઈ ગયો. છેવટે એના જડબાંમાંથી હાથીનું નાક છૂટી ગયું. સાપને સજા કરવાનું મહાસભાએ નક્કી કર્યું. એનું વર્તન ઉદ્ધત હતું. ‘એના ચારે પગ ખેંચી કાઢો.’ સિંહે કહ્યું : ‘ચોપગાંની નાતમાંથી એને કાઢી મૂકો.’ તરત જ બધાં જાનવરો સાપ ઉપર તૂટી પડ્યાં. એમણે સાપના પગ ખેંચી કાઢ્યા. તે દિવસથી સાપે પોતાના પગ ગુમાવ્યા. પોતાના મિત્રનું નાક કદરૂપું થઈ ગયેલું જોઈ દેવચકલીની આંખમાં આંસુ આવ્યાં. એને છાની રાખતાં હાથીએ કહ્યું : ‘તારે દિલગીર થવાની જરૂર નથી. મને બહારના ડોળદમામ ને ભપકાની જરૂર નથી. મારું નાક ભલે લાંબું થયું. મારું મોઢું ઊંચું છે એટલે નાક મને ખાવામાં મદદ કરશે. પ્રભુ જે કરે છે તે સારાને માટે. રોવું બંધ કર અને તારું સંગીત સંભળાવ.’ હાથી ઊભો રહ્યો. ધીર અને ગંભીર. દેવચકલી ગાવા લાગી.